સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૩

“તે તમને બળવાન કરશે”

“તે તમને બળવાન કરશે”

“[યહોવા] તમને દૃઢ કરશે, તે તમને બળવાન કરશે, તે તમને સ્થિર કરશે.”—૧ પિત. ૫:૧૦.

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

ઝલક a

૧. પ્રાચીન સમયમાં વફાદાર માણસોને કઈ રીતે બળ મળ્યું?

 બાઇબલમાં ઘણી વાર વફાદાર માણસો વિશે કહ્યું છે કે તેઓ બળવાન હતા. પણ તેઓમાં જે સૌથી વધારે બળવાન હતા, તેઓને પણ અમુક વાર લાગ્યું કે તેઓ કમજોર છે. દાખલા તરીકે, અમુક પ્રસંગે રાજા દાઉદે કહ્યું કે તે ‘પર્વત જેવા અડગ’ કે મજબૂત છે. પણ બીજા અમુક પ્રસંગે તેમના “હાંજા ગગડી ગયા,” એટલે કે તેમને ડર લાગ્યો. (ગીત. ૩૦:૭) ઈશ્વરની શક્તિને લીધે સામસૂનમાં જોરદાર તાકાત હતી. પણ તે જાણતા હતા કે ઈશ્વરની શક્તિ વગર ‘તેમની તાકાત જતી રહેશે અને તે સામાન્ય માણસ જેવા થઈ જશે.’ (ન્યા. ૧૪:૫, ૬; ૧૬:૧૭) સાચે જ, યહોવાએ એ વફાદાર માણસોને બળ આપ્યું હતું, એટલે તેઓ બળવાન હતા.

૨. પ્રેરિત પાઉલે એવું કેમ કહ્યું કે જ્યારે તે નબળા હોય છે, ત્યારે બળવાન હોય છે? (૨ કોરીંથીઓ ૧૨:૯, ૧૦)

પ્રેરિત પાઉલે સ્વીકાર્યું કે તેમને પણ યહોવા પાસેથી મળતા બળની જરૂર હતી. (૨ કોરીંથીઓ ૧૨:૯, ૧૦ વાંચો.) આપણામાંના ઘણા લોકોની જેમ પાઉલને પણ અમુક બીમારીઓ હતી. (ગલા. ૪:૧૩, ૧૪) અમુક વાર તેમને જે ખરું છે, એ કરવું અઘરું લાગતું હતું. (રોમ. ૭:૧૮, ૧૯) તો બીજી અમુક વાર તેમને ચિંતા થતી હતી અને ડર લાગતો હતો કે આગળ જતાં તેમનું શું થશે. (૨ કોરીં. ૧:૮, ૯) તોપણ પાઉલે કહ્યું કે જ્યારે તે નબળા હોય છે, ત્યારે બળવાન હોય છે. એવું તે કઈ રીતે કહી શક્યા? યહોવાએ તેમને તાકાત આપી. યહોવાએ તેમને બળવાન કર્યા.

૩. આ લેખમાં કયા સવાલોના જવાબ મેળવીશું?

યહોવાએ વચન આપ્યું છે કે તે આપણને પણ બળવાન કરશે. (૧ પિત. ૫:૧૦) પણ એ બળ આપોઆપ મળી નહિ જાય. એ માટે આપણે મહેનત કરવી પડશે. એ સમજવા આ દાખલાનો વિચાર કરો. તમારી સામે ખોરાક પીરસેલી થાળી છે. એને જોયા કરવાથી તમને પોષણ નહિ મળે. પોષણ મેળવવા તમારે કોળિયો વાળીને પોતાના મોંમાં મૂકવો પડશે. એવી જ રીતે, યહોવા આપણને બળ આપવા તૈયાર છે, પણ એમાંથી ફાયદો મેળવવા અમુક પગલાં ભરવાની જરૂર છે. આપણને બળવાન કરવા યહોવાએ કઈ ગોઠવણો કરી છે? તેમની પાસેથી બળ મેળવવા શું કરવું જોઈએ? એ સવાલોના જવાબ મેળવવા આપણે જોઈશું કે યહોવાએ કઈ રીતે પ્રબોધક યૂનાને, ઈસુની મા મરિયમને અને પ્રેરિત પાઉલને બળ આપ્યું હતું. એ પણ જોઈશું કે યહોવા કઈ રીતે એવી જ રીતોનો ઉપયોગ કરીને આજે પોતાના ભક્તોને બળ આપે છે.

પ્રાર્થના અને બાઇબલનો અભ્યાસ કરવાથી તમને બળ મળશે

૪. યહોવા પાસેથી તાકાત મેળવવા આપણે શું કરી શકીએ?

યહોવા પાસેથી તાકાત મેળવવાની એક રીત છે, તેમને પ્રાર્થના કરીએ. પછી પ્રાર્થનાના જવાબમાં યહોવા આપણને એ તાકાત આપશે, જે “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.” (૨ કોરીં. ૪:૭) યહોવાનું વચન બાઇબલ વાંચવાથી અને એના પર ઊંડો વિચાર કરવાથી પણ તાકાત મળશે. (ગીત. ૮૬:૧૧) બાઇબલમાં યહોવાએ આપણા માટે જે સંદેશો લખાવ્યો છે એ “શક્તિશાળી” છે. (હિબ્રૂ. ૪:૧૨) જ્યારે તમે યહોવાને પ્રાર્થના કરો છો અને બાઇબલ વાંચો છો, ત્યારે તે તમને બળ આપે છે. એ બળની મદદથી તમે મુશ્કેલ સંજોગો ધીરજથી સહન કરી શકો છો, હંમેશાં પોતાનો આનંદ જાળવી રાખી શકો છો અથવા અઘરી સોંપણી પૂરી કરી શકો છો. હવે ધ્યાન આપો કે યહોવાએ કઈ રીતે પ્રબોધક યૂનાને બળવાન કર્યા.

૫. પ્રબોધક યૂનાને કેમ હિંમતની જરૂર હતી?

પ્રબોધક યૂનાને હિંમતની જરૂર હતી. યહોવાએ તેમને એક કામ સોંપ્યું હતું. યૂનાને એ એટલું અઘરું લાગ્યું કે તે વહાણમાં બેસીને બીજી જ દિશામાં જતા રહ્યા. પછી એક મોટું તોફાન આવ્યું. એના લીધે યૂના અને વહાણમાં તેમની સાથે જે લોકો હતા, તેઓનો જીવ જોખમમાં આવી પડ્યો. જ્યારે ખલાસીઓએ યૂનાને સમુદ્રમાં ફેંકી દીધા, ત્યારે એક મોટી માછલી તેમને ગળી ગઈ. હવે યૂના માછલીના પેટમાં હતા અને ચારેય બાજુ ઘોર અંધારું હતું. તમને શું લાગે છે, એ વખતે યૂનાને કેવું લાગ્યું હશે? પહેલા તો કદાચ તેમને લાગ્યું હશે કે હવે તેમનું મરણ નક્કી છે. કદાચ એવું પણ લાગ્યું હશે કે યહોવાએ તેમનાથી મોં ફેરવી લીધું છે. સાચે, યૂના ખૂબ જ ડરી ગયા હશે.

મુશ્કેલીઓનો સામનો કરતી વખતે કઈ રીતે યૂનાની જેમ બળ મેળવી શકીએ? (ફકરા ૬-૯ જુઓ)

૬. યૂના માછલીના પેટમાં હતા ત્યારે યૂના ૨:૧, ૨, પ્રમાણે તેમને શાનાથી બળ મળ્યું?

માછલીના પેટમાં યૂના એકદમ એકલા હતા. એ વખતે બળ મેળવવા તેમણે શું કર્યું? યહોવાને પ્રાર્થના કરી. (યૂના ૨:૧, ૨, વાંચો.) એ વાત સાચી છે કે યૂનાએ યહોવાની આજ્ઞા તોડી હતી. પણ તેમણે પસ્તાવો કર્યો અને તેમને ભરોસો હતો કે યહોવા તેમની પ્રાર્થના સાંભળશે. યૂનાએ એ શાસ્ત્રવચનો પર પણ વિચાર કર્યો, જે તેમણે પહેલાં વાંચ્યાં હતાં. એવું શાના આધારે કહી શકીએ? યૂના અધ્યાય ૨માં યૂનાની એ પ્રાર્થના છે, જે તેમણે માછલીના પેટમાંથી કરી હતી. એમાં તેમણે એવા ઘણા શબ્દો વાપર્યા, જે ગીતશાસ્ત્રના પુસ્તકમાં જોવા મળે છે. (દાખલા તરીકે, યૂના ૨:૨, કલમોને ગીતશાસ્ત્ર ૬૯:૧; ૮૬:૭ સાથે સરખાવો.) એનાથી સાફ દેખાઈ આવે છે કે યૂના એ શાસ્ત્રવચનો સારી રીતે જાણતા હતા. મુશ્કેલ સમયમાં તેમણે એ કલમો પર વિચાર કર્યો. એનાથી તેમને ખાતરી થઈ કે યહોવા જરૂર તેમને મદદ કરશે. યહોવાએ યૂનાને બચાવ્યા. એ મોટી માછલીએ યૂનાને કોરી જમીન પર ઓકી કાઢ્યા. પછીથી યૂના યહોવાએ સોંપેલું કામ પૂરું કરવા તૈયાર હતા.—યૂના ૨:૧૦–૩:૪.

૭-૮. તાઇવાનમાં રહેતા એક ભાઈને મુશ્કેલ સમયમાં કઈ રીતે હિંમત મળી?

અલગ અલગ કસોટીઓનો સામનો કરતા હોઈએ ત્યારે યૂનાના દાખલાથી મદદ મળી શકે છે. તાઇવાનમાં રહેતા ઝિમિંગભાઈનો b વિચાર કરો. તેમને મોટી મોટી બીમારીઓ છે. વધુમાં, તેમને યહોવામાં શ્રદ્ધા છે, એટલે કુટુંબના સભ્યો તેમની સાથે ખરાબ રીતે વર્તે છે. યહોવાને પ્રાર્થના કરવાથી અને બાઇબલનો અભ્યાસ કરવાથી તેમને બળ મળે છે. તે કહે છે: “અમુક વાર મુશ્કેલીઓ ખૂબ વધી જાય છે. એ વખતે હું ચિંતામાં એટલો ડૂબી જાઉં છું કે મન શાંત કરી શકતો નથી અને વ્યક્તિગત અભ્યાસ કરી શકતો નથી.” પણ હિંમત હારવાને બદલે તે મદદ માટે યહોવા પર આધાર રાખે છે. તે કહે છે: “સૌથી પહેલા હું યહોવાને પ્રાર્થના કરું છું. પછી હું ઇયરફોન લગાવું છું અને રાજ્યગીતો સાંભળું છું. ઘણી વાર તો ધીમા અવાજે ગાઉં છું પણ ખરો. મન શાંત થાય ત્યાં સુધી એવું કરું છું. પછી હું અભ્યાસ કરવાનું શરૂ કરું છું.”

વ્યક્તિગત અભ્યાસ દરમિયાન ઝિમિંગભાઈ જે વાતો શીખ્યા હતા, એનાથી તેમને અઘરા સંજોગોનો સામનો કરવા હિંમત મળી. દાખલા તરીકે, તેમનું એક મોટું ઑપરેશન થયું હતું. ઑપરેશન પછી નર્સે તેમને કહ્યું કે તેમના શરીરમાં લોહી ઓછું થઈ ગયું છે (રક્તકણો ઘટી ગયા છે), એટલે લોહી ચઢાવવું પડશે. ભાઈને શાનાથી મદદ મળી? ઑપરેશનની આગલી રાતે તેમણે એક બહેનનો અનુભવ વાંચ્યો હતો, જેમનું એવું જ ઑપરેશન થયું હતું. બહેનનું લોહી તો ભાઈના લોહી કરતાં પણ ઓછું થઈ ગયું હતું. તોપણ તેમણે લોહી ન લીધું અને સાજા થઈ શક્યાં. એ અનુભવથી ઝિમિંગભાઈને યહોવાને વફાદાર રહેવા હિંમત મળી.

૯. જો કસોટીને લીધે તમે ચિંતામાં હો તો શું કરી શકો? (ચિત્રો પણ જુઓ.)

કસોટી દરમિયાન એવું લાગી શકે કે, ‘મને એટલી ચિંતા છે કે હું પ્રાર્થનામાં યહોવા આગળ મારું દિલ ઠાલવી નહિ શકું અથવા મારી પાસે બાઇબલનો અભ્યાસ કરવા શક્તિ જ નથી.’ શું તમને કદી એવું લાગ્યું છે? જો એમ હોય, તો યાદ રાખો કે યહોવા તમારી પરિસ્થિતિ સારી રીતે સમજે છે. ભલે તમારી પ્રાર્થના સાદી હોય, પણ તમે ખાતરી રાખી શકો કે યહોવા તમારી પ્રાર્થના સાંભળશે અને જરૂરી મદદ કરશે. (એફે. ૩:૨૦) જો બીમારી, થાક કે ચિંતાને લીધે તમને બાઇબલ વાંચવું અને એનો અભ્યાસ કરવો અઘરું લાગતું હોય, તો તમે બાઇબલ કે આપણાં સાહિત્યનાં ઑડિયો રેકોર્ડિંગ સાંભળી શકો. jw.org પર આપણું કોઈ ગીત સાંભળવાથી અથવા કોઈ વીડિયો જોવાથી તમને મદદ મળી શકે. યહોવા તમને બળવાન કરવા માંગે છે. એવું તે કઈ રીતે કરે છે? જ્યારે તમે યહોવાને પ્રાર્થના કરો છો તેમજ બાઇબલ અને યહોવાએ આપેલાં બીજાં સાહિત્યમાંથી તમારી પ્રાર્થનાનો જવાબ શોધો છો, ત્યારે તે તમને બળ આપે છે.

ભાઈ-બહેનો તમને બળ આપશે

૧૦. આપણાં ભાઈ-બહેનો કઈ રીતે આપણને હિંમત આપે છે?

૧૦ આપણને બળવાન કરવા યહોવા ભાઈ-બહેનોનો ઉપયોગ કરી શકે છે. જ્યારે આપણે કોઈ કસોટીનો સામનો કરતા હોઈએ અથવા કોઈ સોંપણી પૂરી કરવી અઘરી લાગતી હોય, ત્યારે તેઓ પાસેથી આપણને “ઘણો દિલાસો” મળી શકે છે. (કોલો. ૪:૧૦, ૧૧) ખાસ કરીને “મુસીબતના સમયે” આપણને મિત્રોની જરૂર હોય છે. (નીતિ. ૧૭:૧૭) કપરા સંજોગોમાંથી પસાર થતા હોઈએ ત્યારે ભાઈ-બહેનો આપણી જરૂરિયાતો પૂરી કરે છે, દિલાસો આપે છે અને આપણે વફાદારીથી યહોવાની સેવા કરતા રહીએ એ માટે ઉત્તેજન આપે છે. હવે ચાલો જોઈએ કે ઈસુની મા મરિયમને બીજાઓ પાસેથી કઈ રીતે હિંમત મળી.

૧૧. મરિયમને કેમ હિંમતની જરૂર હતી?

૧૧ યહોવાની ઇચ્છા પૂરી કરવા મરિયમને હિંમતની જરૂર હતી. આનો વિચાર કરો: જ્યારે ગાબ્રિયેલ દૂતે મરિયમને જણાવ્યું હશે કે તે ગર્ભવતી થશે અને દીકરાને જન્મ આપશે, ત્યારે તે કેટલી ડરી ગઈ હશે. તેના તો લગ્‍ન પણ થયા ન હતા, તો તે કઈ રીતે ગર્ભવતી થઈ શકે! તેને બાળકોનો ઉછેર કરવાનો કોઈ અનુભવ ન હતો અને હવે તેણે એક એવા દીકરાનો ઉછેર કરવાનો હતો, જે મસીહ બનવાનો હતો. મરિયમે કદી પણ કોઈ પુરુષ સાથે જાતીય સંબંધો બાંધ્યા ન હતા અને હવે તેણે યૂસફને જઈને એ કહેવાનું હતું કે તે ગર્ભવતી છે. સાચે જ, એમ કરવું મરિયમ માટે કેટલું અઘરું રહ્યું હશે!—લૂક ૧:૨૬-૩૩.

૧૨. લૂક ૧:૩૯-૪૫ પ્રમાણે મરિયમને કઈ રીતે હિંમત મળી?

૧૨ એ અનોખી અને અઘરી સોંપણી પૂરી કરવા મરિયમને ક્યાંથી હિંમત મળી? તેણે બીજાઓની મદદ લીધી. દાખલા તરીકે, તેણે ગાબ્રિયેલ દૂત પાસે એ સોંપણી વિશે વધારે માહિતી માંગી. (લૂક ૧:૩૪) એના થોડા જ સમય પછી તે પોતાના સંબંધી એલિસાબેતને મળવા મુસાફરી કરીને યહૂદાના ‘પહાડી પ્રદેશમાં’ ગઈ. એ મુલાકાત રંગ લાવી. એલિસાબેતે મરિયમના વખાણ કર્યા અને મરિયમને થનાર બાળક વિશે યહોવાની પ્રેરણાથી એક ભવિષ્યવાણી કરી. એ ભવિષ્યવાણીથી મરિયમને ચોક્કસ ઉત્તેજન મળ્યું હશે. (લૂક ૧:૩૯-૪૫ વાંચો.) મરિયમે કહ્યું કે યહોવાએ “પોતાના હાથે શક્તિશાળી કામો કર્યાં છે.” (લૂક ૧:૪૬-૫૧) યહોવાએ ગાબ્રિયેલ દૂત અને એલિસાબેત દ્વારા મરિયમને હિંમત આપી.

૧૩. એક બહેને જ્યારે ભાઈ-બહેનો પાસે મદદ માંગી ત્યારે શું થયું?

૧૩ મરિયમની જેમ તમને પણ ભાઈ-બહેનો પાસેથી હિંમત મળી શકે છે. બોલિવિયામાં રહેતાં દસુરીબહેનને એવી જ હિંમતની જરૂર હતી. તેમના પપ્પાને એવી બીમારી થઈ, જેનો કોઈ ઇલાજ ન હતો. જ્યારે તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે બહેને રાજીખુશીથી બધી જવાબદારી પોતાના માથે લઈ લીધી. (૧ તિમો. ૫:૪) જોકે એમ કરવું એટલું સહેલું ન હતું. બહેન કહે છે: “ઘણી વાર મને થતું કે હવે હું વધારે નહિ કરી શકું.” શું તેમણે બીજાઓની મદદ લીધી? ના, શરૂઆતમાં તો નહિ. બહેન કહે છે: “હું ભાઈ-બહેનોને હેરાન કરવા માંગતી ન હતી. હું વિચારતી કે ‘યહોવા છે ને! તે મદદ કરશે.’ પણ પછી મને સમજાયું કે આવું કરીને તો હું પોતાને એકલી પાડી રહી હતી અને સમસ્યાનો હલ લાવવા પોતાની મેળે જ મથી રહી હતી.” (નીતિ. ૧૮:૧) દસુરીબહેને નક્કી કર્યું કે તે પોતાના દોસ્તોને પોતાની હાલત જણાવશે. તે કહે છે: “મારાં વહાલાં ભાઈ-બહેનોએ જે રીતે મને હિંમત આપી, એ કહેવા મારી પાસે શબ્દો નથી. તેઓ દવાખાનામાં ખોરાક લઈને આવ્યાં. તેઓએ મને બાઇબલની કલમોથી દિલાસો આપ્યો. આ આખી દુનિયામાં તમે એકલા નથી, એ લાગણી જ તમારામાં હિંમત ભરી દે છે. આપણે બધા જ યહોવાના એક મોટા કુટુંબનો ભાગ છીએ. આ એવું કુટુંબ છે, જે મુશ્કેલ ઘડીમાં તમારો હાથ પકડી રાખે છે, તમે રડતા હો ત્યારે તમારી સાથે રડે છે અને તમે મુશ્કેલી સામે લડતા હો ત્યારે તમારી પડખે રહે છે.”

૧૪. આપણે કેમ વડીલોની મદદ લેતા અચકાવું ન જોઈએ?

૧૪ વડીલો દ્વારા પણ યહોવા આપણને હિંમત આપે છે. તેઓ ભેટ જેવા છે, જેઓ દ્વારા યહોવા આપણને બળ અને તાજગી આપે છે. (યશા. ૩૨:૧, ૨) એટલે ચિંતામાં હો ત્યારે વડીલો સાથે વાત કરો. તેઓને જણાવો કે તમને કઈ ચિંતા સતાવે છે અને કેમ. તેઓ મદદ કરવા આગળ આવે ત્યારે એ સ્વીકારતા અચકાશો નહિ. તેઓ દ્વારા યહોવા તમને બળવાન કરી શકે છે.

ભાવિની આશા તમને બળ આપી શકે છે

૧૫. બધા ખ્રિસ્તીઓને મન કઈ આશા કીમતી છે?

૧૫ બાઇબલમાં ભાવિ વિશે જે વચનો આપ્યાં છે, એનાથી આપણને આશા મળે છે અને યહોવાની ભક્તિ કરતા રહેવા બળ મળે છે. (રોમ. ૪:૩, ૧૮-૨૦) ખ્રિસ્તીઓ તરીકે આપણને હંમેશ માટે જીવવાની જોરદાર આશા છે. મોટા ભાગના લોકોને સુંદર નવી દુનિયામાં જીવવાની આશા છે અને અમુકને સ્વર્ગમાં જીવવાની આશા છે. એ આશાને લીધે જ આપણને મુશ્કેલીઓનો સામનો કરવા, ખુશખબર જણાવવા અને મંડળમાં અલગ અલગ સોંપણીઓ પૂરી કરવા બળ મળે છે. (૧ થેસ્સા. ૧:૩) એ જ આશાથી પ્રેરિત પાઉલને હિંમત મળી હતી.

૧૬. પ્રેરિત પાઉલને કેમ હિંમતની જરૂર હતી?

૧૬ પાઉલને હિંમતની જરૂર હતી. કોરીંથીઓને લખેલા પત્રમાં પાઉલે પોતાની સરખામણી માટીનાં વાસણો સાથે કરી, જે જલદી તૂટી શકે છે. તે “મુશ્કેલીઓથી ઘેરાયેલા” હતા, “મૂંઝવણમાં” હતા, તેમને “સતાવવામાં” આવ્યા હતા અને “પાડી નાખવામાં” આવ્યા હતા. અરે, તેમનો જીવ પણ જોખમમાં હતો. (૨ કોરીં. ૪:૮-૧૦) પાઉલે એ બધું પોતાની ત્રીજી મિશનરી મુસાફરી દરમિયાન લખ્યું હતું. પણ એ સમયે તેમને જરાય અંદાજ ન હતો કે બીજી કેવી મુસીબતો તેમની રાહ જોઈ રહી હતી. એ મુસાફરી દરમિયાન પછીથી એક ટોળાએ તેમના પર હુમલો કર્યો, તેમને પકડી લેવામાં આવ્યા, તેમનું વહાણ ભાંગી પડ્યું અને તેમને કેદ કરવામાં આવ્યા.

૧૭. બીજો કોરીંથીઓ ૪:૧૬-૧૮ પ્રમાણે પાઉલને અઘરા સંજોગોનો સામનો કરવા શાનાથી હિંમત મળી?

૧૭ એ અઘરા સંજોગોમાં હિંમત મેળવવા પાઉલે શું કર્યું? પોતાની આશા પર ધ્યાન આપ્યું. (૨ કોરીંથીઓ ૪:૧૬-૧૮ વાંચો.) તેમણે કોરીંથ મંડળનાં ભાઈ-બહેનોને જણાવ્યું કે ભલે તેમનું “શરીર કમજોર થતું જાય છે,” પણ તે હિંમત નહિ હારે. પાઉલે ધ્યાન આપ્યું કે તેમનું ભવિષ્ય કેવું હશે. તેમને સ્વર્ગમાં કાયમ માટે જીવવાની આશા હતી અને એ આશાને લીધે મળનાર ગૌરવ ‘વધતું ને વધતું જતું હતું.’ એ આશા પાઉલ માટે એટલી ખાસ હતી કે તે પોતાનું ઇનામ મેળવવા ગમે એટલી આકરી કસોટીનો સામનો કરવા પણ તૈયાર હતા. પાઉલે એ આશા પર મનન કર્યું અને પરિણામે અનુભવ્યું કે તે ‘રોજેરોજ મજબૂત થતા જાય છે.’

૧૮. ભાવિની આશા પર વિચાર કરવાથી તિહોમીરભાઈ અને તેમના કુટુંબને કેવી રીતે હિંમત મળી?

૧૮ બલ્ગેરિયામાં રહેતા તિહોમીરભાઈને ભાવિની આશા પર મનન કરવાથી હિંમત મળે છે. થોડાં વર્ષો પહેલાં તેમના નાના ભાઈ સ્ટ્રેવ્કોનું એક અકસ્માતમાં મરણ થયું. એ બનાવ પછી તિહોમીરભાઈ દુઃખમાં ગરકાવ થઈ ગયા. દુઃખમાંથી બહાર આવવા તેમને અને તેમના કુટુંબને શાનાથી મદદ મળી? તેઓ કલ્પના કરે છે કે જ્યારે યહોવા સ્ટ્રેવ્કોને જીવતો કરશે ત્યારે કેવો માહોલ હશે. ભાઈ કહે છે: “દાખલા તરીકે, અમે ચર્ચા કરીએ છીએ કે સ્ટ્રેવ્કોને ક્યાં મળીશું, તેના માટે કયું ખાવાનું બનાવીશું, તેનું સ્વાગત કરવા જે પાર્ટી રાખીશું એમાં કોને કોને બોલાવીશું અને છેલ્લા દિવસો વિશે તેને શું કહીશું.” ભાઈ કહે છે કે ભાવિની એ આશા પર વિચાર કરવાથી તેમને અને તેમના કુટુંબને કપરા સંજોગો સહન કરવા હિંમત મળે છે. એટલું જ નહિ, હવે તેઓ એ સમયની ધીરજથી રાહ જુએ છે, જ્યારે યહોવા તેમના ભાઈને જીવતો કરશે.

તમને શું લાગે છે, નવી દુનિયામાં તમારું જીવન કેવું હશે? (ફકરો ૧૯ જુઓ) c

૧૯. તમે કઈ રીતે તમારી આશા દૃઢ કરી શકો? (ચિત્ર પણ જુઓ.)

૧૯ તમે કઈ રીતે તમારી આશા દૃઢ કરી શકો? દાખલા તરીકે, જો તમને પૃથ્વી પર હંમેશાં જીવવાની આશા હોય, તો બાઇબલની એવી કલમો વાંચો જેમાં નવી દુનિયા વિશે જણાવ્યું છે અને પછી એ કલમો પર મનન કરો. (યશા. ૨૫:૮; ૩૨:૧૬-૧૮) વિચારો કે નવી દુનિયામાં તમારું જીવન કેવું હશે. કલ્પના કરો કે તમે નવી દુનિયામાં છો. તમે કોને જોઈ રહ્યા છો? કયા અવાજ તમારે કાને પડી રહ્યા છે? તમને કેવું લાગે છે? તમારી કલ્પનાના ઘોડા દોડાવવા આપણાં સાહિત્યમાં આપેલાં નવી દુનિયાનાં ચિત્રો જુઓ અથવા જબ દુનિયા હોગી નયી, યહોવા લાવશે સુખ-શાંતિ! અથવા સપનાઓની દુનિયા ગીતો જુઓ. જો નવી દુનિયાની આશાને દૃઢ પકડી રાખીશું, તો આપણને મુશ્કેલીઓ “પળભરની” લાગશે અને એ ‘બહુ ભારે નહિ લાગે.’ (૨ કોરીં. ૪:૧૭) એ આશા દ્વારા યહોવા આપણને બળવાન કરશે અને કપરા સંજોગો સહેવા હિંમત આપશે.

૨૦. કમજોર હોઈએ ત્યારે પણ કઈ રીતે બળ મેળવી શકીએ?

૨૦ ભલે એવું લાગતું હોય કે આપણે કમજોર છીએ, પણ ‘ઈશ્વર આપણને શક્તિ આપશે.’ (ગીત. ૧૦૮:૧૩) યહોવા પાસેથી બળ મેળવવા આપણને જેની જરૂર છે, એની ગોઠવણ તેમણે પહેલેથી કરી દીધી છે. એટલે જ્યારે તમને પોતાની સોંપણી પૂરી કરવા, કોઈ મુશ્કેલીનો સામનો કરવા અથવા પોતાનો આનંદ જાળવી રાખવા મદદની જરૂર હોય, ત્યારે કરગરીને યહોવાને પ્રાર્થના કરો. તેમનું માર્ગદર્શન મેળવવા બાઇબલનો ઊંડો અભ્યાસ કરો. ભાઈ-બહેનોની મદદ સ્વીકારો. નિયમિત રીતે સમય કાઢીને ભાવિની આશા પર મનન કરો. પછી ‘ઈશ્વરના મહાન બળથી તમે દૃઢ થશો, જેથી ધીરજ અને આનંદથી બધું સહન કરી શકો.’—કોલો. ૧:૧૧.

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

a અમુક ભાઈ-બહેનો મુશ્કેલીના બોજ નીચે દબાઈ ગયાં છે, તો અમુકને લાગે છે કે તેઓ પોતાની સોંપણી પૂરી નહિ કરી શકે. આ લેખથી તેઓને મદદ મળશે. આપણે એ પણ જોઈશું કે યહોવા કઈ રીતે આપણને બળવાન કરે છે અને તેમની મદદ મેળવવા આપણે શું કરવું જોઈએ.

b અમુક નામ બદલ્યાં છે.

c ચિત્રની સમજ: બહેન સાંભળી શકતાં નથી. તે બાઇબલમાં આપેલાં વચનો પર વિચાર કરે છે અને એક વીડિયો જુએ છે. એનાથી તેમને એ કલ્પના કરવા મદદ મળે છે કે નવી દુનિયામાં તેમનું જીવન કેવું હશે.