સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૮

“તમે પવિત્ર થાઓ”

“તમે પવિત્ર થાઓ”

“તમારાં વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ.”—૧ પિત. ૧:૧૫.

ગીત ૨૯ ચાલું તારી સંગે

ઝલક *

૧. (ક) પ્રેરિત પિતરે કઈ સલાહ આપી? (ખ) તેમની સલાહ પાળવી કેમ અઘરી લાગી શકે?

 આપણી આશા સ્વર્ગના જીવનની હોય કે પૃથ્વી પરના જીવનની, આપણે બધા પ્રેરિત પિતરની આ સલાહ પાળી શકીએ છીએ: “જે પવિત્ર ઈશ્વરે તમને બોલાવ્યા છે, તેમની જેમ તમારાં વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ, જેમ લખેલું છે: ‘તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.’” (૧ પિત. ૧:૧૫, ૧૬) યહોવા સૌથી પવિત્ર છે. તેમને અનુસરીને આપણે પવિત્ર બની શકીએ છીએ અને આપણે બનવું જ જોઈએ. અમુક લોકોને લાગે કે એ શક્ય નથી કારણ કે આપણે પાપી છીએ. પણ પિતરનો જ દાખલો લો. તેમણે ઘણી ભૂલો કરી હતી, છતાં તે પોતાનાં વાણી-વર્તનમાં પવિત્ર બની શક્યા. તેમના દાખલા પરથી જોવા મળે છે કે આપણે પણ ‘પવિત્ર બની’ શકીએ છીએ.

૨. આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

આ લેખમાં આપણે ચાર સવાલોના જવાબ મેળવીશું: પવિત્રતા એટલે શું? બાઇબલમાં યહોવાની પવિત્રતા વિશે શું જણાવ્યું છે? આપણે પોતાનાં વાણી-વર્તનમાં કઈ રીતે પવિત્ર રહી શકીએ? આપણું પવિત્ર રહેવું અને યહોવા સાથેનો આપણો સંબંધ, એ બંને કઈ રીતે જોડાયેલા છે?

પવિત્રતા એટલે શું?

૩. દુનિયાની નજરે પવિત્ર લોકો કેવા હોય છે, પણ એ વિશે સાચી માહિતી ક્યાંથી મળી શકે?

દુનિયાની નજરે પવિત્ર કે ધાર્મિક લોકો એટલે સાધુ-સંતો, જેઓ ખાસ પ્રકારનાં કપડાં પહેરે છે અને હંમેશાં ધીરગંભીર રહે છે. જોકે પવિત્ર રહેવાનો એવો અર્થ થતો નથી. યહોવા સૌથી પવિત્ર છે. બાઇબલમાં તેમને ‘આનંદી ઈશ્વર’ કહેવામાં આવ્યા છે. (૧ તિમો. ૧:૧૧) જેઓ તેમની ભક્તિ કરે છે, તેઓને પણ “ધન્ય” એટલે કે આનંદી કહેવામાં આવ્યા છે. (ગીત. ૧૪૪:૧૫) ઈસુ એવા લોકોને ધિક્કારતા, જેઓ ખાસ પ્રકારનાં કપડાં પહેરતા અને સારાં કામ કરવાનો દેખાડો કરતા. (માથ. ૬:૧; માર્ક ૧૨:૩૮) આપણા વિચારો અને દુનિયાના વિચારોમાં આભ-જમીનનો ફરક છે. આપણે બાઇબલમાંથી શીખ્યા કે પવિત્ર રહેવાનો શો અર્થ થાય છે. આપણને ખાતરી છે કે પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર યહોવા કદી એવી આજ્ઞા નહિ આપે, જે પાળવી અશક્ય હોય. જો યહોવાએ કહ્યું હોય કે “તમે પવિત્ર થાઓ,” તો એમ કરવું શક્ય છે. પણ વાણી-વર્તનમાં પવિત્ર થઈએ એ પહેલાં આપણે જાણવું જોઈએ કે પવિત્રતા એટલે શું.

૪. “પવિત્ર” અને “પવિત્રતા” શબ્દોનો શું અર્થ થાય?

પવિત્રતા એટલે શું? બાઇબલમાં “પવિત્ર” અને “પવિત્રતા” શબ્દોનો અર્થ થાય, ભક્તિમાં અને ચાલ-ચલણમાં શુદ્ધ રહેવું. એનો બીજો પણ એક અર્થ થાય છે. એ છે, ઈશ્વરની ભક્તિ માટે પોતાને અલગ કરવું. જો સારાં ચાલ-ચલણ રાખીશું, યહોવા ચાહે એ રીતે ભક્તિ કરીશું અને તેમની સાથેનો સંબંધ મજબૂત કરીશું તો આપણે પવિત્ર ગણાઈશું. જરા વિચારો, યહોવા કેટલા પવિત્ર છે, છતાં તે આપણા જેવા પાપી માણસો સામે દોસ્તીનો હાથ લંબાવે છે.

“પવિત્ર, પવિત્ર, પવિત્ર છે, સૈન્યોના ઈશ્વર યહોવા!”

૫. દૂતોએ યહોવા વિશે શું કહ્યું?

યહોવા દરેક રીતે શુદ્ધ અને પવિત્ર છે, તેમની તોલે કંઈ જ ન આવે. એની ખાતરી આપણને અમુક સરાફોના શબ્દોથી મળે છે. સરાફ એવા દૂતો છે જે યહોવાની રાજગાદીની નજીક રહે છે. તેઓએ કહ્યું, “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે, સૈન્યોના ઈશ્વર યહોવા!” (યશા. ૬:૩) એ દૂતો પવિત્ર છે, એટલે જ યહોવા સાથે તેઓનો નજીકનો સંબંધ છે. દૂતો પૃથ્વી પર કોઈ જગ્યાએ યહોવાનો સંદેશો જણાવવા આવતા ત્યારે એ જગ્યા પણ પવિત્ર બની જતી. બળતા ઝાડવા પાસે મૂસા હતા ત્યારે પણ એવું જ કંઈક થયું હતું.—નિર્ગ. ૩:૨-૫; યહો. ૫:૧૫.

“યહોવા પવિત્ર છે” એ વાક્ય પ્રમુખ યાજકની પાઘડી પર લગાવેલી સોનાની પટ્ટી પર જોવા મળતું હતું (ફકરા ૬-૭ જુઓ)

૬-૭. (ક) નિર્ગમન ૧૫:૧, ૧૧માં મૂસાએ કઈ રીતે બતાવ્યું કે ઈશ્વર પવિત્ર છે? (ખ) ઇઝરાયેલીઓને શાનાથી યાદ રાખવા મદદ મળતી કે યહોવા પવિત્ર છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

ઇઝરાયેલીઓએ લાલ સમુદ્ર પાર કર્યો ત્યારે, મૂસાએ એ વાત પર ભાર મૂક્યો કે તેઓના ઈશ્વર યહોવા પવિત્ર છે. (નિર્ગમન ૧૫:૧, ૧૧ વાંચો.) ઇઝરાયેલીઓ ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા હતા અને હવે કનાન દેશમાં જવાના હતા. એ બંને દેશના લોકો જૂઠાં દેવી-દેવતાઓની ભક્તિ કરતા હતા. તેઓમાં પવિત્રતાનો છાંટોય ન હતો. કનાનીઓ ભક્તિમાં બાળકોનું બલિદાન ચઢાવતા, વ્યભિચાર અને એનાં જેવાં બીજાં ગંદાં કામો કરતા. (લેવી. ૧૮:૩, ૪, ૨૧-૨૪; પુન. ૧૮:૯, ૧૦) પણ યહોવા એ જૂઠાં દેવી-દેવતાઓથી સાવ અલગ છે. તે ક્યારેય તેમના ભક્તોને એવાં ખરાબ કામો કરવાનું કહેતા નથી. યહોવા સૌથી પવિત્ર ઈશ્વર છે. એ વાત પ્રમુખ યાજકની પાઘડી પર લગાવેલી સોનાની પટ્ટીથી સાફ જોવા મળતી હતી. એના પર કોતરણી કરવામાં આવી હતી, “યહોવા પવિત્ર છે.”—નિર્ગ. ૨૮:૩૬-૩૮.

સોનાની એ પટ્ટી જોઈને ઇઝરાયેલીઓને યાદ રાખવા મદદ મળતી કે યહોવા પવિત્ર છે. પણ એવા કિસ્સામાં શું જ્યારે કોઈ વ્યક્તિ પ્રમુખ યાજકની સોનાની પટ્ટી જોઈ ન શકે? બધા ઇઝરાયેલીઓ એટલે કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સામે નિયમશાસ્ત્ર વાંચવામાં આવતું હતું. એનાથી તેઓને યાદ રાખવા મદદ મળતી કે યહોવા પવિત્ર છે. (પુન. ૩૧:૯-૧૨) જો તમે એ જગ્યાએ હોત તો તમે પણ આ વાક્યો વારંવાર સાંભળ્યા હોત: “હું યહોવા તમારો ઈશ્વર છું. . . . તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.” “તમે મારી નજરમાં પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા પવિત્ર છું.”—લેવી. ૧૧:૪૪, ૪૫; ૨૦:૭, ૨૬.

૮. આપણે લેવીય ૧૯:૨ અને ૧ પિતર ૧:૧૪-૧૬માંથી શું શીખી શકીએ?

ચાલો લેવીય ૧૯:૨ પર ધ્યાન આપીએ. એ શબ્દો ઇઝરાયેલીઓને વાંચી સંભળાવવામાં આવતા. યહોવાએ મૂસાને કહ્યું, “બધા ઇઝરાયેલીઓને કહે, ‘તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા તમારો ઈશ્વર પવિત્ર છું.’” પિતરે કદાચ એ જ કલમને ધ્યાનમાં રાખીને આ સલાહ આપી કે “તમે પવિત્ર થાઓ.” (૧ પિતર ૧:૧૪-૧૬ વાંચો.) આજે આપણને નિયમશાસ્ત્ર લાગુ પડતું નથી. પણ પિતરે લેવીય ૧૯:૨ને ધ્યાનમાં રાખીને લખેલા શબ્દોથી શું શીખી શકીએ? એ જ કે યહોવા પવિત્ર છે અને જેઓ તેમને પ્રેમ કરે છે તેઓએ પણ પવિત્ર બનવું જોઈએ. પછી ભલે તેઓની આશા સ્વર્ગના જીવનની હોય કે પૃથ્વી પરના જીવનની.—૧ પિત. ૧:૪; ૨ પિત. ૩:૧૩.

“વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ”

૯. લેવીય અધ્યાય ૧૯માંથી આપણે શું શીખીશું?

આપણે પવિત્ર ઈશ્વર યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. એટલે આપણે પવિત્ર બનવા માંગીએ છીએ. એ માટે યહોવા આપણને સૌથી સારી સલાહ આપે છે. અમુક સલાહ લેવીય અધ્યાય ૧૯માં જોવા મળે છે. એક હિબ્રૂ વિદ્વાન માર્કસ કાલિશ જણાવે છે, “એ અધ્યાયને ફક્ત લેવીય પુસ્તકનો જ નહિ, પણ બાઇબલનાં પહેલા પાંચ પુસ્તકોનો પણ સૌથી મહત્ત્વનો અધ્યાય કહી શકાય.” અધ્યાયની શરૂઆતમાં યહોવાએ કહ્યું છે, “તમે પવિત્ર થાઓ.” એને ધ્યાનમાં રાખીને આપણે એ અધ્યાયની બીજી કલમોમાંથી શીખીશું કે દરરોજ કઈ રીતે પવિત્ર રહી શકીએ.

આપણે લેવીય ૧૯:૩માંથી શું શીખી શકીએ? (ફકરા ૧૦-૧૨ જુઓ) *

૧૦-૧૧. લેવીય ૧૯:૩ પ્રમાણે આપણે શું કરવું જોઈએ અને શા માટે?

૧૦ યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું કે તેઓએ પવિત્ર રહેવું જોઈએ. એ પછી તેમણે કહ્યું, “તમારી માને અને તમારા પિતાને માન આપો . . . હું યહોવા તમારો ઈશ્વર છું.”—લેવી. ૧૯:૨, ૩.

૧૧ એ કલમથી સાફ જોવા મળે છે કે માતા-પિતાને માન આપવાની સલાહ પાળવી ખૂબ મહત્ત્વની છે. એકવાર એક માણસે ઈસુને પૂછ્યું: “હંમેશ માટેનું જીવન મેળવવા મારે કયાં સારાં કામો કરવાં જોઈએ?” ઈસુએ જે જવાબ આપ્યો એમાં એ પણ જણાવ્યું કે માતા-પિતાને માન આપવું જોઈએ. (માથ. ૧૯:૧૬-૧૯) ઈસુ એ ફરોશીઓ અને શાસ્ત્રીઓને ધિક્કારતા જેઓ માતા-પિતાની સંભાળ ન રાખવાનું બહાનું શોધતા. તેઓએ “ઈશ્વરની આજ્ઞાઓ નકામી બનાવી દીધી” હતી. (માથ. ૧૫:૩-૬) ‘ઈશ્વરની આજ્ઞાઓમાં’ માતા-પિતાને માન આપવાની પણ આજ્ઞા હતી. એ દસ આજ્ઞાઓમાંની પાંચમી આજ્ઞા હતી, જે લેવીય ૧૯:૩માં પણ લખવામાં આવી હતી. (નિર્ગ. ૨૦:૧૨) યાદ કરો કે લેવીય ૧૯:૩ પહેલાં યહોવાએ શું કહ્યું હતું. તેમણે કહ્યું હતું, “તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા તમારો ઈશ્વર પવિત્ર છું.”

૧૨. લેવીય ૧૯:૩ની આજ્ઞા આપણે કઈ રીતે પાળી શકીએ?

૧૨ પોતાને પૂછો, ‘શું હું માતા-પિતાને માન આપું છું?’ બની શકે કે તમે અગાઉ માતા-પિતાને માન આપવાનું ચૂકી ગયા હશો. એ તમે બદલી શકતા નથી, પણ હવે એમાં સુધારો ચોક્કસ કરી શકો છો. તમે તેઓ સાથે વધુ સમય વિતાવી શકો. તેઓને કોઈ વસ્તુની જરૂર હોય તો એ લઈને આપી શકો. તેઓને યહોવાની ભક્તિમાં લાગુ રહેવા મદદ કરી શકો. તેઓને ઉત્તેજન આપી શકો અને તેઓના દિલની લાગણીઓ સમજવાની કોશિશ કરી શકો. એમ કરીને તમે લેવીય ૧૯:૩ની આજ્ઞા પાળી શકશો.

૧૩. (ક) લેવીય ૧૯:૩માં બીજી કઈ આજ્ઞા આપી છે? (ખ) ઈસુને પગલે ચાલવા આપણે શું કરવું જોઈએ? (લૂક ૪:૧૬-૧૮)

૧૩ લેવીય ૧૯:૩માં બીજી પણ એક આજ્ઞા છે. એ પાળીને ઇઝરાયેલીઓ પવિત્ર રહી શકતા હતા. યહોવાએ તેઓને કહ્યું હતું, “તમે મારા સાબ્બાથો પાળો.” આજે આપણને નિયમશાસ્ત્ર લાગુ પડતું નથી. એટલે આપણે સાબ્બાથ પાળતા નથી. પણ ઇઝરાયેલીઓ સાબ્બાથને દિવસે જે કરતા અને એનાથી જે ફાયદો થતો, એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. ઇઝરાયેલીઓ સાબ્બાથના દિવસે રોજબરોજનાં કામથી આરામ લેતા અને ફક્ત યહોવાની ભક્તિ કરતા. * ઈસુ પણ સાબ્બાથને દિવસે સભાસ્થાનમાં જતા અને શાસ્ત્રમાંથી વાંચતા. (નિર્ગ. ૩૧:૧૨-૧૫; લૂક ૪:૧૬-૧૮ વાંચો.) લેવીય ૧૯:૩થી શીખવા મળે છે કે આપણે દરરોજના કામમાંથી સમય કાઢીને યહોવાની ભક્તિ કરવી જોઈએ. શું તમને લાગે છે કે એ આજ્ઞા પાળવા તમારે જીવનમાં ફેરફારો કરવાની જરૂર છે? તમે દરરોજ યહોવાની ભક્તિ માટે થોડો સમય કાઢો. એમ કરશો તો તેમની વધારે નજીક જઈ શકશો. પવિત્ર રહેવા યહોવાની નજીક રહેવું ખૂબ જરૂરી છે.

યહોવા સાથેનો સંબંધ મજબૂત કરીએ

૧૪. લેવીય અધ્યાય ૧૯માં કયું મહત્ત્વનું સત્ય જણાવ્યું છે?

૧૪ લેવીય અધ્યાય ૧૯ વારંવાર એક મહત્ત્વના સત્ય વિશે જણાવે છે, જે આપણને પવિત્ર રહેવા મદદ કરશે. કલમ ૪માં છેલ્લે જણાવ્યું છે, “હું યહોવા તમારો ઈશ્વર છું.” એ વાત આખા અધ્યાયમાં ૧૬ વખત લખવામાં આવી છે. એનાથી આપણને પહેલી આજ્ઞા યાદ આવે છે જે કહે છે, “હું યહોવા તમારો ઈશ્વર છું. . . . મારા સિવાય તમારો બીજો કોઈ ઈશ્વર હોવો ન જોઈએ.” (નિર્ગ. ૨૦:૨, ૩) જો પવિત્ર રહેવું હોય તો યહોવા સાથેના આપણા સંબંધને આડે, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને આવવા ન દઈએ. આપણે યહોવાના સાક્ષી તરીકે ઓળખાઈએ છીએ. એટલે મનમાં ગાંઠ વાળીએ કે એવું કંઈ નહિ કરીએ જેનાથી તેમનું નામ બદનામ થાય.—લેવી. ૧૯:૧૨; યશા. ૫૭:૧૫.

૧૫. લેવીય ૧૯:૫-૮, ૨૧, ૨૨માંથી આપણને કયું ઉત્તેજન મળે છે?

૧૫ યહોવાને પોતાના ઈશ્વર માનવા ઇઝરાયેલીઓએ તેમની આજ્ઞા પાળવાની હતી. લેવીય ૧૮:૪માં લખ્યું છે, “તમે મારા કાયદા-કાનૂન પાળો. મારા નિયમોનું પાલન કરો અને એ પ્રમાણે ચાલો. હું યહોવા તમારો ઈશ્વર છું.” અમુક ‘નિયમો’ લેવીય અધ્યાય ૧૯માં આપ્યા છે. દાખલા તરીકે કલમો ૫-૮, ૨૧, ૨૨માં પ્રાણીઓનાં અર્પણો વિશે નિયમો છે. એ અર્પણો યોગ્ય રીતે ચઢાવવાનાં હતાં, જેથી ‘યહોવાની પવિત્ર વસ્તુ ભ્રષ્ટ’ ન થાય. એ કલમોથી ઉત્તેજન મળે છે કે આપણે પણ યહોવાને ખુશ કરીએ અને તેમને પસંદ છે એવાં સ્તુતિ અર્પણો ચઢાવીએ.—હિબ્રૂ. ૧૩:૧૫.

૧૬. લેવીય ૧૯:૧૯માંથી આપણે શું શીખી શકીએ?

૧૬ પવિત્ર રહેવા આપણે એવા લોકોથી અલગ દેખાવું પડે જેઓ યહોવાની ભક્તિ કરતા નથી. જોકે એમ કરવું સહેલું નથી. સ્કૂલના દોસ્તો, સાથે કામ કરતા લોકો, સગાઓ અથવા બીજાઓ આપણને દબાણ કરે. તેઓ કદાચ એવાં કામો કરવાનું કહે જે યહોવાને ગમતાં નથી. એ સમયે સાચો નિર્ણય કઈ રીતે લઈ શકીએ? આપણે લેવીય ૧૯:૧૯ યાદ રાખી શકીએ. ત્યાં લખ્યું છે, “તમે બે પ્રકારના રેસાથી વણેલાં કપડાં ન પહેરો.” એ નિયમ પાળવાથી ઇઝરાયેલીઓ બીજા દેશના લોકોથી અલગ દેખાઈ આવતા હતા. આજે આપણને એવાં કપડાં પહેરવામાં વાંધો નથી, જેમાં એકથી વધારે પ્રકારના રેસા કે દોરાનો ઉપયોગ થયો હોય. જેમ કે, સુતરાઉ અને ઊન. પણ એ નિયમ પાછળનો સિદ્ધાંત આપણે ભૂલતા નથી. આપણે એવા લોકોના રંગે રંગાતા નથી જેઓના શિક્ષણ અને કામો બાઇબલ પ્રમાણે નથી. પછી ભલે એ લોકો આપણા દોસ્ત કે સગા હોય. ખરું કે આપણે પોતાનાં સગા-સંબંધીઓ અને પડોશીઓને પ્રેમ કરીએ છીએ. પણ જીવનમાં મહત્ત્વના નિર્ણયો લેવાની વાત આવે ત્યારે આપણે હંમેશાં યહોવાની આજ્ઞા પાળીએ છીએ, પછી ભલે બીજાઓથી અલગ દેખાવું પડે. આપણે શીખ્યા કે પવિત્ર રહેવું હોય તો જરૂરી છે કે યહોવાની ભક્તિ માટે પોતાને અલગ કરીએ.—૨ કોરીં. ૬:૧૪-૧૬; ૧ પિત. ૪:૩, ૪.

લેવીય ૧૯:૨૩-૨૫થી ઇઝરાયેલીઓને શું યાદ રાખવા મદદ મળતી અને એ કલમોમાંથી આપણે શું શીખી શકીએ? (ફકરા ૧૭-૧૮ જુઓ) *

૧૭-૧૮. લેવીય ૧૯:૨૩-૨૫માંથી આપણે શું શીખી શકીએ છીએ?

૧૭ “હું યહોવા તમારો ઈશ્વર છું,” એ શબ્દોથી ઇઝરાયેલીઓને એ યાદ રાખવા મદદ મળતી કે યહોવા સાથેનો સંબંધ સૌથી મહત્ત્વનો છે. એ માટે તેઓએ શું કરવાનું હતું? એક રીત લેવીય ૧૯:૨૩-૨૫માં આપી છે. (વાંચો.) એ નિયમ ઇઝરાયેલીઓએ વચનના દેશમાં ગયા પછી પાળવાનો હતો. એક ઇઝરાયેલી કોઈ ઝાડ વાવે તો તેણે ત્રણ વર્ષ સુધી એનાં ફળ ખાવાનાં ન હતાં. ચોથા વર્ષે ફળ આવે ત્યારે એને પવિત્ર જગ્યાએ અર્પણ કરવાનાં હતાં. પાંચમાં વર્ષે તે એનાં ફળ ખાઈ શકતો હતો. એ નિયમ આપીને યહોવા ઇઝરાયેલીઓને કંઈક સમજાવવા માંગતા હતા. તેઓએ પોતાની જરૂરિયાતો કરતાં યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવાની હતી. તેઓએ ભરોસો રાખવાનો હતો કે યહોવા બધું પૂરું પાડશે. યહોવાએ ઇઝરાયેલીઓને એ પણ ઉત્તેજન આપ્યું કે તેઓ દિલ ખોલીને પવિત્ર જગ્યા માટે દાન આપે.

૧૮ લેવીય ૧૯:૨૩-૨૫માં આપેલા નિયમથી આપણને ઈસુનો પહાડ પરનો ઉપદેશ યાદ આવી જાય છે. ઈસુએ કહ્યું હતું, ‘તમારા જીવનની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું ખાશો કે શું પીશો. સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે તમને એ બધાની જરૂર છે.’ જો ઈશ્વર પક્ષીઓની સંભાળ રાખતા હોય તો શું આપણી નહિ રાખે? (માથ. ૬:૨૫, ૨૬, ૩૨) આપણને ભરોસો છે કે યહોવા આપણી જરૂરિયાતો પૂરી કરશે. આપણે કોઈ પણ પ્રકારનો દેખાડો કર્યા વગર એવા લોકોને “દાન” આપીએ છીએ જેઓને જરૂર હોય. મંડળના ખર્ચને પહોંચી વળવા પણ આપણે દાન આપીએ છીએ. આપણી ઉદારતા યહોવાના ધ્યાન બહાર જતી નથી. તે જરૂર આપણને આશીર્વાદ આપશે. (માથ. ૬:૨-૪) ઉદાર બનીને આપણે લેવીય ૧૯:૨૩-૨૫માં આપેલી સલાહ પાળીએ છીએ.

૧૯. આ લેખમાંથી તમે શું શીખ્યા?

૧૯ આ લેખમાં લેવીય અધ્યાય ૧૯ની અમુક કલમોમાંથી શીખ્યા કે આપણે કઈ રીતે પવિત્ર ઈશ્વરને અનુસરી શકીએ. એમ કરીશું તો આપણાં ‘વાણી-વર્તન પવિત્ર’ રાખી શકીશું. (૧ પિત. ૧:૧૫) યહોવાના ભક્તોનાં સારાં વાણી-વર્તન ઘણા લોકોની નજરે પડે છે. એ જોઈને અમુક યહોવાના નામનો મહિમા કરે છે. (૧ પિત. ૨:૧૨) લેવીય અધ્યાય ૧૯માંથી હજુ ઘણું શીખી શકીએ છીએ. હવે પછીના લેખમાં એ અધ્યાયની બીજી અમુક કલમો પર ચર્ચા કરીશું. એ કલમોથી શીખીશું કે જીવનમાં બીજી કઈ રીતે ‘પવિત્ર થઈ’ શકીએ.

ગીત ૧ યહોવાના ગુણો

^ ફકરો. 5 આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમને ખુશ કરવા ચાહીએ છીએ. યહોવા પવિત્ર છે, એટલે તે ચાહે છે કે આપણે પણ પવિત્ર બનીએ. પણ શું આપણા જેવા પાપી માણસો પવિત્ર બની શકે? હા, કેમ નહિ! આ લેખમાંથી શીખીશું કે કઈ રીતે આપણે વાણી-વર્તનમાં પવિત્ર રહી શકીએ. એ વિશે પ્રેરિત પિતરે ખ્રિસ્તીઓને સલાહ આપી હતી અને યહોવાએ ઇઝરાયેલીઓને નિયમો આપ્યા હતા.

^ ફકરો. 13 સાબ્બાથ વિશે વધારે જાણવા અને એમાંથી શીખવા ડિસેમ્બર ૨૦૧૯, ચોકીબુરજનો આ લેખ જુઓ: “કામ અને આરામનો યોગ્ય સમય.

^ ફકરો. 57 ચિત્રની સમજ: એક દીકરો તેનાં માતા-પિતા સાથે સમય પસાર કરે છે. તેઓના ઘરે પોતાની પત્ની અને દીકરીને લઈ જાય છે. તે માતા-પિતા સાથે અવાર-નવાર વાત કરે છે.

^ ફકરો. 59 ચિત્રની સમજ: એક ઇઝરાયેલી ખેડૂત તેણે રોપેલા ઝાડનાં ફળને જોઈ રહ્યો છે.