સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૬

યહોવાના પ્રેમથી ડર પર જીત મેળવીએ

યહોવાના પ્રેમથી ડર પર જીત મેળવીએ

“યહોવા મારા પક્ષે છે; હું જરાય ડરીશ નહિ.”—ગીત. ૧૧૮:૬.

ગીત ૩ “ઈશ્વર પ્રેમ છે”

ઝલક *

૧. અમુક ભાઈ-બહેનોને શાનો ડર હતો?

 અમુક ભાઈ-બહેનોના સંજોગોનો વિચાર કરીએ. નેસ્ટરભાઈ અને મારિયાબહેન વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપવા માંગતાં હતાં. * પણ એ માટે તેઓએ ઓછા પૈસામાં ગુજરાન ચલાવવાનું હતું. તેઓને ડર હતો કે જો એમ કરશે તો તેઓ ખુશ નહિ રહી શકે. બિનિયમભાઈ એવા દેશમાં રહે છે, જ્યાં આપણા કામનો વિરોધ થાય છે. તેમને ડર હતો કે યહોવાના સાક્ષી તરીકે તેમની સતાવણી થશે. પણ તેમને એ વાતનો વધારે ડર હતો કે જ્યારે તેમના કુટુંબને ખબર પડશે કે તે યહોવાના સાક્ષી બન્યા છે ત્યારે તેઓ શું કહેશે. વેલેરીબહેનને કેન્સર થયું અને એ આખા શરીરમાં ઝડપથી ફેલાઈ રહ્યું હતું. તે એવા ડૉક્ટરને શોધવા ઘણા પ્રયત્નો કરતા હતાં જે લોહી વગર સારવાર કરે. તેમને ડર હતો કે તે વધારે નહિ જીવી શકે.

૨. આપણે કેમ ડર પર કાબૂ રાખવો જોઈએ?

આપણાં જીવનમાં પણ એવા સંજોગો આવે છે અને આપણને પણ ડર લાગે છે. જો ડર પર કાબૂ નહિ રાખીએ તો ખોટા નિર્ણયો લઈ બેસીશું. યહોવા સાથેનો આપણો સંબંધ જોખમમાં આવી જઈ શકે. શેતાન તો એવું જ ચાહે છે, ખરું ને! તે એ પણ ચાહે છે કે આપણે ડરના માર્યા ખુશખબર ફેલાવવાનું બંધ કરી દઈએ અને યહોવાની આજ્ઞાઓ ન પાળીએ. (પ્રકટી. ૧૨:૧૭) શેતાન દુષ્ટ, ક્રૂર અને શક્તિશાળી છે. પણ આપણે તેના ફાંદામાંથી બચી શકીએ છીએ.

૩. આપણે કઈ રીતે ડર પર જીત મેળવી શકીએ?

યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે અને તે હંમેશાં આપણી સાથે છે. એવી ખાતરી રાખીશું તો શેતાન આપણને ડરાવી નહિ શકે. (ગીત. ૧૧૮:૬) ગીતશાસ્ત્ર ૧૧૮ના લેખકનો વિચાર કરીએ. તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમના ઘણા દુશ્મનો હતા. અરે, અમુક તો મોટા મોટા હોદ્દા પર હતા (કલમ ૯, ૧૦). અમુક વાર તે ખૂબ જ તણાવ મહેસૂસ કરતા હતા (કલમ ૧૩). એટલું જ નહિ, યહોવાએ તેમને કડક સજા કરી હતી (કલમ ૧૮). છતાં તેમને પૂરો ભરોસો હતો કે યહોવા હજુ તેમને ખૂબ પ્રેમ કરે છે. એટલે તેમણે કહ્યું: “હું જરાય ડરીશ નહિ.” તેમને પાકી ખાતરી હતી કે ભલે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે, યહોવા હંમેશાં તેમની પડખે રહેશે.—ગીત. ૧૧૮:૨૯.

૪. યહોવાના પ્રેમની પાકી ખાતરી હશે તો કેવા ડર પર જીત મેળવી શકીશું?

આપણે પૂરો ભરોસો રાખીએ કે યહોવા આપણને બધાને પ્રેમ કરે છે. એ વાતનો ભરોસો હશે તો આવા ડર પર જીત મેળવી શકીશું: (૧) કુટુંબની જરૂરિયાતો પૂરી નહિ કરી શકીએ એવો ડર, (૨) માણસોનો ડર અને (૩) મરણનો ડર. આપણે શરૂઆતમાં જે ભાઈ-બહેનો વિશે જોઈ ગયા, તેઓને પાકી ખાતરી હતી કે યહોવા તેઓને ખૂબ પ્રેમ કરે છે. એટલે તેઓ ડર પર જીત મેળવી શક્યાં.

કુટુંબની જરૂરિયાતો પૂરી નહિ કરી શકીએ એવો ડર

એક ભાઈ માછીમાર છે. તે કુટુંબનું ભરણપોષણ કરવા માછલી પકડે છે અને તેમનો દીકરો નજીક છે (ફકરો ૫ જુઓ)

૫. કુટુંબના શિરને કઈ ચિંતાઓ થઈ શકે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

કુટુંબના શિરના માથે એક મહત્ત્વની જવાબદારી છે કે કુટુંબના દરેક સભ્યની જરૂરિયાત પૂરી કરવી. (૧ તિમો. ૫:૮) કુટુંબના શિર, તમને મહામારીના સમયમાં ઘણી ચિંતા થતી હશે. તમને થતું હશે કે ‘મારી નોકરી છૂટી જશે તો હું શું કરીશ? શું મને બીજી કોઈ નોકરી મળશે? હું કુટુંબનું ભરણપોષણ કઈ રીતે કરીશ? ઘરના હપ્તા કે ભાડું કઈ રીતે ચૂકવીશ?’ અથવા કદાચ તમે નેસ્ટરભાઈ અને મારિયાબહેનની જેમ એ વાતનો ડર હોય કે ઓછા પૈસામાં ગુજરાન કઈ રીતે ચાલશે. દુઃખની વાત છે કે શેતાને એ ડરનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. એના લીધે ઘણાં ભાઈ-બહેનો યહોવાથી દૂર થઈ ગયાં છે.

૬. શેતાન આપણાં મનમાં શું ઠસાવવા માંગે છે?

શેતાન આપણાં મનમાં ઠસાવવા માંગે છે કે ‘યહોવાને આપણી કંઈ પડી નથી. તે કુટુંબની જરૂરિયાતો પૂરી કરવાના નથી. જે કરવાનું છે એ આપણે જ કરવાનું છે.’ એટલે આપણે વિચારવા લાગીએ કે નોકરી તો હાથમાંથી ન જવા દેવાય. ભલેને એ માટે કંઈ પણ કરવું પડે, યહોવાના સિદ્ધાંતો તૂટશે તોપણ ચાલશે.

૭. ઈસુએ કઈ વાતનો ભરોસો અપાવ્યો?

ઈસુ પોતાના પિતા યહોવાને સૌથી સારી રીતે ઓળખે છે. એટલે તેમણે આપણને ભરોસો અપાવ્યો, ‘આપણે માંગીએ એ પહેલાં આપણા પિતા જાણે છે કે આપણને શાની જરૂર છે.’ (માથ. ૬:૮) ઈસુને ખબર છે કે યહોવા પોતાના ભક્તોની જરૂરિયાતો પૂરી કરશે. યહોવા કુટુંબના શિર છે અને આપણે તેમના કુટુંબનો ભાગ છીએ. યહોવા ચાહે છે કે દરેક કુટુંબનું શિર ૧ તિમોથી ૫:૮માં આપેલો સિદ્ધાંત લાગુ પાડે. કુટુંબના શિર તરીકે યહોવા પોતે પણ એ સિદ્ધાંત લાગુ પાડે છે.

યહોવા ધ્યાન રાખશે કે આપણી જરૂરિયાતો પૂરી થાય. કદાચ તે ભાઈ-બહેનો દ્વારા આપણી મદદ કરે (ફકરો ૮ જુઓ) *

૮. (ક) કુટુંબની જરૂરિયાતો પૂરી નહિ કરી શકીએ એવા ડર પર જીત મેળવવા શું યાદ રાખવું જોઈએ? (માથ્થી ૬:૩૧-૩૩) (ખ) ચિત્રમાં બતાવેલાં પતિ-પત્ની પાસેથી શું શીખી શકીએ?

યહોવા આપણને અને આપણા કુટુંબને ખૂબ જ પ્રેમ કરે છે. એ વાતની ખાતરી હશે તો આપણને ડર નહિ લાગે કે કુટુંબની જરૂરિયાતો કેમની પૂરી થશે. (માથ્થી ૬:૩૧-૩૩ વાંચો.) યહોવાએ પૃથ્વી બનાવી ત્યારે તેમણે ફક્ત જીવન જીવવા થોડી-ઘણી વસ્તુઓ જ ન બનાવી. આપણે જીવનનો આનંદ માણી શકીએ એ માટે તેમણે ઘણી બધી વસ્તુઓ બનાવી. (ઉત. ૨:૯) એનાથી ખબર પડે છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. તે આપણી જરૂરિયાતો પૂરી કરવા માંગે છે. બની શકે કે આપણી પાસે વધારે કંઈ ન હોય, બસ ગુજરાન ચાલે એટલું જ હોય. આપણે યાદ રાખીએ કે એ બધું યહોવાએ જ પૂરું પાડ્યું છે. (માથ. ૬:૧૧) હમણાં આપણે કોઈ બાબત જતી કરવી પડે અથવા થોડામાં ગુજરાન ચલાવવું પડે. પણ ભરોસો રાખીએ કે યહોવા એના બદલામાં આજે અને ભાવિમાં ઘણા આશીર્વાદો આપશે. નેસ્ટરભાઈ અને મારિયાબહેને એવું જ અનુભવ્યું.—યશા. ૬૫:૨૧, ૨૨.

૯. નેસ્ટરભાઈ અને મારિયાબહેનના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું?

નેસ્ટરભાઈ અને મારિયાબહેન કોલંબિયામાં રહે છે. તેઓ પાસે સરસ મજાનું ઘર અને સારી નોકરી હતી. તેઓ કહે છે: “અમે વિચારતાં હતાં કે અમુક વસ્તુઓ વેચી દઈએ અને વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપીએ. પણ અમને ડર હતો કે થોડામાં ગુજરાન ચલાવવું અઘરું પડશે. અમે ખુશ નહિ રહી શકીએ.” પણ તેઓએ એ વાત પર ધ્યાન આપ્યું કે યહોવાએ તેઓ માટે કેટલું બધું કર્યું છે અને તે કેટલો પ્રેમ કરે છે. આમ તેઓ ડર પર જીત મેળવી શક્યાં. તેઓને એ વાતની ખાતરી થઈ ગઈ કે યહોવા હંમેશાં તેઓની સંભાળ રાખશે. તેઓએ સારા પગારવાળી નોકરી છોડી દીધી અને ઘર વેચી દીધું. પછી તેઓ કોલંબિયાના એવા વિસ્તારમાં જઈને સેવા આપવા લાગ્યાં જ્યાં વધુ જરૂર હતી. એ નિર્ણય વિશે નેસ્ટરભાઈ કહે છે: “અમે અમારા જીવનમાં માથ્થી ૬:૩૩ના શબ્દો પૂરા થતા જોયા છે. અમને ક્યારેય કશાની ખોટ પડી નથી. હવે અમે પહેલાં કરતાં વધારે ખુશ છીએ.”

માણસોનો ડર

૧૦. એક માણસ બીજા માણસથી કેમ ડરે છે?

૧૦ આદમ-હવાએ યહોવા વિરુદ્ધ બળવો કર્યો ત્યારથી જ માણસો એકબીજાને નુકસાન પહોંચાડવા લાગ્યા. (સભા. ૮:૯) દાખલા તરીકે, અધિકારીઓ હોદ્દાનો દુરુપયોગ કરે છે. ગુનેગારો હિંસામાં રચ્યાપચ્યા રહે છે. સ્કૂલમાં અમુક બાળકો બીજાં બાળકોને હેરાન કરે છે, ડરાવે-ધમકાવે છે. અમુક લોકો તો કુટુંબના સભ્યો સાથે મારપીટ કરે છે. એ બધાને લીધે એક માણસ બીજા માણસથી ડરે છે. શેતાન કઈ રીતે આ ડરનો ફાયદો ઉઠાવે છે?

૧૧-૧૨. શેતાન કઈ રીતે માણસોના ડરનો ફાયદો ઉઠાવે છે?

૧૧ શેતાન ચાહે છે કે માણસોનો ડર આપણા પર એટલો હાવી થઈ જાય કે પ્રચાર કરવાનું બંધ કરી દઈએ. યહોવાની આજ્ઞાઓ પાળવાનું છોડી દઈએ. શેતાન સરકારોનો ઉપયોગ કરીને આપણા કામ પર પ્રતિબંધ મૂકે છે. આપણી સતાવણી કરે છે. (લૂક ૨૧:૧૨; પ્રકટી. ૨:૧૦) શેતાનની દુનિયાના ઘણા લોકો યહોવાના સાક્ષીઓ વિશે અફવાઓ અને જૂઠાણાં ફેલાવે છે. અમુક લોકો એ સાંભળીને કદાચ આપણી મજાક ઉડાવે અથવા આપણા પર જુલમ ગુજારે. (માથ. ૧૦:૩૬) પણ શું શેતાનનાં એ કાવતરાં કંઈ નવાં છે? ના, ઈસુના શિષ્યો સાથે પણ તેણે એવું જ કર્યું હતું.—પ્રે.કા. ૫:૨૭, ૨૮, ૪૦.

કુટુંબના સભ્યો આપણો વિરોધ કરે તોપણ ખાતરી રાખીએ કે યહોવા આપણને પ્રેમ કરે છે (ફકરા ૧૨-૧૪ જુઓ) *

૧૨ શેતાન બીજી કઈ રીતે માણસોના ડરનો ફાયદો ઉઠાવે છે? અમુકને ડર હોય છે કે તેઓ યહોવાના સાક્ષી બનશે તો કુટુંબના સભ્યો શું વિચારશે. અરે, તેઓ માટે તો એ ડર, શારીરિક અત્યાચારના ડર કરતાં પણ વધારે હોય છે. તેઓ કુટુંબના સભ્યોને ખૂબ પ્રેમ કરે છે. એટલે તેઓ ચાહે છે કે એ સભ્યો પણ યહોવા વિશે શીખે અને તેમને પ્રેમ કરે. પણ એ સભ્યો યહોવા કે તેમના લોકો વિશે જેમતેમ બોલે છે ત્યારે તેઓને બહુ દુઃખ થાય છે. અમુક કિસ્સામાં એવું થયું છે કે પહેલાં વિરોધ કરતા હતા એવા સભ્યો પછીથી યહોવાના સાક્ષીઓ બન્યા છે. પણ જો કુટુંબના સભ્યો આપણી સાથે બધા સંબંધ કાપી નાખે તો આપણને ક્યાંથી મદદ મળશે?

૧૩. કુટુંબના સભ્યો સંબંધ કાપી નાખે તો શાનાથી દિલાસો મળે છે? (ગીતશાસ્ત્ર ૨૭:૧૦)

૧૩ ગીતશાસ્ત્ર ૨૭:૧૦ના શબ્દોથી ઘણો દિલાસો મળે છે. (વાંચો.) યહોવા આપણને ખૂબ જ પ્રેમ કરે છે. એ વાત યાદ રાખીશું તો કોઈ પણ સતાવણીનો સામનો ડર્યા વગર કરી શકીશું. ભલે આપણી સાથે કોઈ હોય કે ન હોય, યહોવા હંમેશાં આપણી સાથે રહેશે. આપણે વફાદાર રહીશું તો યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે. યહોવા આપણી ખૂબ સારી રીતે કાળજી રાખશે. એટલું તો કુટુંબનો કોઈ સભ્ય પણ નહિ રાખી શકે. યહોવા આપણી બધી જરૂરિયાત પૂરી કરશે. તે મનની શાંતિ અને ખુશી આપશે. તેમની સાથે સંબંધ મજબૂત રાખવા આપણને મદદ કરશે. બિનિયમભાઈએ એવું જ અનુભવ્યું.

૧૪. બિનિયમભાઈના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું?

૧૪ બિનિયમભાઈ જાણતા હતા કે તેમના દેશમાં યહોવાના સાક્ષીઓની ઘણી સતાવણી થાય છે. છતાં તે યહોવાના સાક્ષી બન્યા. તેમણે હંમેશાં યાદ રાખ્યું કે યહોવા તેમને કેટલો પ્રેમ કરે છે. એટલે તે માણસોના ડર પર જીત મેળવી શક્યા. તે કહે છે: “મેં વિચાર્યું પણ ન’તું કે મારી આટલી સતાવણી થશે. સરકારના વિરોધ કરતાં મને એ વાતનો વધારે ડર હતો કે કુટુંબના સભ્યો વિરોધ કરશે. મારા પપ્પા યહોવાના સાક્ષી ન હતા. મને ડર હતો કે તેમને અને કુટુંબના બીજા સભ્યોને ખબર પડશે કે હું સાક્ષી બની ગયો છું ત્યારે તેઓને કેવું લાગશે. કદાચ તેઓને લાગશે કે મેં મારું જીવન બરબાદ કરી નાખ્યું છે. હું કંઈ કામનો નથી.” પણ બિનિયમભાઈને પાકી ખાતરી હતી કે યહોવા જેને પ્રેમ કરે છે, તેની હંમેશાં સંભાળ રાખે છે. તે જણાવે છે: “મેં એવાં ભાઈ-બહેનોનો વિચાર કર્યો જેઓ પૈસાની તંગી સહેતાં’તાં, ભેદભાવનો સામનો કરતા’તાં અને જેઓ પર ટોળાએ હુમલો કર્યો’તો. એ સમયે યહોવા હંમેશાં તેઓની પડખે હતા. મને ભરોસો હતો કે જો હું પણ યહોવાને વફાદાર રહીશ તો તે આશીર્વાદ આપશે. મારી અનેક વાર ધરપકડ થઈ. મારા પર ઘણા જુલમ ગુજારવામાં આવ્યા. પણ યહોવાએ હરઘડી મને સાથ આપ્યો. મેં અનુભવ્યું કે આપણે યહોવાને વફાદાર રહીએ છીએ તો તે આપણો હાથ કદી છોડતા નથી.” બિનિયમભાઈ માટે યહોવા તેમના પિતા બની ગયા અને યહોવાના લોકો તેમનું કુટુંબ બની ગયા.

મરણનો ડર

૧૫. આપણને કેમ મરણનો ડર લાગે છે?

૧૫ આપણા બધાનાં મનમાં મરણનો ડર છે. આપણને કે આપણા કુટુંબમાં કોઈને ગંભીર બીમારી થાય ત્યારે ચિંતાનાં વાદળોમાં ઘેરાઈ જઈએ છીએ. બાઇબલમાં જણાવ્યું છે કે મરણ આપણો દુશ્મન છે. (૧ કોરીં. ૧૫:૨૫, ૨૬) પણ આપણને કેમ મરણનો ડર લાગે છે? કેમ કે યહોવાએ આપણને હંમેશાં જીવવાની ઇચ્છા સાથે બનાવ્યા છે. (સભા. ૩:૧૧) આપણને મરવું ગમતું નથી. એટલે આપણે તબિયતનું ધ્યાન રાખીએ છીએ. આપણે સારો ખોરાક લઈએ છીએ, કસરત કરીએ છીએ. બીમાર પડીએ ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ, દવા લઈએ છીએ. આપણો જીવ જોખમમાં મૂકાય એવું કંઈ પણ કરવાનું ટાળીએ છીએ.

૧૬. શેતાન કઈ રીતે મરણના ડરનો ફાયદો ઉઠાવે છે?

૧૬ શેતાન જાણે છે કે બધાને પોતાનો જીવ બહુ વહાલો છે. તે દાવો કરે છે કે જીવ બચાવવા આપણે કોઈ પણ હદે જઈશું. યહોવા સાથેની આપણી દોસ્તી પણ દાવ પર લગાડી દઈશું. (અયૂ. ૨:૪, ૫) શેતાનનો એ દાવો એકદમ ખોટો છે! પણ બાઇબલમાં જણાવ્યું છે કે શેતાન ‘મરણ પર સત્તા ધરાવે છે.’ (હિબ્રૂ. ૨:૧૪, ૧૫) એટલે તે મરણના ડરનો ફાયદો ઉઠાવીને આપણને યહોવાથી દૂર કરવાની કોશિશ કરે છે. શેતાન અમુક વાર લોકો કે સરકારો દ્વારા આપણાં મનમાં મરણનો ડર ઊભો કરે છે. તેઓ આપણને ડરાવે-ધમકાવે કે જો યહોવાની ભક્તિ નહિ છોડીએ, તો આપણને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. આપણે વધારે બીમાર હોઈએ ત્યારે પણ શેતાન કદાચ આપણાં મનમાં મરણનો ડર ઊભો કરે. ડૉક્ટરો કે આપણું કુટુંબ જીવ બચાવવા લોહી લેવાનું દબાણ કરી શકે. કદાચ કોઈ આપણને એવી સારવાર લેવાનું કહે જેનાથી યહોવાના સિદ્ધાંતો તૂટતા હોય.

૧૭. રોમનો ૮:૩૭-૩૯ પ્રમાણે આપણે કેમ મરણથી ડરવું ન જોઈએ?

૧૭ આપણને કોઈને મરવું નથી. જો આપણે મરી જઈએ તોપણ યહોવા હંમેશાં આપણને પ્રેમ કરતા રહેશે. (રોમનો ૮:૩૭-૩૯ વાંચો.) યહોવાના દોસ્તો ગુજરી જાય તોપણ તે ક્યારેય તેઓને ભૂલતા નથી. યહોવાની નજરમાં તેઓ જાણે હજીયે જીવે છે. (લૂક ૨૦:૩૭, ૩૮) તે પોતાના દોસ્તોને ફરી જીવતા કરવા આતુર છે. (અયૂ. ૧૪:૧૫) આપણને ‘હંમેશ માટેનું જીવન મળે’ એટલે યહોવાએ ઘણી મોટી કિંમત ચૂકવી. તેમણે આપણા માટે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપી દીધું. (યોહા. ૩:૧૬) આપણને પૂરી ખાતરી છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે અને આપણી બહુ સંભાળ રાખે છે. એટલે આપણે બીમાર હોઈએ કે લોકો આપણને ડરાવે-ધમકાવે ત્યારે યહોવાને છોડી ન દઈએ. એના બદલે તેમને અરજ કરીએ કે આપણને દિલાસો, સમજણ અને હિંમત આપે. વેલેરીબહેન અને તેમના પતિએ એવું જ કર્યું.—ગીત. ૪૧:૩.

૧૮. વેલેરીબહેનના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું?

૧૮ વેલેરીબહેન ૩૫ વર્ષનાં હતાં. એ સમયે તેમને એવું કેન્સર થયું, જે બહુ ઓછા લોકોને થાય છે. કેન્સર તેમના શરીરમાં ઝડપથી ફેલાઈ રહ્યું હતું. તે કહે છે: “મેં અને મારા પતિએ એ સમાચાર સાંભળ્યા ત્યારે અમારા પર આભ તૂટી પડ્યું. ડૉક્ટરોએ કીધું કે જીવ બચાવવા મારે એક મોટું ઑપરેશન કરાવવું પડશે. અમે ઘણા ડૉક્ટરોને મળ્યાં. બધાએ કીધું કે લોહી તો ચઢાવવું જ પડશે. હું બહુ ડરી ગઈ. પણ મેં નક્કી કરી લીધું કે લોહી તો નહિ જ લઉં. યહોવાનો નિયમ તો નહિ જ તોડું. મને ખ્યાલ હતો કે યહોવા મને બહુ પ્રેમ કરે છે. હવે મારો વારો, મારે બતાવવાનું છે કે હું તેમને કેટલો પ્રેમ કરું છું. જ્યારે જ્યારે ડૉક્ટરો જણાવતા કે મારી હાલત બગડી રહી છે, ત્યારે ત્યારે યહોવાને ખુશ કરવાનો અને શેતાનને જૂઠો સાબિત કરવાનો મારો ઇરાદો પાકો થઈ જતો. આખરે ડૉક્ટરો તૈયાર થઈ ગયા અને લોહી વગર મારું ઑપરેશન થયું. જોકે હજુય મને કોઈ ને કોઈ તકલીફ થતી રહે છે. પણ યહોવાની મદદથી અમે એ સહન કરી શકીએ છીએ. મને કેન્સર છે એ ખબર પડી એના થોડા દિવસ પહેલાં સભામાં એક લેખ ચાલ્યો હતો. એનો વિષય હતો, ‘આજની મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરીએ.’ * અમે વારંવાર એ લેખ વાંચ્યો. એનાથી અમને બહુ દિલાસો મળ્યો. અમે એવા બીજા લેખો પણ વાંચ્યા. અમે પ્રચાર અને સભાઓમાં જવાનું ક્યારેય છોડ્યું નહિ. એ બધાને લીધે અમને મનની શાંતિ મળી. સારા નિર્ણયો લેવા પણ મદદ મળી.” વેલેરીબહેને હંમેશાં યાદ રાખ્યું કે યહોવા તેમને કેટલો પ્રેમ કરે છે. એનાથી તે મરણના ડર પર જીત મેળવી શક્યાં.

ડર પર જીત મેળવી શકીએ છીએ

૧૯. બહુ જલદી શું થશે?

૧૯ આખી દુનિયામાં ભાઈ-બહેનો યહોવાની મદદથી મુશ્કેલ સંજોગોનો સામનો હિંમતથી કરી રહ્યાં છે અને શેતાનનો વિરોધ કરી રહ્યાં છે. (૧ પિત. ૫:૮, ૯) તમે પણ એવું કરી શકો છો! યહોવા બહુ જલદી ઈસુને અને તેમના સાથી રાજાઓને હુકમ આપશે કે તેઓ ‘શેતાનનાં કામોનો નાશ કરે.’ (૧ યોહા. ૩:૮) એ પછી પૃથ્વી પર યહોવાના ભક્તોને ‘કશાની બીક નહિ લાગે અને તેઓએ કશાથી ગભરાવું નહિ પડે.’ (યશા. ૫૪:૧૪; મીખા. ૪:૪) એ સમય આવે ત્યાં સુધી આપણે ડર પર જીત મેળવવા મહેનત કરતા રહીએ.

૨૦. ડર પર જીત મેળવવા શું મદદ કરશે?

૨૦ ચાલો આપણે યહોવા પર ભરોસો મજબૂત કરતા રહીએ. આપણે ખાતરી રાખીએ કે યહોવા પોતાના ભક્તોને પ્રેમ કરે છે અને મુશ્કેલ સંજોગોમાં તેઓની સંભાળ રાખે છે. એ ભરોસો મજબૂત કરતા રહેવા આપણે મનન કરીએ કે યહોવાએ પહેલાંના સમયમાં ભક્તોને કઈ રીતે મદદ કરી હતી. એ વિશે બીજાઓને જણાવીએ. હંમેશાં મનમાં રાખીએ કે યહોવાએ મુશ્કેલ સંજોગોમાં આપણને કઈ રીતે મદદ કરી છે. યાદ રાખીએ કે આપણે એકલા નથી, યહોવા આપણી સાથે છે. એટલે ડર પર આપણી જીત પાકી છે!ગીત. ૩૪:૪.

ગીત ૧૫૪ અંત સુધી યહોવાને વળગી રહીશું

^ આપણે બધા કોઈક બાબતથી ડરતા હોઈએ છીએ. એ સ્વાભાવિક પણ છે. એ ડરથી આપણું રક્ષણ થઈ શકે છે. પણ શેતાન ક્યારેક એ ડરનો ફાયદો ઉઠાવીને આપણને ખોટા નિર્ણયો લેવા તરફ દોરી શકે. એટલે ડર પર કાબૂ મેળવવા સતત પ્રયત્ન કરવો જોઈએ. આ લેખમાં જોઈશું કે જો પૂરી ખાતરી હશે કે યહોવા આપણી સાથે છે અને આપણને ખૂબ પ્રેમ કરે છે, તો કોઈ પણ ડર પર જીત મેળવી શકીશું.

^ અમુક નામ બદલ્યાં છે.

^ ચિત્રની સમજ: પતિ-પત્ની મંડળનાં એક બહેન અને તેમના કુટુંબ માટે જમવાનું લઈ જાય છે.

^ ચિત્રની સમજ: એક યુવાન ભાઈનાં મમ્મી-પપ્પા ચાહતાં નથી કે તે યહોવાની ભક્તિ કરે. પણ ભાઈને ભરોસો છે કે યહોવા તેમને સાથ આપશે.