સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧૯૨૩​—સો વર્ષ પહેલાં

૧૯૨૩​—સો વર્ષ પહેલાં

જાન્યુઆરી ૧, ૧૯૨૩ના ધ વૉચ ટાવરમાં જણાવ્યું હતું: ‘અમને આશા છે કે ૧૯૨૩નું વર્ષ એકદમ જોરદાર હશે. આપણી પાસે મોટો લહાવો છે કે દુઃખી લોકોને જણાવીએ કે બહુ જલદી સારો સમય આવશે.’ ૧૯૨૩ના વર્ષમાં બાઇબલ વિદ્યાર્થીઓએ સભાઓ, સંમેલનો અને પ્રચારકામમાં જોરદાર ફેરફારો કર્યા. એના લીધે તેઓની એકતા વધતી ને વધતી ગઈ અને આજે આપણી વચ્ચે પણ એવી જ એકતા જોવા મળે છે.

સભાઓથી એકતા વધી

કેલેન્ડર, જેમાં કલમો અને ગીતનાં નંબર આપ્યાં છે

એ વર્ષ દરમિયાન સંગઠને અમુક ફેરફારો કર્યા, જેનાથી બાઇબલ વિદ્યાર્થીઓ વચ્ચેની એકતા વધી. ‘પ્રાર્થના, સ્તુતિ અને સાક્ષી સભા’માં તેઓ જે કલમની ચર્ચા કરતા હતા, એની સમજણ ધ વૉચ ટાવરમાં આવવા લાગી. બાઇબલ વિદ્યાર્થીઓએ એક કેલેન્ડર પણ છાપ્યું, જેના પર લખેલું હતું કે દર અઠવાડિયે સભામાં કઈ કલમની ચર્ચા કરવી. તેમ જ, એના પર દરરોજનું ગીત લખેલું હતું, જે તેઓ વ્યક્તિગત અભ્યાસ અથવા કુટુંબ તરીકેના અભ્યાસ દરમિયાન ગાઈ શકતા હતા.

બાઇબલ વિદ્યાર્થીઓ સભાઓમાં “સાક્ષી” આપતા. જેમ કે, તેઓ પ્રચારમાં થયેલો કોઈ અનુભવ જણાવતા, યહોવાના કેમ આભારી છે એ જણાવતા, ગીત ગાતા કે પછી પ્રાર્થના કરતા. બહેન ઈવા બાર્નેએ ૧૯૨૩માં ૧૫ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું હતું. તેમણે જણાવ્યું: “જો કોઈને સાક્ષી આપવી હોય, તો તે ઊભા થતા અને આવું કહીને શરૂઆત કરતા: ‘પ્રભુએ મારા પર જે ભલાઈ બતાવી છે એ માટે હું આભાર માનવા ચાહું છું.’” અમુક ભાઈઓને એમ કરવું બહુ ગમતું. બહેન બાર્નેએ આગળ કહ્યું: “ગોડવીન નામના વૃદ્ધ ભાઈ પાસે પ્રભુનો આભાર માનવા માટે ઘણી વાતો રહેતી. પણ જ્યારે તેમનાં પત્ની જોતાં કે સભા ચલાવતા ભાઈ ઊંચા-નીચા થઈ રહ્યા છે, ત્યારે તે પોતાના પતિનો કોટ ધીમેથી ખેંચતાં અને ભાઈ બોલવાનું બંધ કરીને બેસી જતા.”

મહિનામાં એક વાર દરેક મંડળ ખાસ ‘પ્રાર્થના, સ્તુતિ અને સાક્ષી સભા’ રાખતું. એપ્રિલ ૧, ૧૯૨૩ના ધ વૉચ ટાવરમાં એ સભા વિશે આમ જણાવ્યું હતું: ‘સભાનો અડધો સમય પ્રચારમાં થયેલા અનુભવો જણાવવા રાખવો અને બીજાઓને ઉત્તેજન આપવું. અમને ખાતરી છે કે એ સભાઓથી બધાને ઉત્તેજન મળશે અને એકબીજાની વધારે નજીક આવશે.’

૧૯ વર્ષના ચાર્લ્સ માર્ટિનને આવી સભાઓથી ઘણો ફાયદો થયો. તે કેનેડાના વૅન્કૂવરમાં રહેતા હતા અને એક પ્રકાશક હતા. તેમણે પછીથી જણાવ્યું: “એ સભાઓમાં હું પહેલી વાર શીખ્યો કે ઘર ઘરના પ્રચારકામમાં કઈ રીતે વાત કરવી જોઈએ. ઘણી વાર સભામાં કોઈ ભાઈ કે બહેન ઘર ઘરના પ્રચારમાં થયેલો પોતાનો અનુભવ જણાવતાં. એનાથી મને શીખવા મળતું કે પ્રચારમાં શું કહેવું અને કોઈ સવાલ પૂછે ત્યારે કઈ રીતે જવાબ આપવો.”

પ્રચારકામથી એકતા વધી

મે ૧, ૧૯૨૩નું બુલેટિન

પ્રચાર માટે “સેવા દિવસો”ની ગોઠવણ કરવાથી પણ ભાઈ-બહેનોની એકતામાં વધારો થયો. એપ્રિલ ૧, ૧૯૨૩ના ધ વૉચ ટાવરમાં આ જાહેરાત કરવામાં આવી હતી: ‘મંગળવાર, મે ૧, ૧૯૨૩ના દિવસને સેવા દિવસ તરીકે અલગ રાખવામાં આવ્યો છે, જેથી આપણે બધા એકતામાં રહીને એકસરખું કામ કરીએ. હવેથી મહિનાનો પહેલો મંગળવાર સેવા દિવસ હશે. એ દિવસે બધાં મંડળોના દરેક સભ્યએ થોડો સમય પ્રચાર કરવો જોઈએ.’

યુવાન બાઇબલ વિદ્યાર્થીઓ પણ જોરશોરથી પ્રચારકામમાં ભાગ લેતા. બહેન હેઝલ બરફર્ડ એ સમયે ૧૬ વર્ષનાં હતાં. તેમણે કહ્યું: “બુલેટિનમાં વાતચીત કરવાની રીતો આપવામાં આવતી, જે અમારે મોઢે કરવાની હતી. a હું મારા નાનાજી સાથે એમાં પૂરા જોશથી ભાગ લેતી.” પણ જ્યારે એક વૃદ્ધ ભાઈએ બહેન બરફર્ડને પ્રચાર કરતા રોકવાની કોશિશ કરી, ત્યારે બહેનને આંચકો લાગ્યો. તેમણે કહ્યું: “એ વહાલા વૃદ્ધ ભાઈને જરાય ગમતું ન હતું કે હું લોકોને પ્રચાર કરું છું. એ સમયે અમુક જણ સમજતા ન હતા કે બધા બાઇબલ વિદ્યાર્થીઓએ, ‘યુવકો અને યુવતીઓએ’ પણ આપણા મહાન સર્જનહારની સ્તુતિ કરવામાં ભાગ લેવો જોઈએ.” (ગીત. ૧૪૮:૧૨, ૧૩) પણ બહેન બરફર્ડ પ્રચારકામમાં લાગુ રહ્યાં. પછીથી તે ગિલયડ સ્કૂલના બીજા વર્ગમાં ગયાં અને પનામામાં મિશનરી તરીકે સેવા આપી. સમય જતાં એ ભાઈઓએ પોતાના વિચારોમાં ફેરફાર કર્યા. તેઓ સમજી ગયા કે યુવાનોએ પણ પ્રચારકામમાં ભાગ લેવો જોઈએ.

સંમેલનોથી એકતા વધી

સંમેલનોથી પણ ભાઈ-બહેનોની એકતામાં વધારો થયો. ઘણાં સંમેલનો વખતે સેવા દિવસ પણ રાખવામાં આવતો. દાખલા તરીકે, કેનેડાના વિનીપેગમાં જે સંમેલન રાખવામાં આવ્યું, એમાં માર્ચ ૩૧ના રોજ સેવા દિવસ રાખવામાં આવ્યો, જેને “વિનીપેગમાં જબરજસ્ત ધડાકો” નામ આપવામાં આવ્યું. સંમેલનમાં આવેલા બધા લોકોને એ દિવસે પ્રચાર કરવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. પ્રચાર માટેના એ ખાસ દિવસોએ ઘણા લોકોને ખુશખબર જણાવવામાં આવી અને એનાં સારાં પરિણામો આવ્યાં. ઑગસ્ટ ૫ના રોજ વિનીપેગમાં બીજું એક સંમેલન રાખવામાં આવ્યું, જેમાં લગભગ ૭,૦૦૦ હજાર લોકો આવ્યા. અગાઉ કેનેડામાં જેટલાં પણ સંમેલનો થયાં હતાં, એના કરતાં આ સંમેલનની હાજરી સૌથી વધારે હતી.

ઑગસ્ટ ૧૮-૨૬, ૧૯૨૩ના રોજ યહોવાના લોકોનું એક યાદગાર સંમેલન રાખવામાં આવ્યું. એ કૅલિફૉર્નિયાના લૉસ ઍંજિલીઝ શહેરમાં યોજવામાં આવ્યું હતું. સંમેલનના અમુક અઠવાડિયાઓ પહેલેથી જ સમાચારપત્રોમાં એની જાહેરાતો આવવા લાગી. સંમેલન માટે બાઇબલ વિદ્યાર્થીઓએ લોકોને ૫,૦૦,૦૦૦થી પણ વધારે ચોપાનિયાં આપ્યાં. સાર્વજનિક વાહનો અને લોકોની ગાડીઓ પર સંમેલનની જાહેરાત કરતા બૅનર લગાવવામાં આવ્યાં.

૧૯૨૩માં લૉસ ઍંજિલીઝમાં બાઇબલ વિદ્યાર્થીઓનું સંમેલન

શનિવાર, ઑગસ્ટ ૨૫ના રોજ ભાઈ રધરફર્ડે એક પ્રવચન આપ્યું, જેનો વિષય હતો: “ઘેટાં અને બકરાં.” એમાં તેમણે એકદમ સ્પષ્ટ રીતે ‘ઘેટાંની’ ઓળખ આપી. તેમણે જણાવ્યું કે ઘેટાં એવા લોકોને રજૂ કરે છે, જેઓનું દિલ સારું છે અને જેઓ બાગ જેવી સુંદર પૃથ્વી પર જીવશે. તેમણે બીજું એક પ્રવચન પણ આપ્યું અને એક ઠરાવ વાંચ્યો, જેનું નામ હતું “ચેતવણી.” એ ઠરાવમાં ચર્ચના લોકોની નિંદા કરવામાં આવી હતી અને નમ્ર દિલના લોકોને અરજ કરવામાં આવી હતી કે તેઓ ‘મહાન બાબેલોનમાંથી’ બહાર નીકળી આવે. (પ્રકટી. ૧૮:૨,) પછીથી બાઇબલ વિદ્યાર્થીઓએ આખી દુનિયામાં પૂરા ઉત્સાહથી એ ઠરાવની લાખો પ્રતો વહેંચી.

“સભાઓથી બધાને ઉત્તેજન મળશે અને એકબીજાની વધારે નજીક આવશે”

સંમેલનના છેલ્લા દિવસે ૩૦,૦૦૦થી પણ વધારે લોકોએ ભાઈ રધરફર્ડનું જાહેર પ્રવચન સાંભળ્યું. એનો વિષય હતો, “બધી પ્રજાઓ આર્માગેદન તરફ આગળ વધી રહી છે, પણ અત્યારે જીવનારા કરોડો લોકો ક્યારેય મરશે નહિ.” બાઇબલ વિદ્યાર્થીઓને આશા હતી કે સંમેલનમાં ઘણા લોકો આવશે. એટલે તેઓએ એ સમયે નવું નવું બનેલું લૉસ ઍંજિલીઝ કોલિજિયમ નામનું સ્ટેડિયમ ભાડે રાખ્યું. બધા લોકો સારી રીતે સાંભળી શકે એ માટે તેઓએ સ્ટેડિયમના લાઉડ સ્પીકર વાપર્યાં, જે એ સમયની નવી ટેક્નોલોજી હતી. બીજા ઘણા લોકોએ રેડિયો પર એ કાર્યક્રમ સાંભળ્યો.

દૂર દૂર સુધી કામ ફેલાયું

૧૯૨૩માં આફ્રિકા, યુરોપ, ભારત અને દક્ષિણ અમેરિકામાં જબરજસ્ત રીતે પ્રચારકામ ફેલાવવા લાગ્યું. ભારતમાં ભાઈ એ. જે. જોસેફ હિંદી, મલયાલમ, તામિલ, તેલુગુ અને ઉર્દુ ભાષામાં સાહિત્ય બહાર પાડવામાં મદદ કરતા હતા. તેમણે પોતાની પત્ની અને છ બાળકોની પણ સંભાળ રાખવાની હતી.

ભાઈ વિલિયમ આર. બ્રાઉન અને તેમનું કુટુંબ

સિયેરા લિયોનમાં ભાઈ આલ્ફ્રેડ જોસેફ અને ભાઈ લિયોનાર્ડ બ્લેકમેન નામના બે બાઇબલ વિદ્યાર્થીઓ હતા. તેઓએ ન્યૂ યૉર્કના બ્રુકલિનમાં આવેલા આપણા જગત મુખ્યમથકને પત્ર લખ્યો અને મદદ માંગી. એપ્રિલ ૧૪, ૧૯૨૩ના રોજ તેઓને પોતાના પત્રનો જવાબ મળ્યો. આલ્ફ્રેડભાઈએ જણાવ્યું: “શનિવારે મોડી રાતે અચાનક ફોનની ઘંટડી વાગી.” ફોન પર કોઈકે મોટા અવાજે પૂછ્યું: “શું તમે વૉચ ટાવર સોસાયટીને પત્ર લખીને પ્રચારકો માટે વિનંતી કરી હતી?” આલ્ફ્રેડભાઈએ કહ્યું: “હા.” સામેથી જવાબ આવ્યો: “તેઓએ મને મોકલ્યો છે.” એ અવાજ ભાઈ વિલિયમ આર. બ્રાઉનનો હતો. તે પોતાની પત્ની એન્ટોનિયા અને બે દીકરીઓ લૂઈસ અને લૂસી સાથે એ જ દિવસે કૅરિબિયનથી સિયેરા લિયોન પહોંચ્યાં હતાં. બંને ભાઈઓએ એ કુટુંબને મળવા બહુ રાહ ન જોવી પડી.

આલ્ફ્રેડભાઈએ આગળ જણાવ્યું: “બીજા દિવસે સવારે હું અને લિયોનાર્ડ દર અઠવાડિયાની જેમ બાઇબલની ચર્ચા કરતા હતા. એવામાં જ અમે ઘરના દરવાજે એક લાંબા માણસને ઊભેલા જોયા. એ તો ભાઈ બ્રાઉન હતા. તેમને સત્ય માટે એટલો જોશ હતો કે તે બીજા જ દિવસે એક જાહેર પ્રવચન આપવા માંગતા હતા.” ભાઈ બ્રાઉન પોતાની સાથે જે સાહિત્ય લાવ્યા હતા, એ તો પૂરો એક મહિનો પણ ન ચાલ્યું. થોડા જ સમયમાં તેમને બીજાં ૫,૦૦૦ પુસ્તકો મળ્યાં. એ પુસ્તકો પણ જલદી પૂરાં થઈ ગયાં અને બીજાં પુસ્તકોની જરૂર હતી. પણ ભાઈ બ્રાઉન ‘પુસ્તકો વેચનાર’ તરીકે ઓળખાતા ન હતા. તેમણે ઘણાં વર્ષો સુધી પૂરા ઉત્સાહથી યહોવાની સેવા કરી હતી અને તે હંમેશાં પોતાના પ્રવચનોમાં બાઇબલની કલમો વાપરતા, એટલે લોકો તેમને પ્રેમથી ‘બાઇબલ બ્રાઉન’ કહેતા.

૧૯૨૩ની આસપાસ મેગ્ડેબર્ગનું બેથેલ

એ દરમિયાન જર્મનીમાં ભાઈઓએ બારમનમાં આવેલી શાખા કચેરીને ખસેડવાનો નિર્ણય લીધો. કેમ કે એ શાખા કચેરી બહુ નાની હતી. તેમ જ, એવું સાંભળવા મળ્યું હતું કે ફ્રાંસની સેના જલદી જ બારમન શહેરને કબજે કરી લેવાની છે. બાઇબલ વિદ્યાર્થીઓને મેગ્ડેબર્ગમાં એક એવી જગ્યા મળી આવી, જે છાપકામ માટે એકદમ યોગ્ય હતી. ભાઈઓએ છાપકામનાં મશીનો અને બીજો સામાન બાંધ્યો અને એ બધું લઈને જૂન ૧૯ના દિવસે મેગ્ડેબર્ગમાં આવેલા નવા બેથેલમાં ગયા. ભાઈઓએ જગત મુખ્યમથકને જાણ કરી કે બધો સામાન અને ભાઈ-બહેનો સહીસલામત રીતે નવા બેથેલમાં પહોંચી ગયાં છે. એના બીજા જ દિવસે સમાચારપત્રોમાં સમાચાર આવ્યા કે ફ્રાંસે બારમન શહેર કબજે કરી લીધું છે. ભાઈઓએ યહોવાનો ઘણો આભાર માન્યો કે તેમણે તેઓનું રક્ષણ કર્યું અને મદદ કરી.

બહેન સેરાહ ફરગ્યુસન (જમણે) અને તેમની બહેન સાથે ભાઈ જ્યોર્જ યંગ

બ્રાઝિલમાં ભાઈ જ્યોર્જ યંગે નવી શાખા કચેરી શરૂ કરી અને પોર્ટુગીઝ ભાષામાં ધ વૉચ ટાવર બહાર પાડવા લાગ્યા. ખુશખબર ફેલાવવા તેમણે દૂર દૂર સુધી મુસાફરી કરી. થોડા જ મહિનાઓમાં તેમણે લોકોને ૭,૦૦૦થી પણ વધારે મૅગેઝિન અને નાની પુસ્તિકાઓ આપ્યાં. જ્યારે ભાઈ યંગે બહેન સેરાહ ફરગ્યુસનના કુટુંબની મુલાકાત લીધી, ત્યારે બહેનની ખુશીનો પાર ન રહ્યો. બહેન ૧૮૯૯થી ધ વૉચ ટાવર વાંચતાં હતાં, પણ તેમણે સમર્પણ કર્યું ન હતું અને બાપ્તિસ્મા લીધું ન હતું. થોડા જ મહિનાઓ પછી તેમણે અને તેમનાં ચાર બાળકોએ એ મહત્ત્વનું પગલું ભર્યું.

“પૂરા જોશ અને આનંદથી ઈશ્વરની સેવા કરતા રહીશું”

વર્ષના અંતે ડિસેમ્બર ૧૫, ૧૯૨૩ના ધ વૉચ ટાવરમાં જણાવ્યું હતું કે સભાઓ, પ્રચારકામ અને સંમેલનોમાં જે ફેરફારો કરવામાં આવ્યા, એનાથી કઈ રીતે બાઇબલ વિદ્યાર્થીઓની એકતા વધી. એમાં જણાવ્યું હતું: ‘એ સાફ જોવા મળે છે કે મંડળોમાં બધાની શ્રદ્ધા વધી છે. ચાલો, હથિયારો સજી લઈએ અને નવા વર્ષ માટે પાકો નિર્ણય લઈએ કે પૂરા જોશ અને આનંદથી ઈશ્વરની સેવા કરતા રહીશું.’

૧૯૨૪નું વર્ષ બાઇબલ વિદ્યાર્થીઓ માટે એકદમ ખાસ રહેવાનું હતું. બેથેલના ભાઈઓ સ્ટેટન આયલૅન્ડમાં એક જગ્યા પર ઘણા મહિનાઓથી કામ કરી રહ્યા હતા. એ જગ્યા બ્રુકલિનના આપણા મુખ્યમથકેથી થોડે જ દૂર હતી. એ નવી જગ્યાએ ચાલતું ઇમારતોનું બાંધકામ ૧૯૨૪ની શરૂઆતમાં પૂરું થયું. એ ઇમારતો ઇતિહાસ સર્જવાની હતી. એનાથી ભાઈ-બહેનોની એકતા વધવાની હતી અને એટલા મોટા પાયે ખુશખબર ફેલાવાની હતી જેવું અગાઉ કદી થયું ન હતું.

સ્ટેટન આયલૅન્ડમાં બાંધકામ કરતા ભાઈઓ

a એ હવે આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા કહેવાય છે.