સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૭

‘યહોવામાં આશા રાખીએ’

‘યહોવામાં આશા રાખીએ’

“યહોવામાં આશા રાખો. હિંમત રાખો અને મન મક્કમ કરો.”—ગીત. ૨૭:૧૪.

ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે

ઝલક *

૧. (ક) યહોવાએ આપણને કઈ આશા આપી છે? (ખ) ‘યહોવામાં આશા રાખવાનો’ શું અર્થ થાય? (“શબ્દોની સમજ” જુઓ.)

 યહોવાએ આપણને સુંદર ભાવિની આશા આપી છે. તેમને પ્રેમ કરનારાઓને વચન આપ્યું છે કે તે બહુ જલદી દુઃખ-તકલીફો, બીમારીઓ અને મરણને મિટાવી દેશે. (પ્રકટી. ૨૧:૩, ૪) તે પૃથ્વીને ફરીથી બાગ જેવી સુંદર બનાવવામાં “નમ્ર લોકોને” મદદ કરશે. (ગીત. ૩૭:૯-૧૧) આજે આપણો યહોવા સાથે મજબૂત સંબંધ છે, પણ એ સમયે તેમની વધારે નજીક મહેસૂસ કરીશું. કેટલી જોરદાર આશા! પણ કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા પોતાનાં વચનો ચોક્કસ પાળશે? કેમ કે તેમણે આજ સુધી જે કહ્યું છે, એ બધું પૂરું કર્યું છે. એટલે આપણે ‘યહોવામાં આશા રાખી શકીએ છીએ.’ * (ગીત. ૨૭:૧૪) કઈ રીતે બતાવી શકીએ કે આપણને યહોવામાં આશા છે? યહોવા પોતાનાં વચનો પૂરાં કરે ત્યાં સુધી ધીરજ રાખીએ અને ખુશી ખુશી એ દિવસની રાહ જોઈએ.—યશા. ૫૫:૧૦, ૧૧.

૨. યહોવાએ શું સાબિત કર્યું છે?

યહોવાએ સાબિત કર્યું છે કે તે પોતાનું દરેક વચન પાળે છે. ચાલો એનો એક દાખલો જોઈએ. પ્રકટીકરણના પુસ્તકમાં તેમણે વચન આપ્યું હતું કે આપણા દિવસોમાં દરેક દેશ, કુળ અને ભાષાના લોકો એક થઈને તેમની ભક્તિ કરશે. એ ખાસ સમૂહના લોકોને “મોટું ટોળું” કહેવામાં આવ્યા છે. (પ્રકટી. ૭:૯, ૧૦) આજે યહોવાનું એ વચન પૂરું થઈ રહ્યું છે. મોટા ટોળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે. તેઓ દુનિયાના ખૂણે ખૂણેથી છે. તેઓની ભાષા અલગ અલગ છે. તેઓ અલગ અલગ સમાજમાંથી આવે છે. છતાં એક કુટુંબની જેમ રહે છે. તેઓ વચ્ચે પ્રેમ અને એકતા છે. (ગીત. ૧૩૩:૧; યોહા. ૧૦:૧૬) મોટા ટોળાના લોકો પૂરા ઉત્સાહથી બીજાઓને ખુશખબર પણ જણાવે છે. તેઓ સુંદર ભાવિની આશા વિશે જણાવવા હંમેશાં તૈયાર રહે છે. (માથ. ૨૮:૧૯, ૨૦; પ્રકટી. ૧૪:૬, ૭; ૨૨:૧૭) જો તમે મોટા ટોળાનો ભાગ હો, તો એ આશા તમારા માટે ખરેખર અનમોલ હશે.

૩. શેતાન શું ચાહે છે?

શેતાન ચાહે છે કે આપણે આશા છોડી દઈએ. તે આપણાં મનમાં ઠસાવવા માંગે છે કે યહોવાને આપણી કંઈ પડી નથી અને તે પોતાનાં વચનો પૂરાં નહિ કરે. આપણે આશા ગુમાવી દઈશું તો હિંમત હારી જઈશું અને કદાચ યહોવાની ભક્તિ કરવાનું છોડી દઈશું. શેતાને અયૂબ સાથે એવું જ કરવાનો પ્રયત્ન કર્યો. તે ચાહતો હતો કે અયૂબ આશા છોડી દે અને યહોવાની ભક્તિ કરવાનું બંધ કરી દે.

૪. આ લેખમાં આપણે શું જોઈશું? (અયૂબ ૧:૯-૧૨)

આ લેખમાં જોઈશું કે અયૂબ યહોવાને પ્રમાણિક ન રહે માટે શેતાને કેવા ધમપછાડા કર્યાં, કેવી ચાલાકીઓ વાપરી. (અયૂબ ૧:૯-૧૨ વાંચો.) આપણે ચર્ચા કરીશું કે અયૂબના દાખલામાંથી શું શીખી શકીએ. એ પણ જોઈશું કે કેમ યાદ રાખવું જોઈએ કે યહોવા આપણને પ્રેમ કરે છે અને તે પોતાનાં વચનો જરૂર પૂરાં કરશે.

અયૂબ આશા છોડી દે માટે શેતાને ઘણા પ્રયત્નો કર્યા

૫-૬. અયૂબ પર એક પછી એક કેવી કસોટીઓ આવી?

અયૂબ સુખેથી જીવતા હતા. તેમનો યહોવા સાથે મજબૂત સંબંધ હતો. તેમનું કુટુંબ ઘણું મોટું હતું. તેઓ બધા હળી-મળીને રહેતા હતા. તેમની પાસે અઢળક માલ-મિલકત હતી. (અયૂ. ૧:૧-૫) પણ એક જ દિવસમાં અયૂબનું જીવન વેરવિખેર થઈ ગયું. તે પોતાનું બધું ગુમાવી બેઠા. સૌથી પહેલા તો તેમની માલ-મિલકત જતી રહી. (અયૂ. ૧:૧૩-૧૭) પછી અયૂબનાં બધાં બાળકોનું મરણ થયું. તેમના પર શું વીત્યું હશે એની જરા કલ્પના કરો. કોઈ એક બાળકનું મરણ થાય ત્યારે માબાપ પર દુઃખોનો પહાડ તૂટી પડે છે. જ્યારે કે અયૂબના તો દસેદસ બાળકોનું એકસાથે મરણ થયું હતું. અયૂબ અને તેમનાં પત્નીને કેટલો આઘાત લાગ્યો હશે! એ દુઃખ સહન કરવું બહુ અઘરું હશે. તેઓ સાવ ભાંગી પડ્યા હશે અને લાચાર મહેસૂસ કરતા હશે. અયૂબે દુઃખમાં પોતાનાં કપડાં ફાડ્યાં અને તે જમીન પર બેસી પડ્યા.—અયૂ. ૧:૧૮-૨૦.

પછી શેતાન અયૂબ પર પીડાદાયક બીમારી લાવ્યો. તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેમનું માન-સન્માન છીનવાઈ ગયું. (અયૂ. ૨:૬-૮; ૭:૫) એક સમયે લોકો તેમને બહુ માન આપતા હતા. તેમની પાસે સલાહ લેવા આવતા હતા. (અયૂ. ૨૯:૭, ૮, ૨૧) પણ હવે કોઈ તેમની સામેય જોતું ન હતું. તેમના ભાઈઓએ તેમનાથી મોં ફેરવી લીધું હતું. ખાસ મિત્રોએ તેમને તરછોડી દીધા હતા. અરે, તેમના નોકર-ચાકરો પણ તેમનું સાંભળતા ન હતા.—અયૂ. ૧૯:૧૩, ૧૪, ૧૬.

આજે ઘણાં ભાઈ-બહેનો એવી મુશ્કેલીઓનો સામનો કરે છે, જેવી અયૂબે કરી હતી. તેઓ અયૂબનું દુઃખ સમજી શકે છે (ફકરો ૭ જુઓ) *

૭. (ક) અયૂબને શું લાગ્યું કે કસોટીઓ પાછળ કોનો હાથ છે? તેમણે શું ન કર્યું? (ખ) આજે આપણા પર કેવી મુશ્કેલીઓ આવી શકે? (ચિત્ર જુઓ.)

શેતાન અયૂબના મનમાં એવું ઠસાવવા માંગતો હતો કે યહોવા તેમનાથી નારાજ છે, એટલે આ બધી તકલીફો આવી રહી છે. એ માટે શેતાને આકાશમાંથી અગ્‍નિ વરસાવ્યો. અયૂબનાં પ્રાણીઓ અને એની સંભાળ રાખતા સેવકો ભસ્મ થઈ ગયાં. (અયૂ. ૧:૧૬) પછી શેતાને ભારે પવન ફૂંકાવ્યો. એના લીધે એ ઘર તૂટી પડ્યું જેમાં અયૂબનાં દસ બાળકો ખાવા-પીવા ભેગાં મળ્યાં હતાં. તેઓ બધાં માર્યાં ગયાં. (અયૂ. ૧:૧૮, ૧૯) અગ્‍નિ અને પવન આકાશમાંથી આવ્યા હતા. એટલે અયૂબે વિચાર્યું કે એ યહોવા તરફથી છે. અયૂબને લાગ્યું કે તેમણે જ કંઈ કર્યું હશે, એટલે યહોવા તેમનાથી નારાજ છે. પણ અયૂબે પિતા યહોવાને દોષ આપ્યો નહિ. તેમણે યાદ કર્યું કે યહોવાએ તેમને કેટલા બધા આશીર્વાદો આપ્યા હતા. તેમણે વિચાર્યું, ‘મેં યહોવા પાસેથી સુખ સ્વીકાર્યું છે તો દુઃખ પણ સ્વીકારવું જોઈએ.’ એટલે તેમણે કહ્યું, “હંમેશાં યહોવાના નામની સ્તુતિ થતી રહે.” (અયૂ. ૧:૨૦, ૨૧; ૨:૧૦) એ સમય સુધીમાં અયૂબની બધી માલ-મિલકત જતી રહી હતી. બધાં બાળકો માર્યાં ગયાં હતાં. તેમને મોટી બીમારી થઈ હતી. છતાં અયૂબ યહોવાને વફાદાર રહ્યા. પણ શેતાન એટલેથી અટક્યો નહિ.

૮. શેતાને બીજી કઈ ચાલાકી વાપરી?

શેતાને બીજી એક ચાલાકી વાપરી. તેણે અયૂબના ત્રણ મિત્રોનો ઉપયોગ કર્યો, જે નામના જ મિત્રો હતા. તેઓએ અયૂબને મહેસૂસ કરાવ્યું કે તે કંઈ કામના નથી. તેઓએ અયૂબને કહ્યું કે તેમણે ઘણાં બધાં ખરાબ કામો કર્યાં છે, એટલે તેમના પર આટલી દુઃખ-તકલીફો આવી પડી છે. (અયૂ. ૨૨:૫-૯) તેઓ અયૂબના ગળે એ વાત ઉતારવા માંગતા હતા કે તેમણે કોઈ સારું કામ કર્યું હોય, તોપણ યહોવાને એનાથી કંઈ ફરક નથી પડતો. (અયૂ. ૪:૧૮; ૨૨:૨, ૩; ૨૫:૪) તેઓ અયૂબને ખાતરી કરાવવા માંગતા હતા કે યહોવા તેમને પ્રેમ કરતા નથી. યહોવાને તેમની કંઈ પડી નથી. યહોવાની ભક્તિ કરવાનો કોઈ ફાયદો નથી. એ સાંભળીને કદાચ અયૂબ હિંમત હારી ગયા હોત.

૯. અયૂબે કઈ રીતે હિંમત રાખી અને મન મક્કમ રાખ્યું?

જરા કલ્પના કરો, અયૂબ રાખમાં બેઠા છે. તેમને બહુ પીડા થઈ રહી છે. (અયૂ. ૨:૮) તે મુશ્કેલીઓના વમળમાં ફસાઈ ગયા છે. બાળકોનાં મરણથી તેમનું દિલ ચીરાઈ ગયું છે. પણ તે કંઈ બોલતા નથી. (અયૂ. ૨:૧૩–૩:૧) એટલે કદાચ તેમના મિત્રોને લાગે છે કે તે યહોવાને છોડી દેશે. પણ તે એવું કંઈ કરતા નથી. તેમના મિત્રો વારેઘડીએ મહેણાં-ટોણાં મારે છે. તેમનું બહુ અપમાન કરે છે. પણ આખરે, અયૂબ માથું ઊંચું કરીને મિત્રો સામે જોઈને કહે છે, “છેલ્લા શ્વાસ સુધી હું મારી પ્રમાણિકતાને વળગી રહીશ!” (અયૂ. ૨૭:૫) આટલી બધી મુશ્કેલીઓમાં પણ અયૂબે હિંમત રાખી અને મન મક્કમ રાખ્યું. તે કઈ રીતે એમ કરી શક્યા? તેમણે લાખો નિરાશામાં પણ આશા છોડી નહિ. તેમને આશા હતી કે યહોવા એક દિવસ તેમની બધી દુઃખ-તકલીફોનો અંત લાવશે. તેમને પૂરી ખાતરી હતી કે મરણ થઈ જાય તોપણ યહોવા તેમને ફરી જીવતા કરશે.—અયૂ. ૧૪:૧૩-૧૫.

અયૂબના દાખલામાંથી શીખીએ

૧૦. અયૂબના દાખલામાંથી શું શીખી શકીએ?

૧૦ અયૂબના દાખલામાંથી શું શીખી શકીએ? શેતાન જબરજસ્તી કરી શકતો નથી કે આપણે યહોવાને છોડી દઈએ. આપણે કેવા સંજોગોનો સામનો કરીએ છીએ એ વિશે યહોવા બધું જ જાણે છે. અયૂબના દાખલામાંથી ઘણા મહત્ત્વના બોધપાઠ મળે છે. ચાલો એમાંથી અમુક વિશે ચર્ચા કરીએ.

૧૧. જો યહોવા પર ભરોસો રાખીશું તો કઈ વાતની ખાતરી રાખી શકીએ? (યાકૂબ ૪:૭)

૧૧ અયૂબની જેમ આપણને યહોવા પર પૂરો ભરોસો હશે તો, કોઈ પણ કસોટીનો સામનો કરી શકીશું અને શેતાનનો વિરોધ કરી શકીશું. બાઇબલમાં ખાતરી આપી છે કે યહોવા પર પૂરો ભરોસો રાખીશું તો, શેતાન આપણી પાસેથી નાસી જશે.—યાકૂબ ૪:૭ વાંચો.

૧૨. ગુજરી ગયેલા લોકોને ફરીથી જીવતા કરવામાં આવશે એ આશાને લીધે અયૂબને કઈ રીતે હિંમત મળી?

૧૨ ભરોસો રાખીએ કે આપણું મરણ થાય તોપણ યહોવા આપણને ફરીથી જીવન આપશે. ગયા લેખમાં શીખ્યા કે શેતાન ઘણી વાર મરણના ડરનો ફાયદો ઉઠાવે છે. તે ચાહે છે કે જીવન બચાવવા આપણે યહોવાના સિદ્ધાંતો તોડીએ. શેતાને અયૂબ સાથે એવું જ કર્યું. તેણે અયૂબ પર આરોપ મૂક્યો કે તે જીવન બચાવવા કંઈ પણ કરવા તૈયાર થઈ જશે. યહોવાને પણ છોડી દેશે. પણ અયૂબે શેતાનને ખોટો સાબિત કર્યો. અયૂબ એટલા નિરાશ થઈ ગયા કે તેમને લાગ્યું કે હવે તે બસ મરવાના છે. છતાં તે યહોવાને વફાદાર રહ્યા. તેમને ભરોસો હતો કે યહોવા ભલા છે. તેમને આશા હતી કે યહોવા એક દિવસે બધું જ ઠીક કરી દેશે. તેમના જીવતેજીવ કંઈ નહિ થાય તો યહોવા તેમને ફરીથી જીવતા કરશે, ત્યારે બધું ઠીક કરી દેશે. ગુજરી ગયેલા લોકોને યહોવા ફરીથી જીવતા કરશે, એ આશા પર અયૂબને પાકી ખાતરી હતી. આપણને પણ એ આશા પર પૂરો ભરોસો હશે તો કોઈ પણ સંજોગોમાં યહોવાને વફાદાર રહી શકીશું. અરે, મરણનો ડર પણ આપણને યહોવાથી અલગ નહિ કરી શકે.

૧૩. શેતાને અયૂબના સમયમાં જે ચાલાકીઓ વાપરી એના પર કેમ ધ્યાન આપવું જોઈએ?

૧૩ શેતાને અયૂબના સમયમાં જે ચાલાકીઓ વાપરી એના પર આપણે કેમ ધ્યાન આપવું જોઈએ? કેમ કે તે એવી જ ચાલાકીઓ આજે પણ વાપરે છે. શેતાને ફક્ત અયૂબ પર નહિ, આખી માણસજાત પર આરોપ મૂક્યો કે “માણસ પોતાનો જીવ બચાવવા પોતાનું બધું જ આપી દેશે.” (અયૂ. ૨:૪, ૫) એમ કહીને શેતાન દાવો કરતો હતો કે આપણે યહોવાને દિલથી પ્રેમ કરતા નથી. જો જરૂર પડી તો જીવન બચાવવા યહોવાથી મોં ફેરવી લઈશું. શેતાન એવો પણ દાવો કરતો હતો કે યહોવા આપણને પ્રેમ કરતા નથી. તેમને ખુશ કરવા આપણે જે પ્રયત્ન કરીએ છીએ, એનાથી તેમને કોઈ ફરક પડતો નથી. આપણે શેતાનની ચાલાકીઓ સારી રીતે જાણીએ છીએ. એટલે તેની જાળમાં ફસાતા નથી અને યહોવામાં કાયમ આશા રાખીએ છીએ.

૧૪. કસોટીઓમાં શાનો ખ્યાલ આવે છે? ઉદાહરણ આપો.

૧૪ આપણે કસોટીઓમાં પારખી શકીએ છીએ કે આપણામાં કઈ નબળાઈઓ છે. અયૂબ પર કસોટીઓ આવી ત્યારે તે જોઈ શક્યા કે તેમનામાં કઈ નબળાઈઓ છે. પછી તેમણે પોતાનામાં સુધારો કર્યો. દાખલા તરીકે, તેમને અહેસાસ થયો કે વધારે નમ્ર બનવાની જરૂર છે. (અયૂ. ૪૨:૩) નિકોલાયભાઈનું ઉદાહરણ જોઈએ. * તે ખૂબ બીમાર હતા તોપણ તેમની ધરપકડ થઈ. તે કહે છે: “જેલમાં જવું તો જાણે એક્સ-રે કરાવવા જેવું છે. એનાથી ખબર પડે છે કે આપણે અંદરથી કેવા છીએ. આપણામાં કેવી ખાસિયતો છે અને કેવી નબળાઈઓ.” આપણામાં કઈ નબળાઈઓ છે એનો ખ્યાલ આવે પછી એમાં સુધારો કરી શકીએ છીએ.

૧૫. અયૂબની જેમ આપણે કોનું સાંભળવું જોઈએ અને કેમ?

૧૫ આપણે દુશ્મનોનું નહિ, પણ યહોવાનું સાંભળવું જોઈએ. યહોવાએ અયૂબ સાથે વાત કરી ત્યારે અયૂબે તેમનું ધ્યાનથી સાંભળ્યું. અયૂબના વિચારો સુધારવા યહોવાએ તેમને ઘણી વાતો યાદ દેવડાવી. તે તો જાણે અયૂબને કહેતા હતા, ‘મેં જે બધું બનાવ્યું છે એ શું તેં જોયું નથી? શું તને એમ લાગે છે કે હું તારી સંભાળ નહિ રાખી શકું? તારા પર જે બધું વીત્યું છે એ હું સારી રીતે જાણું છું.’ યહોવાની વાત સાંભળીને અયૂબને ખાતરી થઈ કે તે તેમની સંભાળ રાખે છે. તેમના દિલમાં યહોવા માટે કદર વધી ગઈ. તેમણે નમ્રતાથી કહ્યું: “મારા કાનોએ તમારા વિશે સાંભળ્યું હતું, પણ હવે મારી આંખોએ તમને જોયા છે.” (અયૂ. ૪૨:૫) અયૂબે એ શબ્દો ક્યારે કહ્યા હતા? કદાચ તે હજીયે રાખમાં બેઠા હતા. તેમના આખા શરીર પર હજીયે ગૂમડાં હતાં. બાળકોનાં મરણનું દુઃખ હજીયે ઓછું થયું ન હતું. એવા સમયે યહોવાએ તેમને ખાતરી અપાવી કે તે તેમને ખૂબ પ્રેમ કરે છે અને તેમનાથી ખુશ છે.—અયૂ. ૪૨:૭, ૮.

૧૬. કસોટીઓ આવે ત્યારે યશાયા ૪૯:૧૫, ૧૬ પ્રમાણે શું યાદ રાખવું જોઈએ?

૧૬ આજે કદાચ અમુક લોકો આપણી મજાક ઉડાવે, જેમતેમ બોલે અને આપણે નકામા છીએ એવું મહેસૂસ કરાવે. તેઓ કદાચ આપણા સંગઠન વિશે ‘જૂઠું બોલીને અનેક પ્રકારની ખરાબ વાતો કરે.’ (માથ. ૫:૧૧) પણ અયૂબના દાખલામાંથી એક મહત્ત્વની વાત જાણવા મળે છે. યહોવાને પૂરો ભરોસો છે કે આપણે કસોટીઓમાં પણ તેમને વફાદાર રહીશું. તે આપણને ખૂબ પ્રેમ કરે છે. જેઓ તેમનામાં આશા રાખે છે, તેઓનો સાથ તે કદી નહિ છોડે. (યશાયા ૪૯:૧૫, ૧૬ વાંચો.) લોકો આપણી કે યહોવાના સંગઠનની નિંદા કરે તો એના પર ધ્યાન ન આપીએ. તુર્કીમાં રહેતા જેમ્સભાઈએ એવું જ કર્યું. તેમના કુટુંબે ઘણી કસોટીઓનો સામનો કર્યો હતો. એ વિશે તે કહે છે, “લોકો યહોવાના ભક્તો વિશે જૂઠી વાતો ફેલાવતા હતા. અમને ખ્યાલ આવ્યો કે અમે એના પર ધ્યાન આપીશું તો નિરાશ થઈ જઈશું, હિંમત હારી જઈશું. એટલે અમે ભાવિની આશા પર મન લગાડ્યું. પૂરા ઉત્સાહથી યહોવાની ભક્તિ કરતા રહ્યા. એમ કરીને અમે કસોટીઓમાં પણ ખુશ રહી શક્યા.” અયૂબની જેમ આપણે યહોવાનું સાંભળતા રહીએ. દુશ્મનોને આપણી આશાની જ્યોત હોલવવા ન દઈએ.

આશા રાખીશું તો વફાદાર રહી શકીશું

યહોવાએ વફાદારી માટે અયૂબને ઇનામ આપ્યું. અયૂબ અને તેમનાં પત્નીનું જીવન લાંબું અને ખુશીઓથી ભરેલું હતું (ફકરો ૧૭ જુઓ) *

૧૭. હિબ્રૂઓ અધ્યાય ૧૧માં જણાવેલા વફાદાર ઈશ્વરભક્તો પાસેથી શું શીખી શકીએ?

૧૭ અયૂબ એવા એક જ ઈશ્વરભક્ત નથી, જે હિંમતથી મોટી મોટી કસોટીઓનો સામનો કરીને યહોવાને વફાદાર રહ્યા હોય. એવા બીજા ઘણા ઈશ્વરભક્તો છે. તેઓ વિશે પાઉલે હિબ્રૂઓના પત્રમાં જણાવ્યું હતું. પાઉલ તેઓને “મોટા વાદળની જેમ સાક્ષીઓનું ટોળું” કહે છે. (હિબ્રૂ. ૧૨:૧) તેઓએ ઘણી કસોટીઓનો સામનો કર્યો હતો. તેમ છતાં તેઓ છેલ્લા શ્વાસ સુધી યહોવાને વફાદાર રહ્યા હતા. (હિબ્રૂ. ૧૧:૩૬-૪૦) તેઓએ ધીરજ રાખવા જે મહેનત કરી શું એ પાણીમાં ગઈ? ના, જરાય નહિ. તેઓએ યહોવાનાં બધાં વચનો પૂરાં થતાં જોયાં નહિ, તોપણ યહોવામાં આશા રાખવાનું ક્યારેય છોડ્યું નહિ. તેઓને ખાતરી હતી કે યહોવા તેઓથી ખુશ છે. એટલે તેઓને પૂરો ભરોસો હતો કે એક દિવસે યહોવાનાં વચનો પૂરાં થતાં જોશે. (હિબ્રૂ. ૧૧:૪, ૫) આપણે એ ભક્તોના દાખલાને અનુસરીએ અને યહોવામાં આશા મજબૂત કરતા રહીએ.

૧૮. તમે શું કરવાનો પાકો નિર્ણય લીધો છે? (હિબ્રૂઓ ૧૧:૬)

૧૮ આ દુનિયા દિવસે ને દિવસે બગડતી જાય છે. (૨ તિમો. ૩:૧૩) યહોવાના વફાદાર ભક્તો પર શેતાન એક પછી એક કસોટી લાવે છે. ભલે કોઈ પણ કસોટી આવે, આપણે તન-મનથી યહોવાની ભક્તિ કરતા રહેવાનો પાકો નિર્ણય લઈએ. કેમ કે “આપણે જીવતા ઈશ્વર પર આશા રાખીએ છીએ.” (૧ તિમો. ૪:૧૦) અયૂબ યહોવાને વફાદાર રહ્યા એટલે યહોવાએ તેમને ઇનામ આપ્યું. એનાથી દેખાઈ આવે છે, “યહોવા ખૂબ મમતા બતાવે છે અને તે દયાળુ છે.” (યાકૂ. ૫:૧૧) તો ચાલો આપણે પણ યહોવાને વફાદાર રહીએ અને ખાતરી રાખીએ કે યહોવાને “દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.”—હિબ્રૂઓ ૧૧:૬ વાંચો.

ગીત ૪૯ યહોવા છે સહારો

^ ઘણી કસોટીનો સામનો કર્યો હોય એવી વ્યક્તિઓ વિશે વિચારતા હોઈએ ત્યારે કદાચ એક નામ મનમાં આવે. એ છે અયૂબ. તે કસોટીઓમાં પણ વફાદાર રહ્યા. તેમના દાખલામાંથી શું શીખી શકીએ? (૧) શેતાન જબરજસ્તી કરી શકતો નથી કે આપણે યહોવાને છોડી દઈએ. (૨) આપણે કેવા સંજોગોનો સામનો કરી રહ્યા છીએ, એ વિશે યહોવાને બધું જ ખબર છે. (૩) યહોવાએ જેમ અયૂબની બધી મુશ્કેલી દૂર કરી તેમ તે આપણી તકલીફોને પણ પૂરી રીતે દૂર કરી દેશે. જો આપણને એ ત્રણેય વાત પર ભરોસો હશે અને એ પ્રમાણે કામો કરતા હોઈશું, તો બતાવી આપીશું કે આપણે ‘યહોવામાં આશા રાખીએ છીએ.’

^ શબ્દોની સમજ: “આશા” માટે વપરાયેલા હિબ્રૂ શબ્દનો અર્થ થાય કે કોઈ બાબત માટે આતુરતાથી રાહ જોવી. એનો અર્થ કોઈના પર ભરોસો કરવો અથવા આધાર રાખવો પણ થઈ શકે.—ગીત. ૨૫:૨, ૩; ૬૨:૫.

^ અમુક નામ બદલ્યાં છે.

^ ચિત્રની સમજ: અયૂબ અને તેમનાં પત્નીએ બાળકોને મરણમાં ગુમાવ્યાં ત્યારે તેઓ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો.

^ ચિત્રની સમજ: અયૂબ કસોટીઓમાં વફાદાર રહ્યા. તે અને તેમનાં પત્ની વિચારી રહ્યાં છે કે યહોવાએ તેઓને અને તેઓનાં કુટુંબને કેટલા બધા આશીર્વાદ આપ્યા છે.