યહોવાના સાક્ષીઓએ શા માટે પોતાની અમુક સમજણમાં ફેરફાર કર્યો છે?
અમે ફક્ત બાઇબલના શિક્ષણ પર ભરોસો કરીએ છીએ. એટલે જેમ જેમ બાઇબલ કલમોની સાફ સમજણ મળે છે, તેમ તેમ અમે અમારી સમજણમાં પણ ફેરફાર કરીએ છીએ. a
ફેરફારો વિશે નીતિવચનો ૪:૧૮માં જણાવ્યું છે: “નેક માણસનો માર્ગ સવારના પ્રકાશ જેવો છે, જે બપોર થતાં સુધી વધતો ને વધતો જાય છે.” જેમ જેમ સૂર્યનો પ્રકાશ વધતો જાય છે, તેમ તેમ આપણે બધું સાફ જોઈ શકીએ છીએ. એવી જ રીતે, ઈશ્વર યોગ્ય સમયે બાઇબલના શિક્ષણની સાફ સમજણ આપતા રહે છે. (૧ પિતર ૧:૧૦-૧૨) એ વિશે બાઇબલમાં પહેલેથી જણાવ્યું છે કે ‘અંતના સમયમાં’ ઈશ્વર બાઇબલની વધારે સમજણ આપશે.—દાનિયેલ ૧૨:૪.
અમારી કોઈ સમજણમાં ફેરફાર થાય ત્યારે અમને નવાઈ લાગતી નથી કે અમે મૂંઝાઈ જતા નથી. પહેલાંના સમયના ઈશ્વરભક્તોને પણ અમુક વાતો વિશે પૂરેપૂરી સમજણ ન હતી. તેઓએ અમુક બાબતોની ખોટી ધારણા બાંધી લીધી હતી. સમય જતાં, તેઓએ પોતાના વિચારોમાં ફેરફાર કરવાની જરૂર પડી.
મૂસાએ ઇઝરાયેલીઓને ગુલામીમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો. પણ યહોવાનો નક્કી કરેલો સમય તો હજી ૪૦ વર્ષ પછી આવવાનો હતો.—પ્રેરિતોનાં કાર્યો ૭:૨૩-૨૫, ૩૦, ૩૫.
મસીહના મરણ વિશે અને તેમને જીવતા કરવામાં આવશે એ વિશેની ભવિષ્યવાણીઓ એક સમયે પ્રેરિતો સમજી શક્યા ન હતા.—યશાયા ૫૩:૮-૧૨; માથ્થી ૧૬:૨૧-૨૩.
“યહોવાનો દિવસ” ક્યારે આવશે, એ વિશે પહેલી સદીના અમુક ખ્રિસ્તીઓને સાચી સમજણ ન હતી.—૨ થેસ્સાલોનિકીઓ ૨:૧, ૨.
પછીથી ઈશ્વરે તેઓની સમજણમાં ફેરફાર કર્યો. અમારી પ્રાર્થના છે કે ઈશ્વર અમને પણ બાઇબલની ખરી સમજણ આપતા રહે.—યાકૂબ ૧:૫.
a અમારી સમજણમાં કોઈ ફેરફાર થાય તો અમે એને બીજાઓથી છુપાવતા નથી. અરે, એ વિશે તો અમે અમારા સાહિત્યમાં જણાવીએ છીએ. દાખલા તરીકે, વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરીમાં શોધો બૉક્સમાં “સમજણમાં સુધારો” લખો અને વધારે માહિતી મેળવો.