સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ત્રણ

યહોવા ચાહે છે, તેઓને તમે પણ ચાહો

યહોવા ચાહે છે, તેઓને તમે પણ ચાહો

‘જો તું જ્ઞાની સાથે સંગત કરશે, તો તું જ્ઞાની થશે.’—નીતિવચનો ૧૩:૨૦.

૧-૩. (ક) બાઇબલ કયું સનાતન સત્ય જણાવે છે? (ખ) આપણે કેવા મિત્રો પસંદ કરીશું?

તમે કદાચ સ્પંજ (વાદળી) જોયું હશે, જે આસપાસનું પાણી શોષી લે છે. લોકો પણ સ્પંજ જેવા હોય છે. આપણે જેઓ સાથે હળતા-મળતા હોઈએ, તેઓની અસર જાણે-અજાણે આપણા વાણી-વર્તન, વિચારો અને સ્વભાવ પર થાય છે. આપણે જેમની સાથે સોબત રાખીએ, તેમની આપણા પર અસર પડશે જ.

બાઇબલ આ સનાતન સત્ય જણાવે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચનો ૧૩:૨૦) તમે પણ જોયું હશે કે જેવો સંગ તેવો રંગ. આપણા મિત્રો હોય કે સગાં, જેઓ સાથે વધારે હળીએ-મળીએ, તેઓની આપણા બોલવા-ચાલવા પર સારી કે ખરાબ અસર પડે છે.

એટલે આપણે સમજી-વિચારીને મિત્રો બનાવવા જોઈએ, જેથી ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકીએ. આપણે કોને મિત્રો તરીકે પસંદ કરીશું? યહોવા જેઓને ચાહે છે એવા લોકોને પસંદ કરીશું. યહોવાને ગમે છે એવા સુંદર ગુણો કેળવતા લોકો આપણા સૌથી સારા મિત્રો બની શકે છે. ચાલો જોઈએ કે યહોવા કેવા લોકોને મિત્ર તરીકે પસંદ કરે છે. એ જાણવાથી સારા મિત્રો બનાવવા આપણને મદદ મળશે.

યહોવા કેવા મિત્રો પસંદ કરે છે?

૪. (ક) યહોવાના મિત્ર ગણાવાનો આશીર્વાદ કેવા લોકોને મળે છે? (ખ) યહોવાએ ઇબ્રાહિમને કેમ “મારા મિત્ર” કહ્યા?

યહોવા વિશ્વના માલિક છે, એટલે તેમને મિત્ર પસંદ કરવાનો હક્ક છે. તેમના મિત્ર ગણાવું એ તો મોટો આશીર્વાદ કહેવાય! યહોવા ગમે તેવી વ્યક્તિને મિત્ર બનાવતા નથી. તે કેવા લોકોને પોતાના મિત્રો બનાવે છે? એવા લોકોને જે તેમના પર દિલથી ભરોસો મૂકે અને તેમનામાં શ્રદ્ધા રાખે. ઇબ્રાહિમનો દાખલો લો. યહોવામાં તેમની શ્રદ્ધા અતૂટ હતી. એક વાર યહોવાએ તેમની શ્રદ્ધાની આકરી કસોટી કરી. ઇબ્રાહિમને તેમના એકના એક દીકરા ઇસહાકનું બલિદાન આપવાનું કહ્યું! * ઇબ્રાહિમે શું કર્યું? તે તરત બલિદાન આપવા તૈયાર થઈ ગયા. તેમને પૂરી શ્રદ્ધા હતી કે ઇસહાકનું મરણ થાય તોપણ, ‘ઈશ્વર તેને મૂએલામાંથી ઉઠાડી શકે છે.’ (હિબ્રૂ ૧૧:૧૭-૧૯) આ બતાવે છે કે યહોવાની કોઈ પણ આજ્ઞા પાળવા ઇબ્રાહિમ તૈયાર હતા. એટલે જ યહોવાએ તેમને “મારા મિત્ર” કહ્યા.—યશાયા ૪૧:૮; યાકૂબ ૨:૨૧-૨૩.

૫. જેઓ પ્રેમને લીધે યહોવાનું કહેવું માને છે તેઓને તે કેવા ગણે છે?

યહોવા એવા લોકોને અનમોલ ગણે છે, જેઓ તેમનું કહેવું માને છે. ખાસ કરીને તે એવા ભક્તોને ચાહે છે, જેઓ ગમે એવા મુશ્કેલ સંજોગોમાં પણ તેમને આધીન રહે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૮) આ પુસ્તકના પહેલા પ્રકરણમાં આપણે જોઈ ગયા કે જ્યારે પ્રેમને લીધે લોકો યહોવાની આજ્ઞાઓ પાળે છે, ત્યારે તે બહુ રાજી થાય છે. બાઇબલ કહે છે કે “ન્યાયીઓ સાથે તે મિત્રતા રાખે છે.” (નીતિવચનો ૩:૩૨, IBSI) જે કોઈ જીવનનાં દરેક પાસાંમાં યહોવાનું કહેવું માને છે, તેઓને તે પોતાના “મંડપમાં” મહેમાન બનવાનું આમંત્રણ આપે છે. એનો શું અર્થ થાય? એ જ કે તેઓ યહોવાની ભક્તિ કરી શકે છે અને તેમને કોઈ પણ સમયે પ્રાર્થના કરી શકે છે.—ગીતશાસ્ત્ર ૧૫:૧-૫.

૬. આપણે ઈસુ પર કેવી રીતે પ્રેમ રાખી શકીએ? ઈસુ પર પ્રેમ રાખનારા લોકો વિષે યહોવાને કેવું લાગે છે?

યહોવા એવા ભક્તોને ખૂબ ચાહે છે, જેઓ તેમના વહાલા દીકરા ઈસુને ચાહે છે. ઈસુએ કહ્યું, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.” (યોહાન ૧૪:૨૩) આપણે ઈસુ પર કેવી રીતે પ્રેમ રાખી શકીએ? તેમની આજ્ઞાઓ પાળીને. જેમ કે, લોકોને યહોવાના રાજ્યનો સંદેશો જણાવીએ અને તેમની ભક્તિ કરતા શીખવીએ. (માથ્થી ૨૮:૧૯, ૨૦; યોહાન ૧૪:૧૫, ૨૧) આમ, આપણે ‘ઈસુને પગલે ચાલીને’ પણ તેમના પર પ્રેમ રાખીએ છીએ. ભલે આપણે ભૂલને પાત્ર છીએ, તોપણ ઈસુના જેવાં વાણી-વર્તન રાખવા પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. (૧ પિતર ૨:૨૧) ઈસુ માટે આપણો આવો પ્રેમ જોઈને યહોવાનું દિલ ખુશીથી છલકાઈ ઊઠે છે.

૭. આપણા મિત્રો કેવા હોવા જોઈએ?

આપણે જોઈ ગયા કે યહોવા કેવા લોકોને મિત્રો ગણે છે. તેઓ યહોવામાં પૂરી શ્રદ્ધા રાખે છે, તેમની આજ્ઞાઓ પાળે છે અને તેમને આધીન રહે છે. તેઓ ઈસુ પર પ્રેમ રાખે છે અને તેમના પગલે ચાલે છે. હવે ચાલો આપણા મિત્રો વિષે વિચારીએ: ‘શું મારા મિત્રો પણ એવા છે? યહોવાને પસંદ હોય એવા ગુણો તેઓએ કેળવ્યા છે?’ આપણા મિત્રો આવા હોય એ બહુ મહત્ત્વનું છે. શા માટે? જો તેઓએ એવા ગુણો કેળવ્યા હશે અને હોંશથી પ્રચાર કરતા હશે, તો આપણા પર સારી અસર પડશે. યહોવાને માર્ગે જિંદગીભર ચાલવાના આપણા નિર્ણયને વળગી રહેવા એવા મિત્રો સાથ આપશે.—“ સારો મિત્ર કોને કહેશો?” બૉક્સ જુઓ.

બાઇબલના દાખલાઓમાંથી શીખીએ

૮. (ક) નાઓમી અને રૂથના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું? (ખ) ત્રણ હેબ્રી યુવાનોની દોસ્તી વિષે તમને કેવું લાગે છે? (ગ) પાઉલ અને તિમોથી વિષે તમને શું ગમ્યું?

બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તોના દાખલા છે, જેઓને સારા મિત્રો પસંદ કરવાથી ઘણો લાભ થયો હતો. તેઓ વચ્ચે ગાઢ સંબંધ હતો. દાખલા તરીકે, રૂથ અને તેની સાસુ નાઓમી; બાબેલોનમાંના ત્રણ હેબ્રી યુવાનો; પાઉલ અને તિમોથી. તેઓ વિષે તમને બાઇબલમાંથી વધારે જાણવા મળશે. (રૂથ ૧:૧૬; દાનિયેલ ૩:૧૭, ૧૮; ૧ કરિંથી ૪:૧૭; ફિલિપી ૨:૨૦-૨૨) દાઉદ અને યોનાથાન પણ એકબીજાના જિગરી દોસ્ત હતા. ચાલો હવે તેઓનો વિચાર કરીએ.

૯, ૧૦. દાઉદ અને યોનાથાનની પાક્કી દોસ્તીનું કારણ શું હતું?

બાઇબલ જણાવે છે કે દાઉદે ગોલ્યાથને મારી નાખ્યો એ પછી, “યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, ને યોનાથાન તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ કરવા લાગ્યો.” (૧ શમુએલ ૧૮:૧) યોનાથાન તો દાઉદથી ઉંમરમાં ઘણા મોટા હતા. * તોપણ, તેઓ એકબીજાના જિગરી દોસ્ત બન્યા. તેઓની દોસ્તીનું કારણ શું હતું?

૧૦ દાઉદ અને યોનાથાન બંને દિલોજાનથી યહોવાને ચાહતા હતા. તેઓ કોઈ પણ સંજોગમાં યહોવાને જ વળગી રહીને, તેમની ભક્તિ કરવા માંગતા હતા. આ તેઓની પાક્કી દોસ્તીનું મુખ્ય કારણ હતું. દાઉદે નાની ઉંમરે યહોવા માટે જે હિંમત અને હોંશ બતાવી, એ યોનાથાનને સ્પર્શી ગઈ. દાઉદે પણ જોયું કે યોનાથાનને યહોવા પર કેટલો પ્રેમ છે, જેના લીધે તે તેમને બહુ માન આપતા હતા. યોનાથાન જાણતા હતા કે યહોવાએ દાઉદને રાજા તરીકે પસંદ કર્યા છે. યોનાથાને એ નિર્ણય પૂરા દિલથી સ્વીકાર્યો અને પોતે રાજા બનવાની ઇચ્છા રાખી નહિ. દાઉદે પોતે એ જોયું હતું. ચાલો એક દાખલો લઈએ. દુષ્ટ રાજા શાઉલ, યોનાથાનના પિતા હતા. તેમના ક્રોધથી બચવા દાઉદે પહાડો અને જંગલોમાં સંતાઈ રહેવું પડતું. એવા સંજોગોમાં એક વાર દાઉદ ઘણા જ નિરાશ થઈ ગયા હતા. યોનાથાન પોતાની દોસ્તી નિભાવવા દૂર સુધી ‘દાઉદને મળવા ગયા’ અને હિંમત આપી કે ઈશ્વર તેમનું રક્ષણ કરશે. (૧ શમુએલ ૨૩:૧૬) જરા વિચારો કે દાઉદને કેટલી હિંમત મળી હશે! તેમના જિગરી દોસ્તે ખરા સમયે તેમને સાથ આપ્યો, ઉત્તેજન આપ્યું. * તેઓની દોસ્તી યોનાથાનના મરણ સુધી અતૂટ રહી.—૨ શમુએલ ૧:૨૬.

૧૧. દાઉદ અને યોનાથાનની દોસ્તીમાંથી તમે શું શીખ્યા?

૧૧ આપણે દાઉદ અને યોનાથાનની દોસ્તીમાંથી શું શીખીએ છીએ? આપણે જોયું કે મિત્રો દિલથી યહોવાની ભક્તિ કરતા હોય એ બહુ મહત્ત્વનું છે. જ્યારે દોસ્તો યહોવા પર શ્રદ્ધા રાખતા હોય, તેમના કહેવા પ્રમાણે ચાલતા હોય, ત્યારે દોસ્તી ગાઢ બને છે. આવા દોસ્તો હશે તો આપણા વિચારો, લાગણીઓ અને અનુભવોથી એકબીજાને ઉત્તેજન આપી શકીએ છીએ. (રોમનો ૧:૧૧, ૧૨) યહોવાના ભક્તોમાં એવા જ મિત્રો મળી રહે છે. પણ શું યહોવાના ભક્તોની સભાઓમાં આવનાર દરેકની સોબત સારી સોબત કહેવાય? ના, હંમેશાં એવું નથી હોતું.

મિત્રોની પસંદગી કઈ રીતે કરશો?

૧૨, ૧૩. (ક) મંડળમાં પણ મિત્રોની પસંદગી કરતી વખતે કેમ ધ્યાન રાખવું જોઈએ? (ખ) પહેલી સદીનાં અમુક મંડળમાં કઈ તકલીફ ઊભી થઈ હતી? પાઉલે કઈ કડક ચેતવણીઓ આપવી પડી?

૧૨ મિત્રો એવા હોવા જોઈએ, જેઓ આપણને યહોવાની ભક્તિમાં આગળ ને આગળ વધવા મદદ કરે. એટલે મંડળમાં પણ આપણા મિત્રોની પસંદગી સમજી-વિચારીને કરવી જોઈએ. કોઈ પણ ઝાડ પર બધાં ફળ એકસાથે પાકી જતાં નથી. કોઈ જલદી પાકે તો કોઈને વાર લાગે. એ જ રીતે, મંડળમાં અમુક જલદીથી યહોવા જેવો સ્વભાવ કેળવીને તેમની ભક્તિમાં ઝડપથી પ્રગતિ કરે છે, જ્યારે કે અમુકને સમય લાગે છે. (હિબ્રૂ ૫:૧૨–૬:૩) ખરું કે જેઓ નવા છે કે પછી જેઓને યહોવાની ભક્તિમાં પ્રગતિ કરતા વાર લાગે છે, તેઓને આપણે મદદ કરવા માગીએ છીએ. એટલે તેઓ સાથે પ્રેમ અને ધીરજથી વર્તીશું.—રોમનો ૧૪:૧; ૧૫:૧.

૧૩ જોકે, કોઈ વાર એવું પણ બને કે આપણે મંડળમાં અમુક વ્યક્તિઓથી સાવધ રહેવું પડે. કદાચ કોઈનાં વાણી-વર્તન સારાં ન હોય, કોઈ કચકચ કરતું હોય કે પછી કોઈના મનમાં કડવાશ ભરેલી હોય. આવી તકલીફો પહેલી સદીનાં અમુક મંડળમાં પણ હતી. મોટા ભાગના ભાઈ-બહેનો દિલથી યહોવાની ભક્તિ કરતા, પણ અમુકનું વલણ સારું ન હતું. કરિંથ મંડળમાં કેટલાક એવા પણ હતા, જેઓ ખ્રિસ્ત વિષેની અમુક માન્યતા સ્વીકારવા તૈયાર ન હતા. એટલે પાઉલે મંડળને આ ચેતવણી આપવી પડી: “ભૂલશો નહિ; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કરિંથી ૧૫:૧૨, ૩૩) તિમોથીને પણ પાઉલે કહ્યું હતું કે મંડળમાં અમુક એવા ભાઈ-બહેનો હશે, જેઓ સત્યને વળગી રહેતા નથી. તેમણે તિમોથીને કહ્યું હતું કે આવા ભાઈ-બહેનોની વધારે સંગત ન રાખે.—૨ તિમોથી ૨:૨૦-૨૨.

૧૪. પાઉલે સોબત વિષે આપેલી ચેતવણી પાછળ રહેલો સિદ્ધાંત આપણે કેવી રીતે લાગુ પાડી શકીએ?

૧૪ પાઉલે જે ચેતવણીઓ આપી, એની પાછળ રહેલો સિદ્ધાંત આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ? આપણા વાણી-વિચારોને ભ્રષ્ટ કરે એવી કોઈ પણ વ્યક્તિ સાથે દોસ્તી ન કરીએ, ભલે પછી તે મંડળના કોઈ ભાઈ-બહેન હોય. (૨ થેસ્સાલોનિકી ૩:૬, ૭, ૧૪) આપણે એવું કંઈ પણ ન કરીએ જેથી યહોવા સાથેનો નાતો તૂટી જાય. જરા વિચારો, સ્પંજને ગંદા પાણીમાં બોળીને નિચોવીશું તો શું ચોખ્ખું પાણી નીકળશે? ના! એ જ રીતે, જો ખરાબ સોબત રાખીએ તો આપણામાંથી સારા ગુણો બહાર આવવાની આશા કઈ રીતે રાખી શકીએ? ભૂલીએ નહિ કે જેવી સોબત તેવી અસર!—૧ કરિંથી ૫:૬.

યહોવાના ભક્તોમાં આપણને સારા મિત્રો મળી શકે છે

૧૫. મંડળમાં યહોવાની ભક્તિમાં ઉત્સાહી હોય એવા મિત્રો તમે કેવી રીતે શોધી શકો?

૧૫ જોકે, મંડળમાં એવા ઘણા છે જેઓમાંથી આપણે સારા મિત્રો પસંદ કરી શકીએ. (ગીતશાસ્ત્ર ૧૩૩:૧) મંડળમાં યહોવાની ભક્તિમાં ઉત્સાહી હોય એવા મિત્રો તમે કઈ રીતે શોધી શકો? ખરું કે તમે ઈશ્વર જેવા ગુણો કેળવશો તેમ, જે ભાઈ-બહેનો પણ એમ કરવાની કોશિશ કરે છે, તેઓ તમારી તરફ ખેંચાઈ આવશે. પરંતુ, સારા મિત્રો શોધવા તમે પોતે પણ કંઈક કરો. ઈશ્વર જેવા ગુણો કેળવતા હોય એવા ભાઈ-બહેનોને પસંદ કરો. (“ અમે આ રીતે મિત્રો બનાવ્યા . . . ” બૉક્સ જુઓ.) બાઇબલ સલાહ આપે છે કે “પ્રફુલ્લિત હૃદયવાળા થાઓ.” એટલે કે બધાની સાથે હળો-મળો, ભલે તેઓ ગમે એ નાત-જાત, રંગ કે દેશના હોય. (૨ કરિંથી ૬:૧૩; ૧ પિતર ૨:૧૭) ફક્ત તમારી ઉંમરના સાથે જ સંગત ન રાખો. યાદ કરો કે દાઉદથી યોનાથાન ઘણી મોટી ઉંમરના હતા, તોપણ તેઓ જિગરી દોસ્ત હતા. તમે પણ મોટી ઉંમરના ભાઈ-બહેનો સાથે સંગત રાખશો તો, તેમના અનુભવમાંથી ઘણો લાભ લઈ શકશો.

તકલીફો ઊભી થાય ત્યારે શું કરવું?

૧૬, ૧૭. કોઈ ભાઈ કે બહેન ખોટું લગાડે તો આપણે કેમ મંડળમાં આવવાનું બંધ નહિ કરી દઈએ?

૧૬ મંડળમાં બધાય એકસરખા નથી. આપણે જુદા જુદા સમાજ અને કુટુંબમાંથી આવીએ છીએ, એટલે આપણામાં ફરક તો રહેવાનો જ. એના લીધે અમુક તકલીફો ઊભી થઈ શકે. બની શકે કે મંડળમાં કોઈ એવું કંઈક કહે કે કરે, જેનાથી આપણી લાગણી દુભાય. (નીતિવચનો ૧૨:૧૮) આપણા વિચારો અને સ્વભાવ અલગ હોવાથી કે પછી કોઈ ગેરસમજ થઈ હોવાથી, અમુક વાર નાની તકલીફો મોટું રૂપ લઈ લે છે. જો એમ થાય, તો શું આપણે ખોટું લગાડીને મંડળમાં આવવાનું બંધ કરી દઈશું? ના, જો આપણે યહોવાને અને તેમના ભક્તોને ખરા દિલથી ચાહતા હોઈશું, તો એમ નહિ કરીએ.

૧૭ યહોવા તો આપણા સર્જનહાર છે, આપણું પાલન-પોષણ કરનાર છે. આપણે પ્રેમથી તેમની જ ભક્તિ કરવી જોઈએ. (પ્રકટીકરણ ૪:૧૧) તેમણે મંડળની ગોઠવણ કરી છે, એને પણ આપણે પૂરો ટેકો આપવો જોઈએ. (હિબ્રૂ ૧૩:૧૭) એટલે કોઈ આપણને ખોટું લગાડે તો, આપણા દિલ પર જે વીતે છે એ બતાવવા મંડળમાં આવવાનું બંધ નહિ કરી દઈએ. યહોવાએ તો આપણને ખોટું લગાડ્યું નથી. આપણે યહોવાને દિલોજાનથી ચાહીએ છીએ. એટલે કદીયે તેમનો કે તેમના ભક્તોનો સાથ છોડીશું નહિ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫.

૧૮. (ક) મંડળમાં સંપ જાળવી રાખવા આપણે શું કરવું જોઈએ? (ખ) ખોટું લગાડનારે પસ્તાવો કર્યો હોય તો તેમને માફ કરવાથી શું લાભ થશે?

૧૮ આપણને ભાઈ-બહેનો માટે પ્રેમ હશે તો મંડળમાં સંપીને રહીશું. યહોવા જેઓને ચાહે છે તેઓ પાસે એવી અપેક્ષા નથી રાખતા કે તેઓથી ભૂલ નહિ થાય. આપણે પણ ભાઈ-બહેનો પાસેથી એવી અપેક્ષા ન રાખવી જોઈએ. યાદ રાખીએ કે આપણા બધાથી ભૂલો થાય છે. ભાઈ-બહેનો પરના પ્રેમના લીધે તેઓની નાની-નાની ભૂલો જતી કરીએ. (નીતિવચનો ૧૭:૯; ૧ પિતર ૪:૮) આવો પ્રેમ આપણને પૂરા દિલથી ‘એકબીજાને માફ કરવા’ મદદ કરે છે. (કલોસી ૩:૧૩) ખરું કે આ સલાહ પાળવી હંમેશાં સહેલી નથી. એવું બની શકે કે કોઈ ખોટું લગાડે ત્યારે, આપણે મનમાં ગુસ્સો ભરી રાખીને તેમની સાથે વાત જ ન કરીએ. કદાચ એમ વિચારીએ કે ‘તે એ જ લાગનો છે.’ એમ કરવાથી તો આપણને જ નુકસાન થશે, આપણું દિલ કડવાશથી ભરાઈ જશે. ખોટું લગાડનારે પસ્તાવો કર્યો હોય તો, આપણે તેમને દિલથી માફ કરવા જોઈએ. (લૂક ૧૭:૩, ૪) એનાથી આપણને મનની શાંતિ મળશે. મંડળમાં સંપ રહેશે. સૌથી મહત્ત્વનું તો, યહોવા સાથેનો આપણો ગાઢ સંબંધ જળવાઈ રહેશે.—માથ્થી ૬:૧૪, ૧૫; રોમનો ૧૪:૧૯.

કોની સાથે જરાય સોબત ન રાખવી?

૧૯. કેવા સંજોગોમાં મંડળના કોઈ ભાઈ કે બહેનની બિલકુલ સોબત ન રાખવાનું કહેવામાં આવે છે?

૧૯ કોઈ વાર મંડળના અમુક ભાઈ કે બહેન સાથે બિલકુલ સોબત ન રાખવાનું આપણને કહેવામાં આવે છે. એનાં અનેક કારણો હોઈ શકે. જેમ કે, એ વ્યક્તિએ ઈશ્વરની કોઈ આજ્ઞા તોડી હોય અને એનો કોઈ પસ્તાવો પણ કરતી ન હોય. અથવા તે જૂઠી માન્યતાઓ શીખવીને યહોવાનો વિરોધ કરતી હોય. એમ પણ બને કે તે વ્યક્તિ પોતાની મરજીથી મંડળમાં રહેવા માગતી ન હોય. બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે “એવાની સોબત તમારે કરવી નહિ.” * (૧ કરિંથી ૫:૧૧-૧૩; ૨ યોહાન ૯-૧૧) ખાસ કરીને જો તે આપણા મિત્ર કે સગા-વહાલા હોય, તો એમ કરવું મુશ્કેલ બને છે. તોપણ, શું આપણે યહોવાના નિયમો પાળીને તેમને વફાદાર રહીશું? આપણે કોઈ પણ સંજોગોમાં યહોવાની આજ્ઞાઓ દિલથી પાળીને તેમને વળગી રહેવા માંગીએ છીએ. યહોવાને મન એ જ સૌથી મહત્ત્વનું છે.

૨૦, ૨૧. (ક) બહિષ્કૃત કરવાની ગોઠવણમાં કેવી રીતે યહોવાનો પ્રેમ જોવા મળે છે? (ખ) આપણે કેમ સમજી-વિચારીને મિત્રો પસંદ કરવા જોઈએ?

૨૦ ખોટું કરનારને બહિષ્કૃત કરવાની ગોઠવણમાં યહોવાનો પ્રેમ જોવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ યહોવાનો નિયમ તોડીને પસ્તાવો કરતી નથી, ત્યારે મંડળ તેની સાથે સોબત તોડી નાખે છે. એમ કરવાથી મંડળ યહોવાના સિદ્ધાંતોને વળગી રહે છે. ખાસ તો યહોવા અને તેમના નામને બદનામ થવા દેતું નથી. (૧ પિતર ૧:૧૫, ૧૬) એનાથી મંડળનું પણ રક્ષણ થાય છે, કેમ કે ખોટું કરનાર વ્યક્તિની ખરાબ અસર મંડળ પર પડતી નથી. મંડળના બધા જ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતા રહે છે. એવી કોઈ ચિંતા રહેતી નથી કે દુષ્ટ દુનિયાની કોઈ પણ અસર હજુ મંડળમાં છે. (૧ કરિંથી ૫:૭; હિબ્રૂ ૧૨:૧૫, ૧૬) એવી વ્યક્તિને મંડળમાંથી કાઢી મૂકીને યહોવા તેના પર પ્રેમ બતાવે છે. કઈ રીતે? એનાથી વ્યક્તિને એવો આંચકો લાગી શકે કે તે ભાનમાં આવે અને યહોવા તરફ પાછા ફરવા જરૂરી પગલાં ભરે.—હિબ્રૂ ૧૨:૧૧.

૨૧ સાચે જ, મિત્રોની આપણા પર સારી કે ખરાબ અસર પડે જ છે. જેવો સંગ તેવો રંગ! એટલે સમજી-વિચારીને મિત્રો પસંદ કરીએ. યહોવા જેઓને ચાહે છે તેઓને આપણે ચાહીએ. તેમના મિત્રોને આપણા મિત્રો બનાવીએ. એવા મિત્રો બીજે ક્યાંય નહિ મળે! યહોવાની તન-મનથી ભક્તિ કરતા રહેવા, આપણને તેઓની સોબત મદદ કરશે.

^ ફકરો. 4 ઇબ્રાહિમને ઇસહાકનું બલિદાન આપવા કહીને, યહોવાએ ઝલક આપી કે પોતે પણ ભવિષ્યમાં પોતાના વહાલા દીકરાનું બલિદાન આપશે. (યોહાન ૩:૧૬) જોકે યહોવાએ ઇસહાકનું બલિદાન આપવા ન દીધું. એને બદલે, તેમણે એક ઘેટું પૂરું પાડ્યું અને એનું બલિદાન સ્વીકાર્યું.—ઉત્પત્તિ ૨૨:૧, ૨, ૯-૧૩.

^ ફકરો. 9 દાઉદ હજુ ‘જુવાન જ’ હતા ત્યારે તેમણે ગોલ્યાથને મારી નાખ્યો હતો. (૧ શમુએલ ૧૭:૩૩) યોનાથાન સાઠેક વર્ષની ઉંમરે માર્યા ગયા ત્યારે દાઉદ ત્રીસેક વર્ષના જ હતા. (૧ શમુએલ ૩૧:૨; ૨ શમુએલ ૫:૪) એ બતાવે છે કે દાઉદથી યોનાથાન ત્રીસેક વર્ષ મોટા હતા.

^ ફકરો. 10 દાઉદને ઉત્તેજન આપવા યોનાથાને ૧ શમુએલ ૨૩:૧૭માં આ પાંચ બાબતો જણાવી હતી: (૧) તેમણે દાઉદને અરજ કરી કે ગભરાઈશ નહિ. (૨) તેમણે દાઉદને ખાતરી આપી કે શાઉલના પ્રયત્નો સફળ નહિ થાય. (૩) તેમણે યાદ અપાવ્યું કે યહોવાના વચન પ્રમાણે દાઉદ જ રાજા બનશે. (૪) તેમણે દાઉદને વચન આપ્યું કે પોતે વિશ્વાસઘાત નહિ કરે. (૫) તેમણે જણાવ્યું કે શાઉલને પણ ખબર હતી કે યોનાથાન દાઉદના પક્ષે છે.

^ ફકરો. 19 મંડળે જેમને બહિષ્કૃત કર્યા હોય અથવા જેમણે પોતાની મરજીથી મંડળની સોબત તોડી નાખી હોય, તેમની સાથે કેવી રીતે વર્તવું એના વિષે વધારે માહિતીમાં “બહિષ્કૃત થયેલાઓ સાથે કઈ રીતે વર્તવું?” લેખ જુઓ.