સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૯

બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

“તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.”​—લેવી. ૧૯:૧૮.

ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત

ઝલક *

૧-૨. (ક) આપણે ગયા લેખમાં શું શીખ્યા? (ખ) આપણે આ લેખમાં શું શીખીશું?

 આપણે ગયા લેખમાં લેવીય અધ્યાય ૧૯માંથી ઘણું શીખ્યા. દાખલા તરીકે, કલમ ૩માં યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું કે તેઓએ પોતાનાં માતા-પિતાને માન આપવું જોઈએ. આપણે શીખ્યા કે માતા-પિતાને જરૂરી વસ્તુઓ લાવવા મદદ કરીએ. તેઓને ઉત્તેજન આપીએ અને તેઓની લાગણી સમજીએ. તેઓને યહોવાની ભક્તિમાં લાગુ રહેવા પણ મદદ કરીએ. એ જ કલમમાં આગળ લખ્યું છે કે ઇઝરાયેલીઓએ સાબ્બાથ પાળવાનો હતો. જોકે એ નિયમ આજે આપણને લાગુ પડતો નથી. પણ એમાંથી આપણે શીખ્યા કે દરરોજ યહોવાની ભક્તિ માટે થોડો સમય અલગ રાખીએ. એ બધું કરીને બતાવીએ છીએ કે લેવીય ૧૯:૨ અને ૧ પિતર ૧:૧૫ પ્રમાણે આપણે પવિત્ર બનવાનો પ્રયત્ન કરીએ છીએ.

આ લેખમાં આપણે લેવીય અધ્યાય ૧૯માંથી વધારે શીખીશું. આપણે જોઈશું કે શરીરમાં ખોડ હોય તેઓને કઈ રીતે હમદર્દી બતાવી શકીએ, કઈ રીતે વેપાર-ધંધામાં ઈમાનદાર રહી શકીએ અને કઈ રીતે બીજાઓને પ્રેમ કરી શકીએ. આપણે પવિત્ર બનવા માંગીએ છીએ, કેમ કે યહોવા પવિત્ર છે. એટલે ચાલો એ વિશે વધુ જોઈએ.

શરીરમાં ખોડ હોય તેઓને હમદર્દી બતાવીએ

લેવીય ૧૯:૧૪ પ્રમાણે આપણે એવા લોકો સાથે કઈ રીતે વર્તવું જોઈએ જેઓના શરીરમાં ખોડ હોય? (ફકરા ૩-૫ જુઓ) *

૩-૪. લેવીય ૧૯:૧૪ પ્રમાણે ઇઝરાયેલીઓએ એવા લોકો સાથે કઈ રીતે વર્તવાનું હતું જેઓના શરીરમાં ખોડ હોય?

લેવીય ૧૯:૧૪ વાંચો. યહોવા ચાહતા હતા કે ઇઝરાયેલીઓ એવા લોકો માટે લાગણી બતાવે જેઓના શરીરમાં ખોડ અથવા ખામી હોય. દાખલા તરીકે તેમણે કહ્યું કે જેઓ સાંભળી શકતા નથી તેઓને ઇઝરાયેલીઓ શ્રાપ ન આપે, એટલે કે તેઓને ડરાવે ધમકાવે નહિ કે તેઓ વિશે કંઈ ખરાબ ન બોલે. જરા વિચારો, એવા લોકોને શ્રાપ આપવો કેટલું ખરાબ કહેવાય! એ વ્યક્તિએ શ્રાપ સાંભળ્યો જ નથી, તો શું પોતાના બચાવમાં કંઈ કરી શકશે?

કલમ ૧૪માં એ પણ લખ્યું છે, “આંધળાની આગળ એવું કંઈ ન મૂકો, જેનાથી તે ઠોકર ખાય.” એક પુસ્તકમાં જણાવ્યું છે કે પ્રાચીન મધ્યપૂર્વમાં એવા લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું, જેઓના શરીરમાં ખોડ હોય. કદાચ અમુક લોકો નુકસાન પહોંચાડવા કે મજાક ઉડાવવા અંધ માણસોની આગળ એવું કંઈક મૂકતા જેનાથી તેઓ ઠોકર ખાય. એ લોકો કેટલા દુષ્ટ હતા! યહોવાના નિયમથી ઇઝરાયેલીઓ સમજી શકતા હતા કે તેઓએ એવા લોકોને હમદર્દી બતાવવી જોઈએ.

૫. આપણે કઈ રીતે એવા લોકોને હમદર્દી બતાવી શકીએ?

ઈસુએ પણ એવા લોકોને હમદર્દી બતાવી. એકવાર તેમણે બાપ્તિસ્મા આપનાર યોહાનને આ સંદેશો મોકલ્યો, “આંધળા જુએ છે, લંગડા ચાલે છે, રક્તપિત્તિયા લોકો શુદ્ધ કરાય છે, બહેરા સાંભળે છે, ગુજરી ગયેલા જીવતા કરાય છે.” ઈસુના એ ચમત્કારો જોઈને “બધા લોકોએ પણ ઈશ્વરને મહિમા આપ્યો.” (લૂક ૭:૨૦-૨૨; ૧૮:૪૩) આજે આપણે પણ એવા લોકોને હમદર્દી બતાવીએ છીએ. આપણે તેઓ સાથે પ્રેમથી અને ધીરજથી વર્તીએ છીએ. ખરું કે આપણે ચમત્કાર કરીને તેઓની તકલીફો દૂર કરી શકતા નથી. જોકે આપણે તેઓને સુંદર ભાવિ વિશે જણાવી શકીએ છીએ. એ સમયે તેઓ પૂરી રીતે તંદુરસ્ત હશે અને યહોવા સાથે તેઓનો મજબૂત સંબંધ હશે. આપણે એ ખુશખબર એવા લોકોને પણ જણાવીએ છીએ જેઓ જોઈ શકતા નથી. અરે એવા લોકોનેય, જેઓની આંખો તો છે પણ તેઓ ઈશ્વર વિશેનું સત્ય જોઈ શકતા નથી. (લૂક ૪:૧૮) એ ખુશખબર વિશે જાણીને ઘણા લોકો ઈશ્વરને મહિમા આપે છે.

વેપાર-ધંધામાં ઈમાનદાર રહીએ

૬. લેવીય અધ્યાય ૧૯ની અમુક કલમોમાં કઈ માહિતી છે?

યહોવાએ આપેલી દસ આજ્ઞાઓ વિશે વધારે માહિતી લેવીય અધ્યાય ૧૯ની અમુક કલમોમાં મળે છે. દાખલા તરીકે, આઠમી આજ્ઞા હતી કે “તમે ચોરી ન કરો.” (નિર્ગ. ૨૦:૧૫) એક ઇઝરાયેલી કદાચ વિચારે, ‘હું બીજા કોઈની વસ્તુ પડાવી લેતો નથી, એટલે એ આજ્ઞા તો પાળું જ છું.’ પણ બની શકે કે તે બીજી કોઈ રીતે ચોરી કરતો હોય.

૭. એક વેપારી ક્યારે આઠમી આજ્ઞા પાળવાનું ચૂકી જતો?

એક વેપારી કદાચ વિચારે, ‘મેં તો ક્યારેય ચોરી કરી નથી.’ પણ વેપાર-ધંધામાં ઈમાનદાર રહેવા વિશે શું? લેવીય ૧૯:૩૫, ૩૬માં યહોવાએ કહ્યું “તમે લંબાઈ, વજન અને પ્રવાહી માપવામાં બેઈમાની ન કરો. તમે સાચાં ત્રાજવાં, સાચાં વજનિયાં, સાચા એફાહ અને સાચા હીન વાપરો.” જો એક વેપારી બીજાઓને છેતરવા ખોટાં માપ કે ત્રાજવાં વાપરે તો એ પણ એક પ્રકારની ચોરી જ કહેવાય. એ વાત લેવીય અધ્યાય ૧૯ની બીજી કલમોથી સ્પષ્ટ થાય છે.

લેવીય ૧૯:૧૧-૧૩ પ્રમાણે વેપાર-ધંધો કરનાર ઈશ્વરભક્તે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? (ફકરા ૮-૧૦ જુઓ) *

૮. (ક) લેવીય ૧૯:૧૧-૧૩માંથી યહૂદીઓ કયો સિદ્ધાંત સમજી શકતા? (ખ) એનાથી આપણે શું શીખી શકીએ?

લેવીય ૧૯:૧૧-૧૩ વાંચો. લેવીય ૧૯:૧૧ની શરૂઆતમાં લખ્યું છે, “તમે ચોરી ન કરો.” પછી કલમ ૧૩માં લખ્યું છે, “તમે કોઈની સાથે છેતરપિંડી ન કરો.” એમાંથી સાફ જોવા મળે છે કે નોકરી-ધંધામાં કોઈને છેતરવું એ ચોરી કરવા બરાબર છે. આઠમી આજ્ઞામાં ચોરી ન કરવા વિશે લખ્યું હતું. પણ યહૂદીઓ એ આજ્ઞા પાછળનો સિદ્ધાંત લેવીયમાં આપેલી માહિતીથી સમજી શકતા હતા. એ સિદ્ધાંત હતો કે તેઓએ દરેક વખતે ઈમાનદાર રહેવું જોઈએ. લેવીય ૧૯:૧૧-૧૩ વાંચીને આપણે શીખી શકીએ છીએ કે બેઈમાની અને ચોરીને યહોવા કઈ નજરે જુએ છે. આપણે પોતાને પૂછવું જોઈએ, ‘શું હું નોકરી કે વેપાર-ધંધો ઈમાનદારીથી કરું છું? શું મારે કોઈ ફેરફાર કરવાની જરૂર છે?’

૯. લેવીય ૧૯:૧૩માં આપેલી આજ્ઞાથી કઈ રીતે મજૂરનું ભલું થતું હતું?

કદાચ આપણે ધંધો કરતા હોઈએ તો ઈમાનદારી વિશે લેવીય અધ્યાય ૧૯માંથી બીજી એક વાત શીખી શકીએ છીએ. કલમ ૧૩માં લખ્યું છે, “મજૂરની મજૂરી આખી રાત, એટલે કે સવાર સુધી પોતાની પાસે રાખી ન મૂકો.” ઇઝરાયલમાં મોટા ભાગના લોકો ખેડૂતો હતા. તેઓ પોતાના ખેતરમાં કામ કરવા મજૂરોને રાખતા હતા. એ મજૂરોને દિવસની મજૂરી ચૂકવવાની હતી. એક ખેડૂત જો મજૂરને તેની મજૂરી ન આપે તો મજૂરના કુટુંબે કદાચ ભૂખ્યા સૂઈ જવું પડે. યહોવા એ સારી રીતે સમજતા હતા, એટલે તેમણે કહ્યું, “એ મજૂરી તેની જરૂરિયાત છે અને એના પર તેનું જીવન નભે છે.”—પુન. ૨૪:૧૪, ૧૫; માથ. ૨૦:૮.

૧૦. લેવીય ૧૯:૧૩થી આપણે શું શીખી શકીએ?

૧૦ આજે અમુક લોકોને દરરોજની મજૂરી મળે છે, તો બીજા અમુકને મહિનામાં એક કે બે વખત પગાર મળે છે. ભલે ગમે એ સંજોગો હોય, લેવીય ૧૯:૧૩નો સિદ્ધાંત આજે પણ લાગુ પડે છે. અમુક માલિકો જાણે છે કે તેઓના કામદારોને નોકરીની બહુ જરૂર છે. એટલે તેઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને માલિકો ઓછા પૈસામાં કામ કરાવે છે. એવું કરીને તો જાણે તેઓ કામદારોની ‘મજૂરી પોતાની પાસે રાખી લે છે.’ યહોવાના સાક્ષીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ કામદારો સાથે એવું ન કરે. પણ તેઓની મહેનતનું પૂરું વેતન તેઓને આપે. ચાલો હવે લેવીય અધ્યાય ૧૯માંથી બીજી અમુક બાબતો શીખીએ.

જેવો પોતાના પર એવો બીજાઓ પર પ્રેમ રાખીએ

૧૧-૧૨. ઈસુએ કઈ વાતને મહત્ત્વ આપ્યું? (લેવીય ૧૯:૧૭, ૧૮)

૧૧ ઈશ્વર ચાહે છે કે આપણે બીજાઓનું નુકસાન ન કરીએ. તે એમ પણ ચાહે છે કે આપણે બીજાઓ માટે કંઈક કરીએ. એ વિશે લેવીય ૧૯:૧૭, ૧૮માં જણાવ્યું છે. (વાંચો.) એમાં આજ્ઞા આપી છે, “તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.” જો યહોવાને ખુશ કરવા માંગતા હોઈએ, તો આપણે એ આજ્ઞા પાળવી જોઈએ.

૧૨ ઈસુએ પણ એ વાતને ખૂબ મહત્ત્વ આપ્યું. એક ફરોશીએ તેમને પૂછ્યું “નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?” ઈસુએ જવાબ આપ્યો, “‘તું પૂરા દિલથી અને પૂરા જીવથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.’ આ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે.” એ પછી તેમણે લેવીય ૧૯:૧૮ના શબ્દો કહ્યા, “એના જેવી બીજી આ છે: ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.’” (માથ. ૨૨:૩૫-૪૦) પડોશી પર પ્રેમ રાખવાની ઘણી રીતો છે. અમુક રીતો લેવીય અધ્યાય ૧૯માં આપી છે.

૧૩. યૂસફના અહેવાલમાંથી કઈ રીતે લેવીય ૧૯:૧૮ની સલાહ સમજવા મદદ મળે છે?

૧૩ પડોશીને પ્રેમ કરવાની એક રીત લેવીય ૧૯:૧૮માં આપી છે. એમાં લખ્યું છે, “તમે વેર ન વાળો. તમારા લોકો માટે મનમાં ખાર ભરી ન રાખો.” તમે એવા કોઈને ઓળખતા હશો જેણે સાથે કામ કરનાર, ભણનાર, દોસ્ત કે સગાં માટે વર્ષો સુધી મનમાં ખાર ભરી રાખ્યો હોય. યૂસફના દસ ભાઈઓએ પણ યૂસફ માટે મનમાં ઘણો ખાર ભરી રાખ્યો હતો. એના લીધે તેઓએ ખોટું કામ કર્યું. (ઉત. ૩૭:૨-૮, ૨૫-૨૮) પણ યૂસફ એવા ન હતા. મોટા અધિકારી બન્યા પછી તેમણે ચાહ્યું હોત તો પોતાના ભાઈઓ સામે બદલો લઈ શક્યા હોત. પણ તેમણે મનમાં ખાર ભરી રાખ્યો નહિ. તેમણે તો દયા બતાવી. ધ્યાન આપો તે એ જ રીતે વર્ત્યા હતા, જે વિશે પછીથી લેવીય ૧૯:૧૮માં લખવામાં આવ્યું.—ઉત. ૫૦:૧૯-૨૧.

૧૪. આપણે આજે કેમ લેવીય ૧૯:૧૮નો સિદ્ધાંત પાળવો જોઈએ?

૧૪ જો આપણે યહોવાને ખુશ કરવા માંગતા હોઈએ તો આપણે યૂસફ જેવા બનવું જોઈએ. આપણે બીજાઓને માફ કરવા જોઈએ અને બદલો ન લેવો જોઈએ. ઈસુએ નમૂનાની પ્રાર્થનામાં એ જ શીખવ્યું હતું. તેમણે કહ્યું કે આપણી વિરુદ્ધ પાપ કરનારાઓને માફ કરવા જોઈએ. (માથ. ૬:૯, ૧૨) એવી જ રીતે પ્રેરિત પાઉલે પણ સાથી ભાઈ-બહેનોને સલાહ આપી, “વહાલાઓ, તમે બદલો લેશો નહિ.” (રોમ. ૧૨:૧૯) તેમણે ઉત્તેજન આપ્યું, “એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાને દિલથી માફ કરો.” (કોલો. ૩:૧૩) યહોવાના સિદ્ધાંતો ક્યારેય બદલાતા નથી. એટલે લેવીય ૧૯:૧૮નો સિદ્ધાંત આજે આપણને પણ લાગુ પડે છે.

ઘાને વારંવાર અડવાથી એ તાજો ને તાજો રહે છે. એવી જ રીતે બીજાઓની ભૂલો પર વારંવાર વિચાર કરવાથી આપણું જ નુકસાન થાય છે. એટલે એ ભૂલી જવું જોઈએ (ફકરો ૧૫ જુઓ) *

૧૫. ઉદાહરણ આપીને સમજાવો કે બીજાઓની ભૂલોને માફ કરીને એને ભૂલી જવું કેમ સારું છે.

૧૫ આપણે બીજાઓને કેમ માફ કરવા જોઈએ એ સમજવા ચાલો એક ઉદાહરણ લઈએ. ધારો કે શાક કાપતી વખતે તમારી આંગળી થોડી કપાઈ જાય છે. તમને એ થોડી વાર દુઃખે, પણ એક બે દિવસ પછી એ યાદેય રહેતું નથી. એવી જ રીતે બની શકે કે તમારા એક દોસ્તે એવું કંઈક કહ્યું કે કર્યું હોય, જેનાથી તમને દુઃખ પહોંચે. પણ એ વાત એટલી મોટી ન હોવાથી તમે તેને માફ કરી દો છો. માની લો કે તમને વધારે વાગ્યું છે. તમે ડૉક્ટર પાસે જાઓ છો અને તે પાટાપિંડી કરે છે. જો તમે એ ઘાને વારંવાર અડશો, તો રૂઝ આવવાને બદલે એ તાજો ને તાજો રહેશે અને તમને વધારે દુઃખશે. એવી જ રીતે કોઈનાં વાણી-વર્તનથી તમારા દિલ પર ઊંડો ઘા વાગ્યો હોય અને એ વિશે વારંવાર વિચારતા રહેશો તો તમને જ નુકસાન થશે. એ સમયે લેવીય ૧૯:૧૮ની સલાહ પાળવાથી ઘણો ફાયદો થશે.

૧૬. (ક) લેવીય ૧૯:૩૩, ૩૪ પ્રમાણે ઇઝરાયેલીઓએ પરદેશીઓ સાથે કઈ રીતે વર્તવાનું હતું? (ખ) એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૬ યહોવાએ ઇઝરાયેલીઓને આજ્ઞા આપી કે તેઓ પડોશીને પ્રેમ કરે. તેઓએ ફક્ત સાથી ઇઝરાયેલીઓને જ નહિ, સાથે રહેતા પરદેશીઓને પણ પ્રેમ કરવાનો હતો. એ વાત લેવીય ૧૯:૩૩, ૩૪માં સાફ જોવા મળે છે. (વાંચો.) ઇઝરાયેલીઓએ પરદેશીઓને ‘વતની જ ગણવાના’ હતા. તેઓએ પરદેશી સાથે એવો જ વ્યવહાર કરવાનો હતો, જેવો સાથી ઇઝરાયેલી સાથે કરતા હતા. ઇઝરાયેલીઓએ જેવો પોતાના પર એવો પરદેશી પર ‘પ્રેમ રાખવાનો’ હતો. દાખલા તરીકે, ખેતરમાંથી તેઓએ પરદેશીઓને અને ગરીબોને કણસલાં વીણવા દેવાનાં હતાં. (લેવી. ૧૯:૯, ૧૦) એ સિદ્ધાંત આપણને પણ એટલો જ લાગુ પડે છે. (લૂક ૧૦:૩૦-૩૭) કઈ રીતે? લાખો લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં રહેવા ગયા છે. કદાચ એવા અમુક લોકો આપણા વિસ્તારમાં રહેતા હોય. આપણે એ લોકો સાથે પ્રેમ અને આદરથી વર્તીએ.

સૌથી મહત્ત્વનું કામ

૧૭-૧૮. (ક) લેવીય ૧૯:૨ અને ૧ પિતર ૧:૧૫માંથી શું શીખવા મળ્યું? (ખ) પિતરે કયું મહત્ત્વનું કામ કરવાનું ઉત્તેજન આપ્યું?

૧૭ લેવીય ૧૯:૨ અને ૧ પિતર ૧:૧૫માંથી ખબર પડે છે કે આપણે પવિત્ર રહીએ એવું યહોવા ચાહે છે. આપણે લેવીય અધ્યાય ૧૯ની અમુક કલમો વિશે ચર્ચા કરી. એનાથી શીખી શક્યા કે યહોવા આપણાથી ખુશ થાય એ માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એ અધ્યાયની બીજી કલમોમાંથી પણ આપણે ઘણું શીખી શકીએ છીએ. * ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાંથી જોવા મળે છે કે યહોવા આજે પણ ઇચ્છે છે કે આપણે એ સિદ્ધાંતો પાળીએ. જોકે પ્રેરિત પિતરે બીજું પણ કંઈક કહ્યું, ચાલો એ વિશે જોઈએ.

૧૮ આપણે યહોવાની ભક્તિમાં ઘણું કરતા હોઈશું અથવા અલગ અલગ રીતે બીજાઓને મદદ કરતા હોઈશું. પણ પિતરે એક સૌથી મહત્ત્વના કામ વિશે જણાવ્યું, જેનાથી બીજાઓનું વધારે ભલું થાય છે. પિતરે આપણને વાણી-વર્તનમાં પવિત્ર થવાનું ઉત્તેજન આપ્યું એ પહેલાં તેમણે કહ્યું, “સખત મહેનત કરવા તમારાં મન તૈયાર કરો.” (૧ પિત. ૧:૧૩, ૧૫) પિતરે કયા કામ માટે મહેનત કરવાનું જણાવ્યું? તેમણે કહ્યું કે ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓ ‘બધી જગ્યાએ ઈશ્વરના મહાન ગુણો જાહેર કરશે.’ (૧ પિત. ૨:૯) એ મહત્ત્વના કામમાં આજે આપણે તેઓને સાથ આપીએ છીએ. આપણે જોરશોરથી લોકોને પ્રચાર કરીએ છીએ અને તેઓને શીખવીએ છીએ. સાચે જ, ઈશ્વરના પવિત્ર લોકો હોવાને લીધે આપણને એ કામ કરવાનો કેટલો મોટો લહાવો મળ્યો છે! (માર્ક ૧૩:૧૦) ચાલો આપણે લેવીય અધ્યાય ૧૯માં આપેલા સિદ્ધાંતો પાળવાની પૂરી કોશિશ કરીએ. એમ કરીને સાબિત કરીશું કે આપણે યહોવાને અને પડોશીઓને પ્રેમ કરીએ છીએ. એ પણ બતાવીશું કે આપણે વાણી-વર્તનમાં ‘પવિત્ર થવા’ માંગીએ છીએ.

ગીત ૨૮ એક નવું ગીત

^ ફકરો. 5 આજે આપણને નિયમશાસ્ત્ર લાગુ પડતું નથી, પણ એમાંથી ઘણું શીખી શકીએ છીએ. જેમ કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એ સિદ્ધાંતોને માનીને આપણે બીજાઓને પ્રેમ કરી શકીશું, સાથે સાથે ઈશ્વરને ખુશ કરી શકીશું. આ લેખમાં આપણે લેવીય અધ્યાય ૧૯ની અમુક કલમો પર ચર્ચા કરીશું.

^ ફકરો. 17 લેવીય અધ્યાય ૧૯ની બીજી કલમોમાં તરફદારી, નિંદા, લોહીવાળું ખાવું, મેલીવિદ્યા, ભવિષ્ય ભાખવું અને વ્યભિચાર જેવાં કામો વિશે જણાવ્યું છે.—લેવી. ૧૯:૧૫, ૧૬, ૨૬-૨૯, ૩૧.—આ અંકમાં આપેલો લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.

^ ફકરો. 52 ચિત્રની સમજ: એક ભાઈ સાંભળી શકતા નથી, તેમને બીજા ભાઈ ડૉક્ટર સાથે વાત કરવા મદદ કરી રહ્યા છે.

^ ફકરો. 54 ચિત્રની સમજ: એક ભાઈ રંગરોગાનનો ધંધો કરે છે અને પોતાના કામદારને પગાર આપી રહ્યા છે.

^ ફકરો. 56 ચિત્રની સમજ: એક બહેન પોતાનો નાનો ઘા ભૂલી જાય છે, પણ શું તે મોટો ઘા ભૂલશે?