સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુએ કહ્યું: “એમ ન ધારતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું” એનાથી તે શું કહેવા માંગતા હતા?

ઈસુ લોકોને શીખવતા કે તેઓ એકબીજા સાથે શાંતિથી રહે. પણ એકવાર તેમણે પ્રેરિતોને કહ્યું: “એમ ન ધારતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું. હું શાંતિ લાવવા નહિ, પણ તલવાર ચલાવવા આવ્યો છું. હા, હું ભાગલા પાડવા આવ્યો છું. દીકરો તેના પિતા વિરુદ્ધ, દીકરી તેની મા વિરુદ્ધ, વહુ તેની સાસુ વિરુદ્ધ થશે.” (માથ. ૧૦:૩૪, ૩૫, ફૂટનોટ) તે શું કહેવા માંગતા હતા?

ઈસુ નહોતા ચાહતા કે કુટુંબો તૂટી જાય. પણ તે જાણતા હતા કે એક વ્યક્તિ તેમના શિક્ષણ પ્રમાણે જીવવા લાગશે તો કદાચ તેના કુટુંબીજનોને નહિ ગમે અને તેઓના સંબંધોમાં તિરાડ પડે. બની શકે કે કોઈના જીવનસાથી અથવા કુટુંબીજન તેનો વિરોધ કરે. એટલે કદાચ તેના માટે ઈસુના શિક્ષણ પ્રમાણે જીવવું અઘરું થઈ જાય. ઈસુ ચાહતા હતા કે જો એક વ્યક્તિ તેમની શિષ્ય બનવા માંગે અને બાપ્તિસ્મા લેવા માંગે તો તેને પણ ખ્યાલ હોય કે તેની સાથે એવું થઈ શકે છે.

બાઇબલમાં આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે કે ‘બધા લોકો સાથે હળી-મળીને રહો.’ (રોમ. ૧૨:૧૮) પણ વ્યક્તિ ઈસુના શિક્ષણ પ્રમાણે ચાલવા લાગે ત્યારે અમુક કુટુંબીજનોને એ ન ગમે અને તેઓ વિરોધ કરે. આમ, ઈસુનું શિક્ષણ એક “તલવાર” હોય એમ કુટુંબમાં ભાગલા પાડે છે. તેના ઘરના લોકો જ તેના “દુશ્મનો” બની જાય છે.—માથ. ૧૦:૩૬.

આજે ઈસુના ઘણા શિષ્યોના કુટુંબ યહોવાના સાક્ષી નથી. કુટુંબીજનો તેઓને એવું કંઈક કરવાનું કહે જે યહોવાની નજરમાં ખોટું છે. જેમ કે, તેઓને તહેવારો ઊજવવાનું દબાણ કરે. એવા સમયે એક વ્યક્તિએ નિર્ણય લેવાનો છે કે તે યહોવા અને ઈસુને ખુશ કરશે કે પછી તેના કુટુંબીજનોને. ઈસુએ કહ્યું: “પિતા કે માતા પર જે કોઈ મારા કરતાં વધારે પ્રેમ રાખે છે, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી.” (માથ. ૧૦:૩૭) ઈસુ અહીંયા એ ન’તા કહી રહ્યા કે તેમના શિષ્યોએ પોતાનાં માતા-પિતાને પ્રેમ નથી કરવાનો, તેઓ સાથે સંબંધ કાપી નાખવાનો છે. પણ તે શીખવી રહ્યા હતા કે જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે. જો કોઈના કુટુંબીજન તેને યહોવાની ભક્તિ કરતા રોકે, તોપણ તેઓને પ્રેમ કરતા રહેવું જોઈએ. પણ તેઓ કરતાં તેણે યહોવાને સૌથી વધારે પ્રેમ કરવો જોઈએ.

ઘરના લોકો જ આપણો વિરોધ કરે તો આપણું દિલ ચિરાઈ જાય છે. પણ આપણે ઈસુના આ શબ્દો યાદ રાખવા જોઈએ: “જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી.” (માથ. ૧૦:૩૮) આપણને ખ્યાલ છે કે ઈસુના શિષ્યો બનવાથી આપણે ઘણી મુશ્કેલીઓ સહેવી પડશે. કદાચ આપણા કુટુંબીજનો જ આપણો વિરોધ કરે. તેઓ વિરોધ કરે તોપણ આપણે તેઓ સાથે સારી રીતે વર્તવું જોઈએ. શું ખબર એક દિવસે કદાચ તેઓને પણ બાઇબલની વાતોમાં રસ પડે.—૧ પિત. ૩:૧, ૨.