સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૩

ગીત ૧૬ ઈશ્વરના રાજ્યમાં આશરો લો

યહોવા પોતાના મંડપમાં તમારું સ્વાગત કરે છે

યહોવા પોતાના મંડપમાં તમારું સ્વાગત કરે છે

“મારો મંડપ [તંબુ] તેઓની વચ્ચે રહેશે. હું તેઓનો ઈશ્વર થઈશ.”હઝકિ. ૩૭:૨૭.

આપણે શું શીખીશું?

યહોવાના મંડપમાં મહેમાન તરીકે રહેવાનો અર્થ શું થાય? એ કેમ મોટા સન્માનની વાત છે? યહોવા પોતાના મહેમાનોની સંભાળ કઈ રીતે રાખે છે?

૧-૨. યહોવાના સેવકો માટે મોટા સન્માનની વાત કઈ છે?

 યહોવા તમારા માટે કોણ છે? કદાચ તમે કહેશો, ‘યહોવા મારા પિતા, મારા ઈશ્વર અને મારા મિત્ર છે.’ આમ તો યહોવાના બીજા ઘણા ખિતાબો છે. પણ શું તમે તેમને યજમાન કહેશો?

રાજા દાઉદે યહોવાને યજમાન સાથે સરખાવ્યા અને તેમના વફાદાર સેવકોને મહેમાનો સાથે. તેમણે પૂછ્યું: “હે યહોવા, તમારા મંડપમાં [તંબુમાં] કોણ મહેમાન બની શકે? તમારા પવિત્ર પર્વત પર કોણ રહી શકે?” (ગીત. ૧૫:૧) એ શબ્દોથી જોવા મળે છે કે આપણે બધા લોકો યહોવાના મહેમાનો, એટલે કે તેમના મિત્રો બની શકીએ છીએ. એ તો કેટલું મોટું સન્માન કહેવાય!

યહોવા ચાહે છે કે આપણે તેમના મહેમાન બનીએ

૩. યહોવાના સૌથી પહેલા મહેમાન કોણ હતા? યહોવા અને તેમના મહેમાનને એકબીજા વિશે કેવું લાગતું હતું?

યહોવાએ બધું બનાવવાની શરૂઆત કરી, એ પહેલાં તે એકલા હતા. પછી તેમણે પોતાના સૌથી પહેલા દીકરાને બનાવ્યા. આમ, યહોવાએ જાણે એક યજમાન બનીને પોતાના સૌથી પહેલા મહેમાનને મંડપમાં, એટલે કે તંબુમાં બોલાવ્યા. એમ કરવામાં તેમને ઘણી ખુશી થઈ. બાઇબલમાં જણાવ્યું છે કે યહોવાને તેમના દીકરાને લીધે “અપાર ખુશી મળતી” હતી. તેમના સૌથી પહેલા મહેમાન પણ ‘આખો વખત યહોવાની આગળ આનંદ કરતા હતા.’—નીતિ. ૮:૩૦.

૪. યહોવાએ કોને કોને પોતાના તંબુમાં મહેમાનો તરીકે રહેવા બોલાવ્યા?

પછી યહોવાએ દૂતો બનાવ્યા અને તેઓને પોતાના મહેમાનો તરીકે તંબુમાં બોલાવ્યા. બાઇબલમાં દૂતોને “ઈશ્વરના દીકરાઓ” કહ્યા છે અને જણાવ્યું છે કે તેઓ યહોવા સાથે રહીને ખુશ છે. (અયૂ. ૩૮:૭; દાનિ. ૭:૧૦) વર્ષો સુધી યહોવાની સાથે સ્વર્ગમાં રહેતા લોકો જ તેમના મહેમાનો હતા. સમય જતાં, યહોવાએ ધરતી પર મનુષ્યો બનાવ્યા. તેઓ પણ યહોવાના મહેમાનો બની શક્યા. એવા અમુક મહેમાનો હતા: હનોખ, નૂહ, ઇબ્રાહિમ અને અયૂબ. બાઇબલમાં લખ્યું છે કે તેઓ ઈશ્વરના મિત્રો હતા, કેમ કે તેઓ હંમેશાં ‘સાચા ઈશ્વરની સાથે ચાલ્યા.’—ઉત. ૫:૨૪; ૬:૯; અયૂ. ૨૯:૪; યશા. ૪૧:૮.

૫. હઝકિયેલ ૩૭:૨૬, ૨૭ની ભવિષ્યવાણીથી શું શીખવા મળે છે?

સદીઓથી યહોવા લોકોને મહેમાન બનવા પોતાના તંબુમાં બોલાવી રહ્યા છે. (હઝકિયેલ ૩૭:૨૬, ૨૭ વાંચો.) હઝકિયેલની ભવિષ્યવાણીનો વિચાર કરીએ તો શીખવા મળે છે કે યહોવાની ઇચ્છા શું છે. તે ચાહે છે કે તેમના સેવકોનો તેમની સાથે પાકો સંબંધ હોય. તે તેઓની સાથે શાંતિનો કરાર કરવાનું વચન આપે છે. જ્યારે સ્વર્ગની આશા રાખતા સેવકો અને પૃથ્વી પર જીવવાની આશા રાખતા સેવકો ‘એક ટોળા’ તરીકે તેમના તંબુમાં એકતામાં રહેશે, ત્યારે એ ભવિષ્યવાણી પૂરી થશે. (યોહા. ૧૦:૧૬) આજે એ જ સમયગાળો ચાલી રહ્યો છે!

ભલે ગમે ત્યાં રહીએ, યહોવા આપણી સંભાળ રાખે છે

૬. એક વ્યક્તિ ક્યારે યહોવાના તંબુમાં મહેમાન બને છે? શું યહોવાનો તંબુ ફક્ત એક જગ્યાએ છે? સમજાવો.

બાઇબલ સમયમાં એક વ્યક્તિ તંબુમાં આરામ કરી શકતી હતી. તેમ જ, સખત તાપ અને વરસાદથી તેને રક્ષણ મળતું હતું. તંબુમાં આવેલો મહેમાન અપેક્ષા રાખતો હતો કે યજમાન તેની સારી સંભાળ રાખશે. જ્યારે આપણે યહોવાને પોતાનું જીવન સમર્પિત કર્યું, ત્યારે જાણે તેમના તંબુમાં મહેમાન બન્યા. (ગીત. ૬૧:૪) આપણી પાસે ભક્તિને લગતા ખોરાકની કોઈ ખોટ નથી. યહોવા આપણને એ બધું જ આપે છે, જેનાથી તેમની સાથેનો સંબંધ મજબૂત રાખી શકીએ. એટલું જ નહિ, આપણા અનેક દોસ્તો આપણી સાથે છે, જેઓ પણ યહોવાના મહેમાનો છે. તેમનો તંબુ કોઈ એક જ જગ્યાએ નથી. એવું શાના આધારે કહી શકીએ? કદાચ તમે બીજા કોઈ દેશમાં ગયા હશો, જેમ કે ખાસ મહાસંમેલનમાં હાજરી આપવા. ત્યાં તમે એવા ઘણા લોકોને મળ્યા હશો, જેઓ યહોવાના તંબુમાં રહેવાને લીધે ખુશ છે. આમ, કહી શકાય કે જ્યાં પણ યહોવાના વફાદાર સેવકો છે, ત્યાં યહોવાનો તંબુ છે.—પ્રકટી. ૨૧:૩.

૭. આપણે કેમ કહી શકીએ કે ગુજરી ગયેલા વફાદાર સેવકો આજે પણ યહોવાના તંબુમાં મહેમાનો છે? (ચિત્ર પણ જુઓ.)

ગુજરી ગયેલા વફાદાર સેવકો વિશે શું? શું આપણે એવું કહી શકીએ કે તેઓ આજે પણ યહોવાના તંબુમાં મહેમાનો છે? હા ચોક્કસ. એવું કેમ કહી શકીએ? કેમ કે, યહોવાએ તેઓને પોતાની યાદમાં સંઘરી રાખ્યા છે. ઈસુએ કહ્યું હતું: “મરણ પામેલાઓને ઉઠાડવામાં આવે છે, એ વિશે મૂસાએ પણ ઝાડવાના અહેવાલમાં જણાવ્યું હતું. એ અહેવાલમાં તે યહોવાને ‘ઇબ્રાહિમના ઈશ્વર અને ઇસહાકના ઈશ્વર અને યાકૂબના ઈશ્વર’ કહે છે. તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે. તેમની નજરમાં તેઓ બધા જીવે છે.”—લૂક ૨૦:૩૭, ૩૮.

ગુજરી ગયેલા વફાદાર સેવકો આજે પણ યહોવાના તંબુમાં મહેમાન છે (ફકરો ૭ જુઓ)


આશીર્વાદો અને જવાબદારીઓ

૮. યહોવાના તંબુમાં રહેતા લોકોને કયા આશીર્વાદો મળે છે?

જેમ એક તંબુમાં આરામ અને રક્ષણ મળે છે, તેમ યહોવાના તંબુમાં મહેમાનોને રક્ષણ મળે છે, જેથી યહોવા સાથેનો તેઓનો સંબંધ જોખમમાં ન આવી જાય. તેમ જ, તેઓને ભવિષ્યની પાકી આશા મળે છે. યહોવાની નજીક રહીએ છીએ ત્યારે શેતાન એવું કંઈ કરી શકતો નથી, જેનાથી આપણને કાયમ માટે નુકસાન થાય. (ગીત. ૩૧:૨૩; ૧ યોહા. ૩:૮) નવી દુનિયામાં પણ યહોવા પોતાના વફાદાર મિત્રોનું રક્ષણ કરતા રહેશે. તે આપણને એવા દરેક જોખમથી બચાવશે, જેનાથી યહોવા સાથેનો સંબંધ બગડી શકે છે. તે મરણથી પણ આપણું રક્ષણ કરશે.—પ્રકટી. ૨૧:૪.

૯. યહોવા પોતાના મહેમાનો પાસેથી શું ચાહે છે?

યહોવાના તંબુમાં મહેમાન બનીને રહેવું, એ સાચે જ બહુ મોટું સન્માન છે. આપણે યહોવા સાથે પાકી મિત્રતા બાંધી શકીએ છીએ, જે હંમેશ માટે રહેશે. પણ એ માટે આપણે શું કરવાની જરૂર છે? ધારો કે તમારા મિત્રએ તમને તેના ઘરે બોલાવ્યો છે. જો તે ચાહતો હોય કે ઘરમાં આવતા પહેલાં તમે બૂટ-ચંપલ બહાર કાઢો, તો તમે એવું જ કરશો, ખરું ને? એવી જ રીતે, આપણે જાણવા માંગીએ છીએ કે યહોવા પોતાના મહેમાનો પાસેથી શું ચાહે છે. યહોવા માટેના પ્રેમને લીધે આપણે એ બધું જ કરીશું, જેથી “તેમને પૂરેપૂરા ખુશ” કરી શકીએ. (કોલો. ૧:૧૦) એ વાત સાચી છે કે યહોવા આપણા મિત્ર છે. જોકે, તે આપણા ઈશ્વર અને પિતા પણ છે, એટલે આપણા માનના પૂરેપૂરા હકદાર છે. (ગીત. ૨૫:૧૪) એ વાત આપણે કદી ભૂલવી ન જોઈએ અને હંમેશાં તેમને ઊંડો આદર આપતા રહેવું જોઈએ. જો એવો આદર રાખીશું, તો યહોવાને દુઃખ પહોંચે એવું કોઈ કામ નહિ કરીએ અને “મર્યાદામાં રહીને” આપણા ઈશ્વર સાથે ચાલતા રહીશું.—મીખા. ૬:૮.

યહોવાએ કોઈ પણ ઇઝરાયેલી સાથે પક્ષપાત ન કર્યો

૧૦-૧૧. શાનાથી જોવા મળે છે કે સિનાઈના વેરાન પ્રદેશમાં યહોવાએ ઇઝરાયેલીઓ સાથે પક્ષપાત કર્યો ન હતો?

૧૦ યહોવા પોતાના મહેમાનો સાથે ક્યારેય પક્ષપાત કરતા નથી. (રોમ. ૨:૧૧) એ વિશે વધારે જાણવા ચાલો જોઈએ કે સિનાઈના વેરાન પ્રદેશમાં યહોવા ઇઝરાયેલીઓ સાથે કઈ રીતે વર્ત્યા હતા.

૧૧ પોતાના લોકોને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા પછી, યહોવાએ મંડપમાં સેવા કરવા યાજકો નીમ્યા. મંડપને લગતાં બીજાં કામો કરવા તેમણે લેવીઓ નીમ્યા. શું યહોવાએ એ લોકોની વધારે સંભાળ રાખી, જેઓ મંડપમાં સેવા કરતા હતા અથવા મંડપની નજીક રહેતા હતા? ના, યહોવાએ ક્યારેય પક્ષપાત કર્યો નહિ.

૧૨. કઈ ગોઠવણોથી જોવા મળે છે કે યહોવાએ ઇઝરાયેલીઓ સાથે પક્ષપાત કર્યો ન હતો? (નિર્ગમન ૪૦:૩૮) (ચિત્ર પણ જુઓ.)

૧૨ જો કોઈ ઇઝરાયેલી મંડપમાં સેવા કરતો ન હોય અથવા મંડપની નજીક રહેતો ન હોય, તો શું? તે પણ યહોવાનો પાકો મિત્ર બની શકતો હતો. દાખલા તરીકે, યહોવાએ ખાતરી કરી હતી કે બધા ઇઝરાયેલીઓ એ વાદળના સ્તંભને અને અગ્‍નિના સ્તંભને જોઈ શકે જે મંડપની ઉપર હતા. (નિર્ગમન ૪૦:૩૮ વાંચો.) જ્યારે મંડપ પરથી વાદળ ઊઠતું, ત્યારે બધા ઇઝરાયેલીઓ એ જોઈ શકતા. છાવણીના છેક છેવાડે રહેતો ઇઝરાયેલી પણ એ જોઈ શકતો. તે પોતાનો સામાન અને તંબુ સમેટી શકતો અને બીજા ઇઝરાયેલીઓ સાથે આગળ વધી શકતો. (ગણ. ૯:૧૫-૨૩) એ ઉપરાંત, જ્યારે ચાંદીનાં બે રણશિંગડાં વગાડવામાં આવતાં, ત્યારે પણ બધા ઇઝરાયેલીઓ એનો અવાજ સાંભળી શકતા. એનાથી તેઓને સંકેત મળતો કે હવે તેઓએ આગળ વધવાનું છે. (ગણ. ૧૦:૨) આમ, કોઈ ઇઝરાયેલી મંડપની નજીક રહેતો તો એનો એવો અર્થ ન હતો કે તે યહોવાનો ખાસ મિત્ર હતો. એને બદલે, દરેક ઇઝરાયેલી યહોવાનો મહેમાન બની શકતો અને ખાતરી રાખી શકતો કે યહોવા તેને માર્ગદર્શન આપશે અને તેનું રક્ષણ કરશે. એવી જ રીતે, આજે આપણે ભલે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા હોઈએ, પણ ભરોસો રાખી શકીએ છીએ કે યહોવા આપણને પ્રેમ કરે છે, આપણી સંભાળ રાખે છે અને રક્ષણ કરે છે.

મંડપ છાવણીની વચ્ચોવચ હતો, જે સાબિતી આપતો હતો કે યહોવા પક્ષપાત કરતા નથી (ફકરો ૧૨ જુઓ)


યહોવા આજે પણ પક્ષપાત કરતા નથી

૧૩. કેમ કહી શકાય કે યહોવા આજે પણ પક્ષપાત કરતા નથી?

૧૩ અમુક ભાઈ-બહેનો યહોવાના સાક્ષીઓના જગત મુખ્યમથકની નજીક અથવા શાખા કચેરીની નજીક રહે છે. તો બીજાં અમુક એ જગ્યાઓએ સેવા આપે છે. પરિણામે તેઓ એ જગ્યાઓએ થતી પ્રવૃત્તિઓમાં વધારે હિસ્સો લઈ શકે છે. એટલું જ નહિ, તેઓ આગેવાની લેતા ભાઈઓને પણ સારી રીતે ઓળખી શકે છે. અમુક ભાઈઓ સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપે છે. અમુક ભાઈ-બહેનો અલગ અલગ રીતે પૂરા સમયની ખાસ સેવા આપે છે. પણ જોવા જઈએ તો, મોટા ભાગનાં ભાઈ-બહેનો શાખા કચેરીની નજીક નથી રહેતાં અથવા પૂરા સમયની સેવા નથી કરતા. જો તમે પણ તેઓમાંનાં એક હો, તો નિરાશ ન થશો. ખાતરી રાખજો કે આપણા યજમાન યહોવા પોતાના બધા મહેમાનોને ખૂબ જ પ્રેમ કરે છે. તે દરેકને સારી રીતે ઓળખે છે અને તેની જરૂરિયાત પૂરી પાડે છે. (૧ પિત. ૫:૭) તે એકેએક સેવકને ભક્તિને લગતો ખોરાક આપે છે, માર્ગદર્શન આપે છે અને તેનું રક્ષણ કરે છે.

૧૪. યહોવા પક્ષપાત કરતા નથી એનો બીજો એક દાખલો કયો છે?

૧૪ બીજા એક દાખલા પર ધ્યાન આપો, જેનાથી ખબર પડે છે કે યહોવા પક્ષપાત કરતા નથી. આજે દુનિયાના ખૂણે ખૂણે રહેતા લોકો બાઇબલ વાંચી શકે છે. પણ શરૂઆતમાં બાઇબલ હિબ્રૂ, અરામિક અને ગ્રીક ભાષામાં લખવામાં આવ્યું હતું. શું એનો એવો અર્થ થાય કે ફક્ત એ ભાષા જાણતા લોકોનો જ યહોવા સાથેનો સંબંધ મજબૂત છે? જરાય નહિ.—માથ. ૧૧:૨૫.

૧૫. બાઇબલની સલાહથી કોને ફાયદો થાય છે અને એનાથી કઈ રીતે સાબિત થાય છે કે યહોવા પક્ષપાત કરતા નથી? (ચિત્ર પણ જુઓ.)

૧૫ કોઈને મિત્ર બનાવતા પહેલાં યહોવા એ નથી જોતા કે એ વ્યક્તિ કેટલું ભણેલી-ગણેલી છે અથવા તેને હિબ્રૂ, અરામિક અને ગ્રીક ભાષા આવડે છે કે નહિ. યહોવા ચાહે છે કે આખી દુનિયાના લોકો બાઇબલની સલાહથી ફાયદો મેળવે, પછી ભલે તેઓ ભણેલા-ગણેલા હોય કે અભણ. તેમના શબ્દ બાઇબલનું ભાષાંતર હજારો ભાષાઓમાં થયું છે. આમ, આખી દુનિયાના લોકો એના શિક્ષણથી ફાયદો મેળવી શકે છે અને તેમના મિત્ર કઈ રીતે બનવું એ શીખી શકે છે.—૨ તિમો. ૩:૧૬, ૧૭.

આજે બાઇબલ હજારો ભાષાઓમાં પ્રાપ્ય છે. એ કઈ રીતે બતાવે છે કે યહોવા પક્ષપાત કરતા નથી? (ફકરો ૧૫ જુઓ)


યહોવાના તંબુમાં કાયમ મહેમાન તરીકે રહો

૧૬. જો યહોવાના તંબુમાં રહેવા માંગતા હોઈએ, તો શું કરવું જોઈએ? (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫)

૧૬ યહોવા પોતાના તંબુમાં આપણું સ્વાગત કરે છે અને આપણે મહેમાન તરીકે એમાં રહી શકીએ છીએ. એ આપણા માટે ખૂબ ગર્વની વાત છે. યહોવા સૌથી દયાળુ, સૌથી પ્રેમાળ અને સૌથી વધારે આગતા-સ્વાગતા કરનાર યજમાન છે. આખા બ્રહ્માંડમાં તેમના જેવો બીજો કોઈ યજમાન નથી. વધુમાં, યહોવા કોઈની સાથે પક્ષપાત કરતા નથી. ભલે કોઈ વ્યક્તિ ગમે ત્યાં રહેતી હોય, એ ભણેલી-ગણેલી હોય કે અભણ, તે કોઈ પણ દેશ, જાતિ કે ઉંમરની હોય અથવા પુરુષ કે સ્ત્રી હોય, યહોવા બધાને પોતાના મિત્ર બનવા આવકારે છે. પણ જેઓ તેમની આજ્ઞાઓ પાળે છે, ફક્ત તેઓ જ તેમના તંબુમાં મહેમાન તરીકે રહી શકે છે.—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫ વાંચો.

૧૭. આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૭ ગીતશાસ્ત્ર ૧૫:૧માં દાઉદે આ સવાલો પૂછ્યા હતા: “હે યહોવા, તમારા મંડપમાં [તંબુમાં] કોણ મહેમાન બની શકે? તમારા પવિત્ર પર્વત પર કોણ રહી શકે?” યહોવાએ દાઉદ દ્વારા એ સવાલોના જવાબ આપ્યા, જે ગીતશાસ્ત્ર ૧૫માં જોવા મળે છે. આવતા લેખમાં જોઈશું કે યહોવાની કૃપા મેળવવા અને તેમના મિત્ર બની રહેવા આપણે શું કરવું જોઈએ.

ગીત ૨૭ યહોવા મારો માલિક