સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨

વિચારોમાં ફેરફાર કરીએ

વિચારોમાં ફેરફાર કરીએ

“ઈશ્વરને તમારા વિચારોમાં ફેરફાર કરવા દો, જેથી તમારું મન પૂરેપૂરું બદલાઈ જાય અને તમે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા પારખી શકો.”—રોમ. ૧૨:૨.

ગીત ૧૧ યહોવાને વળગી રહું

ઝલક a

૧-૨. બાપ્તિસ્મા પછી પણ આપણે શું કરતા રહેવું જોઈએ? સમજાવો.

 તમારા ઘરની સાફ-સફાઈ તમે કેટલી વાર કરો છો? જ્યારે તમે પહેલી વાર ઘરમાં રહેવા આવ્યા હશો ત્યારે તમે ઘરની બરાબર સાફ-સફાઈ કરી હશે, ઘસી ઘસીને એને ચકચકાટ કર્યું હશે. પણ એક વાર સાફ કર્યા પછી ફરી ક્યારેય ન કરીએ તો શું થશે? ઘર બહુ જલદી ગંદું થઈ જશે, ધૂળના થર જામી જશે. જો તમે ચાહતા હો કે ઘર ચોખ્ખું અને વ્યવસ્થિત રહે, તો એની નિયમિત સાફ-સફાઈ કરવી પડશે.

એવી જ રીતે, બાપ્તિસ્મા પહેલાં આપણે જીવનમાં ફેરફાર કરવા ઘણી મહેનત કરી હતી. “આપણે તન-મનની દરેક પ્રકારની ગંદકી દૂર કરીને શુદ્ધ” થયા હતા. (૨ કોરીં. ૭:૧) પણ બસ એક વાર એવું કરવું પૂરતું છે? પાઉલે કહ્યું હતું તેમ, આપણે બાપ્તિસ્મા પછી પણ ‘મનના વિચારોને નવા કરતા રહીએ.’ (એફે. ૪:૨૩) એવું નિયમિત રીતે કરવું કેમ જરૂરી છે? જો એવું નહિ કરીએ તો બહુ જલદી દુનિયાના ગંદા વિચારો આપણાં મનમાં ઘર કરી જશે. જો આપણે ચાહતા હોઈએ કે એવું ન થાય અને યહોવા આપણાથી ખુશ થાય, તો સમયે સમયે પોતાનાં વિચારો, સ્વભાવ અને ઇચ્છાઓની પરખ કરતા રહીએ.

વિચારોમાં ફેરફાર કરતા રહીએ

૩. ‘વિચારોમાં ફેરફાર કરવાનો’ શું અર્થ થાય? (રોમનો ૧૨:૨)

વિચારોમાં ફેરફાર કરવા આપણે શું કરવું જોઈએ? (રોમનો ૧૨:૨ વાંચો.) “વિચારોમાં ફેરફાર કરવા” માટે જે ગ્રીક શબ્દો વપરાયા છે, એનું ભાષાંતર “મનને નવું કરવું” પણ થઈ શકે. એ સમજવા આનો વિચાર કરો: જો ઘરની હાલત વધારે ખરાબ થઈ જાય, તો આપણે ફક્ત ઉપર ઉપરથી જ સરખું નથી કરતા. આપણે એનું સમારકામ કરાવીએ છીએ. જૂનો માલ કાઢીને નવો માલ ભરીએ છીએ, ઘણો ફેરફાર કરીએ છીએ. એવી જ રીતે, જીવનમાં થોડાં-ઘણાં સારાં કામ કરવાં પૂરતાં નથી. યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા પોતાના વિચારોની પરખ કરીએ અને જરૂરી ફેરફાર કરીએ. એવું આપણે ફક્ત એક વાર નહિ, વારંવાર કરવું પડશે.

શું ભણતર અને નોકરીને લગતા મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે યહોવાની ભક્તિ મારા માટે સૌથી મહત્ત્વની છે? (ફકરા ૪-૫ જુઓ) c

૪. દુનિયાના વિચારોની અસર આપણને ન થાય માટે શું કરી શકીએ?

આપણામાંથી પાપની અસર દૂર થઈ જશે પછી હંમેશાં એવાં કામો કરી શકીશું જેનાથી યહોવા ખુશ થાય. પણ એ સમય આવે ત્યાં સુધી આપણે યહોવાને ખુશ કરવા મહેનત કરતા રહેવું પડશે. ધ્યાન આપો, રોમનો ૧૨:૨માં પાઉલે જણાવ્યું કે આપણે પોતાના વિચારોમાં ફેરફાર કરીશું તો પારખી શકીશું કે ઈશ્વરની ઇચ્છા શું છે. દુનિયાના વિચારોની અસર આપણને ન થાય, એ માટે જરૂરી છે કે પોતાની પરખ કરતા રહીએ. પોતાને પૂછીએ: ‘શું મારા ધ્યેયો અને નિર્ણયો યહોવાની ઇચ્છા પ્રમાણે છે?’

૫. યહોવાનો દિવસ નજીક છે એ વિશે આપણા વિચારો કઈ રીતે પારખી શકીએ? (ચિત્ર જુઓ.)

પોતાની પરખ કઈ રીતે કરી શકીએ? એ સમજવા આનો વિચાર કરો: યહોવા ચાહે છે કે આપણે તેમના દિવસને ‘હંમેશાં મનમાં રાખીએ.’ (૨ પિત. ૩:૧૨) પોતાને આ સવાલો પૂછીએ: ‘શું હું માનું છું કે દુનિયાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે? શું એ મારા જીવનથી દેખાઈ આવે છે? શું ભણતર અને નોકરીને લગતા મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે યહોવાની ભક્તિ મારા માટે સૌથી મહત્ત્વની છે? શું મને પૂરો ભરોસો છે કે યહોવા મારા કુટુંબની જરૂરિયાતો પૂરી કરશે કે પછી આખો વખત એ વિશે જ ચિંતા કર્યા કરું છું?’ યહોવાની ઇચ્છા પ્રમાણે આપણે જીવનના નાના-મોટા નિર્ણય લઈએ છીએ ત્યારે તે ખુશ થાય છે.—માથ. ૬:૨૫-૨૭, ૩૩; ફિલિ. ૪:૧૨, ૧૩.

૬. આપણે શું કરતા રહેવું જોઈએ?

આપણા વિચારો યહોવાની ઇચ્છા પ્રમાણે છે કે નહિ એની પરખ કરતા રહીએ. જો વિચારો એ પ્રમાણે ન હોય, તો પોતાનામાં ફેરફાર કરીએ. પાઉલે કોરીંથનાં ભાઈ-બહેનોને કીધું હતું: “તમે શ્રદ્ધાથી જીવો છો કે નહિ, એની પરખ કરતા રહો. તમે સાચા માર્ગે ચાલો છો, એની ખાતરી કરતા રહો.” (૨ કોરીં. ૧૩:૫) ‘શ્રદ્ધાથી જીવવાનો’ ફક્ત એ મતલબ નથી કે આપણે નિયમિત સભાઓમાં જઈએ અને પ્રચાર કરીએ. પણ આપણે શું વિચારીએ છીએ, આપણી કેવી ઇચ્છાઓ છે અને કયા ઇરાદાથી કામ કરીએ છીએ, એના આધારે પણ ખબર પડશે કે આપણે શ્રદ્ધાથી જીવીએ છીએ કે નહિ. વિચારોમાં ફેરફાર કરવા આપણે બાઇબલ વાંચીએ, યહોવાના વિચારો જાણવાની કોશિશ કરીએ અને જરૂરી પગલાં ભરીએ, જેથી યહોવા ખુશ થાય.—૧ કોરીં. ૨:૧૪-૧૬.

‘નવો સ્વભાવ પહેરી લઈએ’

૭. એફેસીઓ ૪:૩૧, ૩૨ પ્રમાણે આપણે શું કરવું જોઈએ અને એમ કરવું કેમ અઘરું લાગી શકે?

એફેસીઓ ૪:૩૧, ૩૨ વાંચો. વિચારોમાં ફેરફાર કરવાની સાથે સાથે આપણે ‘નવો સ્વભાવ પણ પહેરવો જોઈએ.’ (એફે. ૪:૨૪) એવું કરવું અમુકને કદાચ અઘરું લાગે. તેઓએ સખત મહેનત કરવી પડે. જેમ કે, અમુક લોકોનો સ્વભાવ એવો છે કે તેઓ નાની નાની વાતમાં ભડકી ઊઠે અથવા તેઓને બીજાઓની ઈર્ષા થતી હોય. બાઇબલમાં પણ જણાવ્યું છે કે અમુક લોકો ‘ગરમ મિજાજના’ અને ‘વાતે વાતે ગુસ્સે થવાવાળા’ હોય છે. (નીતિ. ૨૯:૨૨) બાપ્તિસ્મા પછી પણ આવા સ્વભાવને કાબૂમાં રાખવા ઘણી મહેનત કરતા રહેવું પડે છે. એ વિશે ચાલો એક ભાઈનો દાખલો જોઈએ.

૮-૯. સ્ટીવનભાઈના દાખલાથી કઈ રીતે ખબર પડે છે કે જૂનો સ્વભાવ કાઢવા મહેનત કરતા રહેવું પડશે?

સ્ટીવનભાઈ પહેલાં ગરમ મિજાજના હતા. તે જણાવે છે: “બાપ્તિસ્મા લીધા પછી પણ મારે ગુસ્સાને કાબૂમાં રાખવા મહેનત કરવી પડી. દાખલા તરીકે, એકવાર અમે ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા હતા. એવામાં એક ચોર આવ્યો અને મારી ગાડીમાંથી રેડિયો કાઢીને ભાગવા લાગ્યો. એ ચોરને પકડવા હું તેની પાછળ ભાગ્યો. હું તેની પાસે પહોંચ્યો કે, તરત તેણે રેડિયો ફેંકી દીધો અને ત્યાંથી ભાગી ગયો. જ્યારે મેં આ બનાવ વિશે ભાઈ-બહેનોને કહ્યું, ત્યારે એક વડીલે મને પૂછ્યું: ‘સ્ટીવન, જો તેં ચોરને પકડી લીધો હોત, તો તું શું કરત?’ એ સવાલે મને વિચારતો કરી દીધો. મને અહેસાસ થયો કે શાંતિ જાળવવા મારે હજી પણ મહેનત કરવાની જરૂર હતી.” b

સ્ટીવનભાઈના દાખલામાંથી શું શીખી શકીએ? આપણને કદાચ લાગે કે આપણે કોઈ ખરાબ આદત કે કામ છોડી દીધું છે. પણ એવું કંઈક બને કે આપણો જૂનો સ્વભાવ પાછો આવી જાય. આપણે ફરીથી એ આદત પ્રમાણે કરી બેસીએ. જો તમારી સાથે પણ એવું થતું હોય, તો નિરાશ ન થઈ જતા. એવું ન વિચારતા કે ‘હું તો યહોવાનો ભક્ત ગણાવાને લાયક જ નથી.’ પાઉલે પણ કીધું હતું: “હું સારું કરવા ચાહું છું ત્યારે, મારું દિલ ખરાબ કરવા દોડી જાય છે.” (રોમ. ૭:૨૧-૨૩) આપણે બધાએ કોઈક ને કોઈક ખરાબ આદત છોડી છે. પણ આપણે પાપી છીએ એટલે ક્યારેક ફરીથી એ આદતો પ્રમાણે કરી બેસીએ. જેમ સાફ-સફાઈ કર્યા પછી ઘરમાં પાછી ધૂળ આવી જાય, તેમ ખરાબ આદતો પણ પાછી આવી જાય. એટલે એ આદતો છોડવા આપણે મહેનત કરતા રહેવું પડશે. આપણે કઈ રીતે એમ કરી શકીએ?

૧૦. ખરાબ આદતો છોડવા આપણે શું કરી શકીએ? (૧ યોહાન ૫:૧૪, ૧૫)

૧૦ યહોવાને પ્રાર્થના કરીએ. તેમને જણાવીએ કે આપણે કઈ ખરાબ આદત છોડવાનો પ્રયત્ન કરીએ છીએ. પૂરી ખાતરી રાખીએ કે તે આપણી પ્રાર્થના સાંભળશે અને આપણને ચોક્કસ મદદ કરશે. (૧ યોહાન ૫:૧૪, ૧૫ વાંચો.) યહોવા કોઈ ચમત્કાર કરીને એ આદત દૂર નહિ કરે, પણ એ આદત સામે લડવા તાકાત આપશે. (૧ પિત. ૫:૧૦) પ્રાર્થનાની સાથે સાથે આપણે બીજું પણ કંઈક કરવું પડશે. બની શકે, આપણે જે આદત છોડવા માંગતા હોઈએ, એ વિશે ફિલ્મો, ટીવી પ્રોગ્રામો કે વાર્તાઓમાં બતાવ્યું હોય. એમાં એવું રજૂ કર્યું હોય કે એ આદતો ખોટી નથી. આપણે એવી ફિલ્મો કે ટીવી પ્રોગ્રામો ન જોઈએ. એવી વાર્તાઓ પણ ન વાંચીએ. એટલું જ નહિ, મનમાં ખોટી ઇચ્છાઓ આવે તો એના વિશે વિચારતા ન રહીએ.—ફિલિ. ૪:૮; કોલો. ૩:૨.

૧૧. નવો સ્વભાવ પહેરવા શું કરવું જોઈએ?

૧૧ કદાચ આપણે જૂનો સ્વભાવ કાઢી નાખ્યો હોય. જોકે નવો સ્વભાવ પહેરવો પણ ખૂબ જરૂરી છે. એવું આપણે કઈ રીતે કરી શકીએ? જેમ જેમ યહોવા અને તેમના ગુણો વિશે શીખતા જઈએ, તેમ તેમ તેમનું અનુકરણ કરવાની કોશિશ કરીએ. (એફે. ૫:૧, ૨) ધારો કે આપણે બાઇબલનો એક અહેવાલ વાંચીએ છીએ. એમાં જણાવ્યું છે કે યહોવા દિલથી માફ કરે છે. પોતાને પૂછીએ: ‘શું હું બીજાઓને દિલથી માફ કરું છું?’ અથવા યહોવા ગરીબોને કરુણા બતાવે છે અને તેઓની સંભાળ રાખે છે એવો કોઈ અહેવાલ વાંચતા હોઈએ. પોતાને પૂછીએ: ‘શું હું યહોવાની જેમ ભાઈ-બહેનોની સંભાળ રાખું છું અને તેઓને જરૂર હોય ત્યારે મદદ કરું છું?’ નવો સ્વભાવ પહેરીને પોતાના વિચારોમાં ફેરફાર કરતા રહીએ. પણ ધીરજ રાખીએ કેમ કે એમાં સમય લાગી શકે.

૧૨. બાઇબલની મદદથી સ્ટીવનભાઈ કઈ રીતે પોતાનામાં ફેરફાર કરી શક્યા?

૧૨ સ્ટીવનભાઈ વિશે આગળ જોઈ ગયા. તે ધીરે ધીરે નવો સ્વભાવ કેળવી શક્યા. તે કહે છે: “બાપ્તિસ્મા લીધા પછી, એવા ઘણા સંજોગો આવ્યા જેના લીધે હું મારો પિત્તો ગુમાવી શક્યો હોત. હું શીખ્યો કે જ્યારે લોકો મને ઉશ્કેરે, ત્યારે ગુસ્સે થવાને બદલે ત્યાંથી ચાલ્યો જાઉં. જો એમ થઈ શકતું ન હોય તો કોઈ બીજી રીતે મતભેદ થાળે પાળવાની કોશિશ કરું. ઘણા લોકો મને કહે છે કે હું આવા સંજોગોને સારી રીતે હાથ ધરું છું. મારી પત્ની પણ એમ કહે છે. અમુક વાર તો મને પણ નવાઈ લાગે છે કે હું કઈ રીતે શાંત રહી શક્યો. હું જાણું છું કે મેં પોતાની શક્તિથી એ ફેરફારો નથી કર્યા. પણ ઈશ્વરના શબ્દ બાઇબલમાં એટલી શક્તિ છે કે હું એ બધા ફેરફાર કરી શક્યો.”

ખોટી ઇચ્છાઓ સામે લડતા રહીએ

૧૩. ખોટી ઇચ્છાઓ સામે લડવા અને સારી વાતો પર મન લગાડવા શું કરવું જોઈએ? (ગલાતીઓ ૫:૧૬)

૧૩ ગલાતીઓ ૫:૧૬ વાંચો. ખોટી ઇચ્છાઓ સામે લડવા અને જે ખરું છે એ કરવા યહોવા આપણને પવિત્ર શક્તિ આપે છે. બાઇબલનો ઊંડો અભ્યાસ કરીએ છીએ ત્યારે પવિત્ર શક્તિને આપણા પર કામ કરવા દઈએ છીએ. સભાઓમાં પણ આપણને યહોવાની પવિત્ર શક્તિ મળે છે. આપણી જેમ ભાઈ-બહેનો પણ સારાં કામો કરવા અથાક મહેનત કરે છે. સભાઓમાં તેઓ સાથે વાત કરીને આપણને ઘણી હિંમત મળે છે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫; ૧૩:૭) પ્રાર્થનામાં પણ આપણે યહોવા પાસે પવિત્ર શક્તિ માંગી શકીએ. આપણે તેમને કાલાવાલા કરી શકીએ, જેથી નબળાઈઓ સામે લડવા તે આપણને મદદ કરે. પણ શું એનો મતલબ એ કે બાઇબલ વાંચીશું, સભાઓમાં જઈશું અને પ્રાર્થના કરીશું તો આપણાં મનમાં ક્યારેય ખોટી ઇચ્છાઓ નહિ આવે? ના એવું નથી. પણ ભક્તિનાં એ કામોમાં લાગુ રહીશું તો ખોટી ઇચ્છાઓ આપણા પર હાવી નહિ થઈ જાય અને આપણે કંઈ પણ ખોટું કરતા પોતાને રોકી શકીશું. ગલાતીઓ ૫:૧૬માં પણ લખ્યું છે કે જેઓ ‘પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે, તેઓ શરીરની પાપી ઇચ્છા પ્રમાણે નથી ચાલતા.’

૧૪. સારી વાતો પર મન લગાડતા રહેવું કેમ ખૂબ જરૂરી છે?

૧૪ યહોવા સાથેનો સંબંધ મજબૂત થાય એવાં કામો કરવાનું આપણે શરૂ કર્યું હશે. પણ ધ્યાન રાખીએ કે આપણે ધીમા ન પડી જઈએ, એ કામો કરવાનું ચાલુ રાખીએ. સારી વાતો પર મન લગાડતા રહીએ. જો એવું નહિ કરીએ તો ક્યારેક ક્યારેક ખોટી ઇચ્છાઓ આપણા પર હાવી થઈ જાય. ખોટું કરવાની લાલચ તો જાણે આપણો એક દુશ્મન છે. એ દુશ્મન હંમેશાં લાગ જોઈને બેઠો હોય છે કે ક્યારે આપણને હરાવી દે. બની શકે, બાપ્તિસ્મા પછી પણ આપણાં મનમાં કોઈ ખોટી ઇચ્છા આવે અથવા એવું કંઈક કરવાનું મન થાય જે આપણે છોડી દીધું હોય. જેમ કે, જુગાર રમવો, વધારે પડતો દારૂ પીવો અથવા ગંદાં ચિત્રો કે વીડિયો જોવા. (એફે. ૫:૩, ૪) એક યુવાન ભાઈ જણાવે છે: “એક બાબત સામે લડવું મારા માટે બહુ અઘરું હતું. હું છોકરાઓ પ્રત્યે આકર્ષાતો હતો. મને થતું કે આવી લાગણી તો થોડીક વાર જ રહેશે, આગળ જતાં બધું ઠીક થઈ જશે. જોકે આજે પણ એ ખોટા વિચારો ક્યારેક મારા મનમાં આવી જાય છે.” જો તમારા મનમાં પણ કોઈ ખોટી ઇચ્છાઓ આવતી હોય, તો તમે શું યાદ રાખી શકો?

આપણાં મનમાં ખોટી ઇચ્છાઓ આવે તો નિરાશ ન થઈએ. આપણાં ભાઈ-બહેનોએ એ ઇચ્છા સામે લડીને એના પર જીત મેળવી છે (ફકરા ૧૫-૧૬ જુઓ)

૧૫. એ જાણીને કેમ હિંમત મળે છે કે આપણા પર જેવી તકલીફો આવે છે, એવી “બધા લોકો પર આવે છે”? (ચિત્ર જુઓ.)

૧૫ યાદ રાખો, તમે એકલા ખોટી ઇચ્છાઓ સામે લડી નથી રહ્યા. બાઇબલમાં લખ્યું છે: “તમારા પર જેવી કસોટીઓ આવે છે, એવી બધા લોકો પર આવે છે.” (૧ કોરીં. ૧૦:૧૩ક) પાઉલે એ શબ્દો કોરીંથમાં રહેતાં ભાઈ-બહેનોને લખ્યા હતા. તેઓમાંથી અમુક લોકો પહેલાં વ્યભિચારી હતા. અમુક લોકો સજાતીય સંબંધ રાખતા હતા, તો અમુક દારૂડિયા હતા. (૧ કોરીં. ૬:૯-૧૧) શું તમને લાગે છે કે તેઓએ બાપ્તિસ્મા લીધું એના પછી તેઓને એવા ખોટા વિચારો ક્યારેય નહિ આવ્યા હોય? ના એવું નહિ હોય. ખરું કે તેઓ અભિષિક્તો હતા પણ તેઓમાં પાપની અસર તો હતી જ. કોઈ વાર તેઓએ ખોટી ઇચ્છાઓ સામે લડવું પડ્યું હશે. એ જાણીને આપણી હિંમત વધે છે, ખરું ને? ભલે તમે કોઈ પણ ખોટી ઇચ્છા સામે લડતા હો, પણ તમે એકલા નથી. કોઈ ને કોઈ ભાઈ કે બહેને એ ઇચ્છા સામે લડીને એના પર જીત મેળવી છે. ‘તમે શ્રદ્ધામાં મક્કમ રહી’ શકો છો. કેમ કે તમે જાણો છો કે “તમારા બધા ભાઈઓ એવાં જ દુઃખો સહન કરે છે.”—૧ પિત. ૫:૯.

૧૬. શું ન વિચારવું જોઈએ અને કેમ?

૧૬ ક્યારેય એવું ન વિચારશો કે તમે જે તકલીફનો સામનો કરો છો એને કોઈ નહિ સમજી શકે. એવું વિચારશો તો નિરાશ થઈ જશો. તમને લાગશે કે તમે ક્યારેય ખોટી ઇચ્છાઓને કાબૂમાં નહિ કરી શકો. બાઇબલમાં જણાવ્યું છે: “ઈશ્વર વિશ્વાસુ છે. તમે સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે તમારા પર આવવા દેશે નહિ. તમારા પર કસોટી આવે ત્યારે, તે એમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ બતાવશે, જેથી તમે એ સહન કરી શકો.” (૧ કોરીં. ૧૦:૧૩ખ) કોઈ ખોટી ઇચ્છા તમારા પર હાવી થવા લાગે તોપણ તમે યહોવાને વફાદાર રહી શકો છો. તે તમને મદદ કરશે અને તમે ખોટું કામ કરતા પોતાને રોકી શકશો.

૧૭. ખોટી ઇચ્છાઓને મનમાં આવતા રોકી ન શકીએ, પણ આપણે શું કરી શકીએ છીએ?

૧૭ હંમેશાં યાદ રાખીએ કે પાપી હોવાને લીધે કદાચ ખોટી ઇચ્છાઓને મનમાં આવતા રોકી ન શકીએ. પણ આપણે એને મનમાંથી કાઢી શકીએ છીએ. ખોટાં કામો કરવાથી પોતાને અટકાવી શકીએ છીએ. યૂસફે પણ એવું જ કર્યું હતું. પોટીફારની પત્નીએ યૂસફને પોતાની સાથે સૂઈ જવા કહ્યું. પણ યૂસફ તરત ત્યાંથી ભાગી ગયા.—ઉત. ૩૯:૧૨.

મહેનત કરતા રહીએ

૧૮-૧૯. આપણે પોતાને કયા સવાલો પૂછવા જોઈએ?

૧૮ વિચારોમાં ફેરફાર કરવાનો અર્થ થાય કે આપણાં વિચારો અને કામો યહોવાની ઇચ્છા પ્રમાણે હોય. એ માટે અવાર-નવાર પોતાની પરખ કરીએ. પોતાને પૂછીએ: ‘શું હું માનું છું કે દુનિયાનો અંત બહુ નજીક છે? શું એ મારાં કામોથી દેખાઈ આવે છે? શું હું નવો સ્વભાવ પહેરવા સતત મહેનત કરું છું? શું હું સારા ગુણો કેળવું છું? મારા પર ખોટી ઇચ્છાઓ હાવી ન થઈ જાય, એ માટે શું હું યહોવાની પવિત્ર શક્તિને મારા પર કામ કરવા દઉં છું?’

૧૯ પોતાની પરખ કરીએ ત્યારે શાના પર ધ્યાન આપવું જોઈએ? કેટલી ભૂલો થઈ એના પર નહિ, પણ કેટલી પ્રગતિ કરી એના પર. યાદ રાખીએ કે ભૂલ તો થતી રહેશે, પણ નિરાશ ન થઈએ. ફિલિપીઓ ૩:૧૬ના શબ્દો મનમાં રાખીએ: “આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે કરતા રહીએ.” આપણે વિચારોમાં ફેરફાર કરવા જે મહેનત કરીએ છીએ એના પર યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે.

ગીત ૫૨ દિલની સંભાળ રાખીએ

a પ્રેરિત પાઉલે પહેલી સદીના ખ્રિસ્તીઓને સલાહ આપી કે તેઓ દુનિયાના લોકો જેવું ન વિચારે અને તેઓના જેવાં કામ ન કરે. આપણે પણ પાઉલની એ સલાહ પાળીએ. કેમ કે દુનિયાના વિચારો આપણા પર પણ હાવી થઈ જઈ શકે. આપણે પોતાની પરખ કરતા રહીએ અને વિચારોમાં ફેરફાર કરતા રહીએ, જેથી યહોવા ચાહે છે એ રીતે વિચારી શકીએ. આ લેખમાં જોઈશું કે એવું કઈ રીતે કરી શકીએ.

b ભાઈનો અનુભવ વાંચવા jw.org/gu પર જાઓ અને શોધો બૉક્સમાં “મારું જીવન બહુ ખરાબ હતું” લખો.

c ચિત્રની સમજ: એક યુવાન ભાઈ વિચારે છે કે તેમણે વધારે ભણવું જોઈએ કે પછી પૂરા સમયની સેવા કરવી જોઈએ.