સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૮

યહોવા અને ભાઈ-બહેનો માટે ગાઢ પ્રેમ રાખીએ

યહોવા અને ભાઈ-બહેનો માટે ગાઢ પ્રેમ રાખીએ

‘હું મારા પિતા અને તમારા પિતા પાસે જાઉં છું.’—યોહા. ૨૦:૧૭.

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

ઝલક *

૧. વફાદાર ભક્તો યહોવા સાથે કેવો સંબંધ કેળવી શકે છે?

યહોવાના કુટુંબમાં “આખી સૃષ્ટિમાં પ્રથમ જન્મેલા” ઈસુ અને લાખો-કરોડો સ્વર્ગદૂતો છે. (કોલો. ૧:૧૫; ગીત. ૧૦૩:૨૦) ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે જણાવ્યું કે યહોવા વફાદાર ઈશ્વરભક્તોના પિતા છે. એટલે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે યહોવા “મારા પિતા અને તમારા પિતા” છે. (યોહા. ૨૦:૧૭) યહોવાના કુટુંબમાં દુનિયા ફરતેનાં આપણાં ભાઈ-બહેનો છે. આપણે યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે એ કુટુંબનો ભાગ બનીએ છીએ.—માર્ક ૧૦:૨૯, ૩૦.

૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

યહોવાને પ્રેમાળ પિતા માનવા અમુક લોકોને અઘરું લાગે છે. કેટલાક એવા છે જેઓ ભાઈ-બહેનોને પ્રેમ તો કરે છે, પણ તેઓને એ પ્રેમ બતાવવો અઘરું લાગે છે. આ લેખમાં આપણે ઈસુ પાસેથી શીખીશું કે કઈ રીતે યહોવાને પ્રેમાળ પિતા માની શકીએ અને તેમની નજીક જઈ શકીએ. એ પણ જોઈશું કે આપણે કઈ રીતે યહોવાની જેમ ભાઈ-બહેનોને પ્રેમ કરી શકીએ.

યહોવા ચાહે છે કે આપણે તેમની નજીક જઈએ

૩. ઈસુએ શીખવેલી પ્રાર્થનામાંથી શું જાણવા મળે છે?

યહોવા કઠોર પિતા નથી, તે તો પ્રેમાળ પિતા છે. આપણે ગમે ત્યારે તેમની પાસે જઈ શકીએ છીએ અને વાત કરી શકીએ છીએ. એટલે ઈસુએ શિષ્યોને પ્રાર્થના શીખવતી વખતે યહોવાને “અમારા પિતા” કહીને બોલાવ્યા. (માથ. ૬:૯) બાઇબલમાં યહોવાને “સર્વશક્તિમાન,” “સર્જનહાર” અને “સનાતન યુગોના રાજા” કહ્યા છે. (ઉત. ૪૯:૨૫; યશા. ૪૦:૨૮; ૧ તિમો. ૧:૧૭) પણ ઈસુએ એ શબ્દો વાપર્યા નહિ, તેમણે તો પ્રેમથી યહોવાને “પિતા” કહીને બોલાવ્યા.

૪. બાઇબલમાં શું ઉત્તેજન આપ્યું છે?

ઘણાને નાનપણમાં પિતાનો પ્રેમ મળ્યો નથી, એટલે યહોવાને પ્રેમાળ પિતા માનવા તેઓને અઘરું લાગે છે. શું તમને પણ એવું લાગે છે? ભરોસો રાખો કે યહોવા તમારી મૂંઝવણ સમજે છે. બાઇબલમાં ઉત્તેજન આપ્યું છે કે “તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.” (યાકૂ. ૪:૮) યહોવા આપણને પ્રેમ કરે છે, તે આપણા માટે સૌથી સારા પિતા છે.

૫. લૂક ૧૦:૨૨ પ્રમાણે આપણે કઈ રીતે યહોવાની નજીક જઈ શકીએ?

આપણે ઈસુની મદદથી યહોવાની નજીક જઈ શકીએ છીએ. ઈસુ યહોવાને સૌથી સારી રીતે જાણે છે. યહોવામાં જે ગુણો છે એ જ ગુણો ઈસુમાં છે. એટલે ઈસુએ કહ્યું, “જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.” (યોહા. ૧૪:૯) એક મોટા ભાઈની જેમ, ઈસુએ આપણને શીખવ્યું છે કે પિતાને કઈ રીતે આદર આપવો જોઈએ, તેમની આજ્ઞા પાળવી જોઈએ અને તેમને ખુશ કરવા જોઈએ. તેમણે પૃથ્વી પરના જીવન દરમિયાન બતાવી આપ્યું કે યહોવા કેટલા પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર છે.—લૂક ૧૦:૨૨ વાંચો.

એક પ્રેમાળ પિતાની જેમ યહોવાએ સ્વર્ગદૂત દ્વારા ઈસુની હિંમત બંધાવી (ફકરો ૬ જુઓ) *

૬. યહોવાએ કઈ રીતે ઈસુનું સાંભળ્યું? દાખલો આપો.

યહોવા પોતાનાં બાળકોની વાત સાંભળે છે. ચાલો જોઈએ કે યહોવાએ પોતાના પ્રથમ જન્મેલા દીકરાની વાત કઈ રીતે સાંભળી. ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે ઘણી વાર યહોવાને પ્રાર્થના કરી અને યહોવાએ તેમની વાત સાંભળી. (લૂક ૫:૧૬) દાખલા તરીકે ૧૨ શિષ્યોને પસંદ કરવાનો નિર્ણય ઘણો મહત્ત્વનો હતો. એ સમયે ઈસુએ યહોવાને પ્રાર્થના કરી અને યહોવાએ તેમની વાત સાંભળી. (લૂક ૬:૧૨, ૧૩) મરણની એક રાત પહેલાં ઈસુ ઘણી ચિંતામાં હતા. કારણ કે બહુ જલદી તે કપરા સંજોગોનો સામનો કરવાના હતા. એટલે તેમણે યહોવાને પ્રાર્થનામાં કાલાવાલા કર્યા. એ સમયે યહોવાએ ઈસુની પ્રાર્થના સાંભળી. એટલું જ નહિ તેમની હિંમત વધારવા એક સ્વર્ગદૂતને પણ મોકલ્યા.—લૂક ૨૨:૪૧-૪૪.

૭. યહોવા આપણી પ્રાર્થનાઓ સાંભળે છે એ જાણીને તમને કેવું લાગે છે?

આજે પણ યહોવા આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. તે ખરા સમયે એનો જવાબ આપે છે અને એ પણ સૌથી સારી રીતે. (ગીત. ૧૧૬:૧, ૨) ભારતમાં રહેતાં એક બહેન વિશે જોઈએ. તે ઘણાં ચિંતામાં રહેતાં હતાં અને તેમણે યહોવાને ઘણી વાર પ્રાર્થનામાં કાલાવાલા કર્યાં. તે જણાવે છે: “યહોવાએ મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો. મે ૨૦૧૯ના JW બ્રૉડકાસ્ટિંગમાં જણાવ્યું હતું કે ચિંતાઓનો સામનો કઈ રીતે કરી શકીએ. એ કાર્યક્રમ ખરેખર સમયસરનો હતો.”

૮. યહોવાએ કઈ રીતોએ બતાવ્યું કે તે ઈસુને પ્રેમ કરે છે?

યહોવા જેમ ઈસુને પ્રેમ કરે છે તેમ પોતાનાં બધાં બાળકોને પ્રેમ કરે છે અને તેઓની સંભાળ રાખે છે. ઈસુ ધરતી પર હતા ત્યારે યહોવાએ તેમનું ધ્યાન રાખ્યું. (યોહા. ૫:૨૦) ઈસુ દુઃખી હતા ત્યારે યહોવાએ તેમની હિંમત બંધાવી અને તેમની શ્રદ્ધા વધારી. યહોવાએ તેમની બીજી જરૂરિયાતો પણ પૂરી કરી. ઘણી વાર યહોવાએ જાહેરમાં પોતાના દીકરાને જણાવ્યું કે તે તેમને પ્રેમ કરે છે. (માથ. ૩:૧૬, ૧૭) ઈસુને ક્યારેય એકલું લાગ્યું નહિ, કારણ કે તે જાણતા હતા કે તેમના પ્રેમાળ પિતા તેમની પડખે છે.—યોહા. ૮:૧૬.

૯. શા પરથી કહી શકાય કે યહોવા આપણને પ્રેમ કરે છે?

ઈસુની જેમ આપણે પણ ઘણી વાર યહોવાનો પ્રેમ અનુભવ્યો છે. યહોવા આપણને પોતાની તરફ દોરી લાવ્યા છે અને ભાઈ-બહેનોથી બનેલું મોટું કુટુંબ આપ્યું છે. (યોહા. ૬:૪૪) એ ભાઈ-બહેનો સાથે રહીને આપણને ઘણી ખુશી થાય છે. તેઓ મુશ્કેલીઓમાં આપણી હિંમત વધારે છે. યહોવા આપણને શ્રદ્ધામાં મજબૂત રહેવા મદદ કરે છે. તે આપણી બીજી જરૂરિયાતો પણ પૂરી પાડે છે. (માથ. ૬:૩૧, ૩૨) યહોવા આપણને કેટલો પ્રેમ કરે છે, એ વિશે વિચારીએ છીએ ત્યારે તેમના માટેનો આપણો પ્રેમ પણ વધતો જાય છે.

યહોવાની જેમ ભાઈ-બહેનોને પ્રેમ કરીએ

૧૦. આપણે કોના પગલે ચાલીને ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો જોઈએ?

૧૦ યહોવા ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરે છે. પણ ઘણી વાર આપણા માટે એવો પ્રેમ બતાવવો અઘરું હોય છે. આપણે અલગ અલગ સમાજમાંથી આવીએ છીએ અને ડગલે ને પગલે ભૂલો કરીએ છીએ. એટલે આપણાથી બીજાઓના દિલને ઠેસ પહોંચી શકે છે. તેમ છતાં આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરવો જોઈએ. એ વિશે યહોવા પાસેથી શીખી શકીએ છીએ.—એફે. ૫:૧, ૨; ૧ યોહા. ૪:૧૯.

૧૧. યહોવાની જેમ ઈસુએ કઈ રીતે કરુણા બતાવી?

૧૧ યહોવા ‘કરુણાના’ ઈશ્વર છે. (લૂક ૧:૭૮) ઈસુમાં પણ એ ગુણ હતો. એટલે તે લોકોની તકલીફ જોઈ શક્યા અને તેઓને મદદ કરવા પગલાં પણ ભરી શક્યા. (યોહા. ૫:૧૯) એક વાર “લોકોનાં ટોળાં જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું. કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંની જેમ હેરાન થયેલા અને નિરાધાર હતા.” (માથ. ૯:૩૬) ઈસુ બીમાર લોકોને સાજા કરતા, એટલું જ નહિ તે ‘થાકી ગયેલા અને બોજથી દબાયેલા લોકોને’ પણ મદદ કરતા.—માથ. ૧૧:૨૮-૩૦; ૧૪:૧૪.

યહોવાની જેમ ભાઈ-બહેનો માટે કરુણા બતાવીએ અને ઉદાર બનીએ (ફકરા ૧૨-૧૪ જુઓ) *

૧૨. આપણે કઈ રીતે ભાઈ-બહેનોને કરુણા બતાવી શકીએ?

૧૨ આપણે પણ ભાઈ-બહેનોને કરુણા બતાવવી જોઈએ. એવું ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે તેમના સંજોગો સમજીશું. દાખલા તરીકે, એક બહેન ખૂબ બીમાર છે. પણ તે ક્યારેય એના વિશે રોદણાં રડતા નથી. જોકે તેમને બીજાઓની મદદની જરૂર પડી શકે. શું આપણે તેમને જમવાનું બનાવવામાં અને ઘરની સાફ-સફાઈ કરવામાં મદદ કરી શકીએ? બીજા એક ભાઈની નોકરી છૂટી ગઈ છે. તેમને બીજી નોકરી ન મળે ત્યાં સુધી તેમનું ગુજરાન ચાલે માટે શું આપણે તેમની જાણ બહાર અમુક પૈસા આપી શકીએ?

૧૩-૧૪. આપણે કઈ રીતે યહોવાની જેમ ઉદાર બની શકીએ?

૧૩ યહોવા ઉદાર છે. (માથ. ૫:૪૫) આપણે માંગીએ એ પહેલાં તે આપણને સારી વસ્તુઓ પૂરી પાડે છે. દાખલા તરીકે, આપણને બધાને સૂર્યની જરૂર છે. પણ આપણે માંગીએ એ પહેલાં તે દરરોજ સૂર્યને ઉગાડે છે. અરે, તેમની કદર નથી કરતા તેઓ પર પણ ઉગાડે છે. આમ આપણે યહોવાનો પ્રેમ અને ઉદારતા જોઈ શકીએ છીએ. આપણે યહોવા જેવા બનવું જોઈએ. ભાઈ-બહેનો આપણી મદદ માંગે એ પહેલાં આપણે તેઓની મદદ કરવી જોઈએ.

૧૪ સાલ ૨૦૧૩માં ફિલિપાઇન્સમાં હૈયાન નામનું વાવાઝોડું ત્રાટક્યું. ઘણાં ભાઈ-બહેનોએ ઘરબાર ગુમાવ્યા. અલગ અલગ દેશનાં ભાઈ-બહેનોએ તેઓને ઘણી મદદ કરી. અમુક ભાઈ-બહેનોએ પૈસાનું દાન કર્યું અને અમુકે બાંધકામમાં મદદ કરી. એટલે એક વર્ષમાં આશરે ૭૫૦ જેટલાં મકાનોનું સમારકામ કરવામાં આવ્યું કે પછી ફરીથી બાંધવામાં આવ્યા. કોવિડ-૧૯ મહામારીમાં પણ ભાઈ-બહેનોએ એકબીજાની મદદ કરી. આપણે ભાઈ-બહેનોને તરત મદદ કરીએ છીએ ત્યારે, તેઓ જોઈ શકે છે કે આપણે તેઓને કેટલો પ્રેમ કરીએ છીએ.

૧૫-૧૬. લૂક ૬:૩૬ પ્રમાણે આપણે યહોવા જેવા બનવા શું કરવું જોઈએ?

૧૫ યહોવા દયાના સાગર છે અને આપણને માફ કરે છે. (લૂક ૬:૩૬ વાંચો.) આપણે દરરોજ કોઈ ને કોઈ ભૂલ કરીએ છીએ. પણ યહોવા આપણને માફ કરે છે. (ગીત. ૧૦૩:૧૦-૧૪) ઈસુ પણ દયાળુ છે. તેમના શિષ્યોએ ડગલે ને પગલે ભૂલો કરી પણ ઈસુએ તેઓને માફ કર્યા. અરે, આપણને પાપની ગુલામીમાંથી છોડાવવા તો તેમણે પોતાનો જીવ આપી દીધો. (૧ યોહા. ૨:૧, ૨) યહોવા અને ઈસુ જે રીતે આપણા પર દયા બતાવે છે, એ જોઈને તો આપણે તેઓની વધારે નજીક આવીએ છીએ. ખરું ને?

૧૬ આપણે ‘એકબીજાને દિલથી માફ કરવા’ જોઈએ. (એફે. ૪:૩૨) એમ કરીશું તો ભાઈ-બહેનો માટે આપણો પ્રેમ ગાઢ બનશે. જોકે અમુક વાર એમ કરવું અઘરું હોય છે, તેમ છતાં પ્રયત્ન કરવો જોઈએ. એક બહેને એવું જ કર્યું. તેમણે ચોકીબુરજનો આ લેખ વાંચ્યો “એકબીજાને દિલથી માફ કરો.” * એનાથી તેમને ઘણી મદદ મળી. તે કહે છે, “એ લેખથી મને સમજવા મદદ મળી કે બીજાઓને માફ કરવામાં મારું જ ભલું છે. એમાં બતાવ્યું છે, માફ કરવાનો અર્થ એ નથી કે આપણે બીજાઓનાં ખોટાં કામને ચલાવી લઈએ છીએ કે તેઓના કામથી આપણને દુઃખ પહોંચ્યું નથી. પણ એનો અર્થ થાય કે આપણે તેઓ માટે મનમાં ખાર ભરી રાખતા નથી અને મનની શાંતિ જાળવીએ છીએ.” આપણે ભાઈ-બહેનોને માફ કરીને બતાવીએ છીએ કે તેઓને દિલથી પ્રેમ કરીએ છીએ અને યહોવા જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ.

આપણાં પિતા અને ભાઈ-બહેનોની કદર કરીએ

આખી દુનિયામાં રહેતાં ભાઈ-બહેનોને નાના-મોટા સૌ પ્રેમ કરે છે (ફકરો ૧૭ જુઓ) *

૧૭. માથ્થી ૫:૧૬ પ્રમાણે આપણે કઈ રીતે યહોવાનો મહિમા કરી શકીએ?

૧૭ ખુશીની વાત છે કે આપણે એવા કુટુંબનો ભાગ છીએ, જેના સભ્યો આખી દુનિયામાં ફેલાયેલા છે. આપણે ચાહીએ છીએ કે વધુ ને વધુ લોકો આ કુટુંબનો ભાગ બને. એટલે આપણે ધ્યાન રાખીએ કે આપણાં કાર્યથી યહોવા કે તેમના લોકોનું નામ ખરાબ ન થાય. આપણાં વાણી-વર્તન સારાં રાખીએ જેથી લોકો યહોવા વિશે શીખવા પ્રેરાય.—માથ્થી ૫:૧૬ વાંચો.

૧૮. હિંમતથી પ્રચાર કરવા કોણ આપણી મદદ કરે છે?

૧૮ આપણે યહોવા વિશે લોકોને જણાવીએ ત્યારે અમુક લોકો આપણને સતાવે કે એલફેલ બોલે છે. એવા સમયે ડરીએ નહિ, યહોવા અને ઈસુ આપણી મદદ કરશે. ઈસુએ શિષ્યોને જણાવ્યું હતું કે એવું થાય ત્યારે શું બોલવું એની ચિંતા ન કરો. શા માટે? ઈસુએ કહ્યું, “તમારે જે કહેવાનું છે એ તમને એ સમયે જણાવવામાં આવશે. એ માટે કે બોલનાર ફક્ત તમે જ નથી, પણ તમારા પિતાની પવિત્ર શક્તિ તમારા દ્વારા બોલે છે.”—માથ. ૧૦:૧૯, ૨૦.

૧૯. રોબર્ટભાઈએ કઈ રીતે હિંમતથી સાક્ષી આપી?

૧૯ ચાલો દક્ષિણ આફ્રિકામાં રહેતા રોબર્ટભાઈનો દાખલો જોઈએ. તેમણે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું કે તરત તેમને સેનામાં ભરતી થવાનું કહેવામાં આવ્યું. તેમણે ના પાડી એટલે કોર્ટમાં જવું પડ્યું. ભાઈએ જજને કહ્યું કે તે કોઈનો પક્ષ નહિ લે. કારણ કે તે પોતાનાં બધાં ભાઈ-બહેનોને પ્રેમ કરે છે. જજે અચાનક પૂછ્યું કે “તમારાં ભાઈ-બહેનો કોણ છે?” રોબર્ટભાઈને એ દિવસનું દૈનિક વચન યાદ આવ્યું, જે માથ્થી ૧૨:૫૦માંથી હતું. એમાં લખ્યું છે, “જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તે મારો ભાઈ, મારી બહેન અને મારી મા છે.” ભાઈએ વિચાર્યું ન હતું કે જજ ઘણા સવાલો કરશે. તેમણે તો હમણાં જ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું હતું, પણ યહોવાની પવિત્ર શક્તિની મદદથી તે જજને જવાબ આપી શક્યા. ભાઈએ જે રીતે હિંમત બતાવી એનાથી ચોક્કસ યહોવાનું દિલ ખુશીથી ઊભરાઈ ગયું હશે. આપણે પણ યહોવામાં ભરોસો રાખીએ છીએ અને હિંમતથી સાક્ષી આપીએ છીએ ત્યારે તેમની ખુશી સમાતી નથી.

૨૦. આપણે શું કરવાની મનમાં ગાંઠ વાળવી જોઈએ? (યોહા. ૧૭:૧૧, ૧૫)

૨૦ આપણે એવા કુટુંબનો ભાગ છીએ જ્યાં બધા એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. એ જાણીને આપણા દિલને કેટલી ઠંડક મળે છે. આપણા પિતા યહોવા દુનિયાના સૌથી સારા પિતા છે. એટલે આપણે એ કુટુંબની કદર કરવી જોઈએ. શેતાન અને તેના સાથીદારો ચાહે છે કે આપણે યહોવાના પ્રેમ પર શંકા કરીએ અને કુટુંબ વચ્ચેની એકતા તૂટી જાય. આપણી સંભાળ રાખવા અને કુટુંબની એકતા જાળવી રાખવા ઈસુએ યહોવાને પ્રાર્થના કરી હતી. (યોહાન ૧૭:૧૧, ૧૫ વાંચો.) યહોવા આજે પણ એ પ્રાર્થનાનો જવાબ આપી રહ્યા છે. આપણે ક્યારેય એવું ન વિચારીએ કે યહોવા આપણી મદદ નહિ કરે. ઈસુએ ક્યારેય યહોવાના પ્રેમ પર શંકા કરી નહિ. આપણે પણ તેમના પગલે ચાલીએ. એટલે ચાલો યહોવા અને ભાઈ-બહેનોની નજીક રહેવાની મનમાં ગાંઠ વાળીએ.

ગીત ૩૧ અમે યહોવાના સાક્ષી

^ ફકરો. 5 આપણને બધાને એક મોટા કુટુંબનો ભાગ બનવાનો લહાવો મળ્યો છે. એ કુટુંબમાં બધાં ભાઈ-બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. આપણે ચાહીએ છીએ કે એ પ્રેમનું બંધન વધુ મજબૂત થાય. કઈ રીતે? આપણે યહોવા પાસેથી શીખી શકીએ. જેમ યહોવા આપણને પ્રેમ કરે છે તેમ આપણે પણ ભાઈ-બહેનોને પ્રેમ કરીએ. એ વિશે આપણે ઈસુ અને ભાઈ-બહેનો પાસેથી પણ શીખી શકીએ છીએ.

^ ફકરો. 57 ચિત્રની સમજ: યહોવાએ ઈસુની હિંમત વધારવા ગેથશેમાને બાગમાં એક સ્વર્ગદૂતને મોકલ્યા.

^ ફકરો. 59 ચિત્રની સમજ: કોવિડ-૧૯ મહામારી દરમિયાન અમુક ભાઈ-બહેનોએ બીજાઓને ખાવા-પીવાની વસ્તુઓ પહોંચાડવા ખૂબ મહેનત કરી.

^ ફકરો. 61 ચિત્રની સમજ: જેલમાં એક ભાઈની હિંમત બંધાવવા એક છોકરી કંઈક બનાવી રહી છે. તેની મમ્મી તેને મદદ કરી રહી છે.