સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૬

ગીત ૯ યહોવાનો જયજયકાર

“યહોવાના નામની સ્તુતિ કરો”

“યહોવાના નામની સ્તુતિ કરો”

“હે યહોવાના ભક્તો, સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ કરો.”ગીત. ૧૧૩:૧.

આપણે શું શીખીશું?

યહોવાના પવિત્ર નામની સ્તુતિ કરવા આપણને શાનાથી ઉત્તેજન મળે છે? દરેક તક ઝડપી લઈને એમ કઈ રીતે કરી શકીએ?

૧-૨. યહોવાનું નામ બદનામ કરવામાં આવ્યું ત્યારે, તેમને કેવું લાગ્યું હશે? સમજાવો.

 ધારો કે, તમારું કોઈ સ્નેહીજન તમારા વિશે જૂઠાણું ફેલાવે છે. તમે જાણો છો કે એ વાત સાવ ખોટી છે, છતાં અમુક લોકો એને માનવા લાગે છે. એટલું ઓછું હોય તેમ, તેઓ પણ એ જૂઠી વાત ફેલાવા લાગે છે અને બીજા ઘણા એને સાચી માની લે છે. તમને કેવું લાગશે? જો તમારે મન બીજાઓ સાથેના સંબંધો અને પોતાની શાખ કીમતી હશે, તો તમારું નામ બદનામ થાય ત્યારે તમને ચોક્કસ દુઃખ થશે.—નીતિ. ૨૨:૧.

એ દાખલાથી સમજી શકાય છે કે યહોવાનું નામ બદનામ કરવામાં આવ્યું ત્યારે તેમને કેવું લાગ્યું હશે. યહોવાના એક દૂતે પ્રથમ સ્ત્રી હવાને તેમના વિશે જૂઠાણું કહ્યું. તેણે એ વાત માની લીધી. એ જૂઠાણાના લીધે આદમ અને હવાએ યહોવા વિરુદ્ધ બળવો કર્યો. આમ માણસજાતમાં પાપ અને મરણ ફેલાયું. (ઉત. ૩:૧-૬; રોમ. ૫:૧૨) આજે આખી દુનિયામાં માણસો ઘણું બધું સહી રહ્યા છે. જેમ કે, મરણ, યુદ્ધો અને દુઃખ-તકલીફો. શેતાને એદન બાગમાં જૂઠાણાં ફેલાવાની શરૂઆત કરી, એના લીધે માણસો પર આ બધી તકલીફો આવી પડી. શું એ જૂઠાણાં અને એના લીધે આપણા પર આવતી મુશ્કેલીઓ જોઈને યહોવાને દુઃખ થાય છે? હા, ચોક્કસ. તોપણ તેમણે પોતાના મનમાં કડવાશ કે ખાર ભરી નથી રાખ્યો. તે ‘આનંદી ઈશ્વર’ છે અને હંમેશાં એવા જ રહે છે.—૧ તિમો. ૧:૧૧.

૩. આપણી પાસે કયો લહાવો છે?

યહોવાનું નામ પવિત્ર મનાવાનો આપણી પાસે એક ખાસ લહાવો છે. આ આજ્ઞા પાળીને યહોવાનું નામ પવિત્ર મનાવીએ છીએ: “યહોવાના નામની સ્તુતિ કરો.” (ગીત. ૧૧૩:૧) બીજાઓને યહોવા વિશે સત્ય જણાવીએ છીએ ત્યારે, તેમના પવિત્ર નામની સ્તુતિ કરીએ છીએ. ચાલો ત્રણ ખાસ કારણો પર ધ્યાન આપીએ. એનાથી આપણને પૂરા દિલથી આપણા ઈશ્વરના નામની સ્તુતિ કરવા ઉત્તેજન મળશે.

યહોવાના નામની સ્તુતિ કરીને આપણે તેમને ખુશ કરીએ છીએ

૪. યહોવાની સ્તુતિ કરીએ છીએ ત્યારે તે કેમ ખુશ થાય છે? સમજાવો. (ચિત્ર પણ જુઓ.)

સ્વર્ગમાંના આપણા પિતાના નામની સ્તુતિ કરીએ છીએ ત્યારે તે ખુશ થાય છે. (ગીત. ૬૯:૩૦, ૩૧) એવું નથી કે માણસોની જેમ યહોવા પ્રશંસાના ભૂખ્યા છે, જાણે તેમને ઉત્તેજન કે હિંમતની જરૂર હોય. પણ દિલથી તેમની પ્રશંસા કરીએ છીએ ત્યારે તે ખુશ થાય છે. આ દાખલાનો વિચાર કરો: એક નાની છોકરી પોતાના પપ્પાના ગળે હાથ વીંટાળીને પ્રેમથી કહે છે: “તમે દુનિયાના બેસ્ટ પપ્પા છો!” પપ્પાની ખુશીનો પાર નથી રહેતો. તેમનું દિલ ગદ્‍ગદ થઈ જાય છે. પણ એનો અર્થ એ નથી કે પપ્પા પ્રશંસાના ભૂખ્યા છે અથવા તેમને દીકરી પાસેથી ઉત્તેજન કે હિંમતની જરૂર છે. તે પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરે છે અને તેમને એ જોઈને સારું લાગ્યું કે તેમની દીકરી પણ તેમને પ્રેમ કરે છે અને તેમની કદર કરે છે. તે એ પણ જાણે છે કે એવા ગુણો કેળવવાથી દીકરી મોટી થઈને ખુશ રહી શકશે. એનાથી સમજી શકાય છે કે આપણા મહાન પિતા યહોવાની સ્તુતિ કરીએ છીએ ત્યારે તેમને કેમ ખુશી થાય છે.

જ્યારે બાળક પિતાને પ્રેમ બતાવે છે અને કદર કરે છે ત્યારે પિતાને ખુશી મળે છે. એવી જ રીતે, યહોવાના નામની સ્તુતિ કરીએ છીએ ત્યારે તેમને ખુશી મળે છે (ફકરો ૪ જુઓ)


૫. ઈશ્વરના નામની સ્તુતિ કરીને કયું જૂઠાણું ખોટું પાડીએ છીએ?

જ્યારે આપણે સ્વર્ગમાંના પિતાની સ્તુતિ કરીએ છીએ ત્યારે શેતાનનું બીજું એક જૂઠાણું ખોટું પાડીએ છીએ. શેતાન દાવો કરે છે કે કોઈ માણસ યહોવાના નામને પવિત્ર મનાવી શકતો નથી. તેનું કહેવું છે કે કસોટી આવે ત્યારે આપણે યહોવાને વફાદાર નહિ રહીએ. તેમ જ, જો ઈશ્વરની વાત માનવાથી ફાયદો થતો ન હોય, તો તેમની ભક્તિ છોડી દઈશું. (અયૂ. ૧:૯-૧૧; ૨:૪) પણ અયૂબ યહોવાને વફાદાર રહ્યા અને સાબિત કર્યું કે શેતાન જૂઠો છે. આપણા દરેક પાસે વફાદારીથી યહોવાની ભક્તિ કરવાનો લહાવો છે. એમ કરીને તેમના નામ પર કોઈ ડાઘ લાગવા દેતા નથી અને તેમને ખુશ કરીએ છીએ. (નીતિ. ૨૭:૧૧) સાચે જ, એમ કરવું બહુ મોટા સન્માનની વાત છે.

૬. આપણે કઈ રીતે દાઉદ રાજા અને લેવીઓને પગલે ચાલી શકીએ? (નહેમ્યા ૯:૫)

યહોવાને પ્રેમ કરતા લોકો પૂરા દિલથી તેમના નામની સ્તુતિ કરવા માંગે છે. દાઉદ રાજાએ લખ્યું: “હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર. મારું રોમેરોમ તેમના પવિત્ર નામનો જયજયકાર કરે.” (ગીત. ૧૦૩:૧) દાઉદ જાણતા હતા કે યહોવાના નામની સ્તુતિ કરવી એટલે યહોવાની સ્તુતિ કરવી. યહોવાના નામ વિશે વિચારીએ છીએ ત્યારે, આપણાં મનમાં શું આવે છે? તેમનો સ્વભાવ, તેમના સરસ ગુણો અને તેમનાં મહાન કામો. દાઉદ ચાહતા હતા કે યહોવાનું નામ પવિત્ર મનાય અને એની સ્તુતિ થાય. તે ચાહતા હતા કે તેમનું “રોમેરોમ” યહોવાના નામની સ્તુતિ કરે, એટલે કે તે પૂરા દિલથી યહોવાના ગુણગાન ગાય. લેવીઓએ પણ યહોવાની સ્તુતિ કરવામાં સારો દાખલો બેસાડ્યો. તેઓએ નમ્રતાથી સ્વીકાર્યું કે તેઓ યહોવાના પવિત્ર નામની જેટલી સ્તુતિ કરે એટલી ઓછી છે. (નહેમ્યા ૯:૫ વાંચો.) એમાં કોઈ શંકા નથી કે એવી સ્તુતિથી યહોવા બહુ ખુશ થયા હશે.

૭. પ્રચાર કરતી વખતે અને રોજબરોજનાં કામ કરતી વખતે કઈ રીતે યહોવાની સ્તુતિ કરી શકીએ?

આજે આપણે કઈ રીતે યહોવાનું દિલ ખુશ કરી શકીએ છીએ? પ્રચાર કરતી વખતે દેખાઈ આવવું જોઈએ કે આપણે યહોવાને કેટલો પ્રેમ કરીએ છીએ અને તેમના કેટલા આભારી છે. પ્રચાર કરવાનો આપણો મુખ્ય હેતુ એ છે કે લોકો યહોવાની પાસે આવે અને આપણા વહાલા પિતા વિશે આપણા જેવું અનુભવે. (યાકૂ. ૪:૮) આપણે તેઓને બાઇબલમાંથી બતાવીએ છીએ કે યહોવામાં પ્રેમ, ન્યાય, બુદ્ધિ, શક્તિ અને બીજા સરસ ગુણો છે. એમ કરવાથી આપણને ખુશી મળે છે. યહોવાની સ્તુતિ કરવા અને તેમનું દિલ ખુશ કરવા બીજું શું કરીએ છીએ? યહોવાનું અનુકરણ કરવા બનતું બધું કરીએ છીએ. (એફે. ૫:૧) એમ કરીએ છીએ ત્યારે આપણે આ દુનિયાના લોકોથી અલગ તરી આવીએ છીએ. કદાચ લોકોનું ધ્યાન જાય કે આપણે બીજાઓથી અલગ છીએ અને તેઓને એનું કારણ જાણવું હોય. (માથ. ૫:૧૪-૧૬) રોજબરોજનાં કામ કરતી વખતે આવા લોકોને મળીએ ત્યારે એ સમજાવવાનો મોકો મળે છે કે આપણે કેમ તેઓથી અલગ છીએ. એનું પરિણામ એ આવે છે કે નમ્ર દિલના લોકો આપણા ઈશ્વર પાસે ખેંચાઈ આવે છે. આવી રીતોએ યહોવાની સ્તુતિ કરીને તેમનું દિલ ખુશ કરીએ છીએ.—૧ તિમો. ૨:૩, ૪.

યહોવાના નામની સ્તુતિ કરીને આપણે ઈસુને ખુશ કરીએ છીએ

૮. યહોવાના નામની સ્તુતિ કરવામાં ઈસુએ કઈ રીતે સૌથી સારો દાખલો બેસાડ્યો છે?

સ્વર્ગમાં અને આખી પૃથ્વી પર ઈસુ સિવાય બીજું કોઈ નથી, જે પિતાને સારી રીતે જાણતું હોય. (માથ. ૧૧:૨૭) ઈસુ પોતાના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે. યહોવાના નામની સ્તુતિ કરવામાં તેમણે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. (યોહા. ૧૪:૩૧) તેમણે યહોવાએ સોંપેલું સૌથી મહત્ત્વનું કામ પૂરું કર્યું. એ વિશે ઈસુએ પોતાના મરણની આગલી રાતે પ્રાર્થનામાં પિતાને કહ્યું: “મેં તેઓને તમારું નામ જણાવ્યું છે.” (યોહા. ૧૭:૨૬) ઈસુએ એવું કઈ રીતે કર્યું?

૯. પોતાના પિતા વિશે સમજણ આપવા ઈસુએ કયું ઉદાહરણ આપ્યું?

ઈશ્વરનું નામ યહોવા છે એ જણાવવા ઉપરાંત ઈસુએ બીજું પણ કંઈક કર્યું. ઈસુ જે યહૂદીઓને શીખવતા હતા, તેઓ પહેલેથી ઈશ્વરનું નામ જાણતા હતા. પણ ઈસુએ તેઓને “ઈશ્વર વિશે સમજણ આપી.” (યોહા. ૧:૧૭, ૧૮) જેમ કે, હિબ્રૂ શાસ્ત્રવચનોમાં જણાવ્યું છે કે યહોવા દયા અને કરુણા બતાવનાર ઈશ્વર છે. (નિર્ગ. ૩૪:૫-૭) એ વાતને વધારે સારી રીતે સમજાવવા ઈસુએ ખોવાયેલા દીકરા અને તેના પિતાનું ઉદાહરણ આપ્યું. એ અહેવાલમાં જોવા મળે છે કે દીકરાએ પસ્તાવો કર્યો અને પિતાના ઘરે પાછો આવ્યો. પણ “હજુ તો તે ઘણો દૂર હતો” ત્યારે તેના પિતાએ તેને જોયો. તે તેને મળવા દોડી ગયા, તેને પ્રેમથી ભેટ્યા અને પૂરા દિલથી તેને માફ કર્યો. એ ઉદાહરણથી સાફ જોવા મળે છે કે યહોવા કેટલા દયાળુ અને કરુણા બતાવનાર છે. (લૂક ૧૫:૧૧-૩૨) આમ ઈસુએ લોકોને એ સમજવા મદદ કરી કે યહોવા પિતામાં કેવા ગુણો છે.

૧૦. (ક) શાના આધારે કહી શકીએ કે ઈસુએ પિતાને તેમના નામથી બોલાવ્યા અને તે ચાહતા હતા કે બીજાઓ પણ એવું કરે? (માર્ક ૫:૧૯) (ચિત્ર પણ જુઓ.) (ખ) આજે ઈસુની ઇચ્છા શું છે?

૧૦ શું ઈસુ એ પણ ચાહતા હતા કે બીજાઓ તેમના પિતાનું નામ જાણે અને એ નામથી તેમને બોલાવે? હા ચોક્કસ. અમુક ધાર્મિક આગેવાનો કદાચ માનતા હતા કે ઈશ્વરનું નામ એટલું પવિત્ર છે કે એ મોં પર આવવું ન જોઈએ. પણ એવી માન્યતા શાસ્ત્રને આધારે નથી. ઈસુએ એવી માન્યતાઓને પોતાના વિચારો પર હાવી થવા ન દીધી. તે પિતાના નામનો મહિમા કરતા રહ્યા. આ દાખલાનો વિચાર કરો: ગેરસાનીઓના પ્રદેશમાં ઈસુએ એક એવા માણસને સાજો કર્યો, જે દુષ્ટ દૂતોના કાબૂમાં હતો. એ પ્રદેશના લોકો ખૂબ ડરી ગયા અને ઈસુને ત્યાંથી ચાલ્યા જવા વિનંતી કરવા લાગ્યા. (માર્ક ૫:૧૬, ૧૭) પણ ઈસુ ચાહતા હતા કે ત્યાંના લોકો યહોવાનું નામ જાણે એટલે તેમણે સાજા થયેલા માણસને એક આજ્ઞા કરી. તેણે લોકોને જણાવવાનું હતું કે યહોવાએ તેના માટે શું કર્યું છે, નહિ કે ઈસુએ. (માર્ક ૫:૧૯ વાંચો.) a આજે પણ ઈસુની ઇચ્છા એ જ છે. તે ચાહે છે કે આપણે આખી દુનિયાના લોકોને તેમના પિતાનું નામ જણાવીએ. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) એમ કરીને આપણા રાજા ઈસુને ખુશ કરીએ છીએ.

જે માણસ અગાઉ દુષ્ટ દૂતના કાબૂમાં હતો, તેને ઈસુએ આજ્ઞા કરી કે યહોવાએ તેને કઈ રીતે મદદ કરી છે એ વિશે લોકોને જણાવે (ફકરો ૧૦ જુઓ)


૧૧. ઈસુએ પોતાના શિષ્યોને શાના વિશે પ્રાર્થના કરવાનું શીખવ્યું અને એ કેમ મહત્ત્વનું છે? (હઝકિયેલ ૩૬:૨૩)

૧૧ ઈસુ જાણતા હતા કે યહોવાનો હેતુ શું છે. યહોવાનો હેતુ છે કે તેમનું નામ પવિત્ર મનાવવામાં આવે. તેમના નામ પર લાગેલાં બધાં કલંક દૂર કરવામાં આવે. એટલે જ આપણા માલિકે પોતાના શિષ્યોને આ રીતે પ્રાર્થના કરતા શીખવ્યું: “હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.” (માથ. ૬:૯) ઈસુ જાણતા હતા કે ઈશ્વરનું નામ પવિત્ર મનાય, એ આખા વિશ્વનો સૌથી મોટો મુદ્દો છે. (હઝકિયેલ ૩૬:૨૩ વાંચો.) યહોવાનું નામ પવિત્ર મનાવવા ઈસુએ જેટલું કર્યું છે, એટલું આખા બ્રહ્માંડમાં બીજા કોઈએ કર્યું નથી. તોપણ તેમની ધરપકડ થઈ ત્યારે દુશ્મનોએ તેમના પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ મૂક્યો. ઈસુ જાણતા હતા કે તેમના પિતાના પવિત્ર નામની નિંદા કરવી તો ઘોર પાપ છે. તેમના પર આવો આરોપ મૂકવામાં આવશે અને તેમને ગુનેગાર ઠરાવવામાં આવશે એ વિચારથી જ તેમને અસહ્ય પીડા થતી હતી. કદાચ એ જ કારણે, ધરપકડના અમુક કલાકો પહેલાં “તેમની વેદનાનો કોઈ પાર ન હતો.”—લૂક ૨૨:૪૧-૪૪.

૧૨. કઈ રીતે ઈસુએ અઘરામાં અઘરા સંજોગોમાં પણ પોતાના પિતાનું નામ પવિત્ર મનાવ્યું?

૧૨ પોતાના પિતાનું નામ પવિત્ર મનાવવા ઈસુએ દરેક જાતનાં જુલમ, બદનામી અને જૂઠા આરોપોનો સામનો કર્યો. પણ એના લીધે તેમણે શરમ ન અનુભવી. કેમ કે તે જાણતા હતા કે તેમણે દરેક વાતમાં પોતાના પિતાનું કહ્યું કર્યું છે. (હિબ્રૂ. ૧૨:૨) તે એ પણ જાણતા હતા કે આ આકરી ઘડીઓમાં શેતાન તેમના પર સીધેસીધો હુમલો કરી રહ્યો છે. (લૂક ૨૨:૨-૪; ૨૩:૩૩, ૩૪) ઈસુની વફાદારી તોડવા શેતાને લાખ પ્રયત્નો કર્યાં. પણ તેના બધા પ્રયત્નો પર પાણી ફરી વળ્યું. ઈસુએ સાબિત કર્યું કે શેતાન સાવ જૂઠો છે અને યહોવાના ભક્તો અઘરામાં અઘરા સંજોગોમાં પણ તેમને વફાદાર રહી શકે છે.

૧૩. તમે કઈ રીતે તમારા રાજાનું દિલ ખુશ કરી શકો?

૧૩ શું તમે તમારા રાજાનું દિલ ખુશ કરવા માંગો છો? તો યહોવાના નામની સ્તુતિ કરતા રહો અને બીજાઓને તેમના સુંદર ગુણો વિશે શીખવતા રહો. એમ કરીને તમે ઈસુના પગલે ચાલો છો. (૧ પિત. ૨:૨૧) ઈસુની જેમ તમે યહોવાનું દિલ ખુશ કરો છો અને સાબિત કરો છો કે યહોવાનો દુશ્મન શેતાન બેશરમ અને એકદમ જૂઠો છે.

યહોવાના નામની સ્તુતિ કરવાથી લોકોનું જીવન બચી શકે છે

૧૪-૧૫. લોકોને યહોવા વિશે શીખવીએ છીએ ત્યારે એનાં કેવાં પરિણામો આવી શકે?

૧૪ યહોવાની સ્તુતિ કરીએ છીએ ત્યારે, બીજાઓનું જીવન બચી શકે છે. કઈ રીતે? શેતાને “શ્રદ્ધા ન રાખનારા લોકોનાં મન આંધળાં કર્યાં છે.” (૨ કોરીં. ૪:૪) પરિણામે લોકો શેતાને ફેલાવેલાં આવાં જૂઠાણાં પર ભરોસો મૂકે છે: ઈશ્વર છે જ નહિ, તેમને માણસોની કંઈ પડી નથી, તે બહુ ક્રૂર છે અને પાપીઓને હંમેશ માટે રિબાવે છે. શેતાન કેમ એવાં જૂઠાણાં ફેલાવે છે? કેમ કે તે યહોવાના પવિત્ર નામ પર કીચડ ઉછાળવા માંગે છે અને ચાહે છે કે લોકો તેમની નજીક ન જાય. પણ પ્રચાર કરીને આપણે શેતાનનો એ હેતુ ઉથલાવી પાડીએ છીએ. લોકોને આપણા પિતા વિશે સત્ય શીખવીએ છીએ ત્યારે તેમના પવિત્ર નામની સ્તુતિ કરીએ છીએ. એનું કેવું પરિણામ આવે છે?

૧૫ બાઇબલમાં રહેલું સત્ય ખૂબ શક્તિશાળી છે. જ્યારે લોકોને યહોવા વિશે અને તેમના જોરદાર ગુણો વિશે શીખવીએ છીએ, ત્યારે સરસ પરિણામો આવે છે. શેતાને લોકોનાં મન આંધળાં કરવા જે પટ્ટી બાંધી છે, એ ધીરે ધીરે ખૂલી જાય છે. પછી તેઓ પણ આપણી જેમ આપણા વહાલા પિતાના જોરદાર ગુણો જોવા લાગે છે. યહોવાની અપાર શક્તિ વિશે જાણે છે ત્યારે તેઓ મોંમાં આંગળા નાખી જાય છે. (યશા. ૪૦:૨૬) યહોવા ન્યાયના ઈશ્વર છે એ વાત શીખે છે ત્યારે તેઓ તેમનામાં ભરોસો મૂકી શકે છે. (પુન. ૩૨:૪) યહોવાની બુદ્ધિ વિશે શીખે છે ત્યારે તેઓની આંખો ખૂલી જાય છે. (યશા. ૫૫:૯; રોમ. ૧૧:૩૩) યહોવા પ્રેમ છે એ વાત શીખે છે ત્યારે તેઓને રાહત મળે છે. (૧ યોહા. ૪:૮) જ્યારે તેઓ યહોવાની નજીક આવે છે, ત્યારે તેમનાં બાળકો તરીકે હંમેશ માટે જીવવાની આશા વધારે પાકી થાય છે. સાચે, લોકોને તેઓના પ્રેમાળ પિતા યહોવાની નજીક આવવા મદદ કરવી એ કેટલા ગર્વની વાત છે! એ જવાબદારી નિભાવીએ છીએ ત્યારે યહોવા આપણને તેમના “સાથી કામદારો” ગણે છે.—૧ કોરીં. ૩:૫,.

૧૬. ઈશ્વરનું નામ જાણીને અમુક લોકોને કેવું લાગ્યું? દાખલા આપો.

૧૬ શરૂ શરૂમાં આપણે કદાચ લોકોને એટલું જ શીખવતા હોઈએ કે ઈશ્વરનું નામ યહોવા છે. જોકે એ વાતની પણ નેક દિલના લોકો પર ઊંડી અસર પડી શકે છે. આપણી યુવાન બહેન આલિયાનો b દાખલો લો. તેનો ઉછેર એવા ધર્મમાં થયો હતો, જ્યાં બાઇબલ વિશે શીખવવામાં આવતું નથી. પણ તે પોતાના ધર્મથી પણ ખુશ ન હતી અને પોતાને ઈશ્વરની નજીક અનુભવતી ન હતી. યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખ્યા પછી તેના વિચારો બદલાઈ ગયા. તે ધીરે ધીરે ઈશ્વરને પોતાના મિત્ર ગણવા લાગી. તેને એ જાણીને નવાઈ લાગી કે ઘણાં બાઇબલમાંથી ઈશ્વરનું નામ કાઢી નાખવામાં આવ્યું છે અને એની જગ્યાએ પ્રભુ જેવા ખિતાબો મૂકવામાં આવ્યા છે. યહોવાનું નામ જાણ્યું ત્યારે તેના જીવનમાં મોટો વળાંક આવ્યો. તેણે ખુશીથી કહ્યું: “મારા ખાસ મિત્રનું પણ એક નામ છે!” એ હકીકતો જાણવાથી તેને કેવો ફાયદો થયો? તે કહે છે: “હવે મારા દિલમાં અપાર શાંતિ છે. મારા માટે એ બહુ ગર્વની વાત છે કે હું યહોવાનું નામ જાણું છું.” હવે સ્ટીવ નામના ભાઈનો દાખલો લો. તે સંગીતકાર હતા. તેમનો ઉછેર ચુસ્ત યહૂદી ધર્મમાં થયો હતો. તેમણે પોતાના ધર્મથી છેડો ફાડી નાખ્યો હતો, કેમ કે તેમણે ત્યાં ઘણો ઢોંગ જોયો હતો. તેમનો એક મિત્ર યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખતો હતો. મમ્મીના મરણ પછી સ્ટીવભાઈ તેની સાથે અભ્યાસમાં જોડાવા રાજી થયા. ઈશ્વરનું નામ જાણ્યું ત્યારે એ તેમના હૃદયને સ્પર્શી ગયું. તે કહે છે: “મને કદી ખબર ન હતી કે ઈશ્વરનું એક નામ છે. જીવનમાં પહેલી વાર હું સમજી શક્યો કે ઈશ્વર સાચે જ છે અને આપણે તેમની સાથે ગાઢ સંબંધ કેળવી શકીએ છીએ. એ વખતે મને પાકો ભરોસો થઈ ગયો કે મને એક મિત્ર મળ્યો છે.”

૧૭. તમે કેમ યહોવાના નામની સ્તુતિ કરતા રહેવાનો પાકો નિર્ણય લીધો છે? (ચિત્ર પણ જુઓ.)

૧૭ શું લોકોને પ્રચાર કરતી વખતે અને શીખવતી વખતે તમે જણાવો છો કે ઈશ્વરનું નામ યહોવા છે? શું તમે તેઓને એ જોવા મદદ કરો છો કે ઈશ્વરમાં કેવા કેવા ગુણો છે? એમ કરો છો ત્યારે તમે ઈશ્વરના નામની સ્તુતિ કરો છો. બીજાઓને યહોવાની નજીક જવા મદદ કરીને તેમના નામની સ્તુતિ કરતા રહો. એ રીતે તમે બીજાઓનું જીવન બચાવશો. તમારા રાજા ખ્રિસ્ત ઈસુને પગલે ચાલશો. સૌથી મહત્ત્વનું, તમારા પ્રેમાળ પિતા યહોવાનું દિલ ખુશ કરશો. અમારી દુઆ છે કે ‘તમે સદાને માટે તેમના નામની સ્તુતિ કરો.’—ગીત. ૧૪૫:૨.

બીજાઓને યહોવાનું નામ શીખવીને અને યહોવામાં કેવા ગુણો છે એ બતાવીને આપણે યહોવાના નામની સ્તુતિ કરીએ છીએ (ફકરો ૧૭ જુઓ)

યહોવાના નામની સ્તુતિ કરવાથી કઈ રીતે . . .

  • યહોવા ખુશ થાય છે?

  • ખ્રિસ્ત ઈસુ ખુશ થાય છે?

  • લોકોનું જીવન બચી શકે છે?

ગીત ૧૩૮ યહોવા તારું નામ

a પુરાવાથી જોવા મળે છે કે માર્કે જ્યારે આ કલમમાં ઈસુના શબ્દો લખ્યા, ત્યારે તેમણે ઈશ્વરનું નામ વાપર્યું હતું. એટલે પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતરમાં આ કલમમાં યહોવાનું નામ પાછું મૂકવામાં આવ્યું છે. હિંદી અધ્યયન બાઇબલમાં આ કલમની અભ્યાસ માહિતી જુઓ.

b નામ બદલ્યાં છે.