સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૪

વડીલો—પાઉલના પગલે ચાલતા રહો

વડીલો—પાઉલના પગલે ચાલતા રહો

“મારા પગલે ચાલનારા બનો.”​—૧ કોરીં. ૧૧:૧.

ગીત ૩૧ અમે યહોવાના સાક્ષી

ઝલક *

૧-૨. પ્રેરિત પાઉલનો દાખલો કઈ રીતે વડીલોને મદદ કરી શકે?

 પ્રેરિત પાઉલ ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓની સંભાળ રાખવા તે રાત-દિવસ મહેનત કરતા હતા. (પ્રે.કા. ૨૦:૩૧) એટલે જ ભાઈ-બહેનોનાં દિલમાં પણ પાઉલ માટે ઊંડી લાગણી હતી. એક વાર એફેસસના વડીલોને ખબર પડી કે તેઓ ફરી ક્યારેય પાઉલને મળી નહિ શકે, એટલે તેઓ “બધા ખૂબ રડ્યા.” (પ્રે.કા. ૨૦:૩૭) આપણા મહેનતુ વડીલો પણ ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરે છે. તેઓ ભાઈ-બહેનોને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. (ફિલિ. ૨:૧૬, ૧૭) અમુક વાર બધાં કામ કરવા વડીલો માટે અઘરું થઈ જાય છે. તેઓને ક્યાંથી મદદ મળી શકે?

તનતોડ મહેનત કરતા વડીલો પાઉલના દાખલાનો વિચાર કરી શકે. (૧ કોરીં. ૧૧:૧) પાઉલ પાસે કોઈ દિવ્ય શક્તિ ન હતી. તે સામાન્ય માણસ જ હતા. તેમનાથી પણ ભૂલો થતી હતી. તેમના માટે પણ સારું કરવું હંમેશાં સહેલું ન હતું. (રોમ. ૭:૧૮-૨૦) તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. તે હિંમત ન હાર્યા પણ તેમણે આનંદ જાળવી રાખ્યો. વડીલો પાઉલ પાસેથી ઘણું શીખી શકે છે. ભલે કોઈ પણ પડકાર આવે, તેઓ યહોવાની ભક્તિમાં આનંદ જાળવી શકે છે. ચાલો એ વિશે વધુ જોઈએ.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આ લેખમાં આપણે એવા ચાર પડકારોની ચર્ચા કરીશું, જેનો સામનો વડીલો કરે છે: (૧) બીજી જવાબદારીઓ સાથે સાથે પ્રચાર માટે પૂરતો સમય કાઢવો, (૨) ભાઈ-બહેનોને પ્રેમથી ઉત્તેજન આપવું, (૩) પોતાની નબળાઈઓ સામે લડવું અને (૪) ભાઈ-બહેનોની નાની નાની ભૂલો જતી કરવી. આ લેખમાં આપણે એ પણ જોઈશું કે પાઉલ કઈ રીતે એ પડકારોનો સામનો કરી શક્યા અને વડીલો કઈ રીતે તેમના પગલે ચાલી શકે.

બીજી જવાબદારીઓ સાથે સાથે પ્રચાર માટે પૂરતો સમય કાઢવો

૪. વડીલોને પ્રચારમાં આગેવાની લેવી કેમ અઘરું લાગી શકે?

એ કેમ અઘરું લાગી શકે? વડીલો પાસે પ્રચારમાં આગેવાની લેવાની સાથે સાથે બીજી ઘણી જવાબદારીઓ હોય છે. દાખલા તરીકે, વડીલો અઠવાડિયા દરમિયાન થતી સભા ચલાવે છે અને મંડળમાં બાઇબલ અભ્યાસ પણ લે છે. તેઓ પ્રવચનો આપે છે અને સહાયક સેવકોને તાલીમ આપે છે. તેઓ મંડળનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવામાં ખુશી ખુશી સમય વિતાવે છે. (૧ પિત. ૫:૨) અમુક વડીલો પ્રાર્થનાઘર અને બીજાં ભક્તિ-સ્થળોનાં બાંધકામમાં અને એની સારસંભાળ રાખવામાં મદદ આપે છે. જોકે મંડળમાં બીજા બધાની જેમ વડીલો માટે પણ ખુશખબર ફેલાવવી સૌથી મહત્ત્વનું છે.—માથ. ૨૮:૧૯, ૨૦.

૫. પાઉલે પ્રચારમાં કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?

પાઉલનો દાખલો. તેમણે ફિલિપીઓ ૧:૧૦માં જણાવ્યું: “જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો.” તેમણે એ સલાહ પોતાના જીવનમાં લાગુ પાડી. તે પ્રચારને ખૂબ મહત્ત્વનું ગણતા હતા. એટલે તેમણે છેલ્લા શ્વાસ સુધી એ કામ કર્યું. તેમણે “જાહેરમાં અને ઘરે ઘરે” ખુશખબર જણાવી. (પ્રે.કા. ૨૦:૨૦) તે દિવસના કોઈ એક જ સમયે કે પછી અઠવાડિયાના કોઈ એક દિવસે જ પ્રચાર કરતા ન હતા. તેમણે દરેક તકનો લાભ ઉઠાવ્યો. દાખલા તરીકે, પાઉલ એથેન્સમાં એક વખત પોતાના સાથીઓની રાહ જોતા હતા. એ સમયે તેમણે શહેરના અમુક પ્રખ્યાત લોકોને પ્રચાર કર્યો. તેઓમાંથી અમુકે પાઉલનો સંદેશો સાંભળ્યો. (પ્રે.કા. ૧૭:૧૬, ૧૭, ૩૪) “કેદમાં” હોવા છતાં જેટલા લોકો તેમને મળતા, એટલાને તે પ્રચાર કરતા.—ફિલિ. ૧:૧૩, ૧૪; પ્રે.કા. ૨૮:૧૬-૨૪.

૬. પાઉલે બીજાઓને કઈ તાલીમ આપી?

પાઉલે પોતાના સમયનો સૌથી સારો ઉપયોગ કર્યો. તે પ્રચારમાં બીજાઓને પણ પોતાની સાથે લઈ જતા. દાખલા તરીકે, પ્રચારની પહેલી મુસાફરીમાં તે માર્કને સાથે લઈ ગયા અને બીજી મુસાફરીમાં તિમોથીને. (પ્રે.કા. ૧૨:૨૫; ૧૬:૧-૪) તેમણે એ બે ભાઈઓને મંડળનાં જુદાં જુદાં કામ કરવાની, બીજાઓને ઉત્તેજન આપવાની અને સારા શિક્ષક બનવાની તાલીમ આપી.—૧ કોરીં. ૪:૧૭.

પાઉલની જેમ ખુશખબર ફેલાવવા તૈયાર રહો (ફકરો ૭ જુઓ) *

૭. એફેસીઓ ૬:૧૪, ૧૫માં પાઉલે આપેલી સલાહ વડીલો કઈ રીતે પાળી શકે?

શું શીખવા મળ્યું? વડીલો પાઉલના પગલે ચાલી શકે છે. તેઓએ ઘર ઘરના પ્રચારકાર્ય કરવાની સાથે સાથે ખુશખબર ફેલાવવાની દરેક તક ઝડપી લેવી જોઈએ. (એફેસીઓ ૬:૧૪, ૧૫ વાંચો.) દાખલા તરીકે, તેઓ ખરીદી કરવા જાય ત્યારે અથવા નોકરી-ધંધાની જગ્યા પર ખુશખબર ફેલાવી શકે. વડીલો પ્રાર્થનાઘરના બાંધકામમાં મદદ આપે ત્યારે આસપાસના પડોશીઓને અથવા સામાન પહોંચાડતા લોકોને ખુશખબર ફેલાવી શકે. વડીલો પાસે બીજાઓને અને ખાસ કરીને સહાયક સેવકોને તાલીમ આપવાની જવાબદારી છે. તેઓને પ્રચારમાં સાથે લઈ જવાથી વડીલોને એમ કરવાની સારી તક મળે છે. આમ વડીલો પાઉલને અનુસરે છે.

૮. કોઈક વાર વડીલોએ શું કરવું પડે?

વડીલોએ મંડળ અથવા સરકીટનાં કામોમાં એટલા ડૂબી ન જવું જોઈએ કે પ્રચાર માટે સમય જ ન બચે. તેઓ પાસે જે જવાબદારી છે એને સારી રીતે હાથ ધરી શકે માટે નવી જવાબદારી લેતા પહેલાં તેઓએ વિચાર કરવો જોઈએ. એ વિશે તેઓએ પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના પછી તેઓને કદાચ અહેસાસ થાય કે જો તેઓ નવી જવાબદારી સ્વીકારશે તો બીજાં મહત્ત્વનાં કામો રહી જશે. જેમ કે, દર અઠવાડિયે કુટુંબ તરીકેની ભક્તિ કરવી, પ્રચારમાં ઉત્સાહથી ભાગ લેવો અથવા બાળકોને પ્રચાર કરતા શીખવવું. એટલે કોઈક વાર નવી જવાબદારી માટે વડીલોએ ના પાડવી પડે. પણ અમુક વડીલો એમ કરતા અચકાતા હોય છે. તેઓ ખાતરી રાખી શકે કે યહોવા તેઓની લાગણીઓ સમજે છે. તે જાણે છે કે તેઓ સોંપેલું કામ સારી રીતે હાથ ધરવા પૂરો પ્રયત્ન કરી રહ્યા છે.

ભાઈ-બહેનોને પ્રેમથી ઉત્તેજન આપવું

૯. વડીલોને અમુક વાર શું કરવું અઘરું લાગી શકે?

એ કેમ અઘરું લાગી શકે? આજે યહોવાના ભક્તો ઘણી તકલીફો અને કસોટીઓનો સામનો કરે છે. આ છેલ્લા દિવસોમાં આપણને બધાને ઉત્તેજન, સાથ અને દિલાસાની જરૂર છે. અમુકને ખરાબ વિચારો અને વાણી-વર્તનથી દૂર રહેવા વધારે મદદની જરૂર પડે છે. (૧ થેસ્સા. ૫:૧૪) વડીલો કંઈ આપણી બધી તકલીફો દૂર કરી શકતા નથી. પણ યહોવા ચાહે છે કે તેઓ આ કપરા સંજોગોમાં બધા ભક્તોને ઉત્તેજન આપે અને તેઓની સંભાળ રાખે. વડીલો પાસે ઘણું કામ હોય છે, એટલે ભાઈ-બહેનો માટે સમય કાઢવો તેઓને અઘરું લાગી શકે. ચાલો જોઈએ કે વડીલોને કઈ રીતે મદદ મળી શકે.

બીજાઓના વખાણ કરો અને તેઓને ઉત્તેજન આપો (ફકરા ૧૦, ૧૨ જુઓ) *

૧૦. પહેલો થેસ્સાલોનિકીઓ ૨:૭માં જણાવ્યા પ્રમાણે પાઉલે કઈ રીતે ભાઈ-બહેનોની પ્રેમથી સંભાળ રાખી?

૧૦ પાઉલનો દાખલો. પાઉલ ભાઈ-બહેનોના વખાણ કરવા અને તેઓને ઉત્તેજન આપવા હંમેશાં તૈયાર રહેતા. વડીલોએ પણ પાઉલના પગલે ચાલીને ભાઈ-બહેનોને પ્રેમ અને લાગણી બતાવવાં તૈયાર રહેવું જોઈએ. (૧ થેસ્સાલોનિકીઓ ૨:૭ વાંચો.) પાઉલ ભાઈ-બહેનોને અહેસાસ કરાવતા કે તે તેઓને ખૂબ પ્રેમ કરે છે અને યહોવા પણ તેઓને પ્રેમ કરે છે. (૨ કોરીં. ૨:૪; એફે. ૨:૪, ૫) પાઉલ ભાઈ-બહેનોને મિત્રો ગણતા હતા. તેઓ સાથે સમય વિતાવતા હતા. તે તેઓ પર પૂરો ભરોસો રાખતા હતા, એટલે પોતાની ચિંતાઓ અને નબળાઈઓ વિશે તેઓને અચકાયા વગર જણાવી શક્યા. (૨ કોરીં. ૭:૫; ૧ તિમો. ૧:૧૫) જોકે એમ કરીને તે પોતાની તકલીફો તરફ ધ્યાન ખેંચવા માંગતા ન હતા, પણ ભાઈ-બહેનોને મદદ કરવા માંગતા હતા.

૧૧. પાઉલે કેમ ભાઈ-બહેનોને કડક સલાહ આપી?

૧૧ અમુક વાર પાઉલે ભાઈ-બહેનોને કડક સલાહ આપી. તેમણે ગુસ્સામાં આવીને સલાહ ન આપી. તે તો ભાઈ-બહેનોને પ્રેમ કરતા હતા અને ખતરાથી તેઓને બચાવવા માંગતા હતા એટલે સલાહ આપી. તેમણે સાદા શબ્દોમાં અને સમજાય એ રીતે સલાહ આપી, જેથી ભાઈ-બહેનો એને સહેલાઈથી સ્વીકારી શકે. દાખલા તરીકે, કોરીંથ મંડળને લખેલા પત્રમાં તેમણે કડક શબ્દોમાં સલાહ આપી. એ પત્ર મોકલ્યા પછી તેમણે તિતસને ત્યાં મોકલ્યા. તેમને જાણવાની તાલાવેલી હતી કે સલાહ સાંભળીને ભાઈ-બહેનોને કેવું લાગ્યું. પાઉલને એ જાણીને સારું લાગ્યું કે ભાઈ-બહેનોએ ખુશી ખુશી તેમની સલાહ સ્વીકારી.—૨ કોરીં. ૭:૬, ૭.

૧૨. વડીલ કઈ રીતે ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકે?

૧૨ શું શીખવા મળ્યું? ભાઈ-બહેનો સાથે સમય વિતાવીને એક વડીલ પાઉલના પગલે ચાલી શકે. તે એવું કઈ રીતે કરી શકે? તે સભામાં વહેલા આવીને તેઓ સાથે વાત કરી શકે અને ઉત્તેજન આપી શકે. પ્રેમ અને ઉત્તેજનના બે બોલ પણ ભાઈ-બહેનોનો ઉત્સાહ વધારી શકે છે. (રોમ. ૧:૧૨; એફે. ૫:૧૬) પાઉલની જેમ એક વડીલ બાઇબલનો ઉપયોગ કરીને ભાઈ-બહેનોની શ્રદ્ધા વધારી શકે અને તેઓને યહોવાના પ્રેમનો અહેસાસ કરાવી શકે. વડીલ બતાવી શકે કે તે તેઓને કેટલો પ્રેમ કરે છે. તેઓ સાથે અવાર-નવાર વાત કરી શકે અને તેઓના વખાણ કરવાની તક શોધી શકે. જો સલાહ આપવાની જરૂર પડે, તો વડીલે બાઇબલમાંથી સલાહ આપવી જોઈએ. તેમણે સીધેસીધી પણ પ્રેમથી સલાહ આપવી જોઈએ, જેથી ભાઈ-બહેનો એ સલાહ સ્વીકારી શકે.—ગલા. ૬:૧.

પોતાની નબળાઈઓ સામે લડવું

૧૩. વડીલોને પોતાની નબળાઈઓ વિશે કેવું લાગી શકે?

૧૩ એ કેમ અઘરું લાગી શકે? વડીલો આપણી જેમ માણસો જ છે, તેઓથી પણ ભૂલો થાય છે. (રોમ. ૩:૨૩) અમુક વખતે પોતાની નબળાઈઓ સામે લડવું તેઓ માટે અઘરું બની જાય છે. અમુક વડીલો પોતાની નબળાઈઓ વિશે એટલો બધો વિચાર કરે કે નિરાશ થઈ જાય છે. જ્યારે કે બીજા અમુક વડીલો વિચારે કે ‘મારામાં છે એવી નબળાઈઓ તો બધામાં હોય, મારે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.’

૧૪. ફિલિપીઓ ૪:૧૩ પ્રમાણે પાઉલ નમ્ર હોવાને લીધે કઈ રીતે નબળાઈઓ સામે લડી શક્યા?

૧૪ પાઉલનો દાખલો. પાઉલ નમ્ર હતા. તેમણે સ્વીકાર્યું કે તે પોતાની નબળાઈઓ સામે જાતે લડી શકતા નથી. એ માટે તેમને ઈશ્વરની મદદની જરૂર હતી. અગાઉ પાઉલ માથાભારે હતા અને ખ્રિસ્તીઓનો સખત વિરોધ કરતા હતા. પણ પછીથી તેમને પોતાની ભૂલ સમજાઈ. તે પોતાનાં વાણી-વર્તનમાં સુધારો કરવા તૈયાર હતા. (૧ તિમો. ૧:૧૨-૧૬) યહોવાની મદદથી તે એક નમ્ર વડીલ બની શક્યા અને ભાઈ-બહેનોને પ્રેમ અને કરુણા બતાવી શક્યા. ખરું કે તે પોતાની નબળાઈઓ અને ભૂલો જાણતા હતા, પણ એ વિશે જ તેમણે વિચાર્યા ન કર્યું. એના બદલે તેમણે ભરોસો રાખ્યો કે યહોવા તેમને જરૂર માફ કરશે. (રોમ. ૭:૨૧-૨૫) તેમણે એવું ન વિચાર્યું કે તે ક્યારેય ભૂલો નહિ કરે. પણ તેમણે પોતાના સ્વભાવમાં સુધારો કરવા મહેનત કરી. તેમણે સોંપેલું કામ પૂરું કરવા નમ્રતા બતાવી અને યહોવા પર આધાર રાખ્યો.—૧ કોરીં. ૯:૨૭; ફિલિપીઓ ૪:૧૩ વાંચો.

પોતાની નબળાઈઓ સામે લડવા મહેનત કરો (ફકરા ૧૪-૧૫ જુઓ) *

૧૫. વડીલે પોતાની નબળાઈઓ સામે લડવા શું કરવું જોઈએ?

૧૫ શું શીખવા મળ્યું? એવું નથી કે એક ભાઈ ક્યારેય ભૂલો કરતા નથી એટલે તેમને વડીલ બનાવવામાં આવે છે. ભૂલો તો થશે, પણ યહોવા ચાહે છે કે વડીલો પોતાની ભૂલ સ્વીકારે અને નવો સ્વભાવ કેળવતા રહે. (એફે. ૪:૨૩, ૨૪) એક વડીલે પોતાની તપાસ કરવા બાઇબલમાંથી અભ્યાસ કરવો જોઈએ. પછી એ પ્રમાણે જીવનમાં ફેરફાર કરવા જોઈએ. જો તે એવું કરશે તો યહોવા તેમને ખુશ રહેવા અને પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવવા મદદ કરશે.​—યાકૂ. ૧:૨૫.

ભાઈ-બહેનોની નાની નાની ભૂલો જતી કરવી

૧૬. વડીલો ભાઈ-બહેનોની નાની નાની ભૂલો પર ધ્યાન આપશે તો શું થઈ શકે?

૧૬ એ કેમ અઘરું લાગી શકે? વડીલો મંડળનાં ભાઈ-બહેનો સાથે કામ કરવામાં ઘણો સમય વિતાવે છે. એટલે તેઓની નાની નાની ભૂલો વડીલોની નજરે પડે છે. જો વડીલો કાળજી નહિ રાખે તો ભાઈ-બહેનો પર ચિડાઈ જશે, ગરમ થઈ જશે અથવા તેઓના દોષ કાઢવા લાગશે. પાઉલે એ વિશે બધા ઈશ્વરભક્તોને ચેતવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો એવું વલણ બતાવીશું તો શેતાન આપણા પર ફાવી જશે.​—૨ કોરીં. ૨:૧૦, ૧૧.

૧૭. પાઉલને ભાઈ-બહેનો વિશે કેવું લાગતું હતું?

૧૭ પાઉલનો દાખલો. તે ભાઈ-બહેનો વિશે હંમેશાં સારું વિચારતા હતા. તે જાણતા હતા કે ભાઈ-બહેનો ભૂલો કરે છે. અમુક વાર તો તેઓની ભૂલોને લીધે પાઉલને દુઃખ પહોંચ્યું હતું. પણ તે સમજતા હતા કે કોઈ વ્યક્તિ ભૂલ કરે તો એનો અર્થ એ નથી કે વ્યક્તિ ખરાબ છે. તે ભાઈ-બહેનોને પ્રેમ કરતા હતા અને તેઓના સારા ગુણો પર ધ્યાન આપતા હતા. પાઉલ સમજતા હતા કે સારાં કામ કરવા ભાઈ-બહેનો માટે અઘરાં હોય છે. તે વિચારતા હતા કે તેઓનાં દિલમાં સારું કરવાની ઇચ્છા છે, બસ તેઓને થોડી મદદની જરૂર છે.

૧૮. યુવદિયા અને સુન્તુખેના કિસ્સામાં પાઉલે જે કર્યું એનાથી શું શીખવા મળે છે? (ફિલિપીઓ ૪:૧-૩)

૧૮ પાઉલે ફિલિપી મંડળનાં બે બહેનોને કઈ રીતે મદદ કરી એનો વિચાર કરો. (ફિલિપીઓ ૪:૧-૩ વાંચો.) યુવદિયા અને સુન્તુખે વચ્ચે મતભેદો હતાં. તેઓ એકબીજા સાથે વાત પણ કરતા ન હતાં. પણ પાઉલ તેઓ પર ગુસ્સે ન થયા, તેઓને ઠપકો ન આપ્યો કે તેઓનો વાંક ન કાઢ્યો. તેમણે તેઓના સારા ગુણો પર ધ્યાન આપ્યું. તેઓ વફાદાર બહેનો હતાં અને ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હતાં. પાઉલ જાણતા હતા કે યહોવા પણ તેઓને ખૂબ પ્રેમ કરે છે. તેમને ખબર હતી કે એ બહેનો સારાં છે. એટલે તેઓના મતભેદો થાળે પાડવા તેઓને મદદ કરી શક્યા. પાઉલ બીજાઓના સારા ગુણો પર ધ્યાન આપતા હતા, એટલે પોતાનો આનંદ જાળવી શક્યા. એટલું જ નહિ તે એ મંડળનાં ભાઈ-બહેનો સાથે પાકી દોસ્તી રાખી શક્યા.

ભાઈ-બહેનોની નાની નાની ભૂલો પર ધ્યાન ન આપો (ફકરો ૧૯ જુઓ) *

૧૯. (ક) વડીલો કઈ રીતે ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપી શકે? (ખ) સાફ-સફાઈ કરતા વડીલનું ચિત્ર જોઈને તમને શું શીખવા મળ્યું?

૧૯ શું શીખવા મળ્યું? વડીલો, ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપો. બધા ભૂલો કરે છે. પણ દરેક પાસે સુંદર ગુણો છે, જેના આપણે વખાણ કરી શકીએ. (ફિલિ. ૨:૩) જોકે ક્યારેક ક્યારેક વડીલોએ ભાઈ-બહેનોને સલાહ આપવી પડે છે. તેઓએ ભાઈ-બહેનોની નાની નાની ભૂલોને બિલોરી કાચથી ન જોવી જોઈએ. પણ પાઉલની જેમ ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપવું જોઈએ. તેઓએ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ-બહેનો યહોવાને ખૂબ પ્રેમ કરે છે અને તેઓ ધીરજથી ભક્તિમાં અડગ રહે છે. વડીલોએ ખાતરી રાખવી જોઈએ કે ભાઈ-બહેનો પણ પોતાનામાં સુધારો કરી શકે છે. જો વડીલો ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપતા હશે, તો મંડળમાં બધા પ્રેમ અને હૂંફ અનુભવી શકશે.

પાઉલના પગલે ચાલતા રહો

૨૦. પાઉલના દાખલાથી વડીલોને મદદ મળતી રહે માટે તેઓ શું કરી શકે?

૨૦ વડીલો, તમે પાઉલના જીવન પર ધ્યાનથી વિચાર કરશો તો તમને ઘણી મદદ મળશે. દાખલા તરીકે, તમે વૉચ ટાવર પબ્લિકેશન્સ ઇન્ડેક્સમાં “પાઉલ” વિષયની અંદર “વડીલો માટે ઉદાહરણ” વિષય જોઈ શકો. ત્યાં આપેલા લેખો વાંચો ત્યારે તમે આ સવાલનો વિચાર કરી શકો: ‘વડીલની સોંપણી સારી રીતે હાથ ધરવા અને એમાં આનંદ જાળવી રાખવા પાઉલનો દાખલો મને કઈ રીતે મદદ કરી શકે?’

૨૧. વડીલો શાની ખાતરી રાખી શકે?

૨૧ વડીલો, યહોવા એવી આશા રાખતા નથી કે તમે ક્યારેય ભૂલો નહિ કરો. પણ યહોવા ચાહે છે કે તમે તેમને વફાદાર રહો. (૧ કોરીં. ૪:૨) પાઉલની મહેનત અને વફાદારીથી યહોવા ઘણા ખુશ હતા. તમે પણ ખાતરી રાખી શકો કે તમે યહોવા માટે જે કંઈ કરો છો એની તે ઘણી કદર કરે છે. યહોવા ‘તમારાં કામોને અને તેમના નામ માટે તમે બતાવેલા પ્રેમને ભૂલી નહિ જાય. તમે પવિત્ર જનોની જે સેવા કરી છે અને હજુ કરી રહ્યા છો એ ઈશ્વર ક્યારેય નહિ ભૂલે.’—હિબ્રૂ. ૬:૧૦.

ગીત ૨૦ સભાને આશિષ દો

^ ફકરો. 5 પ્રેમાળ વડીલો આપણા માટે ખૂબ મહેનત કરે છે. એ માટે આપણે તેમના ઘણા આભારી છીએ. પણ વડીલોએ અમુક પડકારોનો સામનો કરવો પડે છે. આ લેખમાં આપણે એવા ચાર પડકારોની ચર્ચા કરીશું. તેઓ એનો સામનો કઈ રીતે કરી શકે માટે પ્રેરિત પાઉલનો દાખલો પણ જોઈશું. આ લેખમાંથી આપણને બધાને શીખવા મળશે કે કઈ રીતે વડીલોની લાગણીઓ સમજી શકીએ, તેઓ માટે પ્રેમ બતાવી શકીએ અને તેઓને સાથ-સહકાર આપી શકીએ.

^ ફકરો. 61 ચિત્રની સમજ: એક ભાઈ કામ પત્યા પછી સાથે કામ કરનારને ખુશખબર જણાવે છે.

^ ફકરો. 63 ચિત્રની સમજ: એક ભાઈ એકલા-અટૂલા બેઠા છે. વડીલ તેમને પ્રેમથી ઉત્તેજન આપે છે.

^ ફકરો. 65 ચિત્રની સમજ: એક ભાઈને કશાથી ખોટું લાગ્યું છે ત્યારે બીજા એક ભાઈ તેમને જરૂરી સલાહ આપે છે.

^ ફકરો. 67 ચિત્રની સમજ: એક ભાઈ કામ હાથમાં લે છે પણ કામ કરતાં કરતાં તેમનું ધ્યાન ફંટાઈ જાય છે. વડીલ એ જોઈને અકળાઈ જતા નથી.