સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે માહિતી

બહિષ્કૃત થયેલાઓ સાથે કઈ રીતે વર્તવું?

બહિષ્કૃત થયેલાઓ સાથે કઈ રીતે વર્તવું?

જ્યારે કોઈ ભાઈ કે બહેન મોટું પાપ કરે અને પસ્તાવો ન કરે, ત્યારે તેમને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે. એટલે કે મંડળ તેમની સંગત રાખવાનું બંધ કરી દે છે. કોઈ મિત્ર કે સગા-વહાલા સાથે આવું બને ત્યારે, આપણને વધારે આઘાત લાગે છે. આ વિષે બાઇબલની સલાહ આપણે કેટલી હદે પાળીએ છીએ, એના પરથી દેખાઈ આવશે કે આપણને યહોવા માટે કેટલો પ્રેમ છે. એ પણ દેખાઈ આવશે કે તેમની આ ગોઠવણને આપણે કેટલું માન આપીએ છીએ. * ચાલો આ વિષે ઊભા થતા અમુક સવાલો વિચારીએ.

બહિષ્કૃત કર્યા હોય, તેમની સાથે કેવી રીતે વર્તવું જોઈએ? બાઇબલ જણાવે છે કે ‘જેઓ આપણા ભાઈઓ કહેવાય છે તેઓમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનાર, દારૂડિયો કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ અને એવાની સાથે ખાવું પણ નહિ.’ (૧ કરિંથી ૫:૧૧) જે “ખ્રિસ્તના બોધને વળગી રહેતો નથી,” તેના વિષે આપણે આમ વાંચીએ છીએ: “તેને ઘરમાં પેસવા ન દો, ને તેને ક્ષેમકુશળ ન કહો. કેમ કે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેનાં દુષ્કર્મોનો ભાગીદાર થાય છે.” (૨ યોહાન ૯-૧૧) એવી વ્યક્તિ સાથે આપણે યહોવાની ભક્તિમાં કે બીજી કોઈ પણ રીતે સંગત રાખતા નથી. ઑગસ્ટ ૨૦૦૨ની આપણી રાજ્ય સેવા પાન ૩, ફકરો ૪ જણાવે છે: “કોઈ વ્યક્તિને જો આપણે ફક્ત, ‘કેમ છો’ કહીએ તો, કદાચ આપણે તેની સાથે વધારે વાત કરવા કે મિત્ર બનાવવા પહેલ કરતા હોઈ શકીએ. શું આપણે બહિષ્કૃત વ્યક્તિને મિત્ર બનાવવા ઇચ્છીએ છીએ?”

શું તેમની સાથે કોઈ જ સંગત ન રાખવી? હા, તેઓની કોઈ જ સંગત ન રાખવી જોઈએ. એનાં અમુક કારણો છે. પહેલું, એમ કરવાથી આપણે યહોવાને વળગી રહીએ છીએ, તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ છીએ. ફક્ત સહેલું લાગે ત્યારે જ નહિ, અઘરું લાગે ત્યારે પણ યહોવાને વળગી રહીએ છીએ. યહોવા પર પૂરા હૃદયથી પ્રેમ રાખવાનો અર્થ થાય કે તેમની બધી આજ્ઞાઓ પાળીએ. આપણે જાણીએ છીએ કે તે પ્રેમથી ભરપૂર છે. તેમનો ઇન્સાફ, અદલ ઇન્સાફ છે. તેમના નીતિ-નિયમો આપણા જ ભલા માટે છે. (યશાયા ૪૮:૧૭; ૧ યોહાન ૫:૩) બીજું, પાપ કરનારની સંગત ન રાખવાથી આપણું પોતાનું અને મંડળનું રક્ષણ થાય છે. એવી વ્યક્તિના ખરાબ વલણની અસર બધા પર પડતી નથી અને મંડળનું નામ બદનામ થતું નથી. (૧ કરિંથી ૫:૬, ૭) ત્રીજું, આપણે બાઇબલના સિદ્ધાંતોને વળગી રહીએ ત્યારે, ખોટું કરનારને મદદ મળી શકે. જ્યારે વ્યક્તિ મોટું પાપ કરે ત્યારે વડીલો તેને સુધારવા ઘણા પ્રયત્ન કરે છે. તેમ છતાં જો વ્યક્તિ પસ્તાવો ન કરે, તો અમુક વડીલોની ન્યાય સમિતિએ (જ્યુડિશિયલ કમિટી) તેમને બહિષ્કૃત કરવાનો નિર્ણય લેવો પડે છે. આપણે ભાઈઓના એ નિર્ણયને ટેકો આપીએ છીએ ત્યારે, ખોટું કરનાર જોઈ શકશે કે પોતે કેવા સારા સંબંધો તોડી નાખ્યા છે. એનાથી તેને કદાચ ‘ભાન થાય’ અને એ જોવા મદદ મળે કે પોતે કેવું પાપ કર્યું છે. બની શકે કે તે યહોવા તરફ પાછા ફરવા પગલાં ભરે.—લૂક ૧૫:૧૭, IBSI.

મંડળ આપણા કોઈ સગા-વહાલા સાથે સંગત રાખવાનું બંધ કરે ત્યારે શું કરવું? એવા વખતે આપણી કસોટી થાય છે કે આપણે યહોવાને વળગી રહીશું કે કેમ. ચાલો જોઈએ કે એવા સગાની સાથે કઈ રીતે વર્તવું. ખરું કે એવા બધા જ સંજોગોની ચર્ચા અહીં કરી શકતા નથી, પણ બે સંજોગોનો વિચાર કરીએ.

બની શકે કે બહિષ્કૃત થયેલી વ્યક્તિ હજુ કુટુંબ સાથે રહે છે. એવા કિસ્સામાં કુટુંબના સંબંધો તૂટી જતા નથી. રોજનું કામકાજ અને વાતચીત તો ચાલુ રહેશે. પણ એ વ્યક્તિએ પોતે પસંદ કર્યું છે કે તેણે પોતાના કુટુંબની જેમ યહોવાના માર્ગે ચાલવું નથી. એટલે યહોવાની ભક્તિને લગતી કોઈ પણ બાબતે હવે કુટુંબ તેની સાથે વાતચીત કરશે નહિ. જ્યારે કુટુંબ બાઇબલ અભ્યાસ કરવા બેઠું હોય ત્યારે જો એ વ્યક્તિ હાજર હોય, તો ચર્ચામાં જરાય ભાગ લઈ નહિ શકે. પણ જો કુમળી કે સગીર વયના છોકરા-છોકરી બહિષ્કૃત થયા હોય, તો તેને યહોવા વિષે શીખવવાની જવાબદારી માબાપની છે. એટલે પ્રેમાળ માબાપ કદાચ હજુ પણ તેની સાથે બાઇબલ અભ્યાસ કરશે. *નીતિવચનો ૬:૨૦-૨૨; ૨૯:૧૭.

બીજા અમુક કિસ્સામાં, મંડળે સોબત તોડી નાખી હોય એવા સગા-વહાલા અલગ પણ રહેતા હોઈ શકે. એવા કિસ્સામાં કુટુંબને લગતી બાબતે વાતચીત કરવા તેઓ સાથે ભેગા મળવાનું થાય પણ ખરું. તોપણ, તેઓ સાથે જરૂર પૂરતું જ મળવાનું રાખવું. જો આપણે યહોવાને દિલથી ચાહતા હોઈએ અને તેમને વળગી રહેવા માગતા હોઈએ, તો એ વ્યક્તિને વારંવાર મળવાનાં બહાનાં નહિ શોધીએ. બાઇબલની આ ગોઠવણને માન આપીને, આપણે યહોવા અને તેમના સંગઠનને વફાદાર રહીએ છીએ. એમ કરવાથી આપણે ખોટું કરનારનું ભલું ચાહીએ છીએ. આપણે આશા રાખીએ કે આ શિક્ષાથી તેને મદદ મળે. *હિબ્રૂ ૧૨:૧૧.

^ ફકરો. 1 આ વિષય પર બાઇબલના સિદ્ધાંતો એ લોકોને પણ લાગુ પડે છે, જેઓ પોતાની મરજીથી મંડળની સોબત છોડી દે છે.

^ ફકરો. 2 કુટુંબ સાથે રહેતા બહિષ્કૃત થયેલા કુમળી વયના છોકરા-છોકરી વિષે ચોકીબુરજમાં ઑક્ટોબર ૧, ૨૦૦૧ પાન ૧૬-૧૭ અને ઑગસ્ટ ૧, ૧૯૮૯ પાન ૨૨-૨૩ જુઓ.

^ ફકરો. 1 બહિષ્કૃત થયેલા સગા-વહાલા સાથે કેવી રીતે વર્તવું, એ માટે ચોકીબુરજમાં ઑક્ટોબર ૧, ૧૯૮૮ પાન ૨૧-૨૫ અને આપણી રાજ્ય સેવા ઑગસ્ટ ૨૦૦૨ પાન ૩-૪ જુઓ.