સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

ડર લાગે ત્યારે યહોવા પર ભરોસો રાખો

ડર લાગે ત્યારે યહોવા પર ભરોસો રાખો

૨૦૨૪નું આપણું વાર્ષિક વચન: “મને ડર લાગે ત્યારે હું તારા પર ભરોસો રાખું છું.”ગીત. ૫૬:૩.

આપણે શું શીખીશું?

જાણો કે કઈ રીતે યહોવા પરનો ભરોસો વધારી શકીએ અને ડર લાગે ત્યારે કઈ રીતે શાંત રહી શકીએ.

૧. અમુક વાર આપણને કેમ ડર લાગી શકે?

 દરેકને ક્યારેક ને ક્યારેક ડર લાગે છે. ખરું કે, આપણને ગુજરી ગયેલાઓનો, દુષ્ટ દૂતોનો અને ભાવિમાં માણસોનું શું થશે એનો ડર લાગતો નથી. કેમ કે આપણે બાઇબલમાંથી એ વિશે સાચી વાતો શીખ્યા છીએ. પણ આપણા સમયમાં “ડરાવી નાખતા બનાવો” બની રહ્યા છે. એટલે યુદ્ધો, ગુનાઓ અને બીમારીઓનો ડર લાગી શકે. (લૂક ૨૧:૧૧) કદાચ માણસોનો ડર લાગી શકે. જેમ કે સરકારોનો જેઓ જુલમ ગુજારે છે અથવા કુટુંબીજનોનો જેઓ સાચી ભક્તિનો વિરોધ કરે છે. અમુકને એ ચિંતા થાય છે કે તેઓ હમણાંની મુશ્કેલીઓનો સામનો નહિ કરી શકે અથવા જો ભવિષ્યમાં કોઈ મુશ્કેલી આવી પડી, તો એને સહી નહિ શકે.

૨. દાઉદ ગાથમાં હતા ત્યારે શું થયું?

દાઉદને પણ અમુક વાર ડર લાગ્યો હતો. દાખલા તરીકે, રાજા શાઉલ દાઉદની પાછળ પડ્યા હતા. તે તેમનો જીવ લેવા માંગતા હતા. એટલે દાઉદ પલિસ્તીઓના શહેર ગાથમાં નાસી ગયા. થોડા જ સમયમાં ગાથના રાજા આખીશને ખબર પડી કે દાઉદ પરાક્રમી યોદ્ધા હતા. તેમના માનમાં લોકોએ ગીત ગાયું હતું કે દાઉદે ‘દસ હજાર’ પલિસ્તીઓને મારી નાખ્યા હતા. એ જાણીને દાઉદને ખૂબ “ડર લાગ્યો.” (૧ શમુ. ૨૧:૧૦-૧૨) તેમને ચિંતા થઈ કે હવે આખીશ તેમનું શું કરશે. ડર લાગતો હતો છતાં હિંમત બતાવવા દાઉદને શાનાથી મદદ મળી?

૩. ગીતશાસ્ત્ર ૫૬:૧-૩, ૧૧ પ્રમાણે દાઉદને ડર દૂર કરવા શાનાથી મદદ મળી?

ગાથમાં હતા ત્યારે દાઉદને કેવું લાગ્યું, એ વિશે ગીતશાસ્ત્ર ૫૬માં જોવા મળે છે. એ ગીતમાં દાઉદે જણાવ્યું કે તેમને કેમ ડર લાગ્યો અને એ દૂર કરવા શાનાથી મદદ મળી. ડર લાગ્યો ત્યારે તેમણે યહોવા પર ભરોસો રાખ્યો. (ગીતશાસ્ત્ર ૫૬:૧-૩, ૧૧ વાંચો.) એમ કરવાનાં ઘણાં કારણો હતાં. દાઉદને યહોવાનો સાથ હતો. તેમણે એક વિચિત્ર યોજના ઘડી. તેમણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો અને એ યોજના કામ કરી ગઈ. હવે આખીશ દાઉદને મારી નાખવાને બદલે તેમનાથી પીછો છોડાવવા માંગતો હતો. આમ, દાઉદ ત્યાંથી નાસી છૂટ્યા અને પોતાનો જીવ બચાવી શક્યા.—૧ શમુ. ૨૧:૧૩–૨૨:૧.

૪. આપણે કઈ રીતે યહોવા પરનો ભરોસો વધારી શકીએ? દાખલો આપીને સમજાવો.

ડર લાગે ત્યારે આપણે પણ શાંત રહી શકીએ છીએ અને સમજી-વિચારીને વર્તી શકીએ છીએ. પણ કઈ રીતે યહોવા પરનો ભરોસો વધારી શકીએ? ડર લાગતો હોય ત્યારે કઈ રીતે એમ કરી શકીએ? આ દાખલાનો વિચાર કરો. તમને જાણવા મળે છે કે તમને એક બીમારી છે. શરૂઆતમાં ડર લાગે, પણ જો ડૉક્ટર પર ભરોસો હશે, તો ડર થોડો ઓછો થઈ જશે. તેણે કદાચ એવા ઘણા દર્દીઓને સાજા કર્યા છે, જેઓને એ જ બીમારી હતી. તે તમારી વાત ધ્યાનથી સાંભળે છે. તમને ભરોસો અપાવે છે કે તે તમારી લાગણીઓ સમજે છે. પછી તે એવી સારવાર વિશે જણાવે છે, જેનાથી ઘણા લોકો સાજા થયા છે. હવે તમને હાશ વળશે, ખરું ને? એવી જ રીતે, વિચારો કે યહોવાએ હમણાં સુધી શું કર્યું છે, તે હમણાં શું કરી રહ્યા છે અને ભાવિમાં શું કરવાના છે. એવો વિચાર કરવાથી તેમના પરનો ભરોસો વધે છે. દાઉદે એવું જ કર્યું હતું. તેમણે ઈશ્વરની પ્રેરણાથી ગીતશાસ્ત્રનો ૫૬મો અધ્યાય લખ્યો. આ લેખમાં એ અધ્યાયની અમુક કલમો પર ચર્ચા કરીશું. એમ કરીએ ત્યારે વિચારજો કે તમે કઈ રીતે યહોવા પરનો ભરોસો વધારી શકો અને ડર લાગે તોપણ શાંત રહી શકો.

યહોવાએ હમણાં સુધી શું કર્યું છે?

૫. ડર લાગ્યો ત્યારે દાઉદે શાના પર મનન કર્યું? (ગીતશાસ્ત્ર ૫૬:૧૨, ૧૩)

જીવ જોખમમાં હતો ત્યારે દાઉદે એ વાત પર ધ્યાન આપ્યું કે યહોવાએ શું કર્યું હતું. (ગીતશાસ્ત્ર ૫૬:૧૨, ૧૩ વાંચો.) દાઉદે આખી જિંદગી એવું જ કર્યું. દાખલા તરીકે, ઘણી વાર તેમણે યહોવાએ રચેલી સૃષ્ટિનો વિચાર કર્યો. એનાથી તેમને યાદ આવતું કે યહોવા કેટલા શક્તિશાળી છે અને તે માણસોને કેટલો પ્રેમ કરે છે. (ગીત. ૬૫:૬-૯) તેમણે એ પણ વિચાર કર્યો કે યહોવાએ બીજાઓ માટે શું કર્યું હતું. (ગીત. ૩૧:૧૯; ૩૭:૨૫, ૨૬) ખાસ કરીને, તેમણે એ વિચાર્યું કે યહોવાએ હમણાં સુધી તેમના માટે શું કર્યું હતું. દાઉદ માના ગર્ભમાં હતા ત્યારથી યહોવાએ તેમને સાથ આપ્યો હતો અને તેમનું રક્ષણ કર્યું હતું. (ગીત. ૨૨:૯, ૧૦) જરા વિચારો, એવી વાતો પર મનન કરવાથી દાઉદનો યહોવા પરનો ભરોસો કેટલો વધ્યો હશે!

યહોવાએ શું કર્યું હતું, તે શું કરી રહ્યા હતા અને ભાવિમાં શું કરવાના હતા, એનો વિચાર કરવાથી દાઉદનો યહોવામાં ભરોસો વધ્યો (ફકરા ૫, ૮, ૧૨ જુઓ) d


૬. ડર લાગે ત્યારે યહોવા પર ભરોસો રાખવા શાનાથી મદદ મળશે?

ડર લાગે ત્યારે પોતાને પૂછો: ‘યહોવાએ હમણાં સુધી શું કર્યું છે?’ તેમણે રચેલી સૃષ્ટિનો વિચાર કરો. દાખલા તરીકે, પક્ષીઓ અને ફૂલોને “ધ્યાનથી જુઓ.” યહોવાએ તેઓમાં પોતાના જેવા ગુણો મૂક્યા નથી. તેઓ યહોવાની ભક્તિ કરી શકતા નથી. તોપણ યહોવા તેઓની કાળજી રાખે છે. તો શું યહોવા તેઓ કરતાં તમારી વધારે કાળજી નહિ રાખે? આ રીતે વિચારવાથી યહોવામાં તમારો ભરોસો વધશે. (માથ. ૬:૨૫-૩૨) એ પણ વિચારો કે યહોવાએ પોતાના સેવકો માટે શું કર્યું છે. તમે કદાચ બાઇબલ સમયના કોઈ ઈશ્વરભક્તના દાખલાનો અભ્યાસ કરી શકો, જેમણે જોરદાર શ્રદ્ધા બતાવી હતી. અથવા આજના સમયના કોઈ ઈશ્વરભક્તનો અનુભવ વાંચી શકો. a એ પણ વિચારો કે યહોવાએ હમણાં સુધી તમારા માટે શું કર્યું છે. જેમ કે, તે તમને કઈ રીતે પોતાની પાસે દોરી લાવ્યા? (યોહા. ૬:૪૪) તેમણે કઈ રીતે તમારી પ્રાર્થનાઓનો જવાબ આપ્યો છે? (૧ યોહા. ૫:૧૪) તેમના વહાલા દીકરાના બલિદાનથી તમને કઈ રીતે દરરોજ ફાયદો થઈ રહ્યો છે?—એફે. ૧:૭; હિબ્રૂ. ૪:૧૪-૧૬.

યહોવાએ હમણાં સુધી શું કર્યું છે, તે શું કરી રહ્યા છે અને ભાવિમાં શું કરવાના છે, એનો વિચાર કરવાથી યહોવામાં આપણો ભરોસો વધશે (ફકરા ૬, ૯-૧૦, ૧૩-૧૪ જુઓ) e


૭. પ્રબોધક દાનિયેલનો વિચાર કરવાથી વેનેસા કઈ રીતે પોતાનો ડર દૂર કરી શકી?

હૈતીમાં રહેતી વેનેસાનો b વિચાર કરો. એક બનાવને લીધે તે ખૂબ ડરી ગઈ હતી. તેના વિસ્તારમાં રહેતો એક માણસ તેને દરરોજ ફોન કરતો અને મૅસેજ મોકલતો. તે શારીરિક સંબંધ બાંધવા વેનેસાને દબાણ કરતો. પણ વેનેસાએ ઘસીને ના પાડી દીધી. એનાથી એ માણસ ઊકળી ઊઠ્યો અને તેને ધમકીઓ આપવા લાગ્યો. વેનેસા કહે છે: “હું ખૂબ ડરી ગઈ હતી.” ડર દૂર કરવા તેણે શું કર્યું? પોતાનું રક્ષણ કરવા તેણે અમુક પગલાં ભર્યાં. એક વડીલની મદદથી તે અધિકારીઓને એ બનાવ વિશે જણાવી શકી. એ સિવાય, તેણે એ વાત પર ધ્યાન આપ્યું કે યહોવાએ અગાઉના ઈશ્વરભક્તોનું કઈ રીતે રક્ષણ કર્યું હતું. તે કહે છે: “સૌથી પહેલા મારા મનમાં પ્રબોધક દાનિયેલનો વિચાર આવ્યો. તે નિર્દોષ હતા. છતાં તેમને ભૂખ્યા સિંહોના બીલમાં નાખી દેવામાં આવ્યા હતા. યહોવાએ એ સિંહોનાં મોં બંધ કરી દીધાં અને તેમને બચાવ્યા. મેં બધું યહોવાના હાથમાં છોડી દીધું. મેં તેમને કહ્યું કે હું કંઈ કરી શકતી નથી, એટલે તે મારી મુશ્કેલીનો ઉકેલ લાવે. એ પછી મને બિલકુલ ડર લાગ્યો નહિ.”—દાનિ. ૬:૧૨-૨૨.

યહોવા આજે શું કરી રહ્યા છે?

૮. દાઉદને શાની ખાતરી હતી? (ગીતશાસ્ત્ર ૫૬:૮)

ગાથમાં દાઉદના માથે મોત ઝઝૂમતું હતું. પણ તે ડરી ન ગયા. એના બદલે, તેમણે વિચાર કર્યો કે યહોવા એ સમયે તેમના માટે શું કરી રહ્યા હતા. દાઉદ જોઈ શક્યા કે યહોવા તેમને માર્ગ બતાવી રહ્યા હતા, રક્ષણ કરી રહ્યા હતા અને તેમની લાગણીઓ સમજતા હતા. (ગીતશાસ્ત્ર ૫૬:૮ વાંચો.) દાઉદને વફાદાર મિત્રોનો સાથ પણ હતો. જેમ કે, યોનાથાને તેમની હિંમત વધારી અને પ્રમુખ યાજક અહીમેલેખે તેમને જરૂરી મદદ કરી. (૧ શમુ. ૨૦:૪૧, ૪૨; ૨૧:૬, ૮, ૯) ભલે રાજા શાઉલ દાઉદનો જીવ લેવા માંગતા હતા, પણ દાઉદ ત્યાંથી બચીને ભાગી ગયા. તેમને પૂરી ખાતરી હતી કે યહોવા તેમની મુશ્કેલીઓ અને લાગણીઓ સારી રીતે જાણતા હતા.

૯. તમને ડર લાગે છે ત્યારે, યહોવા શાના પર ધ્યાન આપે છે?

જ્યારે મુસીબત આવી પડે અને તમને ડર લાગે, ત્યારે તમે શું યાદ રાખી શકો? યહોવા ધ્યાન આપે છે કે તમારા પર કેવી મુસીબત આવી છે અને એના લીધે તમને કેવું લાગી રહ્યું છે. દાખલા તરીકે, ઇઝરાયેલીઓ ઇજિપ્તમાં ગુલામ હતા ત્યારે, યહોવાએ ધ્યાન આપ્યું કે તેઓ પર કેવો જુલમ થઈ રહ્યો હતો. યહોવા “તેઓની પીડા” પણ સારી રીતે જાણતા હતા. (નિર્ગ. ૩:૭) એક ગીતમાં દાઉદે કહ્યું કે યહોવાએ ફક્ત તેમની “વેદના” જ નહિ, તેમનાં “દુઃખો” પણ જોયાં. (ગીત. ૩૧:૭) અમુક વાર ઈશ્વરના લોકોએ પોતાના નિર્ણયોને લીધે દુઃખ વેઠવું પડ્યું. એ સમયે પણ “તેઓનાં બધાં દુઃખોમાં તે દુઃખી થયા.” (યશા. ૬૩:૯) ડર લાગે ત્યારે યાદ રાખજો કે તમને કેવું લાગી રહ્યું છે, એ યહોવા સમજે છે. તે તમને મદદ કરવા આતુર છે, જેથી તમે ડર દૂર કરી શકો.

૧૦. તમને કેમ ખાતરી છે કે યહોવા તમારી કાળજી રાખે છે અને કોઈ પણ કસોટીનો સામનો કરવા તમને મદદ કરશે?

૧૦ જો તમે કોઈ કસોટીનો સામનો કરતા હો અને તમને ડર લાગતો હોય, તો તમે કદાચ એ જોઈ ન શકો કે યહોવા કઈ રીતે તમને મદદ કરી રહ્યા છે. એટલે યહોવા કઈ રીતે મદદ કરે છે એ જોવા તેમને વિનંતી કરો. (૨ રાજા. ૬:૧૫-૧૭) પછી આનો વિચાર કરો: શું મંડળની સભામાં કોઈ પ્રવચનથી અથવા કોઈના જવાબથી તમને હિંમત મળી છે? શું કોઈ સાહિત્ય, વીડિયો અથવા બ્રૉડકાસ્ટિંગના ગીતથી તમારો ભરોસો વધ્યો છે? શું કોઈ ભાઈ કે બહેને તમને એવી કોઈ વાત કહી છે અથવા કોઈ કલમ બતાવી છે, જેથી તમને દિલાસો મળ્યો હોય? આપણે કદાચ સહેલાઈથી ભૂલી જઈ શકીએ કે ભાઈ-બહેનો આપણને કેટલો પ્રેમ કરે છે અને બાઇબલથી કેટલું ઉત્તેજન મળે છે. પણ એ બધું યહોવા તરફથી જોરદાર ભેટો છે. (યશા. ૬૫:૧૩; માર્ક ૧૦:૨૯, ૩૦) એ સાબિત કરે છે કે યહોવા તમારી કાળજી રાખે છે. (યશા. ૪૯:૧૪-૧૬) એ પણ સાબિત કરે છે કે તમે તેમના પર ભરોસો મૂકી શકો છો.

૧૧. ડર દૂર કરવા આયડાબહેનને શાનાથી મદદ મળી?

૧૧ આયડાબહેનનો વિચાર કરો, જે સેનેગલ દેશમાં રહે છે. એકવાર તેમની સામે એક કસોટી આવી. એ વખતે તેમણે ધ્યાન આપ્યું કે યહોવાએ તેમને કઈ રીતે મદદ કરી. બધાં બાળકોમાં તે સૌથી મોટાં હતાં. એટલે તેમનાં મમ્મી-પપ્પા ચાહતાં હતાં કે તે નોકરી કરે, જેથી તેમની અને કુટુંબની જરૂરિયાતો પૂરી થાય. પણ પાયોનિયરીંગ માટે જીવન સાદું બનાવ્યું ત્યારે તેમને પૈસાની ખેંચ પડવા લાગી. તેમનાં કુટુંબીજનો તેમના પર ગુસ્સે ભરાયાં અને તેમનો વાંક કાઢવા લાગ્યાં. બહેન કહે છે: “મને ડર લાગતો હતો કે હું મમ્મી-પપ્પાને મદદ નહિ કરી શકું. એવો પણ ડર હતો કે બધા મારા વિશે ખોટી વાતો કરશે. હું તો યહોવાને પણ દોષ આપવા લાગી હતી કે, તેમણે કેમ એ બધું ચાલવા દીધું.” પછી બહેને સભામાં એક પ્રવચન સાંભળ્યું. તે કહે છે: “પ્રવચન આપનાર ભાઈએ યાદ અપાવ્યું કે દિલ પર લાગેલા એકેએક ઘા યહોવા જાણે છે. ધીરે ધીરે વડીલો અને બીજાઓની સલાહથી હું પોતાને ખાતરી અપાવી શકી કે યહોવા મને પ્રેમ કરે છે. પછી હું બમણા ભરોસા સાથે યહોવાને પ્રાર્થના કરવા લાગી. જ્યારે મેં જોયું કે તેમણે કઈ રીતે મારી પ્રાર્થનાઓનો જવાબ આપ્યો, ત્યારે મને મનની શાંતિ મળી.” સમય જતાં આયડાબહેનને એવી નોકરી મળી, જેથી તે પાયોનિયરીંગ ચાલુ રાખી શક્યાં અને મમ્મી-પપ્પાને મદદ કરી શક્યાં. બહેન કહે છે: “હું યહોવા પર પૂરેપૂરો ભરોસો રાખવાનું શીખી છું. હવે પ્રાર્થના કર્યા પછી મોટા ભાગે મારો ડર દૂર થઈ જાય છે.”

યહોવા ભાવિમાં શું કરવાના છે?

૧૨. ગીતશાસ્ત્ર ૫૬:૯ પ્રમાણે દાઉદને શાની ખાતરી હતી?

૧૨ ગીતશાસ્ત્ર ૫૬:૯ વાંચો. આ કલમમાં બીજી એક રીત જોવા મળે છે, જેનાથી દાઉદને ડર દૂર કરવા મદદ મળી. ભલે જીવન જોખમમાં હતું, પણ તેમણે વિચાર કર્યો કે યહોવા ભાવિમાં તેમના માટે શું કરવાના છે. દાઉદ જાણતા હતા કે યહોવા યોગ્ય સમયે તેમને બચાવશે. કેમ કે યહોવાએ જ કહ્યું હતું કે શાઉલ પછી દાઉદ ઇઝરાયેલના રાજા બનશે. (૧ શમુ. ૧૬:૧, ૧૩) દાઉદને પૂરી ખાતરી હતી કે યહોવા પોતાનું વચન પૂરું કરીને જ રહે છે.

૧૩. આપણે યહોવા પર કઈ વાતનો ભરોસો રાખી શકીએ?

૧૩ યહોવાએ તમારા માટે શું કરવાનું વચન આપ્યું છે? આપણે એવી આશા નથી રાખતા કે યહોવા આપણા પર મુશ્કેલીઓ આવતી રોકી દેશે. c પણ યાદ રાખો કે આ દુનિયામાં તમારા પર જે પણ મુશ્કેલીઓ આવે છે, એને યહોવા નવી દુનિયામાં દૂર કરી દેશે. (યશા. ૨૫:૭-૯) આપણા સર્જનહાર એટલા શક્તિશાળી છે કે તે ગુજરી ગયેલાઓને જીવતા કરી શકે છે, બીમારીઓ દૂર કરી શકે છે, દિલ પર લાગેલા ઘા સાજા કરી શકે છે અને આપણા બધા વિરોધીઓનો સફાયો કરી શકે છે.—૧ યોહા. ૪:૪.

૧૪. આપણે શાના પર મનન કરી શકીએ?

૧૪ ડર લાગે ત્યારે મનન કરજો કે યહોવા ભાવિમાં શું કરવાના છે. આનો વિચાર કરજો: જ્યારે શેતાનનું નામનિશાન મિટાવી દેવામાં આવશે, જ્યારે દુષ્ટોનો નાશ કરવામાં આવશે અને તેઓની જગ્યાએ ફક્ત નેક લોકો હશે અને જ્યારે ધીરે ધીરે પાપની અસર દૂર કરવામાં આવશે, ત્યારે તમને કેવું લાગશે? ૨૦૧૪ના મહાસંમેલનમાં એક દૃશ્ય દ્વારા બતાવવામાં આવ્યું હતું કે કઈ રીતે આપણી આશા પર મનન કરી શકીએ. એક પિતા તેમના કુટુંબ સાથે ચર્ચા કરી રહ્યા હતા કે જો બીજો તિમોથી ૩:૧-૫માં એ જણાવ્યું હોત કે નવી દુનિયામાં આપણું જીવન કેવું હશે, તો ત્યાં આવું લખ્યું હોત: “નવી દુનિયામાં ખુશીઓથી ભરેલા દિવસો હશે. કેમ કે લોકો બીજાઓને પ્રેમ કરનારા, સત્યને પ્રેમ કરનારા, પોતાની હદમાં રહેનારા, નમ્ર, ઈશ્વરની સ્તુતિ કરનારા, મા-બાપની આજ્ઞા પાળનારા, આભાર માનનારા, વફાદાર, કુટુંબ માટે ઊંડો પ્રેમ બતાવનારા, ખુલ્લા દિલે વાત કરનારા, બીજાઓ વિશે હંમેશાં સારું બોલનારા, સંયમ રાખનારા, શાંત સ્વભાવના, ભલાઈને ચાહનારા, વિશ્વાસુ, જતું કરનારા, મનથી દીન રહેનારા, મોજશોખને બદલે ઈશ્વરને પ્રેમ કરનારા અને સાચા દિલથી ઈશ્વરની ભક્તિ કરનારા હશે. એવા લોકોની નજીક રહેજો.” શું તમે કુટુંબીજનો અથવા ભાઈ-બહેનો સાથે ચર્ચા કરો છો કે નવી દુનિયામાં જીવન કેવું હશે?

૧૫. યહોવાને વફાદાર રહેવા અને પોતાનો ડર દૂર કરવા તાનિયાબહેનને શાનાથી મદદ મળી?

૧૫ તાનિયાબહેન ઉત્તર મેસેડોનિયામાં રહે છે. તેમણે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે, તેમનાં મમ્મી-પપ્પાએ સખત વિરોધ કર્યો. પણ ભાવિના આશીર્વાદો પર મનન કરવાથી બહેનને યહોવાને વફાદાર રહેવા અને ડર દૂર કરવા મદદ મળી. તે કહે છે: “જેનો ડર હતો એ જ થયું. દરેક સભા પછી મમ્મી મને સખત મારતાં. મમ્મી-પપ્પાએ તો ધમકી આપી હતી કે જો હું યહોવાની સાક્ષી બનીશ, તો તેઓ મને મારી નાખશે.” સમય જતાં, મમ્મી-પપ્પાએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યાં. બહેને શું કર્યું? તે કહે છે: “મેં વિચાર્યું કે જો હું યહોવાને વફાદાર રહીશ, તો હું યુગોના યુગો સુધી ખુશ રહી શકીશ. એ પણ વિચાર્યું કે ભલે આ દુનિયામાં મારે ઘણું જતું કરવું પડે, પણ યહોવા નવી દુનિયામાં મને એનાથી પણ મોટું ઇનામ આપશે. એ સમયે કડવી વાતો યાદ પણ નહિ આવે.” તાનિયાબહેન યહોવાને વફાદાર રહ્યાં. યહોવાની મદદથી તેમને રહેવાની એક જગ્યા મળી. પછી તેમણે એક વફાદાર ભાઈ સાથે લગ્‍ન કર્યું અને આજે તેઓ બંને સાથે મળીને ખુશીથી પૂરા સમયની સેવા કરે છે.

આજથી જ યહોવા પરનો ભરોસો વધારો

૧૬. લૂક ૨૧:૨૬-૨૮માં જણાવેલા બનાવો પૂરા થતા જોઈએ છીએ ત્યારે, હિંમત રાખવા શાનાથી મદદ મળશે?

૧૬ મોટી વિપત્તિ વખતે ‘ભયથી લોકોના હોશ ઊડી જશે.’ પણ યહોવાના લોકો અડગ રહેશે અને હિંમત બતાવશે. (લૂક ૨૧:૨૬-૨૮ વાંચો.) શા માટે? કેમ કે આપણે યહોવા પર ભરોસો રાખવાનું શીખી લીધું હશે. અગાઉ આપણે તાનિયાબહેન વિશે જોઈ ગયા. તે કહે છે કે અગાઉ વેઠેલી તકલીફો તેમને બીજી અઘરી મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરે છે. તે જણાવે છે: “ગમે એવા કપરા સંજોગોનો સામનો કરવા યહોવા મદદ કરી શકે છે અને આપણું ભલું કરી શકે છે. અમુક વાર લાગે કે સંજોગો પર બીજાઓનો કાબૂ છે. પણ હકીકત એ છે કે યહોવા તેઓ કરતાં અનેક ગણા શક્તિશાળી છે. કોઈ મુશ્કેલી ભલે ગમે એટલી અઘરી લાગતી હોય, એક દિવસે એનો અંત જરૂર આવશે.”

૧૭. ૨૦૨૪ના વાર્ષિક વચનથી આપણને કઈ રીતે મદદ મળશે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૭ ડર લાગવો સ્વાભાવિક છે. પણ દાઉદની જેમ આપણે મનમાંથી ડર કાઢી શકીએ છીએ. તેમણે યહોવાને પ્રાર્થના કરી હતી: “મને ડર લાગે ત્યારે હું તારા પર ભરોસો રાખું છું.” (ગીત. ૫૬:૩) તેમની એ જ પ્રાર્થના ૨૦૨૪નું આપણું વાર્ષિક વચન છે. ધ્યાન આપો કે બાઇબલના એક વિદ્વાને એ કલમ વિશે શું કહ્યું. તેમણે કહ્યું: “દાઉદ ફક્ત પોતાની મુશ્કેલીઓ પર અથવા ડર વધારતી વાતો પર જ વિચાર કર્યા કરતા નથી. એના બદલે, તે પોતાના છોડાવનાર પર ભરોસો રાખે છે, જે તેમને બચાવશે.” આવનાર મહિનાઓમાં વાર્ષિક વચનનો વિચાર કરજો. ડર લાગે એવા સંજોગો ઊભા થાય ત્યારે તો ખાસ કરજો. થોડો સમય કાઢીને વિચારજો કે યહોવાએ હમણાં સુધી શું કર્યું છે, તે હમણાં શું કરી રહ્યા છે અને ભાવિમાં શું કરવાના છે. પછી દાઉદની જેમ તમે પણ પોકારી ઊઠશો: ‘ઈશ્વર પર મને પૂરો ભરોસો છે. હું કોઈથી ડરતો નથી.’—ગીત. ૫૬:૪.

કુદરતી આફત દરમિયાન એક બહેન વાર્ષિક વચનનો વિચાર કરે છે (ફકરો ૧૭ જુઓ)

મનમાંથી ડર કાઢવા નીચે આપેલા મુદ્દાઓ કઈ રીતે મદદ કરશે?

  • યહોવાએ હમણાં સુધી શું કર્યું છે એનો વિચાર કરવાથી

  • યહોવા હમણાં શું કરી રહ્યા છે એનો વિચાર કરવાથી

  • યહોવા ભાવિમાં શું કરવાના છે એનો વિચાર કરવાથી

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

a શ્રદ્ધા વધારે એવી માહિતી શોધવા jw.org/gu પર શોધો બૉક્સમાં લખો: “તેઓની શ્રદ્ધાને પગલે ચાલો” અથવા “અનુભવો.” JW લાઇબ્રેરી એપમાં “લેખો” વિભાગમાં “તેઓની શ્રદ્ધાને પગલે ચાલો” અથવા “યહોવાના સાક્ષીઓના અનુભવો” ભાગમાં આપેલા લેખો જુઓ.

b અમુક નામ બદલ્યાં છે.

d ચિત્રની સમજ: દાઉદે વિચાર કર્યો કે યહોવાએ કઈ રીતે એક રીંછને મારવા તેમને તાકાત આપી હતી, અહીમેલેખ દ્વારા જરૂરી મદદ કરી રહ્યા હતા અને ભાવિમાં તેમને રાજા બનાવવાના હતા.

e ચિત્રની સમજ: એક ભાઈ પોતાની શ્રદ્ધાને લીધે જેલમાં છે. તે વિચારે છે કે યહોવાએ તેમને ધૂમ્રપાન છોડવા કઈ રીતે મદદ કરી હતી, કુટુંબીજનો અને મિત્રોના પત્રો દ્વારા ઉત્તેજન આપી રહ્યા છે, તેમજ ભાવિમાં હંમેશ માટેનું જીવન આપશે.