સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુઓ, શું બની રહ્યું છે!

શરણાર્થી કટોકટી—લાખો લોકો યુક્રેઇનથી ભાગી રહ્યા છે

શરણાર્થી કટોકટી—લાખો લોકો યુક્રેઇનથી ભાગી રહ્યા છે

 ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ રશિયાએ યુક્રેઇન પર લશ્કરી હુમલો કરી દીધો. એના લીધે મોટી આફત આવી પડી છે અને લાખો લોકોનું જીવન જોખમમાં મુકાયું છે. યુક્રેઇનના હજારો નાગરિકો પોતાનું શહેર કે દેશ છોડીને ભાગી રહ્યા છે. a

 “ચારે તરફ બૉમ્બમારો થઈ રહ્યો હતો. એ દૃશ્ય એટલું ભયંકર હતું કે એના વિશે હું કહી નથી શકતી. જ્યારે અમને ખબર પડી કે શહેર ખાલી કરવા માટે લોકોને ટ્રેનથી બીજી જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે અમે પણ નીકળી જવાનું નક્કી કર્યું. જરા વિચારો, તમારી આખી જિંદગી એક નાની બેગમાં પેક કરી દેવાની! અમે ફક્ત કાગળિયા, દવા, પાણી અને નાસ્તો જ લઈ શક્યા, બાકી બધું છોડી દીધું. બૉમ્બ વરસતા હતા એવી હાલતમાં અમે રેલવે સ્ટેશન પહોંચ્યા.”—નટાલિયા, ખારકીવ શહેરની રહેવાસી, યુક્રેઇન.

 “છેલ્લી ઘડી સુધી અમને લાગતું કે યુદ્ધ નહિ થાય. પણ પછી શહેરના અમુક ભાગોમાં બૉમ્બ વિસ્ફોટ થવા લાગ્યો. એનો અવાજ એટલો મોટો હતો કે અમારા ઘરની બારીઓ ખખડવા લાગી. એ જ સમયે મેં દેશ છોડવાનો નિર્ણય લીધો. મેં જરૂરી વસ્તુઓ લીધી અને સવારે આઠ વાગે નીકળી ગઈ. લવીવ જવા ટ્રેન પકડી અને ત્યાંથી બસમાં પોલૅન્ડ પહોંચી ગઈ.”—નાદિયા, ખારકીવ શહેરની રહેવાસી, યુક્રેઇન.

આ લેખમાં આપણે આ સવાલોના જવાબ જોઈશું:

 શરણાર્થીઓની સમસ્યા ઊભી થવાનાં મુખ્ય કારણો કયાં છે?

 રશિયાના લશ્કરી હુમલાને કારણે યુક્રેઇનના લાખો લોકોએ ઘરબાર છોડવાનો વારો આવ્યો છે. પણ આવી સમસ્યા ઊભી થવાનાં મુખ્ય કારણો બાઇબલમાં જણાવ્યાં છે:

  •   માણસોની સરકારો લોકોની તકલીફો દૂર કરવામાં નિષ્ફળ ગઈ છે. જેઓ પાસે સત્તા છે, તેઓ ઘણી વાર એનો ખોટો ઉપયોગ કરીને બીજાઓ પર જુલમ ગુજારે છે.—સભાશિક્ષક ૪:૧; ૮:૯.

  •   શેતાન આ “દુનિયાનો શાસક” છે. (યોહાન ૧૪:૩૦) તે લોકોને ખરાબ કામો કરવા ભમાવે છે. તેણે એટલી હદ સુધી લોકોની બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી છે કે બાઇબલ કહે છે: “આખી દુનિયા શેતાનના કાબૂમાં છે.”—૧ યોહાન ૫:૧૯.

  •   સદીઓથી લોકો અલગ અલગ આફતોનો સામનો કરતા આવ્યા છે. પણ આજે આપણે એ સમયમાં જીવી રહ્યા છીએ, જે વિશે બાઇબલમાં પહેલેથી લખ્યું છે: “છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે.” (૨ તિમોથી ૩:૧) એટલું જ નહિ, બાઇબલમાં લખ્યું છે કે એ દિવસોમાં યુદ્ધો થશે, કુદરતી આફતો આવશે, ખોરાકની તંગી પડશે અને રોગચાળો ફેલાશે. (લૂક ૨૧:૧૦, ૧૧) એવી આફતોના લીધે લોકોએ ઘરબાર છોડીને નાસી જવું પડે છે.

 શરણાર્થીઓ કોના પર આશા રાખી શકે?

 બાઇબલમાં જણાવ્યું છે કે આપણને બનાવનાર યહોવા b ઈશ્વર લોકોને ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓની તકલીફો સમજે છે. તેમને શરણાર્થીઓની અને એવા લોકોની ખૂબ જ ચિંતા છે, જેઓએ મજબૂરીમાં પોતાનું ઘર છોડવું પડ્યું છે. (પુનર્નિયમ ૧૦:૧૮) તેમણે વચન આપ્યું છે કે તે બહુ જલદી દુનિયાની બધી સરકારો કાઢી નાખશે અને પોતાનું રાજ્ય લાવશે. એ રાજ્ય દ્વારા તે શરણાર્થીઓની બધી સમસ્યા દૂર કરશે. (દાનિયેલ ૨:૪૪; માથ્થી ૬:૧૦) યહોવા ઈશ્વર પોતાના રાજ્ય દ્વારા શેતાનનો પણ નાશ કરશે. (રોમનો ૧૬:૨૦) આખી દુનિયામાં ફક્ત ઈશ્વરનું રાજ હશે. તે દેશોને અલગ કરતી સરહદો ભૂંસી નાખશે. આખું વિશ્વ એક કુટુંબ હશે. કોઈએ પોતાનું ઘર છોડીને નાસી જવું નહિ પડે, કેમ કે બાઇબલમાં વચન આપ્યું છે, “તેઓ પોતાના દ્રાક્ષાવેલા નીચે અને પોતાની અંજીરી નીચે બેસશે, તેઓને કોઈ ડરાવશે નહિ, કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાના મુખમાંથી એ શબ્દો નીકળ્યા છે.”—મીખાહ ૪:૪.

 આ સમસ્યાનો કાયમી ઉકેલ ફક્ત ઈશ્વરનું રાજ્ય જ લાવશે. કઈ રીતે? યહોવા ઈશ્વર પોતાના રાજ્ય દ્વારા એવી એકેએક મુશ્કેલીને કાઢી નાખશે જેના લીધે લોકોએ શરણાર્થી બનવું પડે છે. દાખલા તરીકે,

 શું શરણાર્થીઓને આજે બાઇબલમાંથી કોઈ મદદ મળી શકે?

 હા. બાઇબલમાંથી તેઓને ભવિષ્યની આશા તો મળે છે, અત્યારની તકલીફોનો સામનો કરવા પણ મદદ મળે છે.

 પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માની લે છે, પણ ચતુર માણસ દરેક પગલું સમજી-વિચારીને ભરે છે.”—નીતિવચનો ૧૪:૧૫.

 અર્થ: તમારા પર કેવાં જોખમો આવી શકે એ વિશે પહેલેથી વિચારો. બચાવ માટે કેવાં પગલાં ભરશો એની પણ તૈયારી રાખો. જ્યારે તમે બીજી કોઈ જગ્યાએ જાઓ ત્યારે કદાચ તમે પૂરી રીતે સુરક્ષિત ન હો અથવા નવી જગ્યા વિશે બહુ કંઈ જાણતા પણ ન હો. એટલે એવા લોકોથી સાવધ રહો, જેઓ તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવી શકે છે.

 પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “જે ખોરાક અને કપડાં મળે, એમાં આપણે સંતોષ માનીએ.”—૧ તિમોથી ૬:૮.

 અર્થ: સુખ-સુવિધાની વસ્તુઓ પર વધારે ધ્યાન ન આપો. જો તમે જે કંઈ મળે છે એનાથી સંતોષ માનશો, તો ખુશ રહી શકશો.

 પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.”—માથ્થી ૭:૧૨.

 અર્થ: ધીરજ રાખો, દયા બતાવો. એમ કરશો તો ત્યાંના લોકો તમને જલદી સ્વીકારી લેશે અને માન આપશે.

 પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો.”—રોમનો ૧૨:૧૭.

 અર્થ: તમારી સાથે ખરાબ વ્યવહાર થાય ત્યારે ગુસ્સા પર કાબૂ રાખો. બદલો ન લેશો. જો એવું નહિ કરો તો સંજોગો વધારે બગડશે.

 પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “કેમ કે ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.”—ફિલિપીઓ ૪:૧૩.

 અર્થ: ઈશ્વર પર શ્રદ્ધા રાખો. પ્રાર્થના કરો. સંજોગો સહન કરવા તે તમને હિંમત આપશે.

 પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘કશાની ચિંતા ન કરો, પણ હંમેશાં ઈશ્વરને પ્રાર્થના અને અરજ કરો, દરેક બાબતમાં તેમનું માર્ગદર્શન માંગો અને કાયમ તેમનો આભાર માનો. જો એમ કરશો, તો ઈશ્વરની શાંતિ, જે આપણી સમજશક્તિની બહાર છે, એ તમારાં હૃદયનું અને મનનું રક્ષણ કરશે.’—ફિલિપીઓ ૪:૬, ૭.

 અર્થ: ભલે ગમે તેવા સંજોગો આવી પડે, તમે મન શાંત રાખી શકો એ માટે ઈશ્વર પાસે મદદ માંગો. એ વિશે જાણવા આ લેખ જુઓ: “ફિલિપીઓ ૪:૬, ૭—‘કશાની ચિંતા ન કરો.’”

a હુમલાના બીજા દિવસે સંયુક્ત રાષ્ટ્રો શરણાર્થી એજન્સીએ (UNHCR) યુક્રેઇનની પરિસ્થિતિને સૌથી મોટી કટોકટી જાહેર કરી. ફક્ત બાર દિવસમાં વીસ લાખથી વધારે લોકો યુક્રેઇન છોડીને આજુબાજુના દેશોમાં નાસી છૂટ્યા છે. બીજા દસેક લાખ લોકોએ પોતાનું ઘર છોડીને યુક્રેઇનમાં જ બીજે ભાગી જવું પડ્યું છે.

b શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) આ લેખ જુઓ: “યહોવા કોણ છે?