સ્કીપ ટુ કન્ટેન્ટ

ફ્રાંસમાં બાઇબલનું અજોડ પ્રદર્શન

ફ્રાંસમાં બાઇબલનું અજોડ પ્રદર્શન

ઉત્તરીય ફ્રાંસમાં ૨૦૧૪ રુએન આંતરરાષ્ટ્રીય મેળો યોજાયો હતો. ત્યાં આવેલા હજારો લોકોનું ધ્યાન એક સ્ટોલ પર ગયું. એના પર લખવામાં આવ્યું હતું “બાઇબલ—ગઈ કાલે, આજે અને આવતી કાલે.”

સ્ટોલની બહાર મૂકવામાં આવેલા સ્ક્રીન પર બાઇબલની જૂની હસ્તપ્રતોનો વીડિયો બતાવવામાં આવતો હતો. એ ઘણા મુલાકાતીઓનું ધ્યાન ખેંચતું હતું. સ્ટોલની અંદર, લોકો બાઇબલની વ્યવહારુ સલાહ, ઐતિહાસિક અને વૈજ્ઞાનિક રીતે બાઇબલ ખરું છે એના પુરાવા, તેમજ મોટા પાયે થતા બાઇબલના વિતરણ વિશે માહિતી મેળવતા હતા.

સ્ટોલમાં એ પણ બતાવવામાં આવ્યું કે બાઇબલ કઈ રીતે યુગોથી ટકી રહ્યું છે. આજે લાખો વાચકો બાઇબલને છાપેલા અને ઇલેક્ટ્રોનિક ફૉર્મેટમાં મેળવી શકે છે. ત્યાં આવનાર દરેકને ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની એક કોપી ફ્રીમાં આપવામાં આવતી હતી. બાઇબલનું આ અનુવાદ યહોવાના સાક્ષીઓએ ૧૨૦ કરતાં વધારે ભાષાઓમાં બહાર પાડ્યું છે.

લોકો સુધી બાઇબલ પહોંચાડવા માટે યહોવાના સાક્ષીઓએ કરેલા પ્રયત્નોની ઘણા મુલાકાતીઓએ કદર કરી. યુવાનો માટે કામ કરતી એક સમાજસેવિકાએ કેટલાક તરુણો સાથે સ્ટોલની મુલાકાત લીધી અને કહ્યું: “બાઇબલ આપણા વારસાનો એક ભાગ છે. એ એક જીવંત પુસ્તક છે. જ્યારે પણ હું એને વાંચું છું, ત્યારે મારી મુશ્કેલીઓનો હલ એમાંથી મળે છે.”

૬૦ વર્ષના એક દાદીમાને એ જાણીને નવાઈ લાગી કે તે મફત બાઇબલ મેળવી શકે છે. તેમણે કહ્યું: “આપણે બધાએ ફરી એને વાંચવાનું શરૂ કરવું જોઈએ, કેમ કે આપણને દરેકને એની જરૂર છે!”