સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધીરજથી યહોવાની રાહ જુઓ, ખુશ રહો

ધીરજથી યહોવાની રાહ જુઓ, ખુશ રહો

શું તમે એ સમયની રાહ જુઓ છો, જ્યારે યહોવા આ દુનિયાની દુષ્ટતા દૂર કરશે અને બધું નવું કરશે? (પ્રકટી. ૨૧:૧-૫) હા ચોક્કસ! પણ હંમેશાં ધીરજથી યહોવાની રાહ જોવી સહેલું નથી, ખાસ કરીને મુશ્કેલીઓનો સામનો કરતા હોઈએ ત્યારે. આશા પૂરી થવામાં વાર લાગે તો નિરાશ થઈ જવાય.—નીતિ. ૧૩:૧૨.

છતાં, યહોવા ચાહે છે કે આપણે એ ઘડીની ધીરજથી રાહ જોઈએ, જ્યારે તે પગલાં ભરશે. તે શા માટે એવું ચાહે છે? રાહ જોઈએ તેમ, ખુશ રહેવા આપણને શાનાથી મદદ મળશે?

યહોવા શા માટે ચાહે છે કે આપણે રાહ જોઈએ?

બાઇબલમાં લખ્યું છે: “યહોવા તમને કૃપા બતાવવા ધીરજથી રાહ જુએ છે. તે તમને રહેમ બતાવવા ઊભા થશે. યહોવા ઇન્સાફના ઈશ્વર છે. જેઓ ધીરજ ધરીને તેમની રાહ જુએ છે, તેઓ સુખી છે!” (યશા. ૩૦:૧૮) યશાયા ૩૦ના શબ્દો એમ તો હઠીલા યહૂદીઓ માટે લખાયા હતા. (યશા. ૩૦:૧) પણ વફાદાર યહૂદીઓને કલમ ૧૮ના શબ્દોથી આશા મળી હતી. આજે યહોવાના વફાદાર સેવકોને પણ એ શબ્દોથી આશા મળે છે.

આપણે ધીરજથી રાહ જોવી જોઈએ, કારણ કે યહોવા પણ ધીરજથી રાહ જુએ છે. યહોવાએ આ દુષ્ટ દુનિયાનો નાશ કરવાનો સમય નક્કી કરી લીધો છે. તે એ દિવસ અને ઘડીની આતુરતાથી રાહ જુએ છે. (માથ. ૨૪:૩૬) એ સમયે સાફ દેખાઈ આવશે કે યહોવા અને તેમના ભક્તો પર શેતાને મૂકેલા આરોપ સાવ ખોટા છે. પછી તે દુષ્ટોનું નામનિશાન મિટાવી દેશે તેમજ શેતાનને અને તેના દુષ્ટ દૂતોને અનંત ઊંડાણમાં ફેંકી દેશે, પણ ‘આપણને રહેમ બતાવશે.’

એ સમય આવે ત્યાં સુધી કદાચ યહોવા આપણી તકલીફો દૂર નહિ કરે. પણ તે ખાતરી આપે છે કે રાહ જોઈએ તેમ આપણે ખુશ રહી શકીએ છીએ. યશાયાએ જણાવ્યું હતું તેમ, સારા દિવસોની ધીરજથી રાહ જોઈએ ત્યારે ખુશ રહી શકીએ છીએ. (યશા. ૩૦:૧૮) આપણે કઈ રીતે ખુશ રહી શકીએ? ચાર બાબતો મદદ કરી શકે.

રાહ જોઈએ તેમ કઈ રીતે ખુશ રહી શકીએ?

સારી બાબતો પર ધ્યાન આપો. દાઉદ રાજાએ પોતાના જીવનમાં ઘણી દુષ્ટતા જોઈ હતી. (ગીત. ૩૭:૩૫) તોપણ તેમણે લખ્યું: “યહોવા આગળ શાંત રહે, તેમના પર આશા રાખ અને તેમની રાહ જો. એવા માણસને લીધે ક્રોધે ભરાઈશ નહિ, જે પોતાનાં કાવતરાંમાં સફળ થાય છે.” (ગીત. ૩૭:૭) દાઉદે પોતે એ સલાહ લાગુ પાડી અને પોતાનું ધ્યાન એ વાત પર લગાડ્યું કે યહોવા તેમને બચાવશે. યહોવાએ આપેલા આશીર્વાદો પર પણ તેમણે ધ્યાન આપ્યું. (ગીત. ૪૦:૫) એવી જ રીતે, આપણે પણ આજુબાજુ બની રહેલી ખરાબ બાબતોને બદલે સારી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. એમ કરીશું તો યહોવાની રાહ જોવી સહેલું થઈ જશે.

યહોવાની સ્તુતિ કરવામાં મંડ્યા રહો. ગીતશાસ્ત્ર ૭૧ના લેખક કદાચ દાઉદ હતા. તેમણે યહોવાને કહ્યું: “હું . . . તમારી રાહ જોઈશ. હું તમારી વધુ ને વધુ સ્તુતિ કરીશ.” (ગીત. ૭૧:૧૪) તે કઈ રીતે તેમની સ્તુતિ કરતા? તે બીજાઓને યહોવા વિશે જણાવતા અને યહોવાની સ્તુતિનાં ગીતો ગાતા. (ગીત. ૭૧:૧૬, ૨૩) દાઉદની જેમ આપણે પણ યહોવાની રાહ જોઈએ તેમ ખુશી મેળવી શકીએ છીએ. જ્યારે ખુશખબર જણાવીએ છીએ, કુટુંબ અને મિત્રો સાથે યહોવા વિશે વાત કરીએ છીએ અને ભક્તિ-ગીતો ગાઈએ છીએ, ત્યારે યહોવાની સ્તુતિ કરીએ છીએ. હવે પછી જ્યારે પણ ભક્તિનું કોઈ ગીત ગાઓ, ત્યારે એના ઉત્તેજન આપતા શબ્દો પર ખાસ ધ્યાન આપજો.

ભાઈ-બહેનો પાસેથી ઉત્તેજન મેળવો. દાઉદ તકલીફો સહન કરી રહ્યા હતા ત્યારે તેમણે યહોવાને કહ્યું: “તમારા વફાદાર ભક્તો આગળ હું તમારા નામ પર આશા રાખીશ.” (ગીત. ૫૨:૯) આપણને પણ ભાઈ-બહેનોની સંગતિથી ઉત્તેજન મળી શકે છે. ફક્ત સભાઓ અને પ્રચારમાં જઈએ ત્યારે જ નહિ, બીજા પ્રસંગોએ પણ સમય વિતાવીને ઉત્તેજન મેળવી શકીએ.—રોમ. ૧:૧૧, ૧૨.

આશા મજબૂત કરો. ગીતશાસ્ત્ર ૬૨:૫માં લખ્યું છે: “હું ધીરજ રાખીને ઈશ્વરની રાહ જોઈશ, કારણ કે તે જ મારી આશા છે.” આશા મજબૂત હોવી ખૂબ જરૂરી છે અને ખાસ તો એવા સમયે જ્યારે અંત આવતા વાર લાગતી હોય. આપણને પૂરો ભરોસો હોવો જોઈએ કે યહોવાનાં વચનો જરૂર પૂરાં થશે, પછી ભલેને ગમે એટલી રાહ જોવી પડે. બાઇબલનો અભ્યાસ કરવાથી આપણી આશા મજબૂત થઈ શકે છે. આપણે આવા વિષયો પર અભ્યાસ કરી શકીએ: ભવિષ્યવાણીઓ, બાઇબલના વિચારો કઈ રીતે એકબીજા સાથે મેળ ખાય છે અને યહોવાએ પોતાના વિશે જણાવેલી વિગતો. (ગીત. ૧:૨, ૩) યહોવાએ વચન આપ્યું છે કે તે આપણને હંમેશ માટેનું જીવન આપશે. એ વચન પૂરું થવાની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. પણ એમ થાય ત્યાં સુધી યહોવા સાથેનો સંબંધ મજબૂત કરતા રહીએ. એમ કરવા “પવિત્ર શક્તિ પ્રમાણે પ્રાર્થના” કરતા રહીએ.—યહૂ. ૨૦, ૨૧.

દાઉદ રાજાની જેમ આપણે ખાતરી રાખી શકીએ કે જેઓ યહોવાની રાહ જુએ છે અને તેમને અતૂટ પ્રેમ બતાવે છે, તેઓ પર યહોવાની રહેમનજર છે. (ગીત. ૩૩:૧૮, ૨૨) તો ચાલો, સારી બાબતો પર ધ્યાન આપીએ, યહોવાની સ્તુતિ કરવામાં મંડ્યા રહીએ, ભાઈ-બહેનો પાસેથી ઉત્તેજન મેળવીએ અને આશા મજબૂત કરીએ. એમ કરીશું તો ધીરજથી યહોવાની રાહ જોઈ શકીશું અને ખુશ રહી શકીશું.