સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૯

જીવન કીમતી છે, એની કદર કરીએ

જીવન કીમતી છે, એની કદર કરીએ

“તેમના તરફથી આપણને જીવન મળ્યું છે, આપણે હરી-ફરી શકીએ છીએ અને જીવીએ છીએ.”—પ્રે.કા. ૧૭:૨૮.

ગીત ૧ યહોવાના ગુણો

ઝલક a

૧. યહોવાએ કઈ રીતે બતાવ્યું કે તે આપણાં જીવનને કીમતી ગણે છે?

 ધારો કે, તમારા પપ્પા તમને વારસામાં એક મોટું ઘર આપે છે. એ એકદમ સુંદર છે. ભલેને અમુક જગ્યાએથી એનો રંગ ઉખડી ગયો છે, એમાં તિરાડો પડી છે, પણ એ ઘરની કિંમત લાખો રૂપિયા છે. શું તમે એની કદર નહિ કરો? શું તમે એની સારસંભાળ રાખવાની પૂરી કોશિશ નહિ કરો? ચોક્કસ કરશો. એવી જ રીતે, યહોવાએ આપણને એક કીમતી ભેટ આપી છે. એ છે આપણું જીવન. આપણા માટે પોતાનો દીકરો આપીને યહોવાએ બતાવ્યું કે તેમના માટે આપણું જીવન ખૂબ કીમતી છે.—યોહા. ૩:૧૬.

૨. બીજો કોરીંથીઓ ૭:૧ પ્રમાણે યહોવા આપણી પાસેથી શું ચાહે છે?

યહોવા જીવનનો ઝરો છે. (ગીત. ૩૬:૯) પ્રેરિત પાઉલને એ વાત પર પૂરો ભરોસો હતો, એટલે તેમણે કહ્યું: “તેમના તરફથી આપણને જીવન મળ્યું છે, આપણે હરી-ફરી શકીએ છીએ અને જીવીએ છીએ.” (પ્રે.કા. ૧૭:૨૫, ૨૮) એટલે આપણે કહી શકીએ કે જીવન ઈશ્વર તરફથી એક ભેટ છે. તે આપણને ખૂબ પ્રેમ કરતા હોવાથી તેમણે જીવન-જરૂરી બધું પૂરું પાડ્યું છે. (પ્રે.કા. ૧૪:૧૫-૧૭) પણ આપણો જીવ જોખમમાં ન આવે એ માટે તે કોઈ ચમત્કાર કરતા નથી. તે ચાહે છે કે આપણે તબિયતનું ધ્યાન રાખવા અને તેમની ભક્તિ કરતા રહેવા બનતું બધું કરીએ. (૨ કોરીંથીઓ ૭:૧ વાંચો.) પણ આપણે કેમ તબિયતનું ધ્યાન રાખવું જોઈએ અને પોતાના જીવનનું રક્ષણ કરવું જોઈએ? એ માટે શું કરી શકીએ?

જીવન એક કીમતી ભેટ છે, એની કદર કરીએ

૩. આપણે તબિયતનું ધ્યાન રાખીએ છીએ એનું એક કારણ કયું છે?

આપણે કેમ તબિયતનું ધ્યાન રાખવું જોઈએ? એનું એક કારણ છે કે આપણે પૂરાં તન-મનથી યહોવાની ભક્તિ કરવા માંગીએ છીએ. (માર્ક ૧૨:૩૦) આપણે ચાહીએ છીએ કે આપણાં “શરીરનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ” કરીએ. (રોમ. ૧૨:૧) એટલે આપણે એવું કંઈ પણ કરવા નથી માંગતા જેનાથી આપણી તબિયત બગડે. જોકે, આપણે હંમેશાં તંદુરસ્ત રહી શકતા નથી, ક્યારેક ને ક્યારેક બીમાર પડીએ છીએ. પણ તબિયતનું ધ્યાન રાખીશું તો બતાવી આપીશું કે પિતા યહોવાએ આપેલી કીમતી ભેટ, જીવનની આપણે ખૂબ કદર કરીએ છીએ.

૪. દાઉદ રાજાની ઇચ્છા કઈ હતી?

દાઉદ રાજા પણ જીવનની ખૂબ કદર કરતા હતા. એક ગીતમાં તેમણે એનું કારણ જણાવ્યું. તેમણે લખ્યું: “મારા મરણથી શું ફાયદો? હું કબરમાં જાઉં, એનાથી શું લાભ? શું ધૂળ તમારી સ્તુતિ કરી શકે? શું માટી તમારી વફાદારી વિશે જણાવી શકે?” (ગીત. ૩૦:૯) દાઉદે એ શબ્દો લખ્યા ત્યારે કદાચ તેમની ઘણી ઉંમર થઈ ગઈ હતી. તોપણ તે તંદુરસ્ત રહેવા કંઈ પણ કરવા તૈયાર હતા. તે લાંબું જીવવા માંગતા હતા, જેથી યહોવાની સ્તુતિ કરતા રહી શકે. દાઉદની જેમ આપણી પણ એ જ તમન્‍ના છે.

૫. ભલે ગમે એટલા બીમાર કે વૃદ્ધ હોઈએ, આપણે શું કરતા રહી શકીએ છીએ?

બીમારી કે વધતી ઉંમરને લીધે આપણે કદાચ પહેલાં જેટલું ન કરી શકીએ. એટલે ક્યારેક ક્યારેક પોતાના પર ગુસ્સો આવે અથવા નિરાશ થઈ જઈએ. પણ હિંમત હારી જવાને બદલે તબિયતનું ધ્યાન રાખવા આપણાથી થઈ શકે એ બધું કરીએ. એવું કેમ કરવું જોઈએ? ભલે આપણે બીમાર પડીએ કે વૃદ્ધ થઈએ, દાઉદ રાજાની જેમ આપણે પણ યહોવાની સ્તુતિ કરતા રહી શકીએ છીએ. આપણું શરીર કમજોર થઈ જાય તોપણ યહોવાની નજરમાં આપણું મૂલ્ય જરાય ઓછું થતું નથી, એ જાણીને આપણાં દિલને કેટલી રાહત મળે છે! (માથ. ૧૦:૨૯-૩૧) કાલ ઊઠીને આપણું મરણ થાય તોપણ યહોવા આપણને ફરી જીવતા કરવા આતુર છે. (અયૂ. ૧૪:૧૪, ૧૫) ચાલો, છેલ્લા શ્વાસ સુધી આપણે તબિયતનું ધ્યાન રાખીએ.

ખરાબ આદતોથી સાવધ રહીએ

૬. ખાવા-પીવાને લગતી આદતો વિશે યહોવા આપણી પાસેથી શું ચાહે છે?

બાઇબલ એ વિશેનું પુસ્તક નથી કે સ્વાસ્થ્ય સારું રાખવા શું કરવું જોઈએ અથવા શું ખાવું-પીવું જોઈએ. પણ બાઇબલથી આપણને એ ચોક્કસ જાણવા મળે છે કે એ બધા વિશે યહોવા શું વિચારે છે. જેમ કે, બાઇબલમાં યહોવાએ સલાહ આપી છે કે શરીરને ‘નુકસાન કરનાર બાબતો દૂર કરીએ.’ (સભા. ૧૧:૧૦) બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે આપણે વધારે પડતો દારૂ ન પીએ અને ખાઉધરા ન બનીએ. (નીતિ. ૨૩:૨૦) એમ કરવાથી આપણી તબિયત બગડી શકે છે. અરે, આપણો જીવ પણ જોખમમાં આવી શકે છે. શું ખાઈશું અને પીશું અથવા કેટલું ખાઈશું અને પીશું, એનો નિર્ણય લેતી વખતે યહોવા ચાહે છે કે આપણે સંયમ રાખીએ.—૧ કોરીં. ૬:૧૨; ૯:૨૫.

૭. તબિયતની બાબતમાં સારો નિર્ણય લેવા નીતિવચનો ૨:૧૧ની સલાહ કઈ રીતે મદદ કરે છે?

જ્યારે આપણે દરેક બાબતમાં સમજી-વિચારીને નિર્ણય લઈએ છીએ, ત્યારે દેખાઈ આવે છે કે યહોવાએ આપેલા જીવનની કદર કરીએ છીએ. (ગીત. ૧૧૯:૯૯, ૧૦૦; નીતિવચનો ૨:૧૧ વાંચો.) જેમ કે, ખાવા-પીવાની બાબતમાં કઈ રીતે સમજી-વિચારીને નિર્ણય લઈ શકીએ? જો કોઈ ખોરાકથી બીમાર પડતા હોઈએ, તો સારું રહેશે કે આપણે એ ખોરાક ન ખાઈએ. પૂરતી ઊંઘ લઈને, નિયમિત કસરત કરીને, પોતાને સ્વચ્છ રાખીને અને ઘરને સાફ રાખીને બતાવીએ છીએ કે આપણે સમજી-વિચારીને વર્તીએ છીએ.

સલામતીનું ધ્યાન રાખીએ

૮. બાઇબલમાંથી કઈ રીતે ખબર પડે છે કે આપણે હંમેશાં સલામતીનું ધ્યાન રાખીએ એવી યહોવાની ઇચ્છા છે?

યહોવાએ ઇઝરાયેલીઓને નિયમો આપ્યા હતા. એ નિયમો પાળવાથી તેઓ ઘરમાં અને કામ કરતી વખતે જીવ જોખમમાં આવે એવા સંજોગોથી બચી શકતા હતા અને સલામત રહી શકતા હતા. (નિર્ગ. ૨૧:૨૮, ૨૯; પુન. ૨૨:૮) જેમ કે, એક વ્યક્તિ અજાણતાં કોઈને મારી નાખે તો તેણે એનાં ગંભીર પરિણામ ભોગવવાં પડતાં હતાં. (પુન. ૧૯:૪, ૫) જો એક વ્યક્તિથી અજાણતાં ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચે અને તેના બાળકને નુકસાન થાય, તો એ વ્યક્તિને સજા કરવામાં આવતી હતી. (નિર્ગ. ૨૧:૨૨, ૨૩) આમ, બાઇબલમાંથી સાફ જોવા મળે છે કે આપણે હંમેશાં સલામતીનું ધ્યાન રાખીએ એવી યહોવાની ઇચ્છા છે.

આ સંજોગોમાં કઈ રીતે બતાવી શકીએ કે આપણે જીવનની કદર કરીએ છીએ? (ફકરો ૯ જુઓ)

૯. સલામતીનું ધ્યાન રાખવા કેવાં પગલાં ભરી શકીએ? (ચિત્રો પણ જુઓ.)

આપણે ઘરમાં અને કામ કરતી વખતે સલામતીનું ધ્યાન રાખીને બતાવીએ છીએ કે આપણે જીવનની કદર કરીએ છીએ. દાખલા તરીકે, ધારદાર વસ્તુઓ, દવાઓ અથવા કેમિકલ એ રીતે રાખીએ છીએ કે એ બાળકોના હાથમાં ન આવે. એવી વસ્તુઓને ફેંકવાની હોય તો એ રીતે ફેંકીએ છીએ, જેથી કોઈને નુકસાન ન પહોંચે. આગ સળગાવતી વખતે, પાણી ગરમ કરતી વખતે અથવા સાધનો વાપરતી વખતે આપણે સાવચેતી રાખીએ છીએ અને એને એમ જ મૂકીને જતા નથી રહેતા. જો એવી કોઈ દવા લીધી હોય અથવા દારૂ પીધો હોય જેના લીધે સાવચેતીથી ગાડી ચલાવવી અઘરું થઈ જાય, તો આપણે ગાડી નથી ચલાવતા. આપણે પૂરતી ઊંઘ ન લીધી હોય તોપણ ગાડી નથી ચલાવતા. એટલું જ નહિ, ગાડી ચલાવતી વખતે આપણે ફોન વાપરવાનું ટાળીએ છીએ.

આફત આવી પડે ત્યારે

૧૦. આફત આવે એ સમયે કે એના પહેલાં આપણે શું કરી શકીએ?

૧૦ આપણાં જીવનને જોખમમાં મૂકે એવા અમુક બનાવોને આપણે ટાળી નથી શકતા, ખાસ કરીને કુદરતી હોનારત, મહામારી અને હુલ્લડ. આપણા વિસ્તારમાં એવી આફતો આવે તો પોતાને બચાવવા અમુક પગલાં ભરી શકીએ. જેમ કે, કરફ્યુ જાહેર કરવામાં આવે, અમુક નિયંત્રણ લગાવવામાં આવે અથવા વિસ્તાર છોડી દેવાનું કહેવામાં આવે તો આપણે એ સૂચનો પાળીએ. (રોમ. ૧૩:૧, ૫-૭) અમુક આફતોની પહેલેથી જાણ થઈ જાય છે. એવા સમયે સ્થાનિક અધિકારીઓ જે માર્ગદર્શન આપે એને માનીએ. એમ કરીશું તો આફત માટે પહેલેથી તૈયાર રહી શકીશું. જેમ કે, આપણે ધ્યાન આપીશું કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી હોય, જલદી બગડે નહિ એવી ખાવા-પીવાની વસ્તુઓ હોય અને જરૂરી દવાઓ હોય.

૧૧. આપણા વિસ્તારમાં ચેપી રોગ ફેલાય તો શું કરવું જોઈએ?

૧૧ આપણા વિસ્તારમાં ચેપી રોગ ફેલાય તો શું કરવું જોઈએ? સરકારના આદેશો પાળવા જોઈએ. જેમ કે, હાથ ધોવા જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, યોગ્ય અંતર રાખવું જોઈએ અને બીમારીનાં લક્ષણો દેખાય તો બીજાઓથી અલગ રહેવું જોઈએ. એવી સાવચેતી રાખીશું તો દેખાઈ આવશે કે ઈશ્વરે જે જીવન આપ્યું છે, એની કદર કરીએ છીએ.

૧૨. આફતના સમયે નીતિવચનો ૧૪:૧૫નો સિદ્ધાંત કઈ રીતે પાળી શકીએ?

૧૨ આફતના સમયે કદાચ મિત્રો પાસેથી, અડોશ-પડોશમાંથી કે સમાચારોમાં આપણને ખોટી માહિતી સાંભળવા મળે. જોકે, “દરેક શબ્દ” ખરો માની લેવાને બદલે સરકારી અધિકારીઓ અને ડૉક્ટરો પાસેથી મળતી ભરોસાપાત્ર માહિતી પર ધ્યાન આપવું જોઈએ. (નીતિવચનો ૧૪:૧૫ વાંચો.) નિયામક જૂથ અને શાખા કચેરીના ભાઈઓ ખરી માહિતી મેળવવા અથાક મહેનત કરે છે. એ પછી જ તેઓ સભા અને પ્રચારને લગતું માર્ગદર્શન આપે છે. (હિબ્રૂ. ૧૩:૧૭) જો આપણે એ માર્ગદર્શન પાળીશું, તો એનાથી આપણાં અને બીજાઓનાં જીવનનું રક્ષણ થશે. તેમ જ, કદાચ આપણા વિસ્તારના લોકોની નજરમાં યહોવાના સાક્ષીઓનું માન વધશે.—૧ પિત. ૨:૧૨.

લોહીને લગતી મુશ્કેલીઓ ઊભી થાય એ પહેલાં તૈયારી કરીએ

૧૩. લોહીની વાત આવે ત્યારે કઈ રીતે બતાવી શકીએ કે આપણે જીવનને કીમતી ગણીએ છીએ?

૧૩ ઘણા લોકોને ખબર છે કે યહોવાના સાક્ષીઓ લોહી નથી લેતા. કેમ કે તેઓ લોહીને પવિત્ર ગણે છે. યહોવાએ બાઇબલમાં સીધેસીધું લખાવ્યું છે કે લોહી ન લેવું જોઈએ. (પ્રે.કા. ૧૫:૨૮, ૨૯) ભલે કંઈ પણ થઈ જાય, અરે આપણો જીવ દાવ પર લાગેલો હોય તોપણ આપણે એ નિયમ પાળીએ છીએ. પણ એનો અર્થ એ નથી કે આપણને પોતાના જીવનની કંઈ પડી નથી. યહોવાએ જે જીવન આપ્યું છે એને આપણે કીમતી ગણીએ છીએ. એટલે એવા ડૉક્ટરો પાસે જઈએ છીએ, જેઓ લોહી વગર સારામાં સારી સારવાર કરવા તૈયાર હોય.

૧૪. કેવાં પગલાં ભરવાથી કદાચ મોટાં ઑપરેશન કરાવવાની જરૂર ન પડે?

૧૪ આ લેખમાં આપેલાં સૂચનો પાળીશું અને તબિયતનું ધ્યાન રાખીશું તો કદાચ મોટાં ઑપરેશન કરાવવાની જરૂર ઊભી ન થાય. જો ઑપરેશન કરાવવું પડે તોપણ વધારે સમસ્યાઓ ઊભી નહિ થાય અને ઑપરેશન પછી જલદી સાજા થઈ શકીશું. જો ઘરમાં અને કામની જગ્યાએ સલામતીનું ધ્યાન રાખીશું તેમજ ટ્રાફિકના નિયમો પાળીશું, તો અકસ્માતો ટાળી શકીશું અને કદાચ ઑપરેશનનો સવાલ જ ઊભો ન થાય.

આપણે જીવનને કીમતી ગણીએ છીએ, એટલે એડવાન્સ હેલ્થ કૅર ડિરેક્ટીવ ભરીએ છીએ અને હંમેશાં એને સાથે રાખીએ છીએ (ફકરો ૧૫ જુઓ) d

૧૫. (ક) એડવાન્સ હેલ્થ કૅર ડિરેક્ટીવમાં કેમ નવામાં નવી માહિતી ભરવી જોઈએ અને એને હંમેશાં સાથે રાખવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.) (ખ) વીડિયોમાં બતાવ્યું છે તેમ લોહીની વાત આવે ત્યારે યોગ્ય નિર્ણય લેવા શું કરી શકીએ?

૧૫ જીવન કીમતી ગણતા હોવાથી આપણે એડવાન્સ હેલ્થ કૅર ડિરેક્ટીવ કાર્ડ ભરીએ છીએ. b એને આપણે હંમેશાં સાથે રાખીએ છીએ. એમાં લખીએ છીએ કે લોહી લેવાની વાત આવે ત્યારે આપણો નિર્ણય શું હશે. એમાં સ્વાસ્થ્ય અને સારવારને લગતી અમુક વિગતો પણ લખીએ છીએ. શું તમે એડવાન્સ હેલ્થ કૅર ડિરેક્ટીવ ભર્યું છે? શું એમાં વિગતો ઉમેરવાની જરૂર છે? જો એ ભરવાનું બાકી હોય અથવા એમાં કોઈ સુધારા-વધારા કરવાના હોય, તો જરાય મોડું કરશો નહિ, એને તરત ભરી દો. એમાં બધી માહિતી લખવાના ઘણા ફાયદા છે. જો સ્વાસ્થ્યને લગતી કોઈ મોટી મુશ્કેલી ઊભી થાય તો સારવાર મેળવવામાં વગર કામનું મોડું નહિ થાય. ડૉક્ટરો પણ આપણને એવી કોઈ દવા કે સારવાર નહિ આપે જેનાથી આપણો જીવ જોખમમાં આવી પડે. c

૧૬. એડવાન્સ હેલ્થ કૅર ડિરેક્ટીવ કઈ રીતે ભરવું એ સમજાતું ન હોય તો શું કરી શકીએ?

૧૬ ભલે હમણાં આપણે યુવાન હોઈએ કે તંદુરસ્ત હોઈએ, એડવાન્સ હેલ્થ કૅર ડિરેક્ટીવ ભરવાથી આપણું જ ભલું થશે. કેમ કે અકસ્માત કોઈની પણ સાથે થઈ શકે છે અને આપણે ક્યારેય પણ બીમાર પડી શકીએ છીએ. (સભા. ૯:૧૧) જો તમને સમજાતું ન હોય કે આ કાર્ડ કઈ રીતે ભરવું તો વડીલોની મદદ લો. એને ભરવામાં તેઓ તમારી મદદ કરી શકે છે. કેમ કે આ કાર્ડ કઈ રીતે ભરવું એ વિશે તેઓ પાસે વધારે માહિતી હોય છે. પણ તેઓ તમારા વતી કોઈ નિર્ણય નહિ લે. એ તો તમારી જવાબદારી છે. (ગલા. ૬:૪, ૫) તેઓ તમને એ જાણવા મદદ કરી શકે કે લોહીને લગતી બાબતોમાં કેવા કેવા નિર્ણય લઈ શકાય છે. પછી તમારો નિર્ણય કાર્ડમાં લખવા પણ તેઓ મદદ કરી શકે.

વાજબી રહીએ

૧૭. તબિયતની વાત આવે ત્યારે કઈ રીતે બતાવી શકીએ કે આપણે વાજબી છીએ?

૧૭ તબિયત અને સારવારને લગતા ઘણા નિર્ણયો આપણે બાઇબલથી કેળવાયેલા અંતઃકરણ પ્રમાણે લઈએ છીએ. (પ્રે.કા. ૨૪:૧૬; ૧ તિમો. ૩:૯) એટલે કોઈ નિર્ણય લેતી વખતે અને બીજાઓ સાથે એ વિશે વાત કરતી વખતે આપણે ફિલિપીઓ ૪:૫નો સિદ્ધાંત હંમેશાં મનમાં રાખીએ. ત્યાં જણાવ્યું છે: “તમે વાજબી છો, એની બધાને જાણ થવા દો.” વાજબી હોઈશું તો તબિયત અને સારવારની બાબતમાં ભાઈ-બહેનોના નિર્ણયને માન આપીશું અને પોતાના વિચારો તેઓ પર થોપી નહિ બેસાડીએ. બની શકે કે કોઈ ભાઈ કે બહેનનો નિર્ણય આપણા કરતા અલગ હોય. એવા સમયે પણ આપણે તેમને પ્રેમ કરતા રહીએ અને આદર બતાવતા રહીએ. (રોમ. ૧૪:૧૦-૧૨) વાજબી રહેવામાં એ પણ સમાયેલું છે કે આપણે પોતાના સ્વાસ્થ્યની વધારે પડતી ચિંતા ન કરીએ.

૧૮. કઈ રીતે બતાવી શકીએ કે ઈશ્વરે આપેલા જીવનની કદર કરીએ છીએ?

૧૮ આપણે સલામતીનું ધ્યાન રાખીએ છીએ અને તન-મનથી યહોવાની ભક્તિ કરીએ છીએ. એમ કરીને બતાવી આપીએ છીએ કે જીવન આપનાર ઈશ્વરની આપણે કદર કરીએ છીએ. (પ્રકટી. ૪:૧૧) આજે આપણે ઘણી બીમારીઓ સામે લડવું પડે છે અને આફતોનો સામનો કરવો પડે છે. આપણા સર્જનહાર યહોવાએ આપણને આવું જીવન જીવવા બનાવ્યા ન હતા. તે તો આપણને બહુ પ્રેમ કરે છે. તે બહુ જલદી આપણને હંમેશ માટેનું જીવન આપશે. એ સમયે કોઈ ડર કે પીડા નહિ હોય અને કોઈનું મરણ નહિ થાય. (પ્રકટી. ૨૧:૪) પણ એ સમય આવે ત્યાં સુધી ચાલો આપણે પોતાની તબિયતનું ધ્યાન રાખીએ અને યહોવા પિતાની ભક્તિ કરતા રહીએ.

ગીત ૫૫ જીવન દીપ નહિ બૂઝે

a જીવન એ ઈશ્વર તરફથી એક કીમતી ભેટ છે. આ લેખ જીવનની ભેટ માટે આપણી કદર વધારવા મદદ કરશે. આપણે જોઈશું કે આફત આવે ત્યારે કઈ રીતે કઈ રીતે તબિયતનું ધ્યાન રાખી શકીએ અને પોતાના જીવનું રક્ષણ કરી શકીએ. તેમ જ, કઈ રીતે અકસ્માત ટાળી શકીએ. આ લેખમાં એ પણ ચર્ચા કરીશું કે સારવારને લગતી મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવા કઈ રીતે પહેલેથી તૈયાર રહી શકીએ.

b એને ‘નો બ્લડ’ કાર્ડ પણ કહેવામાં આવે છે.

d ચિત્રની સમજ: એક યુવાન ભાઈ એડવાન્સ હેલ્થ કૅર ડિરેક્ટીવ ભરે છે અને બહાર જતી વખતે પોતાની સાથે એ કાર્ડ લઈ જાય છે.