સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૪

ગીત ૧૬ ઈશ્વરના રાજ્યમાં આશરો લો

હંમેશાં યહોવાના મહેમાન તરીકે રહો!

હંમેશાં યહોવાના મહેમાન તરીકે રહો!

“હે યહોવા, તમારા મંડપમાં [તંબુમાં] કોણ મહેમાન બની શકે?”ગીત. ૧૫:૧.

આપણે શું શીખીશું?

યહોવાના મિત્ર બની રહેવા આપણે શું કરવું જોઈએ? તેમના મિત્રો સાથે કઈ રીતે વર્તવું જોઈએ અને એ વિશે યહોવા શું ચાહે છે?

૧. ગીતશાસ્ત્ર ૧૫:૧-૫નો વિચાર કરવાથી આપણને કઈ મદદ મળે છે?

 ગયા લેખમાં જોયું તેમ જેઓ યહોવાને પોતાનું જીવન સમર્પિત કરે છે અને તેમની સાથે ગાઢ સંબંધ કેળવે છે, તેઓ તેમના તંબુમાં મહેમાન બનીને રહી શકે છે. પણ યહોવાના મહેમાન બની રહેવા શું કરવું જોઈએ? ગીતશાસ્ત્ર ૧૫માં એ વિશે ઘણું જણાવ્યું છે. (ગીતશાસ્ત્ર ૧૫:૧-૫ વાંચો.) આ ગીતમાં સરસ સલાહ આપી છે, જે પાળવાથી યહોવાની વધારે નજીક જઈ શકીએ છીએ.

૨. યહોવાના તંબુ વિશે ઉલ્લેખ કર્યો ત્યારે દાઉદ કદાચ શાના વિશે વિચારતા હતા?

ગીતશાસ્ત્ર ૧૫ની શરૂઆત આ રીતે થાય છે: “હે યહોવા, તમારા મંડપમાં [તંબુમાં] કોણ મહેમાન બની શકે? તમારા પવિત્ર પર્વત પર કોણ રહી શકે?” (ગીત. ૧૫:૧) દાઉદે યહોવાના ‘તંબુ’ વિશે ઉલ્લેખ કર્યો ત્યારે તે કદાચ મંડપ વિશે વિચારતા હતા, જે અમુક સમય માટે ગિબયોનમાં હતો. દાઉદે ‘પવિત્ર પર્વતનો’ પણ ઉલ્લેખ કર્યો. એટલે બની શકે કે તે યરૂશાલેમમાં આવેલા સિયોન પર્વત વિશે વિચારતા હતા, જ્યાં તેમણે યહોવા માટે એક તંબુ ઊભો કર્યો હતો. એ ગિબયોનથી આશરે ૧૦ કિલોમીટર દૂર દક્ષિણે આવેલો હતો. દાઉદે એ તંબુમાં કરારકોશ મૂક્યો હતો અને મંદિર ન બંધાયું ત્યાં સુધી એ ત્યાં જ રહ્યો.—૨ શમુ. ૬:૧૭.

૩. આપણે શા માટે ગીતશાસ્ત્ર ૧૫ની વાતો પર ધ્યાન આપવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

મોટા ભાગના ઇઝરાયેલીઓ ક્યારેય મંડપમાં સેવા કરવા જઈ શકતા ન હતા. મંડપમાં જે જગ્યાએ કરારકોશ રાખ્યો હતો, ત્યાં તો બહુ જ ઓછા લોકો જઈ શકતા હતા. પણ આજે યહોવાના બધા સેવકો તેમના તંબુમાં મહેમાન તરીકે રહી શકે છે. કઈ રીતે? તેમની સાથે મિત્રતા બાંધીને અને હંમેશાં તેમના મિત્ર બની રહીને. યહોવાના તંબુમાં મહેમાન બનવાની તમન્‍ના આપણને બધાને છે, ખરું ને? ગીતશાસ્ત્ર ૧૫માં અમુક ગુણો વિશે જણાવ્યું છે, જે આપણે કેળવવા અને બતાવવા જોઈએ. એમ કરવાથી આપણે હંમેશાં યહોવાના મિત્ર બની રહીશું.

દાઉદના સમયના ઇઝરાયેલીઓ સહેલાઈથી કલ્પના કરી શકતા હતા કે યહોવાના તંબુમાં મહેમાન તરીકે રહેવાનો અર્થ શું થાય (ફકરો ૩ જુઓ)


નિર્દોષ રીતે ચાલો અને જે ખરું હોય એ જ કરો

૪. યહોવાના મિત્ર બનવા કેમ ફક્ત બાપ્તિસ્મા લેવું જ પૂરતું નથી? (યશાયા ૪૮:૧)

ગીતશાસ્ત્ર ૧૫:૨માં જણાવ્યું છે કે ઈશ્વરનો મિત્ર “નિર્દોષ રીતે ચાલે છે, જે ખરું હોય એ જ કરે છે.” આ કલમથી ખબર પડે છે કે યહોવાના મિત્ર બની રહેવા હંમેશાં એમ કરવાનું છે. પણ શું આપણે ખરેખર ‘નિર્દોષ રીતે ચાલી’ શકીએ છીએ? હા ચોક્કસ. ખરું કે આપણે ભૂલભરેલા છીએ, પણ જો યહોવાની આજ્ઞા પાળવા બનતું બધું કરીશું, તો તેમની નજરે ‘નિર્દોષ રીતે ચાલી’ શકીશું. જોકે, સમર્પણ કરવું અને બાપ્તિસ્મા લેવું જ પૂરતું નથી. એ તો યહોવા સાથેની સફરની બસ એક શરૂઆત છે. આનો વિચાર કરો: જો બાઇબલ સમયમાં કોઈ વ્યક્તિનો જન્મ ઇઝરાયેલ રાષ્ટ્રમાં થતો, તો તે આપોઆપ યહોવાના તંબુમાં મહેમાન બની જતી ન હતી. અમુક ઇઝરાયેલીઓ યહોવાની ભક્તિ તો કરતા હતા, “પણ ખરાં દિલથી અને સચ્ચાઈથી” કરતા ન હતા. (યશાયા ૪૮:૧ વાંચો.) જે ઇઝરાયેલીઓ યહોવાના તંબુમાં રહેવા માંગતા હતા, તેઓએ યહોવાની આજ્ઞાઓ જાણવાની અને પાળવાની જરૂર હતી. એવી જ રીતે, આજે યહોવાના તંબુમાં રહેવા અને તેમના મિત્ર બનવા ફક્ત બાપ્તિસ્મા લેવું અને યહોવાના સાક્ષી તરીકે ઓળખાવું પૂરતું નથી. આપણે ‘જે ખરું હોય એ જ કરતા’ રહેવાનું છે. એવું કઈ રીતે કરી શકીએ?

૫. દરેક બાબતે યહોવાની આજ્ઞા પાળવાનો અર્થ શું થાય?

યહોવાની નજરે ‘નિર્દોષ રીતે ચાલવા’ અને ‘જે ખરું હોય એ કરવા’ ફક્ત સભાઓમાં જવું જ પૂરતું નથી. (૧ શમુ. ૧૫:૨૨) આપણે દરેક બાબતે યહોવાની આજ્ઞા પાળવી જોઈએ, પછી ભલેને આપણને જોનાર કોઈ ન હોય. (નીતિ. ૩:૬; સભા. ૧૨:૧૩, ૧૪) નાની નાની વાતોમાં પણ યહોવાની આજ્ઞા પાળવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. એમ કરીને બતાવી આપીશું કે યહોવાને સાચો પ્રેમ કરીએ છીએ. પછી યહોવા પણ આપણને હજી વધારે પ્રેમ કરશે.—યોહા. ૧૪:૨૩; ૧ યોહા. ૫:૩.

૬. ભલે અગાઉ યહોવા માટે સારાં કામો કર્યાં હોય, તોપણ શું કરતા રહેવાની જરૂર છે? (હિબ્રૂઓ ૬:૧૦-૧૨)

અગાઉ આપણે યહોવા માટે જે કંઈ કર્યું છે, એની તે ખૂબ જ કદર કરે છે. પણ અગાઉ કરેલાં સારાં કામોને આધારે જ આપણે યહોવાના તંબુમાં હંમેશ માટે રહી શકતા નથી. એ વિશે હિબ્રૂઓ ૬:૧૦-૧૨માં સરસ રીતે સમજાવ્યું છે. (વાંચો.) ત્યાં જોવા મળે છે કે યહોવા આપણાં સારાં કામોને કદી ભૂલતા નથી. પણ તે ચાહે છે કે આપણે “અંત સુધી” તન-મનથી તેમની સેવા કરતા રહીએ. જો ‘થાક્યા વગર’ તેમની ભક્તિ કરતા રહીશું, તો યહોવા હંમેશ માટે આપણા મિત્ર બની રહેશે.—ગલા. ૬:૯.

પોતાના દિલમાં પણ સાચું બોલો

૭. પોતાના દિલમાં પણ સાચું બોલવાનો અર્થ શું થાય?

યહોવાના તંબુમાં રહેવા આપણે ‘પોતાના દિલમાં પણ સાચું બોલવું જોઈએ.’ (ગીત. ૧૫:૨) એનો અર્થ શું થાય? આપણે જૂઠું ન બોલીએ. પણ એટલું જ પૂરતું નથી. યહોવા ચાહે છે કે આપણે બધી રીતે પ્રમાણિક રહીએ. (હિબ્રૂ. ૧૩:૧૮) એમ કરવું શા માટે જરૂરી છે? “કેમ કે યહોવા આડા માણસને ધિક્કારે છે, પણ સીધા માણસને પોતાનો જિગરી દોસ્ત બનાવે છે.”—નીતિ. ૩:૩૨.

૮. આપણે કેવી વ્યક્તિ બનવા નથી માંગતા?

આપણામાં કહેવત છે: હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા. જે વ્યક્તિ “પોતાના દિલમાં પણ સાચું” નથી બોલતી, તે એવી જ હોય છે. તે બીજાઓ સામે યહોવાની આજ્ઞાઓ પાળવાનો દેખાડો કરે છે, પણ એકલી હોય ત્યારે ખોટાં કામ કરે છે. (યશા. ૨૯:૧૩) એવી વ્યક્તિ ઢોંગી હોય છે. તેને લાગી શકે કે યહોવાના નિયમો હંમેશાં આપણા ભલા માટે નથી હોતા. (યાકૂ. ૧:૫-૮) એટલે તે નાની નાની વાતમાં યહોવાની આજ્ઞા તોડવા લાગે છે. પછી તે જ્યારે જુએ કે એનાં ખરાબ પરિણામ નથી આવતાં, ત્યારે તેની હિંમત વધી જાય છે. હવે તે મોટી મોટી વાતમાં પણ યહોવાની આજ્ઞા તોડવા લાગે છે. એવી વ્યક્તિને ભલે લાગે કે તે યહોવાની ભક્તિ કરે છે, પણ હકીકતમાં યહોવા તેની ભક્તિ નથી સ્વીકારતા. (સભા. ૮:૧૧) આપણે એવા બનવા નથી માંગતા. આપણે તો દરેક વાતમાં પ્રમાણિક રહેવા માંગીએ છીએ.

૯. ઈસુ પહેલી વાર નથાનિયેલને મળ્યા ત્યારે શું બન્યું? આપણે એમાંથી શું શીખી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

પોતાના દિલમાં પણ સાચું બોલવું કેમ જરૂરી છે, એ વાત બાઇબલના એક અહેવાલથી સારી રીતે સમજાય છે. જ્યારે ફિલિપ પોતાના મિત્ર નથાનિયેલને ઈસુ પાસે લાવ્યા, ત્યારે શું બન્યું એનો વિચાર કરો. ઈસુ પહેલાં ક્યારેય નથાનિયેલને મળ્યા ન હતા, તોપણ ઈસુએ કહ્યું: “જુઓ! એક સાચો ઇઝરાયેલી, જેનામાં કંઈ કપટ નથી.” (યોહા. ૧:૪૭) ઈસુ જાણતા હતા કે તેમના બીજા શિષ્યો પ્રમાણિક હતા, પણ તેમણે નથાનિયેલમાં કંઈક ખાસ જોયું. નથાનિયેલથી પણ ભૂલો થતી હતી. જોકે, તે ઢોંગ કરતા ન હતા. તે દરેક વાતમાં પ્રમાણિક હતા. ઈસુને તેમની એ વાત ખૂબ ગમી અને એ માટે તેમના વખાણ કર્યા. શું ઈસુ તમારા વિશે પણ એવું કહેશે? જો એમ હોય, તો એ કેટલા ગર્વની વાત કહેવાય!

જ્યારે ફિલિપ પોતાના મિત્ર નથાનિયેલને ઈસુ પાસે લાવ્યા, ત્યારે ઈસુએ કહ્યું કે નથાનિયેલમાં કંઈ કપટ નથી. શું ઈસુ તમારા વિશે પણ એવું કહેશે? (ફકરો ૯ જુઓ)


૧૦. શા માટે સમજી-વિચારીને વાત કરવી જોઈએ? (યાકૂબ ૧:૨૬)

૧૦ ગીતશાસ્ત્ર ૧૫માં મોટા ભાગે એ વિશે જણાવ્યું છે કે, બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ. કલમ ૩માં લખ્યું છે કે યહોવાનો મહેમાન “પોતાની જીભે નિંદા કરતો નથી, પોતાના પડોશીનું કંઈ જ બૂરું કરતો નથી અને પોતાના દોસ્તોને બદનામ કરતો નથી.” નિંદા કરવાનાં ખરાબ પરિણામો આવી શકે છે. આપણે બીજાઓને નુકસાન પહોંચાડી શકીએ છીએ અને યહોવા આપણને પોતાના તંબુમાંથી દૂર કરી શકે છે.—યાકૂબ ૧:૨૬ વાંચો.

૧૧. નિંદા એટલે શું? જ્યારે એક વ્યક્તિ વારંવાર બીજાઓની નિંદા કરે છે અને પસ્તાવો કરતી નથી, ત્યારે શું થાય છે?

૧૧ ગીતશાસ્ત્ર ૧૫માં નિંદા વિશે જણાવ્યું છે. નિંદા એટલે શું? એવી ખોટી વાતો, જેનાથી બીજાઓનું નામ બદનામ થાય. જે વ્યક્તિ વારંવાર બીજાઓની નિંદા કરે છે અને પસ્તાવો કરતી નથી, તેને મંડળમાંથી દૂર કરવામાં આવે છે.—યર્મિ. ૧૭:૧૦.

૧૨-૧૩. આપણે કયા સંજોગોમાં અજાણતાં પોતાના દોસ્તોનું નામ બદનામ કરી બેસીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૨ ગીતશાસ્ત્ર ૧૫:૩માં એ પણ યાદ અપાવ્યું છે કે યહોવાના મહેમાનો પોતાના પડોશીનું કંઈ બૂરું નથી કરતા અને પોતાના દોસ્તોને બદનામ નથી કરતા. આપણે કઈ રીતે અજાણતાં બીજાઓનું નામ બદનામ કરી બેસીએ?

૧૩ બની શકે કે આપણે ખોટી વાતો ફેલાવીને અજાણતાં કોઈકનું નામ બદનામ કરી બેસીએ. દાખલા તરીકે, (૧) એક બહેન પાયોનિયરીંગ છોડી દે છે, (૨) એક પતિ-પત્ની હવે બેથેલમાં સેવા નથી આપતાં અથવા (૩) એક ભાઈ હવે વડીલ અથવા સહાયક સેવક નથી. એવામાં જો આપણે બીજાઓને એવું કહેવા લાગીએ કે એ ભાઈ-બહેનોએ કંઈ ખોટું કર્યું હશે, એટલે તેઓ સાથે એવું બન્યું, તો એ યોગ્ય નહિ કહેવાય. યાદ રાખવું જોઈએ કે એ ફેરફારો પાછળ ઘણાં કારણો હોય શકે છે, જે આપણે નથી જાણતા. એ ઉપરાંત, યહોવાના તંબુમાં રહેતો મહેમાન “પોતાના પડોશીનું કંઈ જ બૂરું કરતો નથી અને પોતાના દોસ્તોને બદનામ કરતો નથી.”

બીજાઓ વિશે ખોટી વાતો ફેલાવવી બહુ સહેલું છે અને એ નિંદા તરફ જઈ શકે છે (ફકરા ૧૨-૧૩ જુઓ)


યહોવાનો ડર રાખનારાઓને માન આપો

૧૪. કોઈ વ્યક્તિ નીચ છે કે નહિ એવું કઈ રીતે જાણી શકીએ?

૧૪ ગીતશાસ્ત્ર ૧૫:૪માં લખ્યું છે કે યહોવાનો મિત્ર ‘નીચ માણસોથી દૂર રહે છે.’ શું આપણે પોતાની રીતે નક્કી કરી શકીએ છીએ કે કોઈ વ્યક્તિ નીચ છે કે નહિ? ના, એવું નથી કરી શકતા. કેમ કે પાપની અસર હોવાને લીધે આપણે પોતાનાં વિચારો અને પસંદ-નાપસંદને આધારે નિર્ણય લઈએ છીએ. એટલે બની શકે કે જેઓની સાથે આપણું સારું બનતું હોય, તેઓ આપણને ગમે અને જેઓથી ચીડ ચઢતી હોય, તેઓ ન ગમે. એટલે ફક્ત એવા જ લોકોથી દૂર રહેવું જોઈએ, જેઓ યહોવાની નજરે “નીચ” છે. (૧ કોરીં. ૫:૧૧) એમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓ ખરાબ કામ કરે છે અને પસ્તાવો નથી કરતા, આપણી માન્યતાને માન નથી આપતા અથવા યહોવા સાથેનો આપણો સંબંધ તોડવા માંગે છે.—નીતિ. ૧૩:૨૦.

૧૫. “યહોવાનો ડર રાખનારાઓને” માન આપવાની એક રીત કઈ છે?

૧૫ ગીતશાસ્ત્ર ૧૫:૪માં આગળ જણાવ્યું છે કે આપણે “યહોવાનો ડર રાખનારાઓને” માન આપવું જોઈએ. એટલે યહોવાના મિત્રોનું ભલું કરવું જોઈએ અને તેઓને માન આપવું જોઈએ. (રોમ. ૧૨:૧૦) એમ કરવાની એક રીત કઈ છે? કલમ ૪માં લખ્યું છે કે યહોવાનો મહેમાન “વચન આપીને ફરી જતો નથી, પછી ભલેને પોતાનું નુકસાન થાય.” વચન તોડીએ છીએ ત્યારે, બીજાઓનું દિલ તૂટી જાય છે. (માથ. ૫:૩૭) દાખલા તરીકે, યહોવા ચાહે છે કે તેમના મહેમાનો લગ્‍નનું વચન નિભાવે. જ્યારે મમ્મી-પપ્પા બાળકોને આપેલું વચન પાળવા પૂરી મહેનત કરે છે, ત્યારે પણ યહોવા ખુશ થાય છે. યહોવા અને પડોશી માટેના પ્રેમને લીધે આપણે વચન પૂરું કરવા બનતું બધું કરીશું.

૧૬. યહોવાના મિત્રોને માન આપવાની બીજી એક રીત કઈ છે?

૧૬ યહોવાના મિત્રોને માન આપવાની બીજી એક રીત છે, મહેમાનગતિ બતાવવી અને ઉદાર બનવું. (રોમ. ૧૨:૧૩) જ્યારે સભાઓ અને પ્રચાર સિવાયના પ્રસંગોએ ભાઈ-બહેનો સાથે સમય વિતાવીએ છીએ, ત્યારે તેઓની અને યહોવાની વધારે નજીક જઈએ છીએ. એ ઉપરાંત, મહેમાનગતિ બતાવીને આપણે યહોવાને અનુસરીએ છીએ.

પૈસાના પ્રેમથી દૂર રહો

૧૭. ગીતશાસ્ત્ર ૧૫માં કેમ પૈસા વિશે વાત કરી છે?

૧૭ ગીતશાસ્ત્ર ૧૫:૫માં એ પણ જણાવ્યું છે કે યહોવાનો મહેમાન “પોતાના પૈસા વ્યાજે આપતો નથી અને નિર્દોષને દોષિત ઠરાવવા લાંચ લેતો નથી.” આ નાનકડા અધ્યાયમાં કેમ પૈસા વિશે વાત કરી છે? કારણ કે જો લોકો કરતાં પૈસાને વધારે મહત્ત્વના ગણીશું, તો લોકો સાથેના આપણા સંબંધોમાં તિરાડ પડી શકે છે અને યહોવા સાથેની આપણી દોસ્તી તૂટી શકે છે. (૧ તિમો. ૬:૧૦) બાઇબલ સમયમાં એવું જ કંઈક થયું હતું. અમુક ઇઝરાયેલીઓ પોતાના ગરીબ ઇઝરાયેલી ભાઈઓને વ્યાજે પૈસા આપતા અને તેઓનો ફાયદો ઉઠાવતા. એટલું જ નહિ, અમુક ન્યાયાધીશો લાંચ લેતા અને નિર્દોષ લોકોને દોષિત ઠરાવતા. યહોવા એવાં કામોને ખૂબ ધિક્કારે છે.—હઝકિ. ૨૨:૧૨.

૧૮. પૈસા વિશેનું પોતાનું વલણ જાણવા કયા સવાલો પૂછવા જોઈએ? (હિબ્રૂઓ ૧૩:૫)

૧૮ પૈસા વિશે કેવું વલણ રાખીએ છીએ એ જાણવું જરૂરી છે. એટલે પોતાને પૂછો: ‘શું હું આખો દિવસ પૈસો-પૈસો કર્યા કરું છું? શું હું એવું વિચાર્યા કરું છું કે આ પૈસાથી શું ખરીદી શકું છું? જો હું કોઈ પાસે ઉધાર લઉં, તો શું એ ચૂકવવામાં ઢીલ કરું છું? શું હું એવું વિચારું છું કે એ વ્યક્તિને પૈસાની જરૂર નથી, એટલે પછી ચૂકવીશ તો ચાલશે? શું પૈસા હોવાને લીધે પોતાને વધારે મહત્ત્વ આપું છું અને પોતાની વસ્તુઓ બીજાઓને આપતા અચકાઉં છું? શું હું પૈસાદાર ભાઈ-બહેનો વિશે એવું વિચારું છું કે તેઓ પૈસા પાછળ ભાગે છે? શું હું ફક્ત ધનવાન લોકો સાથે જ દોસ્તી કરું છું અને ગરીબ લોકોની અવગણના કરું છું?’ યહોવાના તંબુમાં મહેમાન તરીકે રહેવું આપણા માટે ખૂબ ગર્વની વાત છે. પણ યહોવાના મહેમાન બની રહેવા જરૂરી છે કે પૈસાનો મોહ ન રાખીએ. જો પૈસાને પ્રેમ નહિ કરીએ, તો યહોવા કદી આપણને ત્યજી દેશે નહિ.—હિબ્રૂઓ ૧૩:૫ વાંચો.

યહોવા પોતાના મિત્રોને પ્રેમ કરે છે

૧૯. યહોવા કેમ ચાહે છે કે આપણે ગીતશાસ્ત્ર ૧૫માં લખેલી વાતો પાળીએ?

૧૯ ગીતશાસ્ત્ર ૧૫ના અંતમાં એક વચન આપ્યું છે: “આવો માણસ હંમેશાં અડગ રહેશે.” (ગીત. ૧૫:૫) અહીં જોવા મળે છે કે આ અધ્યાયમાં આપેલી ઈશ્વરની વાતો પાળવી કેમ જરૂરી છે. કેમ કે યહોવા આપણને ખુશ જોવા ચાહે છે. એટલે તે આપણને માર્ગદર્શન આપે છે. એ પાળવાથી આપણને આશીર્વાદો મળશે અને આપણું રક્ષણ થશે.—યશા. ૪૮:૧૭.

૨૦. યહોવાના મહેમાનો પાસે કઈ આશા છે?

૨૦ યહોવાના મહેમાનોનું ભાવિ ઉજ્જવળ છે. અભિષિક્તો પાસે સ્વર્ગમાં જીવવાની આશા છે, જ્યાં ઈસુએ તેઓ માટે ‘રહેવાની ઘણી જગ્યા’ તૈયાર કરી છે. (યોહા. ૧૪:૨) જેઓ પૃથ્વી પર જીવવાની આશા રાખે છે, તેઓ પ્રકટીકરણ ૨૧:૩માં આપેલાં વચનો પૂરાં થવાની રાહ જુએ છે. સાચે જ, યહોવાના મિત્ર બનવું, હંમેશાં તેમના તંબુમાં મહેમાન તરીકે રહેવું એ કેટલા મોટા સન્માનની વાત છે!

ગીત ૪ ઈશ્વર સાથે સારું નામ બનાવીએ