સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૮

શું તમારી સલાહથી બીજાઓનાં “દિલ ખુશ થાય છે”?

શું તમારી સલાહથી બીજાઓનાં “દિલ ખુશ થાય છે”?

“જેમ તેલ અને ધૂપથી દિલ ખુશ થાય છે, તેમ દિલથી આપેલી સલાહ દોસ્તીમાં મીઠાશ ઉમેરે છે.”​—નીતિ. ૨૭:૯.

ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’

ઝલક *

૧-૨. સલાહ આપવા વિશે એક ભાઈને શું શીખવા મળ્યું?

 ઘણાં વર્ષો પહેલાંની વાત છે. એક બહેન અમુક સમયથી સભામાં આવતા ન હતા. એટલે બે વડીલો તેમને મળવા ગયા. સભામાં આવવું કેમ જરૂરી છે, એ વિશે એક વડીલે બાઇબલમાંથી અમુક કલમો બતાવી. ભાઈને લાગ્યું કે એનાથી બહેનને ઉત્તેજન મળ્યું હશે. પણ એ ભાઈઓ ત્યાંથી નીકળતા હતા ત્યારે બહેને કહ્યું, “ભાઈઓ, તમને શું ખબર કે મારા પર શું વીતી રહ્યું છે.” વડીલોએ બહેનને સલાહ તો આપી હતી, પણ તેમની તકલીફો જાણવાની કોશિશ કરી ન હતી. એટલે બહેનને લાગ્યું કે એ સલાહથી તેમને ખાસ કંઈ ફાયદો થયો નહિ.

જે વડીલે કલમો બતાવી હતી, તે એ બનાવ યાદ કરતા કહે છે, “એ સમયે મને લાગ્યું કે બહેનને અમારી સલાહની કંઈ કદર નથી. પણ પછીથી મને સમજાયું કે મેં કલમો તો બતાવી હતી, પણ બહેનના સંજોગો વિશે તો વિચાર્યું જ નહિ. મારે તેમને આવા સવાલો પૂછવા જોઈતા હતા, ‘શું બધું ઠીક છે? શું હું કંઈ મદદ કરી શકું?’” એ અનુભવમાંથી ભાઈને ઘણું શીખવા મળ્યું. હવે તે બીજાઓની લાગણીઓ સારી રીતે સમજે છે અને તેઓની કાળજી રાખે છે.

૩. મંડળમાં કોણ કોણ સલાહ આપી શકે?

  વડીલો ઈશ્વરના ટોળાના ઘેટાંપાળક છે. એટલે સલાહ આપવાની જવાબદારી તેઓની છે. જોકે અમુક સમયે મંડળનાં બીજાં ભાઈ-બહેનો પણ સલાહ આપી શકે. દાખલા તરીકે, કોઈ ભાઈ કે બહેન પોતાના મિત્રને બાઇબલમાંથી સલાહ આપી શકે. (ગીત. ૧૪૧:૫; નીતિ. ૨૫:૧૨) મોટી ઉંમરનાં બહેન, કોઈ યુવાન બહેનને તિતસ ૨:૩-૫માં જણાવેલી બાબતો વિશે સલાહ આપી શકે. માબાપોએ પણ બાળકોને સુધારવા સલાહ આપવી પડે છે. ખરું કે, આ લેખ ખાસ કરીને મંડળના વડીલો માટે છે, પણ એમાંથી આપણને બધાને ફાયદો થઈ શકે છે. આપણે બીજાઓને એવી સલાહ આપી શકીશું જે તેઓને કામ આવે અને તેઓને ઉત્તેજન મળે. એ સલાહ સ્વીકારીને તેઓનું ‘દિલ ખુશ થશે.’—નીતિ. ૨૭:૯.

૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આ લેખમાં આપણે ચાર સવાલોની ચર્ચા કરીશું: (૧) સલાહ આપવા પાછળનું ખાસ કારણ કયું હોવું જોઈએ? (૨) શું સલાહ આપવાની ખરેખર જરૂર છે? (૩) સલાહ કોણે આપવી જોઈએ? (૪) સારી સલાહ આપવા શું કરવું જોઈએ?

સલાહ આપવા પાછળનું ખાસ કારણ કયું હોવું જોઈએ?

૫. ભાઈ-બહેનોને ક્યારે સલાહ સ્વીકારવી સહેલી લાગશે? (૧ કોરીંથીઓ ૧૩:૪, ૭)

વડીલો બધાં ભાઈ-બહેનોને પ્રેમ કરે છે. એ પ્રેમને લીધે તેઓ ખોટા માર્ગે જતી વ્યક્તિને સલાહ આપે છે. (ગલા. ૬:૧) પણ એ વ્યક્તિ સાથે વાત કરતા પહેલાં વડીલો શું કરી શકે? પાઉલે પ્રેમ વિશે જણાવેલી આ બાબતો પર તેઓ ધ્યાન આપી શકે: “પ્રેમ ધીરજ રાખે છે અને દયાળુ છે. . . . પ્રેમ બધું સહન કરે છે, બધામાં ભરોસો રાખે છે, બધાની આશા રાખે છે, બધું ધીરજ રાખીને સહન કરે છે.” (૧ કોરીંથીઓ ૧૩:૪,  વાંચો.) એ કલમો પર મનન કરવાથી તેઓ ભાઈ-બહેનોને પ્રેમથી સલાહ આપી શકશે. જો ભાઈ-બહેનોને વડીલોના પ્રેમનો અહેસાસ થશે તો તેઓ સહેલાઈથી સલાહ સ્વીકારી શકશે.—રોમ. ૧૨:૧૦.

૬. પાઉલે કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?

પ્રેરિત પાઉલે એક વડીલ તરીકે સારો દાખલો બેસાડ્યો છે. જ્યારે થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને સલાહની જરૂર હતી ત્યારે પાઉલે અચકાયા વગર તેઓને સલાહ આપી. જોકે તેઓને લખેલા પત્રોમાં પાઉલે પહેલા તેઓના વખાણ કર્યા. પાઉલે કહ્યું કે તેઓ વિશ્વાસુ રહીને સેવા કરે છે, પ્રેમથી પ્રેરાઈને સખત મહેનત કરે છે અને ધીરજથી બધું સહન કરે છે. તેમણે તેઓના સંજોગોનો પણ વિચાર કર્યો. તે જાણતા હતા કે તેઓનું જીવન સહેલું નથી અને તેઓ વફાદારીથી સતાવણીઓ સહન કરી રહ્યા છે. (૧ થેસ્સા. ૧:૩; ૨ થેસ્સા. ૧:૪) પાઉલે જણાવ્યું કે એ ભાઈ-બહેનોએ બીજાઓ માટે સારો દાખલો બેસાડ્યો છે. (૧ થેસ્સા. ૧:૮, ૯) એ વખાણ સાંભળીને થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોનું દિલ ખુશીથી ઝૂમી ઊઠ્યું હશે. પાઉલ ખરેખર એ ભાઈ-બહેનોને ઘણો પ્રેમ કરતા હતા. એટલે જ તે તેઓને બંને પત્રોમાં સારી સલાહ આપી શક્યા.—૧ થેસ્સા. ૪:૧, ૩-૫, ૧૧; ૨ થેસ્સા. ૩:૧૧, ૧૨.

૭. અમુકને સલાહ આપવામાં આવે ત્યારે કેમ ખોટું લાગે છે?

સલાહ આપવાની રીત યોગ્ય ન હોય તો શું થઈ શકે? એક અનુભવી વડીલ જણાવે છે, “અમુકને સલાહ આપવામાં આવે ત્યારે તેઓને ખોટું લાગી જાય છે. એનું કારણ એ નથી કે સલાહ ખોટી હતી, પણ તેઓને એ સલાહ પ્રેમથી મળી ન હતી.” એમાંથી આપણે શું શીખી શકીએ? સલાહ સ્વીકારવી ત્યારે સહેલી બને છે જ્યારે પ્રેમથી સલાહ આપવામાં આવે, નહિ કે ગુસ્સામાં.

શું સલાહ આપવાની ખરેખર જરૂર છે?

૮. સલાહ આપતા પહેલાં વડીલોએ કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?

વડીલોએ સલાહ આપવામાં ઉતાવળ ન કરવી જોઈએ. સલાહ આપતા પહેલાં તેઓએ આ સવાલોનો વિચાર કરવો જોઈએ: ‘શું મારે ખરેખર સલાહ આપવાની જરૂર છે? શું મને ખાતરી છે કે એ વ્યક્તિ કંઈક ખોટું કરી રહી છે? શું તેણે બાઇબલની કોઈ આજ્ઞા તોડી છે, કે પછી અમારા વિચારો મેળ ખાતા નથી એટલે મને એવું લાગે છે?’ વડીલોએ ‘વિચાર્યા વગર બોલવાનું’ ટાળવું જોઈએ. (નીતિ. ૨૯:૨૦) સલાહ આપવી કે નહિ એ વિશે એક વડીલને ખાતરી ન હોય તો તે બીજા વડીલને પૂછી શકે છે. તે પૂછી શકે કે શું તેમને લાગે છે કે એ વ્યક્તિએ બાઇબલની વિરુદ્ધ કંઈક કર્યું છે.—૨ તિમો. ૩:૧૬, ૧૭.

૯. કપડાં અને શણગારની પસંદગી વિશે સલાહ આપતી વખતે પાઉલ પાસેથી શું શીખી શકીએ? (૧ તિમોથી ૨:૯, ૧૦)

ચાલો એક દાખલો જોઈએ. ધારો કે વડીલને કોઈ ભાઈ કે બહેનનાં કપડાં કે શણગારની પસંદગી યોગ્ય લાગતી નથી. તે વિચારી શકે, ‘શું બાઇબલમાંથી સલાહ આપવા મારી પાસે કોઈ કારણ છે?’ એ વડીલ જાણે છે કે તેમણે બીજાઓ પર પોતાના વિચારો થોપી બેસાડવા ન જોઈએ. એટલે તે બીજા વડીલને અથવા કોઈ અનુભવી ભાઈ કે બહેનને એ વિશે પૂછી શકે. તેઓ સાથે મળીને પાઉલની સલાહ પર વિચાર કરી શકે. (૧ તિમોથી ૨:૯, ૧૦ વાંચો.) પાઉલે કંઈ લાંબું લિસ્ટ આપ્યું નથી કે કેવાં કપડાં પહેરવાં જોઈએ અને કેવાં નહિ. પણ તેમણે જણાવ્યું કે જ્યાં સુધી બાઇબલના સિદ્ધાંતો ન તૂટે ત્યાં સુધી એક ઈશ્વરભક્ત જાતે પસંદગી કરી શકે છે. તેમણે કહ્યું કે એક ઈશ્વરભક્તે સમજી-વિચારીને પસંદગી કરવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે યહોવાનું નામ ખરાબ ન થાય. એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને એક વડીલ નક્કી કરી શકે કે કોઈ ભાઈ કે બહેનને સલાહ આપવાની જરૂર છે કે નહિ.

૧૦. આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૦ આપણે યાદ રાખવું જોઈએ કે બે ભાઈઓ અલગ અલગ નિર્ણય લઈ શકે છે. પણ એવું નથી કે એક ભાઈ સાચા છે અને બીજા ખોટા. ખરા-ખોટા વિશે પોતાના વિચારો બીજા પર થોપી ન બેસાડીએ.—રોમ. ૧૪:૧૦.

સલાહ કોણે આપવી જોઈએ?

૧૧-૧૨. સલાહ આપવાની જરૂર પડે તો વડીલે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ અને કેમ?

૧૧ જો સલાહ આપવાની જરૂર પડે તો કોણે સલાહ આપવી જોઈએ? જો લગ્‍ન કરેલાં કોઈ બહેનને અથવા કોઈ બાળકને સલાહ આપવી પડે તો એક વડીલ પહેલા તેના કુટુંબના શિર સાથે વાત કરશે. * કદાચ શિર પોતે સલાહ આપવાનું પસંદ કરે અથવા વડીલ સલાહ આપે ત્યારે હાજર રહેવાનું પસંદ કરે.  ફકરા ત્રણમાં જોયું તેમ, યુવાન બહેનને સલાહ આપવાની થાય તો અમુક સંજોગોમાં કોઈ મોટી ઉંમરનાં બહેન સલાહ આપે એ સારું રહેશે.

૧૨ વડીલોએ બીજી પણ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. એક વડીલ વિચારી શકે કે ‘શું હું સલાહ આપું એ સારું રહેશે કે બીજું કોઈ સલાહ આપે એ વધારે સારું રહેશે?’ ધારો કે એક ભાઈ નિરાશ છે. તેમને થાય છે કે પોતે કંઈ કામના નથી. એ સમયે એવા એક વડીલ સલાહ આપી શકે, જેમણે પણ એવી લાગણીનો સામનો કર્યો હોય. એ વડીલ તેમને હમદર્દી બતાવી શકશે અને એ રીતે સલાહ આપી શકશે, જેથી એ ભાઈ એને સહેલાઈથી સ્વીકારી શકે. પણ એવું દર વખતે શક્ય ન હોય. વડીલો પાસે એવો અનુભવ ન હોય તોપણ તેઓએ ભાઈ-બહેનોને જરૂરી સલાહ આપવા તૈયાર રહેવું જોઈએ. તેઓએ યાદ રાખવું જોઈએ કે ભાઈ-બહેનોને ઉત્તેજન અને સલાહ આપવાની જવાબદારી બધા વડીલોની છે.

સારી સલાહ આપવા શું કરવું જોઈએ?

વડીલોએ કેમ “ધ્યાનથી સાંભળવું” જોઈએ? (ફકરા ૧૩-૧૪ જુઓ)

૧૩-૧૪. એક વડીલે બીજાઓની વાત સાંભળવી કેમ જરૂરી છે?

૧૩ વાત સાંભળવા તૈયાર રહો. એક વડીલ સલાહ આપવાની તૈયારી કરે એ પહેલાં આ સવાલોનો વિચાર કરવો જોઈએ: ‘ભાઈના સંજોગો વિશે હું કેટલું જાણું છું? તેના જીવનમાં શું ચાલી રહ્યું છે? શું તેને એવી કોઈ મુશ્કેલી છે જેના વિશે હું જાણતો નથી? અત્યારે તેને શાની વધારે જરૂર છે?’

૧૪ યાકૂબ ૧:૧૯નો સિદ્ધાંત સલાહ આપનાર બધાને લાગુ પડે છે. એમાં લખ્યું છે: “દરેક માણસે ધ્યાનથી સાંભળવું, વિચાર્યા વગર ન બોલવું અને જલદી ગુસ્સે ન થવું.” એક વડીલને લાગી શકે કે તે ભાઈ-બહેનોના સંજોગો સારી રીતે જાણે છે. જોકે અમુક વાર એવું ન પણ હોય. નીતિવચનો ૧૮:૧૩માં લખ્યું છે: “સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં મૂર્ખાઈ છે, એનાથી માણસ શરમમાં મુકાય છે.” સારું રહેશે કે વ્યક્તિના સંજોગો વિશે જાણવા વડીલ તેની સાથે સીધેસીધી વાત કરે. એટલે વડીલે સલાહ આપતા પહેલાં એ વ્યક્તિની વાત સાંભળવી જોઈએ. આ લેખની શરૂઆતમાં એક વડીલનો અનુભવ જોઈ ગયા હતા. એ વડીલને પછીથી સમજાયું કે તેમણે બહેનને સલાહ આપવા તૈયારી તો કરી હતી, જોકે તેમણે બીજું પણ કંઈક કરવાની જરૂર હતી. તેમણે બહેનને આવા સવાલો પૂછવા જોઈતા હતા: “શું બધું ઠીક છે? શું હું કંઈ મદદ કરી શકું?” જો વડીલો સમય કાઢીને ભાઈ-બહેનોના સંજોગો જાણવાનો પ્રયત્ન કરશે, તો સારી રીતે તેઓને મદદ અને ઉત્તેજન આપી શકશે.

૧૫. વડીલો નીતિવચનો ૨૭:૨૩નો સિદ્ધાંત કઈ રીતે લાગુ પાડી શકે?

૧૫ ભાઈ-બહેનોને સારી રીતે ઓળખો. શરૂઆતમાં જોયું તેમ સારી રીતે સલાહ આપવા ફક્ત બાઇબલની કલમો વાંચવી કે એકાદ બે સૂચનો આપવાં જ પૂરતાં નથી. ભાઈ-બહેનોને લાગવું જોઈએ કે વડીલો તેઓની ખરેખર ચિંતા કરે છે, તેઓને સમજે છે અને તેઓની મદદ કરવા માંગે છે. (નીતિવચનો ૨૭:૨૩ વાંચો.) વડીલોએ ભાઈ-બહેનોના પાકા દોસ્ત બનવા બનતું બધું કરવું જોઈએ.

વડીલો કઈ રીતે સહેલાઈથી સલાહ આપી શકશે? (ફકરો ૧૬ જુઓ)

૧૬. સારી સલાહ આપવા વડીલોએ શું કરવું જોઈએ?

૧૬ વડીલોએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભાઈ-બહેનોને એવું ન લાગવું જોઈએ કે તેઓ ભૂલો કરે છે ત્યારે જ વડીલો વાત કરવા આવે છે. એને બદલે વડીલોએ તેઓ સાથે અવાર-નવાર દિલ ખોલીને વાત કરવી જોઈએ. ભાઈ-બહેનો મુશ્કેલીઓનો સામનો કરતા હોય ત્યારે વડીલોએ તેઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક અનુભવી વડીલ કહે છે, “જો તમે એવું કરશો તો ભાઈ-બહેનોના પાકા દોસ્ત બની શકશો. પછી તેઓને સલાહ આપવાની જરૂર પડે ત્યારે તમે સહેલાઈથી આપી શકશો.” ભાઈ-બહેનોને પણ સલાહ સ્વીકારવી સહેલી લાગશે.

સલાહ આપતી વખતે વડીલે કેમ ધીરજ અને દયા બતાવવી જોઈએ? (ફકરો ૧૭ જુઓ)

૧૭. એક વડીલે ખાસ કરીને ક્યારે ધીરજ અને દયા બતાવવી જોઈએ?

૧૭ ધીરજ રાખો અને દયા બતાવો. એક વ્યક્તિ શરૂઆતમાં સલાહ ન સ્વીકારે ત્યારે વડીલે ધીરજ રાખવી જોઈએ અને દયા બતાવવી જોઈએ. વ્યક્તિ તરત સલાહ ન સ્વીકારે કે એને લાગુ ન પાડે ત્યારે વડીલે ચિડાઈ ન જવું જોઈએ. તેમણે ઈસુ જેવા બનવું જોઈએ. ઈસુ વિશે અગાઉથી કહેવામાં આવ્યું હતું, “તે વળી ગયેલા બરુને છૂંદી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને હોલવી નાખશે નહિ.” (માથ. ૧૨:૨૦) વડીલ એ વ્યક્તિ માટે યહોવાને પ્રાર્થના કરી શકે છે. યહોવા એ વ્યક્તિને મદદ કરશે જેથી સલાહ કેમ આપવામાં આવી છે, એ વ્યક્તિ સમજી શકે અને એને સ્વીકારી શકે. અમુક વ્યક્તિઓને સલાહ સ્વીકારવા સમય લાગી શકે. જો વડીલ ધીરજ અને દયા બતાવશે તો વ્યક્તિ માટે સલાહ સ્વીકારવી સહેલી થઈ જશે. પણ તેમણે હંમેશાં બાઇબલમાંથી સલાહ આપવી જોઈએ.

૧૮. (ક) સલાહ આપતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? (ખ) બૉક્સમાં આપેલા ચિત્રમાં માબાપ શાની ચર્ચા કરી રહ્યાં છે?

૧૮ પોતાની ભૂલોમાંથી શીખો. આપણે બધા પાપી છીએ, એટલે આ લેખનાં સૂચનો પૂરી રીતે પાળવા અઘરું બની જાય છે. (યાકૂ. ૩:૨) બની શકે કે આપણાં વાણી-વર્તનથી ભાઈ-બહેનોને ઠેસ પહોંચે. પણ આપણે એ ભૂલોમાંથી શીખીએ અને તેઓને પ્રેમ બતાવીએ. જ્યારે ભાઈ-બહેનો એ પ્રેમ મહેસૂસ કરશે ત્યારે તેઓ સહેલાઈથી આપણને માફ કરી શકશે.—“ માબાપ માટે નોંધ” બૉક્સ પણ જુઓ.

આપણે શું શીખ્યા?

૧૯. કઈ રીતે આપણે ભાઈ-બહેનોનું દિલ ખુશ કરી શકીએ?

૧૯ આપણે જોયું કે સારી રીતે સલાહ આપવી સહેલી નથી. આપણે ભૂલો કરીએ છીએ અને ભાઈ-બહેનોથી પણ ભૂલો થાય છે. એટલે સલાહ આપવા વિશે આ લેખમાં આપેલા બાઇબલના સિદ્ધાંતો આપણે યાદ રાખવા જોઈએ. આપણે શીખ્યા કે સલાહ આપવા પાછળનું ખાસ કારણ કયું હોવું જોઈએ. આપણે ખાતરી કરીએ કે સલાહ આપવાની શું ખરેખર જરૂર છે અને કોણ સલાહ આપશે તો વધારે ફાયદો થશે. ભાઈ-બહેનોને સલાહ આપતા પહેલાં તેઓને સવાલો પૂછીએ અને તેઓનું ધ્યાનથી સાંભળીએ. તેઓ કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે એ સમજવાની કોશિશ કરીએ. તેઓના વિચારો જાણવાનો પ્રયત્ન કરીએ. ભાઈ-બહેનો સાથે પ્રેમથી વર્તીએ અને તેઓ સાથે પાકી દોસ્તી કરીએ. યાદ રાખીએ કે આપણી સલાહથી ભાઈ-બહેનોને ફાયદો થાય, એવું આપણે ચાહીએ છીએ. એટલું જ નહિ આપણે ઇચ્છીએ છીએ કે એ સલાહથી તેઓનું “દિલ ખુશ થાય.”—નીતિ. ૨૭:૯.

ગીત ૨૧ દયાળુ બનીએ

^ ફકરો. 5 સલાહ આપવી હંમેશાં સહેલી હોતી નથી. એટલે આપણી સલાહથી બીજાઓને મદદ અને ઉત્તેજન મળે માટે શું કરી શકીએ? આ લેખથી ખાસ કરીને વડીલોને એવી સલાહ આપવા મદદ મળશે, જેનાથી બીજાઓનું દિલ ખુશ થાય અને તેઓ સહેલાઈથી સલાહ સ્વીકારી શકે.

^ ફકરો. 11 ફેબ્રુઆરી ૨૦૨૧, ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “મંડળમાં વડીલો પાસે કયો અધિકાર છે?