સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

પ્રેરિત પાઉલે કહ્યું, ‘જાણે હું અધૂરા મહિને જન્મેલો છું’ ત્યારે તે શું કહેવા માંગતા હતા? (૧ કોરીંથીઓ ૧૫:૮)

પહેલો કોરીંથીઓ ૧૫:૮માં પાઉલે કહ્યું: “જાણે હું અધૂરા મહિને જન્મેલો હોઉં તેમ સૌથી છેલ્લે તે મને પણ દેખાયા.” પાઉલ અહીંયા એ દર્શનની વાત કરી રહ્યા છે, જેમાં તેમણે ઈસુને સ્વર્ગમાં જોયા હતા. પણ તેમણે કહ્યું કે તે ‘જાણે અધૂરા મહિને જન્મેલા’ છે, ત્યારે તે શું કહેવા માંગતા હતા? પહેલાં આપણે માનતા હતા કે ‘જાણે અધૂરા મહિને જન્મેલા’ હોવાનો અર્થ થાય કે પાઉલને જાણે સમય પહેલાં સ્વર્ગમાં જીવતા કરવામાં આવ્યા અને સમય પહેલાં તેમણે ઈસુને જોયા. આપણે કેમ એવું માનતા હતા? કેમ કે અભિષિક્ત ખ્રિસ્તીઓને સદીઓ પછી સ્વર્ગમાં જીવતા કરવામાં આવવાના હતા. પણ પાઉલે તો એ પહેલાં જ ઈસુને દર્શનમાં જોઈ લીધા હતા. પણ એ વિશે વધારે અભ્યાસ કરવાથી સમજાયું કે એ કલમની સમજણમાં ફેરફાર કરવાની જરૂર છે.

પાઉલે કહ્યું કે ‘જાણે હું અધૂરા મહિને જન્મેલો છું,’ ત્યારે તે શું કહેવા માંગતા હતા? એના ઘણા અર્થ થઈ શકે.

પાઉલ અચાનક ખ્રિસ્તી બન્યા અને તેમને ઘણી તકલીફ થઈ. જ્યારે એક યુગલને ખબર પડે છે કે તેઓનું બાળક સમય પહેલાં જન્મશે, ત્યારે તેઓ બેબાકળા બની જાય છે. કેમ કે એ એકદમ અચાનક થાય છે. જોવા જઈએ તો પાઉલ (એ સમયે તે શાઉલ તરીકે ઓળખાતા હતા) સાથે પણ એવું જ કંઈક થયું હતું. એકવાર તે દમસ્કમાં રહેતા ખ્રિસ્તીઓની સતાવણી કરવા જતા હતા. પણ રસ્તામાં તેમણે એક દર્શન જોયું. તેમને ઈસુ સ્વર્ગમાં દેખાયા. એ પછી તે ખ્રિસ્તી બન્યા. એ બધું એકદમ અચાનક થયું. પાઉલે ક્યારેય વિચાર્યું નહિ હોય કે તે એક દિવસે ખ્રિસ્તી બનશે. અરે, જે ખ્રિસ્તીઓની તે સતાવણી કરવા જતા હતા, તેઓએ પણ એવું સપનામાંય વિચાર્યું નહિ હોય. એ આખા બનાવથી તેમને ઘણી તકલીફ થઈ. તેમને થોડા સમય માટે કંઈ દેખાયું નહિ.—પ્રે.કા. ૯:૧-૯, ૧૭-૧૯.

કોઈને અપેક્ષા ન હતી ત્યારે પાઉલ ખ્રિસ્તી બન્યા. જે ગ્રીક શબ્દનું ભાષાંતર “અધૂરા મહિને જન્મેલો” કરવામાં આવ્યું છે, એનો અર્થ “ખોટા સમયે જન્મેલો” પણ થઈ શકે. ધ જેરુસલેમ બાઇબલમાં એ શબ્દોનું આ રીતે ભાષાંતર થયું છે: “જાણે એવા સમયે મારો જન્મ થયો જ્યારે કોઈને અપેક્ષા ન હતી.” ધ્યાન આપો કે ૧ કોરીંથીઓ ૧૫:૮ પહેલાની કલમોમાં તેમણે એવા અમુક લોકોનાં નામ જણાવ્યાં, જેઓને ઈસુ સ્વર્ગમાં જતાં પહેલાં દેખાયા હતા. (૧ કોરીં. ૧૫:૪-૮) પાઉલને ક્યારેય અપેક્ષા ન હતી કે તે ઈસુને જોશે. કેમ કે એ સમય સુધીમાં તો ઈસુ સ્વર્ગમાં જતા રહ્યા હતા. પણ તેમને ઈસુને જોવાની તક મળી, જાણે “ખોટા સમયે” એટલે કે કોઈને અપેક્ષા ન હતી એવા સમયે.

પાઉલ નમ્રતા બતાવી રહ્યા હતા. અમુક વિદ્વાનોનું માનવું છે કે પાઉલના સમયમાં અધૂરા મહિને જન્મેલાં બાળકોને નીચાં ગણવામાં આવતાં હતાં. એટલે બની શકે કે એમ કહીને પાઉલ પોતાને નીચા દેખાડી રહ્યા હતા. તેમને લાગતું હતું તે પ્રેરિત ગણાવાને પણ લાયક નથી. ધ્યાન આપો, આગળની કલમોમાં તેમણે એવું જ કહ્યું: “હું તો પ્રેરિતોમાં સાવ મામૂલી છું અને પ્રેરિત ગણાવાને પણ લાયક નથી, કેમ કે મેં ઈશ્વરના મંડળની સતાવણી કરી હતી. પણ આજે હું જે કંઈ છું એ ઈશ્વરની અપાર કૃપાથી છું.”—૧ કોરીં. ૧૫:૯, ૧૦.

આપણે જોઈ ગયા કે ૧ કોરીંથીઓ ૧૫:૮માં જણાવેલા શબ્દોના ઘણા અર્થ થઈ શકે. જેમ કે, કદાચ પાઉલ કહેવા માંગતા હતા કે ઈસુ અચાનક તેમને દેખાયા, કોઈને અપેક્ષા ન હતી ત્યારે તે ખ્રિસ્તી બન્યા અથવા તે પ્રેરિત ગણાવાને લાયક નથી. ભલે તેમના કહેવાનો અર્થ કંઈ પણ હોય, પાઉલ ખ્રિસ્તી બન્યા એ સમયનો બનાવ તેમના માટે બહુ જ ખાસ હતો. એનાથી તેમને ખાતરી થઈ ગઈ કે ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા છે. એટલે જ્યારે તે લોકોને શીખવતા કે ઈસુને ફરી જીવતા કરવામાં આવ્યા છે, ત્યારે ઘણી વાર એ દર્શન વિશે જણાવતા.—પ્રે.કા. ૨૨:૬-૧૧; ૨૬:૧૩-૧૮.