શું યહોવાના સાક્ષીઓનું સંગઠન એક પંથ છે?
ના, અમારું સંગઠન કોઈ પંથ નથી. અમે ખ્રિસ્તીઓ છીએ. અમે ઈસુના ઉદાહરણ પ્રમાણે અને તેમણે આપેલા શિક્ષણ પ્રમાણે જીવવાની પૂરી કોશિશ કરીએ છીએ.
પંથ કોને કહેવાય?
“પંથ”નો અર્થ દરેક લોકો માટે અલગ અલગ હોય શકે. ચાલો, આપણે પંથ વિશે બે મુદ્દાનો વિચાર કરીએ અને જોઈએ કે એ મુદ્દા કેમ અમને લાગુ નથી પડતા.
અમુકને લાગે છે કે પંથ એટલે નવો અથવા અલગ ધર્મ. યહોવાના સાક્ષીઓએ કોઈ નવો ધર્મ ઊભો કર્યો નથી. બાઇબલમાં પહેલી સદીના ખ્રિસ્તીઓ વિશે લખવામાં આવ્યું છે. ભક્તિમાં અમે તેઓના દાખલાને અનુસરીએ છીએ. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) અમે માનીએ છીએ કે પવિત્ર શાસ્ત્ર પ્રમાણે જ ભક્તિ કરવી જોઈએ, નહિ કે માણસોના વિચારો પ્રમાણે.
કેટલાક વિચારે છે કે પંથ એટલે ખતરનાક ધાર્મિક સંપ્રદાય, જેનો આગેવાન કોઈ માણસ હોય છે. યહોવાના સાક્ષીઓ કોઈ વ્યક્તિને નહિ, પણ ઈસુને આગેવાન માને છે. એ વિશે ઈસુએ પોતાના શિષ્યો માટે નક્કી કરેલા ધોરણને તેઓ વળગી રહે છે. તેમણે કહ્યું: ‘એક ખ્રિસ્ત, તે તમારા આગેવાન છે.’—માથ્થી ૨૩:૧૦.
યહોવાના સાક્ષીઓનું સંગઠન ખતરનાક ધાર્મિક સંપ્રદાય નથી. પણ, અમે તો સમાજ અને લોકો માટે ફાયદારૂપ છીએ. દાખલા તરીકે, અમારા સેવાકાર્યને લીધે ઘણા લોકો નશીલા દ્રવ્ય અને દારૂના ખતરનાક વ્યસનથી છુટકારો મેળવી શક્યા છે. વધુમાં, દુનિયાભરમાં અમે સાક્ષરતાના વર્ગ ચલાવીએ છીએ, જેનાથી હજારો લોકો વાંચતા-લખતા શીખ્યા છે. આફતના સમયે અમે ઘણા રાહતકાર્ય પણ કરીએ છીએ. ઈસુએ પોતાના શિષ્યોને આપેલી આજ્ઞા પ્રમાણે બીજાઓને મદદ કરવા અમે ઘણી મહેનત કરીએ છીએ.—માથ્થી ૫:૧૩-૧૬.