યહોવાના સાક્ષીઓ કેમ જન્મદિવસ ઊજવતા નથી?
અમે યહોવાના સાક્ષીઓ જન્મદિવસ ઊજવતા નથી, કેમ કે અમે માનીએ છીએ કે ઈશ્વરને એવી ઉજવણીઓ ગમતી નથી. ખરું કે, જન્મદિવસ ન ઊજવવા વિશે બાઇબલમાં સીધેસીધું નથી જણાવ્યું. પણ એમાં અમુક બનાવો વિશે જણાવ્યું છે, જેની મદદથી ઉજવણી વિશે ઈશ્વરના વિચારો જાણી શકીએ છીએ. ચાલો એ વિશે બાઇબલમાંથી જોઈએ.
૧. જન્મદિવસની ઉજવણી એવા ધર્મોમાંથી આવે છે, જેનું શિક્ષણ બાઇબલના આધારે નથી. એક પુસ્તક કહે છે કે જન્મદિવસની ઉજવણી પાછળનું કારણ લોકોની માન્યતા હતી. એવું માનવામાં આવતું હતું કે વ્યક્તિના જન્મદિવસે દુષ્ટ દૂતો તેના પર હુમલો કરતા, પણ તેના મિત્રો અને સગાં-સંબંધીઓની દુઆઓથી તેનું રક્ષણ થતું. જન્મદિવસ વિશે એક અંગ્રેજી પુસ્તક કહે છે કે પ્રાચીન સમયમાં જન્મની તારીખની નોંધ રાખવી ખૂબ જરૂરી હતું, જેથી કુંડળી બનાવી શકાય. એ કુંડળી જ્યોતિષવિદ્યાને આધારે બનતી હતી. એ પુસ્તકમાં એમ પણ લખ્યું છે કે લોકો માનતા હતા કે જન્મદિવસની મીણબત્તીમાં ખાસ જાદુ હોય છે, જે વ્યક્તિની ઇચ્છા પૂરી કરે છે.
બાઇબલમાં જણાવ્યું છે કે જાદુવિદ્યા, જોષ જોવો, મેલીવિદ્યા અથવા એનાં જેવાં કામોને ઈશ્વર ધિક્કારે છે. (પુનર્નિયમ ૧૮:૧૪; ગલાતીઓ ૫:૧૯-૨૧) હકીકતમાં, ઈશ્વર પ્રાચીન બાબેલોન શહેરને ધિક્કારતા હતા એનું એક કારણ એ હતું કે ત્યાંના લોકો જોષ જોતા હતા, જે મેલીવિદ્યાનો એક પ્રકાર છે. (યશાયા ૪૭:૧૧-૧૫) એવું નથી કે યહોવાના સાક્ષીઓ દરેક રિવાજની વિરુદ્ધમાં છે, પણ જ્યારે તેઓને શાસ્ત્રમાંથી સાફ સાફ માર્ગદર્શન મળે છે, ત્યારે તેઓ એને આંખ આડા કાન કરતા નથી.
૨. પહેલી સદીના ખ્રિસ્તીઓ જન્મદિવસ ઊજવતા ન હતા. એક વિશ્વકોશ કહે છે કે પહેલી સદીના ખ્રિસ્તીઓ માનતા હતા કે જન્મદિવસની ઉજવણી એવા ધર્મોને આધારે છે, જે બાઇબલ પ્રમાણે શીખવતા નથી. બાઇબલમાં જણાવ્યું છે કે જે પ્રેરિતો અને શિષ્યો ઈસુ પાસેથી શીખ્યા હતા, તેઓએ બધા ખ્રિસ્તીઓ માટે સારો દાખલો બેસાડ્યો છે.—૨ થેસ્સાલોનિકીઓ ૩:૬.
૩. બાઇબલમાં ફક્ત એક જ દિવસને દર વર્ષે યાદ કરવા જણાવ્યું છે, એ છે ઈસુના મરણનો દિવસ. (લૂક ૨૨:૧૭-૨૦) એમ કરવું યોગ્ય છે, કેમ કે બાઇબલમાં લખ્યું છે: “જન્મના દિવસ કરતાં મરણનો દિવસ વધારે સારો.” (સભાશિક્ષક ૭:૧) ઈસુએ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈશ્વર સાથે સારું નામ બનાવ્યું હતું. એનાથી તેમના મરણનો દિવસ જન્મના દિવસ કરતાં વધારે મહત્ત્વનો થયો.—હિબ્રૂઓ ૧:૪.
૪. બાઇબલમાં એવું ક્યાંય જણાવ્યું નથી કે કોઈ ઈશ્વરભક્તે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હોય. એનો એવો અર્થ નથી કે બાઇબલના લેખકો એ વિશે લખવાનું ભૂલી ગયા હતા. કેમ કે બાઇબલમાં એવા બે લોકો વિશે જણાવ્યું છે જેઓએ પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો, પણ તેઓ ઈશ્વરભક્તો ન હતા. એ બંને જન્મદિવસની ઉજવણીમાં ખરાબ બનાવો બન્યા હતા.—ઉત્પત્તિ ૪૦:૨૦-૨૨; માર્ક ૬:૨૧-૨૯.
સાક્ષીઓનાં બાળકો જન્મદિવસ નથી ઊજવતાં, તો શું તેઓ કશું ગુમાવી રહ્યાં છે?
બીજાં માબાપની જેમ યહોવાના સાક્ષીઓ પણ પોતાનાં બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. એ પ્રેમ બતાવવા તેઓ આખા વર્ષ દરમિયાન બાળકોને ભેટ આપે છે, દોસ્તો સાથે ભેગા મળે છે અને ખૂબ મોજમજા કરે છે. એમ કરીને તેઓ ઈશ્વરનું અનુકરણ કરે છે, જે દિલ ખોલીને તેમનાં બાળકોને સારી વસ્તુઓ આપે છે. (માથ્થી ૭:૧૧) ચાલો અમુક બાળકોના અનુભવ જોઈએ, જે બતાવે છે કે તેઓએ કંઈ ગુમાવ્યું ન હતું:
“જ્યારે તમે આશા રાખી ન હોય અને ભેટ મળે, ત્યારે બહુ જ ખુશી થાય છે.”—૧૨ વર્ષની ટૅમી.
“ભલે મને જન્મદિવસે ભેટ નથી મળતી, પણ મારાં મમ્મી-પપ્પા મને બીજા પ્રસંગોએ ભેટ આપે છે. મેં વિચાર્યું ન હોય અને ભેટ મળે ત્યારે, મને બહુ ગમે છે.”—૧૧ વર્ષનો ગ્રેગરી.
“તમને એવું લાગે છે કે દસ મિનિટ, થોડીક કેક અને એક ગીતથી પાર્ટી થાય છે? તમારે મારા ઘરે આવીને જોવું જોઈએ કે ખરી પાર્ટી કેવી હોય છે!”—૬ વર્ષનો એરિક.