સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

યહોવા વિશે શીખીને અને શીખવીને મને ખુશી મળી

યહોવા વિશે શીખીને અને શીખવીને મને ખુશી મળી

હું અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના ઇસ્ટન શહેરમાં મોટો થયો. બાળપણથી મારું સપનું હતું કે એક મોટો માણસ બનું. જીવનમાં કંઈક કરીને બતાવું. એટલે હું યુનિવર્સિટી જવા માંગતો હતો. મને ભણવાનું બહુ ગમતું હતું. ગણિત અને વિજ્ઞાનમાં તો મારા સારા એવા માર્ક્સ આવતા હતા. ૧૯૫૬માં એક સંસ્થાએ મને ૨૫ ડોલર ઇનામમાં આપ્યા. કેમ કે ક્લાસના બધા કાળા છોકરાઓ કરતાં મને સૌથી વધારે માર્ક્સ મળ્યા હતા. પણ પછી હું ક્યારેય યુનિવર્સિટી ના ગયો. ચાલો તમને એનું કારણ જણાવું.

હું યહોવા વિશે શીખ્યો

૧૯૪૦ની આસપાસ મારાં મમ્મી-પપ્પાએ યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. પણ અભ્યાસ લાંબા સમય સુધી ના ચાલ્યો. જોકે, મમ્મી તેઓ પાસેથી ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન લેતાં રહ્યાં. ૧૯૫૦માં ન્યૂ યૉર્ક સીટીમાં અમને એક આંતરરાષ્ટ્રીય મહાસંમેલનમાં જવાનું આમંત્રણ મળ્યું. અમે બધા ત્યાં ગયા.

મહાસંમેલન પછી એક ભાઈ અમારા ઘરે આવવા લાગ્યા. તેમનું નામ લોરેન્સ જેફરીઝ હતું. તે ઘણી વાર મારી સાથે બાઇબલમાંથી વાત કરતા. પણ અમુક બાબતોમાં મારા વિચારો તેમના કરતાં એકદમ અલગ હતા. મારું માનવું હતું કે યહોવાના સાક્ષીઓએ પણ રાજકારણમાં ભાગ લેવો જોઈએ, સેનામાં ભરતી થવું જોઈએ. એટલે એક વખત મેં તેમને કીધું કે અમેરિકામાં કોઈ પણ સેનામાં નહિ જોડાય, તો દુશ્મનો દેશ પર કબજો કરી લેશે. જેફરીઝભાઈએ મને શાંતિથી સમજાવ્યું. તેમણે કીધું: “તું જ વિચાર, અમેરિકામાં બધા જ યહોવાના સાક્ષી હોય અને દુશ્મનો તેઓ પર હુમલો કરે, તો શું યહોવા કંઈ નહિ કરે?” આમ, જેફરીઝભાઈએ મને અલગ અલગ બાબતો સમજવા મદદ કરી. હું સમજી ગયો કે હું જ ખોટો હતો. હવે મારે બાઇબલમાંથી વધારે શીખવું હતું.

મારા બાપ્તિસ્મા વખતે

મમ્મીએ બધાં ચોકીબુરજ અને સજાગ બનો! સાચવી રાખ્યાં હતાં. હું એ જૂનાં મૅગેઝિનો વાંચવા લાગ્યો. હું એ કલાકો સુધી વાંચતો. મને ભરોસો થઈ ગયો કે આ જ સાચું છે. એટલે મેં જેફરીઝભાઈને અભ્યાસ માટે હા પાડી દીધી. હું નિયમિત સભામાં જવા લાગ્યો. હું જે પણ શીખતો, એ મારા દિલને સ્પર્શી જતું. જલદી જ હું પ્રકાશક બની ગયો. મને સમજાયું કે “યહોવાનો મહાન દિવસ નજીક છે!” (સફા. ૧:૧૪) એટલે મેં મારા ધ્યેયો બદલી નાખ્યા. યુનિવર્સિટી જવાનું સપનું બાજુ પર મૂકી દીધું. હવે મારે લોકોને બાઇબલમાંથી શીખવવું હતું.

૧૩ જૂન, ૧૯૫૬ના દિવસે મારું સ્કૂલનું ભણતર પૂરું થયું. એના ત્રણ દિવસ પછી, મેં એક સરકીટ સંમેલનમાં બાપ્તિસ્મા લીધું. એ વખતે મને જરાય અંદાજો ન હતો કે યહોવા પાસેથી શીખીને અને તેમના વિશે લોકોને શીખવીને મને કેટલા આશીર્વાદો મળવાના હતા.

પાયોનિયરીંગ કરતી વખતે શીખ્યો અને શીખવ્યું

બાપ્તિસ્માના છ મહિના પછી મેં પાયોનિયરીંગ શરૂ કર્યું. ડિસેમ્બર, ૧૯૫૬ની રાજ્ય સેવામાં એક લેખ આવ્યો હતો. એનો વિષય હતો, “શું તમે વધારે જરૂર હોય ત્યાં જઈને સેવા આપી શકો?” એ વાંચીને મને થયું, આ તો હું પણ કરી શકું છું!—માથ. ૨૪:૧૪.

હું દક્ષિણ કૅરોલાઈનાના એજફીલ્ડ શહેરમાં સેવા આપવા ગયો. ત્યાંના મંડળમાં ફક્ત ચાર પ્રકાશકો હતા. મારા આવ્યા પછી પાંચ થઈ ગયા. અમે એક ભાઈના ઘરે સભા માટે ભેગા મળતા. દર મહિને હું ૧૦૦ કલાક પ્રચારમાં વિતાવતો. મને સભામાં ઘણા ભાગ મળતા. હું પ્રચારની સભા પણ લેતો. એ કામોમાં હું જેટલો વ્યસ્ત રહેતો, એટલું જ યહોવા વિશે વધારે શીખી શક્યો.

હું એક સ્ત્રીનો અભ્યાસ ચલાવતો હતો. તે એવી એક જગ્યાની માલિક હતી જ્યાં ગુજરી ગયેલા લોકોને દફનાવવાની બધી તૈયારીઓ કરવામાં આવતી. એ જગ્યા મારા ઘરથી થોડાક કિલોમીટર દૂર જોન્સટન શહેરમાં હતી. એ સ્ત્રીએ મને કામ પર રાખી લીધો. હું અઠવાડિયાના કેટલાક દિવસો ત્યાં કામ કરવા જતો. તેની પાસે બીજી એક જગ્યા હતી, જે તેણે અમને સભા માટે આપી હતી.

ભાઈ લોરેન્સ જેફરીઝ, જેમણે મારો બાઇબલ અભ્યાસ લીધો હતો, તેમનો દીકરો જૉલી બ્રુકલિનથી એજફીલ્ડ આવી ગયો. અમે બંને સાથે મળીને પાયોનિયરીંગ કરવા લાગ્યા. એક ભાઈએ અમને પોતાનું ટ્રોલીવાળું ઘર રહેવા આપ્યું.

અહીંયા ગુજરાન ચલાવવું ઘણું અઘરું હતું. આખો દિવસ કામ કર્યા પછી માંડ બે-ત્રણ ડોલર મળતા. એકવાર મારા બધા પૈસા ખતમ થઈ ગયા હતા. બસ એક ટાઇમનું ખાવાનું ખરીદવા જેટલા જ પૈસા હતા. હું જેવો ખાવાનું લઈને દુકાનમાંથી બહાર નીકળ્યો, ત્યાં એક માણસ મારી પાસે આવ્યો. તેણે મને પૂછ્યું, “મારા માટે કામ કરીશ? હું તને કલાકનો એક ડોલર આપીશ.” મને ત્રણ દિવસ માટે બાંધકામની એક જગ્યાએ સાફ-સફાઈનું કામ મળ્યું. હું જોઈ શક્યો કે યહોવા મારી મદદ કરી રહ્યા છે. હું સમજી ગયો કે યહોવા એ જ ચાહે છે કે હું એજફીલ્ડમાં રહું. ૧૯૫૮માં ન્યૂ યૉર્ક સીટીમાં આંતરરાષ્ટ્રીય મહાસંમેલન રાખવામાં આવ્યું. એ વખતે મારી પાસે વધારે પૈસા ન હતા, તોપણ હું એ મહાસંમેલનમાં જઈ શક્યો.

અમારા લગ્‍નના દિવસે

મહાસંમેલનનો બીજો દિવસ મારા માટે બહુ જ ખાસ હતો. એ દિવસે હું રૂબી વોડલિંગટનને મળ્યો. તે ટેનિસી રાજ્યના ગેલેટન શહેરમાં પાયોનિયરીંગ કરી રહી હતી. જે લોકો ગિલયડ જવા માંગતા હતા, તેઓ માટે મહાસંમેલનમાં એક ખાસ સભા રાખવામાં આવી હતી. અમે બંને મિશનરી સેવા કરવા માંગતાં હતાં. એટલે અમે એ સભામાં ગયાં. પછી અમે એકબીજાને પત્ર લખવા લાગ્યાં. એક વખત હું ગેલેટન શહેરના મંડળમાં જાહેર પ્રવચન આપવા ગયો. એ વખતે મેં રૂબીને પૂછી લીધું કે શું તે મારી સાથે લગ્‍ન કરશે. એ પછી હું રૂબીના મંડળમાં જતો રહ્યો. ૧૯૫૯માં અમે લગ્‍ન કર્યું.

મંડળમાં શીખ્યો અને શીખવ્યું

હું ૨૩ વર્ષનો હતો ત્યારે મને ગેલેટનમાં મંડળના સેવકની (જેને આજે વડીલોના સેવક કહેવામાં આવે છે) જવાબદારી સોંપવામાં આવી. એ વખતે અમારા મંડળમાં એક નવા સરકીટ નિરીક્ષક આવ્યા. તેમનું નામ ચાર્લ્સ ટોમસન હતું. સરકીટ નિરીક્ષક બન્યા પછી, તેમણે સૌથી પહેલા અમારા જ મંડળની મુલાકાત લીધી હતી. તેમની પાસે ઘણો અનુભવ હતો તોપણ તે મને પૂછતા કે ભાઈ-બહેનોને કઈ રીતે મદદ કરી શકાય. તે એવું પણ પૂછતા કે બીજા સરકીટ નિરીક્ષકો કઈ રીતે મંડળને મદદ કરતા હતા. હું તેમની પાસેથી શીખ્યો કે કંઈ પણ કરતા પહેલાં અથવા કોઈ નિર્ણય લેતા પહેલાં સવાલો પૂછવા જોઈએ, આગળ-પાછળની બધી માહિતી મેળવવી જોઈએ.

મે ૧૯૬૪માં મને રાજ્ય સેવા શાળામાં બોલાવવામાં આવ્યો. એ એક મહિનાનો કોર્સ હતો. એ માટે હું ન્યૂ યૉર્કના સાઉથ લેન્સીંગ શહેર ગયો. જે ભાઈઓ અમને શીખવતા હતા, તેઓએ મને ઉત્તેજન આપ્યું કે હું યહોવા વિશે શીખતો રહું, તેમની વધારે નજીક જાઉં.

સરકીટ અને ડિસ્ટ્રીક્ટ કામમાં શીખ્યો અને શીખવ્યું

જાન્યુઆરી ૧૯૬૫માં મને અને રૂબીને સરકીટ કામ માટે આમંત્રણ મળ્યું. અમારા સરકીટનો વિસ્તાર બહુ મોટો હતો. ટેનિસી રાજ્યના નૉક્સવિલ શહેરથી લઈને વર્જિન્યા રાજ્યના રિચમંડ શહેર સુધી. અમે ઉત્તર કૅરોલાઇના, કેન્ટકી અને વેસ્ટ વર્જિન્યા રાજ્યનાં મંડળોની મુલાકાતે જતાં હતાં. એ વખતે અમેરિકાના દક્ષિણ ભાગમાં એવો કાયદો હતો કે ગોરા અને કાળા લોકો એકસાથે ભેગા ના મળી શકે. એટલે હું ફક્ત કાળાં ભાઈ-બહેનોનાં મંડળોની મુલાકાતે જતો હતો. એ ભાઈ-બહેનો બહુ ગરીબ હતા. અમે શીખ્યાં કે આપણી પાસે જે કંઈ હોય, એનાથી બીજાઓની મદદ કરવી જોઈએ. એક અનુભવી સરકીટ નિરીક્ષકની વાત મારા દિલમાં ઠસી ગઈ. તેમણે કીધું હતું: “ક્યારેય મંડળમાં ભાઈ-બહેનોનો બોસ બનીને ના જતો. તું તેઓનો બોસ નહિ, પણ ભાઈ છે. જો તેઓ તને પોતાનો ભાઈ ગણશે, તો જ તું તેઓની મદદ કરી શકીશ.”

એકવાર અમે એક મંડળની મુલાકાતે ગયાં હતાં. ત્યાં વધારે ભાઈ-બહેનો ન હતાં. ત્યાં રૂબીએ એક છોકરી સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. તેને એક વર્ષની દીકરી પણ હતી. પણ મંડળમાં એવું કોઈ ન હતું, જે તેની સાથે અભ્યાસ કરી શકે. એટલે રૂબી પત્ર લખીને તેની સાથે અભ્યાસ કરતી. જ્યારે અમે ફરી એ મંડળની મુલાકાતે ગયાં ત્યારે એ છોકરી બધી સભામાં આવી. પછી બે બહેનોને ખાસ પાયોનિયર તરીકે એ મંડળમાં મોકલવામાં આવ્યાં. તેઓ છોકરીનો અભ્યાસ લેવા લાગ્યાં. થોડા સમય પછી તેણે બાપ્તિસ્મા લીધું. આશરે ૩૦ વર્ષ પછી, ૧૯૯૫માં અમે પેટરસન બેથેલમાં હતાં. એ વખતે એક બહેન રૂબીને મળવા આવી. તે એ જ છોકરીની દીકરી હતી, જેની સાથે વર્ષો પહેલાં રૂબીએ અભ્યાસ કર્યો હતો. એ બહેન અને તેમના પતિને ગિલયડ સ્કૂલના ૧૦૦મા ક્લાસમાં બોલાવવામાં આવ્યાં હતાં.

અમારી બીજી સરકીટ ફ્લોરિડામાં હતી. એ વખતે અમને લાગ્યું કે અમારે એક ગાડી ખરીદી લેવી જોઈએ, જેથી આવવા-જવામાં કોઈ તકલીફ ના પડે. અમને સસ્તામાં એક ગાડી પણ મળી ગઈ. જોકે પહેલા જ અઠવાડિયે ગાડીનું એન્જિન બગડી ગયું. અમારી પાસે એને રીપેર કરાવવાના પૈસા ન હતા. એટલે મેં એક ભાઈને પૂછ્યું કે શું તે અમારી મદદ કરી શકે. ભાઈએ તેમને ત્યાં કામ કરતા એક માણસને ગાડી રીપેર કરવા મોકલ્યો. પછી મેં ભાઈને પૈસા માટે પૂછ્યું, તો ભાઈએ કીધું, “તમે એની ચિંતા ના કરશો.” તેમણે અમારી પાસેથી પૈસા ના લીધા, ઊલટું તેમણે તો થોડા પૈસા ભેટમાં આપ્યા. ખરેખર, યહોવા અમારી જે રીતે મદદ કરે છે એનાથી મને અહેસાસ થયો કે તે અમારી કેટલી સંભાળ રાખે છે.

અમે કોઈ પણ મંડળની મુલાકાતે જતાં તો ભાઈ-બહેનોનાં ઘરે રોકાતાં. એના લીધે ઘણાં ભાઈ-બહેનો અમારા પાકા દોસ્ત બન્યાં. એક વખત અમે એક કુટુંબના ઘરે રોકાયાં હતાં. હું મંડળનો રિપોર્ટ ટાઇપરાઇટર પર ટાઇપ કરી રહ્યો હતો. મારે ક્યાંક જવાનું થયું એટલે ટાઇપરાઇટર ત્યાં જ મૂકીને જતો રહ્યો. મારા ગયા પછી તેઓનો ત્રણ વર્ષનો દીકરો ખટાખટ ટાઇપરાઇટર પર મંડી પડ્યો. તેણે ઘણાં બધાં બટન દબાઈ દીધાં. પાછા આવ્યા પછી મેં જોયું કે છોકરાએ શું કર્યું હતું. હું વર્ષો સુધી એ છોકરાને ચીડવતો રહ્યો કે ‘રિપોર્ટ પૂરો કરવામાં તેં મને બહુ “મદદ” કરી’તી હોં.’

૧૯૭૧માં મને એક પત્ર મળ્યો. એમાં જણાવ્યું હતું કે મને ન્યૂ યૉર્ક સીટીમાં ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક તરીકે સોંપણી મળી છે. એ પત્ર વાંચીને અમને વિશ્વાસ જ ના થયો. એ વખતે હું ફક્ત ૩૪ વર્ષનો હતો. એ વિસ્તારનો હું પહેલો એવો ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક હતો, જે કાળા રંગનો હોય. ત્યાંના ભાઈઓએ મારો પ્રેમથી આવકાર કર્યો.

એક ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક તરીકે હું દર અઠવાડિયે સરકીટ સંમેલનમાં પ્રવચન આપતો અને લોકોને યહોવા વિશે શીખવતો. મેં એવા ઘણા સરકીટ નિરીક્ષકો સાથે કામ કર્યું, જેઓને મારા કરતા વધારે અનુભવ હતો. એક ભાઈએ તો મારા બાપ્તિસ્માનું પ્રવચન આપ્યું હતું. બીજા એક સરકીટ નિરીક્ષક હતા, ભાઈ થીઓડોર જારાઝ, જે આગળ જતાં નિયામક જૂથના સભ્ય બન્યા. ઘણા ભાઈઓ બ્રુકલિન બેથેલમાં સેવા આપતા હતા અને તેઓને વર્ષોનો અનુભવ હતો. એ બધા ભાઈઓ ખૂબ નમ્ર હતા. આટલો અનુભવ હોવા છતાં, તેઓ ક્યારેય ધાક જમાવવાની કોશિશ ન કરતા. એટલે હું તેઓ સાથે બહુ સારી રીતે કામ કરી શક્યો. હું જોઈ શક્યો કે તેઓ પ્રેમાળ ઘેટાંપાળક છે, ઈશ્વરના વચન બાઇબલમાંથી શીખવે છે અને સંગઠનને પૂરો ટેકો આપે છે.

ફરી સરકીટ નિરીક્ષક તરીકે સોંપણી મળી

૧૯૭૪માં નિયામક જૂથે બીજા સરકીટ નિરીક્ષકોને ડિસ્ટ્રીક્ટ કામમાં મોકલ્યા. મને ફરી એક વખત સરકીટ નિરીક્ષક તરીકે સોંપણી મળી. આ વખતે મને દક્ષિણ કૅરોલાઈના મોકલવામાં આવ્યો. એ સમય સુધીમાં રંગભેદનો કાયદો રદ થઈ ચૂક્યો હતો. એટલે પહેલાંની જેમ કાળાં અને ગોરાં ભાઈ-બહેનોનાં અલગ અલગ મંડળ અને સરકીટ ન હતાં. બધાં ભાઈ-બહેનો ભેગાં મળી શકતાં હતાં. એનાથી બધાની ખુશીનો કોઈ પાર ન હતો.

૧૯૭૬ના અંતે મને જોર્જિયા રાજ્યની સરકીટમાં મોકલવામાં આવ્યો. મારે ઍટલૅંટા અને કલંબસ શહેરની વચ્ચે આવતાં બધાં મંડળોની મુલાકાતે જવાનું હતું. એકવાર અમુક વ્યક્તિઓએ એક કાળા ભાઈના ઘરને આગ ચાંપી દીધી. ભાઈનાં પત્નીને ઘણું વાગ્યું હતું એટલે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં. પણ દુઃખની વાત છે કે તેઓનાં પાંચ બાળકો બચી ના શક્યાં. એ બાળકોનાં મરણ પછી, મને પ્રવચન આપવાનું કહેવામાં આવ્યું. મને આજેય યાદ છે કે ભાઈ અને તેમના પત્નીની હિંમત બંધાવવા એક પછી એક ભાઈ-બહેનો હૉસ્પિટલમાં આવતાં જ રહ્યાં, પછી ભલે તેઓ કાળાં હોય કે ગોરાં. ભાઈ-બહેનોનો આ પ્રેમ મારા દિલને સ્પર્શી ગયો. એવા પ્રેમને લીધે જ ભાઈ-બહેનો પહાડ જેવી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.

બેથેલમાં શીખ્યો અને શીખવ્યું

૧૯૭૭માં મને અને રૂબીને એક પ્રોજેક્ટ માટે બ્રુકલિન બેથેલ બોલાવવામાં આવ્યાં. એ અમુક મહિનાનું કામ હતું. એ પ્રોજેક્ટ બસ પૂરો થવાનો જ હતો કે નિયામક જૂથના બે ભાઈઓ આવ્યા અને પૂછ્યું કે શું અમારે બેથેલમાં સેવા આપવી છે. અમે હા પાડી દીધી.

મેં ૨૪ વર્ષ સુધી સેવા વિભાગમાં કામ કર્યું. એ વિભાગમાં ભાઈઓને ઘણી વાર બહુ જ અઘરા સવાલો પૂછવામાં આવતા, જેના જવાબ પણ બહુ સમજી-વિચારીને આપવા પડતા. નિયામક જૂથ નિયમિત રીતે સેવા વિભાગને બાઇબલના સિદ્ધાંતોને આધારે માર્ગદર્શન આપતું. એ માર્ગદર્શનથી ભાઈઓ સવાલોના જવાબ આપી શકતા. એ જ માર્ગદર્શનને આધારે સરકીટ નિરીક્ષકો, વડીલો અને પાયોનિયર ભાઈ-બહેનોને ટ્રેનિંગ પણ આપવામાં આવતી. એવી ટ્રેનિંગથી તેઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે અને યહોવાની ભક્તિમાં વધારે સારું કરી શકે છે. એનાથી સંગઠન મજબૂત થાય છે અને બધું વ્યવસ્થિત રીતે કરી શકાય છે.

૧૯૯૫થી ૨૦૧૮ સુધી હું મુખ્યમથક પ્રતિનિધિ (જેને પહેલાં ઝોન નિરીક્ષક કહેવામાં આવતા) તરીકે અલગ અલગ દેશની શાખા કચેરીની મુલાકાતે જતો. હું શાખા સમિતિના ભાઈઓ, બેથેલમાં સેવા આપતાં ભાઈ-બહેનો અને મિશનરી ભાઈ-બહેનોને મળતો. તેઓનો ઉત્સાહ વધારતો. જો તેઓને કંઈ તકલીફ હોય અથવા તેઓનાં મનમાં કોઈ સવાલ હોય, તો એ વિશે વાત કરતો. આવી મુલાકાતોથી ભાઈ-બહેનોને ઉત્તેજન મળતું. તેઓના અનુભવો સાંભળીને મને અને રૂબીને પણ ઘણું ઉત્તેજન મળતું. જેમ કે, ૨૦૦૦માં અમે રુવાન્ડાની શાખા કચેરીની મુલાકાતે ગયાં હતાં. અમુક વર્ષો પહેલાં ૧૯૯૪માં ત્યાં લોકોએ એક આખેઆખી જાતિને મિટાવી દેવાની કોશિશ કરી હતી. એ સમયે ઘણાં ભાઈ-બહેનોએ પોતાનાં કુટુંબીજનો અને દોસ્તોને ગુમાવ્યાં હતાં. એ ભાઈ-બહેનોએ ઘણું સહન કર્યું હતું. તોપણ તેઓએ પોતાની શ્રદ્ધા નબળી ના પડવા દીધી. તેઓએ ભાવિની આશા પર ધ્યાન આપ્યું અને ખુશી ખુશી યહોવાની ભક્તિ કરતાં રહ્યાં. અમે બેથેલનાં અને બીજાં ભાઈ-બહેનોના અનુભવો સાંભળ્યા. તેઓના અનુભવો અમારાં દિલને ઊંડે સુધી અસર કરી ગયા.

અમારી ૫૦મી ઍનિવર્સરિ વખતે

હવે અમે ૮૦ વટાવી ચૂક્યાં છીએ. છેલ્લાં ૨૦ વર્ષોથી હું અમેરિકાની શાખા સમિતિનો સભ્ય છું. હું ક્યારેય યુનિવર્સિટી તો ગયો નથી, પણ યહોવા અને તેમના સંગઠને મને જે શીખવ્યું, એની સામે યુનિવર્સિટીનું ભણતર કંઈ જ નથી. હું ઘણું બધું શીખી શક્યો છું. એટલે હું બીજાઓને બાઇબલમાંથી સારી રીતે શીખવી પણ શકું છું. એનાથી લોકોને ફક્ત આજે જ નહિ, ભાવિમાં પણ કાયમ માટે ફાયદો થઈ શકે છે. (૨ કોરીં. ૩:૫; ૨ તિમો. ૨:૨) મેં એ જોયું છે કે જે લોકો બાઇબલમાં લખેલી વાતો પાળે છે, તેઓનું જીવન બદલાઈ જાય છે. તેઓ આપણા સર્જનહાર સાથે દોસ્તી કરી શકે છે. (યાકૂ. ૪:૮) હું અને રૂબી બીજાઓને હંમેશાં યાદ અપાવીએ છીએ કે યહોવા વિશે શીખવાનો અને બાઇબલમાંથી બીજાઓને શીખવવાનો આપણને જે લહાવો મળ્યો છે, એ ખૂબ જ કીમતી છે. યહોવાના ભક્તો માટે એનાથી મોટી વાત બીજી શું હોય શકે!