સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ પંદર

મહેનત કરો, ખુશી પામો

મહેનત કરો, ખુશી પામો

‘દરેક મનુષ્ય પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે.’—સભાશિક્ષક ૩:૧૩.

૧-૩. (ક) ઘણા લોકોને પોતાના કામધંધા વિષે કેવું લાગે છે? (ખ) કામ વિષે બાઇબલ શું શીખવે છે? આ પ્રકરણમાં કયા સવાલો પર વિચાર કરીશું?

આજે ઘણા લોકો પોતાના કામથી ખુશ નથી. જે કામમાં ખુશી ન મળતી હોય, એમાં કલાકો સુધી મહેનત કરવી તેઓને પસંદ નથી. એટલે તેઓને રોજ કામ પર જવાનું ગમતું નથી. આવા લોકોને શું મદદ કરી શકે, જેથી કામમાં તેઓનું મન પરોવાય અને એમાં ખુશી મળે?

બાઇબલ શીખવે છે કે આપણે મહેનતુ બનીએ, કેમ કે મહેનતનાં ફળ મીઠાં હોય છે. સુલેમાને લખ્યું કે “દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું વરદાન છે.” (સભાશિક્ષક ૩:૧૩) યહોવા આપણને ખૂબ ચાહે છે. આપણા માટે જે સૌથી સારું છે એ આપવા માંગે છે. તે ચાહે છે કે આપણે પોતાના કામમાં સંતોષ મેળવીએ અને મહેનતનાં ફળ ચાખીએ. યહોવાના પ્રેમની છાયામાં રહેવા એ જરૂરી છે કે આપણે તેમની જેમ મહેનતુ બનીએ અને તેમના સિદ્ધાંતો પ્રમાણે જીવીએ.—સભાશિક્ષક ૨:૨૪; ૫:૧૮.

આ પ્રકરણમાં ચાર સવાલો પર વિચાર કરીશું: આપણે મહેનતુ બનીને ખુશી મેળવવા શું કરવું જોઈએ? સાચા ખ્રિસ્તીઓ કેવા પ્રકારનું કામ કે નોકરી કરતા નથી? આપણી ભક્તિને આડે નોકરી ન આવે એ માટે શું કરી શકીએ? અને સૌથી મહત્ત્વનું કામ કયું છે જે આપણે બધાએ કરવું જોઈએ? આ સવાલોના જવાબ જોતા પહેલાં, ચાલો વિશ્વના સૌથી મહેનતુ કારીગરો, યહોવા ઈશ્વર અને ઈસુ ખ્રિસ્તના દાખલા પર વિચાર કરીએ.

મહાન કારીગર અને કુશળ કારીગર

૪, ૫. બાઇબલ કેવી રીતે બતાવે છે કે યહોવા મહેનતુ કારીગર છે?

યહોવા સૌથી મહાન કારીગર છે. ઉત્પત્તિ ૧:૧ જણાવે છે: શરૂઆતમાં “ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.” પૃથ્વીનું સર્જન પૂરું કર્યાં પછી, ઈશ્વરને પોતે બનાવેલું બધું ખૂબ જ સારું લાગ્યું. (ઉત્પત્તિ ૧:૩૧) બીજા શબ્દોમાં કહીએ તો પૃથ્વી ઉપર તેમણે જે કંઈ બનાવ્યું, એમાં તેમને પૂરો સંતોષ મળ્યો. એમાં કોઈ શંકા નથી કે પોતાની મહેનતનું પરિણામ જોઈને યહોવાને અપાર ખુશી મળી હશે.

આપણા ઈશ્વર મહેનતુ છે અને તે કદી કામ કરવાનું બંધ કરતા નથી. પૃથ્વીનું સર્જન પૂરું થયું એના લાંબા સમય પછી, ઈસુએ કહ્યું હતું કે “મારા પિતા અત્યાર સુધી કામ કરે છે.” (યોહાન ૫:૧૭) યહોવા કેવાં કેવાં કામ કરી રહ્યા છે? તે સ્વર્ગમાંથી પૃથ્વી પર મનુષ્યોને માર્ગદર્શન આપે છે અને તેઓની સંભાળ રાખે છે. તેમણે એક “નવી ઉત્પત્તિ” કરી છે. એટલે કે પવિત્ર શક્તિથી અમુક ખ્રિસ્તીઓને પસંદ કર્યા છે, જેઓ ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરશે. (૨ કરિંથી ૫:૧૭) મનુષ્યો માટે પોતાનો હેતુ પૂરો કરવા પણ યહોવા કામ કરી રહ્યા છે. તેમનો હેતુ આ છે: જે કોઈ તેમની દિલથી ભક્તિ કરે છે, તેઓ સર્વ નવી દુનિયામાં અમર જીવન પામશે. (રોમનો ૬:૨૩) યહોવાને પોતાનાં કામનું પરિણામ જોઈને કેટલી ખુશી થતી હશે! લાખો લોકોએ રાજ્યનો સંદેશો સ્વીકાર્યો છે. તેઓને યહોવા પોતાની તરફ લઈ આવ્યા છે. તેમના પ્રેમની છાયામાં રહેવા એ લોકો જીવનમાં જરૂરી ફેરફારો કરી રહ્યા છે.—યોહાન ૬:૪૪.

૬, ૭. ઈસુએ સખત મહેનત કરવામાં કેવું સુંદર ઉદાહરણ બેસાડ્યું છે?

ઈસુએ પણ સખત મહેનત કરવામાં સુંદર ઉદાહરણ બેસાડ્યું છે. પૃથ્વી પર જન્મ લેતા પહેલાં, તેમણે ઈશ્વરના “કુશળ કારીગર” તરીકે કામ કર્યું હતું. “જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે” એ સર્વના સર્જનમાં તેમનો હાથ છે. (નીતિવચનો ૮:૨૨-૩૧; કલોસી ૧:૧૫-૧૭) પૃથ્વી પર આવીને પણ ઈસુ મહેનત કરતા રહ્યા. નાની ઉંમરથી જ તે સુથારી કામ શીખ્યા હતા. એટલે તે ‘સુથાર’ તરીકે જાણીતા બન્યા. (માર્ક ૬:૩) સુથારી કામ કંઈ સહેલું નથી. એમાં તનતોડ મહેનત કરવી પડે છે અને ઘણી આવડત કેળવવી પડે. વિચાર કરો, એ જમાનામાં લાકડાનાં કારખાનાં ન હતાં, કાપેલાં લાકડાં મળે એવી દુકાનો પણ ન હતી. લાકડું કાપવા કે એની વસ્તુઓ બનાવવા વીજળીથી ચાલતાં સાધનો પણ ન હતાં. લાકડું મેળવવા કદાચ ઈસુએ પોતે કુહાડીથી ઝાડ કાપવું પડ્યું હશે. જ્યાં કામ મળ્યું હોય ત્યાં પોતે લાકડું લઈ જવું પડ્યું હશે. આ બધું કંઈ સહેલું ન હતું. કલ્પના કરો કે ઈસુ ઘર બનાવવા લાકડાનો મોભ તૈયાર કરીને બેસાડે છે. દરવાજા બનાવે છે. ઘર માટે બીજું રાચરચીલું બનાવે છે. ઈસુએ પોતે અનુભવ કર્યો હતો કે આવડત વાપરીને સખત મહેનત કરીએ તો ઘણો સંતોષ મળે છે.

ઈસુએ પ્રચાર કાર્યમાં પણ પોતાનો જીવ રેડી દીધો હતો. સાડા ત્રણ વર્ષના એ કામમાં તેમણે રાતદિવસ સખત મહેનત કરી, કેમ કે એ સૌથી અગત્યનું કામ હતું. તે ચાહતા હતા કે રાજ્યનો સંદેશો જેમ બને એમ વધારે લોકો સુધી પહોંચે, એટલે તેમણે જરા પણ સમય બગાડ્યો નહિ. તે વહેલી સવારે ઊઠી જતા અને મોડી રાત સુધી લોકોને શીખવતા. (લૂક ૨૧:૩૭, ૩૮; યોહાન ૩:૨) ‘તે શહેરેશહેર તથા ગામેગામ ઉપદેશ કરતા અને ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા ફર્યા.’ (લૂક ૮:૧) ધૂળિયા રસ્તા પર ઈસુએ સેંકડો કિલોમીટર ચાલીને, લોકોને રાજ્યની ખુશખબર જણાવી.

૮, ૯. ઈસુએ કરેલી મહેનતનું કેવું પરિણામ આવ્યું?

ઈસુએ પ્રચાર કાર્યમાં જે મહેનત કરી, એનાથી શું તેમને સંતોષ મળ્યો? હા જરૂર! તેમણે સત્યનાં બી વાવ્યાં અને કાપણી માટે ફસલ તૈયાર કરી. ઈશ્વરનું એ કામ કરવું ઈસુને બહુ ગમતું. એમાં તેમને એટલી શક્તિ અને તાજગી મળતી કે એ કામ માટે તે ખાવા-પીવાનું પણ ભૂલી જતા! (યોહાન ૪:૩૧-૩૮) પોતાના સેવાકાર્યને અંતે તેમણે યહોવાને કહ્યું, “જે કામ કરવાનું તમે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે.” (યોહાન ૧૭:૪) આમ કહેતી વખતે તેમને કેટલો સંતોષ થયો હશે!

ખરેખર, યહોવા અને ઈસુ મહેનતુ છે અને પોતાના કામમાં તેઓને ખૂબ આનંદ મળે છે. તેઓએ આપણા માટે બહુ સારો દાખલો બેસાડ્યો છે. યહોવા માટેનો પ્રેમ આપણને ઉત્તેજન આપે છે કે ‘તેમનું અનુકરણ કરીએ.’ (એફેસી ૫:૧) ઈસુ માટેનો પ્રેમ પણ આપણને તેમના ‘પગલે ચાલવા’ પ્રેરણા આપે છે. (૧ પિતર ૨:૨૧) ચાલો હવે જોઈએ કે આપણે કેવી રીતે મહેનતુ બનીને ખુશી મેળવી શકીએ.

આપણા કામમાં ખુશી મેળવવા શું કરવું?

બાઇબલ સિદ્ધાંતોને લાગુ પાડીને મહેનતુ બનીએ છીએ ત્યારે કામમાં આનંદ મળે છે

૧૦, ૧૧. કામ વિષે યોગ્ય વલણ કેળવવા આપણને શું મદદ કરી શકે?

૧૦ નોકરી-ધંધો આપણા જીવનનો એક ભાગ છે. આપણે દરેક પોતાના કામમાં આનંદ મેળવવા ચાહીએ છીએ. પણ ઘણી વખત એ અઘરું લાગે છે, કેમ કે જે કામ કરતા હોઈએ એ કદાચ આપણને ગમતું ન હોય. આવા સંજોગમાં પોતાના કામમાં ખુશી મેળવવા શું કરી શકીએ?

૧૧ યોગ્ય વલણ કેળવીએ. આપણે કદાચ પોતાના સંજોગો બદલી ન શકીએ, પણ વલણ તો જરૂર બદલી શકીએ. કામ વિષે યહોવાને કેવું લાગે છે એના પર મનન કરવાથી, આપણે યોગ્ય વલણ કેળવી શકીએ. માનો કે નોકરીએ તમને બહુ કંટાળો આવે છે. પણ વિચાર કરો કે તમે એ નોકરી કરીને કુટુંબની જરૂરિયાતો પૂરી પાડો છો. કુટુંબની સંભાળ લેવી એ ઈશ્વરની નજરમાં નાની-સૂની વાત નથી. બાઇબલ કહે છે કે જે પોતાના કુટુંબની દેખભાળ કરતો નથી, “તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.” (૧ તિમોથી ૫:૮) કુટુંબનું ભરણ-પોષણ કરવાની જવાબદારી ઈશ્વરે તમને આપી છે, જે તમે નોકરી કરીને સારી રીતે નિભાવો છો. આ યાદ રાખવાથી તમને કામમાં આનંદ મળશે. એનાથી તમે નોકરી કરવા પાછળનો મકસદ પણ જોઈ શકશો, જે તમારી સાથે કામ કરનારા કદાચ જોઈ શકતા નથી.

૧૨. કામ પર મહેનતુ અને પ્રમાણિક રહેવાથી કેવા ફાયદા થાય છે?

૧૨ મહેનતુ અને પ્રમાણિક બનીએ. નોકરી પર આપણા કામમાં કુશળ બનીને, મહેનત કરવાથી ઘણા ફાયદા થઈ શકે. માલિકો મહેનતુ અને કુશળ લોકોની બહુ કદર કરતા હોય છે. (નીતિવચનો ૧૨:૨૪; ૨૨:૨૯) સાચા ખ્રિસ્તીઓ તરીકે આપણે નોકરીએ પ્રમાણિક પણ રહેવું જોઈએ. કામ પર પૈસા, ચીજવસ્તુઓ કે સમયની ચોરી ન કરવી જોઈએ. (એફેસી ૪:૨૮) અગાઉના પ્રકરણમાં જોઈ ગયા તેમ, પ્રમાણિક રહેવાથી ઘણા ફાયદા થાય છે. નોકરીએ પ્રમાણિક વ્યક્તિ તરીકેની શાખ હશે તો માલિક આપણા પર ભરોસો મૂકશે. માલિક આપણી મહેનત અને ઈમાનદારીની કદર ન કરે તોપણ, એ જાણીને સંતોષ મળશે કે આપણું ‘અંતઃકરણ શુદ્ધ’ છે. તેમ જ, આપણે યહોવા ઈશ્વરને ખુશ કરી રહ્યા છીએ.—હિબ્રૂ ૧૩:૧૮; કલોસી ૩:૨૨-૨૪.

૧૩. નોકરીએ સારી વર્તણૂક રાખવાથી કેવા ફાયદા થઈ શકે?

૧૩ આપણી વર્તણૂક ઈશ્વરને મહિમા આપે છે, એ યાદ રાખીએ. નોકરીએ આપણે બાઇબલનાં ઊંચાં ધોરણો પ્રમાણે ચાલીએ છીએ ત્યારે, લોકો એને ધ્યાનમાં લે છે. એનું શું પરિણામ આવી શકે? એનાથી ‘આપણા તારનાર ઈશ્વરના સુબોધને આપણે દીપાવીએ’ છીએ. (તિતસ ૨:૯, ૧૦) આપણી સારી વર્તણૂક જોઈને બીજાઓ પણ યહોવાની ભક્તિ કરવા તરફ દોરાઈ શકે. જરા વિચારો, જ્યારે કોઈ સાથી કામદાર તમારી સારી વર્તણૂક જોઈને સત્ય વિષે જાણવા માગે, ત્યારે તમને કેટલી ખુશી થશે! ખાસ તો તમારી સારી વર્તણૂકથી યહોવાને મહિમા મળે છે અને તેમનું દિલ આનંદથી ઊભરાઈ જાય છે. એનાથી વધારે બીજું શું જોઈએ!—નીતિવચનો ૨૭:૧૧; ૧ પિતર ૨:૧૨.

સમજી-વિચારીને નોકરી-ધંધો પસંદ કરો

૧૪-૧૬. નોકરી વિષે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે, આપણે કયા મહત્ત્વના સવાલો પર વિચાર કરવો જોઈએ?

૧૪ કેવી નોકરી કરવી અને કેવી નહિ, એ વિષે બાઇબલ વિગતવાર જણાવતું નથી. તોપણ, એવું નથી કે આપણે મન ફાવે એવી નોકરી કરી શકીએ. બાઇબલની મદદથી આપણે એવી નોકરી પસંદ કરી શકીએ, જેનાથી ઈશ્વર ખુશ થાય અને આપણે મન મૂકીને કામ કરી શકીએ. ઈશ્વર નારાજ થાય એવી નોકરીથી દૂર રહેવા પણ બાઇબલ મદદ કરે છે. (નીતિવચનો ૨:૬) નોકરી વિષે કોઈ પણ નિર્ણય લેતી વખતે, નીચેના બે મહત્ત્વના સવાલો પર વિચાર કરવાની જરૂર છે.

૧૫ શું નોકરી પર મારે એવું કોઈ કામ કરવું પડશે, જેને બાઇબલ ખોટું ગણે છે? બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે ચોરી કરવી, જૂઠું બોલવું અને મૂર્તિઓ બનાવવી ખોટું છે. (નિર્ગમન ૨૦:૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૯; એફેસી ૪:૨૮; પ્રકટીકરણ ૨૧:૮) જો કોઈ નોકરીમાં આવું કામ કરવું પડે, તો એને સ્વીકારીશું નહિ. યહોવા માટેનો પ્રેમ આપણને કદી પણ એવી નોકરી કે કામ સ્વીકારવાની રજા નહિ આપે, જેનાથી તેમની આજ્ઞાઓ તૂટે.—૧ યોહાન ૫:૩.

૧૬ શું આ નોકરી સ્વીકારવાથી હું કોઈ ખોટાં કામમાં ભાગીદાર બનું છું કે પછી એ કામને પ્રોત્સાહન આપું છું? એક દાખલો લો. રિસેપ્શન પર નોકરી કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ, જો કોઈ ભાઈ કે બહેનને ગર્ભપાત કેન્દ્રમાં રિસેપ્શનીસ્ટ તરીકે નોકરી મળે તો શું? ખરું કે તેમનું કામ ગર્ભપાત કરવા સાથે સીધેસીધું જોડાયેલું નથી. તોપણ, ત્યાં નોકરી કરીને એ કેન્દ્રને ચલાવવા તે મદદ કરે છે. બાઇબલ શીખવે છે કે ગર્ભપાત કરવો ખોટું છે. (નિર્ગમન ૨૧:૨૨-૨૪) આપણે યહોવાને દિલથી ચાહતા હોવાથી, બાઇબલની વિરુદ્ધ હોય એવા કોઈ પણ કામમાં જોડાઈશું નહિ.

૧૭. (ક) નોકરી વિષે નિર્ણય લેતી વખતે બીજા કયા મુદ્દાઓ પર વિચાર કરવો જોઈએ? (“ શું મારે નોકરી સ્વીકારવી જોઈએ?” બૉક્સ જુઓ.) (ખ) ઈશ્વર ખુશ થાય એવા નિર્ણયો લેવા આપણું અંતઃકરણ કઈ રીતે મદદ કરી શકે?

૧૭ પંદર અને સોળમા ફકરાના બે સવાલોના જવાબો પર સારી રીતે વિચાર કરીશું તો, નોકરી-ધંધાની પસંદગીમાં યોગ્ય નિર્ણય લઈ શકીશું. એ માટે આપણે બીજા અમુક મુદ્દાઓ વિચારવાની પણ જરૂર છે. * વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર દરેક કિસ્સામાં નિયમો બનાવે, એવી આશા ન રાખી શકાય. એટલે એવા કિસ્સામાં આપણે પોતે સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ. બીજા પ્રકરણમાં શીખી ગયા તેમ, આપણે પોતાના અંતઃકરણને કેળવવાની જરૂર છે. બાઇબલનો અભ્યાસ કરીને એના સિદ્ધાંતો કેવી રીતે રોજિંદા જીવનમાં લાગુ પાડી શકીએ, એ શીખવાની જરૂર છે. આ રીતે આપણે પોતાની ‘ઇંદ્રિયોને ખરૂંખોટું પારખવા’ કેળવીએ છીએ. પછી આપણું અંતઃકરણ એવા નિર્ણયો લેવા મદદ કરશે, જેનાથી ઈશ્વર ખુશ થાય અને તેમના પ્રેમની છાયામાં રહી શકીએ.—હિબ્રૂ ૫:૧૪.

નોકરી-ધંધાને ભક્તિની આડે આવવા ન દઈએ

૧૮. જો ધ્યાન ન રાખીએ તો આપણું કામ કેવી રીતે ભક્તિની આડે આવી શકે?

૧૮ આપણે આ દુનિયાના ‘છેલ્લા સમયમાં સંકટના વખતોમાં’ જીવી રહ્યા છીએ. આવા સમયે યહોવાની કૃપા આપણા પર રહે, એવા નિર્ણયો લેવા હંમેશાં સહેલું નથી. (૨ તિમોથી ૩:૧) નોકરી શોધવી અને ટકાવી રાખવી, ખરેખર એક પડકાર બની શકે. આપણે યહોવાને ભજતા હોવાથી, કુટુંબના ભરણ-પોષણ માટે કરવી પડતી મહેનતનું મહત્ત્વ જાણીએ છીએ. પણ જો ધ્યાન ન રાખીએ, તો નોકરી પર આવતું દબાણ અથવા ધનદોલતની લાલચ ઈશ્વરભક્તિને આડે આવી શકે. (૧ તિમોથી ૬:૯, ૧૦) ચાલો જોઈએ કે “જે શ્રેષ્ઠ છે” એ પારખવા આપણે શું કરી શકીએ.—ફિલિપી ૧:૧૦.

૧૯. આપણે શા માટે યહોવા પર પૂરો ભરોસો મૂકવો જોઈએ? આવો ભરોસો હોવાથી આપણે શું નહિ કરીએ?

૧૯ યહોવા પર પૂરો ભરોસો રાખો. (નીતિવચનો ૩:૫, ૬) યહોવા પર આપણે પૂરો ભરોસો મૂકી શકીએ, કેમ કે તે બધી રીતે આપણી સંભાળ રાખે છે. (૧ પિતર ૫:૭) તે આપણા કરતાં વધારે સારી રીતે જાણે છે કે આપણને શાની જરૂર છે. આપણી જરૂરિયાતો તે કોઈ પણ રીતે પૂરી પાડે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૫) તેથી, તેમની આ સલાહ સાંભળવી જોઈએ: ‘લોભથી દૂર રહો; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે ઈશ્વરે કહ્યું છે, કે હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.’ (હિબ્રૂ ૧૩:૫) પૂરા સમયની સેવા કરતા ઘણા ભાઈ-બહેનો સાબિતી આપશે કે ઈશ્વરે કોઈ પણ સંજોગોમાં તેઓની જરૂરિયાતો પૂરી પાડી છે. યહોવા આપણી સંભાળ રાખશે એવો પૂરો ભરોસો હશે તો, કદીયે કુટુંબનું ભરણપોષણ કરવાની વધારે પડતી ચિંતા નહિ કરીએ. (માથ્થી ૬:૨૫-૩૨) આપણા નોકરી-ધંધાને સભાઓ અને પ્રચારકામ જેવાં ભક્તિનાં કામને આડે આવવા નહિ દઈએ.—માથ્થી ૨૪:૧૪; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.

૨૦. ‘તમારી આંખ નિર્મળ રાખો,’ એનો અર્થ શું થાય? આ સલાહ પ્રમાણે જીવવા આપણે શું કરી શકીએ?

૨૦ ઈશ્વરની ઇચ્છા પહેલા પૂરી કરો. (માથ્થી ૬:૨૨, ૨૩) ઈસુએ કહ્યું હતું કે ‘તમારી આંખ નિર્મળ રાખો.’ એનો એવો અર્થ થાય કે આપણું જીવન સાદું રાખીએ. ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા પર પહેલા ધ્યાન આપવું જોઈએ. જો એમ કરીશું તો એશઆરામી જીવનનાં સપનાં જોઈશું નહિ. જેમ કે, ઊંચા પગારવાળી નોકરી નહિ શોધીએ. નવામાં નવી અને સૌથી સારી વસ્તુઓ મેળવવા પાછળ દોડીશું નહિ. આજની દુનિયા જાહેરાતોનો મારો ચલાવીને આપણને મનાવવાની કોશિશ કરે છે કે એ વસ્તુઓ વગર સુખી નહિ થઈએ. પરંતુ, આપણે એની ચાલાકીમાં આવીશું નહિ. ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા પર ધ્યાન રાખવા આપણે બીજું શું કરી શકીએ? બિનજરૂરી દેવું ન કરીએ. ઘણી બધી ચીજવસ્તુઓ ન વસાવીએ, નહિતર એની સંભાળ રાખવામાં આપણો ઘણો સમય જતો રહેશે. બાઇબલની આ સલાહ માનીએ: જો આપણી પાસે ખોરાક, કપડાં અને રહેવાને જગ્યા હોય, તો એમાં જ સંતોષ માનવો જોઈએ. (૧ તિમોથી ૬:૮) જેમ બને એમ સાદાઈથી રહેવાની કોશિશ કરીએ.

૨૧. જીવનમાં શું મહત્ત્વનું છે એ શા માટે નક્કી કરવું જોઈએ? આપણે જીવનમાં શું પહેલા હોવું જોઈએ?

૨૧ ઈશ્વરભક્તિ જીવનમાં પહેલા રાખો અને એ નિર્ણયને વળગી રહો. આપણી પાસે બહુ મર્યાદિત સમય છે, એટલે જે મહત્ત્વનું છે એને જીવનમાં પહેલા રાખવાની જરૂર છે. જો એમ નહિ કરીએ, તો જીવનમાં બહુ મહત્ત્વ ન ધરાવતી બાબતો આપણો કીમતી સમય ખાઈ જશે. પછી, મહત્ત્વની બાબતો માટે સમય નહિ બચે. આપણા જીવનમાં કેવી બાબતો પ્રથમ હોવી જોઈએ? દુનિયામાં ઘણા લોકો વધારે ભણવા પર ભાર મૂકે છે, જેથી માન-મોભો અને પૈસો મળી શકે. પરંતુ, ઈસુએ પોતાના શિષ્યોને અરજ કરી હતી કે ‘તમે પહેલા ઈશ્વરના રાજ્યને શોધો.’ (માથ્થી ૬:૩૩) ઈસુને પગલે ચાલતા હોવાથી, આપણે ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ રાખીએ છીએ. પૈસો કે એશઆરામ મેળવવા પાછળ પડતા નથી. ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી અને તેમના રાજ્ય વિષે લોકોને જણાવવું, આપણા માટે વધારે મહત્ત્વનું છે. એટલે આપણી પસંદગી, ધ્યેયો અને કાર્યોથી દેખાઈ આવવું જોઈએ કે આપણે ઈશ્વરભક્તિ જીવનમાં પ્રથમ રાખીએ છીએ.

પ્રચારમાં મહેનતુ બનીએ

પ્રચારકાર્યને જીવનમાં પ્રથમ રાખીને, આપણે યહોવા માટે ઊંડો ભક્તિભાવ બતાવીએ છીએ

૨૨, ૨૩. (ક) આપણું મુખ્ય કામ કયું છે? આપણે કેવી રીતે બતાવી શકીએ કે આ કામ સૌથી મહત્ત્વનું છે? (‘ જીવન ખુશીઓથી ભરી દેતો મારો નિર્ણય’ બૉક્સ જુઓ.) (ખ) નોકરી-ધંધા વિષે આપણે શું નિર્ણય કર્યો છે?

૨૨ આપણે દુનિયાના અંતના છેલ્લા ભાગમાં જીવી રહ્યા છીએ. એટલે આપણું પૂરું ધ્યાન પ્રચાર કરવા પર અને શિષ્યો બનાવવા પર રાખીએ છીએ. એ ઈસુના શિષ્યોનું મુખ્ય કામ છે. (માથ્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) સુંદર દાખલો બેસાડનાર ઈસુની જેમ, આપણે આ કામમાં પૂરી રીતે મંડ્યા રહેવા માંગીએ છીએ. એનાથી લોકોનું જીવન બચે છે. આપણે કેવી રીતે બતાવી શકીએ કે આ કામ સૌથી મહત્ત્વનું છે? મોટા ભાગના ઈશ્વરભક્તો મંડળના પ્રકાશકો તરીકે પૂરા દિલથી પ્રચાર કામમાં ભાગ લે છે. કેટલાક તો જીવનમાં જરૂરી ગોઠવણ કરીને પાયોનિયર કે મિશનરી બન્યા છે. ઘણાં માબાપો જોઈ શક્યાં છે કે યહોવાની ભક્તિમાં આવા ધ્યેયો બાંધવા કેટલું મહત્ત્વનું છે. એટલે તેઓએ પોતાનાં બાળકોને પૂરા સમયની સેવાને કેરિયર બનાવવા ઉત્તેજન આપ્યું છે. ઈશ્વરના રાજ્યનો સંદેશો પૂરા ઉત્સાહથી જણાવતા આ બધા ભાઈ-બહેનોને શું મહેનતનાં મીઠાં ફળ મળે છે? હા, જરૂર! પૂરા તન-મનથી યહોવાની ભક્તિ કરવાથી તેઓને જીવનમાં ખુશી, સંતોષ અને બીજા પુષ્કળ આશીર્વાદો મળે છે.—નીતિવચનો ૧૦:૨૨.

૨૩ આપણામાંથી ઘણાને કુટુંબનું ભરણ-પોષણ કરવા કામ પર ઘણા કલાકો આપવા પડે છે. પણ યાદ રાખો, યહોવા ચાહે છે કે આપણે પોતાની મહેનતનું સુખ ભોગવીએ. એટલે આપણે કામને યહોવાની નજરે જોઈએ અને તેમના સિદ્ધાંતો પ્રમાણે જીવીએ. એમ કરવાથી યહોવાની જેમ મહેનતુ બનીશું અને આપણા કામમાં સંતોષ મેળવીશું. ચાલો નિર્ણય કરીએ કે નોકરી-ધંધાને આપણા સૌથી મહત્ત્વના કામને આડે કદી આવવા નહિ દઈએ. એ કામ છે, ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવી. આ કામને જીવનમાં પ્રથમ રાખીને, યહોવા માટે ઊંડો ભક્તિભાવ બતાવીએ છીએ. આમ, આપણે તેમના પ્રેમની છાયામાં રહીએ છીએ.

^ ફકરો. 17 નોકરી વિષે ધ્યાનમાં લેવાના બીજા મુદ્દાઓ વિષે વધારે જાણવા, ચોકીબુરજમાં એપ્રિલ ૧૫, ૧૯૯૯ પાન ૨૮-૩૦ અને માર્ચ ૧, ૧૯૮૩ પાન ૨૪ જુઓ.