સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૫૦

ઉત્તમ ઘેટાંપાળકનું સાંભળીએ

ઉત્તમ ઘેટાંપાળકનું સાંભળીએ

“તેઓ મારો અવાજ સાંભળશે.”​—યોહા. ૧૦:૧૬.

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

ઝલક *

૧. ઈસુએ કેમ શિષ્યોને ઘેટાં સાથે સરખાવ્યા?

 ઈસુનો પોતાના શિષ્યો સાથે મજબૂત સંબંધ છે. એ સમજાવવા તેમણે પોતાને ઘેટાંપાળક સાથે અને શિષ્યોને ઘેટાં સાથે સરખાવ્યા. (યોહા. ૧૦:૧૪) એ સરખામણી એકદમ યોગ્ય છે. ઘેટાં પોતાના ઘેટાંપાળકને સારી રીતે ઓળખે છે. તે જે કહે છે એ જ તેઓ કરે છે. એક મુસાફરે એવું જ કંઈક અનુભવ્યું. તેણે કહ્યું, “અમારે ઘેટાંનો ફોટો પાડવો હતો. પણ ઘેટાં અમારી નજીક આવતાં જ ન હતાં. કેમ કે તેઓ અમારો અવાજ ઓળખતાં ન હતાં. પછી એક નાનો છોકરો આવ્યો જે ઘેટાંપાળક હતો. તેણે ઘેટાંને જેવી બૂમ પાડી કે તરત તેઓ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યાં.”

૨-૩. (ક) ઈસુના શિષ્યો કઈ રીતે તેમનું સાંભળી શકે? (ખ) આ લેખ અને હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

એ મુસાફરે જે કહ્યું એનાથી આપણને ઈસુના શબ્દો યાદ આવે છે. તેમણે પોતાના શિષ્યો વિશે કહ્યું, “તેઓ મારો અવાજ સાંભળશે.” (યોહા. ૧૦:૧૬) ઈસુ સ્વર્ગમાં છે, તો પછી આપણે કઈ રીતે તેમનું સાંભળી શકીએ? ઈસુના શિક્ષણને જીવનમાં લાગુ પાડીને બતાવીએ છીએ કે આપણે તેમનું સાંભળીએ છીએ.—માથ. ૭:૨૪, ૨૫.

આ લેખ અને હવે પછીના લેખમાં ઈસુએ શીખવેલી અમુક બાબતો પર ચર્ચા કરીશું. આપણે જોઈશું કે આપણે શું કરવાનું બંધ કરવું જોઈએ અને શું કરવું જોઈએ. આ લેખમાં બે બાબતો વિશે શીખીશું જે કરવાની ઈસુએ ના પાડી હતી.

“વધારે પડતી ચિંતા કરવાનું બંધ કરો”

૪. લૂક ૧૨:૨૯ પ્રમાણે આપણને શાની “વધારે પડતી ચિંતા” થઈ શકે?

લૂક ૧૨:૨૯ વાંચો. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જીવન-જરૂરી વસ્તુઓ માટે “વધારે પડતી ચિંતા કરવાનું બંધ કરો.” આપણે જાણીએ છીએ કે ઈસુની સલાહ હંમેશાં સાચી હોય છે અને એનાથી ફાયદો થાય છે. આપણે એ સલાહ પાળવા માંગીએ છીએ. પણ અમુક વાર અઘરું લાગી શકે. કેમ? ચાલો જોઈએ.

૫. અમુક લોકો કેમ રોટી, કપડાં અને મકાનની ચિંતા કરે છે?

  અમુકને ચિંતા થાય કે કુટુંબને કઈ રીતે રોટી, કપડાં અને મકાન પૂરાં પાડશે. તેઓ કદાચ એવા દેશમાં રહેતા હોય, જ્યાં મોટા ભાગના લોકો ગરીબ છે અને નોકરી મળવી અઘરી છે. કુટુંબનું ભરણપોષણ કરવા તેઓ પાસે પૂરતા પૈસા ન હોય. અથવા કુટુંબમાં એવી વ્યક્તિનું મરણ થયું હોય જેની કમાણીથી ઘર ચાલતું હોય. કોવિડ-૧૯ મહામારીને કારણે ઘણાની નોકરી છૂટી ગઈ હોય કે પૈસાની તંગી પડતી હોય. (સભા. ૯:૧૧) બની શકે કે આપણે એવા અથવા એના જેવા બીજા સંજોગોનો સામનો કરતા હોઈએ. એવા સમયે કઈ રીતે ઈસુની સલાહ પાળીને વધારે પડતી ચિંતા કરવાનું બંધ કરી શકીએ?

ચિંતામાં ડૂબી જવાને બદલે યહોવા પર ભરોસો રાખીએ (ફકરા ૬-૮ જુઓ) *

૬. એકવાર પિતર સાથે શું બન્યું?

એકવાર પ્રેરિત પિતર અને બીજા પ્રેરિતો ગાલીલ સરોવર પાર કરી રહ્યા હતા ત્યારે મોટું તોફાન આવ્યું. તેઓએ જોયું કે ઈસુ પાણી પર ચાલી રહ્યા છે. પિતરે કહ્યું, “માલિક, જો એ તમે હો તો આજ્ઞા કરો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.” ઈસુએ કહ્યું, “આવ!” પિતર તરત ‘હોડીમાંથી ઊતર્યા અને પાણી પર ચાલીને ઈસુ તરફ જવા લાગ્યા. પણ વાવાઝોડું જોઈને પિતર બી ગયા. તે ડૂબવા લાગ્યા ત્યારે પોકારી ઊઠ્યા: “માલિક મને બચાવો!”’ ઈસુએ તરત જ હાથ લંબાવીને પિતરને બચાવી લીધા. ધ્યાન આપો, જ્યાં સુધી પિતરે નજર ઈસુ પર રાખી ત્યાં સુધી તે પાણી પર ચાલી શક્યા. પણ તેમણે વાવાઝોડા તરફ નજર કરી ત્યારે તે ડરી ગયા અને ડૂબવા લાગ્યા.—માથ. ૧૪:૨૪-૩૧.

૭. પિતરના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

પિતરના દાખલામાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. પિતરે પાણી પર પગ મૂક્યો ત્યારે વિચાર્યું પણ નહિ હોય કે તેમનું ધ્યાન ભટકી જશે અને તે ડૂબવા લાગશે. પણ એવું જ થયું. ઈસુ પરથી તેમની નજર હટી અને તોફાન જોઈને તે ડરી ગયા. આજે આપણા જીવનમાં પણ તોફાન જેવી ઘણી મુશ્કેલીઓ આવે છે. યહોવા અને તેમનાં વચનો પર ધ્યાન આપીશું તો આપણી શ્રદ્ધા નબળી નહિ પડે અને આપણે ચિંતામાં ડૂબી નહિ જઈએ. આપણે ભરોસો રાખવો જોઈએ કે યહોવા આપણને હંમેશાં મદદ કરશે. એવો ભરોસો કઈ રીતે રાખી શકીએ?

૮. વધારે પડતી ચિંતા કરવાને બદલે આપણે શું કરવું જોઈએ?

વધારે પડતી ચિંતા કરવાને બદલે આપણે યહોવા પર ભરોસો રાખવો જોઈએ. યાદ રાખો, પ્રેમાળ પિતા યહોવાએ વચન આપ્યું છે કે આપણે તેમની ભક્તિને જીવનમાં પહેલી રાખીશું તો, તે જીવન-જરૂરી બધી વસ્તુઓ પૂરી પાડશે. (માથ. ૬:૩૨, ૩૩) તેમણે હંમેશાં પોતાનું એ વચન નિભાવ્યું છે અને નિભાવતા રહેશે. (પુન. ૮:૪, ૧૫, ૧૬; ગીત. ૩૭:૨૫) જો યહોવા પક્ષીઓ અને ફૂલોને પૂરું પાડતા હોય, તો આપણને પણ જરૂર પૂરું પાડશે. આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી કે શું ખાઈશું કે શું પહેરીશું. (માથ. ૬:૨૬-૩૦; ફિલિ. ૪:૬, ૭) જેમ પ્રેમાળ માતા-પિતા બાળકની સંભાળ રાખે છે, તેમ પ્રેમાળ ઈશ્વર યહોવા પણ તેમના ભક્તોને જીવન-જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે. યહોવા ચોક્કસ આપણી સંભાળ રાખશે!

૯. એક પતિ-પત્નીના ઉદાહરણમાંથી તમને શું શીખવા મળ્યું?

યહોવા આપણને જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે. એ સમજવા ચાલો પૂરા સમયની સેવા કરતા પતિ-પત્નીનું ઉદાહરણ જોઈએ. તેઓ પાસે એક જૂની કાર હતી. એક દિવસે તેઓ એકાદ કલાકની મુસાફરી કરીને અમુક બહેનોને સભા માટે લેવા ગયાં. એ બહેનો શરણાર્થી છાવણીમાં રહેતાં હતાં. ભાઈ જણાવે છે, “સભા પછી અમે બહેનોને ઘરે જમવા માટે બોલાવ્યાં. પણ અમને યાદ આવ્યું કે ઘરમાં કંઈ ખાવાનું નથી.” પછી શું થયું? ભાઈ જણાવે છે, “અમે ઘરે પહોંચ્યાં ત્યારે બે મોટી બેગ દરવાજે કોઈ મૂકી ગયું હતું. એમાં ઘણું બધું ખાવાનું હતું. એ બેગ કોણ મૂકી ગયું એ અમે જાણતાં ન હતાં. પણ અમે એટલું તો જાણતાં હતાં કે યહોવાએ અમને પૂરું પાડ્યું.” થોડા સમય પછી તેઓની કાર બગડી ગઈ. તેઓને પ્રચારમાં જવા એની જરૂર હતી. પણ તેઓ પાસે એને રીપેર કરાવવાના પૈસા ન હતા. એટલે તેઓ કારને ગૅરેજમાં લઈ ગયાં, જેથી ખબર પડે કે કેટલો ખર્ચ થશે. ત્યાં એક માણસ આવ્યો. તેણે પૂછ્યું, “આ કાર કોની છે?” ભાઈએ કહ્યું, “એ કાર મારી છે, પણ બગડી ગઈ છે.” એ માણસે કહ્યું, “વાંધો નહિ, મારી પત્નીને આવી જ કાર જોઈએ છે અને આ જ રંગમાં. બોલો, તમારે કારને કેટલામાં વેચવી છે?” એ કાર વેચીને ભાઈને એટલા પૈસા મળ્યા કે તે બીજી કાર ખરીદી શક્યા. ભાઈ જણાવે છે, “એ દિવસે અમારી ખુશી સમાતી ન હતી. અમે જાણતાં હતાં કે એ કંઈ અનાયાસે થયું ન હતું. એમાં યહોવાનો જ હાથ હતો.”

૧૦. ગીતશાસ્ત્ર ૩૭:૫માંથી આપણને કયું ઉત્તેજન મળે છે?

૧૦ જો આપણે ઉત્તમ ઘેટાંપાળકનું સાંભળીશું અને વધારે પડતી ચિંતા નહિ કરીએ, તો યહોવા ચોક્કસ આપણી સંભાળ રાખશે. (ગીતશાસ્ત્ર ૩૭:૫ વાંચો; ૧ પિત. ૫:૭)  ફકરા પાંચમાં જણાવેલા સંજોગોનો વિચાર કરો. અત્યાર સુધી યહોવાએ કુટુંબના શિર કે આપણી નોકરી દ્વારા જરૂરી વસ્તુઓ પૂરી પાડી હતી. પણ સંજોગો બદલાય શકે છે. જો કુટુંબનું શિર હવે એ જવાબદારી ઉપાડી ન શકે અથવા આપણી નોકરી છૂટી જાય, તો શું કરીશું? એવા સમયે ખાતરી રાખીએ કે યહોવા કોઈ ને કોઈ રીતે આપણને જરૂર મદદ કરશે. ચાલો હવે ઈસુની બીજી સલાહ પર ધ્યાન આપીએ.

“બીજાઓ પર દોષ મૂકવાનું બંધ કરો”

બીજાઓની ભૂલો પર નહિ, તેઓના સારા ગુણો પર ધ્યાન આપીએ (ફકરા ૧૧, ૧૪-૧૬ જુઓ) *

૧૧. માથ્થી ૭:૧, ૨માં ઈસુએ શું કહ્યું અને એમ કરવું કેમ અઘરું લાગી શકે?

૧૧ માથ્થી ૭:૧, ૨ વાંચો. ઈસુ જાણતા હતા કે માણસો પાપી છે, એટલે તેઓને બીજાની ભૂલો તરત દેખાઈ આવે છે. એટલે જ ઈસુએ કહ્યું, “બીજાઓ પર દોષ મૂકવાનું બંધ કરો.” એ સલાહ પાળવાની આપણે ઘણી કોશિશ કરીએ છીએ, પણ અમુક વખતે ચૂકી જઈએ છીએ. એવું થાય ત્યારે શું કરવું જોઈએ? આપણે ઈસુનું સાંભળવું જોઈએ અને પૂરો પ્રયત્ન કરવો જોઈએ કે બીજાઓ પર દોષ મૂકવાનું બંધ કરીએ.

૧૨-૧૩. દાઉદ સાથે યહોવા જે રીતે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૨ આપણે યહોવાના ઉદાહરણ પર મનન કરીને ઘણું શીખી શકીએ છીએ. તે હંમેશાં લોકોના સારા ગુણો પર ધ્યાન આપે છે. જરા વિચારો, દાઉદ રાજાએ મોટાં મોટાં પાપ કર્યાં ત્યારે યહોવા તેમની સાથે કઈ રીતે વર્ત્યા. દાઉદે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો અને તેના પતિને પણ મારી નંખાવ્યો. (૨ શમુ. ૧૧:૨-૪, ૧૪, ૧૫, ૨૪) દાઉદે જે કર્યું એનાથી તેમણે, તેમના કુટુંબે અને તેમની બીજી પત્નીઓએ પણ ઘણું સહન કરવું પડ્યું. (૨ શમુ. ૧૨:૧૦, ૧૧) તેમણે બીજું પણ એક પાપ કર્યું. યહોવાની આજ્ઞા ન હતી છતાં દાઉદે સેનાની ગણતરી કરાવી. આમ તે યહોવા પર પૂરો ભરોસો રાખવાનું ચૂકી ગયા. તેમણે કેમ એવું કર્યું? કદાચ તે ઘમંડી બની ગયા હતા અને પોતાની સેના પર વધારે ભરોસો રાખતા હતા. એના લીધે, આશરે ૭૦,૦૦૦ ઇઝરાયેલીઓ રોગચાળામાં માર્યા ગયા.—૨ શમુ. ૨૪:૧-૪, ૧૦-૧૫.

૧૩ એ સમયે જો તમે ત્યાં હોત તો દાઉદ વિશે શું વિચાર્યું હોત? શું તમે એમ વિચાર્યું હોત કે યહોવાએ તેમને શું કામ માફ કર્યા? પણ યહોવાએ એવું ન વિચાર્યું. તેમણે એના પર ધ્યાન આપ્યું કે દાઉદ આખી જિંદગી વફાદાર રહ્યા અને તેમને પોતાની ભૂલ માટે દિલથી પસ્તાવો હતો. એટલે યહોવાએ તેમને માફ કર્યા. યહોવાને ખબર હતી કે દાઉદ તેમને ખૂબ પ્રેમ કરે છે અને જે ખરું છે એ કરવા પ્રયત્ન કરે છે. આપણે પણ યહોવાના કેટલા આભારી છીએ કે તે આપણામાં સારા ગુણો જુએ છે.—૧ રાજા. ૯:૪; ૧ કાળ. ૨૯:૧૦, ૧૭.

૧૪. બીજાઓની ભૂલો શોધવાને બદલે આપણે શું કરવું જોઈએ?

૧૪ બીજાઓની ભૂલો શોધવી સાવ સહેલું છે. પણ ભૂલો શોધવાને બદલે આપણે યહોવાને અનુસરીએ. યહોવા જાણે છે કે માણસ માત્ર ભૂલને પાત્ર, આપણે પણ એ સ્વીકારીએ. બીજાઓની ભૂલો દેખાય તોપણ આપણે તેઓના સારા ગુણો પર ધ્યાન આપીએ. તેઓ સાથે સારી રીતે વર્તીએ. એક કાચો હીરો સામાન્ય પથ્થર જેવો દેખાય છે. પણ એક ઝવેરી પારખી શકે છે કે હીરાને ઘસ્યા પછી એની કિંમત વધી જશે અને એ સુંદર દેખાશે. યહોવા અને ઈસુની જેમ આપણે પણ બીજાઓની ખામીઓ પર નહિ, તેઓના સુંદર ગુણો પર ધ્યાન આપીએ.

૧૫. ભાઈ-બહેનો પર દોષ મૂકવાનું ટાળવા બીજું શું કરવું જોઈએ?

૧૫ ભાઈ-બહેનો પર દોષ મૂકવાનું ટાળવા તેઓના સારા ગુણો પર ધ્યાન આપીએ. સાથે સાથે તેઓના સંજોગોનો પણ વિચાર કરીએ. દાખલા તરીકે, ઈસુએ મંદિરમાં એક ગરીબ વિધવાને દાન પેટીમાં બે નાના સિક્કા નાખતા જોઈ. એ સિક્કા સાવ ઓછી કિંમતના હતા. એ જોઈને ઈસુએ એવું ન કહ્યું, “તેણે આટલું જ કેમ નાખ્યું?” એના બદલે તેમણે વિધવાના સંજોગો અને તેના ઇરાદા પર ધ્યાન આપ્યું. એટલે જ ઈસુ એ વિધવાની કદર કરી શક્યા.—લૂક ૨૧:૧-૪.

૧૬. વેરોનિકાબહેનના દાખલામાંથી તમે શું શીખ્યા?

૧૬ ચાલો વેરોનિકાબહેનનો દાખલો લઈએ. તેમનાં મંડળનાં એક બહેન પોતાનાં દીકરા સાથે એકલાં રહેતાં હતાં. વેરોનિકાબહેન કહે છે, “મને લાગતું હતું કે તેઓ ભક્તિમાં સારું નથી કરી રહ્યાં. કેમ કે તેઓ નિયમિત સભા અને પ્રચારમાં આવતાં ન હતાં. પણ એક વખત હું એ બહેન સાથે પ્રચારમાં ગઈ. તેમણે મને કહ્યું કે તેમનાં દીકરાને એક માનસિક બીમારી છે. એ બહેન પોતાનાં કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા અને યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખવા બનતું બધું કરતા હતાં. અમુક વખતે તેમનાં દીકરાની તબિયત બગડે તો તેમણે બીજા મંડળની સભામાં જવું પડતું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તેમનાં જીવનમાં આટલી મુશ્કેલીઓ હશે. હવે હું એ બહેનને ઘણો પ્રેમ કરું છું અને તેમની કદર પણ કરું છું.”

૧૭. યાકૂબ ૨:૮ પ્રમાણે આપણે શું કરવું જોઈએ અને એવું કઈ રીતે કરી શકીએ?

૧૭ જો ખ્યાલ આવે કે આપણે કોઈ ભાઈ કે બહેન પર દોષ મૂક્યો છે, તો શું કરવું જોઈએ? આપણે હંમેશાં ભાઈ-બહેનોને પ્રેમ કરવો જોઈએ. (યાકૂબ ૨:૮ વાંચો.) આપણે યહોવાને પ્રાર્થનામાં કાલાવાલા કરીએ. બીજાઓ વિશે ખોટું ન વિચારવા તેમની પાસે મદદ માંગીએ. પછી એ પ્રમાણે પગલાં ભરીએ. આપણે એ ભાઈ કે બહેન સાથે વાત કરવાની પહેલ કરી શકીએ, તેમની સાથે પ્રચારમાં જઈ શકીએ અથવા સાથે જમવાનો પ્રોગ્રામ બનાવી શકીએ. એવું કરીને આપણે તેમને સારી રીતે ઓળખી શકીશું અને તેમના સારા ગુણો જોઈ શકીશું. આમ આપણે યહોવા અને ઈસુને અનુસરવાની કોશિશ કરીએ છીએ. એવું કરીએ છીએ ત્યારે ઉત્તમ ઘેટાંપાળકની આ આજ્ઞા પાળીએ છીએ: દોષ મૂકવાનું બંધ કરો.

૧૮. કઈ રીતે બતાવી શકીએ કે આપણે ઉત્તમ ઘેટાંપાળકનું સાંભળીએ છીએ?

૧૮ ઘેટાં પોતાના ઘેટાંપાળકનો અવાજ સાંભળે છે, એવી જ રીતે ઈસુના શિષ્યો પણ તેમનું સાંભળે છે. આપણે શીખ્યા કે જીવન-જરૂરી વસ્તુઓ માટે વધારે પડતી ચિંતા ન કરવી જોઈએ અને બીજાઓ પર દોષ ન મૂકવો જોઈએ. એમ કરવા મહેનત કરીશું તો યહોવા અને ઈસુ આશીર્વાદ આપશે. ભલે ‘નાની ટોળીના’ હોઈએ કે પછી ‘બીજાં ઘેટાના,’ આપણે ઉત્તમ ઘેટાંપાળકનું સાંભળતા રહીએ. (લૂક ૧૨:૩૨; યોહા. ૧૦:૧૧, ૧૪, ૧૬) હવે પછીના લેખમાં આપણે શીખીશું કે ઈસુએ તેમના શિષ્યોને કઈ બે બાબતો કરવાની કહી હતી.

ગીત ૫૩ સંપીને રહીએ

^ ફકરો. 5 ઈસુએ કહ્યું હતું કે તેમનાં ઘેટાં તેમનો અવાજ સાંભળશે. એનો અર્થ થાય કે શિષ્યો ઈસુના શિક્ષણ પર ધ્યાન આપશે અને એને જીવનમાં લાગુ પાડશે. આ લેખમાં આપણે ઈસુએ શીખવેલી બે બાબતો પર ચર્ચા કરીશું. એક, આપણે જીવન-જરૂરી વસ્તુઓ માટે વધારે પડતી ચિંતા ન કરીએ. બે, બીજાઓ પર દોષ મૂકવાનું બંધ કરીએ. એ પણ ચર્ચા કરીશું કે આપણે કઈ રીતે ઈસુની સલાહ પાળી શકીએ.

^ ફકરો. 51 ચિત્રની સમજ: એક ભાઈની નોકરી છૂટી ગઈ છે અને ઘર ચલાવવા તેમની પાસે પૈસા નથી. તેમણે ઘર પણ ખાલી કરવું પડે છે. એવા સંજોગોમાં તેમનું ધ્યાન યહોવાથી ભટકી શકે છે અને તે ચિંતામાં ડૂબી શકે છે.

^ ફકરો. 53 ચિત્રની સમજ: એક ભાઈ સભામાં મોડા આવે છે. જોકે તેમનામાં સારા ગુણો પણ છે, જેમ કે તે સારી રીતે પ્રચાર કરે છે, વૃદ્ધ ભાઈ-બહેનોની મદદ કરે છે અને પ્રાર્થનાઘરની સંભાળ રાખવામાં સાથ આપે છે.