સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૮

ધ્યેય રાખીએ અને એ પૂરો કરીએ

ધ્યેય રાખીએ અને એ પૂરો કરીએ

“આ વાતો પર વિચાર કરજે અને એમાં મન પરોવેલું રાખજે, જેથી તારી પ્રગતિ બધા લોકોને સાફ દેખાઈ આવે.”​—૧ તિમો. ૪:૧૫.

ગીત ૧૫૦ દિલ રેડી દઈએ

ઝલક a

૧. આપણે કેવા ધ્યેય રાખી શકીએ?

 આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ. આપણે તન-મનથી તેમની ભક્તિ કરવા માંગીએ છીએ. એમ કરવા આપણે ભક્તિને લગતા ધ્યેય રાખવા જોઈએ. આપણે સારા ગુણો કેળવવા, આવડત કેળવવા અને બીજાઓને મદદ કરવા ધ્યેય રાખી શકીએ.

૨. આપણે કેમ ધ્યેય રાખવા જોઈએ અને એ પૂરા કરવા મહેનત કરવી જોઈએ?

આપણે કેમ ધ્યેય રાખીને એ પૂરા કરવા માંગીએ છીએ? સૌથી પહેલું અને મહત્ત્વનું કારણ એ છે કે આપણે પિતા યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. તેમની ભક્તિમાં આપણી આવડતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે, તેમનું દિલ ખુશ થાય છે. બીજું, આપણે ભાઈ-બહેનોને વધારે મદદ કરવા માંગીએ છીએ. (૧ થેસ્સા. ૪:૯, ૧૦) ભલે આપણે વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, તોપણ ધ્યેય રાખવા જોઈએ અને એ પૂરા કરવા મહેનત કરવી જોઈએ. આપણે એ કઈ રીતે કરી શકીએ?

૩. પ્રેરિત પાઉલે તિમોથીને શું કરવાનું ઉત્તેજન આપ્યું? (૧ તિમોથી ૪:૧૨-૧૬)

પ્રેરિત પાઉલે તિમોથીને પહેલો પત્ર લખ્યો એ સમયે તિમોથી યુવાન અને એક અનુભવી વડીલ હતા. તોપણ પાઉલે તિમોથીને યહોવાની ભક્તિમાં વધારે કરતા રહેવાનું ઉત્તેજન આપ્યું. (૧ તિમોથી ૪:૧૨-૧૬ વાંચો.) પાઉલ જાણતા હતા કે તિમોથી ભક્તિમાં વધારે સારું કરી શકે છે. એટલે તેમણે તિમોથીને બે બાબતોમાં વધારે કરતા રહેવાનું જણાવ્યું. એક, તિમોથીએ સારા ગુણો કેળવતા રહેવાનું હતું. તેમણે પ્રેમ અને શ્રદ્ધા જેવા ગુણો બતાવવા અને શુદ્ધ ચારિત્ર રાખવા મહેનત કરતા રહેવાનું હતું. બીજું કે, તેમણે પોતાની આવડત નિખારવાની હતી. તેમણે જાહેર વાંચન, સલાહ આપવા અને શીખવવા પર ધ્યાન આપવાનું હતું. આ લેખમાં આપણે તિમોથીના દાખલા પર ધ્યાન આપીશું. આપણે જોઈશું કે ધ્યેય રાખવાથી કઈ રીતે ભક્તિમાં વધારે કરી શકીએ. એ પણ જોઈશું કે કઈ રીતે આપણે સેવાકાર્યમાં વધારે કરી શકીએ.

સારા ગુણો કેળવીએ

૪. ફિલિપીઓ ૨:૧૯-૨૨ પ્રમાણે તિમોથી કેમ યહોવાની ભક્તિમાં વધારે કરી શક્યા?

તિમોથીમાં ઘણા સારા ગુણો હતા, એટલે તે યહોવાની ભક્તિમાં વધારે કરી શક્યા. (ફિલિપીઓ ૨:૧૯-૨૨ વાંચો.) પાઉલના શબ્દોથી જોઈ શકાય છે કે તિમોથી નમ્ર, વફાદાર, મહેનતુ અને ભરોસાપાત્ર હતા. તે ખૂબ પ્રેમાળ હતા અને ભાઈ-બહેનોની દિલથી ચિંતા કરતા હતા. એ ગુણોના લીધે પાઉલ તેમને ખૂબ પ્રેમ કરતા હતા. પાઉલને તિમોથી પર પૂરો ભરોસો હતો. એટલે તેમણે તિમોથીને ભારે જવાબદારીઓ સોંપી. (૧ કોરીં. ૪:૧૭) તિમોથીની જેમ આપણે પણ સારા ગુણો કેળવીશું તો યહોવા આપણને પ્રેમ કરશે અને આપણે ભાઈ-બહેનોને વધારે મદદ કરી શકીશું.—ગીત. ૨૫:૯; ૧૩૮:૬.

તમે કયો ગુણ કેળવવા માંગો છો? (ફકરા ૫-૬ જુઓ)

૫. (ક) કયો ગુણ કેળવવો એ નક્કી કરવા શું કરી શકીએ? (ખ) ચિત્રમાં બતાવ્યું છે તેમ, એક યુવાન બહેને કયો ધ્યેય રાખ્યો છે અને એ પૂરો કરવા તે શું કરે છે?

ધ્યેય રાખીએ. આપણા સ્વભાવમાં કોઈ સુધારો કરવાની જરૂર લાગે તો પ્રાર્થના કરીને એ વિશે વિચાર કરીએ. જે ગુણ કેળવવા માંગીએ છીએ એ પસંદ કરીએ. દાખલા તરીકે આપણે વિચારી શકીએ: ‘હું કઈ રીતે બીજાઓને વધારે હમદર્દી બતાવી શકું? હું ભાઈ-બહેનોને વધારે મદદ કરવા શું કરી શકું? શું હું શાંતિ જાળવવા અને બીજાઓને માફ કરવા હંમેશાં તૈયાર રહું છું?’ એ ગુણ કેળવવા આપણે કોઈ દોસ્તની પણ મદદ લઈ શકીએ.—નીતિ. ૨૭:૬.

૬. કોઈ ગુણ કેળવવા આપણે શું કરી શકીએ?

ધ્યેય પૂરો કરવા મહેનત કરીએ. આપણે એ કઈ રીતે કરી શકીએ? જે ગુણ કેળવવા માંગીએ છીએ એના વિશે ઊંડો અભ્યાસ કરીએ. ધારો કે આપણે માફી આપવાનો ગુણ કેળવવા માંગીએ છીએ. બાઇબલમાં એવા ઘણા લોકોના દાખલા છે જેઓએ બીજાને માફ કર્યા હતા. એમાં એવા લોકોના દાખલા પણ છે જેઓએ બીજાને માફ કર્યા ન હતા. માફીનો ગુણ કેળવવા એ દાખલાઓ પર આપણે મનન કરી શકીએ. ઈસુના દાખલાનો વિચાર કરીએ. તેમણે લોકોને દિલથી માફ કર્યા હતા. (લૂક ૭:૪૭, ૪૮) ઈસુએ તેઓની ભૂલો પર નહિ, પણ આગળ જતાં તેઓ સારું કરી શકે છે એ વાત પર ધ્યાન આપ્યું. જોકે ઈસુના સમયના ફરોશીઓ બીજા લોકોને નીચા ગણતા હતા અને તેઓ “કંઈ જ નથી” એવું માનતા હતા. (લૂક ૧૮:૯) એ દાખલાઓ પર મનન કર્યા પછી આપણે વિચારી શકીએ, ‘શું હું બીજાઓની ભૂલો પર ધ્યાન આપું છું કે પછી તેઓના સારા ગુણોનો વિચાર કરું છું?’ કોઈ વ્યક્તિને માફ કરવું અઘરું લાગે તો આપણે તેના સારા ગુણોનું એક લિસ્ટ બનાવી શકીએ. પછી વિચાર કરી શકીએ, ‘મારી જગ્યાએ ઈસુ હોત તો, તેમણે શું કર્યું હોત? શું તેમણે એ વ્યક્તિને માફ કરી હોત?’ એ રીતે અભ્યાસ કરવાથી આપણે વિચારોમાં ફેરફાર કરી શકીશું. શરૂઆતમાં બીજાઓને માફ કરવું આપણને અઘરું લાગી શકે. પણ એ ગુણ કેળવવા મહેનત કરતા જઈશું તો આપણે સહેલાઈથી બીજાઓને માફ કરી શકીશું.

આવડત કેળવીએ

પ્રાર્થનાઘરની સાર-સંભાળ રાખવાનું કામ શીખીએ (ફકરો ૭ જુઓ) d

૭. યહોવા કઈ રીતે કુશળ ભાઈ-બહેનોનો ઉપયોગ કરે છે? (નીતિવચનો ૨૨:૨૯)

યહોવાની ભક્તિમાં કામ લાગે એવી આવડત કેળવવાનો ધ્યેય પણ રાખી શકીએ. જરા વિચારો, બેથેલ, સંમેલનની જગ્યા અને પ્રાર્થનાઘરના બાંધકામમાં કેટલા બધા લોકોની જરૂર પડે છે. ઘણાં ભાઈ-બહેનો બીજાં અનુભવી ભાઈ-બહેનો સાથે કામ કરીને બાંધકામની આવડત કેળવી શક્યાં છે અને કુશળ બની શક્યાં છે. ચિત્રમાં બતાવ્યું છે તેમ ફક્ત ભાઈઓ જ નહિ, બહેનો પણ ભક્તિ-સ્થળોની સાર-સંભાળ રાખવાનું કામ શીખે છે. “સનાતન યુગોના રાજા” યહોવા અને “રાજાઓના રાજા” ખ્રિસ્ત ઈસુ એ બધાં ભાઈ-બહેનોનો ઉપયોગ કરીને ઘણાં મોટાં મોટાં કામ પાર પાડે છે. (૧ તિમો. ૧:૧૭; ૬:૧૫; નીતિવચનો ૨૨:૨૯ વાંચો.) આપણે પોતાની વાહ વાહ માટે નહિ, પણ યહોવાના મહિમા માટે સખત મહેનત કરીએ અને આવડતનો ઉપયોગ કરીએ.—યોહા. ૮:૫૪.

૮. કઈ આવડત કેળવવી એ નક્કી કરવા શું કરી શકીએ?

ધ્યેય રાખીએ. આપણે કઈ આવડત કેળવવી છે એનો વિચાર કરીએ અને એ વિશે વડીલોને પૂછીએ. જો લાગે તો આપણે સરકીટ નિરીક્ષકને પણ પૂછી શકીએ. દાખલા તરીકે, તેઓ સલાહ આપે કે આપણે બોલવાની અને શીખવવાની કળામાં નિખાર લાવવાની જરૂર છે. આપણે તેઓને પૂછી શકીએ કે એ માટે કયા ખાસ મુદ્દા પર કામ કરવું જોઈએ. પછી એમ કરવા પૂરી મહેનત કરીએ. આપણે એ કઈ રીતે કરી શકીએ?

૯. આપણે કોઈ આવડત કેળવવા શું કરી શકીએ?

ધ્યેય પૂરો કરવા મહેનત કરીએ. કદાચ આપણે શીખવવાની કળામાં સુધારો કરવા માંગીએ છીએ. આપણે વાંચવાની અને શીખવવાની કળા પુસ્તિકાનો ધ્યાનથી અભ્યાસ કરી શકીએ. અઠવાડિયા દરમિયાન થતી સભામાં ટૉક મળે ત્યારે, કોઈ અનુભવી ભાઈને પોતાની ટૉક સંભળાવી શકીએ. પછી તેમની સલાહ લઈ શકીએ. ટૉકની પહેલેથી સારી તૈયારી કરીશું તો ભાઈ-બહેનો જોઈ શકશે કે આપણે મહેનતુ અને ભરોસાપાત્ર છીએ.—નીતિ. ૨૧:૫; ૨ કોરીં. ૮:૨૨.

૧૦. દાખલો આપીને સમજાવો કે આવડત કેળવવી અઘરી લાગે ત્યારે શું કરી શકીએ?

૧૦ આપણને કદાચ કોઈ આવડત કેળવવી બહુ અઘરી લાગે. એવા સમયે હિંમત ન હારીએ, પણ મહેનત કરતા રહીએ. ચાલો ગેરીભાઈનો દાખલો જોઈએ. તેમને વાંચવામાં તકલીફ પડતી હતી. મંડળમાં વાંચવાનું કહેવામાં આવે ત્યારે તે ઘણી શરમ અનુભવતા હતા. છતાં તેમણે હાર ન માની પણ મહેનત કરતા રહ્યા. તે બીજા ભાઈઓ પાસેથી શીખ્યા અને તેમણે સાહિત્યમાં આપેલાં સલાહ-સૂચન લાગુ પાડ્યા. હવે તે મંડળ, સરકીટ સંમેલન અને મહાસંમેલનમાં સરસ ટૉક આપી શકે છે.

૧૧. તિમોથીની જેમ ભક્તિમાં વધારે કરવા શું કરી શકીએ?

૧૧ શું તિમોથી એક સારા વક્તા અને કુશળ શિક્ષક બની શક્યા? એ વિશે બાઇબલ કંઈ જણાવતું નથી. પણ આપણને ખાતરી છે કે પાઉલની સલાહ પાળીને તે પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી શક્યા અને ભક્તિમાં વધારે કરી શક્યા. (૨ તિમો. ૩:૧૦) તિમોથીની જેમ આપણે પણ આવડત કેળવીને યહોવાની ભક્તિમાં વધારે કરી શકીએ છીએ.

બીજાઓને મદદ કરીએ

૧૨. બીજાં ભાઈ-બહેનોએ તમને કઈ રીતે મદદ કરી છે?

૧૨ બીજાઓ આપણને મદદ કરે છે ત્યારે બહુ સારું લાગે છે. જેમ કે, આપણે હૉસ્પિટલમાં હોઈએ અને હૉસ્પિટલ સંપર્ક સમિતિ કે દર્દીની મુલાકાત લેતા જૂથના વડીલો મળવા આવે છે ત્યારે ઘણી હિંમત મળે છે. આપણા અઘરા સંજોગોમાં કોઈ વડીલ સમય કાઢીને આપણી વાત ધ્યાનથી સાંભળીને દિલાસો આપે છે ત્યારે આપણે એની ઘણી કદર કરીએ છીએ. બની શકે કે બાઇબલ વિદ્યાર્થીને શીખવવા મદદની જરૂર પડે. કોઈ અનુભવી પાયોનિયર આપણી સાથે આવે છે અને અભ્યાસ પછી સલાહ-સૂચન આપે છે ત્યારે આપણને ગમે છે. આપણને મદદ કરીને એ બધાં ભાઈ-બહેનોને ઘણી ખુશી મળે છે. આપણે પણ બીજાઓને મદદ કરીને એવી જ ખુશી મેળવી શકીએ છીએ. ઈસુએ કહ્યું હતું: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રે.કા. ૨૦:૩૫) એટલે આપણે પણ બીજાઓને મદદ કરવાનો ધ્યેય રાખી શકીએ.

૧૩. કેવો ધ્યેય રાખવો પૂરતું નથી અને કેમ?

૧૩ જો આપણે ફક્ત એવું જ વિચારીએ કે ‘હું મંડળનાં ભાઈ-બહેનોને વધારે મદદ કરવા માંગું છું,’ તો એવો ધ્યેય રાખવો પૂરતું નથી. એના બદલે આપણે ભાઈ-બહેનોને કઈ ખાસ રીતે મદદ કરીશું, એનો વિચાર કરીએ. એવો ધ્યેય રાખીશું તો એ પૂરો કરવા પગલાં લઈ શકીશું. એ પણ પારખી શકીશું કે આપણાથી એ ધ્યેય પૂરો થયો કે નહિ. આપણા ધ્યેય વિશે અને એ કઈ રીતે પૂરો કરીશું એ વિશે લખી રાખીએ.

૧૪. આપણે ધ્યેયમાં ફેરફાર કરવા કેમ તૈયાર રહેવું જોઈએ?

૧૪ અમુક વાર આપણા સંજોગો બદલાઈ જાય છે. એટલે ધ્યેયમાં ફેરફાર કરવા તૈયાર રહેવું જોઈએ. પ્રેરિત પાઉલે પણ એવું જ કર્યું હતું. તેમણે થેસ્સાલોનિકા શહેરમાં મંડળ શરૂ કરવા મદદ કરી હતી. તે ત્યાં રહીને નવાં ભાઈ-બહેનોને મદદ કરવા માંગતા હતા, એ તેમનો ધ્યેય હોય શકે. પણ લોકોના વિરોધને લીધે તેમણે એ શહેર છોડીને જવું પડ્યું. (પ્રે.કા. ૧૭:૧-૫, ૧૦) જો પાઉલ ત્યાં રહ્યા હોત, તો ભાઈ-બહેનોનો જીવ જોખમમાં આવી ગયો હોત. પણ તેમણે ભાઈ-બહેનોને મદદ કરતા રહેવાનું છોડ્યું નહિ. તે તેઓ પાસે જઈ શકતા ન હતા, એટલે તેઓની શ્રદ્ધા વધારવા તિમોથીને ત્યાં મોકલ્યા. (૧ થેસ્સા. ૩:૧-૩) તિમોથી થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને મદદ કરવા ગયા. જરા વિચારો, એ જોઈને ત્યાંનાં ભાઈ-બહેનોને કેટલી ખુશી થઈ હશે!

૧૫. સંજોગો બદલાય ત્યારે શું કરવા તૈયાર રહેવું જોઈએ? દાખલો આપો.

૧૫ પાઉલના એ દાખલામાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. આપણે કોઈ ધ્યેય રાખ્યો હોય, પણ બની શકે કે આપણા સંજોગો બદલાય અને એ ધ્યેય પૂરો ન કરી શકીએ. (સભા. ૯:૧૧) એવું થાય તો ધ્યેયમાં ફેરફાર કરવા તૈયાર રહીએ. પછી એવો ધ્યેય રાખીએ જે પૂરો કરી શકીએ. ચાલો ટેડભાઈ અને તેમના પત્ની હાઈડીબહેનનો દાખલો જોઈએ. તેઓ બેથેલમાં સેવા આપતાં હતાં. પણ એકની તબિયત બગડી એટલે તેઓએ બેથેલ છોડવું પડ્યું. તેઓ યહોવાને ખૂબ પ્રેમ કરતા હતાં, એટલે બીજી રીતે સેવા કરવાનો ધ્યેય રાખ્યો. તેઓએ નિયમિત પાયોનિયરીંગ ચાલુ કર્યું. સમય જતાં, તેઓને ખાસ પાયોનિયર બનાવવામાં આવ્યાં. ટેડભાઈને સબસ્ટીટ્યૂટ સરકીટ નિરીક્ષકની તાલીમ આપવામાં આવી. પણ પછી એક ફેરફાર થયો, સંગઠને જણાવ્યું કે સરકીટ નિરીક્ષક એક ઉંમર સુધી જ સેવા આપી શકે છે. એટલે ટેડભાઈ હવે સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપી નહિ શકે, એ જાણીને તેઓને દુઃખ થયું. પણ તેઓએ વિચાર્યું કે બીજી રીતે સેવા કરશે. ભાઈ કહે છે: “અમે શીખ્યા કે કોઈ એક જ રીતે સેવા કરવાનું પકડી રાખવું ન જોઈએ, પણ બીજી રીતે સેવા કરવા તૈયાર રહેવું જોઈએ.”

૧૬. ગલાતીઓ ૬:૪માંથી આપણને શું શીખવા મળે છે?

૧૬ જીવનના અમુક સંજોગો આપણા હાથમાં હોતા નથી. આજે આપણી પાસે જે જવાબદારીઓ છે, એ કાલે ન પણ હોય. આપણે યાદ રાખીએ કે યહોવાનો પ્રેમ આપણી જવાબદારીઓ પર આધાર રાખતો નથી. એટલું જ નહિ, આપણા સંજોગોની સરખામણી બીજાઓ સાથે ન કરીએ. હાઈડીબહેન કહે છે: “આપણા જીવનને બીજાઓના જીવન સાથે સરખાવીશું તો આપણી ખુશી છીનવાઈ જશે.” (ગલાતીઓ ૬:૪ વાંચો.) આપણે પોતાના સંજોગો પ્રમાણે યહોવાની ભક્તિ કરવાની અને ભાઈ-બહેનોને મદદ કરવાની અલગ અલગ રીત શોધતા રહીએ. b

૧૭. યહોવાની ભક્તિમાં વધારે કરવા તમે શું કરી શકો?

૧૭ જો આપણે યહોવાની ભક્તિમાં વધારે કરવા માંગતા હોઈએ, તો જીવન સાદું રાખીએ અને દેવું કરવાનું ટાળીએ. મોટા ધ્યેય પહોંચી વળવા, નાના ધ્યેય રાખી શકીએ. ધારો કે તમે નિયમિત પાયોનિયર બનવા માંગો છો, તો શું તમે દર મહિને સહાયક પાયોનિયરીંગ કરી શકો? જો તમે સહાયક સેવક બનવા માંગતા હો, તો શું તમે પ્રચારમાં વધારે કલાકો વિતાવી શકો, મંડળનાં બીમાર અને વૃદ્ધ ભાઈ-બહેનોને મળવા જઈ શકો? નાના ધ્યેય પૂરા કરવાથી તમને આગળ જતાં વધારે જવાબદારી મળી શકે છે. તમને જે પણ જવાબદારી મળે એને સારી રીતે પૂરી કરવાની કોશિશ કરો.—રોમ. ૧૨:૧૧.

પૂરા કરી શકીએ એવા ધ્યેય રાખીએ (ફકરો ૧૮ જુઓ) e

૧૮. બેવરલીબહેનના દાખલામાંથી શું શીખવા મળ્યું? (ચિત્ર પણ જુઓ.)

૧૮ ભલે આપણે કોઈ પણ ઉંમરના હોઈએ, ધ્યેય તો રાખી જ શકીએ છીએ. ચાલો ૭૫ વર્ષનાં બેવરલીબહેનનો દાખલો જોઈએ. ખરાબ તબિયતને લીધે તેમને ચાલવામાં ઘણી તકલીફ પડતી હતી. પણ સ્મરણપ્રસંગના ઝુંબેશમાં ભાગ લેવાની તેમના દિલની તમન્‍ના હતી. એટલે તેમણે નાના નાના ધ્યેય રાખ્યાં. એ ધ્યેય પૂરા કરીને તેમને ઘણી ખુશી મળી. તેમનો ઉત્સાહ અને મહેનત જોઈને બીજાઓને પણ પ્રચારમાં વધારે કરવાનું ઉત્તેજન મળ્યું. આપણાં વૃદ્ધ ભાઈ-બહેનો જે કંઈ કરી શકે છે, એની યહોવા ખૂબ જ કદર કરે છે.—ગીત. ૭૧:૧૭, ૧૮.

૧૯. ભક્તિમાં વધારે કરવા કેવા ધ્યેય રાખવા જોઈએ?

૧૯ આ લેખમાં શીખ્યા કે આપણે એવા ધ્યેય રાખીએ, જે પૂરા કરી શકીએ. એવા ગુણો કેળવીએ, જેથી યહોવા ખુશ થાય. એવી આવડત કેળવીએ, જેથી યહોવા અને તેમના સંગઠનને વધારે કામ આવી શકીએ. ભાઈ-બહેનોને મદદ કરવાની અલગ અલગ રીત શોધીએ. c એવું કરીશું તો યહોવા આપણને આશીર્વાદ આપશે અને તિમોથીની જેમ આપણી ‘પ્રગતિ બધા લોકોને સાફ દેખાઈ આવશે.’—૧ તિમો. ૪:૧૫.

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

a તિમોથીમાં ખુશખબર ફેલાવવાની સારી આવડત હતી. તોપણ પ્રેરિત પાઉલે તિમોથીને યહોવાની ભક્તિમાં વધારે સારું કરતા રહેવાનું ઉત્તેજન આપ્યું. તિમોથીએ પાઉલની એ સલાહ પાળી. એટલે તે યહોવાની ભક્તિમાં વધારે સારું કરી શક્યા અને ભાઈ-બહેનોને વધારે મદદ કરી શક્યા. તિમોથીની જેમ આપણે પણ યહોવાની ભક્તિમાં વધારે સારું કરવા માંગીએ છીએ અને ભાઈ-બહેનોને પૂરી મદદ કરવા ચાહીએ છીએ. એ માટે આપણે કેવા ધ્યેય રાખી શકીએ? એ પૂરા કરવા શું કરી શકીએ?

b યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન પુસ્તકના પ્રકરણ ૧૦, ફકરા ૬-૯ પર આપેલું આ મથાળું જુઓ: “વધારે જરૂર હોય ત્યાં સેવા આપવી.”

c દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૬૦ જુઓ.

d ચિત્રની સમજ: એક ભાઈ બે બહેનોને પ્રાર્થનાઘરની સાર-સંભાળ રાખવાનું કામ શીખવી રહ્યા છે. પછી એ આવડત કેળવીને બંને બહેનો જાતે કામ કરે છે.

e ચિત્રની સમજ: એક વૃદ્ધ બહેન ઘરની બહાર નીકળી શકતાં નથી. પણ તે ફોન દ્વારા બીજાઓને સ્મરણપ્રસંગમાં આવવાનું આમંત્રણ આપે છે.