યહૂદીઓની કત્લેઆમ થઈ ત્યારે યહોવાના સાક્ષીઓનું શું થયું?
જર્મનીમાં અને નાઝી સરકાર રાજ કરતી હતી એવા દેશોમાં ૩૫,૦૦૦ યહોવાના સાક્ષીઓ રહેતા હતા. જ્યારે યહૂદીઓની કત્લેઆમ થઈ, ત્યારે એમાંના ૧,૫૦૦ સાક્ષીઓ મોતને ભેટ્યા. જોકે એમાંથી અમુકના મોતનું કારણ આપણે જાણતા નથી. સંશોધન ચાલી રહ્યું છે એટલે આંકડાઓ અને બીજી વિગતો બદલાઈ શકે છે.
તેઓ કઈ રીતે મોતને ભેટ્યા?
મોતની સજા: જર્મનીમાં અને નાઝી શાસન હેઠળના દેશોમાં લગભગ ૪૦૦ યહોવાના સાક્ષીઓને મોતની સજા ફટકારવામાં આવી. એમાંના મોટા ભાગના લોકોની અદાલતમાં સુનાવણી કરવામાં આવી, તેઓને મોતની સજા ફટકારવામાં આવી અને તેઓની કતલ કરવામાં આવી. બીજાઓને તો સુનાવણી કર્યા વગર જ બંદૂકથી મારવામાં આવ્યા કે ફાંસીએ લટકાવવામાં આવ્યા.
છાવણીમાં ખરાબ દશા: ૧,૦૦૦થી પણ વધારે સાક્ષીઓ નાઝી જુલમી છાવણી અને જેલમાં મોતને ભેટ્યા. તેઓ પાસે એટલું કામ કરાવતા કે તેઓનું શરીર એ સહી ન શકતું. એટલું જ નહિ, તેઓ પર જુલમ ગુજારવામાં આવતો. તેઓને ભૂખ્યા અને કડકડતી ઠંડીમાં રાખવામાં આવતા. અરે, તેઓ માટે તબીબી સારવારની પણ કોઈ વ્યવસ્થા ન હતી. આ બધાં કારણોને લીધે તેઓ મોતને ભેટ્યા. એ સમય એટલો ખોફનાક હતો કે બીજા વિશ્વયુદ્ધ પછી પણ એની અસર રહી હતી. યુદ્ધ પૂરું થયા પછી બાકીના લોકોને છોડી મૂકવામાં આવ્યા. પણ તેઓએ જે જુલમ સહ્યો હતો એના લીધે તેઓ ગુજરી ગયા.
બીજાં કારણો: અમુક સાક્ષીઓને ઝેરી ગેસથી ભરેલા રૂમમાં બંધ કરવામાં આવ્યા, જેના લીધે તેઓની મોત થઈ. ડૉક્ટરોએ કેટલાકને એવી દવા આપી જે પહેલાં કોઈને આપી ન હતી. તેઓ પર સારવારના પ્રયોગો કરવામાં આવ્યા. બીજાઓને ઝેરી ઇન્જેક્શન આપવામાં આવ્યા. એ બધાં કારણોને લીધે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો.
તેઓ પર કેમ જુલમ ગુજારવામાં આવ્યો?
યહોવાના સાક્ષીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો, કારણ કે તેઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલતા હતા. જ્યારે નાઝી સરકારે તેઓને એવી બાબતો કરવાનું કહ્યું જેની બાઇબલ મના કરે છે, ત્યારે તેઓએ નાઝીઓની વાત જરાય ન માની. તેઓએ ‘માણસોના બદલે ઈશ્વરની આજ્ઞા માની.’ (પ્રેરિતોનાં કાર્યો ૫:૨૯) ચાલો એવા બે સંજોગો વિશે જોઈએ જેમાં તેઓએ ઈશ્વરની આજ્ઞા પાળવાનું પસંદ કર્યું.
૧. રાજકારણમાં કોઈનો પક્ષ ન લીધો. આજે આખી દુનિયામાં યહોવાના સાક્ષીઓ રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી. એવી જ રીતે, નાઝી શાસન દરમિયાન સાક્ષીઓએ રાજકારણમાં કોઈનો પક્ષ ન લીધો. (યોહાન ૧૮:૩૬) એ કારણે:
તેઓ સેનામાં ન જોડાયા કે યુદ્ધને કોઈ પણ રીતે ટેકો ન આપ્યો.—યશાયા ૨:૪; માથ્થી ૨૬:૫૨.
તેઓએ મત ન આપ્યો કે નાઝી સંગઠનોમાં ન જોડાયા.—યોહાન ૧૭:૧૬.
તેઓ “હેલ હિટલર” (એટલે કે હિટલર અમને બચાવશે) ન બોલ્યા કે નાઝી પાર્ટીના પ્રતિકને સલામ ન કરી.—માથ્થી ૨૩:૧૦; ૧ કોરીંથીઓ ૧૦:૧૪.
૨. ભક્તિનાં કામો કરતા રહ્યા. યહોવાના સાક્ષીઓને ભક્તિનાં કામો કરવાની મનાઈ હતી, તોપણ તેઓ એ કામો કરતા રહ્યા. જેમ કે,
તેઓ પ્રાર્થના અને ભક્તિ માટે ભેગા મળતા રહ્યા.—હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫.
તેઓ બાઇબલનો સંદેશો જણાવતા રહ્યા અને બાઇબલ આધારિત સાહિત્યનું વિતરણ કરતા રહ્યા.—માથ્થી ૨૮:૧૯, ૨૦.
તેઓ પડોશીઓને અને યહૂદીઓને પ્રેમ બતાવતા રહ્યા.—માર્ક ૧૨:૩૧.
તેઓ પોતાની શ્રદ્ધામાં અડગ રહ્યા. એટલે તેઓને એવા દસ્તાવેજ પર સહી કરવાનું કહેવામાં આવ્યું, જેમાં લખ્યું હતું કે તેઓ હવેથી યહોવાના સાક્ષીઓ નથી, ત્યારે તેઓએ એના પર સહી ન કરી.—માર્ક ૧૨:૩૦.
એક નિષ્ણાતે કહ્યું કે “નાઝી શાસન દરમિયાન ફક્ત યહોવાના સાક્ષીઓને જ પોતાની શ્રદ્ધાને લીધે સતાવવામાં આવ્યા હતા.” a નાઝી જુલમી છાવણીના બીજા કેદીઓએ જોયું કે યહોવાના સાક્ષીઓ ટસના મસ ન થયા ત્યારે સાક્ષીઓ પ્રત્યે તેઓનું માન વધ્યું. ઑસ્ટ્રિયાના એક કેદીએ કહ્યું: “તેઓ યુદ્ધમાં નથી જતા. તેઓ બીજાઓને મારવા કરતાં પોતે મરી જવાનું પસંદ કરશે.”
તેઓ ક્યાં ગુજરી ગયા?
જુલમી છાવણીઓમાં: મોટા ભાગના યહોવાના સાક્ષીઓએ જુલમી છાવણીઓમાં પોતાનો જીવ ગુમાવ્યો. તેઓને આ છાવણીઓમાં રાખવામાં આવ્યા હતા: આઉશવિટ્ઝ, બુકનવોલ્ડ, ડાકાઉ, ફ્લોસ્સેનબર્ગ, માઉથહાઉઝન, નોઈનગમી, નિડાહાગન, રેવેન્સબ્રક અને સક્સેનહાઉઝન. આશરે ૨૦૦ સાક્ષીઓની મોત તો સક્સેનહાઉઝન છાવણીમાં જ થઈ હતી.
જેલમાં: જેલમાં અમુક સાક્ષીઓ પર એટલી હદે જુલમ ગુજારવામાં આવ્યો કે તેઓ મોતને ભેટ્યા. બીજા સાક્ષીઓને પૂછપરછ કરતી વખતે એટલા મારવામાં આવ્યા કે તેઓએ જીવ ગુમાવ્યો.
સજાનાં સ્થળોએ: મોટા ભાગના યહોવાના સાક્ષીઓને બર્લિન-પ્લોટઝેન્ઝી, બ્રેન્ડેનબર્ગ અને હાલા/ઝાલાની જેલોમાં મારી નાખવામાં આવ્યા. એ ઉપરાંત, એક દસ્તાવેજ પ્રમાણે બીજી સિત્તેરેક જગ્યાઓએ પણ સાક્ષીઓની હત્યા કરવામાં આવી.
તેઓમાંના અમુક વિશે માહિતી
નામ: હેલેને ગોટહોલ્ડ
સજાનું સ્થળ: પ્લોટઝેન્ઝી (બર્લિન)
હેલેને બે બાળકોની માતા હતી. તેને બે કરતાં વધારે વાર ગિરફતાર કરવામાં આવી હતી. ૧૯૩૭માં પૂછપરછ કરતી વખતે તેની સાથે એટલો ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો કે તેનું બાળક ગર્ભમાં જ ગુજરી ગયું. ૮ ડિસેમ્બર, ૧૯૪૪ના રોજ બર્લિનની પ્લોટઝેન્ઝી જેલમાં તેને મારી નાખવામાં આવી.
નામ: ગેહાર્ડ લિબોલ્ડ
સજાનું સ્થળ: બ્રેન્ડેનબર્ગ
૬ મે, ૧૯૪૩ના રોજ વીસ વર્ષના ગેહાર્ડને મારી નાખવામાં આવ્યો. બે વર્ષ પહેલાં તેના પિતાની પણ આ જ જેલમાં હત્યા કરવામાં આવી હતી. ગેહાર્ડે છેલ્લો પત્ર પોતાનાં કુટુંબ અને મંગેતરને લખ્યો હતો, જેમાં લખ્યું હતું: “ઈશ્વરની શક્તિ વગર હું આ માર્ગે ચાલી શક્યો ન હોત.”
નામ: રુડોલ્ફ ઔશનર
સજાનું સ્થળ: હાલા/ઝાલા
૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૪ના રોજ ૧૭ વર્ષના રુડોલ્ફને મારી નાખવામાં આવ્યો. તેણે તેની માતાને છેલ્લો પત્ર લખ્યો, જેમાં લખ્યું હતું: “ઘણા ભાઈઓ આ માર્ગે ચાલ્યા છે, હું પણ ચાલીશ.”
a હિટલરર્સ હેન્ગમેન: ધ લાઇફ ઓફ હેડરીચ, પાન ૧૦૫.