સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ભાવિમાં શું બનશે એ વિશે જણાવવાની યહોવાની ક્ષમતા વિશે બાઇબલમાં શું લખ્યું છે?

બાઇબલમાં સાફ લખ્યું છે કે યહોવા ભાવિ વિશે અગાઉથી જણાવી શકે છે. (યશા. ૪૫:૨૧) પણ તે કઈ રીતે અને ક્યારે ભાવિ જુએ છે તેમજ કેટલું જાણવાનું નક્કી કરે છે, એ વિશે બાઇબલમાં ઝીણી ઝીણી વિગતો આપી નથી. એટલે ભાવિ વિશે અગાઉથી જણાવવાની યહોવાની ક્ષમતા વિશેની બધી વિગતો આપણે સમજી શકતા નથી. પણ અમુક બાબતો સમજી શકીએ છીએ.

યહોવા જે ચાહે એ કરી શકે છે, પણ કોઈ વાર તે અમુક બાબતો ન કરવાનું પસંદ કરે છે. યહોવાની બુદ્ધિનો કોઈ પાર નથી, એટલે ભાવિ વિશે તે ચાહે એ જણાવી શકે છે. (રોમ. ૧૧:૩૩) સંયમ રાખવામાં યહોવાની તોલે કોઈ ન આવી શકે. એ ગુણને લીધે તે અમુક બાબતો પહેલેથી ન જાણવાનો નિર્ણય લઈ શકે છે.—યશાયા ૪૨:૧૪ સરખાવો.

યહોવા પોતાની ઇચ્છા પૂરી કરે છે. આ વાત કઈ રીતે ભાવિ વિશે જણાવવાની તેમની ક્ષમતા સમજવા મદદ કરે છે? યશાયા ૪૬:૧૦માં લખ્યું છે: “શરૂઆતથી હું પરિણામ જાહેર કરું છું, જે બનાવો હજી બન્યા નથી એ વિશે હું લાંબા સમય અગાઉથી જણાવું છું. હું કહું છું, ‘મેં ધાર્યું છે એ ચોક્કસ થશે. હું જે ચાહું છું એ જરૂર પૂરું કરીશ.’”

યહોવા પાસે એટલી શક્તિ છે કે તે ચાહે એ કરી શકે છે. એ એક કારણે યહોવા ભાવિ વિશે જણાવી શકે છે. અમુક વાર ફિલ્મ જોતી વખતે આપણે અંત જાણવો હોય છે. એટલે ફિલ્મ ફટાફટ આગળ વધારીને અંત જોઈ લઈએ છીએ. પણ ભાવિમાં શું થશે એ જાણવા યહોવાએ એવું કંઈ કરવાની જરૂર નથી. એવું નથી કે ભાવિમાં બનનાર ઘટના કોઈક રીતે પહેલેથી બની ગઈ છે અને યહોવા એને ફટાફટ આગળ વધારીને બધું જોઈ લે છે અને પછી જણાવે છે કે શું બનશે. એના બદલે તે પોતે નક્કી કરી શકે છે કે ઠરાવેલા સમયે શું બનશે અને સમય આવ્યે તે એમ જ કરાવે છે.—નિર્ગ. ૯:૫, ૬; માથ. ૨૪:૩૬; પ્રે.કા. ૧૭:૩૧.

એટલે જ બાઇબલમાં “તૈયારી કરી છે,” “યોજના ઘડી છે” અને “હેતુ ઘડ્યો છે” જેવા શબ્દો વાપર્યા છે, જે બતાવે છે કે ભાવિના અમુક બનાવોને યહોવા કઈ રીતે હાથ ધરે છે. (૨ રાજા. ૧૯:૨૫, ફૂટનોટ; યશા. ૪૬:૧૧) આ શબ્દોનું ભાષાંતર મૂળ ભાષાના જે શબ્દમાંથી થયું છે, એ એવા શબ્દ સાથે જોડાયેલો છે, જેનો અર્થ થાય “કુંભાર.” (યર્મિ. ૧૮:૪) જેમ એક કુશળ કુંભાર માટીના લોંદાને ઘાટ આપીને સુંદર વાસણ બનાવી શકે છે, તેમ યહોવા પોતાની ઇચ્છા પૂરી કરવા બાબતોને પોતાની રીતે ઘડી શકે છે.—એફે. ૧:૧૧.

યહોવા બધાને પોતાના નિર્ણયો પોતે લેવા દે છે. કોઈના જીવનમાં શું બનશે અથવા તે શું કરશે એ યહોવા પહેલેથી નક્કી કરતા નથી. તે સારા લોકો પાસે એવું કંઈ જ નથી કરાવતા કે તેઓનો નાશ થાય. તે બધાને પોતાનો માર્ગ પોતે પસંદ કરવા દે છે. પણ તેઓને સાચા માર્ગે ચાલવા અરજ કરે છે.

ચાલો બે દાખલા જોઈએ. પહેલો દાખલો નિનવેહના લોકોનો છે. યહોવાએ પહેલેથી જણાવ્યું હતું કે એ શહેરનો નાશ કરવામાં આવશે, કેમ કે ત્યાંના લોકોની દુષ્ટતા વધી ગઈ હતી. પણ ત્યાંના લોકોએ પસ્તાવો કર્યો ત્યારે, યહોવાએ “જે આફત લાવવાનું નક્કી કર્યું હતું, એના પર ફરી વિચાર કર્યો અને એ આફત લાવ્યા નહિ.” (યૂના ૩:૧-૧૦) યહોવાની ચેતવણી સાંભળ્યા પછી નિનવેહના લોકોએ પોતાના વર્તનમાં સુધારો કર્યો. એટલે તેમણે નક્કી કર્યું કે ભાખ્યું હતું એ પ્રમાણે નહિ કરે.

બીજો દાખલો કોરેશનો છે. તેના વિશે ભાખ્યું હતું કે તે યહૂદીઓને ગુલામીમાંથી આઝાદ કરશે અને યહોવાના મંદિરને ફરીથી બાંધવાનો હુકમ આપશે. (યશા. ૪૪:૨૬–૪૫:૪) ઈરાનના રાજા કોરેશે એ ભવિષ્યવાણી પૂરી કરી. (એઝ. ૧:૧-૪) કોરેશ સાચા ઈશ્વરની ભક્તિ કરતો ન હતો. યહોવાએ તેના દ્વારા આ ભવિષ્યવાણી પૂરી તો કરી, પણ કોરેશને તેમની ભક્તિ કરવા ક્યારેય દબાણ ન કર્યું.—નીતિ. ૨૧:૧.

ખરું કે, ભાવિમાં શું બનવાનું છે એ વિશે પહેલેથી જણાવતી વખતે યહોવા ઘણી બાબતોનો વિચાર કરે છે. પણ આપણે અમુક જ બાબતોનો વિચાર કર્યો. યહોવા કઈ રીતે વિચારે છે અને વર્તે છે એ વિશે પૂરી રીતે સમજવું માણસના ગજા બહારની વાત છે. (યશા. ૫૫:૮, ૯) છતાં, યહોવા વિશે જે જાણીએ છીએ એનાથી શ્રદ્ધા વધે છે કે તે હંમેશાં જે ખરું હોય એ જ કરે છે. ભાવિમાં શું બનવાનું છે એ વિશે તે પહેલેથી જણાવે છે ત્યારે પણ એવું જ કરે છે.