સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

મારી નબળાઈઓમાં ઈશ્વરની તાકાત દેખાઈ આવી

મારી નબળાઈઓમાં ઈશ્વરની તાકાત દેખાઈ આવી

૧૯૮૫માં હું અને મારી પત્ની કોલંબિયા શહેર આવ્યાં હતાં. એ સમયે આખા દેશમાં અંધાધૂંધી હતી. સરકાર એક બાજુ શહેરોમાં મોટા મોટા ડ્રગ માફિયા સામે, તો બીજી બાજુ બળવો કરતી ટુકડી સામે પહાડી વિસ્તારમાં લડી રહી હતી. પછી અમે મેદેલિન ગયાં. ત્યાં યુવાન છોકરાઓ બંદૂક લઈને રસ્તા પર ફરતા હતા. તેઓ ડ્રગ્સ વેચતા, ધમકી આપીને પૈસા પડાવતા અને લોકોને મારવા સોપારી લેતા. નાની ઉંમરમાં જ એ છોકરાઓ પોતાનો જીવ ગુમાવી દેતા. ત્યાં પહોંચીને એવું લાગ્યું કે અમે ભળતી જ જગ્યાએ આવી ગયાં હતાં.

હું અને મારી પત્ની ફિનલૅન્ડનાં છીએ. અમે એકદમ સામાન્ય લોકો છીએ. ચાલો તમને વિસ્તારથી જણાવું કે અમે ઉત્તરના છેવાડાથી છેક દક્ષિણ અમેરિકા કઈ રીતે આવ્યાં અને આટલાં વર્ષોમાં અમે શું શીખ્યાં.

ફિનલૅન્ડમાં યુવાનીના દિવસો

મારો જન્મ ૧૯૫૫માં થયો હતો. ત્રણેય ભાઈઓમાં હું સૌથી નાનો છું. મારો ઉછેર વાંટા શહેરમાં થયો, જે ફિનલૅન્ડના દક્ષિણી તટે આવેલું છે.

મારા જન્મનાં અમુક વર્ષો પહેલાં જ મમ્મી બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બન્યાં હતાં. પણ પપ્પાને એ જરાય ન ગમ્યું. તેમણે મમ્મીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તે અમને બાઇબલમાંથી કંઈ ન શીખવે અને સભાઓમાં ન લઈ જાય. એટલે પપ્પા ઘરે ન હોય ત્યારે, મમ્મી અમને બાઇબલમાંથી થોડું થોડું શીખવતાં.

સાત વર્ષની ઉંમરે મેં યહોવાની આજ્ઞા પાળી

હું નાનપણથી યહોવાનું કહ્યું કરવા માંગતો હતો. ચાલો, એક કિસ્સો જણાવું. હું સાત વર્ષનો હતો ત્યારે, મારાં ટીચરે મને વેરીલાટ્યા (લોહી ઉમેરેલો પૂડો) ખવડાવવાનો પ્રયત્ન કર્યો. પણ મેં ના પાડી ત્યારે તેમને બહુ ગુસ્સો આવ્યો. તેમણે એક હાથથી મારું મોં પકડ્યું અને કાંટાચમચીથી પૂડો મારા મોંમાં ઠૂંસવા લાગ્યાં. પણ મેં તેમના હાથમાંથી ચમચી ઝાટકી નાખી.

હું ૧૨ વર્ષનો હતો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા. એ પછી હું સભાઓમાં જવા લાગ્યો. મંડળના ભાઈઓ મારી સાથે પ્રેમથી વાત કરતા અને મદદ કરતા. એનાથી મને યહોવાની વધારે નજીક જવા મદદ મળી. હું રોજ બાઇબલ વાંચવા લાગ્યો અને આપણાં સાહિત્યનો ઊંડો અભ્યાસ કરવા લાગ્યો. એ સારી આદતોને લીધે હું ૮ ઑગસ્ટ, ૧૯૬૯માં બાપ્તિસ્મા લઈ શક્યો. એ સમયે હું ફક્ત ૧૪ વર્ષનો હતો.

સ્કૂલનું ભણતર પતાવ્યા પછી મેં નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું. અમુક જ અઠવાડિયામાં હું એવી જગ્યાએ સેવા આપવા જતો રહ્યો જ્યાં વધારે જરૂર હોય. એ જગ્યા પિલાવેસી હતી, જે ફિનલૅન્ડની લગભગ વચ્ચે આવેલી છે.

પિલાવેસીમાં હું સિરકા નામની એક છોકરીને મળ્યો. તે મને ગમી ગઈ, કારણ કે તે નમ્ર હતી અને યહોવાને ખૂબ પ્રેમ કરતી હતી. તે વાહ વાહ મેળવવા માંગતી ન હતી અને ઓછી વસ્તુઓમાં પણ ખુશ રહેતી હતી. અમે બંને ચાહતાં હતાં કે યહોવાની ભક્તિમાં પોતાનો જીવ રેડી દઈએ અને તેમની સેવામાં જે કામ મળે એ ખુશી ખુશી કરીએ. ૨૩ માર્ચ, ૧૯૭૪માં અમે લગ્‍ન કર્યાં. હનીમૂન પર જવાને બદલે અમે સીધાં કાર્ટૂલા જતાં રહ્યાં, જ્યાં પ્રચારકોની વધારે જરૂર હતી.

ફિનલૅન્ડના કાર્ટૂલા શહેરમાં અમારું ભાડાનું ઘર

યહોવાએ અમારું ધ્યાન રાખ્યું

મોટા ભાઈએ આપેલી કાર

લગ્‍નની શરૂઆતથી જ અમે જોઈ શક્યાં કે યહોવાના રાજ્યને પ્રથમ સ્થાને મૂકીશું તો, તે અમારી બધી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. (માથ. ૬:૩૩) દાખલા તરીકે, અમે કાર્ટૂલામાં હતાં ત્યારે અમારી પાસે કાર ન હતી. અમે સાઇકલથી અવર-જવર કરતા. પણ શિયાળામાં ત્યાં બહુ બરફ પડતો અને કડકડતી ઠંડી પડતી. દૂર દૂરના વિસ્તારમાં પ્રચાર કરવા અમને કારની જરૂર હતી. પણ એ ખરીદવા પૈસા ન હતા.

એક દિવસ અચાનક મારા મોટા ભાઈ અમને મળવા આવ્યા. તેમણે અમને પોતાની કાર આપી દીધી. એનો વીમો પણ કરાવેલો હતો. અમારે ખાલી પેટ્રોલનો ખર્ચ કાઢવાનો હતો. આખરે અમને જેની જરૂર હતી એ મળી ગયું!

આ અનુભવથી અમે શીખ્યાં કે અમારું કામ ફક્ત ઈશ્વરના રાજ્યને પહેલા રાખવાનું છે, બાકી બધું યહોવા જોઈ લેશે.

ગિલયડ સ્કૂલ

૧૯૭૮માં અમારી પાયોનિયર સેવા શાળાનો ક્લાસ

૧૯૭૮માં અમે પાયોનિયર સેવા શાળામાં ગયાં હતાં. એના એક શિક્ષકનું નામ રાઇમો ક્વોકાનેન a હતું. તેમણે અમને ગિલયડ સ્કૂલ જવાનું ઉત્તેજન આપ્યું. એટલે અમે અંગ્રેજી શીખવાનું શરૂ કરી દીધું. અમે અરજી કરીએ એ પહેલાં તો ૧૯૮૦માં અમને ફિનલૅન્ડની શાખા કચેરીમાં બોલાવવામાં આવ્યાં. એ સમયે બેથેલમાં સેવા કરતા લોકો ગિલયડ માટે અરજી કરી શકતા ન હતા. પણ અમને ભરોસો હતો કે યહોવાને ખબર છે કે અમારી સૌથી વધારે જરૂર ક્યાં છે. એટલે અમે બેથેલ જવાનું નક્કી કર્યું. તોપણ અમે અંગ્રેજી શીખતાં રહ્યાં. એ વિચારીને કે જો ગિલયડ માટે બોલાવવામાં આવશે તો એ કામ લાગશે.

અમુક વર્ષો પછી નિયામક જૂથે નિર્ણય લીધો કે બેથેલનાં ભાઈ-બહેનો પણ ગિલયડ માટે અરજી કરી શકે છે. એ સાંભળ્યું કે તરત અમે ગિલયડ માટે અરજી ભરી દીધી. એવું ન હતું કે અમને બેથેલમાં મજા આવતી ન હતી. પણ અમે વધારે જરૂર હોય ત્યાં સેવા આપવા માંગતાં હતાં. અમને ગિલયડ સ્કૂલ બોલાવવામાં આવ્યાં. સપ્ટેમ્બર ૧૯૮૫માં અમે ૭૯મા ક્લાસમાંથી ગ્રેજ્યુએટ થયાં અને અમને કોલંબિયા મોકલવામાં આવ્યાં.

અમારી પહેલી મિશનરી સોંપણી

અમને કોલંબિયાની શાખા કચેરીમાં સોંપણી મળી. એક વર્ષ સુધી મેં તન-મનથી ત્યાં સેવા કરી. પણ પછી મેં ભાઈઓને કહ્યું કે અમારે બીજું કંઈક કરવું છે. મેં પહેલી અને છેલ્લી વાર ભાઈઓને એવું કહ્યું. પછી અમને વીલા રાજ્યના નેવા શહેરમાં મિશનરી તરીકે મોકલવામાં આવ્યાં.

મને પહેલેથી પ્રચાર કરવો ખૂબ ગમતું હતું. હું કુંવારો હતો ત્યારે ફિનલૅન્ડમાં ક્યારેક સવારથી સાંજ સુધી પ્રચાર કરતો. અમારું નવું નવું લગ્‍ન થયું એ પછી સિરકા પણ ઘણી વાર મારી સાથે આખો દિવસ પ્રચાર કરતી. અમે દૂર દૂરના વિસ્તારોમાં જતાં અને કોઈક વાર તો કારમાં જ ઊંઘી જતાં. એના લીધે ખાસ્સો સમય બચી જતો અને બીજા દિવસે જલદી પ્રચાર શરૂ કરી શકતાં.

પ્રચાર માટે ઉમંગ તો હતો જ, પણ મિશનરી સેવાથી એ ઉમંગ હજી વધી ગયો. ધીરે ધીરે મંડળમાં પ્રકાશકોની સંખ્યા વધતી ગઈ. ત્યાંનાં ભાઈ-બહેનો બહુ પ્રેમાળ હતાં અને બધાનો આદર કરતા હતાં. તેઓ નાની નાની વાત માટે પણ આભાર માનતાં હતાં.

પ્રાર્થનામાં જોરદાર તાકાત

અમે નેવા શહેરમાં પ્રચાર કરતા હતાં. પણ એની આસપાસ અમુક વિસ્તારો એવા હતા, જ્યાં યહોવાનો કોઈ ભક્ત ન હતો. હું વિચારતો કે એ વિસ્તારોમાં ખુશખબર કઈ રીતે પહોંચશે. કેમ કે એ વિસ્તારના ન હોય એવા લોકોને ત્યાંની બળવો કરતી ટુકડીઓથી ઘણો ખતરો હતો. એટલે મેં યહોવાને પ્રાર્થના કરી કે એ વિસ્તારની કોઈ વ્યક્તિ બાઇબલમાંથી શીખે અને સાક્ષી બને. પણ મને લાગતું કે એ માટે તેણે નેવા રહેવા આવવું પડે. હું એવી પણ પ્રાર્થના કરતો કે તે બાપ્તિસ્મા લે, યહોવા સાથેનો સંબંધ મજબૂત કરે અને પોતાના વતન પાછા જઈને પ્રચાર કરે. પણ મને ક્યાં ખબર હતી કે યહોવાએ તો એનાથી પણ કંઈક સારું વિચારી રાખ્યું હતું.

અમુક સમય પછી હું એક યુવાન સાથે અભ્યાસ કરવા લાગ્યો. તેનું નામ ફર્નાન્ડો ગોન્ઝાલેઝ હતું. તે અલ્હેસીરાસમાં રહેતો હતો. ત્યાં યહોવાનો એક પણ સાક્ષી ન હતો. ફર્નાન્ડો દર અઠવાડિયે કામ કરવા નેવા આવતો હતો. ત્યાં આવવા તેણે આશરે ૫૦ કિલોમીટર મુસાફરી કરવી પડતી. તે દર વખતે અભ્યાસ માટે સારી તૈયારી કરતો. અભ્યાસ શરૂ કર્યા પછી તે તરત જ બધી સભામાં આવવા લાગ્યો. પહેલા જ અઠવાડિયાથી તે પોતાના વતન જઈને લોકોને ભેગા કરતો અને બાઇબલની વાતો બીજાઓને જણાવતો.

૧૯૯૩માં ફર્નાન્ડો સાથે

અભ્યાસના છ મહિના પછી ફર્નાન્ડોએ જાન્યુઆરી ૧૯૯૦માં બાપ્તિસ્મા લીધું. એ પછી તેણે નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું. હવે અલ્હેસીરાસમાં એક પ્રકાશક હતો. એટલે શાખા કચેરીને લાગ્યું કે ત્યાં ખાસ પાયોનિયરોને મોકલવામાં જોખમ નથી. ફેબ્રુઆરી ૧૯૯૨માં ત્યાં એક મંડળ શરૂ થયું.

શું ફર્નાન્ડોએ ફક્ત પોતાના જ વતનમાં પ્રચાર કર્યો? ના. લગ્‍ન કર્યાં પછી તે અને તેની પત્ની પ્રચાર માટે સૅન વેસેન્ટે દેલ કહવાન નામની જગ્યાએ રહેવા ગયાં, જ્યાં પ્રકાશકો ન હતા. ત્યાં તેઓએ એક મંડળ શરૂ કર્યું. ૨૦૦૨માં ફર્નાન્ડોને સરકીટ નિરીક્ષક બનાવવામાં આવ્યો. ત્યારથી લઈને આજ સુધી તે અને તેની પત્ની ઓલ્ગા સરકીટ કામ કરી રહ્યાં છે.

આ અનુભવથી મને શીખવા મળ્યું કે યહોવાની સેવાને લગતી નાની નાની વાતો માટે પ્રાર્થના કરવી ખૂબ જરૂરી છે. જે આપણે નથી કરી શકતા એ યહોવા કરી શકે છે. આખરે, ફસલના માલિક તો યહોવા છે, આપણે નહિ.—માથ. ૯:૩૮.

યહોવા આપણને “ઇચ્છા અને બળ આપે છે”

૧૯૯૦માં મને પ્રવાસી નિરીક્ષક બનાવવામાં આવ્યો. અમારી પહેલી સરકીટ કોલંબિયાની રાજધાની બોગોટા હતી. સોંપણી મળી ત્યારે અમને ડર લાગ્યો કે એ સોંપણી પૂરી કરી શકીશું કે નહિ. કેમ કે અમે સામાન્ય લોકો છીએ અને અમારી પાસે કોઈ ખાસ આવડત પણ નથી. અમે ક્યારેય મોટા શહેરમાં રહ્યાં ન હતાં. પણ યહોવાએ ફિલિપીઓ ૨:૧૩માં આપેલું આ વચન પૂરું કર્યું: “ઈશ્વર તમને બળ આપે છે, જેથી તમે તેમને ખુશ કરી શકો. એવું કરવા તે તમને ઇચ્છા અને બળ આપે છે.”

પછી અમારી સરકીટ બદલાઈ અને અમે મેદેલિન શહેર આવ્યાં, જેના વિશે મેં પહેલાં જણાવ્યું હતું. ત્યાંના લોકો મારામારીથી એટલા ટેવાઈ ગયા હતા કે ગોળીઓના અવાજથી તેઓને કોઈ ફરક પડતો ન હતો. એકવાર હું એક વ્યક્તિને બાઇબલમાંથી શીખવતો હતો. અચાનક તેના ઘરની બહાર ગોળીબાર શરૂ થઈ ગયો. હું નીચે નમવાનો જ હતો કે મેં જોયું કે પેલો વિદ્યાર્થી નિરાંતે ફકરો વાંચી રહ્યો છે. ફકરો વાંચ્યા પછી તેણે કહ્યું કે તે થોડી વારમાં આવે છે. પછી તે બહાર ગયો અને પોતાના બે ટાબરિયાઓને અંદર લઈ આવ્યો. તેણે કહ્યું: “છોકરાઓ બહાર હતા, એટલે જરા લેવા ગયો હતો.”

અમે ઘણી વાર મરતાં મરતાં બચ્યાં છીએ. એકવાર અમે ઘર ઘરનો પ્રચાર કરતા હતાં. એવામાં સિરકા દોડતી દોડતી મારી પાસે આવી. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેણે કહ્યું કે કોઈએ તેના પર ગોળી ચલાવી. એ સાંભળીને મારા હોશ ઊડી ગયા. પછી અમને ખબર પડી કે ગોળી ચલાવનાર માણસ સિરકાને નહિ, પણ તેની પાસેથી પસાર થઈ રહેલા માણસને મારવા માંગતો હતો.

ધીરે ધીરે અમારો ડર દૂર થતો ગયો. ત્યાંનાં ભાઈ-બહેનો પાસેથી અમને ખૂબ હિંમત મળી. તેઓએ આવા અને આનાથી પણ ખરાબ સંજોગોનો સામનો કર્યો હતો. અમે વિચાર્યું કે યહોવા તેઓને મદદ કરે છે, તો અમને પણ કરશે. અમે હંમેશાં વડીલોની સલાહ લાગુ પાડી અને સાવચેતીનાં પગલાં ભર્યાં. બાકી બધું અમે યહોવાના હાથમાં છોડી દીધું.

હા, બધા જ સંજોગો કંઈ એટલા ખતરનાક ન હતા. ચાલો જણાવું કે એક દિવસે શું થયું. હું કોઈના ઘરે ગયો હતો. બહાર શોરબકોર સંભળાતો હતો. એવું લાગતું હતું કે જાણે બે સ્ત્રીઓ મોટે મોટેથી ઝઘડી રહી હોય. મને તેઓના ઝઘડામાં જરાય રસ ન હતો. પણ હું જે સ્ત્રીના ઘરે ગયો હતો, તેણે મને બહાર આવવા કહ્યું. પછી ખબર પડી કે હકીકતમાં તો બે પોપટ પડોશમાં રહેતી બે સ્ત્રીઓની નકલ કરતા હતા, જેઓ રોજ ઝઘડતી હતી.

નવી જવાબદારીઓ અને મુશ્કેલીઓ

૧૯૯૭માં મને સેવકાઈ તાલીમ શાળાના b શિક્ષક તરીકેની સોંપણી મળી. આમ તો મને સંગઠનની શાળાઓમાં જવાનું બહુ ગમતું હતું, પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને શાળામાં શીખવવાનો મોકો મળશે.

પછી મેં ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક તરીકે સેવા આપી. એ ગોઠવણ બંધ થઈ ગઈ ત્યારે, હું સરકીટ કામમાં પાછો જોડાઈ ગયો. ૩૦થી વધારે વર્ષો સુધી મેં સંગઠનની શાળાઓમાં શીખવ્યું અને પ્રવાસી નિરીક્ષક તરીકે કામ કર્યું. આ સોંપણીઓને લીધે મને ઘણા આશીર્વાદો મળ્યા છે. પણ એ બધી સોંપણી નિભાવવી ફૂલોની ચાદર પર ચાલવા જેટલી સહેલી ન હતી. ચાલો હું તમને સમજાવું.

હું બહુ જોશીલો છું અને જે સાચું હોય એ જ કરું છું. એના લીધે મને અઘરા સંજોગોનો સામનો કરવા મદદ મળી છે. જોકે, કોઈક વાર એવું પણ બન્યું છે કે મંડળની મુશ્કેલીઓનો ઉકેલ લાવતી વખતે હું બીજાઓ સાથે પ્રેમથી વર્તવાનું ચૂકી ગયો. અમુક વાર મેં જોશમાં આવીને ભાઈઓને કહ્યું છે કે તેઓ બીજાઓ સાથે પ્રેમથી વર્તે અને વાજબી બને. પણ અફસોસ કે તેઓને એવું કહેતી વખતે મેં જ એવું ન કર્યું.—રોમ. ૭:૨૧-૨૩.

મારી નબળાઈઓને લીધે હું અમુક વાર નિરાશ થઈ જતો. (રોમ. ૭:૨૪) એક વાર તો હું એટલો નિરાશ થઈ ગયો કે મેં મિશનરી સેવા છોડીને ફિનલૅન્ડ જતા રહેવાનો વિચાર કર્યો. મેં એ વિશે યહોવાને પ્રાર્થના પણ કરી. જોકે, એ જ સાંજે સભામાં મેં એવું કંઈક સાંભળ્યું જેનાથી મને ઘણું ઉત્તેજન મળ્યું. મારો ભરોસો વધ્યો કે યહોવા ચાહે છે કે હું મારી સોંપણીમાં લાગુ રહું અને મારી નબળાઈઓ સામે લડતો રહું. હું આજ સુધી એ વાત નથી ભૂલ્યો કે યહોવાએ કઈ રીતે મારી એ પ્રાર્થનાનો જવાબ આપ્યો હતો. એના વિશે વિચારું છું ત્યારે મારું દિલ ગદ્‍ગદ થઈ જાય છે. એ ઉપરાંત, હું યહોવાનો આભારી છું કે મારી નબળાઈઓ પર જીત મેળવવા તેમણે મને મદદ કરી છે.

યહોવા અમને આગળ પણ સંભાળી રાખશે

મેં અને સિરકાએ અમારું મોટા ભાગનું જીવન પૂરા સમયની સેવામાં વિતાવ્યું છે. એ લહાવો આપવા યહોવાનો લાખ લાખ આભાર. હું એ વાત માટે પણ યહોવાનો આભાર માનું છું કે તેમણે મને ખૂબ પ્રેમાળ પત્ની આપી, જેણે ક્યારેય મારો સાથ ન છોડ્યો.

થોડા સમયમાં હું ૭૦ વર્ષનો થઈ જઈશ. એટલે મારે શિક્ષક અને સરકીટ નિરીક્ષક તરીકેની સોંપણી છોડવી પડશે. પણ મને એ વાતનું દુઃખ નથી. કેમ કે હું જાણું છું કે યહોવાનો મહિમા કરવા મોટી મોટી જવાબદારીઓ હોવી જરૂરી નથી. જો મર્યાદામાં રહીને તેમની ભક્તિ કરીશું, પૂરા દિલથી તેમને પ્રેમ કરીશું અને કદર બતાવીશું, તો તે ખુશ થશે.—મીખા. ૬:૮; માર્ક ૧૨:૩૨-૩૪.

હું આજે પણ પાછલાં વર્ષોમાં મળેલી જવાબદારીઓ વિશે વિચારું છું. હું સાફ જોઈ શકું છું કે એ જવાબદારીઓ મારી આવડતોને લીધે મળી ન હતી. હું બીજાઓથી ચઢિયાતો છું એટલે પણ મળી ન હતી. એ તો યહોવાની અપાર કૃપાને લીધે મળી હતી. મારી નબળાઈઓ છતાં યહોવાએ મને એ જવાબદારીઓ સોંપી હતી અને હું જાણું છું કે તેમની મદદ વગર હું એ પૂરી કરી શક્યો ન હોત. આમ, મારી નબળાઈઓમાં ઈશ્વરની તાકાત પૂરી રીતે દેખાઈ આવી છે.—૨ કોરીં. ૧૨:૯.

a રાઇમો ક્વોકાનેનની જીવન સફર એપ્રિલ ૧, ૨૦૦૬ ચોકીબુરજમાં (હિંદી) આપવામાં આવી છે, જેનો વિષય છે: “હમને યહોવા કી સેવા કરને કી ઠાન લી.

b એના બદલે હવે રાજ્ય પ્રચારકો માટે શાળા છે.