સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨

ગીત ૮ ઈસુનું સાંજનું ભોજન

વર્ષના ખાસ દિવસ માટે હમણાંથી જ તૈયારી કરો

વર્ષના ખાસ દિવસ માટે હમણાંથી જ તૈયારી કરો

“મારી યાદમાં આ કરતા રહો.”લૂક ૨૨:૧૯.

આપણે શું શીખીશું?

સ્મરણપ્રસંગ કેમ બહુ ખાસ છે? એ દિવસ માટે આપણે કઈ રીતે પોતાને તૈયાર કરી શકીએ? એ પ્રસંગે હાજર રહેવા આપણે કઈ રીતે બીજાઓને મદદ કરી શકીએ?

૧. સ્મરણપ્રસંગ કેમ વર્ષનો સૌથી મહત્ત્વનો દિવસ છે? (લૂક ૨૨:૧૯, ૨૦)

 યહોવાના લોકો માટે ખ્રિસ્તના મરણનો દિવસ બહુ ખાસ છે. એ દિવસ વર્ષનો સૌથી મહત્ત્વનો દિવસ છે. એને સ્મરણપ્રસંગ પણ કહેવામાં આવે છે. ફક્ત એ જ પ્રસંગ વિશે ઈસુએ પોતાના શિષ્યોને ખાસ આજ્ઞા આપી હતી કે તેઓ એને યાદ કરે. (લૂક ૨૨:૧૯, ૨૦ વાંચો.) આપણે સ્મરણપ્રસંગની આતુરતાથી રાહ જોઈએ છીએ. શા માટે? ચાલો અમુક કારણો જોઈએ.

૨. આપણે બધા કેમ સ્મરણપ્રસંગની આતુરતાથી રાહ જોઈએ છીએ?

સ્મરણપ્રસંગથી આ મુદ્દા પર વિચાર કરવા મદદ મળે છે: ઈસુનું બલિદાન કેમ આપણા માટે ખાસ છે, ઈસુએ ચૂકવેલી છુટકારાની કિંમતથી કેવા આશીર્વાદો મળે છે અને ઈસુના બલિદાન માટે કઈ રીતે કદર બતાવી શકીએ. (૨ કોરીં. ૫:૧૪, ૧૫) એ પ્રસંગથી “અરસપરસ ઉત્તેજન” મેળવવાની પણ તક મળે છે. (રોમ. ૧:૧૨) દર વર્ષે એવાં ઘણાં ભાઈ-બહેનો સ્મરણપ્રસંગમાં આવે છે, જેઓ નિષ્ક્રિય થઈ ગયાં છે. ભાઈ-બહેનો પ્રેમથી તેઓનું સ્વાગત કરે છે અને એ પ્રેમ તેઓનાં દિલને સ્પર્શી જાય છે. એમાંનાં અમુક ભાઈ-બહેનો યહોવા પાસે પાછાં ફરવાનું નક્કી કરે છે. આપણા સંદેશામાં રસ બતાવ્યો હોય, એવા ઘણા લોકો પણ સ્મરણપ્રસંગે આવે છે. ત્યાં તેઓ જે જુએ છે અને સાંભળે છે, એનાથી તેઓને બાઇબલમાંથી શીખવાનું મન થાય છે. આમ તેઓ પણ જીવનના માર્ગ પર ચાલવાનું શરૂ કરે છે. સાચે જ, સ્મરણપ્રસંગ આપણા માટે કેટલો ખાસ છે!

૩. સ્મરણપ્રસંગ કઈ રીતે યહોવાના લોકોને એકતામાં લાવે છે? (ચિત્ર પણ જુઓ.)

સ્મરણપ્રસંગની આતુરતાથી રાહ જોવાનું બીજું પણ એક કારણ છે. સ્મરણપ્રસંગ બધાં ભાઈ-બહેનોને એકતામાં લાવે છે. સૂરજ ઢળતો જાય છે તેમ આખી દુનિયામાં બધા જ યહોવાના સાક્ષીઓ ભેગા મળે છે. એ દિવસે આપણે એક પ્રવચન સાંભળીએ છીએ. એમાં સમજાવવામાં આવે છે કે ઈસુનું બલિદાન કેમ આપણા માટે આટલું કીમતી છે. યહોવાને મહિમા આપવા આપણે બે ગીતો ગાઈએ છીએ. તેમ જ, રોટલી અને દ્રાક્ષદારૂ પસાર કરવામાં આવે છે. એ પ્રસંગે ચાર પ્રાર્થનાઓ કરવામાં આવે છે. આપણે પૂરા દિલથી દરેક પ્રાર્થનાને અંતે “આમેન” કહીએ છીએ. ૨૪ કલાકની અંદર આખી દુનિયાનાં બધાં મંડળોમાં આ જ રીતે ઈસુના મરણને યાદ કરવામાં આવે છે. યહોવા અને ઈસુને એ જોઈને કેટલી ખુશી થતી હશે કે આપણે આ રીતે એક થઈને તેઓની કદર કરીએ છીએ!

સ્મરણપ્રસંગ બધાં ભાઈ-બહેનોને એકતામાં લાવે છે (ફકરો ૩ જુઓ) f


૪. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

આ લેખમાં આ ત્રણ સવાલો પર ચર્ચા કરીશું: સ્મરણપ્રસંગ માટે કઈ રીતે પોતાનું દિલ તૈયાર કરી શકીએ? કઈ રીતે બીજાઓને મદદ કરી શકીએ, જેથી તેઓને પણ ફાયદો થાય? કઈ રીતે નિષ્ક્રિય ભાઈ-બહેનોને મદદ કરી શકીએ? એ સવાલોના જવાબથી આપણે આ મહત્ત્વના પ્રસંગ માટે પોતાને તૈયાર કરી શકીશું.

પોતાનું દિલ તૈયાર કરો

૫. (ક) ઈસુનું બલિદાન આપણા માટે કેટલું અનમોલ છે, એના પર કેમ વિચાર કરવો જોઈએ? (ગીતશાસ્ત્ર ૪૯:૭, ૮) (ખ) ઈસુ શા માટે મરણ પામ્યા? વીડિયોમાંથી તમે શું શીખ્યા?

સ્મરણપ્રસંગ માટે પોતાનું દિલ તૈયાર કરવાની ઘણી રીતો છે. પણ એમાંની એક ખાસ રીત છે: ઈસુ ખ્રિસ્તનું બલિદાન કેટલું અનમોલ છે એના પર મનન કરીએ. પાપ અને મરણની ગુલામીમાંથી પોતાને છોડાવવા આપણે આપમેળે કંઈ જ કરી શકતા ન હતા. (ગીતશાસ્ત્ર ૪૯:૭, ૮ વાંચો; ઈસુ શા માટે મરણ પામ્યા? વીડિયો પણ જુઓ.) a એટલે યહોવા અને ઈસુએ આપણને છોડાવવા બહુ ભારે કિંમત ચૂકવી. યહોવાએ એક ગોઠવણ કરી. આપણને બચાવવા તેમણે પોતાના વહાલા દીકરાનું જીવન કુરબાન કરી દીધું. (રોમ. ૬:૨૩) યહોવા અને ઈસુએ આપણા માટે જે જતું કર્યું છે, એનો જેટલો વધારે વિચાર કરીશું, એટલી વધારે ઈસુના બલિદાન માટે કદર બતાવી શકીશું. તેઓએ આપણા માટે ઘણું બધું સહ્યું છે. ચાલો એમાંની અમુક બાબતો જોઈએ. પણ સૌથી પહેલા જોઈએ કે છુટકારાની કિંમત એટલે શું અને કેમ એ ચૂકવવાની જરૂર ઊભી થઈ.

૬. છુટકારાની કિંમત એટલે શું? એ ચૂકવવાની જરૂર કેમ ઊભી થઈ?

કોઈ વસ્તુ પાછી મેળવવા જે કિંમત ચૂકવવામાં આવે છે, એને છુટકારાની કિંમત કહેવાય છે. જ્યારે સૌથી પહેલા પુરુષ આદમને બનાવવામાં આવ્યો, ત્યારે તેનામાં પાપ ન હતું. પણ પાપ કરીને તેણે હંમેશ માટે જીવવાનો લહાવો ગુમાવ્યો. એ લહાવો તેનાં બાળકોના હાથમાંથી પણ જતો રહ્યો. આદમે જે ગુમાવ્યું હતું એને પાછું મેળવવા ઈસુએ પોતાના પાપ વગરના શરીરનું બલિદાન આપ્યું. આ પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ આખું જીવન “કોઈ પાપ કર્યું ન હતું અને તેમના મોંમાં કંઈ કપટ ન હતું.” (૧ પિત. ૨:૨૨) તે મરણની અણીએ હતા ત્યારે પણ તેમનામાં પાપ ન હતું. આમ પાપ વગરનું શરીર આપીને ઈસુએ પૂરેપૂરી કિંમત ચૂકવી, જે આદમના જીવનની કિંમત બરાબર હતી.—૧ કોરીં. ૧૫:૪૫; ૧ તિમો. ૨:૬.

૭. પૃથ્વી પર હતા ત્યારે ઈસુ પર કેવી કેવી કસોટીઓ આવી?

પૃથ્વી પર હતા ત્યારે ઈસુ પર ઘણી કસોટીઓ આવી. તેમ છતાં તેમણે હંમેશાં સ્વર્ગમાંના પિતાનું કહ્યું માન્યું. તે બાળક હતા ત્યારે પોતાનાં માતા-પિતાને આધીન રહ્યા. ઈસુમાં તો તન-મનની કોઈ ખામી ન હતી, જ્યારે કે તેમનાં માતા-પિતા ભૂલભરેલાં હતાં. છતાં ઈસુએ તેઓની વાત માની. (લૂક ૨:૫૧) તે ૧૫-૧૬ વર્ષના હશે ત્યારે અમુક લોકોએ કદાચ તેમને માતા-પિતાની વાત ન માનવા અથવા યહોવાને બેવફા બનવા દબાણ કર્યું હશે. પછી મોટા થયા ત્યારે તેમણે શેતાનનો સામનો કરવો પડ્યો. શેતાને ઈસુને લાલચ આપી, જેથી ઈસુ પાપ કરી બેસે. શેતાને તો ઈસુને સીધેસીધું કહી પણ દીધું કે તે યહોવાને વફાદાર રહેવાનું છોડી દે. (માથ. ૪:૧-૧૧) શેતાને જાણે સમ ખાધા હતા કે તે ઈસુ પાસે પાપ કરાવીને જ રહેશે, જેથી ઈસુ છુટકારાની કિંમત ચૂકવી ન શકે.

૮. ઈસુએ બીજી કઈ કસોટીઓનો સામનો કર્યો?

પોતાના સેવાકાર્ય દરમિયાન ઈસુએ બીજી કસોટીઓનો સામનો કર્યો. દુશ્મનોએ તેમને સતાવ્યા અને તેમને મારી નાખવાની કોશિશ કરી. (લૂક ૪:૨૮, ૨૯; ૧૩:૩૧) તેમના શિષ્યો વારેવારે ભૂલો કરતા હતા. એ પણ ઈસુ માટે કસોટી જેવું જ હતું. (માર્ક ૯:૩૩, ૩૪) તેમના પર મુકદ્દમો ચાલતો હતો ત્યારે, તેમને રિબાવવામાં આવ્યા અને તેમની મજાક ઉડાવવામાં આવી. તેમને ગુનેગાર જાહેર કરવામાં આવ્યા. તેમણે દુઃખ અને અપમાન સહ્યાં. પછી વધસ્તંભ પર તેમને મારી નાખવામાં આવ્યા. (હિબ્રૂ. ૧૨:૧-૩) જીવનની એ છેલ્લી ઘડીઓમાં તેમણે જે મુશ્કેલીઓ સહી, એ યહોવાના રક્ષણ વગર સહેવી પડી. bમાથ. ૨૭:૪૬.

૯. ઈસુના બલિદાનનો વિચાર કરીએ છીએ ત્યારે, આપણને કેવું લાગે છે? (૧ પિતર ૧:૮)

છુટકારાની કિંમત ચૂકવવા ઈસુએ કેટલું સહન કર્યું! આપણા માટે તે રાજીખુશીથી બધું જ જતું કરવા તૈયાર હતા. એનો વિચાર કરીએ છીએ ત્યારે શું આપણાં દિલમાં ઈસુ માટેનો પ્રેમ ઊભરાઈ જતો નથી?—૧ પિતર ૧:૮ વાંચો.

૧૦. છુટકારાની કિંમત ચૂકવવા યહોવાએ શું સહ્યું?

૧૦ ઈસુ છુટકારાની કિંમત ચૂકવે એ માટે યહોવાએ શું સહ્યું? આ દુનિયાના કોઈ પણ બાપ-દીકરાના સંબંધ કરતાં યહોવા અને ઈસુ વચ્ચેનો સંબંધ એકદમ ગાઢ છે. (નીતિ. ૮:૩૦) આનો વિચાર કરો: પૃથ્વી પર ઈસુએ ઘણું વેઠ્યું. પોતાના કાળજાના ટુકડાને દુઃખો સહેતા જોવો યહોવા માટે સહેલું નહિ હોય. યહોવાના દિલ પર શું વીત્યું હશે એની તો આપણે કલ્પના પણ નથી કરી શકતા. જ્યારે તેમના દીકરાને સતાવવામાં આવ્યો, તેમનો નકાર કરવામાં આવ્યો અને તેમના પર જુલમ ગુજારવામાં આવ્યો, ત્યારે એ જોઈને યહોવાનું કાળજું કપાઈ ગયું હશે.

૧૧. ઈસુને મારી નાખવામાં આવ્યા ત્યારે, યહોવાના દિલ પર શું વીત્યું હશે? દાખલો આપીને સમજાવો.

૧૧ બાળક ગુમાવવાની પીડા કેટલી અસહ્ય હોય છે, એ તો એ મા-બાપનું દિલ જ જાણે છે, જેઓએ પોતાના બાળકને મરણમાં ગુમાવ્યું છે. ખરું કે, યહોવા ગુજરી ગયેલાઓને જીવતા કરશે એ વચન પર આપણને અડગ શ્રદ્ધા છે. તોપણ જ્યારે કોઈ પ્રિયજનનું મરણ થાય છે, ત્યારે આ દુનિયાનો કોઈ મલમ દિલ પર લાગેલા એ ઘાને ભરી શકતો નથી. એ દાખલાથી એ સમજવા મદદ મળે છે કે જ્યારે ઈસવીસન ૩૩, નીસાન ૧૪ના રોજ યહોવાએ પોતાના વહાલસોયા દીકરાને રિબાતા અને મરતા જોયો હશે, ત્યારે તેમને કેટલું દુઃખ પહોંચ્યું હશે! cમાથ. ૩:૧૭.

૧૨. સ્મરણપ્રસંગના અમુક અઠવાડિયાઓ પહેલાં શું કરી શકીએ?

૧૨ વ્યક્તિગત બાઇબલ અભ્યાસ અથવા કુટુંબ તરીકે ભક્તિ કરો ત્યારે, ઈસુના બલિદાન પર વધારે અભ્યાસ કરવાનો ધ્યેય રાખી શકો. પણ એ માટે સ્મરણપ્રસંગની રાહ ન જોતા. આજથી જ એની શરૂઆત કરજો. એ વિષય પર ઊંડો અભ્યાસ કરવા તમે યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા અથવા બાઇબલ આધારિત બીજાં સાહિત્યનો ઉપયોગ કરી શકો. d આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકામાં સ્મરણપ્રસંગના બાઇબલ વાંચનનું શેડ્યુલ આપેલું છે. એ પ્રમાણે બાઇબલ વાંચવાનું ચૂકી ન જતા. ખાસ તો, સ્મરણપ્રસંગના દિવસે સવારની ભક્તિનો ખાસ વીડિયો જોવાનું ભૂલતા નહિ. સ્મરણપ્રસંગ માટે પોતાનું દિલ તૈયાર કરીએ છીએ ત્યારે, બીજાઓને મદદ કરી શકીએ છીએ, જેથી તેઓને પણ ફાયદો થાય.—એઝ. ૭:૧૦.

બીજાઓને મદદ કરો, જેથી તેઓને ફાયદો થાય

૧૩. બીજાઓને સ્મરણપ્રસંગથી ફાયદો થાય એ માટે તેઓને મદદ કરવાનું પહેલું પગલું કયું છે?

૧૩ સ્મરણપ્રસંગથી ફાયદો મેળવવા કઈ રીતે બીજાઓને મદદ કરી શકીએ? પહેલું પગલું છે, આમંત્રણ આપવું. આપણે પ્રચારમાં મળતા લોકોને આમંત્રણ આપીએ છીએ. એ સિવાય ઓળખીતાઓને પણ આમંત્રણ આપી શકીએ. કોને કોને સ્મરણપ્રસંગમાં બોલાવીશું, એની એક યાદી બનાવી શકીએ. જેમ કે સગાં-વહાલાં, સાથે કામ કરતા લોકો, સાથે ભણતા વિદ્યાર્થીઓ અને બીજાઓ. જો આપણી પાસે પત્રિકાની છાપેલી પ્રત પૂરતા પ્રમાણમાં ન હોય, તો લિંક મોકલી શકીએ. બીજાઓને આમંત્રણ આપવા બનતું બધું કરીશું. કેમ કે આપણે જાણતા નથી કે આમંત્રણ સ્વીકારીને કેટલા લોકો સ્મરણપ્રસંગમાં આવશે.—સભા. ૧૧:૬.

૧૪. જ્યારે બીજાઓને હાથોહાથ આમંત્રણ આપીએ છીએ, ત્યારે એની કેવી અસર થાય છે? દાખલો આપીને સમજાવો.

૧૪ બીજાઓને હાથોહાથ આમંત્રણ પત્રિકા આપીએ છીએ અથવા લિંક મોકલીએ છીએ ત્યારે, એની ઊંડી અસર પડે છે. એક બહેનનો અનુભવ લો. તેમના પતિ યહોવાના સાક્ષી નથી. એક દિવસે તેમના પતિએ કહ્યું કે તે સ્મરણપ્રસંગમાં આવવા માંગે છે. એ સાંભળીને બહેનની નવાઈનો પાર ન રહ્યો. શા માટે? કેમ કે પહેલાં પણ ઘણી વાર બહેને તેમને સ્મરણપ્રસંગમાં આવવા કહ્યું હતું. પણ તેમના પતિ કદી આવ્યા ન હતા. તો આ વખતે શું થયું? તેમના પતિએ કહ્યું: “મને સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી.” તેમણે જણાવ્યું કે મંડળના એક વડીલ સાથે તેમનું સારું બનતું હતું અને એ વડીલે તેમને આમંત્રણ આપ્યું હતું. બહેનના પતિ એ વર્ષે સ્મરણપ્રસંગમાં આવ્યા અને ત્યાર પછી ઘણાં વર્ષો સુધી આવતા રહ્યા.

૧૫. બીજાઓને આમંત્રણ આપતી વખતે શું યાદ રાખવું જોઈએ?

૧૫ યાદ રાખજો કે જેઓને આમંત્રણ આપીએ છીએ, તેઓનાં મનમાં અમુક સવાલો થઈ શકે છે. જો તેઓ આપણી સભાઓમાં કદી આવ્યા ન હોય, તો તો જરૂર સવાલો થઈ શકે છે. એટલે પહેલેથી વિચારીએ કે તેઓને કેવા સવાલો થશે અને પછી એના જવાબો તૈયાર કરીએ. (કોલો. ૪:૬) દાખલા તરીકે, ‘એ કાર્યક્રમમાં શું થશે?’ ‘એ કેટલો લાંબો ચાલશે?’ ‘મારે કેવાં કપડાં પહેરવાં જોઈએ?’ ‘શું કોઈ ફી ભરવી પડશે?’ ‘શું દાન ઉઘરાવવામાં આવશે?’ એટલે બીજાઓને આમંત્રણ આપતી વખતે પૂછી શકીએ: “શું તમારા મનમાં કોઈ સવાલ છે?” જો તેઓને કોઈ સવાલ હોય, તો એનો જવાબ આપી શકીએ. ઈસુના મરણને યાદ કરીએ અને પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો પણ બતાવી શકીએ. એનાથી તેઓ જોઈ શકશે કે આપણી સભાઓ કઈ રીતે ચલાવવામાં આવે છે. અને હા, બીજી એક વાત, દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના પાઠ ૨૮માં અમુક સરસ મુદ્દાઓ આપ્યા છે. એ પણ તેઓને બતાવી શકીએ.

૧૬. નવા લોકોને બીજા કયા સવાલો થઈ શકે?

૧૬ નવા લોકોને સ્મરણપ્રસંગ પછી કદાચ બીજા અમુક સવાલો થાય. જેમ કે, કેમ કોઈએ રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ ન લીધો? અથવા જો કોઈએ રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લીધો હોય, તો તેઓને થાય કે કેમ ફક્ત અમુકે જ ભાગ લીધો. તેઓને કદાચ એવો પણ સવાલ થાય કે આપણે વર્ષમાં કેટલી વાર ઈસુના મરણને યાદ કરીએ છીએ. કદાચ તેઓને જાણવું હોય કે શું યહોવાના સાક્ષીઓની બધી સભાઓ આવી જ રીતે થાય છે. એ વાત સાચી છે કે સ્મરણપ્રસંગના પ્રવચનમાં એમાંના ઘણા મુદ્દાઓ જણાવવામાં આવે છે. તોપણ કદાચ નવા લોકોને વધારે માહિતી આપવાની જરૂર પડી શકે. તેઓના અમુક સવાલોના જવાબ આપવા jw.org/gu પર આપેલા આ લેખથી મદદ મળશે: “યહોવાના સાક્ષીઓ શા માટે બીજા ધર્મો કરતાં જુદી રીતે પ્રભુભોજન ઊજવે છે?” આપણે ચાહીએ છીએ કે જેઓનું “દિલ સારું” છે, તેઓને સ્મરણપ્રસંગથી ફાયદો થાય. (પ્રે.કા. ૧૩:૪૮) એટલે સ્મરણપ્રસંગ પહેલાં, એ દરમિયાન અને પછી તેઓને મદદ કરવા બનતું બધું કરીએ.

નિષ્ક્રિય ભાઈ-બહેનોને મદદ કરો

૧૭. વડીલો કઈ રીતે નિષ્ક્રિય ભાઈ-બહેનોને મદદ કરી શકે? (હઝકિયેલ ૩૪:૧૨, ૧૬)

૧૭ સ્મરણપ્રસંગના સમયગાળા દરમિયાન વડીલો કઈ રીતે નિષ્ક્રિય ભાઈ-બહેનોને મદદ કરી શકે? બતાવી આપો કે તમને તેઓની ચિંતા છે. (હઝકિયેલ ૩૪:૧૨, ૧૬ વાંચો.) સ્મરણપ્રસંગ પહેલાં બની શકે એટલાં ભાઈ-બહેનોને મળવા જાઓ. તેઓને ખાતરી કરાવો કે તમે તેઓને પ્રેમ કરો છો અને દરેક રીતે તેઓને મદદ કરવા તૈયાર છો. તેઓને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો. જો તેઓ આવે તો હૃદયના ઉમળકાથી તેઓનું સ્વાગત કરો. પણ સ્મરણપ્રસંગ પછી તેઓને ભૂલી ન જતા. એ વહાલાં ભાઈ-બહેનોને મળતા રહેજો અને વાત કરવાનું ચાલુ રાખજો. યહોવા પાસે પાછા ફરવા તેઓને જે મદદની જરૂર હોય એ કરજો.—૧ પિત. ૨:૨૫.

૧૮. નિષ્ક્રિય ભાઈ-બહેનોને મદદ કરવા આપણે દરેક જણ શું કરી શકીએ? (રોમનો ૧૨:૧૦)

૧૮ જે નિષ્ક્રિય ભાઈ-બહેનો સ્મરણપ્રસંગમાં આવે છે, તેઓને મદદ કરવામાં આપણે દરેક જણ ભાગ લઈ શકીએ છીએ. કઈ રીતે? પ્રેમથી તેઓનું સ્વાગત કરીએ, તેઓ સાથે માયાળુ રીતે વર્તીએ અને તેઓને માન આપીએ. (રોમનો ૧૨:૧૦ વાંચો.) યાદ રાખજો કે એ વહાલાં ભાઈ-બહેનો માટે સભામાં પાછા ફરવું સહેલું નહિ હોય. તેઓનાં મનમાં ગડમથલ ચાલતી હશે. કદાચ ડર હશે કે મંડળનાં ભાઈ-બહેનો તેઓ વિશે શું વિચારશે અથવા તેઓને જોઈને શું કહેશે. e એટલે એવા સવાલો ન પૂછશો, જેથી તેઓ શરમમાં મુકાઈ જાય. એવું કંઈ ન કહેશો જેથી તેઓનું દિલ તૂટી જાય. (૧ થેસ્સા. ૫:૧૧) ભૂલશો નહિ, તેઓ યહોવાનાં ઘેટાં છે, આપણાં જ ભાઈ-બહેનો છે. ફરીથી તેઓ સાથે મળીને યહોવાની ભક્તિ કરવામાં આપણને કેટલી ખુશી થશે!—ગીત. ૧૧૯:૧૭૬; પ્રે.કા. ૨૦:૩૫.

૧૯. ઈસુના મરણને યાદ કરવાથી કેવા ફાયદા થાય છે?

૧૯ ઈસુએ તેમના મરણના દિવસને દર વર્ષે યાદ કરવાનું કહ્યું હતું, એ માટે આપણે તેમના આભારી છીએ. શા માટે? કેમ કે સ્મરણપ્રસંગમાં જઈએ છીએ ત્યારે આપણને અને બીજાઓને ઘણો ફાયદો થાય છે. (યશા. ૪૮:૧૭, ૧૮) યહોવા અને ઈસુ માટેનો આપણો પ્રેમ વધે છે. તેઓએ આપણા માટે જે કંઈ કર્યું છે એના માટે કદર બતાવીએ છીએ. ભાઈ-બહેનો સાથેનો આપણો સંબંધ પાકો થાય છે. આપણે કદાચ બીજાઓને શીખવી શકીએ છીએ કે ઈસુના બલિદાનથી તેઓ પણ કઈ રીતે આશીર્વાદો મેળવી શકે છે. તો પછી ચાલો, સ્મરણપ્રસંગ માટે તૈયાર થવા કોઈ કસર બાકી ન રાખીએ. કેમ કે શું આના કરતાં વધારે ખાસ દિવસ બીજો કોઈ હોય શકે?

આપણે કઈ રીતે . . .

  • સ્મરણપ્રસંગ માટે પોતાનું દિલ તૈયાર કરી શકીએ?

  • બીજાઓને મદદ કરી શકીએ, જેથી તેઓને ફાયદો થાય?

  • નિષ્ક્રિય ભાઈ-બહેનોને મદદ કરી શકીએ?

ગીત ૧૪૯ અમને બચાવવા તારો આભાર

a આ લેખમાં આપેલા લેખો અને વીડિયો શોધવા jw.org/gu પર શોધો બૉક્સમાં જે તે લેખ અથવા વીડિયોનો વિષય લખો.

b એપ્રિલ ૨૦૨૧ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”

e ચિત્રો અને “ ભાઈ-બહેનોએ કઈ રીતે આવકાર કર્યો?” નામનું બૉક્સ જુઓ. એક નિષ્ક્રિય ભાઈ પ્રાર્થનાઘરમાં આવતા અચકાય છે, પણ તે હિંમત કરીને અંદર આવે છે. ભાઈ-બહેનો ખૂબ પ્રેમથી તેમનું સ્વાગત કરે છે. બધા સાથે વાત કરીને તેમને સારું લાગે છે.

f ચિત્રની સમજ: દુનિયાના એક ભાગના યહોવાના સાક્ષીઓ સ્મરણપ્રસંગમાં ભાગ લે છે ત્યારે, દુનિયાના બીજા ભાગના યહોવાના સાક્ષીઓ એ ખાસ પ્રસંગની તૈયારી કરે છે.