સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૭

‘બુદ્ધિમાનની વાતો ધ્યાનથી સાંભળીએ’

‘બુદ્ધિમાનની વાતો ધ્યાનથી સાંભળીએ’

“બુદ્ધિમાનની વાતો પર કાન ધર અને એને ધ્યાનથી સાંભળ.”​—નીતિ. ૨૨:૧૭.

ગીત ૪૩ જાગતા રહીએ

ઝલક *

૧. આપણને ક્યારે સલાહ મળી શકે અને એ કેમ સ્વીકારવી જોઈએ?

 આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો સલાહની જરૂર પડે છે. અમુક વખતે આપણે એવી વ્યક્તિ પાસે સામે ચાલીને સલાહ માંગીએ છીએ, જેનો આપણે આદર કરતા હોઈએ. કોઈક વાર વ્યક્તિ સામેથી આપણને સલાહ આપે છે. દાખલા તરીકે એક ભાઈને આપણી ચિંતા છે અને તે જુએ છે કે આપણે “ખોટા માર્ગે” જઈ રહ્યા છીએ. (ગલા. ૬:૧) એટલે તે સલાહ આપે છે, જેથી આપણે પસ્તાવું ન પડે. કોઈ વાર આપણાથી મોટું પાપ થઈ જાય ત્યારે વડીલો આપણને સુધારવા સલાહ આપે છે. ભલે કોઈ પણ કારણે સલાહ મળે, આપણે એ સ્વીકારવી જોઈએ. એમ કરવાથી આપણું ભલું થશે અને આપણું જીવન બચશે.—નીતિ. ૬:૨૩.

૨. નીતિવચનો ૧૨:૧૫ પ્રમાણે આપણે કેમ સલાહ સ્વીકારવી જોઈએ?

આ લેખની મુખ્ય કલમથી ઉત્તેજન મળે છે કે આપણે ‘બુદ્ધિમાનની વાતો ધ્યાનથી સાંભળીએ.’ (નીતિ. ૨૨:૧૭) દુનિયામાં એવો કોઈ માણસ નથી જે બધું જ જાણતો હોય. એવું કોઈને કોઈ તો હશે, જે આપણાથી વધારે બુદ્ધિશાળી કે અનુભવી હોય. (નીતિવચનો ૧૨:૧૫ વાંચો.) આપણે સલાહ સ્વીકારીને બતાવીએ છીએ કે આપણે નમ્ર છીએ. આપણે જાણીએ છીએ કે આપણે બધું એકલા હાથે કરી શકતા નથી. કામ પૂરું કરવા આપણને મદદની જરૂર પડે છે. બુદ્ધિશાળી રાજા સુલેમાને ઈશ્વરની પ્રેરણાથી લખ્યું: “ઘણા સલાહકારો હોય ત્યાં કામ પાર પડે છે.”—નીતિ. ૧૫:૨૨.

તમને કેવી સલાહ સ્વીકારવી અઘરી લાગે છે? (ફકરા ૩-૪ જુઓ)

૩. આપણને કઈ રીતે સલાહ મળી શકે?

આપણને બે રીતે સલાહ મળી શકે છે. એક રીત છે, આપણે બાઇબલ અને સાહિત્યમાંથી કંઈક વાંચીએ અથવા સભાઓમાં કંઈક સાંભળીએ ત્યારે જાતે સમજીએ છીએ કે એ સલાહ જીવનમાં લાગુ પાડવાની જરૂર છે. પછી એ પ્રમાણે પોતાનાં વાણી-વર્તનમાં ફેરફાર કરીએ છીએ. (હિબ્રૂ. ૪:૧૨) બીજી રીત છે, આપણને એક વડીલ અથવા અનુભવી ભાઈ કે બહેન સીધેસીધી સલાહ આપે. તે આપણામાં કંઈ સુધારો કરવાનું કહે. બીજાઓ બાઇબલને આધારે સલાહ આપે ત્યારે એમાં તેઓનો પ્રેમ દેખાઈ આવે છે. એટલે આપણે તેઓની કદર કરવી જોઈએ અને સલાહ સ્વીકારવી જોઈએ.

૪. સલાહ મળે ત્યારે શું ન કરવું જોઈએ? (સભાશિક્ષક ૭:૯)

કોઈ આપણને સલાહ આપે ત્યારે એ સ્વીકારવી અઘરી લાગી શકે. આપણને સલાહ સાંભળીને ખોટું લાગી જાય. આપણે સ્વીકારીએ છીએ કે આપણાથી ભૂલો થાય છે. પણ બીજું કોઈ આપણી ભૂલ બતાવે ત્યારે, આપણને કદાચ ન ગમે. તેમની સલાહ સ્વીકારવી પણ મુશ્કેલ લાગી શકે. (સભાશિક્ષક ૭:૯ વાંચો.) બની શકે કે આપણે પોતાને સાચા સાબિત કરવા બેસી જઈએ. આપણે કદાચ સલાહ આપનારના ઇરાદા પર સવાલ ઉઠાવીએ અથવા તે જે રીતે સલાહ આપે છે એનાથી નારાજ થઈ જઈએ. આપણે તેમનામાં વાંધાવચકા શોધવા લાગીએ. આપણને થાય, ‘તે વળી કોણ કે મને સલાહ આપે. તે પણ કેટલી ભૂલો કરે છે.’ આપણને સલાહ ન ગમે તો કદાચ એને એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખીએ. પછી એવી વ્યક્તિ પાસે જઈએ જેની સલાહ આપણા કાનને ગમે.

૫. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

બાઇબલમાં જોવા મળે છે કે અમુકે સલાહ સ્વીકારી અને અમુકે ન સ્વીકારી. આ લેખમાં આપણે એવા દાખલાની ચર્ચા કરીશું. એ પણ જોઈશું કે સલાહ સ્વીકારવા શું મદદ કરી શકે અને સલાહ સ્વીકારવાથી કેવા ફાયદા થાય છે.

તેઓએ સલાહ ન સ્વીકારી

૬. રહાબઆમ રાજા પાસેથી શું શીખવા મળે છે?

ચાલો રહાબઆમનો દાખલો જોઈએ. તે ઇઝરાયેલનો રાજા બન્યો ત્યારે ત્યાંના લોકો તેને મળવા આવ્યા. તેના પિતા સુલેમાને તેઓ પર ભારે બોજો નાખ્યો હતો. તેઓએ એ બોજો હળવો કરવાની રાજાને વિનંતી કરી. રહાબઆમે સમજદારીનું કામ કર્યું. તેણે એ વિશે ઇઝરાયેલના વૃદ્ધ માણસોની સલાહ માંગી. તેઓએ લોકોની વાત માની લેવાની સલાહ આપી. તેઓએ જણાવ્યું કે જો રાજા એમ કરશે તો લોકો આખી જિંદગી તેના સેવકો બનીને રહેશે. (૧ રાજા. ૧૨:૩-૭) રહાબઆમને એ સલાહ ન ગમી. એટલે તે પોતાના દોસ્તો પાસે ગયો, જેઓ તેની સાથે મોટા થયા હતા. એ માણસો ચાલીસેક વર્ષના હતા અને તેઓ પાસે થોડો અનુભવ હતો. (૨ કાળ. ૧૨:૧૩) પણ આ કિસ્સામાં તેઓએ રહાબઆમને ખોટી સલાહ આપી. તેઓએ લોકો પર બોજો વધારવાનું કહ્યું. (૧ રાજા. ૧૨:૮-૧૧) રહાબઆમને બે અલગ અલગ સલાહ મળી હતી. તેણે યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગવી જોઈતી હતી. તેણે પૂછવું જોઈતું હતું કે તે કઈ સલાહ પાળે. પણ તેણે એવું કંઈ જ ન કર્યું. તેણે તો દોસ્તોની સલાહ માની, જે તેને ગમતી હતી. એનાથી ફક્ત રાજાએ જ નહિ, પ્રજાએ પણ ઘણું ભોગવવું પડ્યું. આપણા વિશે શું? આપણને હંમેશાં એવી સલાહ ન મળે, જે ગમતી હોય. પણ એ સલાહ બાઇબલમાંથી હોય તો આપણે એને પાળવી જ જોઈએ.

૭. ઉઝ્ઝિયા રાજા પાસેથી શું શીખવા મળે છે?

ઉઝ્ઝિયા રાજાનો વિચાર કરીએ. તે ધૂપ બાળવા મંદિરના એ ભાગમાં ગયો, જ્યાં ફક્ત યાજકો જઈ શકતા હતા. યહોવાના યાજકોએ તેને કહ્યું: “ઓ ઉઝ્ઝિયા રાજા, યહોવા આગળ ધૂપ બાળવાનું કામ તમારું નથી! ફક્ત યાજકો જ ધૂપ બાળી શકે છે.” એ સાંભળીને ઉઝ્ઝિયાએ શું કર્યું? જો તેણે નમ્ર બનીને સલાહ સ્વીકારી હોત અને મંદિર છોડીને તરત જતો રહ્યો હોત, તો યહોવાએ તેને માફ કર્યો હોત. પણ ઉઝ્ઝિયાને “ખૂબ ક્રોધ ચઢ્યો.” તેણે કેમ સલાહ ન સ્વીકારી? તેને લાગ્યું કે તે તો રાજા છે, કંઈ પણ કરી શકે છે. પણ યહોવાની નજરે એ યોગ્ય ન હતું. તેણે ઘમંડી બનીને જે કર્યું એ માટે યહોવાએ તેને સજા કરી. તેને ‘રક્તપિત્ત થયો અને મરતાં સુધી તે રોગી રહ્યો.’ (૨ કાળ. ૨૬:૧૬-૨૧) ઉઝ્ઝિયાના દાખલાથી આપણને ઘણું શીખવા મળે છે. ભલે આપણી પાસે કોઈ પણ જવાબદારી હોય, જો બાઇબલને આધારે મળેલી સલાહ નહિ સ્વીકારીએ તો યહોવાની કૃપા ગુમાવી દઈશું.

તેઓએ સલાહ સ્વીકારી

૮. અયૂબને સલાહ મળી ત્યારે તેમણે શું કર્યું?

સલાહ ન સ્વીકારી હોય એવા દાખલા આપણે જોઈ ગયા. બાઇબલમાં એવા લોકોના દાખલા પણ છે, જેઓએ સલાહ સ્વીકારી અને તેઓને આશીર્વાદ મળ્યો. ચાલો અયૂબનો દાખલો જોઈએ. તે ઈશ્વરને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમને ખુશ કરવા માંગતા હતા. જોકે તેમનાથી પણ ભૂલો થઈ. એક વાર તેમના પર એટલી બધી મુશ્કેલીઓ આવી કે તે વગર વિચાર્યે બોલી બેઠા. એટલે તેમને અલીહૂ અને યહોવા તરફથી સીધેસીધી સલાહ મળી. અયૂબે શું કર્યું? તેમણે નમ્રતાથી એ સલાહ સ્વીકારી. તેમણે કીધું: “હું કંઈ પણ સમજ્યા વગર બોલ્યો હતો. . . . હું મારા શબ્દો પાછા લઉં છું, ધૂળ અને રાખમાં બેસીને પસ્તાવો કરું છું.” અયૂબ નમ્ર હતા એટલે યહોવાએ તેમને ઘણા આશીર્વાદ આપ્યા.—અયૂ. ૪૨:૩-૬, ૧૨-૧૭.

૯. (ક) સલાહ મળી ત્યારે મૂસાએ શું કર્યું? (ખ) મૂસાના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

આપણાથી કોઈ મોટી ભૂલ થાય ત્યારે સલાહ સ્વીકારવી જોઈએ. એ વિશે મૂસાએ સરસ દાખલો બેસાડ્યો છે. એક વાર તે પિત્તો ગુમાવી બેઠા અને યહોવાને આદર આપવાનું ચૂકી ગયા. એટલે તેમણે વચનના દેશમાં જવાનો લહાવો ગુમાવી દીધો. (ગણ. ૨૦:૧-૧૩) યહોવાના એ નિર્ણયથી મૂસા દુઃખી થયા. તેમણે યહોવાને એ વિશે ફરી વિચારવાનું કહ્યું. પણ યહોવાએ કહ્યું: “હવે આ વિશે વાત કરતો નહિ.” (પુન. ૩:૨૩-૨૭) મૂસાએ મન ખાટું કર્યું નહિ પણ યહોવાના નિર્ણયને સ્વીકાર્યો. એટલે યહોવાએ ઇઝરાયેલની આગેવાની લેવાનું કામ મૂસા પાસેથી લઈ ન લીધું. (પુન. ૪:૧) સલાહ સ્વીકારવામાં અયૂબ અને મૂસાએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. અયૂબે બહાનાં કાઢ્યાં નહિ, પણ પોતાના વિચારો બદલ્યા. મૂસા વચનના દેશમાં જવા આતુર હતા. તેમણે એ ખાસ લહાવો ગુમાવ્યો તોપણ તે જીવનની છેલ્લી ઘડી સુધી યહોવાને વફાદાર રહ્યા. એ બતાવે છે કે મૂસાએ દિલથી યહોવાની સલાહ સ્વીકારી હતી.

૧૦. (ક) નીતિવચનો ૪:૧૦-૧૩માં સલાહ સ્વીકારવા વિશે કેવા ફાયદા જણાવ્યા છે? (ખ) સલાહ મળી ત્યારે અમુક ભાઈ-બહેનોએ શું કર્યું?

૧૦ અયૂબ અને મૂસા જેવા વફાદાર ઈશ્વરભક્તોની જેમ સલાહ સ્વીકારવાથી આપણને ફાયદા થાય છે. (નીતિવચનો ૪:૧૦-૧૩ વાંચો.) ઘણાં ભાઈ-બહેનોએ એવું જ કર્યું છે. કૉંગોમાં રહેતા ઈમાનુએલભાઈ કહે છે: “મારા મંડળના અનુભવી ભાઈઓએ જોયું કે યહોવા સાથેનો મારો સંબંધ નબળો પડી રહ્યો છે ત્યારે તેઓ મારી મદદે આવી પહોંચ્યા. મેં તેઓની સલાહ સ્વીકારી એટલે ઘણી મુશ્કેલીઓથી બચી શક્યો.” * કેનેડામાં રહેતાં મેગનબહેન એક પાયોનિયર છે, તે કહે છે: “અમુક સલાહ સાંભળવી મને ગમતી નથી. પણ એ મારા ભલા માટે છે.” ક્રોએશિયામાં રહેતા માર્કોભાઈ કહે છે: “મને એ વાતનું દુઃખ છે કે મેં મંડળમાં લહાવો ગુમાવ્યો હતો. પણ મને સમજાયું કે એ સમયે મળેલી સલાહથી હું યહોવા સાથે સંબંધ ફરી મજબૂત કરી શક્યો.”

૧૧. ભાઈ કાર્લ ક્લેઈને સલાહ સ્વીકારવા વિશે શું કહ્યું?

૧૧ ભાઈ કાર્લ ક્લેઈન નિયામક જૂથના સભ્ય હતા. તેમને પણ સલાહ સ્વીકારવાથી ઘણો ફાયદો થયો હતો. તે અને ભાઈ જોસેફ રધરફર્ડ ખાસ મિત્રો હતા. ભાઈ ક્લેઈને પોતાની જીવન સફરમાં એક બનાવ વિશે જણાવ્યું હતું. એક વખતે ભાઈ રધરફર્ડે તેમને કડક શબ્દોમાં સલાહ આપી. એ વિશે ભાઈ ક્લેઈનને શરૂઆતમાં માઠું લાગ્યું. તે કહે છે: “એ પછી [ભાઈ રધરફર્ડ] મને મળ્યા ત્યારે તેમણે હસીને કહ્યું, ‘કેમ છે કાર્લ?’ પણ હું તેમનાથી નારાજ હતો. એટલે મેં સરખો જવાબ ન આપ્યો. તેમણે કહ્યું, ‘કાર્લ ધ્યાન રાખજે! શેતાન તારી પાછળ છે.’ હું શરમમાં મૂકાઈ ગયો. એટલે મેં કહ્યું, ‘ના ભાઈ, હું કંઈ તમારાથી નારાજ નથી.’ પણ તે જાણતા હતા કે હું નારાજ હતો. એટલે તેમણે ફરી એ જ ચેતવણી આપી, ‘ઠીક છે, પણ જોજે શેતાન તારી પાછળ છે.’ તેમની વાત ખરેખર સાચી હતી! જે ભાઈને સલાહ આપવાનો અધિકાર છે તેમના માટે મનમાં ખાર ન રાખવો જોઈએ . . . નહિતર, આપણે સામે ચાલીને શેતાનના ફાંદામાં ફસાઈ જઈશું.” * (એફે. ૪:૨૫-૨૭) ભાઈ કાર્લ ક્લેઈને ભાઈ રધરફર્ડની સલાહ સ્વીકારી અને તેઓ હંમેશાં ખાસ મિત્રો રહ્યા.

સલાહ સ્વીકારવા શું મદદ કરી શકે?

૧૨. સલાહ સ્વીકારવા નમ્રતાનો ગુણ કઈ રીતે મદદ કરી શકે? (ગીતશાસ્ત્ર ૧૪૧:૫)

૧૨ સલાહ સ્વીકારવા આપણને શું મદદ કરી શકે? આપણે નમ્ર રહેવું જોઈએ. એ પણ યાદ રાખવું જોઈએ કે આપણે પાપી છીએ અને ડગલે ને પગલે ભૂલો કરીએ છીએ. કેટલીક વાર આપણે વગર વિચાર્યે કંઈ ને કંઈ કરી બેસીએ છીએ. આપણે અગાઉ જોઈ ગયા કે અયૂબના વિચારો ખોટા હતા. પણ પછી તેમણે પોતાના વિચારો બદલ્યા, એટલે યહોવાએ તેમને આશીર્વાદ આપ્યા. તે ફેરફાર કેમ કરી શક્યા? કેમ કે તે નમ્ર હતા. અલીહૂ ઉંમરમાં નાના હતા, તોપણ અયૂબે તેમની સલાહ સ્વીકારી. (અયૂ. ૩૨:૬, ૭) અમુક વાર લાગે કે આપણને સલાહની જરૂર નથી અથવા સલાહ આપનાર આપણાથી ઉંમરમાં નાના હોઈ શકે. જો આપણે નમ્ર હોઈશું તો સહેલાઈથી સલાહ સ્વીકારી શકીશું. કેનેડામાં રહેતા એક વડીલ કહે છે, “જો આપણને કોઈ સલાહ નહિ આપે, તો યહોવાની ભક્તિમાં આગળ વધવું ઘણું અઘરું થઈ જશે.” આપણે બધા યહોવાની ભક્તિમાં આગળ વધવા માંગીએ છીએ, ખરું ને? આપણે ચાહીએ છીએ કે પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણો વધારે ને વધારે કેળવીએ અને સારી રીતે ખુશખબર જણાવીએ. એટલે આપણને સલાહની જરૂર છે.—ગીતશાસ્ત્ર ૧૪૧:૫ વાંચો.

૧૩. આપણે સલાહને કેવી ગણવી જોઈએ?

૧૩ સલાહને યહોવાનો પ્રેમ ગણીએ. યહોવા આપણા માટે સૌથી સારું ઇચ્છે છે. (નીતિ. ૪:૨૦-૨૨) તે આપણને ખૂબ પ્રેમ કરે છે. એટલે તે “આપણા ભલા માટે” બાઇબલ, સાહિત્ય અથવા અનુભવી ભાઈ કે બહેન દ્વારા સલાહ આપે છે.—હિબ્રૂ. ૧૨:૯, ૧૦.

૧૪. સલાહ મળે ત્યારે આપણે શાના પર ધ્યાન આપવું જોઈએ?

૧૪ સલાહ પર ધ્યાન આપીએ, સલાહ આપવાની રીત પર નહિ. અમુક વાર લાગે કે વ્યક્તિની સલાહ આપવાની રીત બરાબર નથી. ખરું કે સલાહ આપનારે એ રીતે સલાહ આપવી જોઈએ, જેથી સામેવાળાને સલાહ સ્વીકારવી સહેલી લાગે. * (ગલા. ૬:૧) પણ સલાહ મળે ત્યારે સલાહ પર ધ્યાન આપીએ, પછી ભલે લાગે કે એ વ્યક્તિ વધારે સારી રીતે સલાહ આપી શકી હોત. આપણે પોતાને પૂછીએ, ‘મને જે રીતે સલાહ મળી એ ન ગમે તોપણ એમાંથી શું હું મારામાં કંઈક સુધારો કરી શકું? સલાહ આપનારની ભૂલો શોધવાને બદલે શું હું સલાહ પર ધ્યાન આપી શકું?’ સારું રહેશે કે જે સલાહ મળે એમાંથી ફાયદો લેવા આપણે પૂરી કોશિશ કરીએ.—નીતિ. ૧૫:૩૧.

સલાહ લઈએ અને ફાયદા મેળવીએ

૧૫. આપણે કેમ સામે ચાલીને બીજાઓની સલાહ લેવી જોઈએ?

૧૫ બાઇબલમાં ઉત્તેજન આપ્યું છે કે આપણે બીજાઓની સલાહ લઈએ. નીતિવચનો ૧૩:૧૦માં લખ્યું છે: “બીજાની સલાહ લેનાર પાસે બુદ્ધિ હોય છે.” એ વાત સો ટકા સાચી છે! જેઓ સામે ચાલીને સલાહ લે છે, તેઓ સારા નિર્ણય લઈ શકે છે અને ભક્તિમાં આગળ વધી શકે છે. એટલે બીજાઓ સલાહ આપે એની રાહ જોવાને બદલે આપણે સામે ચાલીને તેઓની સલાહ લઈએ.

યુવાન બહેન કેમ અનુભવી બહેન પાસે સલાહ લે છે? (ફકરો ૧૬ જુઓ)

૧૬. કેવા સંજોગોમાં આપણે બીજાઓની સલાહ લઈ શકીએ?

૧૬ આપણે ભાઈ-બહેનો પાસે ક્યારે સલાહ લઈ શકીએ? ચાલો અમુક સંજોગો જોઈએ: (૧) એક બહેન અનુભવી પ્રકાશકને પોતાના અભ્યાસમાં લઈ જાય છે. અભ્યાસ પછી બહેન તેમની પાસે સલાહ માંગે છે, જેથી પોતાની શીખવવાની રીતમાં સુધારો કરી શકે. (૨) એક કુંવારા બહેનને કપડાં ખરીદવાં છે. તે એક અનુભવી બહેનને પૂછે છે કે એ કપડાં કેવાં છે એ વિશે અચકાયા વગર જણાવે. (૩) એક ભાઈ પહેલી વખત પ્રવચન આપવાના છે. તે અનુભવી ભાઈને પોતાનું પ્રવચન ધ્યાનથી સાંભળવાનું કહે છે, જેથી સુધારો કરવાની જરૂર લાગે તો તેને સલાહ આપી શકે. વર્ષોથી પ્રવચન આપતા ભાઈ પણ સારું પ્રવચન આપનાર બીજા ભાઈઓ પાસેથી સલાહ લઈ શકે છે અને એ પ્રમાણે સુધારો કરી શકે છે.

૧૭. સલાહ સ્વીકારવાથી કેવો ફાયદો થાય છે?

૧૭ આવનાર સમયમાં આપણને બધાને કોઈ ને કોઈ રીતે સલાહ મળશે. એવું થાય ત્યારે આ લેખના મુદ્દાઓ યાદ કરીએ. આપણે નમ્ર બનીને સલાહ પર ધ્યાન આપીએ, સલાહ આપવાની રીત પર નહિ. આપણને સલાહ મળે તો એને સ્વીકારીએ. આપણે કંઈ જન્મથી જ બુદ્ધિમાન નથી. પણ બાઇબલમાં વચન આપ્યું છે કે જો આપણે ‘સલાહ સાંભળીશું અને શિસ્ત સ્વીકારીશું તો બુદ્ધિમાન બનીશું.’—નીતિ. ૧૯:૨૦.

ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ

^ ફકરો. 5 યહોવાના ભક્તો જાણે છે કે બાઇબલની સલાહ સ્વીકારવી કેટલી જરૂરી છે. પણ દર વખતે સલાહ સ્વીકારવી કંઈ સહેલી લાગતી નથી. સલાહ સ્વીકારવી આપણને કેમ અઘરી લાગે છે અને એ સ્વીકારવા શું મદદ કરી શકે?

^ ફકરો. 10 અમુક નામ બદલ્યાં છે.

^ ફકરો. 14 હવે પછીના લેખમાં આપણે ચર્ચા કરીશું કે સલાહ આપનાર કઈ રીતે સમજી-વિચારીને સલાહ આપી શકે.