સ્કીપ ટુ કન્ટેન્ટ

શું યહોવાના સાક્ષીઓ કુટુંબ તોડે છે કે મજબૂત કરે છે?

શું યહોવાના સાક્ષીઓ કુટુંબ તોડે છે કે મજબૂત કરે છે?

 અમે યહોવાના સાક્ષીઓ પોતાના કુટુંબમાં પ્રેમ અને સંપ વધારવા ખૂબ મહેનત કરીએ છીએ. અમે બીજાઓને પણ મદદ કરીએ છીએ, જેથી તેઓનાં કુટુંબમાં પણ પ્રેમ અને સંપ વધે. અમે માનીએ છીએ કે કુટુંબની શરૂઆત ઈશ્વરે કરી છે. (ઉત્પત્તિ ૨:૨૧-૨૪; એફેસીઓ ૩:૧૪, ૧૫) એટલે તેમના વચન, બાઇબલમાં આપેલી સલાહ પાળવાથી ઘણા લોકોને કુટુંબ સુખી અને મજબૂત બનાવવા મદદ મળી છે.

યહોવાના સાક્ષીઓ કુટુંબને મજબૂત કરવા શું કરે છે?

 અમે બાઇબલમાં આપેલી સલાહ પાળવા બનતો પ્રયત્ન કરીએ છીએ. એનાથી અમે પતિ, પત્ની અને માબાપ તરીકેની જવાબદારી સારી રીતે નિભાવી શકીએ છીએ. (નીતિવચનો ૩૧:૧૦-૩૧; એફેસીઓ ૫:૨૨–૬:૪; ૧ તિમોથી ૫:૮) બાઇબલની સલાહ એવાં પતિ-પત્નીને પણ મદદ કરે છે, જેઓ અલગ અલગ ધર્મમાં માને છે. (૧ પિતર ૩:૧, ૨) ચાલો એવા જ બે દાખલા જોઈએ, જેઓના લગ્‍નસાથી યહોવાના સાક્ષી બન્યા છે:

  •   “અમારા લગ્‍નનાં પહેલા ૬ વર્ષ ખૂબ અઘરાં હતાં. અમે કાયમ ઝઘડો કરતા. પણ મારી પત્ની ઈવેટ યહોવાની સાક્ષી બની ત્યારથી તે મારી સાથે ખૂબ પ્રેમ અને ધીરજથી વર્તવા લાગી. એનાથી અમારું લગ્‍નજીવન તૂટતાં તૂટતાં બચી ગયું.”—ક્લોએર, બ્રાઝિલ.

  •   “પહેલાં મને લાગતું હતું કે યહોવાના સાક્ષીઓ કુટુંબમાં ભાગલા પાડે છે. એટલે જ્યારે મારા પતિ ચાન્સાએ યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું, ત્યારે મેં બહુ વિરોધ કર્યો. પણ પછીથી મને સમજાયું કે બાઇબલની સલાહ પાળવાથી તો અમારું લગ્‍નજીવન વધારે મજબૂત બન્યું છે.”— આગ્‍નેસ, ઝામ્બિયા.

 અમે લોકોને મળીએ છીએ ત્યારે તેઓને બતાવીએ છીએ કે બાઇબલમાં કેટલી સરસ સલાહ આપી છે. જેમ કે,

જો લગ્‍નસાથી યહોવામાં માનવા લાગે, તો શું કુટુંબમાં મુશ્કેલીઓ ઊભી થાય છે?

 ક્યારેક એવું થઈ શકે છે. ૧૯૯૮માં સોફ્રેસ નામની કંપનીએ એક સર્વે કર્યો. એનાથી જાણવા મળ્યું કે જે કુટુંબોમાં પતિ કે પત્નીમાંથી કોઈ એક યહોવાના સાક્ષી છે, એ કુટુંબોમાં નાની-મોટી તકલીફો હોય છે. પણ ૨૦માંથી ફક્ત એક જ કુટુંબમાં મોટી સમસ્યા હોય છે.

 ઈસુએ કહ્યું હતું કે જેઓ તેમના પગલે ચાલે છે, તેઓનાં કુટુંબમાં અમુક વાર મુશ્કેલીઓ ઊભી થશે. (માથ્થી ૧૦:૩૨-૩૬) ઇતિહાસકાર વીલ ડ્યુરેન્ટે લખ્યું હતું કે રોમન સામ્રાજ્યમાં “ખ્રિસ્તીઓ પર આરોપ હતો કે તેઓ કુટુંબમાં ભાગલા પાડે છે.” a આજે યહોવાના સાક્ષીઓ પર એવો જ આરોપ મૂકવામાં આવે છે. તો શું એનો એવો અર્થ થાય કે જે લગ્‍નસાથી યહોવાના સાક્ષી છે તે એ મુશ્કેલી માટે જવાબદાર છે?

યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સ

 યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સે કહ્યું કે જે કુટુંબોમાં મુશ્કેલીઓ હોય છે તેઓમાં મોટા ભાગે સાક્ષી ન હોય એવા કુટુંબીજનને લીધે મુશ્કેલી ઊભી હોય છે. એવા કુટુંબીજનો સ્વીકારતા નથી કે “કુટુંબમાં જે વ્યક્તિ યહોવાની સાક્ષી છે તેને પણ પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે.” કોર્ટે આગળ જણાવ્યું: “આવા સંજોગો ફક્ત યહોવાના સાક્ષીઓ સાથે જ નથી બનતા. જ્યારે કુટુંબમાં પતિ-પત્ની અલગ ધર્મ પાળતા હોય, ત્યારે એવા જ સંજોગો ઊભા થાય છે.” b ભલે પોતાની ધાર્મિક માન્યતાને લીધે યહોવાના સાક્ષીઓએ કુટુંબમાં મુશ્કેલીઓ સહેવી પડે, પણ તેઓ બાઇબલની આ સલાહ પાળવા કોશિશ કરે છે: ‘બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો. જો શક્ય હોય તો બધા લોકો સાથે હળી-મળીને રહેવા તમારાથી બનતું બધું કરો.’—રોમનો ૧૨:૧૭, ૧૮.

યહોવાના સાક્ષીઓ કેમ માને છે કે તેઓએ પોતાના ધર્મની વ્યક્તિ સાથે જ લગ્‍ન કરવું જોઈએ?

 યહોવાના સાક્ષીઓ બાઇબલની આ આજ્ઞા પાળે છે કે ‘ઈસુના શિષ્ય’ હોય એવી વ્યક્તિ સાથે જ લગ્‍ન કરવું. (૧ કોરીંથીઓ ૭:૩૯) એટલે કે, એવી વ્યક્તિ સાથે લગ્‍ન કરવું જોઈએ જેની માન્યતા સરખી હોય. શું બાઇબલની એ આજ્ઞા પાળવાથી કોઈ ફાયદો થાય છે? હા, ચોક્કસ! દાખલા તરીકે, કુટુંબો માટેના એક મૅગેઝિનમાં જણાવ્યું હતું કે “જ્યારે કુટુંબમાં પતિ-પત્ની એક જ ધર્મ પાળે છે,” ત્યારે કુટુંબ વધારે ખુશ રહે છે. c

 જો કુટુંબમાં પતિ કે પત્નીમાંથી કોઈ સાક્ષી ન હોય, તો યહોવાના સાક્ષીઓ તેઓને અલગ થવાની સલાહ નથી આપતા. કારણ કે બાઇબલમાં લખ્યું છે: “જો કોઈ ભાઈને શ્રદ્ધા ન રાખનારી પત્ની હોય અને તે તેની સાથે રહેવા રાજી હોય, તો તે ભાઈએ તેને છોડી દેવી નહિ. જો કોઈ સ્ત્રીને શ્રદ્ધા ન રાખનાર પતિ હોય અને તે તેની સાથે રહેવા રાજી હોય, તો તે સ્ત્રીએ પોતાના પતિને છોડી દેવો નહિ.” (૧ કોરીંથીઓ ૭:૧૨, ૧૩) યહોવાના સાક્ષીઓ એ આજ્ઞા પાળે છે.

a સીઝર ઍન્ડ ક્રાઇસ્ટ પુસ્તકનું પાન ૬૪૭ જુઓ.

b જેહોવાઝ વિટ્‌નેસીસ ઑફ મોસ્કો ઍન્ડ અધર્સ વર્સેસ રશિયા મુકદ્દમાના ચુકાદા માટે પાન ૨૬-૨૭, ફકરો ૧૧૧ જુઓ.

c જર્નલ ઑફ મૅરેજ ઍન્ડ ફૅમિલી ગ્રંથ ૭૨, નંબર ૪, (ઑગસ્ટ ૨૦૧૦), પાન ૯૬૩ જુઓ.