સ્કીપ ટુ કન્ટેન્ટ

શું વિજ્ઞાન પવિત્ર શાસ્ત્ર સાથે સહમત છે?

શું વિજ્ઞાન પવિત્ર શાસ્ત્ર સાથે સહમત છે?

શાસ્ત્રમાંથી જવાબ

 હા. જોકે બાઇબલ વિજ્ઞાનનું પુસ્તક નથી, તોપણ એમાં જણાવેલી વિજ્ઞાન વિશેની માહિતી એકદમ સાચી છે. આપણે અમુક દાખલાઓ જોઈશું. એનાથી સમજી શકીશું કે બાઇબલ સાથે વિજ્ઞાન સહમત છે. સાથે સાથે બાઇબલ સમયમાં વિજ્ઞાન વિશે જે માહિતી લખવામાં આવી હતી, તે એ સમયનાં લોકોના વિચારોથી સાવ અલગ હતી.

  •   જૂની દંતકથાઓમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વની રચના કરવામાં આવી નથી. પણ એ કોઈ ગરબડને કારણે આપમેળે આવી ગયું છે. બાબેલોનના લોકો માનતા હતા કે બે મહાસાગરમાંથી નીકળેલા દેવોએ વિશ્વને ઉત્પન્‍ન કર્યું છે. બીજી વાર્તાઓ જણાવે છે કે એક મોટા ઈંડાંમાંથી વિશ્વ આવી ગયું છે. જ્યારે કે બાઇબલ જણાવે છે કે વિશ્વની રચના કરવામાં આવી છે.—ઉત્પત્તિ ૧:૧.

  •   દુનિયાની ઘણી પ્રચલિત દંતકથાઓ જણાવે છે કે કુદરતી આફતો દેવી-દેવતાઓ તરફથી હોય છે. પણ બાઇબલ જણાવે છે કે એનું કારણ કુદરતના નિયમો છે. વિશ્વમાં રહેલા ગ્રહ-તારાઓ એના આધારે જ દરરોજ ફરતા રહે છે. (અયૂબ ૩૮:૩૩; યર્મિયા ૩૩:૨૫) એની સામે મનુષ્યો કંઈ જ કરી શકતા નથી.

  •   જૂના જમાનામાં લોકો માનતા હતા કે પૃથ્વી સપાટ છે અને કોઈ દાનવ કે પ્રાણી, જેમ કે બળદ કે કાચબા પર ટકી છે. પણ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે પૃથ્વીને કોઈ આધાર વગર અધ્ધર લટકાવવામાં આવી છે.—અયૂબ ૨૬:૭.

  •   જૂના જમાનામાં ગ્રીક લોકો માનતા હતા કે મહાસાગરનું પાણી જમીનની નીચેથી નદીઓમાં આવે છે. તેમની આ માન્યતા ૧૮મી સદી સુધી હતી. જ્યારે કે બાઇબલમાંથી જાણવા મળે છે કે સમુદ્રનું કે બીજી કોઈ પણ જગ્યાનું પાણી વરાળ બનીને ઉપર જાય છે. એ જ વરાળ વાદળ બનીને પૃથ્વી પર પાણી, બરફ કે કરા બનીને વરસે છે. આ જ પાણીથી નદીઓ અને ઝરણાઓ ભરાય છે.—અયૂબ ૩૬:૨૭, ૨૮; સભાશિક્ષક ૧:૭; યશાયા ૫૫:૧૦; આમોસ ૯:૬.

  •   આજે આપણે જે પર્વતો જોઈએ છીએ એ એક સમયે મહાસાગરની અંદર હતા. (ગીતશાસ્ત્ર ૧૦૪:૬,) જ્યારે કે ઘણી વાર્તાઓ જણાવે છે કે આ પર્વતોને દેવતાઓએ બનાવ્યા છે.

  •   સાફ-સફાઈ રાખવાથી સારી તંદુરસ્તી રહે છે. ઇઝરાયેલીઓને સાફ-સફાઈ વિશે અમુક નિયમો આપ્યા હતા. જેમ કે, લાશને અડક્યા પછી નહાવાનું હતું, ચેપીરોગથી પીડાતી વ્યક્તિએ અલગ રહેવાનું હતું અને માણસોના મળને માટીથી સારી રીતે ઢાંકવાનું હતું. (લેવીય ૧૧:૨૮; ૧૩:૧-૫; પુનર્નિયમ ૨૩:૧૩) એનાથી વિરુદ્ધ મિસરના લોકો ઘા રૂઝાવવા માટે જે લેપ બનાવતા, એમાં માણસોનું મળ વાપરતા હતા.

શું બાઇબલમાં વિજ્ઞાન વિશે ખોટી માહિતી છે?

 ના. બાઇબલમાં સંશોધન કરવાથી જાણવા મળે છે કે એમાં વિજ્ઞાનને લઈને કોઈ ખોટી માહિતી નથી. નીચે અમુક ખોટી માન્યતાઓ આપી છે, જેના લીધે લોકો બાઇબલમાં આપેલી વિજ્ઞાન વિશેની માહિતી પર સવાલ કરે છે.

 લોકો શું માને છે: બાઇબલમાં જણાવ્યું છે કે આખું વિશ્વ છ દિવસમાં બનાવવામાં આવ્યું છે, જેમાં એક દિવસ ૨૪ કલાકનો હોય છે.

 હકીકત: બાઇબલ જણાવે છે કે ઈશ્વરે આખું વિશ્વ હજારો વર્ષ પહેલાં બનાવ્યું હતું. (ઉત્પત્તિ ૧:૧) એ પણ જણાવે છે કે ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં જે દિવસોનો ઉલ્લેખ થયો છે, એ એક દિવસ એક યુગ બરાબર છે. પણ એ યુગમાં કેટલાં વર્ષ છે, એના વિશે બાઇબલ કંઈ જણાવતું નથી. આમ જોઈએ તો, પૃથ્વી અને આકાશ બનાવવામાં જે સમય લાગ્યો છે એને પણ એક ‘દિવસ’ જ ગણવામાં આવ્યો છે.—ઉત્પત્તિ ૨:૪.

 લોકો શું માને છે: બાઇબલમાં લખ્યું છે કે સૂર્ય બનાવતા પહેલા વનસ્પતિ બનાવવામાં આવી. જ્યારે કે સૂર્યના કિરણો વગર તો એની વૃદ્ધિ શક્ય જ નથી.—ઉત્પત્તિ ૧:૧૧, ૧૬.

 હકીકત: બાઇબલ જણાવે છે કે “આકાશ”ના અગણિત તારાઓમાં સૂર્ય પણ એક છે, જેને બધી વનસ્પતિઓથી પહેલા બનાવવામાં આવ્યો હતો. (ઉત્પત્તિ ૧:૧) સર્જનના પહેલા “દિવસે” કે પહેલા યુગમાં, સૂર્યનું અજવાળું પૃથ્વીની સપાટી સુધી આવતું હતું. સર્જનના ત્રીજા “દિવસે” વાતાવરણ બનાવવામાં આવ્યું ત્યારે, એ અજવાળું એટલી હદ સુધી પૃથ્વી પર આવવા લાગ્યું કે વનસ્પતિની વૃદ્ધિ થવા લાગી. (ઉત્પત્તિ ૧:૩-૫, ૧૨, ૧૩) એના ઘણા સમય પછી પૃથ્વીની સપાટીથી સૂર્ય સાફ દેખાવા લાગ્યો.—ઉત્પત્તિ ૧:૧૬.

 લોકો શું માને છે: બાઇબલ જણાવે છે કે સૂર્ય પૃથ્વીની ગોળ ફરે છે.

 હકીકત: સભાશિક્ષક ૧:૫માં લખ્યું છે: “સૂર્ય ઊગે છે અને સૂર્ય આથમે છે, પછી તે ઉતાવળે એ જગ્યાએ પાછો જાય છે, જ્યાંથી તેણે ફરી ઊગવાનું છે.” પૃથ્વીની સપાટીથી સૂર્ય જે રીતે ફરતો દેખાય છે એના વિશે આ કલમ જણાવે છે. આજે પણ લોકો “સૂર્યોદય” અને “સૂર્યાસ્ત” જેવા શબ્દો વાપરે છે, જ્યારે કે તેઓને ખબર છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.

 લોકો શું માને છે: બાઇબલ જણાવે છે પૃથ્વી સપાટ છે.

 હકીકત: બાઇબલમાં “પૃથ્વીના છેડા” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ થાય “દૂર દૂરના વિસ્તાર સુધી.” એનો અર્થ એ નથી કે પૃથ્વી સપાટ છે અથવા પૃથ્વીનો કોઈ કિનારો છે. (પ્રેરિતોનાં કાર્યો ૧:૮; ફૂટનોટ) એવી જ રીતે આપણે “ધરતીના ચારે ખૂણે” જેવા શબ્દો વાપરીએ, એનો અર્થ એ નથી કે ધરતીના ચાર ખૂણા છે. પણ એનાથી સમજાય છે કે અહીં આખી દુનિયાની વાત થઈ રહી છે.—યશાયા ૧૧:૧૨; લૂક ૧૩:૨૯.