સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩

યહોવાનો હાથ અપાવે સફળતા

યહોવાનો હાથ અપાવે સફળતા

‘યહોવા યૂસફની સાથે હતા. તેમના દરેક કામમાં યહોવા તેમને સફળતા અપાવતા હતા.’—ઉત. ૩૯:૨, ૩.

ગીત ૫૧ યહોવા અમારો આધાર

ઝલક a

૧-૨. (ક) કસોટીઓ આવે ત્યારે આપણને કેમ નવાઈ નથી લાગતી? (ખ) આ લેખમાં શું જોઈશું?

 આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ. એટલે કસોટીઓ આવે ત્યારે આપણને નવાઈ નથી લાગતી. બાઇબલમાં લખ્યું છે: “ઘણી મુસીબતો સહીને આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનું છે.” (પ્રે.કા. ૧૪:૨૨) આપણે એ પણ સારી રીતે જાણીએ છીએ કે અમુક મુશ્કેલીઓથી તો નવી દુનિયામાં જ છુટકારો મળશે. એ સમયે “શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!”—પ્રકટી. ૨૧:૪.

યહોવા આપણા પર કસોટીઓ આવતા અટકાવતા નથી. પણ આપણા પર કસોટીઓ આવે ત્યારે તે એ કસોટીઓ સહન કરવા તાકાત આપે છે. ધ્યાન આપો કે પ્રેરિત પાઉલે રોમમાં રહેતાં ભાઈ-બહેનોને શું જણાવ્યું. સૌથી પહેલા તેમણે જણાવ્યું કે તે અને તેમના સાથી ભાઈઓ કેવી કસોટીઓનો સામનો કરે છે. પછી તેમણે લખ્યું: “જે આપણને પ્રેમ કરે છે, તેમના દ્વારા આપણે એ બધામાં પૂરેપૂરી જીત મેળવીએ છીએ.” (રોમ. ૮:૩૫-૩૭) એનાથી ખબર પડે છે કે યહોવા આપણને કસોટીઓ વખતે સફળતા આપી શકે છે. યૂસફ સાથે પણ એવું જ થયું હતું. ચાલો જોઈએ કે તેમના પર કસોટીઓ આવી ત્યારે યહોવાની મદદથી તે કઈ રીતે સફળ થઈ શક્યા. તેમ જ, આપણા પર કસોટીઓ આવે ત્યારે આપણે કઈ રીતે સફળ થઈ શકીએ.

જ્યારે બધું અચાનક બદલાઈ જાય

૩. યૂસફનું જીવન કઈ રીતે અચાનક બદલાઈ ગયું?

યાકૂબને પોતાનો દીકરો યૂસફ જીવથીયે વહાલો હતો. (ઉત. ૩૭:૩, ૪) એટલે યૂસફના ભાઈઓને ઈર્ષા થતી હતી. તેઓને તક મળી કે તરત તેઓએ અમુક મિદ્યાની વેપારીઓ સાથે સોદો કરીને યૂસફને વેચી દીધા. એ વેપારીઓ યૂસફને સેંકડો કિલોમીટર દૂર ઇજિપ્ત લઈ ગયા. તેમને પોટીફારને ત્યાં વેચી દેવામાં આવ્યા. પોટીફાર ઇજિપ્તના રાજાના અંગરક્ષકોનો ઉપરી હતો. યૂસફના જીવનમાં અચાનક બધું બદલાઈ ગયું. પિતાની આંખનો તારો, તેમનો રાજકુમાર એક ગુલામ બની ગયો.—ઉત. ૩૯:૧.

૪. આપણા પર કેવી કસોટીઓ આવી શકે?

બાઇબલમાં લખ્યું છે: “સમય અને અણધાર્યા સંજોગોની અસર બધાને થાય છે.” (સભા. ૯:૧૧) અમુક વાર આપણા પર એવી કસોટીઓ આવે છે, જે “બધા લોકો પર આવે છે.” (૧ કોરીં. ૧૦:૧૩) પણ અમુક વાર આપણા પર એટલે કસોટીઓ આવે છે, કેમ કે આપણે ઈસુના શિષ્યો છીએ. જેમ કે, આપણી મજાક ઉડાવવામાં આવે છે, વિરોધ થાય છે અને જુલમ ગુજારવામાં આવે છે. (૨ તિમો. ૩:૧૨) ભલે કોઈ પણ કસોટી આવે, આપણે યહોવાની મદદથી સફળ થઈ શકીએ છીએ. ચાલો જોઈએ કે કસોટીઓનો સામનો કરવા યહોવાએ યૂસફને કઈ રીતે મદદ કરી હતી.

યૂસફ ઇજિપ્તમાં પોટીફારને ત્યાં ગુલામ હતા ત્યારે યહોવાએ તેમને સફળતા આપી (ફકરો ૫ જુઓ)

૫. યૂસફની સફળતા જોઈને પોટીફાર શું સમજી ગયો? (ઉત્પત્તિ ૩૯:૨-૬)

ઉત્પત્તિ ૩૯:૨-૬ વાંચો. પોટીફારે જોયું કે યૂસફ ઘણા બુદ્ધિશાળી અને મહેનતુ છે. તેને એ બધાનું કારણ પણ ખબર હતી. તે સમજી ગયો કે ‘દરેક કામમાં યહોવા યૂસફને સફળતા અપાવે છે.’ b સમય જતાં, પોટીફારે યૂસફને ખાસ સેવક બનાવ્યા અને તેમને આખા ઘરનો કારભાર સોંપ્યો. યૂસફને લીધે પોટીફારની ધનસંપત્તિ વધતી ને વધતી ગઈ.

૬. યૂસફને પોતાના સંજોગો વિશે કેવું લાગતું હશે?

હવે સંજોગોને યૂસફની નજરે જોઈએ. પોટીફારના ઘરમાં યૂસફ પાસે ઘણો અધિકાર હતો. તોપણ શું તે એવું ચાહતા હતા કે પોટીફાર તેમની મહેનત પર ધ્યાન આપે અને તેમને ઇનામ આપે? તે તો કદાચ પોતાના ઘરે જવા માંગતા હતા, પિતાને મળવા માંગતા હતા. અહીં તો તે બસ એક ગુલામ હતા. એ પણ એવા માણસના જે યહોવાની ભક્તિ કરતો ન હતો. એ સમયે યહોવાએ એવું કંઈ ન કર્યું જેથી પોટીફાર યૂસફને આઝાદ કરે. પણ આગળ જતાં તેમના સંજોગો વધારે ખરાબ થવાના હતા.

જ્યારે સંજોગો વધારે ખરાબ થઈ જાય

૭. યૂસફના સંજોગો કઈ રીતે વધારે ને વધારે ખરાબ થતા ગયા? (ઉત્પત્તિ ૩૯:૧૪, ૧૫)

ઉત્પત્તિ અધ્યાય ૩૯માં જણાવ્યું છે કે પોટીફારની પત્નીની યૂસફ પર નજર બગડી. તે યૂસફને વારેઘડીએ પોતાની સાથે સૂઈ જવા કહેતી. પણ યૂસફ તેને દર વખતે સાફ ના પાડી દેતા. આખરે, પોટીફારની પત્નીને ગુસ્સો આવ્યો. તેણે યૂસફ પર બળાત્કારનો આરોપ મૂક્યો. (ઉત્પત્તિ ૩૯:૧૪, ૧૫ વાંચો.) પોટીફારને ખબર પડી ત્યારે તેણે યૂસફને કેદખાનામાં નાખી દીધો. યૂસફે ત્યાં અમુક વર્ષો કાઢ્યાં. (ઉત. ૩૯:૧૯, ૨૦) તેમને જ્યાં કેદ કરવામાં આવ્યા હતા એ જગ્યા કેવી હતી? એ માટે તેમણે જે હિબ્રૂ શબ્દ વાપર્યો એનો અર્થ કદાચ “ટાંકામાં” કે “ખાડામાં” થઈ શકે. એનાથી ખબર પડે છે કે એ જગ્યા અંધારી કોટડી જેવી હતી. યૂસફ ત્યાં એકદમ નિરાશ થઈ ગયા હશે. (ઉત. ૪૦:૧૫, ફૂટનોટ) બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે અમુક સમય સુધી તેમના પગમાં બેડીઓ હતી અને ગળે સાંકળ બાંધી હતી. (ગીત. ૧૦૫:૧૭, ૧૮) યૂસફના સંજોગો વધારે ને વધારે ખરાબ થઈ રહ્યા હતા. એક સમયના ભરોસાપાત્ર સેવક, હવે મામૂલી કેદી બની ગયા હતા.

૮. સંજોગો વધારે ખરાબ થઈ જાય તોપણ કઈ વાતની ખાતરી રાખી શકીએ?

શું તમારી સાથે એવું ક્યારેય બન્યું છે કે તમે રડી રડીને યહોવાને પ્રાર્થના કરી હોય પણ સંજોગો સુધરવાને બદલે વધારે બગડી ગયા હોય? આપણા બધા સાથે એવું થઈ શકે છે. કેમ કે આપણે શેતાનની દુનિયામાં જીવીએ છીએ અને યહોવા દર વખતે કોઈ ચમત્કાર કરીને આપણને કસોટીઓમાંથી બચાવતા નથી. (૧ યોહા. ૫:૧૯) પણ આપણે એક વાતની પાકી ખાતરી રાખી શકીએ: યહોવા સારી રીતે જાણે છે કે આપણા પર શું વીતી રહ્યું છે અને તેમને આપણી ચિંતા છે. (માથ. ૧૦:૨૯-૩૧; ૧ પિત. ૫:૬, ૭) એટલે તેમણે આપણને વચન આપ્યું છે: “હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” (હિબ્રૂ. ૧૩:૫) કસોટીઓમાં ભલે આશાનું કિરણ દેખાતું ન હોય, પણ યહોવા એ કસોટીઓને સહન કરવા તાકાત આપશે. ચાલો જોઈએ કે યહોવાએ કઈ રીતે યૂસફને મદદ કરી હતી.

યૂસફ કેદખાનામાં હતા અને તેમને બધા કેદીઓના ઉપરી બનાવવામાં આવ્યા ત્યારે પણ યહોવા તેમની સાથે હતા (ફકરો ૯ જુઓ)

૯. કેદખાનામાં પણ કઈ રીતે યહોવા યૂસફની સાથે હતા? (ઉત્પત્તિ ૩૯:૨૧-૨૩)

ઉત્પત્તિ ૩૯:૨૧-૨૩ વાંચો. યૂસફના જીવનના સૌથી અઘરા સંજોગોમાં યહોવાએ મદદ કરી અને સફળતા આપી. કઈ રીતે? પોટીફાર યૂસફનું કામ જોઈને તેમના પર ભરોસો કરવા લાગ્યો હતો. એવી જ રીતે કેદખાનાનો અધિકારી પણ તેમના પર ભરોસો કરવા લાગ્યો. આગળ જતાં, તેણે યૂસફને બધા કેદીઓનો ઉપરી બનાવ્યો. બાઇબલમાં એ પણ જણાવ્યું છે, “યૂસફની દેખરેખ નીચે જે કંઈ હતું, એ વિશે કેદખાનાનો અધિકારી જરાય ચિંતા કરતો નહિ.” હવે કેદખાનાના એક ખૂણામાં માયૂસ બેસી રહેવાને બદલે યૂસફ પાસે ઘણું કામ હતું. જરા વિચારો, મોટા અધિકારીની પત્નીનો બળાત્કાર કરવાનો આરોપ હોય, એવા માણસને કઈ રીતે આટલી મોટી જવાબદારી મળી? એનું ફક્ત એક જ કારણ હોય શકે. ઉત્પત્તિ ૩૯:૨૩માં જણાવ્યું છે: ‘યહોવા યૂસફની સાથે હતા. તેમના દરેક કામમાં યહોવા તેમને સફળતા આપતા હતા.’

૧૦. યૂસફને કેમ લાગતું નહિ હોય કે તે દરેક કામમાં સફળ થઈ રહ્યા છે?

૧૦ ફરી એક વાર સંજોગોને યૂસફની નજરે જોવાની કોશિશ કરીએ. તેમના પર જૂઠા આરોપ મૂકવામાં આવ્યા. તેમને કેદખાનામાં નાખી દેવામાં આવ્યા. શું એ સમયે યૂસફને લાગતું હશે કે યહોવા દરેક કામમાં તેમને સફળતા આપી રહ્યા છે? એ વખતે યૂસફના મનમાં શું ચાલી રહ્યું હશે? શું તે એવું ચાહતા હતા કે કેદખાનાના ઉપરીની રહેમનજર તેમના પર રહે? તે તેમને વધારે જવાબદારીઓ સોંપે? કદાચ યૂસફ તો ચાહતા હતા કે તેમના પર લાગેલા જૂઠા આરોપ રદ કરવામાં આવે. તેમને કેદખાનામાંથી આઝાદ કરવામાં આવે. એ વિશે તેમણે એક કેદી સાથે વાત કરી હતી, જે આઝાદ થવાનો હતો. યૂસફે તેને જણાવ્યું કે તે બહાર નીકળીને રાજા સાથે વાત કરે, જેથી યૂસફ અંધારી કોટડીમાંથી આઝાદ થઈ શકે. (ઉત. ૪૦:૧૪) પણ પેલો માણસ રાજાને યૂસફ વિશે જણાવવાનું સાવ ભૂલી ગયો. એટલે યૂસફે બે વર્ષ કેદખાનામાં જ કાઢવાં પડ્યાં. (ઉત. ૪૦:૨૩; ૪૧:૧, ૧૪) આવા સંજોગોમાં પણ યહોવા યૂસફને દરેક કામમાં સફળતા આપી રહ્યા હતા. કઈ રીતે?

૧૧. (ક) યહોવાની મદદથી યૂસફ શું કરી શક્યા? (ખ) એનાથી કઈ રીતે યહોવાનો હેતુ પૂરો થયો?

૧૧ યૂસફ કેદખાનામાં હતા ત્યારે યહોવાએ ઇજિપ્તના રાજાને બે સપનાં બતાવ્યાં. એના લીધે તે ખૂબ બેચેન થઈ ગયો. તે કોઈ પણ રીતે એ સપનાંનો અર્થ જાણવા માંગતો હતો. તેને ખબર મળી કે યૂસફ સપનાંનો અર્થ જણાવી શકે છે. એટલે યૂસફને તેની સામે હાજર થવાનું કહેવામાં આવ્યું. યહોવાની મદદથી યૂસફ એ સપનાંનો અર્થ જણાવી શક્યા. તેમણે સારી સલાહ પણ આપી. રાજા તેમનાથી ખુશ થયો. તે સમજી ગયો કે યહોવા યૂસફની સાથે છે. એટલે યૂસફને આખા ઇજિપ્ત પર અધિકારી બનાવવામાં આવ્યા. તે અનાજના બધા કોઠારોની દેખરેખ રાખવા લાગ્યા. (ઉત. ૪૧:૩૮, ૪૧-૪૪) પછી ઇજિપ્ત અને કનાનમાં આકરો દુકાળ પડ્યો. એ સમયે યૂસફનું કુટુંબ કનાનમાં રહેતું હતું. યૂસફ એક મોટા અધિકારી હતા એટલે કુટુંબની જરૂરિયાતો પૂરી કરી શકતા હતા. તેમણે આખા કુટુંબને ઇજિપ્ત બોલાવી લીધું. આમ, જે કુટુંબમાંથી મસીહ આવવાના હતા એનું રક્ષણ થયું.

૧૨. યહોવાએ કઈ રીતે યૂસફને સફળતા આપી?

૧૨ યૂસફના જીવનમાં કંઈ કેટલાય બનાવો બન્યા. જરા વિચારો પોટીફારે કેમ એક મામૂલી ગુલામ પર ધ્યાન આપ્યું? કેદખાનાના અધિકારીએ એક કેદીને કેમ મોટી જવાબદારી સોંપી? કોણે ઇજિપ્તના રાજાને સપનાં દેખાડ્યાં, જેનાથી તે બેચેન થઈ ગયો? કોની મદદથી યૂસફ એ સપનાંનો અર્થ જણાવી શક્યા? કોણે રાજાના મનમાં એ વિચાર મૂક્યો કે તે યૂસફને અનાજના બધા કોઠારોનો અધિકારી બનાવે? (ઉત. ૪૫:૫) આ બધું કંઈ એમ જ બન્યું ન હતું. એ બધા પાછળ યહોવાનો હાથ હતો. યહોવાએ યૂસફને દરેક કામમાં સફળતા આપી. યૂસફના ભાઈઓ તો તેમને મારી નાખવા માંગતા હતા. પણ યહોવાએ પોતાનો હેતુ પૂરો કરવા આખી બાજી પલટી નાખી.

યહોવા આપણને સફળતા આપશે

૧૩. મુશ્કેલી આવે ત્યારે શું ધારી ન લેવું જોઈએ? સમજાવો.

૧૩ યૂસફના બનાવમાંથી ઘણું શીખવા મળે છે. યહોવા આપણી દરેક મુશ્કેલીને અટકાવતા નથી કે એમાં દખલ દેતા નથી. એટલે એવું ધારી ન લેવું જોઈએ કે દર વખતે યહોવા મુશ્કેલીને સારામાં બદલી નાખશે. બાઇબલમાં એવું નથી જણાવ્યું કે જે થાય છે એ સારા માટે થાય છે. (સભા. ૮:૯; ૯:૧૧) પણ બાઇબલમાં એ ચોક્કસ જણાવ્યું છે કે યહોવાને આપણી મુશ્કેલીઓ અને કસોટીઓ વિશે ખબર છે. આપણા પર શું વીતી રહ્યું છે એ તે સારી રીતે જાણે છે. તે મદદનો આપણો પોકાર સાંભળે છે. (ગીત. ૩૪:૧૫; ૫૫:૨૨; યશા. ૫૯:૧) એટલું જ નહિ, યહોવાની મદદથી આપણે ધીરજથી કસોટીઓ સહન કરી શકીએ છીએ અને સફળ થઈ શકીએ છીએ. કઈ રીતે?

૧૪. કસોટીઓમાં યહોવા કઈ રીતે મદદ કરે છે?

૧૪ કસોટીઓમાં યહોવા આપણને દિલાસો અને ઉત્તેજન આપે છે. ઘણી વાર તો એ એકદમ સમયસર હોય છે. (૨ કોરીં. ૧:૩, ૪) તુર્કમેનિસ્તાનમાં રહેતા એઝીઝભાઈ સાથે એવું જ થયું. યહોવાને વફાદાર રહેવાને લીધે તેમને બે વર્ષ માટે જેલની સજા ફટકારવામાં આવી. તે કહે છે: “કેસની સુનાવણી હતી એ દિવસે સવારે એક ભાઈએ મને યશાયા ૩૦:૧૫ બતાવી, યહોવા કહે છે: ‘શાંત રહો અને ભરોસો રાખો તો તમે બળવાન થશો.’ આ કલમ પર વિચાર કરવાથી મને ઘણી હિંમત મળી. હું જેલમાં હતો એટલો સમય શાંત રહી શક્યો અને યહોવામાં પૂરો ભરોસો રાખી શક્યો.” શું તમને એવો કોઈ સમય યાદ છે, જ્યારે તમને સૌથી વધારે જરૂર હતી ત્યારે જ યહોવાએ તમને દિલાસો અને ઉત્તેજન આપ્યું હોય?

૧૫-૧૬. ટોરીબેનના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું?

૧૫ ઘણી વાર એવું બને કે કસોટીઓમાં આપણે યહોવાની મદદનો હાથ ન જોઈ શકીએ. પણ પછીથી એના પર વિચાર કરીએ તો અહેસાસ થાય કે યહોવા હંમેશાં આપણી પડખે હતા. ટોરીબેને એવું જ અનુભવ્યું. તેમના દીકરા મેસનને કેન્સર થયું. તે ૬ વર્ષ સુધી આ મોટી બીમારી સામે ઝઝૂમ્યો અને પછી ગુજરી ગયો. ટોરીબેન પર આભ તૂટી પડ્યું. તે કહે છે: “બાળકને પોતાની આંખો સામે તડપતા જોવાનું દુઃખ એક મા માટે અસહ્ય હોય છે. કોઈ માબાપ એવું નહિ ચાહે કે તેઓનું બાળક દર્દથી પીડાય. ભલે તેઓને કંઈ પણ થઈ જાય, તેઓ ચાહે છે કે બાળકને ઊની આંચ પણ ન આવે.”

૧૬ પોતાના દીકરાને દર્દથી પીડાતા જોવું ટોરીબેન માટે બહુ અઘરું હતું. તેમણે એ સમયનો વિચાર કર્યો ત્યારે તે સમજી શક્યા કે યહોવાએ કઈ રીતે તેઓને મદદ કરી હતી. તે કહે છે: “હું એ દિવસો યાદ કરું છું ત્યારે મને અહેસાસ થાય છે કે યહોવાએ ક્યારેય અમારો સાથ છોડ્યો ન હતો. તે હંમેશાં અમારી પડખે હતા. જેમ કે, મેસનની તબિયત વધારે બગડી અને તે કોઈને મળી શકતો ન હતો તોપણ ભાઈ-બહેનો બે કલાક ગાડી ચલાવીને હૉસ્પિટલમાં મળવા આવતાં. કોઈ ને કોઈ હંમેશાં હૉસ્પિટલમાં રહેતું. તેઓએ ક્યારેય અમને એકલા પડવા ન દીધા. તેઓએ અમારી બીજી જરૂરિયાતોનું પણ ધ્યાન રાખ્યું. અઘરામાં અઘરા સંજોગોમાં પણ અમને કશાની ખોટ પડી નહિ.” યહોવાએ ટોરીબેન અને મેસનને કસોટીઓ સહન કરવા મદદ કરી. તેઓને જેની જરૂર હતી એ યહોવાએ પૂરું પાડ્યું.—“ અમને જેની જરૂર હતી એ બધું યહોવાએ પૂરું પાડ્યું” બૉક્સ જુઓ.

આશીર્વાદોને નજર સામે રાખીએ

૧૭-૧૮. કસોટીઓમાં યહોવા મદદ કરે છે એ જોવા આપણે શું કરી શકીએ? (ગીતશાસ્ત્ર ૪૦:૫)

૧૭ ગીતશાસ્ત્ર ૪૦:૫ વાંચો. ઘણા લોકોને પહાડ ચઢવાનો શોખ હોય છે. તેઓનું પૂરું ધ્યાન મંજિલ પર હોય છે. તેઓને પહાડના શિખર પર પહોંચવું હોય છે. પણ તેઓ પહાડ ચઢતી વખતે વચ્ચે વચ્ચે રોકાય છે. મન મોહી લે એવા નજારાનો આનંદ માણે છે. એવી જ રીતે, આપણે ચાહતા હોઈએ કે કસોટીઓનો બસ અંત આવે. પણ આપણે કસોટીઓ દરમિયાન સમયે સમયે વિચારવું જોઈએ કે યહોવા કઈ રીતે મદદ કરે છે અને સફળતા આપે છે. દિવસના અંતે આ સવાલોનો વિચાર કરી શકીએ: ‘આજે યહોવાએ મને કઈ રીતે આશીર્વાદ આપ્યો? મારી તકલીફો હજી ચાલુ છે પણ એને સહન કરવા યહોવા કઈ રીતે મને મદદ કરે છે?’ ઓછામાં ઓછા એવા એક આશીર્વાદનો વિચાર કરીએ, જેનાથી ખબર પડે કે યહોવા સફળતા આપે છે.

૧૮ આપણે યહોવાને અરજ કરતા હોઈશું કે કસોટીઓનો જલદી અંત આવે. એમ કરવું ખોટું નથી. (ફિલિ. ૪:૬) પણ યહોવા આજે જે આશીર્વાદ આપે છે એના પર પણ વિચાર કરીએ. તેમણે વચન આપ્યું છે, તે આપણને હિંમત આપશે ને કસોટીઓ સહન કરવા મદદ કરશે. હંમેશાં યાદ રાખીએ કે યહોવા આપણી પડખે છે. એ માટે તેમનો આભાર માનવાનું ક્યારેય ન ચૂકીએ. પછી જોઈ શકીશું કે યહોવા યૂસફની જેમ આપણને પણ કસોટીઓ સહન કરવા મદદ કરે છે અને સફળતા આપે છે.—ઉત. ૪૧:૫૧, ૫૨.

ગીત ૨૭ યહોવા મારો માલિક

a આપણને લાગે કે કસોટી પાર કરી દીધા પછી જ કહી શકીએ કે આપણે ‘સફળ’ થયા છીએ. પણ તમને ખબર છે, તમે કસોટીઓ વખતે પણ સફળ થઈ શકો છો. યૂસફના જીવનથી આપણે એ જ શીખીએ છીએ. યહોવાએ કસોટીઓ વખતે તેમને મદદ કરી અને સફળતા અપાવી. એવી જ રીતે યહોવા આપણને પણ મદદ કરી શકે છે અને આપણે સફળ થઈ શકીએ છીએ. આ લેખમાં એ વિશે વધારે જોઈશું.

b બાઇબલમાં ફક્ત થોડી જ કલમોમાં જણાવ્યું છે કે ગુલામીમાં ગયા પછી યૂસફ સાથે શું થયું. પણ એ બધું ઘણાં વર્ષો દરમિયાન થયું હશે.