રશિયા અને યુક્રેઇનના સાક્ષીઓને નિયામક જૂથ તરફથી ઉત્તેજન
‘અમને લાગ્યું કે, જાણે અમને પ્રેમના વરસાદમાં ભીંજવી નાખવામાં આવ્યા છે.’ યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય સ્ટીવન લેટે એક મહત્ત્વનો પત્ર વાંચ્યો પછી, યુક્રેઇનના એક બહેને એ શબ્દો દ્વારા પોતાની લાગણી દર્શાવી. મે ૧૦ અને ૧૧, ૨૦૧૪માં ભાઈ લેટે યુક્રેઇનની મુલાકાત લીધી હતી. એ સમયે લગભગ ૧,૬૫,૦૦૦ સાક્ષીઓએ ભાઈ લેટની ટૉક સાંભળી હતી. એ બહેન એમાંના એક હતાં.
શાસ્ત્ર આધારિત પ્રવચનો અને એ પત્રના વાંચનનો પાંચ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. એ કાર્યક્રમનું યુક્રેઇનના લગભગ ૭૦૦ પ્રાર્થનાઘરમાં વીડિયો પ્રસારણ કરવામાં આવ્યું હતું.
એ જ તારીખોમાં, નિયામક જૂથના બીજા એક સભ્ય માર્ક સેન્ડરસને એ જ પત્ર રશિયામાં વાંચ્યો હતો, જે ત્યાં યોજાયેલા કાર્યક્રમનો એક ભાગ હતો. બેલારુસ અને રશિયાના ૨,૫૦૦ કરતાં વધારે મંડળોમાં એ કાર્યક્રમનું ૧૪ ભાષામાં પ્રસારણ કરવામાં આવ્યું હતું. ૧,૮૦,૪૧૩ લોકોએ એ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.
નિયામક જૂથે એ પત્ર રશિયા અને યુક્રેઇનનાં મંડળોને લખ્યો હતો. ભાઈ સેન્ડરસને એ પત્ર રશિયન ભાષામાં વાંચ્યો હતો. એ પત્રથી લોકોને એટલું ઉત્તેજન મળ્યું કે, રશિયાની શાખા કચેરી આમ લખવા પ્રેરાઈ: ‘નિયામક જૂથ અમારા વિસ્તારનાં ભાઈ-બહેનો માટે આટલો રસ દાખવે છે, એ તેઓના દિલને સ્પર્શી ગયું છે. અમને બધાને લાગ્યું કે, જાણે નિયામક જૂથે અમને બાથમાં લઈને એક મોટું આલિંગન આપ્યું છે.’
એ પત્રનો મુખ્ય હેતુ એવાં ભાઈ-બહેનોને દિલાસો અને હિંમત આપવાનો હતો, જેઓના વિસ્તારોમાં રાજકીય ઉથલપાથલ ચાલતી હતી. એ પત્ર તેઓને રાજકીય બાબતોમાં તટસ્થ રહીને ‘દુનિયાનો ભાગ ન’ બનવા ઉત્તેજન આપતું હતું.—યોહાન ૧૭:૧૬.
ભાઈ-બહેનો તટસ્થ રહી શકે માટે, નિયામક જૂથે તેઓને કયું ઉત્તેજન આપ્યું? તેઓને પ્રાર્થના, અભ્યાસ અને મનન દ્વારા યહોવા સાથે સારો સંબંધ જાળવી રાખવા ઉત્તેજન આપ્યું. શ્રોતાઓને એ યાદ અપાવવામાં આવ્યું કે, ભલે તેઓ ગમે એવી કસોટીનો સામનો કરે તેઓ યશાયા ૫૪:૧૭ના શબ્દો પર ભરોસો રાખી શકે છે. એ કલમમાં યહોવાએ વચન આપ્યું છે કે, “તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ.”
પત્રના અંતે નિયામક જૂથે આમ કહ્યું: ‘અમે તમને બધાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. યાદ રાખજો કે, તમે હંમેશાં અમારા મનમાં છો અને અમે તમારા વતી યહોવાને આજીજી કરીએ છીએ.’
ભાઈઓની એ મુલાકાત વિશે યહોવાના સાક્ષીઓની યુક્રેઇનની શાખા કચેરીએ આમ લખ્યું: ‘નિયામક જૂથે જે રીતે અમારી કાળજી લીધી છે અને પ્રેમ વરસાવ્યો છે, એ જોઈને અમારા હૃદયો ગદ્ગદ થઈ ગયા છે. યુક્રેઇન અને રશિયામાં સરખા દિવસોએ જ ભાઈ લેટ અને સેન્ડરસનનું આવવું સાબિતી આપે છે કે, યહોવાના લોકો સંપીને રહે છે. તેમ જ, યહોવા અને ઈસુ બધાને કેટલો પ્રેમ કરે છે એ દેખાઈ આવ્યું. અમને બધાને લાગે છે કે, તેઓએ ખરા સમયે જ મુલાકાત લીધી. હવે, અમારામાં એટલી હિંમત આવી છે કે, ગમે એટલી મોટી કસોટી આવે, પણ અમે યહોવાની સેવામાં લાગુ રહીશું.’