સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચિંતાઓનો સામનો કઈ રીતે કરી શકીએ?

ચિંતાઓનો સામનો કઈ રીતે કરી શકીએ?

ચિંતાઓનો બોજ આપણને કચડી નાખે છે. (નીતિ. ૧૨:૨૫) શું તમે ક્યારેય ચિંતાના બોજ નીચે દબાઈ ગયા છો? તમને ક્યારેય લાગ્યું છે, ‘બસ, હવે મારાથી સહન નથી થતું!’ જો એમ હોય તો તમે એકલા નથી. આપણે કોઈને કોઈ કારણને લીધે ચિંતા કરવા લાગીએ છીએ. દાખલા તરીકે, આપણે કુટુંબમાં કોઈ બીમાર વ્યક્તિની કાળજી રાખતા હોઈએ અને એના લીધે ખૂબ થાકી જઈએ. આપણે મરણમાં કોઈને ગુમાવ્યા હોય એટલે નિરાશામાં ડૂબી જઈએ. અથવા આપણે કુદરતી આફતનો ભોગ બન્યા હોઈએ ત્યારે ચિંતા થાય કે હવે શું થશે. એવામાં આપણે ચિંતાઓનો સામનો કઈ રીતે કરી શકીએ? a

આપણને ચિંતાનો સામનો કરવા દાઉદ રાજાના દાખલામાંથી ઘણી મદદ મળી શકે. તેમણે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓ સહી. અરે, અમુક વાર તેમનો જીવ પણ જોખમમાં હતો. (૧ શમુ. ૧૭:૩૪, ૩૫; ૧૮:૧૦, ૧૧) તેમણે કઈ રીતે ચિંતાઓનો સામનો કર્યો? આપણે કઈ રીતે તેમના દાખલાને અનુસરી શકીએ?

દાઉદ કઈ રીતે ચિંતાઓનો સામનો કરી શક્યા?

દાઉદે એકસાથે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. દાખલા તરીકે, શાઉલ દાઉદને મારી નાખવા માંગતા હતા. એટલે જીવ બચાવવા દાઉદ નાસતા-ભાગતા હતા. એ સમયે બનેલા એક બનાવનો વિચાર કરો. દાઉદ અને તેમના માણસો એક યુદ્ધ લડીને પાછા ફર્યા હતા. તેઓએ જોયું કે દુશ્મનોએ તેઓની બધી માલ-મિલકત લૂંટી લીધી હતી, તેઓનાં ઘર બાળી નાખ્યા હતા અને કુટુંબીજનોને ગુલામ બનાવીને લઈ ગયા હતા. આવા સંજોગોમાં દાઉદે શું કર્યું? ‘દાઉદ અને તેમના માણસો પોક મૂકીને રડવા લાગ્યા. તેઓ એટલું રડ્યા કે તેઓની શક્તિ ખૂટી ગઈ.’ અધૂરામાં પૂરું, દાઉદના વફાદાર માણસો ‘તેમને પથ્થરે મારી નાખવાની વાત કરતા હતા.’ એટલે તે વધારે દુઃખી થયા. (૧ શમુ. ૩૦:૧-૬) દાઉદની સામે એકસાથે ત્રણ મોટી મોટી મુશ્કેલી આવી. તેમના કુટુંબીજનોનો જીવ જોખમમાં હતો, તેમના માણસો તેમને મારી નાખવા માંગતા હતા અને શાઉલ હજુય તેમનો જીવ લેવા પાછળ પડ્યા હતા. જરા વિચારો, દાઉદ કેટલી ચિંતામાં હશે!

દાઉદે શું કર્યું? તેમણે તરત “હિંમત મેળવવા યહોવા પર આધાર રાખ્યો.” અઘરા સંજોગોમાં તે હંમેશાં મદદ માટે યહોવાને પ્રાર્થના કરતા હતા અને યહોવાએ અગાઉ તેમને કઈ રીતે મદદ કરી હતી એના પર ઊંડો વિચાર કરતા હતા. (૧ શમુ. ૧૭:૩૭; ગીત. ૧૮:૨, ૬) એટલે દાઉદે માર્ગદર્શન માટે યહોવાને પૂછ્યું. યહોવા તરફથી માર્ગદર્શન મળ્યા પછી તેમણે તરત પગલાં ભર્યાં. એટલે તેમને અને તેમના માણસોને યહોવાએ આશીર્વાદ આપ્યો. તેઓ પોતાના કુટુંબીજનોને છોડાવી લાવ્યા અને બધી જ માલ-મિલકત પાછી મેળવી શક્યા. (૧ શમુ. ૩૦:૭-૯, ૧૮, ૧૯) ધ્યાન આપો કે દાઉદે કઈ ત્રણ બાબતો કરી. તેમણે મદદ માટે યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ તેમને અગાઉ કઈ રીતે મદદ કરી હતી એના પર ઊંડો વિચાર કર્યો અને યહોવાના માર્ગદર્શન પ્રમાણે પગલાં ભર્યાં. આપણે કઈ રીતે દાઉદને અનુસરી શકીએ? ચાલો ત્રણ બાબતો જોઈએ.

ચિંતામાં હોઈએ ત્યારે દાઉદને અનુસરીએ

૧.પ્રાર્થના કરીએ. જ્યારે આપણે ચિંતાના વમળમાં ફસાઈ જઈએ ત્યારે યહોવાને પ્રાર્થના કરીએ. તે આપણને મદદ કરશે અને સમજશક્તિ આપશે. પ્રાર્થનામાં આપણું દિલ ઠાલવી દઈએ, એનાથી આપણો બોજો હળવો થશે. આપણા સંજોગો પ્રમાણે મનમાં એક ટૂંકી પ્રાર્થના પણ કરી શકીએ. આપણે મદદ માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે દાઉદની જેમ યહોવા પર ભરોસો બતાવીએ છીએ. દાઉદે લખ્યું, “યહોવા મારો ખડક, મારો કિલ્લો અને મારો બચાવનાર છે. ઈશ્વર મારો ખડક છે, તેમનામાં હું આશરો લઉં છું.” (ગીત. ૧૮:૨) શું પ્રાર્થનાથી ખરેખર મદદ મળે છે? કેલિયાબહેન એક પાયોનિયર છે, તે કહે છે: “પ્રાર્થના પછી મને મનની શાંતિ મળે છે. એનાથી યહોવા જેવું વિચારવા મને મદદ મળે છે અને તેમના પર મારો ભરોસો મજબૂત થાય છે.” સાચે જ, પ્રાર્થના એ યહોવા તરફથી એક અનમોલ ભેટ છે. એનાથી આપણે ચિંતાનો સામનો કરી શકીએ છીએ.

૨.ઊંડો વિચાર કરીએ. આપણે વિચાર કરીએ કે અગાઉ યહોવાએ આપણને ક્યારે મદદ કરી હતી. આપણે પોતાને પૂછી શકીએ ‘શું એવી કોઈ મુશ્કેલી છે જેનો સામનો મેં ફક્ત યહોવાની મદદથી જ કર્યો હતો?’ યહોવાએ આપણને અને અગાઉના ઈશ્વરભક્તોને કઈ રીતે મદદ કરી એનો વિચાર કરીએ. એનાથી મુશ્કેલીનો સામનો કરવા હિંમત મળશે અને યહોવા પર આપણો ભરોસો મજબૂત થશે. (ગીત. ૧૮:૧૭-૧૯) જોશુઆભાઈ એક વડીલ છે, તે કહે છે: “હું કોઈ ખાસ બાબત વિશે પ્રાર્થના કરું અને મને એનો જવાબ મળે તો હું એ લખી રાખું છું. એનાથી મને યાદ રાખવા મદદ મળ છે કે મેં યહોવાને જે પ્રાર્થના કરી હતી એનો તેમણે યોગ્ય સમયે જવાબ આપ્યો.” યહોવાએ આપણા માટે જે કંઈ કર્યું, એના પર મનન કરવાથી આપણને ચિંતાઓ સામે લડવા હિંમત મળે છે.

૩.પગલાં ભરીએ. કોઈ પણ સંજોગોમાં શું કરવું એ નક્કી કરતા પહેલાં આપણે બાઇબલમાંથી માર્ગદર્શન લઈએ. (ગીત. ૧૯:૭, ૧૧) ઘણા લોકો બાઇબલની કોઈ એક કલમ પર સંશોધન કરે છે. એનાથી તેઓને જાણવા મળે છે કે એ કલમ તેઓના જીવનમાં કઈ રીતે લાગુ પડે છે. જેરેડભાઈ એક વડીલ છે, તે કહે છે: “એક કલમ પર સંશોધન કરવાથી મને ઘણું બધું શીખવા મળે છે. હું સમજી શકું છું કે એમાંથી યહોવા મને શું કહેવા માંગે છે. હું જે શીખું છું એ મારા દિલમાં ઊતરી જાય છે, એટલે હું એ પ્રમાણે પગલાં ભરી શકું છું.” બાઇબલમાંથી આપણે યહોવાનું માર્ગદર્શન લઈને એને પાળીએ છીએ ત્યારે, ચિંતાઓનો સામનો સારી રીતે કરી શકીએ છીએ.

યહોવા મદદ કરશે

દાઉદે અનુભવ્યું કે ચિંતાઓનો સામનો કરવા તેમને યહોવાની મદદની જરૂર હતી. યહોવાએ તેમને જે મદદ કરી એ માટે તેમણે યહોવાનો ઘણો આભાર માન્યો. તેમણે લખ્યું, ‘ઈશ્વરની શક્તિથી હું દીવાલ ઓળંગી શકું છું. સાચા ઈશ્વર મારી હિંમત વધારે છે.’ (ગીત. ૧૮:૨૯, ૩૨) આપણને લાગે કે આપણી ચિંતાઓ અને મુશ્કેલીઓ એક ઊંચી દીવાલ જેવી છે, જેને ક્યારેય ઓળંગી નહિ શકાય. પણ યહોવાની મદદથી આપણે એવી કોઈ પણ દીવાલને જરૂર ઓળંગી શકીશું. આપણે મદદ માટે યહોવાને પ્રાર્થના કરીએ, આપણા માટે તેમણે જે કંઈ કર્યું એના પર ઊંડો વિચાર કરીએ અને તેમના માર્ગદર્શન પ્રમાણે પગલાં ભરીએ. એમ કરીશું તો યહોવા આપણને હિંમત અને સમજશક્તિ આપશે, જેથી આપણે ચિંતાઓનો સામનો કરી શકીએ.

a કોઈ વ્યક્તિ લાંબા સમયથી તણાવમાં હોય કે ચિંતાના વમળમાં ઘૂંટાયા કરતી હોય તો, તે ડૉક્ટરની મદદ લઈ શકે.