સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ તેર

ઈશ્વરને નારાજ કરતી ઉજવણીઓ

ઈશ્વરને નારાજ કરતી ઉજવણીઓ

‘ઈશ્વરને પસંદ પડતું શું છે, તે પારખી લો.’—એફેસી ૫:૧૦.

૧. કેવા લોકોને યહોવા પોતાની પાસે લઈ આવે છે? તેઓએ કેમ પારખતા રહેવાની જરૂર છે કે ઈશ્વરને શું પસંદ છે?

ઈસુએ કહ્યું હતું કે ‘ખરા ભજનારા પવિત્ર શક્તિથી અને સત્યતાથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને’ ઈશ્વર શોધે છે. (યોહાન ૪:૨૩) જ્યારે સત્ય ચાહનારા લોકો મળે છે, ત્યારે તેઓને યહોવા પોતાની પાસે અને ઈસુની પાસે લઈ આવે છે. તમે પણ તેઓમાંના એક છો. (યોહાન ૬:૪૪) યહોવાની નજીક રહેવું કેવો અનમોલ લહાવો છે! પરંતુ, બાઇબલનું સત્ય ચાહનારાઓએ ‘ઈશ્વરને પસંદ પડતું શું છે, તે પારખતા’ રહેવાની જરૂર છે. શા માટે? કેમ કે શેતાન આખી દુનિયાને છેતરવામાં ઉસ્તાદ છે.—એફેસી ૫:૧૦; પ્રકટીકરણ ૧૨:૯.

૨. સાચી ભક્તિમાં જૂઠા ધર્મની ભેળસેળ કરનારા વિષે યહોવાને કેવું લાગે છે?

બાઇબલના એક બનાવનો વિચાર કરો. ઇઝરાયલીઓ સિનાઈ પર્વત પાસે હતા, ત્યારે તેઓએ પોતાના માટે દેવની મૂર્તિ બનાવવા હારુનને કહ્યું. હારુને તેઓના દબાણમાં આવીને સોનાનું એક વાછરડું બનાવ્યું. પછી તેમણે લોકોને જણાવ્યું કે “કાલે યહોવાને માટે પર્વ પાળવામાં આવશે.” તે એમ કહેવા માગતા હતા કે એ વાછરડું યહોવાને દર્શાવે છે. હકીકતમાં, એ તો યહોવાની ભક્તિમાં જૂઠા ધર્મની ભેળસેળ હતી! શું યહોવાએ એ ચલાવી લીધું? જરાય નહિ. તેમણે મૂર્તિપૂજા કરનારા ત્રણેક હજાર લોકોને મોતની સજા કરી. (નિર્ગમન ૩૨:૧-૬, ૧૦, ૨૮) આપણે એમાંથી શું શીખીએ છીએ? જો આપણે યહોવાના પ્રેમની છાયામાં રહેવું હોય, તો ‘કોઈ પણ અશુદ્ધ વસ્તુથી’ દૂર રહેવું જોઈએ. યહોવાની ભક્તિમાં કોઈ પણ રીતે જૂઠા ધર્મની ભેળસેળ ન થઈ જાય એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ.—યશાયા ૫૨:૧૧; હઝકિયેલ ૪૪:૨૩; ગલાતી ૫:૯.

૩, ૪. જાણીતા રીતરિવાજો અને તહેવારો વિષે વિચારીએ તેમ, શા માટે આપણે બાઇબલ સિદ્ધાંતોને ધ્યાન આપવું જોઈએ?

પહેલી સદીમાં ઈસુના શિષ્યોએ ખ્રિસ્તી ધર્મને ભ્રષ્ટ થવા દીધો ન હતો. પણ દુઃખની વાત છે કે પ્રેરિતોના મરણ પછી, બાઇબલના શિક્ષણને વળગી ન રહેનારા ખ્રિસ્તીઓ જૂઠા ધર્મોની માન્યતાઓ અપનાવવા લાગ્યા. તેઓએ જૂઠા ધર્મોના તહેવારો, ઉજવણીઓ અને રીતરિવાજોને ખ્રિસ્તી ધર્મનું મહોરું પહેરાવી દીધું. (૨ થેસ્સાલોનિકી ૨:૭, ૧૦) હવે આપણે એમાંના અમુક તહેવારો કે ઉજવણીઓની ચર્ચા કરીશું, જેમાં દુનિયાનું વલણ જોવા મળે છે. તમે જોઈ શકશો કે યહોવા એને માન્ય કરતા નથી. દુનિયાના ઉત્સવોમાં એક બાબત સામાન્ય છે: એ હંમેશાં આપણને ગમી જાય એવા હોય છે. બીજું કે એ ખોટી ધાર્મિક માન્યતાઓ અને મેલી વિદ્યા ફેલાવે છે, જે ‘મહાન બાબેલોન’ની નિશાની છે. * (પ્રકટીકરણ ૧૮:૨-૪, ૨૩) એ પણ યાદ રાખીએ કે યહોવાને એવી માન્યતાઓથી સખત નફરત છે. તે જાણે છે કે એની શરૂઆત ક્યાંથી થઈ હતી. જૂઠી માન્યતાઓમાંથી નીકળી આવેલા આજના જાણીતા તહેવારોને પણ યહોવા ધિક્કારે છે. શું આપણને પણ એવું જ ન લાગવું જોઈએ?—૨ યોહાન ૬, ૭.

સાચા ખ્રિસ્તીઓ તરીકે આપણે જાણીએ છીએ કે યહોવાને કયા તહેવારો પસંદ નથી. એટલું જ નહિ, આપણે એવા તહેવારોમાં કોઈ પણ રીતે ભાગ ન લેવા મનમાં ગાંઠ વાળવાની જરૂર છે. એટલે ચાલો જોઈએ કે શા માટે એવા તહેવારોથી યહોવાને સખત નફરત છે. એ જાણ્યા પછી આપણે યહોવાની કૃપા ગુમાવી બેસીએ એવું કંઈ પણ નહિ કરીએ.

સૂર્ય-પૂજા બની નાતાલ

૫. આપણે શાના પરથી કહી શકીએ કે ઈસુનો જન્મ ૨૫મી ડિસેમ્બરે થયો ન હતો?

ઈસુના જન્મદિવસની ઉજવણી વિષે બાઇબલમાં કોઈ ઉલ્લેખ નથી. હકીકતમાં તેમના જન્મની ચોક્કસ તારીખ વિષે કોઈ જાણતું નથી. જોકે, આપણે એ તો ચોક્કસ કહી શકીએ કે ઈસુનો જન્મ ૨૫મી ડિસેમ્બરે થયો ન હતો. * ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો હતો, જ્યાં ડિસેમ્બરમાં કાતિલ ઠંડી પડતી હોય છે. પરંતુ, લૂકના જણાવ્યા પ્રમાણે ઈસુના જન્મ વખતે “ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને” ઘેટાં સાચવતા હતા. (લૂક ૨:૮-૧૧) જો ઘેટાંપાળકો બારેય મહિના “ખેતરમાં રહીને” પોતાનાં ઘેટાં સાચવતા હોત, તો લૂકે એ વિષે ખાસ જણાવવાની જરૂર પડી ન હોત. પણ બેથલેહેમમાં તો શિયાળામાં સખત વરસાદ અને બરફ પડે છે. એટલે એ મહિનાઓમાં ઘેટાંપાળકો “ખેતરમાં” રહેતા નહિ કે પોતાનાં ઘેટાંને પણ બહાર ખુલ્લામાં રાખતા નહિ. તેમ જ, એ વખતે રોમના સમ્રાટ ઑગસ્તસે વસ્તી ગણતરી કરવાનો હુકમ કર્યો હતો. એટલે યૂસફ અને મરિયમ બેથલેહેમમાં નામ નોંધાવવા માટે ગયા હતા. (લૂક ૨:૧-૭) લોકોને રોમન રાજથી નફરત હતી. એટલે ઑગસ્તસ તેઓને બાપદાદાના વતનમાં નામ નોંધાવવા કડકડતી ઠંડીમાં મુસાફરી કરવાનું કહે, એવું તો ભાગ્યે જ બને.

૬, ૭. (ક) નાતાલને લગતા ઘણા રીતરિવાજોનાં મૂળ શેમાં છે? (ખ) યહોવાના ભક્તોમાં અપાતી ભેટો અને નાતાલમાં અપાતી ભેટો વચ્ચે કેવો ફરક છે?

નાતાલનાં મૂળ બાઇબલમાં નહિ, પણ જૂના જમાનાના બીજા ધર્મોના તહેવારોમાં મળી આવે છે. જેમ કે, પ્રાચીન રોમન ઉત્સવ સેટર્નેલિયા. એ ઉત્સવ રોમન લોકોના ખેતીવાડીના દેવ સેટર્નના માનમાં ઊજવાતો હતો. એ જ રીતે, ન્યૂ કૅથલિક એન્સાઇક્લોપીડિયા જણાવે છે કે મિથ્રા નામના દેવના ભક્તો પોતાની માન્યતા પ્રમાણે ૨૫મી ડિસેમ્બરને “અજેય સૂર્યના જન્મદિન” તરીકે ઊજવતા. “રોમમાં સૂર્ય-પૂજાનો ઉત્સવ જોરશોરથી ઊજવાતો હતો, એવા સમયે નાતાલની શરૂઆત થઈ.” આમ, ઈસુના મરણના લગભગ ૩૦૦ વર્ષો પછી નાતાલ ઊજવવાની શરૂઆત થઈ.

યહોવાના ભક્તો પ્રેમને લીધે ભેટ આપે છે

એ બધી ઉજવણીઓમાં લોકો મિજબાનીઓ કરતા અને એકબીજાને ભેટ-સોગાદો આપતા. આજે નાતાલના તહેવારમાં પણ એ રિવાજ ઊતરી આવ્યો છે. જોકે, આજની જેમ રોમન સમયમાં પણ નાતાલ વખતે, બીજો કરિંથી ૯:૭ પ્રમાણે ભેટો આપવામાં આવતી ન હતી. એ કલમ કહે છે: “જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું. ખેદથી નહિ કે, ફરજિયાત નહિ. કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.” સાચા ખ્રિસ્તીઓ એકબીજા પર પ્રેમ હોવાને લીધે ભેટ આપે છે. તેઓ કોઈ એક જ તારીખે ભેટ આપતા નથી અને બદલામાં ભેટની આશા પણ રાખતા નથી. (લૂક ૧૪:૧૨-૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) તેઓ દર વર્ષે નાતાલના સમયે ભેટ આપવાના દબાણમાં આવતા નથી. આમ, તેઓ દેવામાં પડતા નથી. એ માટે તેઓ ઈશ્વરનો ઉપકાર માને છે.—માથ્થી ૧૧:૨૮-૩૦; યોહાન ૮:૩૨.

૮. શું જ્યોતિષીઓએ ઈસુને જન્મદિવસની ભેટો આપી હતી? સમજાવો.

અમુક લોકો કહેશે કે શું માગીઓએ (જ્યોતિષીઓ) ઈસુને જન્મદિવસની ભેટો આપી ન હતી? ના, એ જન્મદિવસની ભેટો ન હતી. તેઓએ તો એ જમાનાના જાણીતા રિવાજ પ્રમાણે, ઈસુને માન બતાવવા ભેટો આપી હતી. એ સમયે કોઈ જાણીતી વ્યક્તિને માન બતાવવા ભેટ આપવાનો રિવાજ હતો. (૧ રાજાઓ ૧૦:૧, ૨, ૧૦, ૧૩; માથ્થી ૨:૨, ૧૧) જ્યોતિષીઓ તો ઈસુનો જન્મ થયો એ રાત્રે આવ્યા પણ ન હતા. જ્યારે તેઓ આવ્યા ત્યારે ઈસુ ગભાણમાં સૂતેલું નાનું બાળક નહિ, પણ હરતું-ફરતું બાળક હતા. તેમનું કુટુંબ ગભાણમાં નહિ, પણ ઘરમાં રહેતું હતું.

જન્મદિવસ વિષે બાઇબલ શું કહે છે?

૯. બાઇબલમાં જણાવેલા જન્મદિવસના પ્રસંગોએ શું બન્યું હતું?

ખરું કે બાળકનો જન્મ હંમેશાં ખુશીનો પ્રસંગ હોય છે. છતાં, કોઈ ઈશ્વરભક્તે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હોય એવો કોઈ ઉલ્લેખ બાઇબલ કરતું નથી. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) શું બાઇબલના લેખકો એનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયા હતા? ના, તેઓએ જન્મદિવસની ઉજવણીના બે પ્રસંગો જરૂર નોંધ્યા છે. એક મિસરના રાજાનો અને બીજો હેરોદ અંતિપાસનો. (ઉત્પત્તિ ૪૦:૨૦-૨૨; માર્ક ૬:૨૧-૨૯) જોકે આ બંને પ્રસંગો કરુણ બનાવો સાથે જોડાયેલા હતા. મિસરના રાજાના જન્મદિવસે તેના એક ચાકરને ફાંસી આપવામાં આવી હતી. એવું જ હેરોદના જન્મદિવસે થયું હતું. હેરોદે યોહાન બાપ્તિસ્મા આપનારનું માથું કપાવી નાખ્યું હતું.

૧૦, ૧૧. શરૂઆતના ખ્રિસ્તીઓ જન્મદિવસની ઉજવણીને કેવી ગણતા? શા માટે?

૧૦ ધ વર્લ્ડ બુક એન્સાઇક્લોપીડિયા પ્રમાણે, “કોઈનો જન્મદિવસ ઊજવવાને શરૂઆતના ખ્રિસ્તીઓ જૂઠા ધર્મનો રિવાજ ગણતા હતા.” દાખલા તરીકે, પ્રાચીન ગ્રીક લોકો માનતા કે દરેક વ્યક્તિના જન્મ વખતે એનું રક્ષણ કરનાર દૂત ત્યાં હાજર રહેતો, જે પછી જીવનભર એ વ્યક્તિની રક્ષા કરતો. એ દૂતનો “એવા દેવ સાથે રહસ્યમય સંબંધ હતો, જેના જન્મદિવસે આ વ્યક્તિનો જન્મ થયો હોય છે.” એવું જન્મદિવસની પૌરાણિક માન્યતા (અંગ્રેજી) પુસ્તક કહે છે. જન્મદિવસની ઉજવણી લાંબા સમયથી જન્મકુંડલી અને જ્યોતિષશાસ્ત્ર સાથે પણ ગાઢપણે જોડાયેલી છે.

૧૧ આમ, જન્મદિવસની ઉજવણીનાં મૂળ, જૂઠા ધર્મો અને મેલી વિદ્યામાં હોવાથી શરૂઆતના ખ્રિસ્તીઓ એ ઊજવતા ન હતા. તેઓ જન્મ અને જીવન વિષે જે માનતા હતા એને લીધે પણ જન્મદિવસ ઊજવતા ન હતા. એ ઈશ્વરભક્તો એકદમ નમ્ર હતા. તેઓ પોતાના જન્મને એટલો મહત્ત્વનો ગણતા ન હતા કે એને ઊજવવામાં આવે. * (મીખાહ ૬:૮; લૂક ૯:૪૮) એના બદલે, તેઓ યહોવાનું નામ મોટું મનાવતા અને જીવનની અનમોલ ભેટ માટે તેમનો ઉપકાર માનતા. *ગીતશાસ્ત્ર ૮:૩, ૪; ૩૬:૯; પ્રકટીકરણ ૪:૧૧.

૧૨. આપણો મરણ દિવસ કયા અર્થમાં જન્મદિવસ કરતાં સારો બની શકે?

૧૨ સભાશિક્ષક ૭:૧ કહે છે કે “મૂલ્યવાન અત્તર કરતાં આબરૂદાર નામ સારું, અને જન્મના દિવસ કરતાં મરણનો દિવસ સારો.” અહીં “નામ” શાને બતાવે છે? “નામ” એટલે લાંબો સમય યહોવાની ભક્તિમાં વફાદાર રહીને ઊભી કરેલી શાખ. આ રીતે સારું નામ બનાવીને કોઈ ઈશ્વરભક્ત ગુજરી જાય તો, તેમને યહોવા યાદ રાખે છે અને ભાવિમાં જરૂર સજીવન કરશે. (અયૂબ ૧૪:૧૪, ૧૫) એ પણ નોંધ કરો કે બાઇબલ ફક્ત એક જ પ્રસંગ ઊજવવાની ખ્રિસ્તીઓને આજ્ઞા આપે છે. આ પ્રસંગ જન્મ સાથે નહિ, પણ મરણ સાથે જોડાયેલો છે. એ છે ઈસુનો મરણ દિવસ. તેમણે ઈશ્વરની નજરમાં સૌથી સારું “નામ” બનાવ્યું છે. એ નામ દ્વારા જ આપણો ઉદ્ધાર થાય છે.—લૂક ૨૨:૧૭-૨૦; હિબ્રૂ ૧:૩, ૪.

ઈસ્ટરના નામે પ્રજનન-શક્તિની પૂજા

૧૩, ૧૪. ઈસ્ટર સાથે જોડાયેલા જાણીતા રીતરિવાજો ક્યાંથી ઊતરી આવ્યા છે?

૧૩ એવું કહેવાય છે કે ઈસુ સજીવન થયા એની ખુશીમાં ઈસ્ટરનો તહેવાર ઊજવવામાં આવે છે. હકીકતમાં ઈસ્ટરની શરૂઆત જૂઠા ધર્મમાંથી થઈ છે. ઈસ્ટર નામ ઈઓસ્ટ્રે અથવા ઓસ્ટારા નામની પશ્ચિમ યુરોપની દેવીના નામ પરથી ઊતરી આવ્યું છે. આ દેવીને લોકો પ્રભાત અને વસંતની દેવી માનતા. ઈસ્ટર સાથે ઈંડાં અને સસલાંને શું સંબંધ છે? એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા પ્રમાણે, ઈંડાંને “નવું જીવન અને સજીવન થવાના ખાસ પ્રતીક ગણવામાં આવે છે.” લાંબા સમયથી સસલાં પ્રજનન-શક્તિના પ્રતીક ગણાતાં આવ્યાં છે. એટલે ઈસુના સજીવન થવાને નામે ઊજવાતો ઈસ્ટર તહેવાર પ્રજનન-શક્તિને લગતી વિધિને દર્શાવે છે. *

૧૪ આપણે જોયું તેમ, ઈસુના સજીવન થવાને નામે પ્રજનન-શક્તિને લગતી ધિક્કારપાત્ર વિધિ મનાવવામાં આવે છે. શું યહોવા એને ચલાવી લે છે? જરાય નહિ! (૨ કરિંથી ૬:૧૭, ૧૮) ઈસુના સજીવન થવાની યાદમાં બાઇબલ કોઈ તહેવાર ઊજવવાની આજ્ઞા કરતું નથી. એની રજા પણ આપતું નથી. એટલે જો આપણે ઈસ્ટરના નામે કોઈ તહેવાર ઊજવીશું તો યહોવાને બેવફા બનીશું.

નવું વર્ષ ઊજવવાની શરૂઆત ક્યાંથી થઈ?

૧૫. નવા વર્ષની ઉજવણીમાં ઈશ્વરભક્તો કેમ ભાગ લેતા નથી?

૧૫ નવા વર્ષની શરૂઆત જૂઠા રીતરિવાજોમાંથી ઊતરી આવી છે. બધા દેશો જુદી જુદી તારીખે પોતાના રિવાજો મુજબ નવું વર્ષ ઊજવે છે. * પરંપરા, પૌરાણિક કથા અને દંતકથાને લગતો એક અંગ્રેજી શબ્દકોશ આમ જણાવે છે: ‘ઘણા પશ્ચિમી દેશોમાં લોકો જૂના વર્ષને વિદાય આપીને, નવા વર્ષનું સ્વાગત કરવા નાચગાન અને શરાબની મહેફિલો યોજે છે અને લંપટ કામોમાં ડૂબી જાય છે.’ એ જ શબ્દકોશ પશ્ચિમ સિવાયના દેશો વિષે કહે છે કે ત્યાંના લોકો પણ ‘જૂના વર્ષના અંત અને નવા વર્ષની શરૂઆતના દિવસને ફક્ત મોજમજાનો અવસર ગણે છે.’ પરંતુ, રોમનો ૧૩:૧૩ આ સલાહ આપે છે: ‘દિવસે શોભે એમ આપણે શોભતી રીતે વર્તીએ. મોજશોખમાં અને નશામાં નહિ, વિષયભોગમાં અને લંપટપણામાં નહિ, ઝઘડામાં અને અદેખાઈમાં નહિ.’—૧ પિતર ૪:૩, ૪; ગલાતી ૫:૧૯-૨૧.

તમારા લગ્નપ્રસંગને કોઈ ડાઘ લાગવા ન દો

૧૬, ૧૭. (ક) લગ્ન કરનાર યુવક-યુવતીએ શા માટે બાઇબલના સિદ્ધાંતોને આધારે અમુક રીતરિવાજોની અગાઉથી તપાસ કરી લેવી જોઈએ? (ખ) ચોખા કે એના જેવી કોઈ વસ્તુ નાખવાના રિવાજ વિષે શું ધ્યાનમાં લેવું જોઈએ?

૧૬ થોડા જ સમયમાં, મહાન બાબેલોનમાં “વરકન્યાના વરઘોડાનો અવાજ ફરી સંભળાશે નહિ!” (પ્રકટીકરણ ૧૮:૨૩) શા માટે? કારણ, મહાન બાબેલોન મેલી વિદ્યાને ઉત્તેજન આપે છે. એના રીતરિવાજો લગ્નના પવિત્ર બંધનને પહેલા દિવસથી જ અશુદ્ધ કરી શકે છે.—માર્ક ૧૦:૬-૯.

૧૭ દરેક દેશમાં લગ્ન માટે જુદા જુદા રીતરિવાજો હોય છે. એમાંના અમુક રિવાજોમાં કંઈ ખોટું ન લાગતું હોય, પણ એનાં મૂળ બાબેલોનની જૂઠી માન્યતાઓમાં હોઈ શકે. જેમ કે, લોકો માને છે કે અમુક રિવાજ પાળવાથી નવદંપતિ કે તેઓના મહેમાનોનું ભાગ્ય ખૂલી જાય છે. (યશાયા ૬૫:૧૧) એમાંના એક રિવાજમાં વર-કન્યા પર ચોખા અથવા એના જેવી બીજી વસ્તુઓ નાખવામાં આવે છે. આ રિવાજના મૂળમાં કદાચ એવી માન્યતા છે કે ખોરાકથી દુષ્ટ આત્માઓ ખુશ થાય છે અને વર-કન્યાને કોઈ નુકસાન કરતા નથી. એ ઉપરાંત, લોકો એવું માને છે કે ચોખામાં એવી જાદુઈ શક્તિ છે, જેનાથી બાળકો પેદા થાય, સુખ મળે અને આયુષ્ય વધે. જેઓ ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા ચાહે છે, તેઓ કદી પણ આવા ભ્રષ્ટ રિવાજોમાં ભાગ નહિ લે.—૨ કરિંથી ૬:૧૪-૧૮.

૧૮. લગ્નની ગોઠવણ કરતા વર-કન્યાને અને આમંત્રિત મહેમાનોને કયા બાઇબલ સિદ્ધાંતો માર્ગદર્શન આપી શકે?

૧૮ યહોવાના ભક્તો દુનિયાના એવા રીતરિવાજોથી પણ દૂર રહે છે, જેનાથી તેઓના લગ્ન-પ્રસંગ કે લગ્ન રિસેપ્શનનું અપમાન થાય. એવા રીતરિવાજોથી કોઈને ઠોકર લાગી શકે. દાખલા તરીકે, તેઓ લગ્નની ટૉકમાં હસી-મજાકમાં કોઈના પર કટાક્ષ કરતા નથી. જાતીય વિષય પર બેવડો અર્થ ધરાવતી રમૂજ પણ કરતા નથી. તેમ જ, એવી કોઈ મજાક-મસ્તી કરતા નથી, જેનાથી વર-કન્યા અને બીજાઓ શરમમાં મૂકાઈ જાય. (નીતિવચનો ૨૬:૧૮, ૧૯; લૂક ૬:૩૧; ૧૦:૨૭) તેઓ ભપકાદાર રિસેપ્શન કે પાર્ટી પણ રાખતા નથી. એ તો “જીવનનો અહંકાર” કે સંપત્તિનો દેખાડો છે. (૧ યોહાન ૨:૧૬) જો તમે લગ્નની ગોઠવણ કરતા હોય, તો યાદ રાખો કે યહોવા શું ચાહે છે. તે ચાહે છે કે તમે લગ્ન પછી જ્યારે પણ એ દિવસ યાદ કરો ત્યારે તમને ખુશી થાય, અફસોસ નહિ. *

કોઈનું ભલું ચાહવા માટે શરાબ પીવાનો રિવાજ

૧૯, ૨૦. કોઈનું ભલું ચાહવા માટે શરાબ પીવાના રિવાજની શરૂઆત વિષે એક પુસ્તક શું કહે છે? યહોવાના ભક્તો કેમ એ રિવાજ પાળતા નથી?

૧૯ અમુક દેશોમાં લગ્ન અને બીજા સામાજિક પ્રસંગોએ લોકો કોઈનું ભલું ચાહવા માટે, શરાબ પીતા પહેલાં ગ્લાસ સહેજ ઊંચો કરે છે. અથવા પોતાના ગ્લાસ બીજાના ગ્લાસ સાથે ટકરાવીને ‘ચીઅર્સ’ કહેતા હોય છે. આ રિવાજ વિષે ૧૯૯૫નું શરાબ અને સમાજ વિષેનું આંતરરાષ્ટ્રીય પુસ્તક (અંગ્રેજી) કહે છે: ‘પહેલાંના સમયમાં લોકો દેવદેવીઓને પવિત્ર પીણું ધરતા. પછી બદલામાં તેઓ પાસેથી લાંબા જીવનનો કે સલામતીનો આશીર્વાદ માંગતા. કદાચ એના પરથી આજે શરાબ પીતા પહેલાં, કોઈની સલામતી માટે ગ્લાસને સહેજ ઊંચો કરવાનો રિવાજ આવ્યો છે.’

૨૦ ખરું કે આજે ઘણા લોકો એ રિવાજને કોઈ ધર્મ કે અંધશ્રદ્ધા સાથે નહિ જોડે. તોપણ, શરાબનો જામ ટકરાવવો કે સહેજ ઊંચો કરવો, એ રીતે જોવામાં આવી શકે કે ‘આકાશ’ની કોઈ દૈવી શક્તિ તરફથી આશીર્વાદ માંગવામાં આવે છે. આ તો બાઇબલના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.—યોહાન ૧૪:૬; ૧૬:૨૩. *

“હે યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો”

૨૧. એવા કયા ઉત્સવો છે જે ધાર્મિક ન હોય તોપણ આપણે એનાથી દૂર રહીએ છીએ? શા માટે?

૨૧ દુનિયાના ધોરણો દિવસે દિવસે બગડી રહ્યા છે. દાખલા તરીકે, અમુક દેશો દર વર્ષે એવા “કાર્નિવલ” ઉત્સવો રાખે છે, જે એક યા બીજી રીતે મહાન બાબેલોનના રંગે રંગાયેલા હોય છે. એવા ઉત્સવોમાં લાજશરમ વગરના અશ્લીલ નાચગાન થતા હોય છે. વળી, પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રી વચ્ચેના સજાતીય સંબંધોની જીવનઢબને પ્રોત્સાહન આપવામાં આવે છે. “યહોવા પર પ્રેમ કરનારાઓ” માટે આવા ઉત્સવોમાં જોડાવું શું યોગ્ય કહેવાશે? જો તેઓ એમાં જોડાય કે એને જુએ, તો શું ખરાબ બાબતોને સાચે જ નફરત કરે છે? (ગીતશાસ્ત્ર ૧:૧, ૨; ૯૭:૧૦) એક ઈશ્વરભક્તે પ્રાર્થના કરી હતી કે નકામી બાબતોથી “મારી દૃષ્ટિ ફેરવો.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭) આપણે પણ તેમના જેવું વલણ કેળવીએ તો કેવું સારું!

૨૨. કેવા ઉત્સવ વિષે તમારે જાતે નક્કી કરવાનું છે કે એમાં ભાગ લેશો કે નહિ?

૨૨ દુનિયાના તહેવારો અને ઉત્સવોના દિવસે બહુ જ સાવધ રહેવાની જરૂર છે. આપણાં વાણી-વર્તનથી કોઈને એવું ન લાગવું જોઈએ કે આપણે એમાં કોઈ પણ રીતે જોડાઈએ છીએ. પાઉલે લખ્યું કે “તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.” (૧ કરિંથી ૧૦:૩૧; “ સમજી-વિચારીને નિર્ણય લઈએ” બૉક્સ જુઓ.) માનો કે કોઈ રીતરિવાજ કે ઉત્સવ જૂઠા ધર્મ સાથે જોડાયેલો નથી; રાજનીતિ કે દેશભક્તિની સાથે એને કોઈ લેવાદેવા નથી; એનાથી બાઇબલના કોઈ સિદ્ધાંતો પણ તૂટતા નથી. શું આવા રીતરિવાજો કે ઉત્સવોમાં ભાગ લઈ શકાય? એવા કિસ્સાઓમાં યહોવાના ભક્તે જાતે નિર્ણય લેવાનો છે કે એમાં ભાગ લેશે કે નહિ. સાથે સાથે તે બીજાઓનો પણ વિચાર કરશે, જેથી પોતાનાં વાણી-વર્તનથી કોઈને ઠોકર ન લાગે.

જે કંઈ કહીએ કે કરીએ, ઈશ્વરનું નામ મોટું મનાવીએ

૨૩, ૨૪. યહોવાનાં ધોરણો વિષે સારી રીતે સમજાવવા આપણે શું કરી શકીએ?

૨૩ ઘણા લોકો માને છે કે અમુક જાણીતા તહેવારો, કુટુંબ અને મિત્રો સાથે ભેગા મળવાનો એક સારો મોકો છે. આપણે એવા પ્રસંગે જોડાતા નથી, એટલે તેઓ માની લે છે કે શાસ્ત્રને આધારે લીધેલો આપણો નિર્ણય બહુ કઠોર છે. તેઓને એમ પણ લાગી શકે કે સગાં અને મિત્રો માટે આપણને કોઈ લાગણી નથી. એવા કિસ્સામાં આપણે પ્રેમથી સમજાવી શકીએ કે યહોવાના ભક્તોને પણ કુટુંબ અને મિત્રો સાથે ભેગા મળવાનું ગમે છે. (નીતિવચનો ૧૧:૨૫; સભાશિક્ષક ૩:૧૨, ૧૩; ૨ કરિંથી ૯:૭) આપણે કુટુંબ અને મિત્રો સાથે વર્ષમાં કોઈ પણ સમયે ભેગા થઈને મોજમજા કરીએ છીએ. પરંતુ, યહોવા અને તેમનાં ધોરણોને ખૂબ ચાહતા હોવાથી, એવા પ્રસંગને કોઈ પણ રીતે જૂઠા રીતરિવાજનો ડાઘ લાગવા દેતા નથી. એવા રીતરિવાજથી તો યહોવા નારાજ થાય.—“ સાચી ભક્તિમાં સૌથી વધારે ખુશી મળે છે” બૉક્સ જુઓ.

૨૪ આ વિષય પર સાચે જ જાણવા માંગનારને યહોવાના સાક્ષીઓ સારી રીતે સમજાવી શક્યા છે. પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પ્રકરણ ૧૬ની માહિતી તેઓને મદદરૂપ થઈ છે. જોકે, આપણો ધ્યેય એ નથી કે તેઓને ખોટા સાબિત કરીએ. આપણે તો ચાહીએ છીએ કે એક દિવસ તેઓ પણ યહોવા વિષે શીખવા લાગે. એટલે તેઓને માનથી અને શાંતિથી સમજાવીએ. ધ્યાન રાખીએ કે ‘આપણું બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય.’—કલોસી ૪:૬.

૨૫, ૨૬. બાળકોમાં યહોવા માટે શ્રદ્ધા અને પ્રેમ વધારવા માબાપ શું કરી શકે?

૨૫ યહોવાના ભક્તો તરીકે આપણે પોતાની માન્યતાઓ વિષે સારી રીતે જાણકાર છીએ. આપણે જાણીએ છીએ કે શા માટે અમુક રીતરિવાજો માનીએ છીએ, જ્યારે કે બીજા રિવાજોથી દૂર રહીએ છીએ. (હિબ્રૂ ૫:૧૪) માબાપો, તમે તમારાં બાળકોને બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે નિર્ણય લેતા શીખવો. આમ કરીને તમે તેઓની શ્રદ્ધા દૃઢ કરો છો. એટલું જ નહિ, અમુક માન્યતા વિષે કોઈ પૂછે તો બાઇબલમાંથી જવાબ આપવા તેઓને તૈયાર કરો છો. તેમ જ, તમે બાળકોને બતાવો છો કે યહોવા તેઓને કેટલા ચાહે છે!—યશાયા ૪૮:૧૭, ૧૮; ૧ પિતર ૩:૧૫.

૨૬ જેઓ ‘પવિત્ર શક્તિથી અને સત્યતાથી’ યહોવાને ભજે છે, તેઓ બાઇબલ વિરુદ્ધ લઈ જતા કોઈ પણ તહેવાર કે ઉત્સવમાં ભાગ લેતા નથી. એટલું જ નહિ, તેઓ જીવનનાં દરેક પાસામાં પ્રમાણિક રહેવા સખત પ્રયત્ન કરે છે. ઘણાને લાગે છે કે આજે પ્રમાણિક રહેવાનો કોઈ ફાયદો નથી. પણ હવે પછીના પ્રકરણમાં જોઈશું તેમ, પ્રમાણિક રહીને યહોવાના માર્ગે ચાલવામાં આપણું જ ભલું છે.

^ ફકરો. 5 બાઇબલ ગણતરી અને દુનિયાના ઇતિહાસ પ્રમાણે, ઈસુનો જન્મ આશરે ઈસવીસન પૂર્વે ૨માં યહુદી કેલેન્ડરના એથાનીમ મહિનામાં થયો હતો. એ મહિનો આપણા કેલેન્ડર પ્રમાણે સપ્ટેમ્બર/ઑક્ટોબરમાં આવે છે.—ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ, ગ્રંથ ૨, પાન ૫૬-૫૭ અને પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક પાન ૨૨૦-૨૨૨ જુઓ. આ પુસ્તકો યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યાં છે.

^ ફકરો. 11 બાળકને જન્મ આપ્યા પછી, સ્ત્રીઓએ નિયમકરાર પ્રમાણે ઈશ્વરને પાપનું અર્પણ ચડાવવું પડતું. (લેવીય ૧૨:૧-૮) એ અર્પણ આ કડવી હકીકત યાદ અપાવતું કે મનુષ્ય પોતાનાં બાળકોને પાપનો વારસો આપે છે. આ નિયમ ઇઝરાયલી લોકોને બાળકના જન્મદિવસ વિષે કોઈ ખોટી માન્યતા ન સ્વીકારવા પણ મદદ કરતો. તેમ જ, એનાથી તેઓને જન્મદિવસને લગતા ખોટા રિવાજોથી દૂર રહેવા મદદ મળતી.—ગીતશાસ્ત્ર ૫૧:૫.

^ ફકરો. 13 એવું કહેવામાં આવે છે કે ઈસ્ટરનો તહેવાર ફિનિશિયાની પ્રજનન-દેવી અસ્ટાર્ટે સાથે પણ જોડાયેલો છે. ઈંડું અને સસલું એ દેવીનાં પ્રતીકો હતાં. અસ્ટાર્ટેની મૂર્તિઓમાં એનાં જાતીય અંગોને ખૂબ મોટાં બતાવવામાં આવે છે. અથવા એ દેવીની નજીક એક સસલું અને એના હાથમાં એક ઈંડું હોય એવું બતાવવામાં આવે છે.

^ ફકરો. 15 ઘણા દેશોમાં બીજો એક તહેવાર નાતાલ પણ ધામધૂમથી ઊજવવામાં આવે છે. નાતાલની ઉજવણી નવા વર્ષ જેવી જ હોય છે. નાતાલની ઉજવણી ક્યાંથી શરૂ થઈ એ વિષે વધારે જાણવા, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પાન ૧૫૬-૧૫૯ જુઓ.

^ ફકરો. 18 લગ્ન અને કોઈ પાર્ટી વિષે વધારે માહિતી માટે, ચોકીબુરજમાં નવેમ્બર ૧, ૨૦૦૬ પાન ૧૨-૨૩ ઉપર ત્રણ લેખો જુઓ.

^ ફકરો. 20 ધ વોચટાવર ફેબ્રુઆરી ૧૫, ૨૦૦૭ પાન ૩૦-૩૧ જુઓ.