જેઓને પોતાનો ધર્મ છે એવા લોકોને યહોવાના સાક્ષીઓ કેમ મળવા જાય છે?
અમને જોવા મળ્યું છે કે જેઓને પોતાનો ધર્મ છે એવા ઘણા લોકોને બાઇબલ વિષયો પર ચર્ચા કરવાનું ગમે છે. અમે દરેકની માન્યતાઓને આદર આપીએ છીએ અને અમારો સંદેશો બીજાઓ પર થોપી બેસાડતા નથી.
અમે ધર્મની ચર્ચા કરીએ ત્યારે બાઇબલની સલાહ પ્રમાણે બીજાઓ જોડે પૂરા આદરથી અને “નમ્રતાથી” વાત કરીએ છીએ. (૧ પીતર ૩:૧૫) અમે જાણીએ છીએ કે અમુક લોકો અમારો સંદેશો નહિ સાંભળે. (માથ્થી ૧૦:૧૪) જોકે, લોકો સાથે વાત ન કરીએ ત્યાં સુધી અમે જાણતા નથી કે તેઓને સંદેશા વિશે કેવું લાગશે. પણ, અમે જાણીએ છીએ કે લોકોના સંજોગો બદલાઈ શકે છે.
દાખલા તરીકે, કોઈ વ્યક્તિ વ્યસ્ત હોવાથી અમારી સાથે વાત કરવાની ના પાડે. પરંતુ, બીજા સમયે ખુશીથી અમારી સાથે વાત કરે. કદાચ લોકોના જીવનમાં નવી મુશ્કેલીઓ કે સંજોગો આવી પડ્યા હોય, એટલે તેઓ બાઇબલના સંદેશામાં રસ બતાવે. તેથી, અમે લોકોને વારંવાર મળવાની કોશિશ કરીએ છીએ.