સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

શા માટે બાઇબલમાં એક જ વાત વારંવાર લખેલી છે?

બાઇબલમાં ઘણી વાર જોવા મળે છે કે એના લેખકોએ કોઈ વાત બેઠેબેઠી વારંવાર લખી છે. ચાલો જોઈએ કે શાના લીધે તેઓએ એવું કર્યું હોય શકે.

એ વાત ક્યારે લખાઈ હતી? જૂના જમાનામાં બહુ થોડા ઇઝરાયેલીઓ પાસે નિયમશાસ્ત્રના વીંટાઓ હતા. મોટા ભાગે જ્યારે તેઓ મંડપમાં અને મંદિરે ભેગા થતા ત્યારે નિયમશાસ્ત્રમાં લખેલી વાતો સાંભળતા. (પુન. ૩૧:૧૦-૧૨) મોટા ટોળામાં કલાકો ઊભા રહીને સાંભળવું સહેલું નહિ હોય. અમુક વાર તેઓનું ધ્યાન ભટકી જતું હશે. (નહે. ૮:૨, ૩,) એવા પ્રસંગોએ જ્યારે શાસ્ત્રની ખાસ વાતો વારંવાર કહેવામાં આવતી હશે, ત્યારે એને યાદ રાખવી અને જીવનમાં લાગુ પાડવી સહેલું બની જતું હશે. અમુક વાતો વારંવાર કહેવાથી લોકોને યહોવાએ આપેલા નિયમોની અને કાયદા-કાનૂનની વિગતો પણ યાદ રહી જતી હશે.—લેવી. ૧૮:૪-૨૨; પુન. ૫:૧.

એ વાતો કઈ રીતે લખાઈ હતી? બાઇબલની ૧૦ ટકા જેટલી માહિતી ગીતોના રૂપમાં છે. જેમ કે, ગીતશાસ્ત્ર, ગીતોનું ગીત અને યર્મિયાનો વિલાપ. અમુક વાર ગીતોમાં એવા શબ્દો વપરાતા જે વારંવાર બોલવામાં આવતા. આ રીતે ગીતના વિષયને ચમકાવવામાં આવતો અને સાંભળનારાઓને એ શબ્દો મોઢે થઈ જતા. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૧૧૫:૯-૧૧ના શબ્દો પર ધ્યાન આપો. ત્યાં લખ્યું છે: “હે ઇઝરાયેલ, યહોવા પર ભરોસો રાખ, તે તારી મદદ અને તારી ઢાલ છે. હે હારુનના વંશજો, યહોવા પર ભરોસો રાખો, તે તમારી મદદ અને તમારી ઢાલ છે. હે યહોવાનો ડર રાખનારાઓ, યહોવા પર ભરોસો રાખો, તે તમારી મદદ અને તમારી ઢાલ છે.” જરા વિચારો, જ્યારે ગાયકો એ ગીત ગાતા હશે અને શબ્દો વારંવાર કહેતા હશે, ત્યારે એ કીમતી સત્યને પોતાના દિલમાં સંઘરી રાખવા લોકોને કેટલી મદદ મળતી હશે!

એ વાતો કેમ લખવામાં આવી હતી? અમુક વાર બાઇબલના લેખકોએ જરૂરી વાતો વારંવાર કહી હતી. દાખલા તરીકે, જ્યારે યહોવાએ ઇઝરાયેલીઓને લોહી ન ખાવાની આજ્ઞા આપી, ત્યારે તેમણે મૂસા પાસે એનું કારણ વારંવાર લખાવ્યું. ઈશ્વર એ વાત પર ભાર આપવા માંગતા હતા કે દરેકનો જીવ લોહીમાં છે, એટલે કે લોહી જીવનને રજૂ કરે છે. (લેવી. ૧૭:૧૧, ૧૪) પછી પ્રેરિતો અને યરૂશાલેમના વડીલોએ યહોવાને પસંદ નથી એવી અમુક બાબતો જણાવી, જેનાથી ખ્રિસ્તીઓએ દૂર રહેવું જોઈએ. એ જણાવતી વખતે પણ તેઓએ લોહીથી દૂર રહેવા પર ખાસ ભાર મૂક્યો હતો.—પ્રે.કા. ૧૫:૨૦, ૨૯.

ભલે યહોવાએ બાઇબલમાં અમુક વાતો વારંવાર જણાવી છે, પણ તે નથી ચાહતા કે આપણે બાઇબલની વાતો ગોખીએ અને એનું રટણ કરીએ. દાખલા તરીકે, ઈસુએ કહ્યું હતું: “પ્રાર્થના કરતી વખતે . . . એકની એક વાતનું રટણ ન કરો.” (માથ. ૬:૭) પછી તેમણે એવી અમુક વાતો જણાવી જે વિશે આપણે પ્રાર્થના કરી શકીએ. (માથ. ૬:૯-૧૩) પ્રાર્થના કરતી વખતે આપણે એકના એક શબ્દોનું રટણ નથી કરતા. પણ એક જ વિષય પર વારંવાર પ્રાર્થના કરી શકીએ છીએ.—માથ. ૭:૭-૧૧.

આપણે જોઈ ગયા તેમ ઘણાં કારણોને લીધે બાઇબલની અમુક વાતો વારંવાર જણાવવામાં આવી છે. આપણા મહાન શિક્ષક યહોવા આ રીતે પણ આપણને શીખવે છે, જેથી આપણને મદદ મળે.—યશા. ૪૮:૧૭, ૧૮.