સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૨

સૃષ્ટિ નિહાળીએ, યહોવાને વધારે ઓળખીએ

સૃષ્ટિ નિહાળીએ, યહોવાને વધારે ઓળખીએ

“ઈશ્વરે જે રીતે દુનિયાને રચી છે, એનો વિચાર કરવાથી આપણે તેમના અદૃશ્ય ગુણો સમજી શકીએ છીએ.”—રોમ. ૧:૨૦.

ગીત ૧૫ સૃષ્ટિ આપે યહોવાની ઓળખ

ઝલક a

૧. કઈ એક રીતથી અયૂબ યહોવાને વધારે સારી રીતે ઓળખી શક્યા?

 અયૂબે પોતાના જીવનમાં ઘણા લોકો સાથે વાતચીત કરી હશે. પણ યહોવા ઈશ્વર સાથેની વાતચીત તે કદી ભૂલ્યા નહિ હોય. એ વાતચીતમાં યહોવાએ અયૂબને કહ્યું કે તે તેમણે બનાવેલી સૃષ્ટિ નિહાળે. એનાથી અયૂબ જોઈ શક્યા હશે કે યહોવા ખૂબ બુદ્ધિશાળી છે અને તેમનો ભરોસો મજબૂત થયો હશે કે યહોવા પોતાના ભક્તોની જરૂરિયાતો પૂરી કરી શકે છે. દાખલા તરીકે, યહોવાએ અયૂબને યાદ અપાવ્યું કે તે પ્રાણીઓની સંભાળ રાખે છે, તો તે અયૂબની પણ સારી રીતે સંભાળ રાખી શકે છે. (અયૂ. ૩૮:૩૯-૪૧; ૩૯:૧, ૫, ૧૩-૧૬) આમ, સૃષ્ટિ નિહાળીને અયૂબ પોતાના ઈશ્વર યહોવાના ગુણો વિશે ઘણું શીખી શક્યા.

૨. યહોવાની સૃષ્ટિ નિહાળવી કેમ અમુક વાર અઘરું બની શકે?

આપણે પણ સૃષ્ટિ જોઈને આપણા ઈશ્વર વિશે વધારે શીખી શકીએ છીએ. પણ અમુક વાર એ અઘરું બની શકે છે. જો આપણે શહેરમાં રહેતા હોઈએ, તો કદાચ આપણને યહોવાએ બનાવેલી ઘણી વસ્તુઓ જોવાનો મોકો ન મળે. કુદરતના ખોળે રહેતા હોઈએ તોપણ લાગી શકે કે એનો અભ્યાસ કરવા આપણી પાસે સમય નથી. એટલે ચાલો જોઈએ કે સૃષ્ટિ નિહાળવા સમય કાઢવો અને મહેનત કરવી કેમ જરૂરી છે. આપણે એ પણ જોઈશું કે યહોવા અને ઈસુએ કઈ રીતે સૃષ્ટિમાંથી દાખલા આપીને શીખવ્યું તેમજ કુદરત પાસેથી શીખવા આપણે શું કરી શકીએ.

સૃષ્ટિ કેમ નિહાળવી જોઈએ?

યહોવા ચાહતા હતા કે આદમ તેમણે બનાવેલી સૃષ્ટિનો આનંદ માણે અને પ્રાણીઓનાં નામ પાડે (ફકરો ૩ જુઓ)

૩. કેમ કહી શકીએ કે આદમ સૃષ્ટિનો આનંદ માણે એવું યહોવા ચાહતા હતા?

યહોવા ચાહતા હતા કે આ દુનિયાનો સૌથી પહેલો માણસ તેમણે રચેલી સૃષ્ટિનો આનંદ માણે. એવું કેમ કહી શકીએ? જ્યારે ઈશ્વરે આદમને બનાવ્યો ત્યારે તેને રહેવા માટે સુંદર બાગ આપ્યો. તેમણે તેને એ બાગની સંભાળ રાખવાનું અને આખી પૃથ્વીને એ બાગ જેવી સુંદર બનાવવાનું કામ સોંપ્યું. (ઉત. ૨:૮, ૯, ૧૫) જરા વિચારો, જ્યારે દાણામાંથી અંકુર ફૂટ્યા હશે અને કળીમાંથી ફૂલ ખીલ્યું હશે, ત્યારે આદમને કેટલી ખુશી થઈ હશે! (ઉત. ૨:૧૯, ૨૦) એદન બાગની સંભાળ રાખવી, એ આદમ માટે બહુ જ મોટો લહાવો હતો. યહોવાએ તેને પ્રાણીઓનાં નામ પાડવાનું પણ કહ્યું. યહોવા પોતે પ્રાણીઓનાં નામ પાડી શક્યા હોત, પણ તેમણે એ કામ આદમને સોંપ્યું. ચોક્કસ, નામ પાડતા પહેલાં આદમે ધ્યાનથી જોયું હશે કે એ પ્રાણી કેવું દેખાય છે અને કઈ રીતે વર્તે છે. એ કામમાં તેને ખૂબ જ મજા પડી હશે. તે જોઈ શક્યો હશે કે તેના પિતા કેટલા બુદ્ધિશાળી છે અને તેમના હાથની કારીગરી કેટલી સુંદર છે.

૪. (ક) સૃષ્ટિ નિહાળવાનું એક કારણ કયું છે? (ખ) યહોવાએ રચેલી સૃષ્ટિમાંથી તમને શું ગમે છે?

સૃષ્ટિ નિહાળવાનાં ઘણાં કારણો છે. એમાંનું એક કારણ છે કે યહોવા પોતે ચાહે છે કે આપણે સૃષ્ટિ નિહાળીએ. તે કહે છે: “તમારી આંખો ઊંચી કરીને આકાશ તરફ જુઓ.” પછી તે પૂછે છે: ‘એ બધું કોણે બનાવ્યું છે?’ જવાબ એકદમ સ્પષ્ટ છે. (યશા. ૪૦:૨૬) યહોવાએ ફક્ત આકાશમાંની વસ્તુઓ જ નહિ, પૃથ્વી અને સમુદ્રમાંની વસ્તુઓ પણ બનાવી છે. એ બધું આપણને યહોવા વિશે કંઈ ને કંઈ શીખવે છે. (ગીત. ૧૦૪:૨૪, ૨૫) યહોવાએ આપણને જે રીતે બનાવ્યા છે એનો વિચાર કરો. તેમણે આપણને એ રીતે બનાવ્યા છે કે આપણે પ્રકૃતિના સૌંદર્યની કદર કરી શકીએ છીએ. તેમણે આપણને જોવાની, સાંભળવાની, સ્પર્શ કરવાની, ચાખવાની અને સૂંઘવાની કાબેલિયત આપી છે, જેના દ્વારા આપણે ઈશ્વરે રચેલી વસ્તુઓનો આનંદ માણી શકીએ છીએ.

૫. રોમનો ૧:૨૦ પ્રમાણે આપણે યહોવાની સૃષ્ટિ પર કેમ ધ્યાન આપવું જોઈએ?

સૃષ્ટિ નિહાળવાનું બીજું એક મહત્ત્વનું કારણ બાઇબલમાં જોવા મળે છે. સૃષ્ટિ આપણને યહોવાના ગુણો વિશે શીખવે છે. (રોમનો ૧:૨૦ વાંચો.) દાખલા તરીકે, યહોવાએ રચેલી જાતજાતની વસ્તુઓ જુઓ અને વિચારો કે એની ડિઝાઇન કેટલી સુંદર છે. શું એમાં યહોવાનું ડહાપણ જોવા નથી મળતું? ભાતભાતની વાનગીઓ જોઈને આપણા મોંમાં પાણી આવી જાય છે. શું એ સાબિત નથી કરતું કે યહોવા માણસોને ખૂબ જ પ્રેમ કરે છે? સૃષ્ટિમાંથી યહોવાના ગુણો વિશે શીખીએ છીએ ત્યારે, યહોવાને વધારે સારી રીતે ઓળખી શકીએ છીએ અને તેમની નજીક જવાનું મન થાય છે. હવે ચાલો જોઈએ કે યહોવાએ કઈ રીતે માણસોને સૃષ્ટિ દ્વારા અમુક મહત્ત્વની વાતો શીખવી.

ઈશ્વર સૃષ્ટિ દ્વારા પોતાના વિશે શીખવે છે

૬. એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા પક્ષીઓને જોઈને આપણને શું શીખવા મળે છે?

યહોવાએ નક્કી કર્યું છે કે બનાવો ક્યારે બનશે. ઇઝરાયેલીઓ દર વર્ષે ફેબ્રુઆરીથી લઈને અડધો મે વીતી જાય ત્યાં સુધી બગલાઓને ઉત્તર તરફ ઊડતા જોતા હતા. ઈશ્વરે ઇઝરાયેલીઓને કહ્યું હતું: “આકાશમાં ઊડતો બગલો બીજી જગ્યાએ જવાની ૠતુ જાણે છે.” (યર્મિ. ૮:૭) આ પક્ષીઓએ ક્યારે બીજી જગ્યાએ જવું એ સમય યહોવાએ નક્કી કર્યો છે. એવી જ રીતે, તેમણે પોતાના ન્યાયચુકાદાઓ અમલમાં લાવવાનો સમય પણ નક્કી કરી લીધો છે. આજે જ્યારે આપણે પક્ષીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા જોઈએ છીએ, ત્યારે આપણને આ મહત્ત્વની વાત યાદ આવે છે: આપણે ભરોસો રાખી શકીએ છીએ કે યહોવા નક્કી કરેલા સમયે આ દુષ્ટ દુનિયાનો અંત જરૂર લાવશે.—હબા. ૨:૩.

૭. પક્ષી જે રીતે ઊડે છે, એમાંથી આપણે શું શીખી શકીએ? (યશાયા ૪૦:૩૧)

યહોવા પોતાના ભક્તોને તાકાત આપે છે. યહોવાએ યશાયા પ્રબોધક દ્વારા પોતાના લોકોને વચન આપ્યું હતું કે જ્યારે તેઓ કમજોર અથવા નિરાશ હશે, ત્યારે તે તેઓને તાકાત આપશે. એ તાકાતથી તેઓ જાણે ‘ગરુડની જેમ પાંખો ફેલાવીને ઊંચે ઊંચે ઊડશે.’ (યશાયા ૪૦:૩૧ વાંચો.) ઇઝરાયેલીઓ માટે ગરુડને ઊંચે આકાશમાં ઊડતા જોવું સામાન્ય હતું. ગરુડ ગરમ હવાની મદદથી ઊંચે ને ઊંચે ઊડી શકે છે અને એ પણ પાંખો વધારે વાર ફફડાવ્યા વગર. એ આપણને યાદ અપાવે છે કે જેમ યહોવાએ આ પક્ષીઓને તાકાત આપી છે, તેમ તે પોતાના ભક્તોને પણ તાકાત આપી શકે છે. જ્યારે તમે કોઈ મોટા પક્ષીને પોતાની પાંખો બહુ ફફડાવ્યા વગર ઊંચે આકાશમાં ઊડતા જુઓ, ત્યારે યાદ કરજો કે તમારી મુશ્કેલીઓનો સામનો કરવા યહોવા તમને તાકાત આપી શકે છે.

૮. ઈશ્વરે રચેલી સૃષ્ટિ પર વિચાર કરવાથી અયૂબ શું શીખ્યા અને આપણે શું શીખી શકીએ?

આપણે યહોવા પર પૂરો ભરોસો રાખી શકીએ છીએ. યહોવાની મદદથી અયૂબ તેમના પરનો ભરોસો વધારી શક્યા. (અયૂ. ૩૨:૨; ૪૦:૬-૮) યહોવાએ અયૂબ સાથે વાત કરી ત્યારે અયૂબને પોતે બનાવેલી ઘણી વસ્તુઓ વિશે જણાવ્યું. જેમ કે, તારાઓ, વાદળ અને વીજળી. યહોવાએ અમુક પ્રાણીઓ વિશે પણ જણાવ્યું. જેમ કે, જંગલી સાંઢ અને ઘોડો. (અયૂ. ૩૮:૩૨-૩૫; ૩૯:૯, ૧૯, ૨૦) એ બધું સાબિત કરે છે કે યહોવા ખૂબ જ શક્તિશાળી, પ્રેમાળ અને બુદ્ધિશાળી છે. એ વાતચીતથી અયૂબ યહોવા પર વધારે ભરોસો રાખવાનું શીખ્યા. (અયૂ. ૪૨:૧-૬) એવી જ રીતે, જ્યારે આપણે સૃષ્ટિનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે પારખી શકીએ છીએ કે યહોવા આપણા કરતાં વધારે બુદ્ધિશાળી અને શક્તિશાળી છે. તે આપણી બધી મુશ્કેલીઓનો અંત લાવી શકે છે અને તે એમ કરશે પણ ખરા. એ હકીકત યહોવામાં આપણો ભરોસો વધારે મજબૂત કરે છે.

ઈસુએ સૃષ્ટિ દ્વારા પોતાના પિતા વિશે શીખવ્યું

૯-૧૦. સૂર્ય અને વરસાદ આપણને યહોવા વિશે શું શીખવે છે?

ઈસુ સૃષ્ટિ વિશે ઘણું બધું જાણતા હતા. તેમના પિતા આખું બ્રહ્માંડ બનાવી રહ્યા હતા ત્યારે, તેમણે “કુશળ કારીગર” તરીકે તેમને સાથ આપ્યો. (નીતિ. ૮:૩૦) પછી પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે સૃષ્ટિ દ્વારા શિષ્યોને પોતાના પિતા વિશે શીખવ્યું. ચાલો અમુક દાખલા જોઈએ.

૧૦ યહોવા દરેકને પ્રેમ કરે છે. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં પોતાના શિષ્યોને સૂર્ય અને વરસાદ વિશે જણાવ્યું. એ બંને વસ્તુઓ એવી છે, જેના પર લોકો વધારે ધ્યાન આપતા નથી, પણ જીવન ટકાવી રાખવા ખૂબ જરૂરી છે. જો યહોવાએ ચાહ્યું હોત, તો તેમની ભક્તિ કરતા નથી એવા લોકોને સૂર્યનો તાપ અને વરસાદ આપવાની ના પાડી દીધી હોત. પણ તેમણે એવું ન કર્યું. તે બધા લોકો પર સૂર્ય ઉગાડે છે અને વરસાદ વરસાવે છે. એમાં તેમનો પ્રેમ દેખાઈ આવે છે. (માથ. ૫:૪૩-૪૫) ઈસુએ પોતાના શિષ્યોને એ દાખલાથી શીખવ્યું કે યહોવા ચાહે છે કે આપણે બધાને પ્રેમ કરીએ. જ્યારે આપણે ડૂબતા સૂર્યનો નજારો જોઈએ અથવા ઝરમર વરસાદની મજા માણીએ, ત્યારે વિચારીએ કે યહોવા કોઈ પણ ભેદભાવ વગર બધાને પ્રેમ બતાવે છે. આપણે પણ બધાને ખુશખબર જણાવીને એવો પ્રેમ બતાવી શકીએ છીએ.

૧૧. આકાશનાં પક્ષીઓ જોવાથી કયો દિલાસો મળે છે?

૧૧ યહોવા આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં એ પણ જણાવ્યું હતું: “આકાશનાં પક્ષીઓને ધ્યાનથી જુઓ. તેઓ બી વાવતાં નથી, લણતાં નથી કે કોઠારોમાં ભરતાં નથી. તોપણ સ્વર્ગમાંના તમારા પિતા તેઓને ખાવાનું આપે છે.” એ પછી ત્યાં હાજર લોકોને ઈસુએ સવાલ પૂછ્યો: “શું તેઓનાં કરતાં તમે વધારે મૂલ્યવાન નથી?” (માથ. ૬:૨૬) બની શકે કે ઈસુએ એ સવાલ પૂછ્યો ત્યારે લોકોએ આકાશમાં પક્ષીઓને ઊડતાં જોયાં હશે. ખરેખર, ઈસુએ કેટલી પ્રેમાળ રીતે ખાતરી અપાવી કે યહોવા આપણી જરૂરિયાતો પૂરી પાડશે. (માથ. ૬:૩૧, ૩૨) સૃષ્ટિનો એ બોધપાઠ આજે પણ વફાદાર ભક્તોનો ભરોસો મજબૂત કરે છે કે યહોવા તેઓને નિભાવી રાખશે. સ્પેનમાં રહેતાં એક યુવાન પાયોનિયર બહેનનો વિચાર કરો. તેમને એક સારું ઘર મળતું ન હતું, એટલે તે નિરાશ થઈ ગયાં હતાં. પણ જ્યારે તેમણે પક્ષીઓને દાણા અને ફળ ખાતાં જોયાં, ત્યારે તેમનું મન શાંત થયું. તે કહે છે: “એ પક્ષીઓએ મને યાદ અપાવ્યું કે, યહોવા તેઓની સંભાળ રાખે છે, તો તે મારી પણ ચોક્કસ સંભાળ રાખશે.” એના થોડા સમય પછી બહેનને એક સારું ઘર મળી ગયું.

૧૨. માથ્થી ૧૦:૨૯-૩૧ પ્રમાણે ચકલીઓ યહોવા વિશે શું શીખવે છે?

૧૨ યહોવા આપણામાંથી દરેકને કીમતી ગણે છે. ઈસુએ પ્રેરિતોને પ્રચારમાં મોકલ્યા એ પહેલાં તેઓની હિંમત વધારી, જેથી વિરોધ થાય ત્યારે તેઓ ડરી ન જાય. (માથ્થી ૧૦:૨૯-૩૧ વાંચો.) એ માટે ઈસુએ તેઓને ચકલીનો દાખલો આપ્યો. ઇઝરાયેલમાં ચકલીઓ એકદમ સામાન્ય હતી, લોકોની નજરે એની બહુ કિંમત ન હતી. પણ તેમણે શિષ્યોને કહ્યું: “એમાંની એક પણ તમારા પિતાના ધ્યાન બહાર જમીન પર પડતી નથી.” એ પછી તેમણે જણાવ્યું: “તમે ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.” આમ, ઈસુએ પોતાના શિષ્યોને ખાતરી અપાવી કે યહોવા દરેકને કીમતી ગણે છે, એટલે તેઓએ ડરવાની જરૂર નથી. જ્યારે શિષ્યો શહેરોમાં અને ગામડાઓમાં પ્રચાર કરતી વખતે ચકલીઓ જોતા હશે, ત્યારે તેઓને ચોક્કસ ઈસુના એ શબ્દો યાદ આવતા હશે. તમે પણ નાનું પક્ષી જુઓ ત્યારે, યાદ કરજો કે યહોવા તમને કીમતી ગણે છે, કેમ કે તમે પણ “ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.” યહોવાના સાથથી તમે કોઈ પણ સતાવણીનો ડર્યા વગર સામનો કરી શકશો.—ગીત. ૧૧૮:૬.

સૃષ્ટિ દ્વારા કઈ રીતે ઈશ્વર વિશે વધારે શીખી શકીએ?

૧૩. સૃષ્ટિમાંથી શીખવા આપણને શું મદદ કરશે?

૧૩ સૃષ્ટિમાંથી આપણે યહોવા વિશે બીજું ઘણું શીખી શકીએ છીએ. કઈ રીતે? સૌથી પહેલા, સૃષ્ટિ નિહાળવા સમય કાઢીએ. બીજું, વિચાર કરીએ કે એમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે. કદાચ એમ કરવું હંમેશાં સહેલું ન લાગે. કૅમરૂનમાં રહેતાં જેરાલ્ડિનબહેન કહે છે: “હું શહેરમાં મોટી થઈ છું. એટલે હું સારી રીતે જાણું છું કે સૃષ્ટિ નિહાળવા મહેનત કરવી પડે છે.” આલ્ફોન્સો નામના વડીલ કહે છે: “હું શીખ્યો કે મારે પહેલેથી સમય નક્કી કરવાની જરૂર છે, જેથી એકલામાં કુદરતને નિહાળી શકું અને મનન કરી શકું કે એ મને યહોવા વિશે શું શીખવે છે.”

દાઉદ જ્યારે આસપાસની સૃષ્ટિ નિહાળતા, ત્યારે મનન કરતા કે એમાંથી યહોવા વિશે શું શીખવા મળે છે (ફકરો ૧૪ જુઓ)

૧૪. યહોવાની સૃષ્ટિ પર વિચાર કરવાથી દાઉદને શું શીખવા મળ્યું?

૧૪ યહોવાના વહાલા સેવક દાઉદ સૃષ્ટિ પર ઊંડો વિચાર કરતા હતા. તેમણે યહોવાને કહ્યું: “તમારું આકાશ, તમારી આંગળીઓની કરામત હું જોઉં છું, તમે બનાવેલા ચાંદ-તારા હું જોઉં છું. મને થાય છે કે મનુષ્ય કોણ કે તમે તેને યાદ રાખો?” (ગીત. ૮:૩, ૪) દાઉદ રાતે આકાશમાં ટમટમતા તારાઓ જોતા ત્યારે, એની સુંદરતાને બસ ટગર-ટગર જોયા ન કરતા, પણ વિચારતા કે એનાથી યહોવા વિશે શું શીખવા મળે છે. તે શીખ્યા કે યહોવાની બુદ્ધિ અને શક્તિ કેટલી અપાર છે. અમુક સમયે તે એનો પણ વિચાર કરતા કે તેમની માતાના ગર્ભમાં તેમનાં અંગોનો કઈ રીતે વિકાસ થયો. જ્યારે તેમણે વિચાર કર્યો કે તેમનું શરીર કેટલી અજાયબ રીતે રચવામાં આવ્યું છે, ત્યારે યહોવાની બુદ્ધિ માટે તેમનું દિલ કદરથી ઊભરાઈ આવ્યું.—ગીત. ૧૩૯:૧૪-૧૭.

૧૫. તમે સૃષ્ટિમાંથી કઈ રીતે યહોવાના ગુણો વિશે શીખ્યા, એના દાખલા આપો. (ગીતશાસ્ત્ર ૧૪૮:૭-૧૦)

૧૫ દાઉદની જેમ તમારે પણ સૃષ્ટિમાંથી શીખવા દૂર દૂર જવાની જરૂર નથી. જો તમે નજર ફેરવશો, તો આજુબાજુ તમને એવી ઘણી વસ્તુઓ મળી રહેશે, જેમાંથી તમે યહોવાના ગુણો વિશે શીખી શકશો. દાખલા તરીકે, જ્યારે સૂરજનો કૂણો તાપ તમારી ચામડી પર પડે, ત્યારે વિચારજો કે યહોવા કેટલા શક્તિશાળી છે. (યર્મિ. ૩૧:૩૫) જ્યારે એક પક્ષીને માળો બાંધતા જુઓ, ત્યારે મનન કરજો કે યહોવા કેટલા બુદ્ધિશાળી છે. જ્યારે એક ગલૂડિયાંને તેની પૂંછડી પાછળ ભાગતા જુઓ, ત્યારે વિચારજો કે યહોવા આનંદી ઈશ્વર છે અને તેમને મજાક-મસ્તી ગમે છે. જ્યારે તમે એક માને પોતાના બાળકને લાડ કરતા જુઓ, તેની સાથે રમતા જુઓ, ત્યારે યહોવાનો આભાર માનજો કે તે તમને કેટલો પ્રેમ કરે છે. ખરેખર, યહોવા વિશે શીખવાની આપણી પાસે ઘણી તક છે. કેમ કે તેમણે રચેલી દરેક નાની-મોટી વસ્તુ તેમના ગુણગાન ગાય છે, પછી ભલે એ દૂર હોય કે નજીક.—ગીતશાસ્ત્ર ૧૪૮:૭-૧૦ વાંચો.

૧૬. આપણે શું કરવાનો પાકો નિર્ણય લેવો જોઈએ?

૧૬ આપણા ઈશ્વર ખૂબ જ બુદ્ધિશાળી, પ્રેમાળ અને શક્તિશાળી છે. તેમના હાથની કરામત મન મોહી લે એવી છે. જો આપણે કુદરત પર નજર કરીશું, તો આપણને એ ગુણોની સાથે સાથે બીજું પણ ઘણું શીખવા મળશે. એટલે ચાલો, નિયમિત રીતે સમય કાઢીને યહોવાની સૃષ્ટિ નિહાળીએ અને વિચારીએ કે એ યહોવા વિશે શું શીખવે છે. એમ કરવાથી આપણે આપણા સર્જનહારની વધારે નજીક જઈશું. (યાકૂ. ૪:૮) આવતા લેખમાં જોઈશું કે બાળકો યહોવાની નજીક જાય એ માટે મમ્મી-પપ્પા કઈ રીતે તેઓને સૃષ્ટિમાંથી શીખવી શકે.

ગીત ૧૩૮ યહોવા તારું નામ

a યહોવાએ બનાવેલી સૃષ્ટિ એકદમ અદ્‍ભુત છે. સૂર્યની પ્રચંડ તાકાતથી લઈને ફૂલની નાજુક પાંખડીઓ આપણને નવાઈ પમાડે છે. યહોવાએ બનાવેલી વસ્તુઓમાંથી આપણે શીખી શકીએ છીએ કે તે કેવા ઈશ્વર છે. આ લેખમાં જોઈશું કે કેમ સૃષ્ટિ નિહાળવા સમય કાઢવો જોઈએ અને એમ કરવાથી કઈ રીતે આપણા ઈશ્વરની નજીક જઈ શકીએ.