સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૯

ગીત ૧૩૬ ધરતી પર તારું રાજ આવે

યહોવા ભવિષ્યમાં લોકોનો ન્યાય કેવી રીતે કરશે?

યહોવા ભવિષ્યમાં લોકોનો ન્યાય કેવી રીતે કરશે?

“યહોવા . . . ચાહે છે કે કોઈનો નાશ ન થાય.”૨ પિત. ૩:૯.

આપણે શું શીખીશું?

આપણે ખાતરી રાખી શકીએ કે ભાવિમાં જ્યારે યહોવા લોકોનો ન્યાય કરશે, ત્યારે તે જે ખરું છે એ જ કરશે.

૧. કેમ કહી શકીએ કે આપણે રોમાંચક સમયમાં જીવીએ છીએ?

 આપણે ખૂબ જ રોમાંચક સમયમાં જીવીએ છીએ. દરરોજ આપણી નજર સામે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. દાખલા તરીકે, આપણે જોઈએ છીએ કે “ઉત્તરનો રાજા” અને “દક્ષિણનો રાજા” એકબીજા સામે લડી રહ્યા છે, કેમ કે તેઓ આખી દુનિયા પર રાજ કરવા માંગે છે. (દાનિ. ૧૧:૪૦, ફૂટનોટ) આપણે એ પણ જોઈએ છીએ કે ઈશ્વરના રાજ્યની ખુશખબર આખી દુનિયામાં ફેલાઈ રહી છે અને લાખો લોકોએ યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો છે. (યશા. ૬૦:૨૨; માથ. ૨૪:૧૪) વધુમાં, આપણને “યોગ્ય સમયે” ભરપૂર પ્રમાણમાં ભક્તિને લગતો ખોરાક મળી રહ્યો છે, જેથી યહોવા સાથેનો આપણો સંબંધ પાકો રહે.—માથ. ૨૪:૪૫-૪૭.

૨. આપણે શાની ખાતરી રાખી શકીએ? આપણે શું સ્વીકારવું જોઈએ?

સમય જતાં, મોટા મોટા બનાવો બનશે અને યહોવા એ વિશે આપણને સ્પષ્ટ સમજણ આપી રહ્યા છે. (નીતિ. ૪:૧૮; દાનિ. ૨:૨૮) ખાતરી રાખી શકીએ કે મોટી વિપત્તિ શરૂ થશે ત્યાં સુધીમાં આપણને એ બધું જ ખબર હશે, જેનાથી મુશ્કેલ ઘડીઓમાં વફાદાર રહેવા અને એકતા જાળવી રાખવા મદદ મળશે. જોકે આપણે સ્વીકારવું જોઈએ કે ભાવિમાં બનનાર બનાવોની અમુક વાતો એવી છે, જે વિશે આપણે કંઈ નથી જાણતા. આ લેખમાં સૌથી પહેલા જોઈશું કે એમાંના અમુક બનાવો વિશે આપણે અગાઉ જે માનતા હતા એમાં હવે શા માટે ફેરફાર કર્યા છે. પછી એવી અમુક બાબતો વિશે ચર્ચા કરીશું, જે આપણે જાણીએ છીએ. જેમ કે ભાવિમાં બનનાર બનાવો વિશે અને એ સમયે સ્વર્ગમાંના આપણા પિતા કયાં પગલાં ભરશે એ વિશે.

આપણે શું નથી જાણતા?

૩. મોટી વિપત્તિ શરૂ થઈ જશે એ પછી દુનિયાના લોકોનું શું થશે એ વિશે અગાઉ આપણે શું માનતા હતા અને કેમ?

અગાઉ આપણે કહેતા હતા કે એકવાર મોટી વિપત્તિ શરૂ થઈ જશે, પછી દુનિયાના લોકો પાસે યહોવામાં શ્રદ્ધા મૂકવાની અને આર્માગેદનમાંથી બચવાની કોઈ તક નહિ રહે. એવું કેમ કહેતા હતા? કેમ કે આપણે માનતા હતા કે નૂહના સમયમાં આવેલા પૂર સાથે જોડાયેલી દરેક વ્યક્તિ અને ઘટના ભાવિમાં બનનાર બનાવોને રજૂ કરે છે. એમાંની આ એક વાતનો વિચાર કરો: પૂર આવ્યું એ પહેલાં યહોવાએ વહાણનો દરવાજો બંધ કરી દીધો, જેથી કોઈ વ્યક્તિ અંદર આવી ન શકે. એના આધારે આપણે માનતા હતા કે મોટી વિપત્તિ શરૂ થશે પછી દુનિયાના લોકો માટે યહોવામાં શ્રદ્ધા મૂકવાનો “દરવાજો બંધ” થઈ જશે અને તેઓ પાસે બચવાનો કોઈ માર્ગ નહિ રહે.—માથ. ૨૪:૩૭-૩૯.

૪. હવે આપણે કેમ એવું કહેતા નથી કે પૂર વખતે બનેલી ઘટનાઓ ભાવિના બનાવોને રજૂ કરે છે?

શું એવું માનવું યોગ્ય છે કે પૂર વખતે બનેલી ઘટનાઓ ભાવિના બનાવોને રજૂ કરે છે? ના. શા માટે? કેમ કે બાઇબલમાં એ વિશે કંઈ જણાવ્યું નથી. a એ સાચું છે કે ઈસુએ પોતાની હાજરીના સમયની સરખામણી ‘નૂહના દિવસો’ સાથે કરી હતી. પણ તેમણે એવું કહ્યું ન હતું કે પૂર સાથે જોડાયેલી દરેક વ્યક્તિ અને ઘટના ભાવિના બનાવોને રજૂ કરે છે. જેમ કે, વહાણનો દરવાજો બંધ કરવો. તો શું આપણે એવું વિચારી લેવું જોઈએ કે આપણે નૂહ અને પૂરના અહેવાલમાંથી કંઈ શીખી શકતા નથી? ના, આપણે ઘણું શીખી શકીએ છીએ.

૫. (ક) પૂર પહેલાં નૂહે કઈ રીતે સાબિત કર્યું કે તેમને યહોવામાં શ્રદ્ધા છે? (હિબ્રૂઓ ૧૧:૭; ૧ પિતર ૩:૨૦) (ખ) નૂહે કરેલા પ્રચાર વિશે અને આપણા પ્રચાર વિશે કઈ એક વાત સરખી છે?

યહોવાની ચેતવણી સાંભળીને નૂહ તરત વહાણ બાંધવા લાગ્યા. આમ, તેમણે સાબિત કર્યું કે તેમને યહોવામાં શ્રદ્ધા છે. (હિબ્રૂઓ ૧૧:૭; ૧ પિતર ૩:૨૦ વાંચો.) એવી જ રીતે, આજે લોકોએ ઈશ્વરના રાજ્યની ખુશખબર સાંભળીને પગલાં ભરવાની જરૂર છે. શીખેલી વાતો લાગુ પાડીને તેઓએ શ્રદ્ધા જાહેર કરવાની છે. (પ્રે.કા. ૩:૧૭-૨૦) પિતરે લખ્યું હતું કે નૂહ “સત્યનો માર્ગ જાહેર કરનાર” હતા. (૨ પિત. ૨:૫) ખરું કે, નૂહે પૂરા ઉત્સાહથી લોકોને પ્રચાર કર્યો હતો. પણ ગયા લેખમાં જોઈ ગયા તેમ, બાઇબલમાં એ જણાવ્યું નથી કે પૂર આવ્યા પહેલાં નૂહે પૃથ્વી પર રહેતી એકેએક વ્યક્તિને પ્રચાર કર્યો હતો. હવે જો આપણી વાત કરીએ, તો આપણે પણ પૂરા ઉત્સાહથી આખી દુનિયામાં ખુશખબર ફેલાવવા મહેનત કરીએ છીએ. પણ ભલે ગમે એટલી કોશિશ કરીએ, અંત આવે એ પહેલાં દરેક વ્યક્તિને પ્રચાર નહિ કરી શકીએ. શા માટે?

૬-૭. આપણે કેમ કહી શકીએ કે અંત આવે એ પહેલાં આપણે દરેક વ્યક્તિને પ્રચાર નહિ કરી શકીએ? સમજાવો.

જરા વિચારો, ઈસુએ પ્રચારકામ વિશે શું કહ્યું હતું. તેમણે ભાખ્યું હતું કે રાજ્યની આ ખુશખબર “આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે.” (માથ. ૨૪:૧૪) એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. આપણે આખી દુનિયામાં ૧,૦૦૦ કરતાં વધુ ભાષાઓમાં ખુશખબર ફેલાવીએ છીએ. આપણી વેબસાઇટ jw.org દ્વારા દુનિયાના મોટા ભાગના લોકો ઈશ્વરના રાજ્ય વિશે જાણી શકે છે.

પણ ઈસુએ તેમના શિષ્યોને કહ્યું હતું: “તમે ઇઝરાયેલનાં બધાં શહેરો અને ગામડાઓમાં ખુશખબર ફેલાવવાનું પૂરું કરો એ પહેલાં માણસનો દીકરો આવી પહોંચશે.” (માથ. ૧૦:૨૩; ૨૫:૩૧-૩૩) એનો અર્થ થાય કે ઈસુ આખી માણસજાતનો ન્યાય કરવા આવે એ પહેલાં તેમના શિષ્યો દરેક વ્યક્તિને પ્રચાર નહિ કરી શકે. જરા આનો વિચાર કરો: આજે લાખો લોકો એવા વિસ્તારોમાં રહે છે, જ્યાં આપણે છૂટથી પ્રચાર નથી કરી શકતા. વધુમાં, દર મિનિટે સેંકડો બાળકો જન્મ લે છે. એટલે ભલે આપણે ‘દરેક દેશ, કુળ અને બોલીના’ લોકોને પ્રચાર કરવા બનતું બધું કરીએ, તોપણ અંત આવે એ પહેલાં દરેકને પ્રચાર નહિ કરી શકીએ.—પ્રકટી. ૧૪:૬.

૮. આપણને કયો સવાલ થઈ શકે? (ચિત્રો પણ જુઓ.)

આપણે જે ચર્ચા કરી એનાથી એક સવાલ ઊભો થાય છે: જે લોકોને કદાચ મોટી વિપત્તિ પહેલાં ખુશખબર સાંભળવાનો મોકો નહિ મળે, તેઓ વિશે શું? યહોવા અને ઈસુ જેમને ન્યાય કરવાનું કામ સોંપાયું છે, તેઓ કેવી રીતે એ લોકોનો ન્યાય કરશે? (યોહા. ૫:૧૯, ૨૨, ૨૭; પ્રે.કા. ૧૭:૩૧) સાદા શબ્દોમાં કહીએ તો એ સવાલનો જવાબ આપણે નથી જાણતા. કેમ કે યહોવાએ હમણાં સુધી એ જણાવ્યું નથી કે જેઓને કદી ખુશખબર સાંભળવાનો મોકો મળ્યો નથી, તેઓનો ન્યાય તે કેવી રીતે કરશે. ખરું જોતા, યહોવાએ એ જણાવવાની જરૂર પણ નથી કે તેમણે હમણાં સુધી શું કર્યું છે અથવા તે શું કરવાના છે. પણ એક વાત જરૂર જાણીએ છીએ, જે આ લેખની મુખ્ય કલમ છે: “યહોવા . . . ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.”—૨ પિત. ૩:૯; ૧ તિમો. ૨:૪.

જેઓને કદાચ મોટી વિપત્તિ પહેલાં ખુશખબર સાંભળવાનો મોકો નહિ મળે, તેઓનો ન્યાય યહોવા કેવી રીતે કરશે? (ફકરો ૮ જુઓ) c


૯. યહોવાએ બાઇબલમાં શું જણાવ્યું છે?

યહોવાએ બાઇબલમાં જણાવ્યું છે કે તે કઈ અમુક બાબતો કરવાના છે. દાખલા તરીકે, યહોવા એવા “ખરાબ લોકોને” જીવતા કરશે, જેઓને કદી ખુશખબર જાણવાની અને પોતાના જીવનમાં ફેરફાર કરવાની તક મળી નથી. (પ્રે.કા. ૨૪:૧૫; લૂક ૨૩:૪૨, ૪૩) એનાથી બીજા અમુક મહત્ત્વના સવાલો ઊભા થાય છે.

૧૦. બીજા કયા સવાલો ઊભા થાય છે?

૧૦ જેઓ મોટી વિપત્તિ દરમિયાન માર્યા જશે, તેઓનો શું કાયમ માટે વિનાશ થઈ જશે? શું તેઓને જીવતા કરવામાં નહિ આવે? બાઇબલમાંથી સ્પષ્ટ જોવા મળે છે કે આર્માગેદન વખતે યહોવા અને તેમના સૈન્યો એ લોકોનો કાયમ માટે વિનાશ કરશે, જેઓ તેમનો વિરોધ કરે છે. તેઓને જીવતા કરવામાં નહિ આવે. (૨ થેસ્સા. ૧:૬-૧૦) પણ એવા લોકો વિશે શું, જેઓ બીમારી કે ઘડપણને લીધે અથવા કોઈ અકસ્માતમાં કે કોઈના હાથે માર્યા ગયા હોય? (સભા. ૯:૧૧; ઝખા. ૧૪:૧૩) શું તેઓમાંથી અમુક લોકો એ ‘ખરાબ લોકોમાં’ હશે, જેઓને નવી દુનિયામાં જીવતા કરવામાં આવશે? એ વિશે આપણે કંઈ નથી જાણતા.

આપણે શું જાણીએ છીએ?

૧૧. યહોવા શાના આધારે લોકોનો ન્યાય કરશે?

૧૧ ભાવિના બનાવો વિશે ઘણી બધી બાબતો આપણે જાણીએ છીએ. દાખલા તરીકે, ખ્રિસ્તના ભાઈઓ સાથે લોકો જે રીતે વર્ત્યા છે, એના આધારે ઈસુ તેઓનો ઘેટાં અથવા બકરાં તરીકે ન્યાય કરશે. (માથ. ૨૫:૪૦) જેઓનો ન્યાય ઘેટાં તરીકે થશે, તેઓએ બતાવી આપ્યું હશે કે તેઓ અભિષિક્તોને અને ખ્રિસ્તને ટેકો આપે છે. મોટી વિપત્તિ શરૂ થશે એ પછી પણ ખ્રિસ્તના અમુક ભાઈઓ હજી પૃથ્વી પર હશે અને આર્માગેદન શરૂ થાય એના થોડા જ સમય પહેલાં તેઓને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. જ્યાં સુધી ખ્રિસ્તના ભાઈઓ આ પૃથ્વી પર હશે, ત્યાં સુધી શક્ય છે કે નમ્ર દિલના લોકોને એ તક મળશે કે તેઓ ખ્રિસ્તના ભાઈઓને અને તેઓના કામને ટેકો આપે. (માથ. ૨૫:૩૧, ૩૨; પ્રકટી. ૧૨:૧૭) આ બધી માહિતી કેમ મહત્ત્વની છે?

૧૨-૧૩. ‘મહાન બાબેલોનનો’ નાશ જોયા પછી કદાચ અમુક લોકો શું કરે? (ચિત્રો પણ જુઓ.)

૧૨ મોટી વિપત્તિ શરૂ થઈ જાય એ પછી પણ શક્ય છે કે અમુક લોકોને યાદ આવશે કે યહોવાના સાક્ષીઓ ઘણાં વર્ષોથી ‘મહાન બાબેલોનના’ નાશ વિશે કહેતા હતા. શું એ બનાવો જોનાર અમુક લોકો પોતાનું મન બદલશે અને યહોવાના લોકો સાથે જોડાશે?—પ્રકટી. ૧૭:૫; હઝકિ. ૩૩:૩૩.

૧૩ જરા યાદ કરો કે મૂસાના સમયમાં એવું જ કંઈક બન્યું હતું. જ્યારે ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે તેઓ સાથે “બીજા લોકોનું મોટું ટોળું” જોડાયું હતું. તેઓમાંથી અમુક લોકોએ જ્યારે દસ આફતો વિશેની મૂસાની ચેતવણી સાચી પડતાં જોઈ હતી, ત્યારે કદાચ યહોવામાં શ્રદ્ધા મૂકવાનું શરૂ કર્યું હતું. (નિર્ગ. ૧૨:૩૮) બની શકે કે મહાન બાબેલોનના નાશ પછી એવું જ કંઈક બને. કદાચ અમુક લોકો આર્માગેદન આવે એના થોડા સમય પહેલાં જ યહોવામાં શ્રદ્ધા મૂકે અને તેમના લોકો સાથે જોડાય. જો એવું બને તો શું આપણે ખોટું લગાડીશું? ના, જરાય નહિ. આપણે તો સ્વર્ગમાંના આપણા પિતા જેવા બનવા માંગીએ છીએ, જે ‘દયા અને કરુણા બતાવનાર ઈશ્વર, જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમ અને સત્યના સાગર’ છે. bનિર્ગ. ૩૪:૬.

‘મહાન બાબેલોનનો’ નાશ જોનાર અમુક લોકોને યાદ આવશે કે યહોવાના સાક્ષીઓ ઘણાં વર્ષોથી એ વિશે કહેતા હતા (ફકરા ૧૨-૧૩ જુઓ) d


૧૪-૧૫. કોઈ વ્યક્તિને હંમેશ માટેનું જીવન મળશે કે નહિ, એ શાના આધારે નક્કી નથી થતું? સમજાવો. (ગીતશાસ્ત્ર ૩૩:૪, ૫)

૧૪ અમુક વાર આપણાં ભાઈ-બહેનો યહોવાને ભજતા નથી એવાં સગાં-સંબંધીઓ વિશે કદાચ આવું કંઈક કહે: “જો મોટી વિપત્તિ શરૂ થઈ જાય એ પહેલાં તેઓનું મરણ થાય તો સારું. કેમ કે પછી નવી દુનિયામાં તેઓને જીવન આપવામાં આવશે.” આવા વિચારો પાછળનો ઇરાદો સારો હોય છે. પણ કોઈ વ્યક્તિનું મરણ ક્યારે થાય છે એના આધારે નક્કી નથી થતું કે તેને હંમેશ માટેનું જીવન મળશે કે નહિ. યહોવા સાચા ન્યાયાધીશ છે. તેમના નિર્ણયો હંમેશાં ખરા અને યોગ્ય હોય છે. (ગીતશાસ્ત્ર ૩૩:૪, ૫ વાંચો.) આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ જે ખરું છે, એ જ કરશે.—ઉત. ૧૮:૨૫.

૧૫ એ માનવું પણ યોગ્ય છે કે વ્યક્તિ ક્યાં રહે છે એના આધારે નક્કી નથી થતું કે તેને હંમેશ માટેનું જીવન મળશે કે નહિ. એ બની જ ન શકે કે યહોવા એવા લોકોને “બકરાં” ગણે જેઓ એવા દેશોમાં રહે છે, જ્યાં તેઓને કદી પણ રાજ્યની ખુશખબર સાંભળવાની તક મળી નથી. (માથ. ૨૫:૪૬) એટલે આપણે તેઓની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આખી દુનિયાના સાચા ન્યાયાધીશ આપણા કરતાં પણ તેઓની વધારે ચિંતા કરે છે. ખરું કે, આપણે નથી જાણતા કે મોટી વિપત્તિ દરમિયાન યહોવા કઈ રીતે ઘટનાઓમાં વળાંક લાવશે. પણ બની શકે કે યહોવા બધી પ્રજાઓ આગળ પોતાનું નામ પવિત્ર મનાવશે ત્યારે, તેઓમાંથી કદાચ અમુક લોકોને યહોવા વિશે શીખવાની, તેમનામાં શ્રદ્ધા મૂકવાની અને તેમના પક્ષે જોડાવાની તક મળશે.—હઝકિ. ૩૮:૧૬.

મોટી વિપત્તિ શરૂ થઈ જાય એ પછી . . . શું એ બનાવો જોનાર અમુક લોકો પોતાનું મન બદલશે અને યહોવાના લોકો સાથે જોડાશે?

૧૬. યહોવા વિશે આપણે શું જાણીએ છીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૬ બાઇબલના અભ્યાસથી આપણને જાણવા મળ્યું છે કે યહોવા માટે દરેક વ્યક્તિનું જીવન ખૂબ જ કીમતી છે. આપણા બધા માટે તેમણે પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે, જેથી આપણને હંમેશ માટે જીવવાની તક મળે. (યોહા. ૩:૧૬) આપણે બધાએ યહોવાનાં પ્રેમ અને કરુણાનો અનુભવ કર્યો છે. (યશા. ૪૯:૧૫) તે આપણને દરેકને નામથી જાણે છે. તેમને આપણી ઝીણામાં ઝીણી માહિતી ખબર છે. તેમને ફક્ત આપણો દેખાવ જ નહિ, આપણાં દિલમાં શું છે, આપણા જીવનમાં શું બન્યું છે અને મનમાં કઈ યાદો છે એ પણ ખબર છે. એટલે જો આપણે મરી જઈએ, તોપણ તે આપણને એ બધી માહિતી સાથે જીવતા કરશે. (માથ. ૧૦:૨૯-૩૧) સાચે જ, આપણને પૂરી ખાતરી છે કે સ્વર્ગમાંના આપણા પ્રેમાળ પિતા દરેક વ્યક્તિનો ખરો ન્યાય કરશે, કેમ કે તે બુદ્ધિશાળી, ન્યાયી અને દયાળુ ન્યાયાધીશ છે.—યાકૂ. ૨:૧૩.

આપણને પૂરી ખાતરી છે કે યહોવા દરેક વ્યક્તિનો ખરો ન્યાય કરશે. કેમ કે તે બુદ્ધિશાળી, ન્યાયી અને દયાળુ ન્યાયાધીશ છે (ફકરો ૧૬ જુઓ)


૧૭. આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૭ આપણી સમજણમાં જે ફેરફારો થયા, એનાથી ખ્યાલ આવે છે કે પ્રચારકામ પહેલાં કરતાં પણ વધારે મહત્ત્વનું બની ગયું છે. એવું કેમ કહી શકીએ? પૂરા ઉત્સાહથી પ્રચાર કરવા શાનાથી મદદ મળે છે? એ સવાલોના જવાબ આવતા લેખમાં મળશે.

ગીત ૧૫૩ આપણને ખુશી થાય છે

a આ ફેરફાર કેમ કરવામાં આવ્યો એ વિશે જાણવા માર્ચ ૧૫, ૨૦૧૫ ચોકીબુરજ પાન ૭-૧૧ પર આપેલો આ લેખ જુઓ: “યહોવા, તમને એ સારું લાગ્યું.”

b મહાન બાબેલોનના નાશ પછી જ્યારે માગોગનો ગોગ હુમલો કરશે, ત્યારે યહોવાના બધા સેવકોની કસોટી થશે. મહાન બાબેલોનના નાશ પછી જેઓ યહોવાના લોકો સાથે જોડાશે, તેઓની પણ કસોટી થશે.

c ચિત્રની સમજ: ત્રણ દૃશ્યમાં બતાવ્યું છે કે અમુક લોકોને કદાચ કેમ ખુશખબર સાંભળવાનો મોકો ન મળે: (૧) એક સ્ત્રી એવી જગ્યાએ રહે છે, જ્યાં મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ નથી પાળતા અને સાક્ષીઓ માટે પ્રચાર કરવો સુરક્ષિત નથી. (૨) એક પતિ-પત્ની એવી જગ્યાએ રહે છે, જ્યાં પ્રચારકામ ગેરકાનૂની અને જોખમથી ભરેલું છે. (૩) એક માણસ એવી જગ્યાએ રહે છે, જ્યાં પહોંચવું લગભગ અશક્ય છે.

d ચિત્રની સમજ: ‘મહાન બાબેલોનનો’ નાશ થઈ ગયો છે. એક યુવાન છોકરીએ યહોવાની સેવા કરવાનું છોડી દીધું હતું. પણ હવે તે યાદ કરે છે કે તે એ બનાવ વિશે શીખી હતી. તે પોતાનું મન બદલે છે અને મમ્મી-પપ્પા પાસે પાછી ફરે છે, જેઓ યહોવાના સાક્ષીઓ છે. જો આવું કંઈક થાય, તો આપણે સ્વર્ગમાંના આપણા પિતા જેવા બનીશું, જે દયા અને કરુણા બતાવનાર ઈશ્વર છે. તેમ જ, આપણે ખુશી મનાવીશું કે તે યહોવા પાસે પાછી ફરી.