સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૫૧

ઈસુનું સાંભળતા રહીએ

ઈસુનું સાંભળતા રહીએ

“આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે. તેનું સાંભળો.”—માથ. ૧૭:૫.

ગીત ૩૨ અડગ રહીએ

ઝલક *

૧-૨. (ક) ઈસુના ત્રણ પ્રેરિતોને કઈ આજ્ઞા આપવામાં આવી અને તેઓએ શું કર્યું? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

 સાલ ૩૨ના પાસ્ખા પછીનો સમય હતો. પ્રેરિત પિતર, યાકૂબ અને યોહાન, ઈસુ સાથે ઊંચા પહાડ પર હતા. પ્રેરિતોએ ત્યાં એક દર્શન જોયું. તેઓની આગળ ઈસુનો દેખાવ બદલાયો. “તેમનો ચહેરો સૂર્યની જેમ પ્રકાશવા લાગ્યો અને તેમનો ઝભ્ભો પ્રકાશની જેમ ઝળહળવા લાગ્યો.” (માથ. ૧૭:૧-૪) દર્શનમાં પ્રેરિતોએ યહોવાને કહેતા સાંભળ્યાં, “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે. તેનું સાંભળો.” (માથ. ૧૭:૫) ત્રણેય પ્રેરિતોએ પોતાનાં જીવનથી બતાવ્યું કે તેઓએ ઈસુનું સાંભળ્યું હતું. આપણે પણ એ પ્રેરિતોની જેમ ઈસુનું સાંભળવા માંગીએ છીએ.

ગયા લેખમાં શીખ્યા કે ઈસુનું સાંભળવા આપણે શું કરવાનું બંધ કરવું જોઈએ. આ લેખમાં શીખીશું કે ઈસુનું સાંભળવા આપણે કઈ બે બાબતો કરવી જોઈએ.

“સાંકડા દરવાજાથી અંદર જાઓ”

૩. માથ્થી ૭:૧૩, ૧૪ પ્રમાણે આપણે શું કરવાનું છે?

માથ્થી ૭:૧૩, ૧૪ વાંચો. ઈસુએ કહ્યું કે બે દરવાજા છે. સાંકડો દરવાજો “મુશ્કેલ” રસ્તા તરફ અને પહોળો દરવાજો “સરળ” રસ્તા તરફ લઈ જાય છે. ધ્યાન આપો, ઈસુએ કહ્યું કે ફક્ત બે જ રસ્તા છે, ત્રીજો કોઈ નથી. આપણે એ બેમાંથી એક રસ્તો પસંદ કરવાનો છે. એ આપણા જીવનનો સૌથી મહત્ત્વનો નિર્ણય છે. કેમ કે એક જ રસ્તો હંમેશ માટેના જીવન તરફ લઈ જાય છે.

૪. “સરળ” રસ્તો કેવો છે? સમજાવો.

ભૂલીએ નહિ, એ બંને રસ્તા અલગ અલગ છે. એક રસ્તો “સરળ” અને પહોળો છે. એટલે ઘણા લોકો એ રસ્તે ચાલવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તો બીજાઓને જોઈને એ રસ્તા પર ચાલી નીકળે છે. પણ તેઓ જાણતા નથી કે શેતાન તેઓને એ રસ્તે દોરી જાય છે અને એ રસ્તો વિનાશ તરફ લઈ જાય છે.—૧ કોરીં. ૬:૯, ૧૦; ૧ યોહા. ૫:૧૯.

૫. અમુક લોકોએ કઈ રીતે “મુશ્કેલ” રસ્તો શોધ્યો અને એના પર ચાલે છે?

“સરળ” રસ્તાની સરખામણીમાં બીજો રસ્તો “મુશ્કેલ” છે. ઈસુએ કહ્યું હતું કે બહુ થોડા લોકોને જ એ રસ્તો મળશે. કેમ? ધ્યાન આપો, પછી કલમ ૧૫માં ઈસુએ કહ્યું કે જૂઠા પ્રબોધકો આવશે અને લોકોને ભમાવશે. (માથ. ૭:૧૫) આજે દુનિયામાં ઘણા ધર્મો છે અને મોટા ભાગના ધર્મો દાવો કરે છે કે તેઓ સત્ય શીખવે છે. એના લીધે લાખો લોકો મૂંઝાઈ ગયા છે અને નિરાશ થઈ ગયા છે. એટલે તેઓ જીવન તરફ લઈ જતા રસ્તાને શોધવાનો પ્રયત્ન પણ કરતા નથી. તેઓને લાગે છે કે એ રસ્તો મળી જ ન શકે, પણ એવું નથી. ઈસુએ કહ્યું, “જો તમે મારા શિક્ષણ પ્રમાણે જીવશો, તો તમે સાચે જ મારા શિષ્યો છો. તમે સત્ય જાણશો અને સત્ય તમને આઝાદ કરશે.” (યોહા. ૮:૩૧, ૩૨) ખુશીની વાત છે કે તમે બીજા લોકોની પાછળ નથી ગયા. પણ તમે સત્યને શોધવાની કોશિશ કરી. તમે બાઇબલનો ઊંડો અભ્યાસ કરીને શીખ્યા કે ઈશ્વર આપણી પાસેથી શું ચાહે છે. તમે ઈસુના શિક્ષણ પર ધ્યાન આપ્યું. તમે શીખ્યા કે યહોવા ચાહે છે કે આપણે જૂઠા ધર્મોના શિક્ષણને નકારી કાઢીએ, ખોટા તહેવારો અને રીતરિવાજો ઊજવવાના છોડી દઈએ. (માથ. ૧૦:૩૪-૩૬) એ બધું છોડવું તમારા માટે સહેલું નહિ હોય. પણ તમે એ ફેરફારો કર્યા, કેમ કે તમે યહોવાને પ્રેમ કરો છો અને તેમને ખુશ કરવા માંગો છો. એ જોઈને યહોવા કેટલા ખુશ થયા હશે!—નીતિ. ૨૭:૧૧.

મુશ્કેલ રસ્તે ચાલતા રહેવા શું કરવું જોઈએ?

ઈશ્વરની સલાહ અને ધોરણો પાળવાથી આપણે “મુશ્કેલ” રસ્તે ચાલતા રહી શકીશું (ફકરા ૬-૮ જુઓ) *

૬. મુશ્કેલ રસ્તે ચાલતા રહેવા ગીતશાસ્ત્ર ૧૧૯:૯, ૧૦, ૪૫, ૧૩૩માંથી કઈ મદદ મળે છે?

જો મુશ્કેલ રસ્તે ચાલતા રહેવું હોય તો આપણે શું કરવું જોઈએ? એ સમજવા ચાલો એક દાખલો જોઈએ. પહાડી રસ્તા પર એક બાજુએ રેલિંગ લગાવેલી હોય છે. એ રેલિંગને લીધે ગાડી રસ્તાની ધારથી દૂર રહે છે અને ખાઈમાં પડી જતી નથી. લોકો ફરિયાદ કરતા નથી કે રેલિંગ કેમ લગાવવામાં આવી છે. કારણ કે બધાને પોતાનો જીવ વહાલો છે. બાઇબલમાં આપેલાં યહોવાનાં ધોરણો પણ એ રેલિંગ જેવાં છે. એ ધોરણો આપણું રક્ષણ કરે છે અને મુશ્કેલ રસ્તે ચાલતા રહેવા આપણને મદદ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૯, ૧૦, ૪૫, ૧૩૩ વાંચો.

૭. મુશ્કેલ રસ્તા વિશે યુવાનોએ શું ન વિચારવું જોઈએ અને શા માટે?

યુવાનો, શું તમને એવું લાગે છે કે યહોવાનાં ધોરણો બહુ કડક છે અને તમે મનગમતું કરી શકતા નથી? શેતાન ચાહે છે કે તમે એવું જ વિચારો. તે તમારું ધ્યાન એવા લોકો તરફ દોરે છે, જેઓ સરળ રસ્તે ચાલે છે. દોસ્તો અને ઇન્ટરનેટના લોકો દ્વારા શેતાન તમારા મનમાં એવો મમરો મૂકે છે કે તેઓ તો જીવનમાં જલસા કરે છે. શેતાન ચાહે છે, તમે એવું વિચારો કે યહોવાનાં ધોરણોને લીધે તમે એવી મજા માણી શકતા નથી. * યાદ રાખો, શેતાન લોકોને એ જણાવતો નથી કે તેઓ વિનાશ તરફ જતા રસ્તે ચાલી રહ્યા છે. જ્યારે કે યહોવા ક્યારેય તમને અંધારામાં રાખતા નથી. તેમણે સાફ જણાવ્યું છે કે મુશ્કેલ રસ્તે ચાલવાથી તમને કેવા આશીર્વાદો મળશે.—ગીત. ૩૭:૨૯; યશા. ૩૫:૫, ૬; ૬૫:૨૧-૨૩.

૮. ઓલાફ પાસેથી યુવાનો શું શીખી શકે?

ચાલો ઓલાફનું ઉદાહરણ જોઈએ. * તે યુવાન છે. તે સ્કૂલમાં ભણતો હતો ત્યારે તેના દોસ્તોએ તેને સેક્સ માણવાનું દબાણ કર્યું. તેણે તેઓને સાફ કહી દીધું કે યહોવાના સાક્ષીઓ બાઇબલનાં ઉચ્ચ ધોરણો પ્રમાણે જીવે છે. એ સાંભળીને અમુક છોકરીઓ તેની સાથે સેક્સ માણવા હાથ ધોઈને પાછળ પડી ગઈ. પણ ઓલાફ તેઓની વાતમાં આવ્યો નહિ. તેના પર આ એક જ દબાણ ન હતું. તે કહે છે, “મારા શિક્ષકો મને કહેતા કે મારે વધારે ભણવું જોઈએ. વધારે ભણીશ તો જ લોકો મને માન આપશે, મને સારી નોકરી મળશે અને હું જીવનમાં સફળ થઈશ.” ઓલાફ એ બંને દબાણનો સામનો કઈ રીતે કરી શક્યો? તે કહે છે, “મેં મંડળનાં ભાઈ-બહેનો સાથે પાકી દોસ્તી કરી. તેઓ મારું કુટુંબ બની ગયાં. મેં બાઇબલનો ઊંડો અભ્યાસ કર્યો, એનાથી મને ભરોસો થયો કે હું જે શીખું છું એ જ સાચું છે. મેં નક્કી કર્યું કે બાપ્તિસ્મા લઈને હું યહોવાની સેવા કરીશ.”

૯. મુશ્કેલ રસ્તે ચાલતા રહેવા આપણે શું કરવું જોઈએ?

શેતાન ચાહે છે કે તમે મુશ્કેલ રસ્તે ચાલવાનું છોડી દો. તે ઇચ્છે છે કે તમે પણ ઘણા લોકોની જેમ સરળ રસ્તે ચાલો, જે “વિનાશ તરફ લઈ જાય છે.” (માથ. ૭:૧૩) પણ મુશ્કેલ રસ્તે ચાલતા રહેવા આપણે ઈસુનું સાંભળીએ અને યાદ રાખીએ કે એ જ રસ્તા પર ચાલવાથી હંમેશ માટેનું જીવન મળશે. ઈસુએ બીજું પણ કંઈક કરવાનું કહ્યું હતું. ચાલો એની ચર્ચા કરીએ.

તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો

૧૦. માથ્થી ૫:૨૩, ૨૪ પ્રમાણે આપણે શું કરવું જોઈએ?

૧૦ માથ્થી ૫:૨૩, ૨૪ વાંચો. યહૂદીઓ માટે યહોવાને અર્પણ ચઢાવવું ખૂબ મહત્ત્વનું હતું. ઈસુ એ ખાસ ઘડી વિશે જણાવી રહ્યા હતા. કલ્પના કરો, એક યહૂદીનો વારો આવ્યો છે. તે યાજકને અર્પણ આપવાની તૈયારીમાં જ છે. તેને યાદ આવે છે કે તેનો ભાઈ તેનાથી નારાજ છે. હવે તેણે શું કરવાનું હતું? તેણે અર્પણ વેદી પાસે ‘મૂકી દેવાનું’ હતું. કેમ કે યહોવાને અર્પણ ચઢાવતા પહેલાં તેણે બીજું કંઈક મહત્ત્વનું કરવાનું હતું. એ શું હતું? ઈસુએ કહ્યું, “પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો.”

શું તમે યાકૂબની જેમ નમ્ર બનશો અને ભાઈ-બહેનો સાથે સુલેહ-શાંતિ કરશો? (ફકરા ૧૧-૧૨ જુઓ) *

૧૧. એસાવ સાથે સુલેહ-શાંતિ કરવા યાકૂબે શું કર્યું?

૧૧ સુલેહ-શાંતિ કરવા વિશે આપણે કુળપિતા યાકૂબ પાસેથી ઘણું શીખી શકીએ છીએ. આશરે ૨૦ વર્ષથી તે પોતાના વતનથી દૂર હતા. ઈશ્વરે દૂત દ્વારા તેમને વતન પાછા ફરવાની આજ્ઞા આપી. (ઉત. ૩૧:૧૧, ૧૩, ૩૮) પણ એક મુશ્કેલી હતી. તેમનો ભાઈ એસાવ મનમાં ખાર ભરીને બેઠો હતો અને તેમને મારી નાખવા માંગતો હતો. (ઉત. ૨૭:૪૧) એ વિચારીને ‘યાકૂબ ખૂબ ગભરાઈ ગયા અને ચિંતામાં પડી ગયા.’ (ઉત. ૩૨:૭) પણ તેમણે પોતાના ભાઈ સાથે સુલેહ-શાંતિ કરવાનો નિર્ણય લીધો. સૌથી પહેલા તેમણે યહોવાને કાલાવાલા કરીને પ્રાર્થનામાં મદદ માંગી. પછી તેમણે એસાવ માટે ઘણી બધી ભેટ મોકલી. (ઉત. ૩૨:૯-૧૫) છેલ્લે તે એસાવને મળ્યા ત્યારે તેમણે સામે ચાલીને પ્રણામ કર્યા. એક કે બે વાર નહિ પણ સાત વાર નમીને તેમણે પ્રણામ કર્યા. યાકૂબ નમ્ર હતા અને પોતાના ભાઈનો આદર કરતા હતા, એટલે પોતાના ભાઈ સાથે સુલેહ-શાંતિ કરી શક્યા.—ઉત. ૩૩:૩, ૪.

૧૨. યાકૂબના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૨ યાકૂબ એસાવને મળવા ગયા એ પહેલાં તેમણે શું કર્યું અને જ્યારે તે મળ્યા ત્યારે તેમણે શું કર્યું? તેમણે યહોવાને પ્રાર્થના કરી અને મદદ માંગી. પછી તેમણે પ્રાર્થના પ્રમાણે પગલાં ભર્યાં, જેથી તેમના ભાઈનો ગુસ્સો ઠંડો પડે. યાકૂબે પોતાના ભાઈ સાથે સુલેહ-શાંતિ કરવાનું મનમાં નક્કી કરી લીધું હતું. એટલે એસાવને મળ્યા ત્યારે કોણ સાચું અને કોણ ખોટું, એ વિશે તેમણે દલીલો કરી નહિ.

સુલેહ-શાંતિ કરવા શું કરવું જોઈએ?

૧૩-૧૪. આપણે કોઈ ભાઈ કે બહેનના દિલને ઠેસ પહોંચાડી હોય તો શું કરવું જોઈએ?

૧૩ જીવનના રસ્તા પર ચાલતા રહેવા આપણે ભાઈ-બહેનો સાથે શાંતિ જાળવવી જોઈએ. (રોમ. ૧૨:૧૮) જો ખ્યાલ આવે કે આપણે કોઈ ભાઈ કે બહેનના દિલને ઠેસ પહોંચાડી છે તો શું કરવું જોઈએ? યાકૂબની જેમ યહોવાને પ્રાર્થના કરીએ અને ભાઈ કે બહેન સાથે સુલેહ-શાંતિ કરવા તેમની મદદ માંગીએ.

૧૪ આપણે દિલમાં ડોકિયું કરીએ અને વિચારીએ, ‘શું હું પોતાની ભૂલ સ્વીકારવા અને માફી માંગવા તૈયાર છું? હું મારા ભાઈ કે બહેન સાથે સુલેહ-શાંતિ કરવા પહેલ કરું તો એ વિશે યહોવા અને ઈસુને કેવું લાગશે?’ પોતાની તપાસ કરવાથી આપણને ઈસુનું સાંભળવા અને એ ભાઈ કે બહેન સાથે શાંતિ જાળવવા મદદ મળશે. એ માટે આપણે યાકૂબને અનુસરી શકીએ.

૧૫. સુલેહ-શાંતિ કરવા વિશે એફેસીઓ ૪:૨, ૩માં કઈ સલાહ આપી છે?

૧૫ જરા વિચારો કે યાકૂબે નમ્ર બનવાને બદલે કોની ભૂલ છે એ વિશે રકઝક કરી હોત તો શું થાત? એનું કદાચ ખરાબ પરિણામ આવ્યું હોત. આપણે પણ સુલેહ-શાંતિ કરતી વખતે નમ્ર રહેવું જોઈએ. (એફેસીઓ ૪:૨, ૩ વાંચો.) નીતિવચનો ૧૮:૧૯માં લખ્યું છે, “નારાજ ભાઈને મનાવવો કોટવાળું શહેર જીતવા કરતાંય અઘરું છે, કિલ્લાના બંધ દરવાજાની જેમ મતભેદો લોકોને જુદા પાડે છે.” જો નમ્ર બનીને માફી માંગીશું તો ‘કિલ્લાનો બંધ દરવાજો’ ખુલી શકશે, એટલે કે મતભેદો દૂર કરવાનો માર્ગ ખુલી શકશે.

૧૬. આપણે શાના વિશે વિચારવું જોઈએ અને કેમ?

૧૬ એ ભાઈ કે બહેન સાથે વાત કરતા પહેલાં આપણે વિચારીએ કે શું કહીશું અને કઈ રીતે કહીશું. પછી તેમને મળીએ ત્યારે પૂરી કોશિશ કરીએ કે બધા મતભેદો દૂર થાય અને સંબંધો પહેલાં જેવા થઈ જાય. બની શકે કે શરૂઆતમાં તે એવું કંઈક કહે જેનાથી આપણને ખોટું લાગે. પણ એ સમયે આપણે ગુસ્સે થઈશું અથવા પોતાને સાચા સાબિત કરવાની કોશિશ કરીશું તો શું થઈ શકે? એનાથી વાત વધારે બગડી શકે છે. કોણ સાચું અને કોણ ખોટું એ સાબિત કરવાને બદલે આપણે તેમની સાથે સુલેહ-શાંતિ કરીએ, એ વધારે મહત્ત્વનું છે.—૧ કોરીં. ૬:૭.

૧૭. ગિલ્બર્ટભાઈ પાસેથી તમે શું શીખ્યા?

૧૭ ગિલ્બર્ટભાઈએ તેમની દીકરી સાથે સુલેહ-શાંતિ કરવા ઘણી મહેનત કરી. ભાઈ કહે છે, “અમારા સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. સંબંધો સુધરે એ માટે મેં બે વર્ષ સુધી કોશિશ કરી. હું તેની સાથે શાંતિથી વાત કરવા પ્રયત્ન કરતો. દર વખતે તેની સાથે વાત કરતા પહેલાં હું પ્રાર્થના કરતો. હું યાદ રાખતો કે ભલે તે એલફેલ બોલે, હું ગુસ્સે નહિ થાઉં પણ તેને માફ કરીશ. મને સમજાયું કે દીકરી સાથે સુલેહ-શાંતિ કરવી એ મારી ફરજ છે. મારે પોતાનો જ કક્કો ખરો કરવો જોઈએ નહિ.” ગિલ્બર્ટભાઈને કેવું પરિણામ મળ્યું? તે કહે છે, “આજે હું ઘણો ખુશ છું કે કુટુંબના બધા સભ્યો સાથે મારા સારા સંબંધો છે.”

૧૮-૧૯. આપણાથી કોઈના દિલને ઠેસ પહોંચી હોય તો શું કરવાનો પાકો નિર્ણય લેવો જોઈએ અને કેમ?

૧૮ જો ખ્યાલ આવે કે આપણાથી કોઈ ભાઈ કે બહેનના દિલને ઠેસ પહોંચી છે, તો શું કરવાનો પાકો નિર્ણય લેવો જોઈએ? આપણે ઈસુની સલાહ પાળીને તેમની સાથે સુલેહ-શાંતિ કરવી જોઈએ. એ વિશે યહોવાને પ્રાર્થના કરીએ અને પવિત્ર શક્તિ માંગીએ. એમ કરીશું તો સાચે જ ખુશ રહી શકીશું અને બતાવીશું કે આપણે ઈસુનું સાંભળીએ છીએ.—માથ. ૫:૯.

૧૯ યહોવા આપણને “મંડળના શિર” ઈસુ ખ્રિસ્ત દ્વારા સૌથી સારી સલાહ આપે છે. (એફે. ૫:૨૩) એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ! પ્રેરિત પિતર, યાકૂબ અને યોહાનની જેમ આપણે ઈસુનું ‘સાંભળતા રહીએ.’ (માથ. ૧૭:૫) આપણે શીખ્યા કે એવાં ભાઈ-બહેનો સાથે સુલેહ-શાંતિ કરવી જોઈએ, જેઓનાં દિલને આપણે ઠેસ પહોંચાડી છે. એટલું જ નહિ, જીવન તરફ લઈ જતા મુશ્કેલ રસ્તે ચાલતા રહેવું જોઈએ. એ બંને સલાહ પાળીશું તો હમણાં આશીર્વાદો મળશે અને ભાવિમાં પણ હંમેશ માટે ખુશ રહી શકીશું.

ગીત ૩૫ યહોવાની ધીરજ

^ ફકરો. 5 ઈસુએ ઉત્તેજન આપ્યું કે આપણે સાંકડા દરવાજાથી અંદર જઈએ જે જીવન તરફ લઈ જાય છે. તેમણે આપણને ભાઈ-બહેનો સાથે સુલેહ-શાંતિ કરવાની પણ સલાહ આપી. એ બંને સલાહ પાળવામાં મુશ્કેલીઓ આવી શકે. ચાલો જોઈએ કે કઈ મુશ્કેલીઓ આવી શકે અને આપણે એને કઈ રીતે પાર કરી શકીએ.

^ ફકરો. 7 ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે પુસ્તિકાનો સવાલ ૬ જુઓ: “દોસ્તોના દબાણનો સામનો હું કઈ રીતે કરી શકું?” www.pr418.com/gu પર વ્હાઇટબૉર્ડ એનિમેશન વીડિયો જુઓ: દોસ્તોના દબાણનો સામનો કરવો! (શાસ્ત્રનું શિક્ષણ > યુવાનો વિભાગમાં જાઓ.)

^ ફકરો. 8 અમુક નામ બદલ્યાં છે.

^ ફકરો. 56 ચિત્રની સમજ: યહોવાનાં ધોરણો એક રેલિંગ જેવાં છે. જો એને પાળીશું તો મુશ્કેલ રસ્તે ચાલતા રહી શકીશું અને પોર્નોગ્રાફી, વ્યભિચાર અને ઉચ્ચ શિક્ષણનાં જોખમથી બચી શકીશું.

^ ફકરો. 58 ચિત્રની સમજ: યાકૂબે પોતાના ભાઈ એસાવ સાથે સુલેહ-શાંતિ કરવા વારંવાર નમીને પ્રણામ કર્યા.