સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૫

ગીત ૧૫૧ ઈશ્વરના દીકરાઓ પ્રગટ થશે

“હું તને કદી ત્યજી દઈશ નહિ”!

“હું તને કદી ત્યજી દઈશ નહિ”!

“ઈશ્વરે કહ્યું છે: ‘હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.’”હિબ્રૂ. ૧૩:૫ખ.

આપણે શું શીખીશું?

બાકી રહેલા અભિષિક્તો સ્વર્ગમાં જતા રહેશે ત્યારે ઈશ્વર પૃથ્વી પરના ભક્તોને ત્યજી દેશે નહિ, એ વાત પર ભરોસો મક્કમ કરીએ.

૧. બધા અભિષિક્તો ક્યારે સ્વર્ગમાં હશે?

 વર્ષો અગાઉ યહોવાના લોકોને આ સવાલ થતો હતો: ‘છેલ્લે જે અભિષિક્તો બાકી હશે, તેઓ ક્યારે સ્વર્ગમાં જશે?’ એક સમયે આપણે માનતા હતા કે અમુક અભિષિક્ત ખ્રિસ્તીઓ આર્માગેદનના યુદ્ધ પછી પણ અમુક સમય માટે પૃથ્વી પર રહેશે. પણ જુલાઈ ૧૫, ૨૦૧૩ના ચોકીબુરજ અંકમાં સમજાવવામાં આવ્યું હતું કે પૃથ્વી પર બાકી રહી ગયેલા બધા અભિષિક્તો આર્માગેદનનું યુદ્ધ શરૂ થશે એ પહેલાં સ્વર્ગમાં જતા રહેશે.—માથ. ૨૪:૩૧.

૨. અમુક લોકોને કેવો સવાલ થઈ શકે? આ લેખમાં શાની ચર્ચા કરીશું?

પણ અમુક લોકોને કદાચ આવો સવાલ થાય: ખ્રિસ્તનાં ‘બીજાં ઘેટાંનું’ શું થશે, જેઓ “મોટી વિપત્તિ” દરમિયાન વફાદારીથી યહોવાની ભક્તિ કરતા હશે? (યોહા. ૧૦:૧૬; માથ. ૨૪:૨૧) બીજાં ઘેટાંમાંનાં અમુક ભાઈ-બહેનોને કદાચ ચિંતા થાય: ‘વહાલાં અભિષિક્ત ભાઈ-બહેનો સ્વર્ગમાં જતાં રહેશે પછી અમને ખબર નહિ પડે કે શું કરવું અથવા અમને મદદ કરનાર કે માર્ગદર્શન આપનાર કોઈ નહિ હોય.’ તો ચાલો બાઇબલમાંથી બે અહેવાલો જોઈએ, જેના લીધે કદાચ અમુક લોકોને એવો સવાલ થાય છે. પછી અમુક કારણો પર ચર્ચા કરીશું કે કેમ આપણે ચિંતા કરવાની જરૂર નથી.

બીજાં ઘેટાં સાથે શું નહિ બને?

૩-૪. અમુક ભાઈ-બહેનો કદાચ શું વિચારે અને શા માટે?

અમુકને કદાચ થાય કે માર્ગદર્શન આપવા નિયામક જૂથના ભાઈઓ આ પૃથ્વી પર નહિ હોય તો, બીજાં ઘેટાં સત્યના માર્ગેથી ભટકી જશે. બાઇબલના અમુક અહેવાલોને લીધે તેઓને એવું લાગી શકે. ચાલો બે દાખલા પર ધ્યાન આપીએ. પહેલો દાખલો પ્રમુખ યાજક યહોયાદાનો છે. તે યહોવાના વફાદાર સેવક હતા. તેમણે અને તેમની પત્ની યહોશાબઆથે એક નાનકડા છોકરાનું રક્ષણ કર્યું, જેનું નામ યહોઆશ હતું. તેઓએ તેને સારો અને વફાદાર રાજા બનવા મદદ કરી. વૃદ્ધ યહોયાદા જીવતા હતા ત્યાં સુધી યહોઆશે સારાં કામો કર્યાં અને યહોવાની ભક્તિ કરી. પણ યહોયાદાના મરણ પછી તે ખરાબ કામો કરવા લાગ્યો. તેણે દુષ્ટ આગેવાનોનું સાંભળ્યું અને યહોવાને છોડી દીધા.—૨ કાળ. ૨૪:૨, ૧૫-૧૯.

બીજો દાખલો બીજી સદીના ખ્રિસ્તીઓનો છે. જે પ્રેરિતનું સૌથી છેલ્લે મરણ થયું, એ યોહાન હતા. જીવ્યા ત્યાં સુધી તેમણે ઘણા લોકોને યહોવાને વફાદાર રહેવા મદદ કરી. (૩ યોહા. ૪) ઈસુના બીજા પ્રેરિતોની જેમ તેમણે પણ જૂઠું શિક્ષણ અને જૂઠા રિવાજો શીખવતા લોકોથી મંડળનું રક્ષણ કરવા સખત મહેનત કરી. (૧ યોહા. ૨:૧૮; ૨ થેસ્સા. ૨:૭) પણ યોહાનના મરણ પછી જૂઠું શિક્ષણ મંડળમાં આગની જેમ ફેલાઈ ગયું. થોડાં જ વર્ષોમાં ખ્રિસ્તી મંડળ પૂરેપૂરું એ આગની ઝપેટમાં આવી ગયું.

૫. આ બે અહેવાલો વાંચીને આપણે શું વિચારી ન લેવું જોઈએ?

શું આ બંને અહેવાલો એવું બતાવે છે કે અભિષિક્તો સ્વર્ગમાં જતા રહેશે ત્યારે, ખ્રિસ્તનાં બીજાં ઘેટાં યહોઆશની જેમ ખોટાં કામો કરવા લાગશે અથવા બીજી સદીના ખ્રિસ્તીઓની જેમ ઈશ્વર વિરુદ્ધ બળવો કરશે? ના, એવું જરાય નહિ બને. આપણને પૂરો ભરોસો છે કે અભિષિક્તો સ્વર્ગમાં જતા રહેશે ત્યારે, બીજાં ઘેટાં યોગ્ય રીતે યહોવાની ભક્તિ કરતા રહેશે અને યહોવા તેઓની સંભાળ રાખતા રહેશે. એવી ખાતરી કેમ રાખી શકીએ?

સાચા ઈશ્વરની ભક્તિમાં કદી ભેળસેળ નહિ થાય

૬. આપણે કયા ત્રણ સમય વિશે શીખીશું?

આપણે કેમ ખાતરી રાખી શકીએ કે આવનાર સમયમાં અઘરા સંજોગો આવશે ત્યારે પણ સાચા ઈશ્વરની ભક્તિમાં ભેળસેળ નહિ થાય? કેમ કે બાઇબલમાંથી જોવા મળે છે કે આપણે જે સમયમાં જીવીએ છીએ એ પ્રાચીન ઇઝરાયેલીઓના સમય કરતાં અને બીજી સદીના ખ્રિસ્તીઓના સમય કરતાં એકદમ જુદો છે. તો ચાલો વારાફરતી આ ત્રણ સમયો વિશે શીખીએ: (૧) પ્રાચીન ઇઝરાયેલીઓનો સમય (૨) પ્રેરિતોના મરણ પછીનો સમય અને (૩) આપણો સમય, “બધી બાબતોને સુધારવાનો સમય.”—પ્રે.કા. ૩:૨૧.

૭. જ્યારે ઇઝરાયેલીઓ અને તેઓના રાજાઓ દુષ્ટ કામો કરવા લાગ્યા, ત્યારે વફાદાર ઇઝરાયેલીઓ કેમ હિંમત ન હાર્યા?

પ્રાચીન ઇઝરાયેલીઓનો સમય. મૂસાએ પોતાના મરણના થોડા જ સમય પહેલાં ઇઝરાયેલીઓને કહ્યું હતું: “હું સારી રીતે જાણું છું કે મારા મરણ પછી તમે ચોક્કસ દુષ્ટ કામો કરશો અને જે માર્ગે ચાલવાની મેં તમને આજ્ઞા કરી છે, એમાંથી ભટકી જશો.” (પુન. ૩૧:૨૯) મૂસાએ એ પણ ચેતવણી આપી હતી કે જો ઇઝરાયેલીઓ બંડ પોકારશે, તો તેઓને ગુલામીમાં ધકેલી દેવામાં આવશે. (પુન. ૨૮:૩૫, ૩૬) શું એ શબ્દો સાચા પડ્યા? હા, સદીઓ સુધી ઘણા રાજાઓએ દુષ્ટ કામો કર્યાં અને તેઓની પ્રજાને પણ સાચા ઈશ્વરની ભક્તિથી દૂર લઈ ગયા. એટલે યહોવાએ એ દુષ્ટ લોકોને સજા કરી અને ઇઝરાયેલી રાજાઓના શાસનનો અંત લાવ્યા. (હઝકિ. ૨૧:૨૫-૨૭) પણ એનાથી વફાદાર ઇઝરાયેલીઓ હિંમત ન હાર્યા, તેઓ વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહ્યા. કેમ કે તેઓ જોઈ શક્યા કે યહોવાના શબ્દો સાચા પડી રહ્યા હતા.—યશા. ૫૫:૧૦, ૧૧.

૮. બીજી સદીમાં ખ્રિસ્તી મંડળો ભ્રષ્ટ થઈ ગયાં હતાં એ જાણીને શું આપણને નવાઈ લાગવી જોઈએ? સમજાવો.

પ્રેરિતોના મરણ પછીનો સમય. બીજી સદીમાં ખ્રિસ્તી મંડળો પૂરી રીતે ભ્રષ્ટ થઈ ગયાં હતાં એ જાણીને શું આપણને નવાઈ લાગવી જોઈએ? ના. ઈસુએ ભાખ્યું હતું કે ઘણા લોકો સાચા ઈશ્વરની ભક્તિમાં ભેળસેળ કરશે. (માથ. ૭:૨૧-૨૩; ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩) પ્રેરિતો પાઉલ, પિતર અને યોહાને જણાવ્યું કે પહેલી સદીમાં ઈસુના શબ્દો સાચા પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. (૨ થેસ્સા. ૨:૩, ૭; ૨ પિત. ૨:૧-૩, ૧૭-૧૯; ૧ યોહા. ૨:૧૮) બીજી સદીમાં તો ખ્રિસ્તી મંડળો જૂઠી ભક્તિના રંગે રંગાઈ ગયાં હતાં. આમ જૂઠા ખ્રિસ્તી ધર્મની શરૂઆત થઈ અને તે મહાન બાબેલોનનો મોટો ભાગ બન્યો, જે જૂઠા ધર્મોનું સામ્રાજ્ય છે. ઈસુએ કહ્યું હતું એવું જ થઈ રહ્યું હતું.

૯. આપણે જે સમયમાં જીવીએ છીએ એ પ્રાચીન ઇઝરાયેલીઓના સમય કરતાં અને બીજી સદીનાં ખ્રિસ્તી મંડળોના સમય કરતાં કઈ રીતે અલગ છે?

“બધી બાબતોને સુધારવાનો સમય.” આપણો સમય પ્રાચીન ઇઝરાયેલીઓના સમય કરતાં અને બીજી સદીમાં સાચી ભક્તિમાં ભેળસેળ શરૂ થઈ એ સમય કરતાં અલગ છે. તો આપણે કયા સમયમાં જીવીએ છીએ? આમ તો એને આ દુષ્ટ દુનિયાના ‘છેલ્લા દિવસો’ કહેવામાં આવે છે. (૨ તિમો. ૩:૧) પણ બાઇબલથી જોવા મળે છે કે એ જ સમયે એક મહત્ત્વના અને લાંબા સમયની શરૂઆત થઈ. એ સમય ખ્રિસ્તના હજાર વર્ષના રાજ સુધી ચાલશે. એ વખતે માણસજાતમાંથી પાપની અસર દૂર થઈ ગઈ હશે અને આખી પૃથ્વી બાગ જેવી સુંદર બની ગઈ હશે. એને “બધી બાબતોને સુધારવાનો સમય” કહેવામાં આવ્યો છે. (પ્રે.કા. ૩:૨૧) એની શરૂઆત ૧૯૧૪માં થઈ. ત્યારે કઈ બાબત સુધારવામાં આવી? ઈસુને સ્વર્ગમાં રાજા બનાવવામાં આવ્યા. હવે યહોવા વતી રાજ કરે એવો એક રાજા હતો અને તે વફાદાર રાજા દાઉદનો વંશજ હતો. પણ શું યહોવાએ ફક્ત એ જ એક બાબત સુધારી? ના, એ પછી તરત આખી ધરતી પર યહોવાની શુદ્ધ ભક્તિ ફરી શરૂ થઈ. (યશા. ૨:૨-૪; હઝકિ. ૧૧:૧૭-૨૦) શું એમાં ફરી કદી ભેળસેળ થશે?

૧૦. (ક) આપણા સમયમાં થઈ રહેલી શુદ્ધ ભક્તિ વિશે બાઇબલમાં શું ભાખવામાં આવ્યું હતું? (યશાયા ૫૪:૧૭) (ખ) આવી ભવિષ્યવાણીઓથી કેમ ભરોસો વધે છે?

૧૦ યશાયા ૫૪:૧૭ વાંચો. આ ભવિષ્યવાણીનો વિચાર કરો: “તારી વિરુદ્ધ ઘડેલું એક પણ હથિયાર સફળ થશે નહિ”! એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. આ શબ્દો પણ આપણા સમયમાં સાચા પડી રહ્યા છે: “તારા બધા દીકરાઓને યહોવા શીખવશે. તારા દીકરાઓની શાંતિનો કોઈ પાર નહિ રહે. તને સચ્ચાઈમાં અડગ રીતે દૃઢ કરવામાં આવશે. . . . તને કશાની બીક નહિ લાગે અને તારે કશાથી ગભરાવું નહિ પડે. ડર તારી પાસે ફરકશે પણ નહિ.” (યશા. ૫૪:૧૩, ૧૪) આજે આખી દુનિયામાં લોકોને યહોવા વિશે શીખવવાનું કામ ચાલી રહ્યું છે. એ કામને રોકવાની તાકાત કોઈનામાં નથી, ‘આ દુનિયાના દેવ’ શેતાનમાં પણ નહિ. (૨ કોરીં. ૪:૪) સાચા ઈશ્વરની ભક્તિ શરૂ થઈ ગઈ છે અને એમાં ફરી કદી ભેળસેળ નહિ થાય. યહોવાના લોકો યુગોના યુગો સુધી તેમની શુદ્ધ ભક્તિ કરતા રહેશે. આપણી વિરુદ્ધ ઘડેલું એક પણ હથિયાર સફળ નહિ થાય!

અભિષિક્તો સ્વર્ગમાં જશે પછી શું થશે?

૧૧. આપણને શાનાથી ખાતરી થાય છે કે અભિષિક્તો સ્વર્ગમાં જશે ત્યારે મોટા ટોળાને ત્યજી દેવામાં નહિ આવે?

૧૧ અભિષિક્તો સ્વર્ગમાં જશે પછી શું થશે? યાદ રાખો, ઈસુ આપણા ઘેટાંપાળક છે. તે ખ્રિસ્તી મંડળના શિર છે. ઈસુએ સ્પષ્ટ કહ્યું હતું: “તમારા આગેવાન એક છે, ખ્રિસ્ત.” (માથ. ૨૩:૧૦) આપણા રાજા ઈસુ હંમેશાં પોતાના લોકોની સંભાળ રાખશે. જો ખ્રિસ્ત પોતે માર્ગદર્શન આપતા હોય, તો પૃથ્વી પરના તેમના શિષ્યોએ ડરવાની કોઈ જરૂર નથી. ખરું કે, જ્યારે અભિષિક્તો સ્વર્ગમાં જતા રહેશે, ત્યારે ખ્રિસ્ત કઈ રીતે પોતાના લોકોને દોરશે એની એકેએક વિગત આપણી પાસે નથી. પણ ચાલો બાઇબલમાંથી અમુક દાખલા જોઈએ, જેનાથી આપણી હિંમત વધશે.

૧૨. (ક) મૂસાના મરણ પછી યહોવાએ કઈ રીતે પોતાના લોકોની સંભાળ રાખી? (ખ) એલિયાને બીજી સોંપણી મળી એ પછી યહોવાએ કઈ રીતે પોતાના લોકોની સંભાળ રાખી? (ચિત્ર પણ જુઓ.)

૧૨ ઇઝરાયેલીઓ વચનના દેશમાં પ્રવેશ્યા એ પહેલાં મૂસાનું મરણ થયું હતું. તો ઈશ્વરના લોકોનું શું થયું? એ વફાદાર માણસના મરણ પછી શું યહોવાએ પોતાના લોકોને મદદ કરવાનું છોડી દીધું? ના. જ્યાં સુધી ઇઝરાયેલીઓ વફાદાર રહ્યા, ત્યાં સુધી યહોવા તેઓની સંભાળ રાખતા રહ્યા. મૂસાનું મરણ થયું એ પહેલાં યહોવાએ તેમને કહ્યું હતું કે લોકોની આગેવાની લેવા તે યહોશુઆને નિયુક્ત કરે. વર્ષોથી મૂસા યહોશુઆને તાલીમ આપી રહ્યા હતા. (નિર્ગ. ૩૩:૧૧; પુન. ૩૪:૯) એ ઉપરાંત, આગેવાની લેવા અમુક અનુભવી માણસો પણ હતા. તેઓ હજાર હજારના, સો સોના, પચાસ પચાસના અને દસ દસના મુખીઓ હતા. (પુન. ૧:૧૫) આમ યહોવાએ પોતાના લોકોની સરસ સંભાળ રાખી. એવો જ બીજો એક દાખલો એલિયાનો છે. ઇઝરાયેલીઓને સાચા ઈશ્વરની ભક્તિમાં દોરવા તેમણે વર્ષો સુધી આગેવાની લીધી. પણ પછીથી યહોવાએ તેમને યહૂદામાં બીજી એક સોંપણી આપી. (૨ રાજા. ૨:૧; ૨ કાળ. ૨૧:૧૨) શું ઇઝરાયેલના દસ કુળના રાજ્યના વફાદાર લોકોને ત્યજી દેવામાં આવ્યા? ના. એલિયા વર્ષોથી એલિશાને તાલીમ આપી રહ્યા હતા. ‘પ્રબોધકોના દીકરાઓ’ પણ હતા, જેઓને તાલીમ આપવામાં આવી હતી. (૨ રાજા. ૨:૭) એનાથી જોવા મળે છે કે યહોવાના લોકોને દોરવા હંમેશાં વફાદાર માણસો હતા. તેઓ દ્વારા યહોવા પોતાના વફાદાર સેવકોની સંભાળ રાખવાનો હેતુ પૂરો કરી રહ્યા હતા.

મૂસાએ (ડાબું ચિત્ર) અને એલિયાએ (જમણું ચિત્ર) કોઈકને તાલીમ આપી, જેથી તેઓના ગયા પછી પણ ઈશ્વરના લોકોને દોરવા કોઈક હોય (ફકરો ૧૨ જુઓ)


૧૩. હિબ્રૂઓ ૧૩:૫ખથી કયો ભરોસો મળે છે? (ચિત્ર પણ જુઓ.)

૧૩ એ દાખલાઓને ધ્યાનમાં રાખતા હવે તમને શું લાગે છે? જ્યારે બધા અભિષિક્તો સ્વર્ગમાં જતા રહેશે, ત્યારે ઈશ્વરના લોકોનું શું થશે? એ વિશે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બાઇબલમાં એક સાદું, પણ ભરોસો વધારતું સત્ય છે: યહોવા પૃથ્વી પરના પોતાના લોકોને કદી ત્યજશે નહિ. (હિબ્રૂઓ ૧૩:૫ખ વાંચો.) મૂસા અને એલિયાની જેમ આજે અભિષિક્તોનું જે નાનું ટોળું આગેવાની લઈ રહ્યું છે, એ સમજે છે કે તાલીમ આપવી કેટલું મહત્ત્વનું છે. નિયામક જૂથના ભાઈઓ વર્ષોથી બીજાં ઘેટાંના ભાઈઓને તાલીમ આપી રહ્યા છે, જેથી તેઓ આગેવાની લઈ શકે. દાખલા તરીકે, તેઓએ ઘણી શાળાઓની ગોઠવણો કરી છે, જેથી વડીલોને, પ્રવાસી નિરીક્ષકોને, શાખા સમિતિના સભ્યોને, બેથેલના નિરીક્ષકોને અને મિશનરીઓને તાલીમ આપી શકે. નિયામક જૂથની અલગ અલગ સમિતિઓમાં સેવા આપતા મદદનીશોને નિયામક જૂથના સભ્યો પોતે તાલીમ આપે છે. એ મદદનીશો હમણાં વફાદારીથી મોટી મોટી જવાબદારીઓ ઉપાડી રહ્યા છે. અભિષિક્તો સ્વર્ગમાં જતા રહેશે ત્યારે ખ્રિસ્તના ઘેટાંની સારી સંભાળ રાખવા તેઓ હમણાંથી જ એકદમ તૈયાર છે.

નિયામક જૂથના સભ્યોએ મદદનીશોને તાલીમ આપવા સખત મહેનત કરી છે. તેઓએ શાળાઓની પણ ગોઠવણ કરી છે, જેથી આખી દુનિયાના વડીલોને, પ્રવાસી નિરીક્ષકોને, શાખા સમિતિના સભ્યોને, બેથેલના નિરીક્ષકોને અને મિશનરીઓને તાલીમ આપી શકે (ફકરો ૧૩ જુઓ)


૧૪. આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે?

૧૪ મુખ્ય મુદ્દો આ છે: મોટી વિપત્તિના અંતના થોડા સમય પહેલાં જ્યારે બધા અભિષિક્તો સ્વર્ગમાં જતા રહ્યા હશે, ત્યારે પણ આ પૃથ્વી પર યહોવાની શુદ્ધ ભક્તિ થતી રહેશે. ઈસુ ખ્રિસ્તની આગેવાની નીચે યહોવાના લોકો એક પળ માટે પણ ભટકી નહિ જાય. તેઓ વફાદારીથી યહોવાની સેવા કરતા રહેશે. ખરું કે એ સમયે માગોગનો ગોગ, એટલે કે રાષ્ટ્રોનો સમૂહ ગુસ્સે ભરાઈને આપણા પર હુમલો કરશે. (હઝકિ. ૩૮:૧૮-૨૦) પણ એ હુમલો થોડા સમય માટે હશે અને એ સફળ નહિ થાય. એ હુમલાને લીધે યહોવાના લોકો તેમની ભક્તિ કરવાનું છોડી નહિ દે. યહોવા ચોક્કસ પોતાના લોકોને બચાવશે. પ્રેરિત યોહાને એક દર્શનમાં ખ્રિસ્તનાં બીજાં ઘેટાંનું “મોટું ટોળું” જોયું હતું. યોહાનને કહેવામાં આવ્યું કે એ “મોટું ટોળું” “મોટી વિપત્તિમાંથી” નીકળી આવ્યું છે. (પ્રકટી. ૭:૯, ૧૪) એનાથી જોવા મળે છે કે યહોવા પોતાના લોકોનો વાળ પણ વાંકો થવા નહિ દે.

૧૫-૧૬. પ્રકટીકરણ ૧૭:૧૪ પ્રમાણે અભિષિક્ત ખ્રિસ્તીઓ આર્માગેદનના યુદ્ધ વખતે શું કરશે? એનાથી કેમ આપણી હિંમત વધે છે?

૧૫ તોપણ અમુક લોકોને સવાલ થાય: ‘સ્વર્ગમાં ગયા પછી અભિષિક્ત ખ્રિસ્તીઓ શું કરશે?’ બાઇબલ એનો સીધેસીધો જવાબ આપે છે. એમાં જણાવ્યું છે કે આ દુનિયાની સરકારો “ઘેટા સામે યુદ્ધ કરશે.” એનું પરિણામ હમણાંથી નક્કી થઈ ગયું છે: એ સરકારો હારી જશે! બાઇબલમાં લખ્યું છે કે ‘ઘેટું તેઓ પર જીત મેળવશે.’ ઘેટાને કોણ મદદ કરશે? એ જ કલમમાં એનો જવાબ આપ્યો છે. જેઓને “ઈશ્વરે બોલાવ્યા છે,” “પસંદ કર્યા છે” અને “વિશ્વાસુ છે.” (પ્રકટીકરણ ૧૭:૧૪ વાંચો.) તેઓ કોણ છે? બધા અભિષિક્ત ખ્રિસ્તીઓ, જેઓને સ્વર્ગમાં જીવન મળી ચૂક્યું હશે. મોટી વિપત્તિના અંતના થોડા સમય પહેલાં જ્યારે પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો સ્વર્ગમાં જતા રહ્યા હશે, ત્યારે તેઓને શરૂઆતમાં ઘણી સોંપણીઓ મળશે. એમાંની એક છે, યુદ્ધ કરવાની સોંપણી. કેટલી જોરદાર સોંપણી! યહોવાના સાક્ષી બન્યા એ પહેલાં અમુક અભિષિક્ત ખ્રિસ્તીઓ લડવૈયા હતા. અમુક તો આ દુનિયાની સેનામાં પણ જોડાયેલા હતા. પણ પછીથી તેઓ યહોવાના સેવકો બન્યા અને બીજાઓ સાથે શાંતિથી રહેવાનું શીખ્યા. (ગલા. ૫:૨૨; ૨ થેસ્સા. ૩:૧૬) તેઓએ યુદ્ધોમાં ભાગ લેવાનું છોડી દીધું. પણ સ્વર્ગમાં ગયા પછી તેઓ ખ્રિસ્ત અને તેમના પવિત્ર દૂતો સાથે મળીને ઈશ્વરના દુશ્મનો સામે એક છેલ્લું યુદ્ધ લડશે.

૧૬ આનો પણ વિચાર કરો: આજે પૃથ્વી પર જે અભિષિક્તો છે, એમાંના અમુક વૃદ્ધ થઈ ગયા છે, તો અમુક અશક્ત છે. પણ સ્વર્ગમાં જીવન મળશે ત્યારે, તેઓ શક્તિશાળી હશે. તેઓનું કદી મરણ નહિ થાય. તેઓને આપણા યોદ્ધા અને રાજા ઈસુ ખ્રિસ્ત સાથે મળીને યુદ્ધ કરવાની સોંપણી મળશે. આર્માગેદનના યુદ્ધ પછી તેઓ ઈસુને આખી માણસજાતમાંથી પાપની અસર દૂર કરવા મદદ કરશે. એ અભિષિક્તો આજે પણ પૃથ્વી પરનાં પોતાનાં વહાલાં ભાઈ-બહેનોને મદદ કરવા કોઈ કસર છોડતા નથી. પણ એમાં કોઈ શંકા નથી કે સ્વર્ગમાં ગયા પછી તેઓ આપણને વધારે મદદ કરી શકશે.

૧૭. શાના આધારે કહી શકીએ કે આર્માગેદનના યુદ્ધ વખતે યહોવાના બધા સેવકો સલામત હશે?

૧૭ જો તમે બીજાં ઘેટાંનો ભાગ હો, તો આર્માગેદનનું યુદ્ધ શરૂ થશે ત્યારે તમારે શું કરવું પડશે? બસ આટલું જ કરવાનું છે: યહોવામાં ભરોસો રાખવાનો અને તેમનું માર્ગદર્શન પાળવાનું. એ માર્ગદર્શન શું હોય શકે? બાઇબલમાં લખ્યું છે: “તમારા અંદરના ઓરડાઓમાં જાઓ અને બારણાં બંધ કરી દો. કોપ પૂરો થાય ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહો.” (યશા. ૨૬:૨૦) એ સમયે યહોવાના બધા ભક્તો એકદમ સલામત હશે, પછી ભલે તેઓ સ્વર્ગમાં હોય કે પૃથ્વી પર. પ્રેરિત પાઉલની જેમ આપણને પૂરી ખાતરી છે કે “સરકારો કે હાલની વસ્તુઓ કે આવનાર વસ્તુઓ . . . આપણને ઈશ્વરના પ્રેમથી જુદા પાડી શકશે નહિ.” (રોમ. ૮:૩૮, ૩૯) હંમેશાં યાદ રાખજો: યહોવા તમને બહુ પ્રેમ કરે છે, તે તમને કદી ત્યજશે નહિ!

તમે શું કહેશો?

  • જ્યારે બાકી રહેલા અભિષિક્તો સ્વર્ગમાં જતા રહ્યા હશે, ત્યારે બીજાં ઘેટાંનું શું નહિ થાય?

  • કેમ ખાતરી રાખી શકીએ કે સાચા ઈશ્વરની ભક્તિમાં ભેળસેળ નહિ થાય?

  • કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા પોતાના લોકોની સંભાળ રાખશે?

ગીત ૪૯ યહોવા છે સહારો