સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૭

માતાઓ, યુનીકે પાસેથી શીખો

માતાઓ, યુનીકે પાસેથી શીખો

“તારી માતાએ શીખવેલી વાતો ત્યજીશ નહિ. એ તારા માથા માટે સુંદર મુગટ જેવી છે અને તારા ગળા માટે કીમતી હાર જેવી છે.”—નીતિ. ૧:૮, ૯.

ગીત ૩ “ઈશ્વર પ્રેમ છે”

ઝલક a

તિમોથીને બાપ્તિસ્મા લેતા જોઈને તેમનાં મમ્મી યુનીકે અને નાનીમા લોઈસ એકદમ ખુશ છે (ફકરો ૧ જુઓ)

૧-૨. (ક) યુનીકે કોણ હતાં અને તેમણે તિમોથીને યહોવા વિશે શીખવવામાં કઈ મુશ્કેલીનો સામનો કર્યો? (ખ) પહેલા પાનના ચિત્ર વિશે જણાવો.

 બાઇબલમાં તિમોથીના બાપ્તિસ્મા વિશે કંઈ જણાવ્યું નથી. પણ આપણે એની કલ્પના તો કરી જ શકીએ છીએ કે એ દિવસે યુનીકેને કેટલી ખુશી થઈ હશે! (નીતિ. ૨૩:૨૫) આનો વિચાર કરો, તિમોથી બાપ્તિસ્મા લેવા પાણીમાં ઊભા છે. એ જોઈને યુનીકેની ખુશી સમાતી નથી. તિમોથીના નાનીમા લોઈસ, યુનીકેની એકદમ નજીક ઊભા છે. તિમોથી પાણીની અંદર જાય છે ત્યારે તેમની માતાના ધબકારા વધી જાય છે. બે ઘડી માટે તેમનો શ્વાસ થંભી જાય છે. તિમોથી પાણીમાંથી બહાર આવે છે ત્યારે તેમના ચહેરા પર એક અનોખી ચમક છે. એ જોઈને યુનીકેની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ જાય છે. તેમને પોતાના દીકરા પર કેટલો ગર્વ થયો હશે! યુનીકેએ પોતાના દીકરાને યહોવા અને ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરવાનું શીખવ્યું હતું. એમ કરવું યુનીકે માટે કંઈ સહેલું ન હતું. તેમણે કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો?

તિમોથીનાં મમ્મી-પપ્પા અલગ અલગ ધર્મ પાળતાં હતાં. તેમના પપ્પા ગ્રીક હતા તો મમ્મી અને નાનીમા યહૂદી હતા. (પ્રે.કા. ૧૬:૧) તિમોથી કદાચ યુવાન હતા ત્યારે તેમના મમ્મી અને નાનીમા ઈસુના શિષ્યો બન્યાં હતાં. પણ તેમના પપ્પાએ એવું ન કર્યું. તિમોથીએ કયો નિર્ણય લીધો? તે એટલા નાના ન હતા કે જાતે નિર્ણય ન લઈ શકે. શું તેમણે પોતાના પપ્પા જેવું કર્યું? શું તે યહૂદી રીતરિવાજોને વળગી રહ્યા જેના વિશે તે નાનપણથી શીખ્યા હતા કે પછી તે ઈસુના શિષ્ય બન્યા?

૩. નીતિવચનો ૧:૮, ૯ પ્રમાણે માતાઓ જે મહેનત કરે છે એ વિશે યહોવાને કેવું લાગે છે?

યુનીકેની જેમ આજે પણ માતાઓ પોતાનાં કુટુંબને દિલોજાનથી ચાહે છે. બાળકો યહોવા સાથે પાકી દોસ્તી કરે એ માટે તેઓ પોતાનાં બાળકોને પૂરી મદદ કરે છે. યહોવા તેઓની એ મહેનતની બહુ કદર કરે છે. (નીતિવચનો ૧:૮, ૯ વાંચો.) યહોવા માતાઓને મદદ કરતા આવ્યા છે જેથી તેઓ પોતાનાં બાળકોને યહોવા વિશે શીખવી શકે અને તેઓનાં દિલમાં યહોવા માટે પ્રેમ જગાડી શકે.

૪. માતાઓ કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે?

આજે શેતાનની દુનિયામાં બાળકો પર કંઈ કેટલાય દબાણો આવે છે. (૧ પિત. ૫:૮) એટલે અમુક વાર માતાઓને લાગે કે ‘શું મારું બાળક તિમોથીની જેમ યહોવાની ભક્તિ કરશે?’ ઘણાં બહેનોના પતિ તેઓની સાથે નથી અથવા યહોવાની ભક્તિ કરતા નથી. એટલે બાળકોનો ઉછેર કરવો તેઓ માટે એક પડકાર બની જાય છે. ક્રિસ્ટીનબહેન b કહે છે: “મારા પતિ એક સારા પિતા હતા. તે કુટુંબની સારી સંભાળ રાખતા’તા. પણ તે જરાય ન’તા ચાહતા કે હું બાળકોને યહોવા વિશે શીખવું. તે ઘણો વિરોધ કરતા હતા. મને થતું કે મારાં બાળકો યહોવાની ભક્તિ કરશે કે કેમ. વર્ષો સુધી એ વિચારી વિચારીને હું બહુ રડતી.”

૫. આ લેખમાંથી આપણે શું શીખીશું?

માતાઓ, તમે પણ યુનીકેની જેમ તમારાં બાળકોને યહોવા વિશે શીખવી શકો છો, તેઓનાં દિલમાં યહોવા માટે પ્રેમ જગાડી શકો છો. એ માટે તમે જે મહેનત કરો છો એ ચોક્કસ રંગ લાવશે. આ લેખમાં શીખીશું કે તમે કઈ રીતે યુનીકેની જેમ તમારી વાતો અને કામોથી બાળકોને શીખવી શકો. આપણે એ પણ જોઈશું કે યહોવા કઈ રીતે તમને સાથ આપશે.

તમારી વાતોથી બાળકો શીખે છે

૬. બીજો તિમોથી ૩:૧૪, ૧૫ પ્રમાણે તિમોથી કઈ રીતે ઈસુના શિષ્ય બન્યા?

તિમોથી નાના હતા ત્યારે યુનીકેએ તેમને “પવિત્ર લખાણો” એટલે કે હિબ્રૂ શાસ્ત્રવચનોમાંથી શીખવવા ઘણી મહેનત કરી હતી. ભલે યુનીકે ઈસુ ખ્રિસ્ત વિશે કંઈ જાણતાં ન હતાં, પણ યહૂદી તરીકે તે જેટલું જાણતાં હતાં એ બધું તેમણે તિમોથીને શીખવ્યું. તિમોથી નાનપણમાં પોતાના મમ્મી પાસેથી જે શીખ્યા અને જે વાતોની તેમને “સમજણ આપીને ખાતરી કરાવવામાં આવી” હતી, એના આધારે તે સમજી શક્યા કે ઈસુ જ ખ્રિસ્ત છે. એટલે તિમોથીએ ઈસુના શિષ્ય બનવાનો નિર્ણય લીધો. (૨ તિમોથી ૩:૧૪, ૧૫ વાંચો.) તેમના એ નિર્ણયથી યુનીકેને કેટલી ખુશી થઈ હશે! યુનીકે નામ જે શબ્દ પરથી આવ્યું, એનો અર્થ થાય “જીતવું.” સાચે જ, તે પોતાના નામ પ્રમાણે જીવ્યાં. તેમની સામે ઘણી મુશ્કેલીઓ હતી તોપણ એના પર જીત મેળવીને તેમણે પોતાના દીકરાને યહોવા વિશે શીખવ્યું.

૭. તિમોથીના બાપ્તિસ્મા પછી પણ યુનીકે તેમને કઈ રીતે મદદ કરતા રહ્યાં?

તિમોથીએ બાપ્તિસ્મા લઈને એક મહત્ત્વનું પગલું ભર્યું હતું. પણ યુનીકેને હજુય તિમોથીની ચિંતા સતાવતી હતી. તે વિચારતા હશે, તેમનો દીકરો કેવું જીવન જીવશે? તે ખરાબ લોકોની દોસ્તી તો નહિ કરે ને? શું તે એથેન્સમાં ભણવા જશે અને ત્યાંના ફિલસૂફોનું ખોટું શિક્ષણ માનવા લાગશે? શું તે પૈસા કમાવવા પોતાનાં સમય-શક્તિ અને યુવાની વેડફી નાખશે? યુનીકે તિમોથી માટે નિર્ણય લઈ શકતાં ન હતાં. પણ તે તિમોથીને સારા નિર્ણય લેવા મદદ જરૂર કરી શકતાં હતાં. તેમણે કઈ રીતે એમ કર્યું? તિમોથીનો યહોવા માટેનો પ્રેમ વધારવા યુનીકે મદદ કરતા રહ્યાં. યહોવા અને ઈસુએ તેઓના કુટુંબ માટે જે કર્યું એની કદર વધારવા યુનીકે મહેનત કરતા રહ્યાં. જો માબાપમાંથી કોઈ એક યહોવાની ભક્તિ કરતા ન હોય તો બાળકોને એકલા હાથે યહોવા વિશે શીખવવું અઘરું હોય છે. માબાપ યહોવાના સાક્ષી હોય તોપણ બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ જગાડવો કંઈ સહેલું હોતું નથી. માબાપ યુનીકેના દાખલામાંથી શું શીખી શકે?

૮. બહેનો કઈ રીતે બાળકોને યહોવા વિશે શીખવવામાં પતિને મદદ કરી શકે?

બાળકોને બાઇબલમાંથી શીખવો. બહેનો, જો તમારા પતિ યહોવાના સાક્ષી હોય તો બાળકોને યહોવા વિશે શીખવવા તેમને સાથ-સહકાર આપો. યહોવા પણ એવું જ ઇચ્છે છે. એમ કરવાની એક રીત છે, કુટુંબ તરીકેની ભક્તિને પૂરેપૂરો ટેકો આપો. તમે એ કઈ રીતે કરી શકો? એ માટે બધાનો ઉત્સાહ વધારી શકો. પહેલેથી વિચાર કરી શકો કે શું કરવાથી ભક્તિમાં બધાને મજા આવશે. પતિ સાથે મળીને વિચારી શકો કે કુટુંબ તરીકેની ભક્તિમાં બધા કયો પ્રોજેક્ટ કરી શકે. વધુમાં જો તમારું બાળક સમજણું હોય અને તમને લાગે કે દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાંથી અભ્યાસ કરવાથી તેને ફાયદો થશે, તો એ અભ્યાસમાં તમારા પતિને સાથ આપી શકો.

૯. જે બહેનોના પતિ યહોવાના સાક્ષી નથી તેઓને ક્યાંથી મદદ મળી શકે?

અમુક બહેનોએ એકલા હાથે બાળકોને બાઇબલમાંથી શીખવવું પડે છે. કેમ કે તેઓના પતિ સાથે નથી અથવા યહોવાના સાક્ષી નથી. જો તમારા પણ એવા સંજોગો હોય, તો ચિંતામાં ન ડૂબી જતાં. યહોવા તમને મદદ કરશે. યહોવાએ પોતાના સંગઠન દ્વારા શીખવવાનાં સાધનો આપ્યાં છે. તમે એનો ઉપયોગ કરીને બાળકોને શીખવી શકો. તમે બીજાં માબાપને પણ પૂછી શકો કે તેઓ કુટુંબ તરીકેની ભક્તિમાં એ સાધનોનો કેવી રીતે ઉપયોગ કરે છે. c (નીતિ. ૧૧:૧૪) બાળકો સાથે દિલ ખોલીને વાત કરવા તમે યહોવાને પ્રાર્થના કરી શકો. તમે યહોવા પાસે મદદ માંગી શકો, જેથી યોગ્ય સવાલો પૂછીને બાળકોના મનમાં શું છે એ જાણી શકો. (નીતિ. ૨૦:૫) બાળકો સાથે વાતચીત શરૂ કરવા તમે આવું કંઈક પૂછી શકો: “બેટા, સ્કૂલમાં બધું કેવું ચાલે છે?”

૧૦. બાળકોને યહોવા વિશે શીખવવા તમે શું કરી શકો?

૧૦ બાળકોને યહોવા વિશે શીખવવાની તક શોધો. માતાઓ, બાળકોને યહોવાના ગુણો વિશે જણાવો. યહોવાએ તમારા માટે જે કર્યું છે, એ વિશે બાળકો સાથે વાત કરો. (પુન. ૬:૬, ૭; યશા. ૬૩:૭) જો તમે બાળકો સાથે ઘરમાં નિયમિત રીતે બાઇબલ અભ્યાસ કરી શકતા ન હો, તો યહોવા વિશે શીખવવાની એક પણ તક જવા દેશો નહિ. અગાઉ આપણે ક્રિસ્ટીનબહેન વિશે જોઈ ગયા. તે કહે છે, “બાળકોને યહોવા વિશે શીખવવાની મને બહુ ઓછી તક મળતી. એટલે હું એક પણ મોકો છોડતી નહિ. અમે બહાર ચાલવા જતા અથવા હોડીમાં બેસીને ફરવા જતા ત્યારે યહોવાની અદ્‍ભુત સૃષ્ટિ પર હું તેઓનું ધ્યાન દોરતી. એવી તો અમે બીજી ઘણી વાતો કરતા જેનાથી મારાં બાળકો યહોવાના દોસ્ત બની શકે. મારાં બાળકો થોડાં મોટાં થયાં કે મેં તેઓને બાઇબલમાંથી જાતે અભ્યાસ કરવાનું ઉત્તેજન આપ્યું.” માતાઓ, તમે બીજું શું કરી શકો? યહોવાના સંગઠન અને ભાઈ-બહેનો વિશે સારી વાતો કરો. વડીલોના વાંક કાઢશો નહિ. તેઓના સારા ગુણો પર ધ્યાન દોરશો તો બાળકોને જરૂર પડશે ત્યારે તેઓ પાસે જતા અચકાશે નહિ.

૧૧. યાકૂબ ૩:૧૮ પ્રમાણે ઘરમાં કેમ શાંતિભર્યો માહોલ રાખવો જોઈએ?

૧૧ ઘરમાં શાંતિભર્યો માહોલ બનાવો. તમારાં કામો અને વાતોથી બતાવો કે તમે તમારાં પતિ અને બાળકોને કેટલો પ્રેમ કરો છો. તમારા પતિ સાથે માનથી વાત કરો. બાળકોને પણ એમ કરતા શીખવો. આમ ઘરમાં શાંતિભર્યો માહોલ રહેશે અને બાળકો માટે યહોવા વિશે શીખવું સહેલું થઈ જશે. (યાકૂબ ૩:૧૮ વાંચો.) ચાલો યોસેફભાઈનો દાખલો જોઈએ. તે રોમાનિયામાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપે છે. તે નાના હતા ત્યારથી તેમના મમ્મી અને તેમનાં ભાઈ-બહેનો સાથે યહોવાની ભક્તિ કરતા હતા. પણ તેમના પપ્પા તેઓનો ઘણો વિરોધ કરતા હતા. ભાઈ કહે છે, “મમ્મી ઘરમાં શાંતિ રહે એની બહુ કોશિશ કરતા. પપ્પા જેટલા વધારે ગુસ્સે થતા, મમ્મી એટલું જ પ્રેમથી વર્તતાં. જ્યારે મમ્મી જોતાં કે અમે પપ્પાને માન આપતા નથી અને તેમની વાત માનતા નથી, ત્યારે તે મદદ આપતાં. તે અમારી સાથે એફેસીઓ ૬:૧-૩માં આપેલા સિદ્ધાંતની ચર્ચા કરતા. પછી તે પપ્પાના સારા ગુણો વિશે વાત કરતા. તે સમજવા મદદ કરતા કે અમારે કેમ પપ્પાની કદર કરવી જોઈએ. જ્યારે ઘરનો માહોલ તંગ થઈ જતો, ત્યારે મમ્મી એને શાંતિથી થાળે પાડતાં.”

તમારાં કામોથી બાળકો શીખે છે

૧૨. બીજો તિમોથી ૧:૫ પ્રમાણે યુનીકેના દાખલાની તિમોથી પર કેવી અસર પડી?

૧૨ બીજો તિમોથી ૧:૫ વાંચો. યુનીકેના દાખલાની તિમોથી પર સારી અસર પડી. યુનીકેએ તિમોથીને શીખવ્યું હશે કે શ્રદ્ધા કામોથી દેખાઈ આવે છે. (યાકૂ. ૨:૨૬) યુનીકેનાં કામો જોઈને તિમોથી સમજી શક્યા હશે કે તે યહોવાને ખૂબ જ પ્રેમ કરે છે. મમ્મીને યહોવાની ભક્તિ કરવાથી કેટલી ખુશી મળે છે, એ તિમોથીના ધ્યાન બહાર ગયું નહિ હોય. યુનીકેના દાખલાની તિમોથી પર કેવી અસર પડી? પ્રેરિત પાઉલે લખ્યું કે તિમોથીમાં પણ તેમના મમ્મી જેવી જ શ્રદ્ધા છે. યુનીકેની અડગ શ્રદ્ધાને લીધે તિમોથીમાં પણ આપોઆપ શ્રદ્ધા આવી ગઈ એવું ન હતું. તિમોથી એવી શ્રદ્ધા કેળવવાનું તેમના મમ્મી પાસેથી શીખ્યા હતા. એવી જ રીતે આજે ઘણી માતાઓ એક પણ ‘શબ્દ’ બોલ્યા વગર પોતાનાં કુટુંબના સભ્યોનું દિલ જીતી લે છે. (૧ પિત. ૩:૧, ૨) તમે પણ એવું કરી શકો છો. કઈ રીતે?

૧૩. એક માતાએ કેમ યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવી જોઈએ?

૧૩ યહોવાને જીવનમાં પહેલા રાખો. (પુન. ૬:૫, ૬) માતાઓ, તમે કુટુંબ અને બાળકો માટે ઘણું જતું કરો છો. તમે બાળકોની સંભાળ રાખવા સમય, પૈસા, ઊંઘ અને બીજી બાબતોનો ત્યાગ કરો છો. પણ ધ્યાન રાખજો કે એ બધામાં એટલાં વ્યસ્ત ન થઈ જાઓ કે યહોવા માટે સમય જ ન બચે. એટલે પ્રાર્થના, બાઇબલ અભ્યાસ અને સભાઓ માટે સમય કાઢો. એમ કરશો તો યહોવા સાથે તમારો સંબંધ મજબૂત થશે. એટલું જ નહિ તમે કુટુંબ અને બીજાઓ માટે સારો દાખલો બેસાડી શકશો.

૧૪-૧૫. લીની, મારિયા અને જોનના અનુભવમાંથી શું શીખવા મળ્યું?

૧૪ ચાલો અમુક યુવાનોના અનુભવ જોઈએ. યહોવાને પ્રેમ કરવાનું અને તેમના પર ભરોસો રાખવાનું તેઓ પોતાનાં મમ્મી પાસેથી શીખ્યા હતા. ક્રિસ્ટીનબહેનની દીકરી લીની કહે છે, “પપ્પા ઘરે હોય તો અમે છૂટથી અભ્યાસ કરી શકતાં ન’તાં. પણ મમ્મી એકેય સભામાં જવાનું ચૂકતાં નહિ. અમે બાઇબલ વિશે બહુ કંઈ જાણતાં ન’તાં. પણ મમ્મીને જોઈને અમારી શ્રદ્ધા વધતી હતી. અમે સભાઓમાં જવાનું શરૂ કર્યું એના ઘણા વખત પહેલાંથી જ સમજી ગયાં હતાં કે યહોવાના સાક્ષીઓ સાચું શીખવે છે.”

૧૫ મારિયા સાથે પણ એવું જ કંઈક થયું. તે, તેનાં મમ્મી અને તેનાં ભાઈ-બહેનો સભામાં જતાં, એ તેના પપ્પાને જરાય ગમતું નહિ. તેના પપ્પા ગુસ્સામાં જેમતેમ બોલતા અને મારઝૂડ કરતા. મારિયા કહે છે, “હું નાની હતી ત્યારે મને ખબર હતી કે મારે શું કરવું જોઈએ. પણ અમુક વાર લોકોના ડરથી હું એ કરી શકતી ન’તી. પણ મારાં મમ્મીમાં જબર હિંમત હતી. તેમણે પોતાના જીવનમાં યહોવાને પહેલા રાખ્યાં હતાં. તેમને જોઈને હું મારા મનમાંથી માણસોનો ડર કાઢી શકી.” જોનના પપ્પાએ કુટુંબને યહોવા વિશે કે બાઇબલ વિશે વાત કરવાની ઘસીને ના પાડી હતી. જોન કહે છે, “પપ્પાને ખુશ કરવા મમ્મી બધું જ છોડવા તૈયાર હતાં, પણ તે કોઈ પણ ભોગે યહોવાને છોડવા તૈયાર ન હતાં. એ વાત મારા દિલને સ્પર્શી ગઈ.”

૧૬. એક માતાના દાખલાની બીજાઓ પર કેવી અસર પડે છે?

૧૬ માતાઓ, તમારા દાખલાની મંડળનાં ભાઈ-બહેનો પર સારી અસર પડે છે. યુનીકેનો વિચાર કરો. કદાચ પ્રેરિત પાઉલ પ્રચારની પહેલી મુસાફરી વખતે યુનીકે અને લોઈસને લુસ્ત્રામાં પહેલી વાર મળ્યા હતા. પાઉલે જ તેઓને ખ્રિસ્તી બનવા મદદ કરી હોય શકે. પાઉલે જોયું હશે કે યુનીકેમાં અડગ શ્રદ્ધા છે. (પ્રે.કા. ૧૪:૪-૧૮) પાઉલે ૧૫ વર્ષ પછી તિમોથીને પત્ર લખ્યો ત્યારે તેમની શ્રદ્ધાના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે તિમોથીની શ્રદ્ધા ઢોંગ વગરની છે. એવી શ્રદ્ધા પાઉલે ‘પહેલા યુનીકેમાં જોઈ હતી.’ (૨ તિમો. ૧:૫) એટલાં બધાં વર્ષો વીત્યા છતાં યુનીકેએ જે શ્રદ્ધા બતાવી હતી, એને પાઉલ ભૂલ્યા ન હતા અને એ વિશે પત્રમાં લખ્યું. યુનીકેના દાખલાની પાઉલ અને એ સમયના ઈશ્વરભક્તો પર સારી અસર પડી હતી. માતાઓ, જો તમે એકલા હાથે બાળકોનો ઉછેર કરતા હો અથવા તમારા પતિ યહોવાના સાક્ષી ન હોય, તો હિંમત હારશો નહિ. તમારી શ્રદ્ધા જોઈને બીજાઓની હિંમત વધે છે અને તેઓને પણ ઉત્તેજન મળે છે.

બાળકો યહોવાના દોસ્ત બની શકે માટે મદદ આપતાં રહો. ભલે એમાં સમય લાગે તોપણ હિંમત ન હારશો! (ફકરો ૧૭ જુઓ)

૧૭. જો લાગે કે બાળકો યહોવાની ભક્તિ કરવા નથી માંગતાં તો તમે શું કરી શકો?

૧૭ જો લાગે કે તમારાં બાળકો યહોવાની ભક્તિ કરવા નથી માંગતાં તો શું કરી શકો? યાદ રાખો કે બાળકોને યહોવા વિશે શીખતા સમય લાગે છે. ચિત્રમાં બતાવ્યું છે તેમ, આપણે બી વાવીએ ત્યારે જાણતા નથી કે એ બી ઊગશે અને ફળ આપશે કે નહિ. ભલે આપણે એ જાણતા નથી તોપણ છોડને પાણી પાતા રહીએ છીએ, જેથી એ વધી શકે. (માર્ક ૪:૨૬-૨૯) બાળકોને શીખવવા વિશે પણ એવું જ છે. બાળકો યહોવાની ભક્તિ કરશે કે નહિ એ નિર્ણય તેઓ પર છે. પણ તેઓ યહોવાના દોસ્ત બની શકે એ માટે તમે તેઓને પૂરી મદદ કરી શકો છો. એટલે તેઓને યહોવા વિશે શીખવવા તમે બનતું બધું કરતા રહો.—નીતિ. ૨૨:૬.

યહોવા પર આધાર રાખો

૧૮. યહોવા તમારાં બાળકોને કઈ રીતે મદદ કરી શકે છે?

૧૮ જૂના જમાનાથી લઈને આજ સુધી યહોવાએ ઘણાં બાળકોને તેમના દોસ્ત બનવા મદદ કરી છે. (ગીત. ૨૨:૯, ૧૦) જો તમારું બાળક પણ યહોવાની ભક્તિ કરવા માંગતું હશે, તો યહોવા તેને પણ જરૂર મદદ કરશે. (૧ કોરીં. ૩:૬, ૭) જો લાગે કે તમારું બાળક યહોવાથી દૂર થઈ રહ્યું છે, તો ખાતરી રાખો કે યહોવા તેનો સાથ નહિ છોડે અને તેને પ્રેમ કરતા રહેશે. (ગીત. ૧૧:૪) જ્યારે યહોવા જોશે કે તે તેમની ભક્તિ કરવા માંગે છે અને તેના દિલમાં તેમના માટે થોડો પણ પ્રેમ છે તો તે જરૂર દોસ્તીનો હાથ લંબાવશે. (૨ કાળ. ૧૬:૯; પ્રે.કા. ૧૩:૪૮) યહોવા તમને પણ મદદ કરશે. બાળકને જરૂર હોય એવી જ વાત કહેવા તે તમને મદદ કરશે. (નીતિ. ૧૫:૨૩) યહોવા તમારા બાળકને ભાઈ-બહેનો દ્વારા પણ મદદ કરી શકે. તેઓ તેની સાથે સમય પસાર કરીને ઉત્સાહ વધારી શકે. જો તમારું બાળક હમણાં યહોવાની ભક્તિ ન કરે તો નિરાશ ન થતાં. વર્ષો પછી પણ યહોવા તેને એ વાતો યાદ અપાવી શકે છે, જે તમે બાળપણમાં શીખવી હતી. (યોહા. ૧૪:૨૬) તમારી વાતો અને કામોથી બાળકોને શીખવતાં રહો. એમ કરશો તો યહોવા તમને જરૂર આશીર્વાદ આપશે.

૧૯. માતાઓ, તમે કેમ ખાતરી રાખી શકો કે યહોવા તમારાથી ખુશ છે?

૧૯ માતાઓ, યહોવા તમને બહુ પ્રેમ કરે છે, કેમ કે તમે તેમને પ્રેમ કરો છો. તમારાં બાળકો યહોવાની ભક્તિ કરે કે ન કરે, પણ યહોવા તમને પ્રેમ કરતા રહેશે. જો તમે એકલા હાથે બાળકોનો ઉછેર કરતા હો, તો યહોવા વચન આપે છે કે તે તમારાં બાળકોના પિતા બનશે અને તમારી સંભાળ રાખશે. (ગીત. ૬૮:૫) તમારાં બાળકોએ જાતે નિર્ણય લેવાનો છે કે તેઓ યહોવાની ભક્તિ કરશે કે નહિ. એ નિર્ણય તમે લઈ શકતાં નથી. જો તમે યહોવાની મદદ પર આધાર રાખશો અને બાળકોને યહોવા વિશે શીખવવા મહેનત કરતા રહેશો, તો યહોવા તમારાથી ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે.

ગીત ૪૧ બાળકો—યહોવાની સાથે ચાલો

a આ લેખમાં જોઈશું કે તિમોથીના માતા યુનીકે પાસેથી માતાઓ શું શીખી શકે. એ પણ જોઈશું કે કઈ રીતે તેઓ યહોવાને ઓળખવા અને તેમને પ્રેમ કરવા પોતાનાં બાળકોને મદદ કરી શકે.

b અમુક નામ બદલ્યાં છે.

c દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૫૦ અને ઑગસ્ટ ૧૫, ૨૦૧૧ ચોકીબુરજના (હિંદી) પાન ૬-૭ પર આપેલો આ લેખ જુઓ: “પારિવારિક ઉપાસના ઔર નિજી અધ્યયન કરને કે સુઝાવ.”