યહોવાના સાક્ષીઓ શા માટે નાતાલ ઊજવતા નથી?
સામાન્ય ગેરસમજ
માન્યતા: યહોવાના સાક્ષીઓ નાતાલ ઊજવતા નથી, કેમ કે તેઓ ઈસુમાં માનતા નથી.
હકીકત: અમે ખ્રિસ્તી છીએ. અમે માનીએ છીએ કે ફક્ત ઈસુ ખ્રિસ્તથી જ ઉદ્ધાર છે.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૨.
માન્યતા: નાતાલ ન ઊજવવાનું શીખવીને, તમે કુટુંબમાં ભાગલા પાડો છો.
હકીકત: અમારા માટે કુટુંબ બહુ મહત્ત્વનું છે અને બાઇબલની મદદથી અમે કુટુંબમાં સંપ વધારીએ છીએ.
માન્યતા: નાતાલ વખતે ઉદારતા, પૃથ્વી પર શાંતિ અને બધાનું ભલું થાય એવું વાતાવરણ હોય છે, જેની તમે મજા માણી શકતા નથી.
હકીકત: અમે દરરોજ ઉદાર બનવાનો અને શાંતિથી રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. (નીતિવચનો ૧૧:૨૫; રોમનો ૧૨:૧૮) દાખલા તરીકે, અમારી સભાઓમાં અને પ્રચારમાં અમે ઈસુની આ સલાહ પાળીએ છીએ: “તમને મફત મળ્યું, મફત આપો.” (માથ્થી ૧૦:૮) વધુમાં, પૃથ્વી પર શાંતિ લાવવાની એકમાત્ર આશા તરીકે અમે ઈશ્વરના રાજ્ય પર ધ્યાન દોરીએ છીએ.—માથ્થી ૧૦:૭.
યહોવાના સાક્ષીઓ શા માટે નાતાલ ઊજવતા નથી?
ઈસુએ આજ્ઞા કરી હતી કે આપણે તેમનું મરણ યાદ કરીએ, જન્મ નહિ.—લુક ૨૨:૧૯, ૨૦.
ઈસુના પ્રેરિતો અને શરૂઆતના શિષ્યો નાતાલ ઊજવતા ન હતા. ન્યૂ કૅથલિક ઍન્સાઇક્લોપીડિયા જણાવે છે, “જન્મની ઉજવણી [ઈ.સ.] ૨૪૩થી પહેલાં શરૂ થઈ ન હતી.” એટલે કે, છેલ્લા પ્રેરિતના મરણની એક સદી કરતાં પણ વધારે સમય પછી એની શરૂઆત થઈ હતી.
ડિસેમ્બર ૨૫ના રોજ ઈસુનો જન્મ થયો હતો, એવો કોઈ પુરાવો નથી; તેમના જન્મની તારીખ બાઇબલમાં આપી નથી.
અમે માનીએ છીએ કે ઈશ્વર નાતાલની મંજૂરી આપતા નથી, કેમ કે એના મૂળ જૂઠા રીત-રિવાજોમાંથી આવે છે.—૨ કોરીંથી ૬:૧૭.
નાતાલ ન ઊજવીને તમે વિવાદ કેમ ઊભો કરો છો?
ઘણા જાણે છે કે નાતાલ જૂઠા ધર્મોમાંથી આવે છે અને બાઇબલ એને ટેકો આપતું નથી, છતાં નાતાલ ઊજવે છે, એવા લોકો કદાચ પૂછે: ખ્રિસ્તીઓએ શા માટે જુદા પડવું? એવો વિવાદ કેમ ઊભો કરવો?
બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે પોતે વિચારીએ, “બુદ્ધિપૂર્વક” વર્તીએ. (રોમનો ૧૨:૧, ૨) બાઇબલ આપણને ઈશ્વર વિશેના સત્યને મહત્ત્વનું ગણતા શીખવે છે. (યોહાન ૪:૨૩, ૨૪) લોકો અમારા વિશે કેવું વિચારે છે એ જાણવું અમને ગમે છે. પણ, બાઇબલના સિદ્ધાંતોને વળગી રહેવું અમારા માટે મહત્ત્વનું છે, ભલેને એમ કરવાથી અમે જુદા પડીએ.
ખરું કે, અમે નાતાલ ઊજવતા નથી, તેમ છતાં આ બાબતે બીજા લોકોએ પોતાના માટે કરેલા નિર્ણયને અમે માન આપીએ છીએ. બીજા લોકો નાતાલની ઉજવણી કરે તો, એમાં અમે માથું મારતા નથી.