સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવા કોણ છે?

યહોવા કોણ છે?

શાસ્ત્રમાંથી જવાબ

 બાઇબલમાં લખ્યું છે યહોવા સાચા ઈશ્વર છે અને તેમણે આખી સૃષ્ટિ બનાવી છે. (પ્રકટીકરણ ૪:૧૧) ઈશ્વરભક્ત ઇબ્રાહિમ અને મૂસા યહોવાની ભક્તિ કરતા હતા. ઈસુ પણ યહોવાની ભક્તિ કરતા હતા. (ઉત્પત્તિ ૨૪:૨૭; નિર્ગમન ૧૫:૧, ૨; યોહાન ૨૦:૧૭) યહોવા કોઈ દેશ કે જાતિના નહિ, પણ “આખી પૃથ્વીના” ઈશ્વર છે.—ગીતશાસ્ત્ર ૪૭:૨.

 બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વરનું એક નામ છે, યહોવા. (નિર્ગમન ૩:૧૫; ગીતશાસ્ત્ર ૮૩:૧૮) હિબ્રૂ ભાષામાં એ નામ એવા ક્રિયાપદમાંથી આવે છે જેનો અર્થ થાય, “બનવું.” ઘણા વિદ્વાનો માને છે કે એ નામનો અર્થ થાય, “તે શક્ય બનાવે છે.” આ નામ તેમના પર એકદમ બંધબેસે છે. કેમ કે તે સર્જનહાર અને પોતાની ઇચ્છા પૂરી કરનાર ઈશ્વર છે. (યશાયા ૫૫:૧૦, ૧૧) બાઇબલમાં લખ્યું છે કે તેમનો સ્વભાવ કેવો છે. એમાં એ પણ જણાવ્યું છે કે તેમનો મુખ્ય ગુણ પ્રેમ છે.—નિર્ગમન ૩૪:૫-૭; લૂક ૬:૩૫; ૧ યોહાન ૪:૮.

 હિબ્રૂ ભાષામાં ઈશ્વરનું નામ આ ચાર અક્ષરોથી લખાય છે, יהוה (ય-હ-વ-હ). જૂના જમાનામાં હિબ્રૂ ભાષામાં એ નામ કઈ રીતે બોલવામાં આવતું હતું એ આજે આપણે જાણતા નથી. પણ ગુજરાતીમાં એ નામનો ઉચ્ચાર થાય છે, “યહોવા.” ઘણા ગુજરાતી બાઇબલમાં એ નામ જોવા મળે છે. જેમ કે, ગુજરાતી ઓ.વી. બાઇબલ.

હિબ્રૂ ભાષામાં ઈશ્વરના નામનો જે ઉચ્ચાર થતો હતો એ આજે આપણે કેમ નથી જાણતા?

 પ્રાચીન હિબ્રૂ ભાષા લખતી વખતે કોઈ સ્વર વાપરવામાં ન આવતા, ફક્ત વ્યંજનો વપરાતા. પણ બોલતી વખતે લોકો એમાં સ્વર ઉમેરી દેતા. એટલે જ્યારે હિબ્રૂ શાસ્ત્રવચનો (“જૂનો કરાર”) લખાયો એ પછી યહૂદીઓ માનવા લાગ્યા કે ઈશ્વરનું નામ લેવું ખોટું છે. એટલે જ્યારે પણ તેઓ શાસ્ત્રમાં એ નામ જોતા, ત્યારે તેઓ “ઈશ્વર” કે “પ્રભુ” વાપરતા. સમય જતાં લોકો એ નામનો ઉચ્ચાર ભૂલી ગયા. a

 અમુક વિદ્વાનોને લાગે છે કે ઈશ્વરના નામનો ઉચ્ચાર “યાહવેહ” થતો હતો, જ્યારે કે અમુક લોકો કંઈક બીજું માને છે. મૃત સરોવર પાસેથી લેવીય પુસ્તકનો એક નાનકડો ભાગ મળી આવ્યો, જે ગ્રીક ભાષામાં હતો. એમાં ઈશ્વરનું નામ યાઓ લખ્યું હતું. પહેલાંના ગ્રીક લેખકો ઈશ્વરના નામનો આવો ઉચ્ચાર પણ કરતા: યાયે, યાબે કે યાઉવી. એટલે આપણી પૂરી ખાતરીથી નથી કહી શકતા કે હિબ્રૂ ભાષામાં ઈશ્વરના નામનો ઉચ્ચાર કઈ રીતે થતો હતો. b

ઈશ્વરના નામ વિશે અમુક ખોટી માન્યતાઓ

 ખોટી માન્યતા: બાઇબલનું ભાષાંતર કરતી વખતે “યહોવા” નામ ઉમેરવામાં આવ્યું હતું.

 હકીકત: હિબ્રૂ ભાષામાં ઈશ્વરનું નામ ય-હ-વ-હ આશરે ૭,૦૦૦ વખત આવે છે. c ઘણાં ભાષાંતરોમાંથી ઈશ્વરનું નામ કાઢી નાખવામાં આવ્યું છે અને એની જગ્યાએ “ઈશ્વર” કે “પ્રભુ” જેવા શબ્દો વાપર્યા છે.

 ખોટી માન્યતા: સર્વશક્તિમાન ઈશ્વરને નામની કોઈ જરૂર નથી.

 હકીકત: ઈશ્વરે બાઇબલ લેખકોને પ્રેરણા આપી કે તેઓ બાઇબલમાં ઈશ્વરનું નામ હજારો વખત લખે. યહોવા ચાહે છે કે તેમના ભક્તો તેમને નામ લઈને બોલાવે. (યશાયા ૪૨:૮; યોએલ ૨:૩૨; માલાખી ૩:૧૬; રોમનો ૧૦:૧૩) જ્યારે જૂઠા પ્રબોધકોએ પ્રયત્ન કર્યો કે લોકો ઈશ્વરનું નામ ભૂલી જાય, ત્યારે યહોવાએ તેઓને કડક શબ્દોમાં ઠપકો આપ્યો.—યર્મિયા ૨૩:૨૭.

 ખોટી માન્યતા: આપણે યહૂદી રિવાજો માનવા જોઈએ અને બાઇબલમાંથી ઈશ્વરનું નામ કાઢી નાખવું જોઈએ.

 હકીકત: પવિત્ર શાસ્ત્રની નકલ ઉતારનાર યહૂદી શાસ્ત્રીઓ ઈશ્વરનું નામ બોલતા ન હતા. પણ તેઓએ એ નામ કદી કાઢી ન નાખ્યું. ઈશ્વર પણ નથી ચાહતા કે આપણે માણસોના રીતરિવાજો પાળીએ અને તેમની આજ્ઞાઓ તોડીએ.—માથ્થી ૧૫:૧-૩.

 ખોટી માન્યતા: આપણે નથી જાણતા કે પ્રાચીન હિબ્રૂ ભાષામાં ઈશ્વરના નામનો કેવો ઉચ્ચાર થતો હતો. એટલે આપણે ઈશ્વરનું નામ ન લેવું જોઈએ.

 હકીકત: અમુક લોકોને લાગે છે કે ભલે ગમે એ ભાષા બોલતા હોઈએ, ઈશ્વરના નામનો ઉચ્ચાર એક જ હોવો જોઈએ. પણ બાઇબલમાંથી જોવા મળે છે કે, અલગ અલગ ભાષા બોલતા ઈશ્વરભક્તો લોકોના નામનો ઉચ્ચાર અલગ અલગ કરતા.

 ચાલો યહોશુઆનો વિચાર કરીએ, જે ઇઝરાયેલીઓના ન્યાયાધીશ હતા. યહોશુઆ હિબ્રૂ ભાષાનો શબ્દ છે. એ ભાષા બોલતા લોકો કદાચ તેમને યેશુઆ પણ કહેતા હશે. પણ ગ્રીક ભાષા બોલતા લોકો તેમને ઈસુસ કહેતા હશે. બાઇબલમાં યહોશુઆનું નામ હિબ્રૂ અને ગ્રીક બંને ભાષામાં જોવા મળે છે. એનાથી આપણને ખબર પડે છે કે પહેલાંના સમયના ખ્રિસ્તીઓ લોકોના નામનો ઉચ્ચાર પોતાની ભાષા પ્રમાણે કરતા હતા.—પ્રેરિતોનાં કાર્યો ૭:૪૫; હિબ્રૂઓ ૪:૮.

 એ વાત ઈશ્વરના નામના ઉચ્ચાર વિશે પણ લાગુ પડે છે. ઈશ્વરના નામનો ખરો ઉચ્ચાર શું છે એના કરતાં મહત્ત્વનું એ છે કે બાઇબલમાં ઈશ્વરનું નામ યોગ્ય જગ્યાએ હોય.

a ન્યૂ કૅથલિક ઍન્સાઇક્લોપીડિયા, બીજી આવૃત્તિ, ગ્રંથ ૧૪, પાન ૮૮૩-૮૮૪માં લખ્યું છે: “બાબેલોનની ગુલામીમાંથી છૂટ્યા પછી લોકોએ ઈશ્વરનું નામ યાહવેહ લેવાનું છોડી દીધું. એના બદલે તેઓ એદોનાય અને એલોહીમ બોલવા લાગ્યા.”

b વધારે જાણવા પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલની વધારે માહિતી ક-૪ “હિબ્રૂ શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ” વાંચો.

c થિઓલોજીકલ લેક્સિકન ઑફ ધી ઓલ્ડ ટેસ્ટામેન્ટ, ગ્રંથ ૨, પાન ૫૨૩-૫૨૪ જુઓ.