સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

જીવનમાં સાચી ખુશીની શોધ

જીવનમાં સાચી ખુશીની શોધ

ભૂમધ્ય સમુદ્રની વચ્ચોવચ હું એક હોડીમાં હતો. અચાનક અમારી હોડીમાં પાણી ભરાવા લાગ્યું. અધૂરામાં પૂરું મોટું તોફાન આવ્યું. મારા તો હાંજા ગગડી ગયા. એ સમયે મેં વર્ષો પછી પ્રાર્થના કરી. પણ ઊભા રહો, તમને થશે કે હું હોડીમાં કેવી રીતે આવ્યો? ચાલો શરૂઆતથી જણાવું.

હું ૭ વર્ષનો હતો ત્યારે મારું કુટુંબ બ્રાઝિલમાં રહેતું હતું

મારો જન્મ ૧૯૪૮માં નેધરલૅન્ડમાં થયો. બીજે જ વર્ષે અમારું કુટુંબ બ્રાઝિલના સાઓ પાઊલો શહેરમાં રહેવા ગયું. પછી ૧૯૫૯માં અમે અમેરિકાના મેસેચ્યુસેટ્‌સ રાજ્યમાં રહેવા ગયા. મમ્મી-પપ્પા નિયમિત ચર્ચમાં જતાં. અમે ઘણી વાર રાતે જમ્યા પછી બાઇબલ વાંચતાં.

અમે આઠ લોકો હતા, એટલે કુટુંબનું ભરણપોષણ કરવા પપ્પાએ ઘણી મહેનત કરવી પડતી. તે ક્યારેક સેલ્સમેનની નોકરી કરતા તો ક્યારેક રસ્તો બનાવવાની. પછી તેમને એક આંતરરાષ્ટ્રીય એરલાઇનમાં નોકરી મળી. એ નોકરીથી ઘરમાં બધા ઘણા ખુશ હતા, કેમ કે હવે અમે અલગ અલગ જગ્યાએ ફરવા જઈ શકતા હતા.

હું સ્કૂલમાં હતો ત્યારે વિચારતો કે મોટો થઈને શું બનીશ. મારા અમુક દોસ્તો યુનિવર્સિટીમાં ભણવા ગયા. બીજા કેટલાક સેનામાં ભરતી થઈ ગયા. પણ મારે સેનામાં જવું ન હતું. લડાઈ તો દૂરની વાત, મને તો ઝઘડો કરવોય ગમતું ન હતું. એટલે મેં યુનિવર્સિટી જવાનું નક્કી કર્યું. પણ મારા દિલના એક ખૂણે બીજાઓને મદદ કરવાની ઇચ્છા હતી. મને થતું કે સમાજ સેવા કરવાથી જ જીવનમાં સાચી ખુશી મળશે.

યુનિવર્સિટીમાં ખુશીની શોધ

વર્ષો સુધી હું સાચી ખુશીની શોધ કરતો રહ્યો

યુનિવર્સિટીમાં મેં માનવશાસ્ત્ર ભણવાનું નક્કી કર્યું. કેમ કે હું જાણવા માંગતો હતો કે જીવનની શરૂઆત કેવી રીતે થઈ. અમને ત્યાં શીખવવામાં આવતું કે બધું આપોઆપ આવી ગયું. એમાંની ઘણી વાતો મને ધડ-માથા વગરની લાગતી. પણ અમને દબાણ કરવામાં આવતું કે જે કંઈ શીખવવામાં આવે એ બસ આંખો મીંચીને માની લેવાનું.

યુનિવર્સિટીમાં અમને ખરું-ખોટું પારખવાનું શીખવવામાં આવતું ન હતું. પણ કહેવામાં આવતું કે કોઈ પણ ભોગે અમારે પરીક્ષામાં સફળ થવાનું છે. હું પાર્ટીઓમાં જતો અને ડ્રગ્સ લેતો. મને ખુશી તો મળતી, પણ એ પળ બે પળની જ હતી. એટલે હું વિચારતો ‘શું આને જ સાચી ખુશી કહેવાય?’

પછી હું બોસ્ટન ગયો. ત્યાંની એક યુનિવર્સિટીમાં ભણવા લાગ્યો. ફી ભરવા હું રજાઓમાં નોકરી કરતો. એ સમયે હું પહેલી વાર એક યહોવાના સાક્ષીને મળ્યો. એ ભાઈ મારી સાથે કામ કરતો હતો. તેણે મને દાનિયેલ અધ્યાય ૪માં આપેલી “સાત સમયો” વિશેની ભવિષ્યવાણી સમજાવી. તેણે કહ્યું કે આજે આપણે દુનિયાના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. (દાનિ. ૪:૧૩-૧૭) હું સમજી ગયો કે ભાઈની વાત તો સાચી છે, પણ જો એમાં માનું તો મારેય ફેરફારો કરવા પડે. જોકે હું એમ કરવા માંગતો ન હતો. એટલે એ ભાઈથી દૂર રહેવા લાગ્યો.

હું દક્ષિણ અમેરિકા જઈને લોકોની સેવા કરવા માંગતો હતો. એટલે મેં યુનિવર્સિટીમાં એને લગતા અમુક કોર્સ કર્યા. મને થતું કે સમાજ સેવા કરવાથી જ જીવનમાં સાચી ખુશી મળશે. પણ ક્યાંય મને સાચી ખુશી મળી નહિ. એટલે મેં અધવચ્ચે જ ભણવાનું છોડી દીધું.

બીજા દેશોમાં ખુશીની શોધ

મે ૧૯૭૦માં હું નેધરલૅન્ડના ઍમ્સ્ટરડૅમ શહેરમાં રહેવા ગયો. હું ત્યાં એ જ એરલાઇનમાં કામ કરવા લાગ્યો જ્યાં પપ્પા પહેલાં કામ કરતા હતા. એ નોકરીના લીધે હું આફ્રિકા, અમેરિકા, યુરોપ અને એશિયાના અલગ અલગ દેશોમાં જઈ શક્યો. એ બધા દેશોમાં મુશ્કેલીઓનો કોઈ પાર ન હતો. કોઈની પાસે એનો ઉકેલ પણ ન હતો. એ બધું જોઈને મને કંઈક કરવાની પાછી ઇચ્છા જાગી. એટલે હું ફરી અમેરિકા જઈને બોસ્ટનની એ જ યુનિવર્સિટીમાં ભણવા લાગ્યો.

મારા મનમાં જીવનને લગતા હજી ઘણા સવાલો હતા, જેના મારી પાસે જવાબો ન હતા. હું શું કરું એ જ સમજાતું ન હતું. એટલે મેં પ્રોફેસરને મારા દિલની વાત કહી. તેમણે મને કહ્યું, “તું શું કામ અહીં ભણે છે? છોડી દે.” એ સાંભળતા જ મેં તરત ભણવાનું છોડી દીધું. એ પછી હું ક્યારેય યુનિવર્સિટી તરફ પાછો ફરક્યો નહિ.

મારા જીવનમાં હજી કંઈ ખૂટતું હતું. એટલે હું એવા લોકો સાથે જોડાયો, જે સમાજના નિયમોને પાળતા ન હતા. પણ પ્રેમ અને શાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરતા હતા. પછી મેં અમુક દોસ્તો સાથે અમેરિકાથી લઈને મેક્સિકોના અકાપુલ્કો સુધી મુસાફરી કરી. ત્યાં હું હિપ્પીઓ સાથે રહેવા લાગ્યો. તેઓને કોઈ ચિંતા ન હતી. દુનિયાથી સાવ બેફિકર બનીને જીવતા હતા. ત્યાં રહીને લાગ્યું કે આવા જીવનથી પણ મને સાચી ખુશી મળવાની નથી. કેમ કે ત્યાંય મને ઇમાનદારી કે વફાદારી જોવા ન મળી.

દરિયાઈ સફરમાં ખુશીની શોધ

મારા દોસ્ત સાથે સુંદર ટાપુની શોધમાં નીકળ્યો

પછી મેં વિચાર્યું કે મારા નાનપણનું સપનું પૂરું કરું. મારું સપનું હતું કે હું એક વહાણનો કપ્તાન બનું અને દુનિયાની સેર કરું. પણ એ સપનું પૂરું કરવા મારી પાસે એક હોડી તો હોવી જોઈએ ને! મારા એક દોસ્ત ટોમનાં સપનાઓ પણ મારા જેવાં જ હતાં. એટલે અમે વિચાર્યું કે સાથે મળીને દુનિયાની સેર કરીશું. અમે સમાજના નિયમોથી દૂર એક સુંદર ટાપુની શોધમાં નીકળી પડ્યા.

હું અને ટોમ સ્પેનના બાર્સિલોના નજીક એરેનીસ દે માર નામની જગ્યાએ ગયા. ત્યાં અમે ૩૧ ફૂટ લાંબી હોડી ખરીદી. એ હોડીનું નામ લાઈગ્રા હતું. અમે હોડીનું સમારકામ કર્યું, જેથી દરિયામાં સફર કરી શકીએ. અમને ક્યાંય પહોંચવાની ઉતાવળ ન હતી. એટલે હોડીનું એન્જિન કાઢીને ત્યાં વધારે પીવાનું પાણી મૂક્યું. નાનાં નાનાં બંદરો પર પહોંચવા ૧૬ ફૂટ લાંબાં હલેસાં ખરીદ્યાં. એના પછી હિન્દ મહાસાગરમાં સીશલ્સ માટે નીકળી પડ્યા. અમે વિચાર્યું કે આફ્રિકાના પશ્ચિમ કિનારે કિનારે થઈને દક્ષિણ આફ્રિકાના કેપ ઑફ ગુડ હોપ સુધી જઈશું. પછી ત્યાંથી આગળ વધીશું. અમે દિશા શોધવા તારા, નકશા, પુસ્તકો અને નાનાં નાનાં સાધનોનો ઉપયોગ કરતા. નવાઈની વાત હતી કે એ સાધનોની મદદથી પારખી શકતા કે અમે ક્યાં છીએ.

થોડી દૂર પહોંચ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે આ હોડી દરિયામાં ટકી નહિ શકે. એમાં એક કાણું હતું, એના લીધે દર કલાકે હોડીમાં આશરે ૨૨ લિટર પાણી ભરાતું હતું. અધૂરામાં પૂરું મોટું તોફાન આવ્યું. શરૂઆતમાં કહ્યું તેમ હું એ તોફાનથી પણ ઘણો ડરી ગયો હતો. મેં ઘણાં વર્ષો પછી પ્રાર્થના કરી. મેં ઈશ્વરને વચન આપ્યું કે જો હું બચી જઈશ તો તેમને ઓળખવાનો પ્રયત્ન કરીશ. તોફાન શાંત થયું અને મેં મારું વચન નિભાવ્યું.

મેં ભૂમધ્ય સમુદ્રની વચ્ચોવચ બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. હું તો જાણે કુદરતના ખોળામાં બેઠો હતો, ચારે બાજુ પાણી જ પાણી હતું. આજુબાજુ માછલીઓ ઊછળી રહી હતી. રાત્રે આકાશમાં જોયું તો તારાઓ ચમકી રહ્યા હતા. એ જોઈને મને પાકી ખાતરી થઈ કે સાચે જ એક ઈશ્વર છે, જેમને માણસોની ચિંતા છે.

સમુદ્રમાં અમુક અઠવાડિયા વિતાવ્યા પછી, અમે સ્પેનના એલિકાન્ટે બંદર પહોંચ્યા. અમે વિચાર્યું કે અમારી જૂની હોડી વેચીને બીજી સારી હોડી ખરીદીશું. પણ અમારી આ જૂની, એન્જિન વગરની અને કાણાવાળી હોડી કોણ ખરીદે? એટલે મને થયું કે કોઈ ખરીદનાર ન મળે ત્યાં સુધી બાઇબલ વાંચું.

મેં બાઇબલ વાંચવાનું શરૂ કર્યું ત્યારે મને અહેસાસ થયો કે એમાં લખેલી વાતો પ્રમાણે કરીને જીવનમાં ખુશ રહી શકાય છે. મને એ જાણીને નવાઈ લાગી કે બાઇબલમાં તો સાફ શબ્દોમાં લખ્યું છે કે ગંદા ચાલ-ચલણથી દૂર રહેવું જોઈએ. મને થતું કે ઘણા લોકો પોતાને ખ્રિસ્તી તો કહે છે પણ બાઇબલ પ્રમાણે કરતા નથી. અરે, હું પણ એમાંનો એક હતો.

મેં નક્કી કરી લીધું કે પોતાનામાં ફેરફાર કરીશ. એટલે મેં ડ્રગ્સ લેવાનું છોડી દીધું. મને ભરોસો હતો કે એવા લોકો તો હોવા જ જોઈએ, જે બાઇબલનાં ઉચ્ચ ધોરણો પ્રમાણે ચાલતા હોય. મારે તેઓને મળવું હતું. મેં બીજી વખત ઈશ્વરને પ્રાર્થના કરી અને કહ્યું કે તેઓને શોધવા મને મદદ કરે.

સાચા ધર્મની શોધ

મેં વિચાર્યું કે સાચો ધર્મ શોધવા હું એક એક કરીને બધા ધર્મોની તપાસ કરીશ. એલિકાન્ટેની ગલીઓમાં ફરતો હતો ત્યારે, મેં ઘણાં ધાર્મિક સ્થળો જોયાં. પણ ત્યાં મને મૂર્તિઓ દેખાઈ. એ જોઈને હું સમજી ગયો કે એ ધર્મો સાચા હોઈ જ ન શકે.

રવિવારની એક બપોરે હું નાની ટેકરી પર બેઠો હતો. ત્યાંથી મને બંદરના કિનારે હોડીઓ દેખાતી હતી. હું યાકૂબ ૨:૧-૫ વાંચી રહ્યો હતો, એમાં લખ્યું છે કે આપણે કોઈના પૈસા જોઈને પક્ષ ન લેવો જોઈએ. હું પાછો હોડી પાસે જતો હતો ત્યારે રસ્તામાં મને એક ધાર્મિક સભાઘર જેવું કંઈક દેખાયું. ત્યાં બોર્ડ માર્યું હતું “યહોવાના સાક્ષીઓનું પ્રાર્થનાઘર.”

મેં વિચાર્યું, ‘જોઉં તો ખરો કે એ લોકો મારી સાથે કઈ રીતે વર્તે છે.’ એટલે મેં ફાટેલું જીન્સ પહેર્યું અને દાઢી કર્યા વગર ખુલ્લા પગે પ્રાર્થનાઘરમાં ગયો. એક ભાઈએ મને મોટી ઉંમરનાં બહેનની બાજુમાં બેસાડ્યો. વક્તા જે પણ કલમ જણાવતા એને મારા બાઇબલમાંથી શોધવા એ બહેન મને મદદ કરતા. સભા પછી લોકો મને પ્રેમથી મળવા આવ્યા. એ જોઈને મને ઘણી નવાઈ લાગી. એક ભાઈએ તો મને બાઇબલની ચર્ચા કરવા તેમના ઘરે બોલાવ્યો. પણ ત્યાં સુધી મેં આખું બાઇબલ વાંચ્યું ન હતું, એટલે મેં કહ્યું, “આજે નહિ, બીજા કોઈ દિવસે.” પણ મેં સભાઓમાં જવાનું ચાલુ રાખ્યું.

અમુક અઠવાડિયા પછી હું એ ભાઈના ઘરે ગયો, જેમણે મને તેમના ઘરે બોલાવ્યો હતો. તેમણે બાઇબલમાંથી મારા સવાલોના જવાબ આપ્યા. એના એક અઠવાડિયા પછી તેમણે મને બેગ ભરીને સારાં કપડાં આપ્યાં. તેમણે કહ્યું કે એ કપડાં એક ભાઈના છે જે હમણાં જેલમાં છે. એ ભાઈને જેલ થઈ કેમ કે તેમણે બાઇબલની આજ્ઞા પાળી કે એકબીજાને પ્રેમ કરો અને યુદ્ધ ન કરો. (યશા. ૨:૪; યોહા. ૧૩:૩૪, ૩૫) એ સાંભળીને મને પાકી ખાતરી થઈ કે જે લોકોને હું શોધતો હતો એ યહોવાના સાક્ષીઓ જ છે. તેઓ બાઇબલનાં ઉચ્ચ ધોરણો પાળે છે. હવે મારે કોઈ સુંદર ટાપુ શોધવો ન હતો, પણ બાઇબલમાંથી વધારે શીખવું હતું. એટલે હું પાછો નેધરલૅન્ડ જતો રહ્યો.

નોકરીની શોધ

ચાર દિવસની મુસાફરી કરીને હું નેધરલૅન્ડના ગ્રોનિનગન શહેરમાં પહોંચ્યો. મારે રોજી-રોટી કમાવા એક નોકરીની જરૂર હતી. એટલે મેં એક સુથારને ત્યાં નોકરી કરવા ફોર્મ ભર્યું. એ ફોર્મમાં મારા ધર્મ વિશે પૂછવામાં આવ્યું. એમાં મેં “યહોવાના સાક્ષી” લખ્યું. માલિકે એ વાંચ્યું ત્યારે તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેણે કહ્યું, “હું તને કોલ કરીશ.” પણ તેણે ક્યારેય કોલ કર્યો નહિ.

પછી હું નોકરી શોધવા બીજા એક સુથારની દુકાને ગયો. એ દુકાનના માલિકે મારા ભણતર વિશે અને કામના અનુભવ વિશે અમુક સવાલો પૂછ્યા. જેમ કે, હું ક્યાં સુધી ભણ્યો છું? અને સુથારી કામ મને કેટલું આવડે છે? મેં જવાબ આપ્યો, “મેં એક લાકડાની હોડીનું સમારકામ કર્યું છે.” નવાઈની વાત કે એ માલિકે મને તરત નોકરીએ રાખી લીધો અને કહ્યું, “બપોરે કામ પર આવી જજે. પણ મારી એક શરત છે. હું નથી ઇચ્છતો કે તારા લીધે મને કોઈ તકલીફ થાય. કેમ કે હું એક યહોવાનો સાક્ષી છું અને બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવું છું.” હું તો ચોંકી જ ગયો. પછી મેં કહ્યું, “હું પણ યહોવાનો સાક્ષી છું.” તે મારા લાંબા વાળ અને દાઢી જોઈને સમજી ગયો કે હું કંઈ યહોવાનો સાક્ષી નથી. એટલે તેણે કહ્યું, “હું તને બાઇબલમાંથી શીખવીશ.” મેં તરત તેની વાત માની લીધી. હવે હું સમજ્યો કે મને પેલી નોકરી કેમ ન મળી. યહોવા મારી પ્રાર્થનાઓનો જવાબ આપી રહ્યા હતા. (ગીત. ૩૭:૪) મેં ભાઈની દુકાનમાં એક વર્ષ કામ કર્યું અને સાથે સાથે બાઇબલનો અભ્યાસ કર્યો. પછી જાન્યુઆરી ૧૯૭૪માં મેં બાપ્તિસ્મા લીધું.

આખરે શોધ પૂરી થઈ

એક મહિના પછી મેં પાયોનિયરીંગ શરૂ કર્યું. એમાં મને ઘણો જ આનંદ આવતો. બીજે જ મહિને હું સ્પેનિશ ભાષા બોલતા એક નવા ગ્રૂપને મદદ કરવા ઍમ્સ્ટરડૅમ ગયો. મને ત્યાં સ્પેનિશ અને પોર્ટુગીઝ ભાષામાં બાઇબલ અભ્યાસ ચલાવવાની ઘણી મજા આવતી. ૧૯૭૫ના મે મહિનામાં મને ખાસ પાયોનિયર બનાવવામાં આવ્યો.

એક દિવસ ઈનેકે નામની એક ખાસ પાયોનિયર અમારા મંડળમાં આવી. તેની એક બાઇબલ વિદ્યાર્થી બોલિવિયાની હતી. તે એ વિદ્યાર્થીને અમારા મંડળનાં સ્પેનિશ બોલતાં ભાઈ-બહેનોને મળાવવા લાવી હતી. ઈનેકે અને હું એકબીજાને ઓળખવા પત્રો લખવા લાગ્યા. અમને જાણવા મળ્યું કે અમારા ધ્યેયો એક જેવા જ છે. ૧૯૭૬માં અમે લગ્‍ન કર્યાં. ૧૯૮૨ સુધી અમે ખાસ પાયોનિયરીંગ કર્યું. પછી અમને ગિલયડના ૭૩મા ક્લાસ માટે બોલાવવામાં આવ્યાં. ક્લાસ પછી અમને આફ્રિકાના કેન્યામાં સોંપણી મળી. અમને નવાઈ તો લાગી પણ અમે ઘણાં ખુશ હતાં. કેન્યાના મોમ્બાસા શહેરમાં અમે પાંચ વર્ષ સુધી કામ કર્યું. પછી ૧૯૮૭માં અમને ટાન્ઝાનિયા મોકલવામાં આવ્યાં, જ્યાં આપણા પ્રચારકામ પર પ્રતિબંધ હતો. પણ એ જ વર્ષથી છૂટ આપવામાં આવી હતી. અમે ત્યાં ૨૬ વર્ષ સેવા આપી. પછી અમે ફરી કેન્યા આવ્યાં.

પૂર્વ આફ્રિકાના લોકોને બાઇબલનું સત્ય શીખવવામાં મને અને મારી પત્નીને ઘણી મજા આવતી

લોકોને બાઇબલ શીખવવામાં અમને ઘણી મજા આવતી. દાખલા તરીકે, મોમ્બાસામાં મેં એક માણસને બે મૅગેઝિન આપ્યાં. એ લઈને તેણે કહ્યું, “એ વાંચ્યાં પછી હું શું કરું?” બીજા જ અઠવાડિયે તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો પુસ્તકમાંથી અમે અભ્યાસ શરૂ કર્યો. એ પુસ્તક થોડા જ વખત પહેલાં તેની ભાષા સ્વાહિલીમાં બહાર પડ્યું હતું. મોમ્બાસામાં તે મારો પહેલો બાઇબલ વિદ્યાર્થી હતો. એક વર્ષ પછી તેણે બાપ્તિસ્મા લીધું અને પાયોનિયર સેવા કરવા લાગ્યો. તેણે અને તેની પત્નીએ આશરે ૧૦૦ લોકોને બાપ્તિસ્મા લેવા મદદ કરી.

મેં અને ઈનેકેએ પોતે જોયું છે કે યહોવા તેમના ભક્તોને જીવનમાં સાચી ખુશી આપે છે

મને પહેલી વાર અહેસાસ થયો કે જીવનમાં કઈ રીતે ખુશ રહી શકાય છે ત્યારે, મારી ખુશી સમાતી ન હતી. એ સમયે મને એક વેપારી જેવું લાગ્યું, જે કીમતી મોતી મેળવ્યા પછી એને ગુમાવવા માંગતો ન હતો. (માથ. ૧૩:૪૫, ૪૬) મારી ઇચ્છા હતી કે આખું જીવન બીજાઓને મદદ કરું, જેથી એ લોકોને પણ સાચી ખુશી મળે. મેં અને મારી પત્નીએ પોતે જોયું છે કે યહોવા તેમના ભક્તોને સાચી ખુશી આપે છે અને આશીર્વાદોનો વરસાદ વરસાવે છે.